જોગ-વિજોગ... સંબંધોનું જમાઉધાર (પ્રકરણ ૧)

27 May, 2024 07:35 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

અનુભવે આતુરને સમજાતું ગયું કે વૈદેહી સમક્ષ તારિકાને ક્રિટિસાઇઝ કરવાનો અર્થ જ નથી

ઇલસ્ટ્રેશન

અજીબ દાસ્તાં હૈ યે...

દૂર ક્યાંક ગુંજતા લતાના ગીતે તેના હોઠ ફિક્કું મલકી પડ્યા : જિંદગીને દાસ્તાન તરીકે જુઓ તો એ ખરેખર અજીબ લાગ્યા વિના ન રહે. કોઈક વાર તો ફિલ્મોમાં બતાવે એવું પણ અસલી જિંદગીમાં બને.

ફિલ્મના ઉલ્લેખ માત્રએ સિને નટી તારિકા ગોસ્વામી સાંભરી ગઈ અને અત્યારે પણ આ નામે હળવો નિસાસો સરી ગયો વૈદેહીથી.

‘વધુ એક મિસ ઇન્ડિયાના નામે મિસ યુનિવર્સનો તાજ!’

પોતે ત્યારે બાર-તેર વરસની હશે. ટીનેજના સાવ પહેલા પગથિયે.

વૈદેહી સાંભરી રહી.

વકીલ પિતા રમેશભાઈ અને ગૃહિણી માતા મૃણાલિનીબહેનની એકની એક દીકરી તરીકે વૈદેહી ભારે લાડકોડમાં ઊછરી એમ તેના સંસ્કાર-સિંચનમાં પણ કહેવાપણું નહોતું. ઘરે આવતા અખબાર અને મૅગેઝિન પર નજર ફેરવવાનું પિતાનું જોઈને જ શીખી.

આમાં એક ન્યુઝ આંખે ચડ્યા : મિસ ઇન્ડિયા તારિકા ગોસ્વામીના મિસ યુનિવર્સ બન્યાના સમાચારથી આનંદિત થવાનું કારણ એ પણ ખરું કે તારિકાએ પોતાનો તાજ ભારતની દરેક કન્યાને ડેડિકેટ કર્યો હતો! હાઉ ટચી.

૧૩ વરસની મુગ્ધ વયને પ્રભાવિત કરવા આટલી હરકત પૂરતી હોય એમ તારિકા વૈદેહીની ફેવરિટ બની ગઈ. માંડ ૨૧ની વયે મિસ યુનિવર્સનું ટાઇટલ મેળવનારીનું ભારતમાં કેવું ભવ્ય સ્વાગત થયું, યુનાઇટેડ નેશન્સના મહિલા સશક્તીકરણ પ્રોગ્રામની તે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર નિયુક્ત થઈ છે - વૈદેહી તારિકા વિશેનું દરેક અપડેટ રાખતી થઈ.

‘મૂળ હું રાજસ્થાનના ઉદયપુરની. મારા વડવાઓ તો નાથદ્વારાના મંદિરમાં સેવા આપનારા. પિતાજીએ પરપ્રાંતીય યુવતી જોડે લવમૅરેજ કરતાં ન્યાતબહાર મુકાયા. ઉદયપુરમાં તેઓ ભાડાની રિક્ષા ફેરવતા અને ટૂંકી આવકમાં માએ અમને ચાર ભાઈ-બહેનોને કેમ મોટાં કર્યાં એ તો તે જ જાણે!’

તારિકા ઇન્ટરવ્યુઝમાં કહેતી અને વૈદેહી તેનો શબ્દેશબ્દ આત્મસાત્ કરતી. ૧૬ની થતાં સુધીમાં તો તે તારિકાની હરતીફરતી એન્સાઇક્લોપીડિયા બની ગઈ.

ચાર ભાઈ-બહેનોમાં તારિકા સૌથી નાની અને તેનાં સમણાં શરૂથી જ મોટાં.

‘અમારા પેરન્ટ્સનું રૂપ અમને સંતાનોને વારસામાં મળ્યું. સૌથી મોટા બે ભાઈ, પછી બહેન નંદિની અને છેલ્લે હું. નંદિનીદીદી મારાથી ત્રણ વરસ મોટી. સાચું કહું તો મારા કરતાંય દી રૂપાળી. હું તેમને ઘણું કહેતી કે દીદી, તારે બ્યુટી-કૉન્ટેસ્ટમાં ભાગ લેવો જોઈએ! દીદી હસી નાખતી. તે તો ખેર કૉલેજ પતાવીને પરણી ગઈ, પણ સૌંદર્યસ્પર્ધાનું સમણું જાણે-અજાણે મારું લક્ષ્ય બનતું ગયું. ટ્રસ્ટ મી; આત્મશ્રદ્ધા સિવાય મારી પાસે કોઈ મૂડી, કોઈ જ સોર્સિસ નહોતાં. અતિ સામાન્ય ઘરની દીકરી પણ ધારે તો આસમાનની બુલંદીને સ્પર્શી શકે છે એના ઉદાહરણરૂપ બન્યાનો મને ગર્વ છે.’

તેની સંઘર્ષકથા પ્રેરણાદાયી હતી. વૈદેહી તેને સોશ્યલ મીડિયામાં ફૉલો કરતી.

‘છેવટે મિસ યુનિવર્સનો બૉલીવુડ-પ્રવેશ!’

મીડિયામાં ચમકેલા ન્યુઝ વૈદેહીને પોતાની ૧૮મી વર્ષગાંઠની રિટર્ન ગિફ્ટ જેવા લાગ્યા.

‘મને ફિલ્મોની સતત ઑફર્સ મળતી હતી, બટ સિન્સ ઇટ્સ અ ડ્રીમ રોલ કાઇન્ડ ઑફ અ થિંગ ધિસ ટાઇમ હું ઇનકાર ન કરી શકી.’ તારિકાએ કહેલું.

વરસની અંદર રિલીઝ થયેલી તેની પ્રથમ ફિલ્મ ‘બાવરી’એ બૉક્સ-ઑફિસ પર તહલકો સર્જી દીધો. વૈદેહીએ તો વારંવાર થિયેટરમાં જઈને ફિલ્મ જોયેલી!

‘યુ આર અ ક્રેઝી ફૅન ઑફ હર!’ મૈત્રી કહેતી.

કૉલેજના પહેલા વર્ષમાં બેઉ ભેળાં થયાં ત્યારથી તેમની ફ્રેન્ડશિપ જામી ગયેલી. શિક્ષક માતા-પિતાની પુત્રી તરીકે મૈત્રીનું વૅલ્યુ-સ્ટ્રક્ચર પણ વૈદેહી સાથે મેળ ખાતું હતું. પરિણામે બહુ જલદી બેઉનાં સખીપણાં ગાઢ બન્યાં.

વૈદેહી તારિકાની ફૅશન-સ્ટાઇલ ફૉલો કરે, તેની ફિલ્મની સફળતા માટે ખારના ઘરથી સિદ્ધિવિનાયક મંદિરે ચાલતી જાય. માબાપ તો દીકરીને આ બાબતે કંઈ કહેતાં નહીં, પણ આ બધું ક્યારેક મૈત્રીને વધારે પડતું લાગતું અને તે વૈદેહીને ટોકતી પણ ખરી : તારિકાને તું ફૅન તરીકે વખાણે ત્યાં સુધી બરાબર, પણ તેને રોલ-મૉડલ માને એવી તેની કક્ષા છે ખરી? મને નથી લાગતું. ખરેખર તો તારે સમજવું જોઈએ કે આદર્શની મોટી-મોટી વાતો કરનારીના કથન અને કરણીમાં ફેર છે.

મૈત્રીના મુદ્દા સાચા હતા.

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ચારેક વરસ ​વિતાવ્યા પછી તારિકાની ગણના હાઇએસ્ટ પેઇડ ઍક્ટ્રેસિસમાં થતી. પોતાના રુત્બાનું અભિમાન હોય એમ તે એક્સ્ટ્રા આર્ટિસ્ટ્સ પર ભડકી જતી. ફિલ્મના પ્રમોશન માટે તે ‘વી આર અ બૅકવર્ડ કન્ટ્રી. આપણને બુલેટ ટ્રેનની નહીં, દો વક્ત કી રોટી કી ઝરૂરત હૈ’ જેવાં વિવાદાસ્પદ વિધાનો પણ કરી પાડતી.

પરિણામે તે મીડિયામાં ટ્રોલ થતી ત્યારેય વૈદેહી જોકે એના અવળા વિવાદોમાંથી સીધું જ જોતી : રોટી, કપડા, મકાન માનવીમાત્રની પ્રાથમિક જરૂરિયાત છે એનો ઇનકાર કેમ હોય? કામના સ્ટ્રેસમાં ક્યારેક કોઈને બોલીયે જવાય, બાકી તેના નામે કોઈ લવ-લફરાં નથી બોલતાં એ તો જુઓ!

‘તું તો ખરી ભક્તાણી.’ મૈત્રી પણ કંટાળીને તેને હાથ જોડતી.

વૈદેહી માટે તારિકા રહેતી એ મરીન ડ્રાઇવનો સી-ફેસ બંગલો આસ્થા-સ્થાનથી કમ નહોતો. ફેબ્રુઆરીમાં આવતા તેના બર્થ-ડેના દિવસે અચૂક ત્યાં જવાનું. બાલ્કનીમાં આવીને તે હાથ હલાવી જાય એથી કેવી ધન્યતા વ્યાપી જાય! મુંબઈમાં એકલી રહેતી તારિકાના પેરન્ટ્સ રહ્યા નથી, પણ કદી તેના બ્લૉગમાં ભાઈ-બહેન સાથેનાં સ્મરણો વહેંચે ત્યારે સુખી કુટુંબની છ​બિ ઊપસ્યા વિના ન રહે. એકાદ

અવૉર્ડ-ફંક્શનમાં બે-ચાર મિનિટ માટે તારિકાને રૂબરૂ મળવાનું સમણું સાકાર થયું એ વૈદેહીના જીવનની ધન્ય

ઘડી હતી.

‘ઓહ, તારિકા ઇઝ બ્યુટી!’

આતુરે કહેલું.

આતુરના સ્મરણમાંથી અત્યારે પણ વૈદેહીના વદન પર સુરખી ફરી વળી.

વૈદેહી પોતે ભારોભાર રૂપાળી, ભણવામાં હોશિયાર છતાં

કરીઅર-ઓરિએન્ટેડ નહોતી. ગ્રૅજ્યુએટ થયાના વરસેકમાં માબાપે મુરતિયા તરાશવા શરૂ કર્યા ત્યારે ઉમેદવારની લાયકાતની પહેલી શરત હતી - તે તારિકાનો ફૅન હોવો જોઈએ!

‘બેસ હવે. આવું કંઈ પુછાતું હશે!’ તારિકાની બાબતમાં કદાચ પહેલી વાર માએ હળવું ઠપકારીને શરત ફગાવી દીધેલી. ખેર, લગ્ન માટે જે બે-ચાર મુરતિયા જોયા એમાં ફિટનેસ-ટ્રેનર તરીકે જુહુમાં પોતાનું જિમ ધરાવતો આતુર સૌને એક નજરમાં ગમી ગયો. દેખાવમાં અત્યંત સોહામણો. જિમની કસરતથી કસાયેલો કદાવર દેહ, પણ હૃદયનો ઋજુ. માતા-પિતાની

વિદાય પછી સંસારમાં એકલો છતાં સંસ્કાર-મૂળિયાંથી જકડાયેલો. સ્વભાવે આનંદી, વ્યક્તિત્વ ઉષ્માભર્યું.

‘તમને તારિકા તો ગમે છેને?’

ખારના ઘરે ગોઠવાયેલી પહેલી મુલાકાતમાં જોતાં જ ગમી ગયેલા જુવાનને એકાંત મુલાકાતમાં ધડકતા હૈયે આટલું પૂછી વૈદેહીએ ફિંગર્સ ક્રૉસ કરી હતી.

‘તારિકા? હૂ?’ આતુર ગૂંચવાયેલો. પછી જનરલ નૉલેજ વાપર્યું, ‘ધૅટ

ફિલ્મ-ઍક્ટ્રેસ? ઓહ, શી ઇઝ અ બ્યુટી!’

હા...શ. વૈદેહી માટે આટલું

પૂરતું હતું.

‘આઇ અડૉર હર લાઇક ઍનીથિંગ. તમે તેનો રિસ્પેક્ટ રાખો એટલું તો મને જોઈશે.’

‘અફકોર્સ!’ આતુરને એમાં વાંધો શું હોય. બલ્કે વૈદેહીની નિખાલસતા તેને સ્પર્શી ગઈ હતી.

બેઉનો હકાર થયો. ગોળધાણા ખવાયા. વૈદેહી પર તારિકાનો પ્રભાવ ધીરે-ધીરે આતુર સમક્ષ ઊઘડતો ગયો.

ક્યારેક તેણે સુંદર ડ્રેસ પરિધાન કર્યો હોય ને આતુર વખાણે કે વૈદેહી પોરસાઈને કહી દે : ફલાણી મૂવીમાં તારિકાએ પહેરેલી પૅટર્ન મુજબ સ્ટિચ કરાવ્યો છે પછી રૂડો જ લાગેને!

આતુર તેને જોઈ રહે. પછી હળવેથી ગાલે ટપલી મારે : મૅડમ, એ તો ડ્રેસ તમે પહેર્યો છે એટલે ગમે છે!

વૈદેહી એવી તો મહોરી ઊઠે. પછી તેમના એકાંતમાં તારિકા ક્યાંય ન ઝળકે.

અનુભવે આતુરને સમજાતું ગયું કે વૈદેહી સમક્ષ તારિકાને ક્રિટિસાઇઝ કરવાનો અર્થ જ નથી. તેની પાસે તારિકાના બચાવની સજ્જડ દલીલ હોવાની. એટલે પછી આતુર વાતનો સૂર જ ફેરવી નાખતો.

‘જીજુ, તમે જ આને સમજાવો.’

કોઈ વાતે વૈદેહીને

મનાવવા આતુરને આગળ કરવાનું રમેશભાઈ-મૃણાલિનીબહેનની જેમ મૈત્રીને પણ ફાવી ગયું હતું. ભણીને બૅન્કમાં નોકરી કરતી થયેલી મૈત્રીને થનારા જીજુ સાથે ગોઠી ગયેલું.‍

‘મૅડમ કહે છે કે લગ્નમાં હું પાનેતર નહીં પહેરું. ફલાણી ફિલ્મમાં દુલ્હન બનતી તારિકાએ જે બ્રાઉન લેહંગો પહેર્યો હતો એની જ કૉપી પહેરીશ.’

લો બોલો! શી ઇઝ રિયલી અ ક્રેઝી ફૉલોઅર ઑફ તારિકા, માય ગૉડ!

આટલું જ આતુરના મનમાં આવ્યું. બાકી તો તેણે હસીને પરવાનગી આપી : પોતાના મૅરેજમાં વૈદેહીએ જે પહેરવું હોય એ પહેરવા દોને!

વૈદેહી આતુર પર ઓવારી ગયેલી.

અને લગ્નની પહેલી ઓરતાભરી રાતના અવસરે આતુરના અલમસ્ત ઉઘાડે પ્રસ્વેદભીની થતી માનુનીને બહુ નજાકતથી સંભાળી આતુરે પ્રણયશિખર સર કર્યું એ કેવળ તનનો મિલનોત્સવ નહોતો. બે આત્મા જાણે સદા માટે એક થઈ ગયા.

‘આઇ બેટ. તારિકા કરતાં તારાં સ્ટૅ​ટિસ્ટિક્સ વધુ પાવરફુલ છે.’

વહેલી સવારે મસ્તી માંડતા આતુરના હોઠે વૈદેહીએ આંગળી મૂકી : આપણા સંસારમાં તમે ક્યારેય કોઈ બીજી સ્ત્રીનું નામ નહીં લો.

બીજી સ્ત્રી. પરિણયની ઘડીથી વૈદેહી એટલી આતુરમય થઈ ચૂકેલી કે નન અધર ધૅન તારિકાનો ઉલ્લેખ પણ તે ખમી શકી નહોતી!

શિમલાના રંગીન હનીમૂનથી પરત થઈને દંપતી રોજિંદી ઘટમાળમાં

પરોવાયું. જુહુનું ઘર વૈદેહી માટે પ્રણયધામ બની ગયું.

ખરેખર તો દરિયાકિનારે દાદાજીએ બંધાવેલા બંગલાને તોડાવીને આતુરે પ્લૉટને બે હિસ્સામાં વહેંચી દીધો હતો. પાછલા હિસ્સામાં નીચે પાર્કિંગ, બાજુમાં જ બાર પગથિયાંનો ઉપર જતો લાંબો પહોળો દાદર જેના મથાળે ઘરનું પ્રવેશદ્વાર, ત્રણ બેડરૂમ હૉલ કિચનના ફ્લૅટની રેપ્લિકા જેવું ઘર, મથાળે ટેરેસ. ઘરનો ગેટ પણ જુદો. આગલા હિસ્સામાં બેઝમેન્ટના પાર્કિંગ સાથે બે માળનું જિમ. આગલા-પાછલા હિસ્સા વચ્ચે બાર ફુટની પાર્ટિશન-વૉલ હતી જેમાં જિમમાં અવરજવર માટેનો દરવાજો હતો. ત્યાંની પગદંડી આતુરની કૅબિન પાસે પહોંચતી એટલે જિમમાંથી કોઈએ ઘરમાં આવવું હોય તો આતુરની કૅબિનમાંથી જ જવું પડે એવી વ્યવસ્થા હતી.

વૈદેહી જોકે ભાગ્યે જ જિમમાં જતી. અદ્યતન સાધનોવાળું કસરત-કેન્દ્ર પુરજોશમાં ચાલતું. સવાર-બપોરની બે શિફ્ટમાં છ જણનો સ્ટાફ હતો. વિશ્વાક આતુરનો મુખ્ય મદદનીશ.

સુખના સંસાર પર ચોથા જ મહિને વીજળી ત્રાટકી હતી.

‘આઇ ડોન્ટ બિલીવ ઇન ગેટિંગ પ્રેગ્નન્ટ. ઇટ્સ ટાઇમ ટુ અડૉપ્ટ નો ચાઇલ્ડ પૉલિસી.’

તારિકાનો લેટેસ્ટ ઇન્ટરવ્યુ વાઇરલ થયો. એ નિહાળતી વેળા જ વૈદેહીએ ઉદરમાં ફરફરાટ અનુભવ્યો. આતુરનું બીજ ત્યાં રોપાઈ ચૂક્યું હતું!

આના ચાર-સાડાચાર મહિના પછી અત્યારે પોતાના સપાટ પેટ પર હાથ ફેરવતી વૈદેહીની પાંપણે બુંદ જામી. પ્રેગ્નન્ટ બન્યા પછીનો વળાંક સાંભરવો ન હોય એમ મક્કમપણે સ્મૃતિબારી બંધ કરી દીધી.

lll

‘મેરે ઘર આયી એક નન્હી પરી..’

ટીવીની એકાદ ચૅનલ પર ગુંજતા ગીતે આતુર પળવાર પૂતળા જેવો થયો. વહાલસોયી પરીનું આગમન અમારા જીવનમાં પણ થયું હોત, પણ...

‘આ કેવી જીદ જીજુ.’

આતુરને હજી ગઈ કાલની મૈત્રી સાથેની ટેલિટૉક સાંભરી ગઈ:

‘આજકાલ કરતાં ચાર-ચાર મહિનાથી તમે બેઉ અલગ રહો છો ને પાછા એકમેક વગર એકસરખાં ​હિજરાઓ છો. આખરે આ બધાનો અંત ક્યારે આવશે?’

દર બે-ત્રણ દિવસે મારા ખબરઅંતર પૂછવાનું ન ચૂકતી મૈત્રી સાચી મિત્ર તરીકે અમને ફરી એક કરવા ઝંખે છે. વૈદેહીનાં માવતર પણ મારી ખેરખબર પૂછતાં રહે એમાં સંબંધને જોડેલો રાખવાની ભાવના છે, પણ આ ભવમાં તો અમારું ફરી

એક થવું સંભવ લાગતું નથી. વૈદેહીનો અક્ષમ્ય અપરાધ મારાથી ભુલાતો નથી, ભુલાવાનો નથી...

પોતાની માનીતી નટીના રવાડે ચડીને મારા અંશને ગર્ભમાં જ રૂંધી નાખવાનો અપરાધ!

નો વૈદેહી, આઇ ઍમ નૉટ ગોઇંગ ટુ ફર​ગિવ યુ... નેવર!

 

(ક્રમશ:)

columnists Sameet Purvesh Shroff