જિગરનાં અમી- મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે (પ્રકરણ ૫)

15 November, 2024 01:02 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

સવારે ઊઠતી વેળા અમાત્યની નજર ડ્રેસના પૉકેટમાંથી ડોકિયું કરતી ચિઠ્ઠી પર પડી

ઇલસ્ટ્રેશન

હાય રાજા.’

નવા વર્ષની મોડી રાતે ઘરનાં સૌ ગાઢ નિદ્રામાં હતાં ત્યારે મેડીની અગાશીમાં આવી શ્વેતાએ ફોન જોડ્યો.

ખરેખર તો પેલા દિવસે બ્લૅકમેઇલરની ઓળખ પડ્યા પછી તેણે કૉલ જોડી ખાતરી કરેલી ઃ ‘એય, તું તારાબાઈવાળો રાજા છેને? ભણવાને બદલે આવા ધંધા કરે છે?’ જવાબમાં તેણે નફ્ફટાઈ દાખવેલી ઃ ‘હું જાણું છું કે તું મને જોઈ-ઓળખી ગઈ છે. તો મારા પિતા કેટલા વગદાર છે એ પણ જાણી લે...’ પિતાની પહોંચનાં ગુણગાન ગાઈ તેણે ધમકી દોહરાવતાં શ્વેતાએ સરેન્ડર થવાનું દાખવવું પડેલું ઃ ‘હું તું કહેશે એમ કરીશ...’

-‘પણ હવે હું કહું એમ રાજા કરે એવું થવાનું છે...’ શ્વેતાએ કૉલ જોડ્યો ઃ ‘હાય રાજા.’

‘બોલ મારી રાણી.’

વીસ વર્ષના છોકરાનો વિષયયુક્ત અવાજ શ્વેતાને અકળાવી ગયો, પણ જતાવ્યું નહીં.

‘તું મને અમાત્યથી છૂટી થવાનું કહે છે રાજા, મને એનો વાંધો નથી. તેના ઘરનાં મને ક્યારેય ગમ્યાં નથી એ તો તું ઋત્વીના કિસ્સાથી જાણે જ છે. વિશાલને તું સાચવી લઈશ, તારી પાસે પૈસોય મજબૂત છે, બસ એ સિવાય મને એક વાતની ખાતરી જોઈએ.’

શ્વેતાએ હળવેકથી જાળ નાખી,

‘તું જાણે છે અમાત્ય કેવો હટ્ટોકટ્ટો છે. એક રાત મને જંપવા નથી દેતો. મને એની આદત છે એટલે શંકા રહે છે કે અમાત્યના હૉર્સપાવર સામે તું સાવ છોકરડા જેવો...’

‘ડોન્ટ કૉલ મી એ બૉય! હું કેવો મરદ છું એ તારાબાઈને પૂછી જો.’

‘ઓહ, રાધિકાએ રાજાને તારાબાઈના દીકરા જેવો કહેતાં તે કેમ રાતીપીળી થયેલી એ સંદર્ભ હવે સમજાયો!’

‘હું કોઈને શું કામ પૂછું, તું જાતે જ મને રીઝવી ખાતરી કરાવને.’

‘હેં... શ્વેતા સામેથી મને
શૈયાસુખ માટે નિમંત્રે છે?’ રાજાની સીટી સરી ગઈ.

‘મેં બધું ગોઠવી દીધું છે. કાલે ભીઈબીજે અમાત્ય-વિશાલ સહિત મારાં સાસરિયાં કુળદેવીની પૂજા માટે દૂરના ગામ જવાનાં છે, માંદગીના બહાને હું નથી જવાની. આખો દિવસ હું ઘરે એકલી હોઈશ... તારે ખાતર!’

પછી રાજાનો વહેમ ટાળવા ઉમેર્યું, ‘તારી પાસે મારી વિરુદ્ધ પુરાવો છે એટલે તને કોઈ રીતે ફસાવવાનું મને પરવડે નહીં એટલી સામાન્ય બુદ્ધિ તો તને હોય જ...’ કહી તેનું પાણી માપતી હોય એમ પડકાર આપ્યો, ‘મને છોકરડો નહીં, ભડવીર જોઈએ રાજા, જે મારા જ સાસરામાં મને ભોગવી જાણવાના ગુણ ધરાવતો હોય!’

‘એમ!’ તીર નિશાને લાગ્યું, ‘તો તુંય જોઈ લે, કાલે અમાત્યની રૂમમાં, અમાત્યના પલંગ પર તને કેવી પટકું છું.’

તેના જોશે શ્વેતા મનમાં જ મલકી ઃ ‘તું કાલે આવ તો ખરો!’

lll

ફોન પતાવીને શ્વેતા કાગળ-પેન લઈને ચિઠ્ઠી લખવા બેઠી ઃ

‘મારા પ્રાણથીય પ્યારા અમાત્ય,

તમે આ ચિઠ્ઠી વાંચશો ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં.

જોકે મારા જતાં પહેલાં તમે મારો ગુનો જાણી જ લેશો, છતાં આજે અહીં બધું કબૂલી લેવું છે... (અને રસીલાકાકીનાં વૈતરાંથી શરૂ કરી પોતાની ફૅમિલીની મર્યાદિત વ્યાખ્યાનો ખુલાસો કરી શ્વેતા ઉમેરે છે...)

મેં કેવળ કાકીનું વૈતરું જોયું, દાદા-દાદીની સેવાથી તેમને કેટલો સંતોષ, કેટલા આશીર્વાદ મળ્યા એ જમા બાજુ મારી કદી નજર જ ન ગઈ.... અહીં પણ મા-પિતાજીના લાડ, દીદી-જીજુના વહાલથી હું અસ્પૃશ્ય રહી. સમજી જ નહીં કે જિગરનાં અમી તો અખૂટ હોય. વહાલને વરસાવો એટલું એ વધે.

સાચું કહું તો તમારી થોડા સમયની રુક્ષતા મારા એક સમયના સંકુચિત માનસની સજા હોય એવું જ અનુભવ્યું છે, એટલે પણ એની ફરિયાદ નથી. ખેર, મારી સંકુચિતતાને વીંધવાનું કામ ઋત્વીના આગમને કર્યું... જેને મારે ઘરમાં ટકવા નહોતી દેવી એ છોકરી જાણે-અજાણે મારા હૈયામાં ઘર કરતી ગઈ, ત્યાં કોચિંગ ક્લાસની ઘટનાએ તે સાચે જ પોતાના ઘરભેગી થઈ. ઋત્વી ગઈ એ રાતે હું ખૂબ રડી અમાત્ય, એ પળે હું સાવ બદલાઈ ગઈ, મારી દૃષ્ટિ ચોખ્ખી થઈ, એટલું વિશુના સોગંદ પર લખું છું એટલે સત્ય માનજો.

આ ચિઠ્ઠી લખવાનો અવકાશ પણ સરજ્યો ન હોત જો મને બ્લૅકમેઇલરનો કૉલ ન આવ્યો હોત...

(રાજાની ઓળખ આપી તેના બ્લૅકમેઇલિંગ વિશે, આવતી કાલના આગમન વિશે વિસ્તારથી લખી શ્વેતા ઉમેરે છે...)

રાજાની નિયત ગમે તેવી હોય, તેને પ્રેરણા તો ઋત્વી માટેની મારી બદનિયતમાંથી જ મળીને! રાજા જેટલી જ ઋત્વીની, તમારા સૌની હું ગુનેગાર... કાલે મારા અપરાધ
ખૂલ્યા પછી તમારા હૈયે જે ચિરાડો પડશે એ ગુનો કેવળ તમારી રુક્ષતાથી સરભર નહીં થાય.. એની તો એક જ સજા હોય...

એટલે સાયનાઇડની ગોળી તૈયાર રાખી છે. રાજાનો ખેલ પતે કે મારો જીવનખેલ પણ સમાપ્ત થઈ જવાનો! વિશુની ભલામણ તમને કરવાની ન હોય. આવતા દરેક જન્મમાં તમને જ પતિ તરીકે પામું એટલી અંતિમ ઇચ્છા સાથે વિરમું છું.

લિ.

જન્મોજન્મ તમારી,

શ્વેતા.’

સજળ નેત્રે વધુ એક વાર ચિઠ્ઠી વાંચી, ગડી વાળીને ડ્રેસના ગજવામાં મૂકી શ્વેતા રૂમમાં આવી. ભાવથી અમાત્યને નિહાળ્યો. પછી તેનાં ચરણો પર માથું ટેકવીને એમ જ પોઢી ગઈ.

lll

‘શ્વેતા, આ બધું શું છે?’

વીણાબહેને ચિંતા દર્શાવી. ખરેખર તો બધાં જ અસમંજસમાં લાગ્યાં, અમાત્ય સિવાય! તેમની નજર એક્સ-રેની જેમ મને વીંધી રહી છે. શ્વેતાએ મન મક્કમ કર્યું. ‘પ્લીઝ દીદી, હું કહું એમ કરો... થોડીક મિનિટનો ખેલ છે બસ, હવે!’

વિશુને વહાલ કરી તેનો હવાલો અમાત્યને આપતી શ્વેતાએ પાંપણ છલકે એ પહેલાં પીઠ ફેરવી લીધી, રૂમની બહાર જઈને દરવાજો વાસી લીધો!

lll

‘આવ રાજા...’

શ્વેતાએ મેડીની રૂમનો દરવાજો ખોલ્યો.

ઘરમાં સાચે જ કોઈ નથી એ જોઈને રાજામાં વાસનાનો ખુમાર ચડવા માંડ્યો. વિશાળ રૂમમાં વચ્ચે પલંગ હતો. સામસામે કબાટ માટેના ગોખલા આગળ પડદા ઢળ્યા હતા. ‘શ્વેતાએ બારીના પડદા પણ ઢાળી રાખ્યા છે... ખરી અધીરી!’

તે ધીરજ ગુમાવે એ પહેલાં શ્વેતાએ પૂછી લીધુ, ‘એ તો કહે રાજા, ઋત્વીને તેં કઈ રીતે ગભરાવી - તને સૂઝ્‍યું કેમ?’

‘એમાં શું મોટી વાત છે! વિનયભંગથી છોકરીને ટ્રૉમામાં આવી જાય એવો મને સ્કૂલ-ટાઇમનો અનુભવ છે...’

સ્કૂલગર્લ મોહિનીના કિસ્સાએ પોતાને પ્રેર્યો. ‘વૉચમૅનને પૈસા ખવડાવીને થોડી વાર પાવર કટ કરાવ્યો અને પછી ઋત્વીના હોઠ પર હોઠ...’ બોલતાં રાજા થોથવાયો. શ્વેતાએ એક તરફનું કર્ટન લટકાવતા કબાટના એ ગોખલામાં ઋત્વી ઊભેલી દેખાઈ. વિનયભંગની ઘટનાનું આબેહૂબ વર્ણન સાંભળીને છોકરી ધ્રૂજતી હતી. પસીને રેબઝેબ હતી.

‘જુએ છે શું ઋત્વી? ત્યારે તો આ બદમાશે તને પ્રતિકારનો મોકો ન આપ્યો. આજે એ અવસર છે. તને આ માણસને મારી નાખવા જેવો ગુસ્સો આવતો હોય ઋત્વી તો તારા હાથમાં ધોકો પણ આપ્યો છે, તૂટી પડ.’

એક પળ... બે પળ.... અને ત્રીજી પળે ધરબાઈ રહેલી ચીસ નાખતી ઋત્વી રાજા તરફ દોડી, ધડાધડ ધોકો વીંઝવા માંડી.‍

‘બિટ્વીન ધ લેગ્સ...’

‘ફરી કોઈ આવી રીતે હુમલો કરે તો તેની આંખમાં આંગળીના નખ મારવા કે પછી પગની વચ્ચે લાત ઠોકવી.’ શ્વેતાએ સમજાવેલો સબક સાંભરી ઋત્વીએ ધોકો ફટકાર્યો ને ચિલ્લાતા રાજાને તમ્મર આવી ગયાં!

છેવટે ધોકો ફેંકીને ઋત્વી મામીને વળગી પડી. આજે સવારથી મામીએ તેને સમજાવી રાખેલી ઃ ‘તારો ગુનેગાર ઓળખાયો છે. તારે તેને ફટકારવાનો છે. અત્યારે એ ઘડી વીત્યા પછી કાળજે સુકૂન છે. ખરા અર્થમાં પહેલાં જેવી હું હવે થઈ!’

એ જ ક્ષણે શ્વેતાએ બીજી તરફનો પડદો સરકાવતાં તેની આખી ફૅમિલી છતી થઈ, અમાત્યએ વિશુને ઋત્વી સાથે બહાર રવાના કર્યો. અમાત્યના હાથની મુઠ્ઠીની ફૂલેલી નસ જોતાં રાજામાં ખોફ છવાયો, ‘પણ હજી હુકમનું પત્તું મારી પાસે છે!’

‘તારે તસ્દી લેવાની જરૂર નથી રાજા, એ રેકૉર્ડિંગ હું જ સંભળાવી દઉં છું.’

‘હેં!’ રાજા ઘા ખાઈ ગયો. શ્વેતા સામેથી ગુનો કબૂલી લે તો બાકી રહ્યું જ શું?’

‘ઋત્વીના ગુનેગારને તમે જોયો, હવે તમારી ગુનેગારને જાણી લો...’

રાજા સાથેનું રેકૉર્ડિંગ ચાલુ કરી શ્વેતા ઘૂંટણિયે બેઠી, ‘હું તમારા
સૌની અપરાધી છું મને ક્ષમા
કરશો...’ કહી ગજવામાંથી ગોળી કાઢી મોંમાં મૂકી.

‘ખુશ?’ વીણાબહેને તેના ગાલે ટપલી મારી, ‘તારી તો પછી હું ખબર લઉં છું.’

મા-બાપને લઈને તે નીકળ્યાં, કિરણજીજુ રાજાને ખેંચી ગયા.

રૂમમાં શ્વેતા-અમાત્ય એકલાં પડ્યાં. શ્વેતા કાંપતી હતી ઃ ‘સાયનાઇડ ગળ્યા પછી ઘડીમાં મોત આવવું જોઈએ... તો પછી હું કેમ જીવું છું?’

‘કેમ કે એ ગોળી સાયનાઇડ નહોતી...’

‘હેં!’ રાતે પોતે અમાત્યના પગે માથું મૂકીને સૂતી, એમાં સવારે ઊઠતી વેળા અમાત્યની નજર ડ્રેસના પૉકેટમાંથી ડોકિયું કરતી ચિઠ્ઠી પર પડી. ત્યારના ઘરનાં મારું સત્ય જાણે છે અને ગોળી બદલવાનું કામ અમાત્યએ કર્યું!

‘તારી એક સમયની મનસા તો ઋત્વી ગયાની બીજી સવારથી જાણું છું.’ ભેદ ખોલતાં અમાત્યનો સાદ ભીનો થયો, ‘જાણીને તારાથી અતડો થયો, તારા પસ્તાવાને હું નાદાન મૂલવી ન શક્યો... આજે સ્વીકારું છું, તું મને, મારા-આપણા પરિવારને કેટલું ચાહે છે એની કોઈ દ્વિધા રહી નથી.’ 

સાંભળીને હસતી-રડતી શ્વેતાને અમાત્યએ હૈયાસરસી ભીંસી દીધી!

અને પછી અમાત્યએ રાજાને જોરદાર ઠમઠોર્યો!

lll

‘બાપ રે...’

દીકરાની હાલતે માબાપ હાયકારો નાખી ગયાં.

‘તમારા દીકરાએ મારી ભાણીનો વિનયભંગ કર્યો, મારી પત્ની પર નજર બગાડી એની આ સજા છે. ’

કારમાં રાજાને ડ્રૉપ કરવા આવનાર અમાત્ય સાવજની જેમ ગરજ્યો, ‘તમારા દીકરાના મોઢે એનાં કરતૂત મેં રેકૉર્ડ કર્યાં છે, એટલે ફરી અમને હેરાન કરવાનું વિચાર્યું તો ખબરદાર!’

આની કળ વળે એ પહેલાં બીજી બપોરે બોરીવલીના ફ્લૅટની મેઇડ તારાબાઈ કોલાબાના મૅન્શનમાં આવી પહોંચી.

ખરેખર તો બોણીના બહાને દિવાળીની રજામાં કોલાબાના ઘરે આવેલા રાજાને તે જોવા-મળવા આવી હતી. નીચેની રૂમમાં પાટાપિંડી સાથે પથારીમાં પડેલા આશિકની હાલત જોઈ માશૂકા ઘાંઘી થઈ. પોતાને માટેની તેની ઘેલછાની હદનો ખુદ રાજાને અણસાર ક્યાં હતો?

‘તારાબાઈ તેં પણ આનું ધ્યાન ન રાખ્યું?’ નિર્મળાબહેન આયાનો ઊધડો લેવાના મૂડમાં દીકરાનો દોષ દોહરાવી બેઠાં ને તારાબાઈની આંખો ફરી ગઈ, ‘હું તને ઓછું સુખ આપું છું કે તું ભાણીની મામી પર ઘેલો થાય છે?’

અને નિર્મળાબહેન નીકળ્યાની થોડી મિનિટ પછી...

‘તું મારો નવરો, બીજા કોઈનો થાય એવું હું થવા જ ન દઉં...’ તારાબાઈ આવો બબડાટ કરતી બહાર નીકળી, રૂમમાંથી રાજાની ચીસો સંભળાતી હતી.

સતીશભાઈ ચોંક્યા, નિર્મળાબહેને તારાબાઈને ઝંઝોડી, ‘તેં શું કર્યું મારા દીકરાને?’

‘મેં!’ તારાબાઈ ખડખડાટ હસી, ‘તારા છોકરાને પુરુષ બનાવ્યો મેં... તેને પરણવાની હતી હું. પણ તારા દીકરાએ બેવફાઈ કરી એટલે તેનું પુરુષાતન જ વાઢી લીધું છે મેં.  બોલ, શું કરવાની તું? હું આ બેઠી!’

હસતી-ભમતી તારાબાઈ પલાંઠી વાળીને બેઠી. સતીશભાઈ-નિર્મળાબહેનને તમ્મર આવી ગયાં.

ઘરમાં રાજાની કાળી ચીસો ગુંજતી હતી. તેના ભવિષ્યમાં નર્યો અંધકાર છવાઈ ગયો હતો!

lll

કથાના ઉપસંહારમાં એટલું કે પુરુષત્વ ગુમાવી તેજહીન થઈ ગયેલા દીકરાને લઈ સતીશભાઈ-નિર્મળાબહેન અંતરધ્યાન થઈ ગયાં છે - મોહિનીના માવતરની જેમ, એ કુદરતનો જ ન્યાયને!

તારાબાઈ એક ઢીંગલાને રાજા માનીને અસ્થિર હાલતમાં રઝળે છે.

આ બાજુ અમાત્ય-શ્વેતાનો સંસાર મઘમઘે છે. વલસાડના ઘરે અમાત્યથી વધુ લાડ શ્વેતાને થાય છે. ઋત્વી મુંબઈ આવીને આત્મવિશ્વાસભેર અભ્યાસમાં પરોવાઈ ગઈ છે. એ બહુ ગર્વથી કહેતી હોય છે ઃ કહેવા ખાતર આ મારા મામાનું ઘર છે, પણ અહીં મારી બીજી મા વસે છે!

(સમાપ્ત)

columnists gujarati mid-day exclusive Sameet Purvesh Shroff