14 November, 2024 02:59 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઇલસ્ટ્રેશન
આ શું થઈ ગયું?
આખો પરિવાર આઘાતમાં છે.
કોચિંગ ક્લાસની ફીમેલ મેમ્બર્સે રડતી ઋત્વીને શાંત પાડી, ત્યાં સુધીમાં ઋત્વીની મામીને કૉલ કરી રાખેલો. તે મારતી ટૅક્સીએ આવી પહોંચી.
મામીને વળગીને ઋત્વી રડી પડેલી. વિગત જાણી શ્વેતા હચમચી ગઈ. ઋત્વીની હિંમત બંધાવવા પહેલાં તો તેણે મક્કમ થવું પડ્યું. અમાત્યને તેડાવી લીધો.
તે એવો તો કાળઝાળ થયેલો. તેના ગુસ્સાથી ક્લાસનો દરેક છોકરો ફફડતો હતો. CCTV કૅમેરાનાં ફુટેજમાં કેવળ એ છોકરાની પીઠ દેખાઈ એટલે કૅમેરામાં નહીં આવવાની તેની સાવધાની જ પુરવાર કરતી હતી કે છોકરો ઋત્વી સાથે લિફ્ટમાં હોય ત્યારે પાવર જાય એ પણ કાવતરાના ભાગરૂપ જ હોય.
‘કોઈ છે જે નથી ઇચ્છતું કે ઋત્વી આ ક્લાસમાં ભણે, જે ઇચ્છે છે કે ઋત્વી ગામભેગી થઈ જાય...’
ઘવાયેલા સિંહની જેમ બોલાયેલા અમાત્યના શબ્દોએ શ્વેતાની ભીતર શારડી ફરેલી: આવી ઇચ્છા તો મને હતી! બાપરે, ખરેખર મેં કાંઈ કર્યું હોત તો અમાત્યનો ખોફ કેમ જીરવાત! ‘બચી ગયા’નો હૈયાભાવ પ્રસરી ગયો પળવાર તો.
પોલીસમાં જવા માગતા અમાત્યને તેણે પરાણે વારવો પડ્યો ઃ ‘હું ગુનેગારને બક્ષવાનું નથી કહેતી અમાત્ય, પણ ઋત્વીની બદનામી ન થાય એ પહેલાં જોવાનું. પોલીસમાં જશો એટલે કિસ્સો છાપે ચડશે એ તો વિચારો.’
નવસારીથી આવી પહોંચેલાં વીણાબહેન-કિરણભાઈનું પણ એ જ મંતવ્ય હતું. દીકરીની હાલતે મા-બાપ કકળી ઊઠેલાં.
હિબકા ખાતી છોકરી વારંવાર ધ્રૂજી જતી. મા કે મામીને પોતાની પાસેથી હટવા નહીં દે. એક જ રઢ: ‘મને ઘરે લઈ જાઓ, મારે અહીં નથી રહેવું!’
‘કેમ, તને તારા મામા પર ભરોસો નથી?’ અમાત્યને ઓછું આવી ગયેલું, ‘એ હરામખોર ફરી તારી આસપાસ ફરકે તો ખરો...’
‘શીશ... તુંય ટાઢો પડ અમાત્ય.’ વીણાબહેને કહેવું પડ્યું, ‘આમેય બે મહિનામાં દિવાળી છે. ત્યા સુધી ભલે તે અમારા ભેગી રહેતી. તેની ભીતિ ઓછી થવા દે, વેકેશન પછી તેનું મન હશે તો તમારા ભેગી લઈ આવજો.’
ત્યારે વધુ દલીલ ન થઈ. દીદી સાથે શું બન્યું એની વિશુને સમજ નહોતી, પણ ત્રીજે દહાડે એ લોકો જતાં અમાત્ય-વિશુ રડ્યાં અને શ્વેતા...
ના, ખુશ તો તે નહોતી જ. રાતે સૂતાં પહેલાં શ્વેતાએ ઘરમાં નજર દોડવી, ‘હું, મારો વર, મારો દીકરો, મારા ઘરસંસારમાં આવેલી બલા ગઈ, એના આનંદથી ઝગમગવાને બદલે ઘર ડૂસકાં લેતું કેમ લાગે છે મને? મારે તો ઋત્વીને ઍટ ઍની કૉસ્ટ અહીંથી કાઢવી હતી, એ વિનયભંગને કારણે થયું તો થયું, એમાં હું શું કામ આટલો જીવ બાળું છું! મેં અજાણતાં જ વીણાદીદીને રૅગિંગનો ભય બતાવેલો, એ સાચું પડ્યું એની પીડા પજવે છે મને? સ્ત્રી તરીકે ઋત્વી સાથે જે થયું એનો રોષ છે?’ એકના એક વિચારોમાં શ્વેતાને ક્યાંય સુધી ઊંઘ ન આવી.
સવારે વહેલી ઊઠી તે ઋત્વીની રૂમમાં ગઈ. ‘હમણાં હું ઋત્વીને માથે હાથ ફેરવી તેને ઉઠાડીશ, ગલીપચી કરીશ. તે ‘મા...મી’ કહીને મને વળગી પડશે અને...’
અને શ્વેતાના હાથ હવામાં વીંઝાયા. સૂની પથારી પર હાથ ફેરવતાં તે ધ્રૂસકાભેર રડી પડી ઃ ‘આયૅમ સૉરી બેટા. તારી આ મામી તું માને છે એવી મીઠડી નથી. બહુ ઝેર ભર્યું છે તેના મનમાં! તારા મામા ને વિશુ સિવાય મારા સંસારમાં મેં કોઈને ઇચ્છ્યા નહોતા. તમને સદા બહારનાં જ ગણ્યાં-માન્યાં, છતાં તું ગઈ છે તો મને નથી ગમતું. જલદી પાછી આવતી રહે બેટા, તારી મામી બદલાવા માગે છે, ખરા અર્થમાં મીઠડી મામી બનવા માગે છે... બોલ આવીશને?’
શ્વેતાના વિલાપે દરવાજે આવી ઊભેલો અમાત્ય થીજી ગયો, ‘મેં આ શું સાંભળ્યું? શ્વેતા માટે મારા ઘરનાં સદા બહારનાં જ રહ્યાં?’
ઋત્વીના વિનયભંગનો કારસો શ્વેતાએ ભલે ન રચ્યો, પણ ઋત્વીને ઘરમાંથી હાંકવાની તેની મનસા તો હતી જને. ઓહ, પત્નીનું આ રૂપ, તેના સ્વભાવનું આ સત્ય કેમ જીરવાશે? અરે તેને પહેલાંની જેમ ચાહી પણ શકાશે?’
બળબળતો નિઃશ્વાસ જ નાખી શક્યો અમાત્ય!
lll
‘ઋત્વીને હવે સારું છે.’
મહિના પછી વીણાબહેન શ્વેતાને ફોન પર કહી રહ્યાં છે: ‘સાયકિયાટ્રિસ્ટની થેરપીથી ફેર છે, કરાટેના ક્લાસ જૉઇન કર્યા પછી તેનામાં આત્મરક્ષણનો આત્મવિશ્વાસ પણ જાગ્રત થયો છે... દિવાળી વેકેશન માટે પણ તે ઉત્સાહી છે. ડૉક્ટરનું કહેવું છે કે તેને મુંબઈ મોકલવામાં પણ વાંધો નથી.’
‘હાશ...’ શ્વેતાએ શાતા અનુભવી. ત્રણ વાર તો પોતે નવસારી જઈ આવી, ઋત્વીને મળી તેની હિંમત બંધાવતી, રોજ વિડિયો-કૉલ થતો એમાં તેનો બંધાતો આત્મવિશ્વાસ દેખીતો હતો. ‘ફરી તે અભ્યાસમાં ડૂબી છે એ સારું જ લક્ષણ ગણાય.’
‘પણ અહીં બધું ઠીક છે ખરું?’
વિડિયો-કૉલ કટ કરતી શ્વેતાથી નિઃશ્વાસ નખાઈ ગયો.
‘ઋત્વી ગઈ ત્યારથી અમાત્ય કેટલા ઊખડેલા રહે છે. ના, એ કેવળ ઋત્વી સાથે જે થયું એનો પ્રત્યાઘાત નથી... કંઈક વિશેષ, કશુંક વધુ ગંભીર બન્યું છે. વિશુને લાડ લડાવે, મા-બાપ બહેન-ભાણી જોડે રાબેતા મુજબ વાતો કરે, પણ મારી સાથે...’
શ્વેતાએ હોઠ કરડ્યો.
‘રાતે તેમનાસરસી થાઉં કે ઈવન સવારે તે કસરત કરતા હોય ને હું પસીનો લૂછવા જાઉં તો તે દૂર સરકી જાય. ગામના ઘરની કે દીદીની વાત કાઢું તો ઉપાલંભભર્યું હસે. રૂત્વીને સાંભરીને રડી પડું તો પાણીનો ગ્લાસે ન ધરે!’
‘આનું મૂળ પકડાતું નથી. અમાત્ય આવા નથી.’
‘પણ મને દુ:ખ તેમના અતડાપણાનું નથી. અમાત્યને લાગેલો આઘાત કેવો પ્રચંડ હશે જેનો આવો પ્રત્યાઘાત આવે એ વિચારે કંપી જાઉં છું. મે બી, તેમને કોઈક રીતે મારી સંકુચિત મનસાની જાણ થઈ હોય... અમાત્યની રુક્ષતાનું આ જ એક સંભવિત કારણ દેખાય છે અને એ વિષયને છેડવાની મારામાં શક્તિ નથી...’
‘બાકી તો ભાગ્યમાં જે લખ્યું હોય એ ખરું!’
lll
અમાત્ય ઘરેથી નીકળ્યો કે દૂરબીન બાજુએ મૂકીને રાજાએ મોબાઇલમાં શ્વેતાનો નંબર ડાયલ કર્યો. વાતચીત રેકૉર્ડ કરવાની હતી. ઋત્વીને ઘરેથી હાંકવામાં શ્વેતાની મરજી હોવાનો પુરાવો હોય તો એના આધારે શ્વેતાને પામવી સહેલી બને....
શ્વેતાનું હલો સંભળાતાં રાજાએ સ્વર સહેજ ઘોઘરો કર્યો, ‘નમસ્કાર, શ્વેતાદેવી, અણગમતી ભાણીથી તમે પીછો છોડવા માગતાં હતાંને?’
‘હા, પણ તમે કોણ?’ અચાનકના પ્રશ્નથી અસાવધતાવશ શ્વેતા કબૂલી બેઠી.
‘હું જે છું એ તમારો શુભચિંતક જ છું. બહુ જલદી આપણે રૂબરૂ થઈશું શ્વેતા...’ રાજાએ કૉલ કટ કર્યો.
સામા છેડે શ્વેતા સ્તબ્ધ હતી. પછી કાળજે કરવત જેવી ફરી: ‘મારી મનસાનો પુરાવો ઊભો કરવા આ કૉલ અમાત્યએ તો નહીં કરાવ્યો હોયને?’
lll
અહં, ફોન પાછળ આત્મન તો નથી જ....
સાંજે ઘરે આવેલા અમાત્યમાં કોઈ દેખીતો ફેરફાર જોવા ન મળતાં શ્વેતા ગૂંચવાઈ, મૂંઝાઈ. ‘તો પછી હું ઋત્વીને ઘરમાં નહોતી ઇચ્છતી ત્યાં સુધીનો મારા અંતરમનનો ભેદ જાણનારો કોણ હશે?’
બીજી સવારે અમાત્ય-વિશાલ ગયા બાદ વૉટ્સઍપ પર ગઈ કાલની ટેલિટૉકનું રેકૉર્ડિંગ આવ્યું. સાથે નાનકડો મેસેજ હતો: ‘આ સંદેશ અમાત્ય સુધી ન પહોંચે એવું ઇચ્છતાં હો તો...’
બ્લૅકમેઇલનો અધ્યાહાર શ્વેતાને પગથી માથા સુધી ધ્રુજાવી ગયો!
(બિચારી, વૉટ્સઍપના મેસેજ પછી કેવી વ્યગ્રતામાં આંટા મારી રહી છે! દૂરબીનથી શ્વેતાને નિહાળતા રાજાના ચહેરા પર ખંધાઈ ટપકી ‘ લોહા ગરમ હૈ, માર દે હથોડા!’ અને તેણે ફોન જોડ્યો.)
lll
‘વળી એ જ નંબર પરથી ફોન!’
‘હલો, કોણ છો તમે? હુ આર યુ?’ શ્વેતાની નસેનસ તંગ હતી.
‘માસ્કબૉય!’
તેણે આપેલી ઓળખે શ્વેતાને થીજવી દીધી, ‘ઋત્વીનો વિનયભંગ કરનારો છોકરો!’
‘શું છે કે તારા પર દિલ આવી ગયું છે. તને તકલીફમાં નથી જોઈ શકતો. વરની ભાણી તને ગમતી નહોતી એટલે ગામભેગી કરી દીધીને.’
શ્વેતાના કાનમાં ધાક પડી, ‘આ કયો આશિક મારી પેંધો પડ્યો? તે મારા માટે ઋત્વીને ગામભેગી કરવા વિનયભંગની હદ સુધી જતો હોય તો એ પોરસાવાની નહીં, ચેતવણીરૂપ ઘટના ગણાય...’
‘તને ભાણી નહોતી ગમતી, મને તારો વર નથી ગમતો.’
શ્વેતા ધબ દઈને બેસી પડી.
‘આમાં એટલો બધો આઘાત લાગ્યો કે બેસી પડાયું?’
‘હેં!’ શ્વેતા વિસ્ફારિત નેત્રે આમતેમ જોઈ રહી, ‘કોઈક મારા પર નજર રાખી રહ્યું છે?’
ધીરે-ધીરે શ્વેતા હૉલની બાલ્કની તરફ આવી. લાકડાના દરવાજા ખુલ્લા કરો તો હૉલ-બાલ્કની એક થઈ જાય એવી વ્યવસ્થા હતી એટલે તો હૉલમાં આખો દહાડો કેવાં સુંદર
હવા-ઉજાસ રહે છે... તેની નજર આમતેમ ફરી રહી.
‘તારા છોકરાને હું અપનાવી લઈશ, પણ અમાત્યને છોડવો પડશે. દેવદિવાળીએ મારી વર્ષગાંઠ છે, ત્યાં સુધીની મુદત આપું છું... અમાત્ય સાથેના ડિવૉર્સ ફાઇલ કરી દે, નહીંતર તારું આ રેકૉર્ડિંગ વાઇરલ કરતાં મને વાર નહીં લાગે.’
‘હે ભગવાન...’ શ્વેતા પસીને રેબઝેબ.
‘આ તો ઠીક છે તને ચાહું છું એટલે સમય આપું છું... બાકી તને ભોગવવી મારા માટે ચપટીની વાત છે.’
અને શ્વેતાની ફરતી નજર સામી વિન્ગની બારી પર અટકી. દૂરબીન લઈ ઊભેલો જુવાન પોતાને જોઈ પીઠ ફેરવી ગયો એટલે સંશય ન રહ્યો ઃ ‘અરે આ તો પેલો રાજા! પેલી તારાબાઈનો માલિક...’
‘દેવદિવાળી સુધી અમાત્ય-વિશાલ સલામત રહે તો સમજજે મારી મહેરબાની છે... પછી તો...’ ડારો આપી રાજાએ કૉલ કટ કર્યો. બારીએથી દેખાતો પણ બંધ થયો.
શ્વેતા ક્યાંય સુધી શૂન્યમનસ્કપણે બેઠી રહી.
‘ઋત્વી પાછળ લિફ્ટમાં સરકેલો માસ્કધારી જુવાન પણ અઢાર-વીસ વર્ષનો હતો. તે આ રાજા જ હોય. બરાબર છે, તારાબાઈ થકી રાજાને મારી રાધિકા સાથેની વાતોનો હવાલો મળ્યો હોય એમાંથી તેણે ઋત્વી બાબતની મારી અણખટ જાણી એ તાળો પણ મળે છે... તેને મારા જેવી પરણેલી, એક છોકરાની મામાં એટલો રસ પડ્યો કે મને ખટકતી ભાણીને ઘરમાંથી કાઢવા તેનો વિનયભંગ કરે છે અને હવે મારા ખટકાની કબૂલાતને આધાર બનાવી મારી સાથે પરણવા ઇચ્છે છે!’
‘પર્વર્ટ. વિકૃત દિગામ. આ એક શું સાત ભવ સુધી હું કેવળ અમાત્યની. અમાત્યને હું તો ડિવૉર્સ આપવાની નથી એ રાજા ખમી નહીં લે. તેણે સાફ કહ્યું છે કે દેવદિવાળી સુધીમાં ડિવૉર્સ ફાઇલ થઈ જવા જોઈએ.’
‘દેવદિવાળી...’
‘ત્યાં સુધીનો સમય મારી પાસે છે... આમ જુઓ તો ઋત્વીનો ગુનેગાર મારાથી એક કૉલ જેટલો જ દૂર છે... પહેલાં તો તેને તેના ગુનાની સજા મળવી જોઈએ, પછી મારું જે થવાનું હોય એ થાય!’
શ્વેતા આંખો મીંચી ગઈ, ખૂલી ત્યારે દ્વિધા નહોતી.
lll
‘નૂતન વર્ષાભિનંદન!’
વળી દિવાળીએ સૌ ગામના ઘરે ભેગાં થયાં. ઋત્વી હવે લગભગ પહેલાં જેવી હતી એનો અમાત્ય-શ્વેતાને સરખો આનંદ હતો.
‘પણ તમારી વચ્ચે કંઈ સરખું લાગતું નથી.’
વીણાબહેને સાંજે શ્વેતાને ઝડપી લીધી.
‘અમાત્ય કેટલો ઊખડ્યો રહે છે તારાથી. શું થયું છે શ્વેતા? ઋત્વીની કાળજીમાં તું ઊણી ઊતરી એવો લવારો તો નથી કર્યોને અમાત્યએ?’
‘જેને મેં હંમેશાં મારા સંસારની બહાર રાખવા માગ્યાં એ મોટાં બહેનને ભાઈથી વધુ ભાભીની ફિકર છે!’ શ્વેતા ભીનું મલકી.
‘મારા-તમારા અમાત્યમાં કોઈ દોષ હોય જ નહીં દીદી. તેમના હૈયે શું છે એ તો જાણતી નથી, પણ કાલ પછી તેમને ફરિયાદ નહીં રહે એટલું ચોક્કસ.’
વીણાબહેનને શ્વેતાના બોલમાં ભેદ લાગ્યો.
‘એમ! કાલે શું થવાનું?’
‘કાલે જે થવાનું છે એ અત્યારે કહેવાય એમ નથી...’ શ્વેતાએ સ્મિત ઉપજાવ્યું, ‘એ તમે કાલે જ જોજોને.’
(આવતી કાલે સમાપ્ત)