20 November, 2024 04:35 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
હું રમેશભાઈને બોલાવું છું. DNA ટીમ અહીં આવી જાય તો અહીં જ બધું કામ પૂરું થઈ જાય...
‘ફ્રેન્ક્લી એક વાત કહું, મિસ્ટર રાણે...’ કૃષ્ણકાન્ત મહેતાએ ચાની ચૂસકી લઈ વાત આગળ વધારી, ‘સોનુ જ નહીં, અત્યારના સમયની મોટા ભાગની છોકરીઓને ટીનએજ સમયે પેરન્ટ્સની જરૂર પડે અને મૅજોરિટી પેરન્ટ્સ સમય આપતા નથી એટલે છોકરીઓ બહુ ખરાબ રીતે, વિચિત્ર પ્રકારે કોઈની તરફ ઍટ્રૅક્ટ થાય છે અને પછી...’
રાણે વાત સાંભળતા હતા સોનિયાકુમારીના દૃષ્ટિકોણ અને તેના કેસની, પણ તેમના મનમાં આવી ગઈ હતી તેમની પોતાની દીકરી.
આવે પણ શું કામ નહીં?
પોતે પણ કદાચ એ જ ભૂલ કરતા હતા જે સોનુનાં માબાપે કરી હતી.
‘તમે સોનુને ક્યારથી ઓળખો, કેવી રીતે ઓળખો?’ મસ્તક ઝાટકીને રાણેએ મહેતાને પૂછ્યું, ‘મને જરા વિગતવાર વાત કરોને...’
‘હંઅઅઅ... ઓળખું ક્યારથી એની તો મને ખબર નથી, પણ હા, સૌથી પહેલાં સોનુનો જ મને મેસેજ આવ્યો હતો. તેની પોતાની સોશ્યલ મીડિયાની આઇડી પરથી. એ સમયે હું ટ્રાવેલ કરતો હતો, ફ્રી હતો એટલે મેં રિપ્લાય કર્યો.’
‘મેસેજ કરવાનું કારણ...’
‘મારા સોશ્યલ મીડિયા પર તેણે અમુક ઇન્ફ્લુઅન્સરને મને ફૉલો કરતા જોયા, એ જે લોકો હતા તેની સોનુ ફૅન હતી. તેને લાગ્યું કે હું કોઈ બહુ મોટો માણસ હોઈશ પણ એવું તો કંઈ છે નહીં...’ કૃષ્ણકાન્ત મહેતાએ ચાનો કપ ખાલી કર્યો, ‘મેં તેને તરત ચોખવટ કરી કે એ લોકોની મહાનતા છે કે તેઓ મને ફૉલો કરે છે. સોનુને એમાંથી કોઈ એક સાથે ફોન પર વાત કરવી હતી, મને અત્યારે તેનું નામ યાદ નથી, પણ કહેશો તો ટ્રાય કરીને નામ યાદ કરીશ.’
‘નો નીડેડ... પછી શું થયું?’
‘સોનુને વાત કરવી હતી, જેને માટે તે મને નિયમિત મેસેજ કર્યા કરે અને હું ભૂલકણો એટલે મને યાદ રહે નહીં, પણ હા, એકાદ મહિના પછી લકીલી, હું અને તે... નામ યાદ આવી ગયું, ભુવન... ભુવન અને અમે સાથે હતાં ત્યારે જ સોનુનો મેસેજ આવ્યો અને મેં તેને વાત કરાવી દીધી. થોડા દિવસ પછી સોનુએ મને ફરી બીજું નામ આપ્યું કે મારે સની સાથે વાત કરવી છે અને પંદરેક દિવસ પછી મેં સની સાથે તેની વાત કરાવી દીધી. બસ ત્યારથી તે ફ્રી પડે એટલે મને મેસેજ કરે. ક્યારેક ફોન કરે, પણ ફોન હું ઊંચકું નહીં, મેસેજથી વાત થાય.’
‘તમે જે કહો છો એ ભુવન કે સની સાથે વાત કરી હોય તો સોનુના કેસમાં ક્લૅરિટી આવે એવું તમને લાગે છે?’
કૃષ્ણકાન્ત મહેતાની ઑરા જ એવી હતી કે સામેની વ્યક્તિ તેના પ્રભાવમાં આવ્યા વિના રહે નહીં. વાતો કરવામાં પણ તેમની ઑરા કામ કરતી હતી, જે અત્યારે ઇન્સ્પેક્ટર રાણે પણ બહુ સારી રીતે અનુભવી શક્યા હતા.
‘હંઅઅઅ... આઇ ડોન્ટ થિન્ક સો, પણ જો તમારે વાત કરવી હોય તો મારો કોઈ વિરોધ નથી અને મારી હેલ્પની જરૂર હોય તો હું એને માટે પણ તૈયાર છું.’
‘બન્નેનું નામ ખાસ્સું મોટું છે તો અત્યારે કેસમાં ઇન્વૉલ્વ કરવા...’ રાણેએ જ વિચાર ચેન્જ કર્યો, ‘બેટર છે, રહેવા દઈએ. જરૂર પડશે તો તમને કહીશ.’
‘ઍઝ યુ વિશ...’
‘સોનુએ ક્યારેય તમને ભૂતની વાત કરી છે, તેને કોની સાથે અફેર હતું એ વિશે?’
‘ના... પણ હા...’ મહેતાના ચહેરા પર ચમક આવી ગઈ, ‘તેને જેની સાથે ટ્યુનિંગ બની જતું તેને તે ભૂત કહેતી એ મેં ઑબ્ઝર્વ કર્યું છે. બે-ચાર વાર તો તેણે મને પણ ભૂત કહીને બોલાવી લીધો હતો, પણ પછી મને લાગ્યું કે મારે સ્ટેટસ અને એજ-લેવલ ભૂલવાં ન જોઈએ એટલે મેં સ્પષ્ટતા કરી લીધી કે મને સર કહેશે એ ગમશે, પણ આવું બધું મને નહીં કહેવાનું...’
‘હંઅઅઅ...’ રાણેએ ઘડિયાળમાં જોયું, ‘હવે તમારે આરામ કરવો હોય તો કરો. તમારી રિટર્ન ટિકિટ કાલની છે, એવું લાગશે તો તમને કાલે સવારે મળવા આવીશ.’
‘શ્યૉર... આમ પણ ક્યાંય જવાનો નથી એટલે હું હોટેલ પર જ હોઈશ... હા, સવારે કદાચ મૉર્નિંગ વૉક પર જાઉં પણ એ સમયે તો તમે જાગ્યા પણ નહીં હો...’
lll
સોનુના ઘર પાસે ફરતા એ શખ્સે હૂડી પહેરી હતી, જેને લીધે તેનો ચહેરો અમુક અંશે ઢંકાયેલો હતો. બોરીવલીના ચીકુવાડી વિસ્તારમાં ફરતા એ શખ્સની ચાલમાં મૉર્નિંગ વૉકનો અણસાર હતો, પણ આસપાસ સતત ફરી રહેલી તેની નજરમાં કોઈની તલાશ હતી અને એ તલાશ સાથે કાઉન્ટિંગ પણ ચાલતું હતું.
‘તેર અને આ ચૌદ...’
મનોમન આંકડાઓ ગણીને એક કૉર્નર પરથી પાછા ફરેલા એ શખ્સે પહેલેથી આંકડાઓ ગણવાનું શરૂ કરી દીધું. ચૌદ પર ગણતરી પહોંચી ત્યારે તેના ચહેરા પર સંતોષ હતો કે તેની નજરમાંથી એક પણ CCTV કૅમેરા છૂટ્યો નથી.
સોનુ સાથે એ જગ્યાએથી નીકળતી વખતે પણ એ શખ્સની નજરમાં ૧૪ CCTV કૅમેરા આવ્યા હતા અને એ કૅમેરાથી કેવી રીતે બચવું એનું તેણે પ્લાનિંગ પણ કરી લીધું હતું. એ સમયે સેફલી નીકળી ગયેલા એ શખ્સને પોલીસ ડિપાર્ટમેન્ટની મૂર્ખામી પર વિશ્વાસ હતો કે ઘટનાની આસપાસના જ સમયનાં CCTV ફુટેજ ચેક થાય છે. પોલીસ ક્યારેય એ દિશામાં કામ નથી કરતી કે ઘટનાના મુખ્ય અપરાધીએ પછી ફરી ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી કે નહીં?
***
‘જઈ આવ્યા મૉર્નિંગ વૉકમાં?’ રૂમમાં દાખલ થતાંની સાથે જ ઇન્સ્પેક્ટર રાણેએ સવાલ કર્યો, ‘કેવું લાગ્યું સવારનું મુંબઈ?’
‘સાવ સાચું કહું તો... થર્ડ ક્લાસ...’ પ્રોફેસર કૃષ્ણકાન્ત મહેતાએ જવાબ આપ્યો, ‘જો તમે સાયન્સ ન જાણતા હો તો એ જ લાગે કે આ તો સવારનું ફૉગ છે, પણ જો તમને થોડી ઘણી વેધર વિશે ખબર પડતી હોય તો સમજાઈ જાય કે મુંબઈ પર સવારનું ફૉગ નથી વરસતું પણ નીચે આવતા પૉલ્યુશનને કારણે એ ધુમાડો ફૉગ લાગે છે.’
‘તમને કેમ ખબર પડી?’
‘શ્વાસમાં ભળતા પૉલ્યુશનની સ્મેલને કારણે...’ કૃષ્ણકાન્ત મહેતાએ ચોખવટ પણ કરી, ‘હું જ નહીં, મારા જેવા અનેક હશે જેમને ખબર પડી જતી હશે.’
ઇન્સ્પેક્ટર રાણે કંઈ કહે કે પૂછે એ પહેલાં જ કૃષ્ણકાન્ત મહેતાએ પૂછ્યું,
‘મિસ્ટર રાણે, શું નક્કી કર્યું તમે, સની અને ભુવનને મળવું છે? મારે હેલ્પ કરવાની છે કે નહીં?’
‘ફ્રેન્ક્લી કહું તો, એ લોકોને મળવાની મને અત્યારે તો કોઈ ઇચ્છા નથી, પણ હા, એટલું પાક્કું કે ભૂતને શોધવા માટે કદાચ તેને મળવું પડે તો ચોક્કસ તમારી હેલ્પ લઈશ...’ ઇન્સ્પેક્ટર રાણેના ચહેરા પર દૃઢતા હતી, ‘એ પહેલાં બીજાં બે-ત્રણ કામ કરવાનાં છે એ કરી લઈએ...’
‘શ્યૉર, મને કહો, મારે શું
કરવાનું છે?’
‘એક તો મને તમારા સોશ્યલ અકાઉન્ટનાં આઇડી જોઈએ છે...’
‘શ્યૉર, પાસવર્ડ પણ આપી દઉં...’ મોબાઇલ હાથમાં લેતાં કૃષ્ણકાન્ત મહેતાએ રાણે સામે જોયું, ‘આમ પણ આઇડી લીધા પછી તમે અકાઉન્ટ ખોલવાના જ છો તો પછી શું કામ સરકારી અધિકારીને એવી તસ્દી આપવાની... સામેથી જ પાસવર્ડ
આપી દઉં તો અલ્ટિમેટલી દેશનો જ સમય બચશે...’
ટૉન્ગ... ટૉન્ગ...
‘જુઓ, મારાં જેટલાં પણ આઇડી છે અને જેકોઈ સોશ્યલ મીડિયા પર હું અવેલેબલ છું એ બધું મોકલી આપ્યું છે, પાસવર્ડ સહિત...’
‘થૅન્ક્સ...’ ઇન્સ્પેક્ટર રાણે ઊભા થયા અને તેમણે હાથ લંબાવ્યો, ‘નાઇસ ટુ મીટ યુ...’
‘કાશ, કહી શક્યો હોત, સેમ ટુ યુ...’ મહેતાએ ચોખવટ પણ કરી, ‘સોનુનો કેસ ન હોત તો તમને પ્રેમથી એ જ શબ્દો કહ્યા હોત... બટ, ઍનીવે, તમને મળીને આનંદ થયો.’
lll
સાંજની ફ્લાઇટમાં કૃષ્ણકાન્ત મહેતા નીકળી ગયા. મહેતા ઍરપોર્ટ પર હતા ત્યાં સુધીમાં તો રાણેએ તેમના સોશ્યલ મીડિયાનો સર્વે પણ કરી લીધો હતો. એ અકાઉન્ટમાં કોઈ એવી વાત નહોતી જેને લીધે પોલીસ ડિપાર્ટમેન્ટને કૃષ્ણકાન્ત મહેતા પર લગીરેય શંકા જાગે કે ન તો મહેતાનું વર્તન એવું હતું કે કોઈ તેના પર શંકા કરી શકે.
પોતે જેવા હતા એવા જ કૃષ્ણકાન્ત મહેતા સામે દેખાતા હતા. હા, તેમની વાતો થોડી ભેદી હતી, પણ સાયકોલૉજીના પ્રોફેસર હોવાને કારણે કદાચ તેમનાં વાણી-વર્તન અને વ્યવહાર એ પ્રકારનાં હોય.
lll
‘મિશ્રા, સોનુ જે દિવસે ગાયબ થઈ એ સમયના મને CCTV ફુટેજ જોઈએ છે. સોનુના ઘર પાસે જ્યાં-જ્યાં CCTV કૅમેરા લાગ્યા હોય અને જેટલા પણ કૅમેરા હોય એ બધા કૅમેરાનાં ફુટેજ તાત્કાલિક લઈ લો...’
‘જી સર...’
‘એક વાત ખાસ, એ ફુટેજ તારે ચેક કરવા નથી બેસવાનું, એને માટે હું બેસીશ...’ સાથી-કર્મચારીને માઠું ન લાગે એવા હેતુથી રાણેએ ચોખવટ પણ કરી લીધી, ‘મિશ્રા, આપણે એકસાથે બે વાતને ચેક કરવાની છે. એક તો સોનુ કોની સાથે નીકળી હતી એ અને સોનુ અને તેના પેલા ભૂત સાથે બીજું કોણ-કોણ જોડાયેલું હતું એ...’
‘રાઇટ સર...’ મિશ્રાના મનમાં વિચાર આવ્યો અને તેણે ત્યારે જ એ કહી દીધો, ‘સર, છેલ્લા ૧૦ દિવસમાં કોઈ ડેડબ-બૉડી પણ નથી મળી એટલે મને નથી લાગતું કે આપણે ટેન્શન કરવાની જરૂર હોય...’
‘એટલે જ આપણે વધારે ટેન્શન કરવાનું છે મિશ્રા...’ જવાબ રાણે નહીં, પણ તેમની અંદર રહેલા એક ટીનએજ દીકરીના પિતા આપતો હતો, ‘જો સોનુને કંઈ ન થયું હોય તો સોનુની હાલત અત્યારે વધારે ખરાબ છે અને ધાર કે તેને કંઈ થઈ ગયું હોય તો પેલો ભૂત અત્યારે બેફિકર બનીને બીજા કોઈ શિકારની શોધમાં લાગી ગયો હશે... અને જો એવું થયું તો...’
આગળના શબ્દો રાણેના ગળામાં જ અટકી ગયા, કારણ કે તેમના મોબાઇલમાં મેસેજ આવ્યો હતો : ‘ગોરાઇની ખાડીમાંથી કોહવાયેલી લાશ મળી છે, ઉંમર કદાચ ૨૦ વર્ષની આસપાસ અને જેન્ડર, છોકરી...’
‘મિશ્રા, જલદી કર... ગોરાઈ જવાનું છે, ફાસ્ટ.’
lll
‘આમ તો બૉડી પરથી ખબર નહીં પડે, પણ DNA કરાવીએ તો કદાચ...’
‘હા, આપણે DNA માટે રમેશભાઈ અને તેમનાં વાઇફને બોલાવી લઈએ.’ ઇન્સ્પેક્ટર રાણે ડેડ-બૉડીથી દૂર ગયા છતાં એની દુર્ગંધ તેમનું માથું ફાડી નાખતી હતી, ‘DNA રિપોર્ટ જલદી આવે એ જરૂરી છે અને બીજી વાત... હમણાં ન્યુઝપેપરમાં આપણે આ વાત લીક નથી થવા દેવાની.’
‘સર, સોશ્યલ મીડિયાના ટાઇમમાં કેટલો વખત વાત છૂપી રહેશે?’
‘૨૪ કલાક...’
રાણેના ચહેરા પર અણગમો આવી ગયો હતો. મિશ્રા મીડિયા હાઉસને માહિતી આપવામાં એક્કો થઈ ગયો હતો એ તેમને ખબર હતી, પણ તેમણે ક્યારેય એ બાબતમાં વિરોધ નહોતો કર્યો, જેનો તેમને અત્યારે અફસોસ થતો હતો.
‘એટલો તો સપોર્ટ કરી શકીશને?’
‘અરે થાય જને...’
‘DNA રિપોર્ટ માટે ફોન કર...’ રાણેએ મોબાઇલ હાથમાં લેતાં કહ્યું, ‘હું રમેશભાઈને બોલાવું છું. DNA ટીમ અહીં આવી જાય તો અહીં જ બધું કામ પૂરું થઈ જાય...’
‘જી સર...’
lll
‘સર, અમને રિપોર્ટ માટે વાંધો નથી, પણ જો તમે એક વાર અમને બૉડી જોવા દો તો...’ રમેશભાઈએ હિંમતભેર કહ્યું, ‘અમારી દીકરીને અમે નહીં તો બીજું કોણ ઓળખે?’
‘તમે લાશ જોઈ નહીં શકો...’
‘સર, એની ચિંતા ન કરો...’ જવાબ સોનુની મમ્મીએ આપ્યો, ‘જે ગુમ થયેલી દીકરી વિનાના આ દિવસો સહન કરી શકે તે બધું દુ:ખ સહન કરી શકે.’
રાણેની બોલતી બંધ થઈ ગઈ હતી.
જવાબ આપ્યા વિના તેઓ ઊભા થયા અને બૉડી રાખ્યું હતું એ તરફ આગળ વધ્યા.
રમેશભાઈ અને તેમનાં પત્ની પણ તેમની પાછળ આગળ વધ્યાં અને ત્રણેય શબઘર પાસે આવ્યા. મૉર્ગમાં ફરજ બજાવતી વ્યક્તિ રાણેને જોઈને સમજી ગઈ અને તેણે જઈને છેલ્લે આવેલા ડેડ-બૉડીને જે બૉક્સમાં રાખ્યું હતું એ બૉક્સ ખોલ્યું.
મૉર્ગમાં માથું ફાડી નાખે એવી વાસ પ્રસરી ગઈ અને સોનુના પેરન્ટ્સે બૉડી પર નજર કરી. બૉડી પર એક પણ કપડું નહોતું. પાણીને કારણે લાશ ફુગાઈ ગઈ હતી તો એ લાશ પર માછલીઓએ મારેલા મોઢાને કારણે ઠેર-ઠેર ચાઠાં પણ પડી ગયાં હતાં. જોકે એ બધાની વચ્ચે પણ ફુલાયેલી લાશના હાથ પર ચીતરાયેલું ટૅટૂ ઊડીને આંખે વળગતું હતું.
સોનુની માની આંખમાં આંસુ બાઝી ગયાં અને તેમનાથી ડૂસકું મુકાઈ ગયું, જે હિન્ટ રાણેને જોઈતી નહોતી એ જ હિન્ટ અત્યારે તેમને મળતી હતી...
(વધુ આવતી કાલે)