ગાયબ... ગાયબ... ગાયબ...! ક્રાઇમનું પેટ્રોલ અને ટ્રકનું ડીઝલ (પ્રકરણ ૫)

18 October, 2024 11:31 AM IST  |  Mumbai | Lalit Lad

સાલા, યે ઍન્ગલ તો હમને સોચા હી નહીં કિ જમનાબાઈ કા ભી કોઈ લવર ઝરૂર હોગા

ઇલસ્ટ્રેશન

સરદારજીને થોડી વાર પછી ત્રીજો કિસ્સો યાદ આવ્યો. ‘મનોહર કહાનિયાં’ના આ કિસ્સામાં એવું હતું કે ઔરતે મરદના ખોરાકમાં ઝેર ભેળવીને તેને મારી નાખ્યો. પછી રાતે તેનો પ્રેમી આવ્યો. બન્ને જણે મળીને એ ઘરની ફર્શ જ ખોદી નાખી અને મરદને એમાં દાટી દીધો! ત્યાર બાદ એ ખાડામાં માટી, રોડાં, પથ્થર વગેરે ભરીને એની ઉપર ફરીથી લાદી જડી દીધી! કેમ કે પેલો પ્રેમી હતો તે પોતે કડિયો હતો!

કોઈ ઔરત અપને પતિ કા મર્ડર ક્યોં કરતી હૈ?’

મહાબળેશ્વરથી સાતારા જતાં હાઇવેની સાઇડ પર જે ‘લક્ષ્મી હાઇવે હોટેલ’ નામનો ઢાબો હતો એના એક ટેબલ પર કોણી ટેકવીને એક ટ્રક-ડ્રાઇવર એક મર્ડર-મિસ્ટરી સૉલ્વ કરવાની કોશિશમાં હતો.

અહીં જમનાબાઈ નામની જે આ ઢાબાની માલકિન હતી તેનું કહેવું એમ હતું કે તેનો પતિ, જે વરસોથી તેના સોફા પરથી જાતે ઊઠી પણ નહોતો શકતો, તે એક વરસતી વરસાદી રાતે જાતે ઊઠ્યો અને જાતે ચાલતો-ચાલતો ઢાબાની પાછળના ભાગે જઈને વરસાદમાં બે હાથ પહોળા કરીને ઊભો-ઊભો પલળતો હતો.

એટલું જ નહીં, એ વખતે જબરદસ્ત વીજળીનો કડાકો થયો અને બીજી જ ક્ષણે જમનાબાઈનો પતિ કેશવો ગાયબ થઈ ગયો હતો!

શી રીતે? તો કહે, દૈવી શક્તિથી!

ટ્રક-ડ્રાઇવર સરદારજી ક્યારના આ ગુથ્થી સુલઝાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ હવે તેમનું દિમાગ થાકી રહ્યું હતું.

ટેબલ પર ગોઠવેલી તેમની કોણી ઝોકું આવવાથી સહેજ હલી ગઈ અને સરદારજી ફરી આંખો ચોળીને આજુબાજુ જોવા લાગ્યા.

વરસાદ હવે વધી રહ્યો હતો. રાતના અગિયાર વાગી ચૂક્યા હતા. ઢાબામાં માત્ર પોતે એકલા બેઠા હતા. બાકીના ટ્રક-ડ્રાઇવરો અને હેલ્પરો ઢાબાની સામે પોતપોતાની ટ્રકોમાં ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા.

ઢાબાની પાછળ બનેલા ઘરમાં જમનાબાઈ અને તેનો બાર વરસનો પાતળો સરખો દીકરો પણ નસકોરાં બોલાવતાં ઊંઘમાં પડ્યાં હતાં પરંતુ આ બાજુ સરદારજીની ઊંઘ વારંવાર ડિસ્ટર્બ થઈ રહી હતી.

તેમણે હવે ‘મનોહર કહાનિયાં’ના કિસ્સા યાદ કરવા માંડ્યા... ‘કોઈ ઔરત અપને મરદ કા કત્લ ક્યોં કરતી હૈ ?’

એક કિસ્સો એવો હતો જેમાં પેલી ઔરતને બીજા મરદ સાથે ઇશ્ક થઈ ગયો હતો. તે પોતાના ધણીથી છૂટવા માગતી હતી એટલે એક રાત્રે તેણે પોતાના મરદને તેની દાળમાં ઘેનની દવા પીવડાવી દીધી. પછી મોડી રાત્રે તેનો પ્રેમી આવ્યો અને -

સરદારજી અટકી ગયા. ‘સાલા, યે ઍન્ગલ તો હમને સોચા હી નહીં કિ જમનાબાઈ કા ભી કોઈ લવર ઝરૂર હોગા.’

પરંતુ કંઈ અત્યારે જમનાબાઈને ઊંઘમાંથી ઉઠાડીને થોડું પુછાય? એ તો સવાર પડે ત્યારે જ બીજા અહીં રેગ્યુલર આવતા-જતા ટ્રક-ડ્રાઇવરોને પૂછે તો કદાચ ખબર પડે. તો પછી...

બીજો કિસ્સો એવો હતો કે ઔરતનો મરદ તેને દારૂ પીને ખૂબ મારતો હતો. ઔરત બિચારી કંટાળી ગઈ હતી. એક રાતે પેલો મરદ દારૂ પીને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો ત્યારે ઔરતે તેના માથામાં મસાલો ખાંડવાનો લોખંડનો દસ્તો મારી દીધો. મરદ મરી ગયો. પછી ઔરતે તેના એક પ્રેમીને રાતોરાત ઘરમાં બોલાવ્યો. બન્નેએ મળીને આખી રાત જાગીને લાશના ટુકડા કર્યા... ટુકડાઓ જુદી-જુદી પ્લાસ્ટિકની થેલીઓમાં ભર્યા. આખા ઘરની પાણી વડે સફાઈ કરી નાખી. પછી એ થેલીઓને દૂર-દૂર અલગ-અલગ ઠેકાણે ફેંકી દીધી.

‘હાં સ્સાલા, યે હો સકતા હૈ!’

સરદારજી વિચારવા લાગ્યા, ‘આ જમનાબાઈના કિચનમાં મચ્છીઓ કાપવા માટે મોટા-મોટા છરા પણ હશે. કેશવાની લાશના ટુકડા કરીને એને સંતાડી રાખવા હોય તો મચ્છીઓને તાજી રાખવા માટે જમનાબાઈએ ડીપ ફ્રીઝર પણ વસાવેલું છે. યસ! જમનાબાઈએ તેના કોઈ પ્રેમી સાથે મળીને કેશવાના ટુકડા કાપીને ડીપ ફ્રીઝરમાં મૂકી રાખ્યા હશે. પછી એને રોજ થોડા-થોડા કરીને તેનો પ્રેમી આસપાસના જંગલમાં નાખી આવતો હશે.’

‘મગર ઇસ થિયરી મેં એક ગડબડ હૈ...’

સરદારજી પોતે જ પોતાની થિયરીમાં ગૂંચવાયા. જો જમનાબાઈએ ડીપ ફ્રીઝરમાં કેશવાના ટુકડા રાખ્યા હોય તો બીજા દિવસે કિચનમાં કામ કરવા માટે જે બે બાઈઓ આવે છે તેમને તો દેખાયા વિના રહે જ નહીંને?

કેમ કે આવડી મોટી કાયા ધરાવતા કેશવાના ટુકડા કરવામાં આખી રાત તો વીતી જ જાયને? ધારો કે સવારે જમનાબાઈનો પ્રેમી એકાદ કોથળો ભરીને ટુકડા લઈ જાય તો પણ બીજા બે કોથળા જેટલા ટુકડાનું શું?

સરદારજીને થોડી વાર પછી ત્રીજો કિસ્સો યાદ આવ્યો. ‘મનોહર કહાનિયાં’ના આ કિસ્સામાં એવું હતું કે ઔરતે મરદના ખોરાકમાં ઝેર ભેળવીને તેને મારી નાખ્યો. પછી રાતે તેનો પ્રેમી આવ્યો. બન્ને જણે મળીને એ ઘરની ફર્શ જ ખોદી નાખી અને મરદને એમાં દાટી દીધો! ત્યાર બાદ એ ખાડામાં માટી, રોડાં, પથ્થર વગેરે ભરીને એની ઉપર ફરીથી લાદી જડી દીધી! કેમ કે પેલો પ્રેમી હતો તે પોતે કડિયો હતો!

‘હાં! યે થિયોરી બિલકુલ ફિટ બૈઠતી હૈ.’

સરદારજીને લાગ્યું કે બસ,મર્ડર-મિસ્ટરી સૉલ્વ કરવામાં હવે સવાર પડે એટલી જ વાર હતી કેમ કે સવાર પડતાંની સાથે જ તે જમનાબાઈના ઘરમાં જશે અને એક એક લાદી જાતે ચેક કરશે. હજી પાંચ જ દિવસ પહેલાં કેશવો ‘ગાયબ’ થયો હતોને? તો એટલા દિવસ પહેલાં બેસાડેલી લાદી તરત મારી ચકોર નજરમાં આવી જશે...

સરદારજી હવે પોતાના હાથ વડે ટેકવેલી ખોપડીને ધીમે-ધીમે ડોલાવવા લાગ્યા. જોકે થોડી વાર વિચાર્યું પછી થયું કે ‘અગર ફર્શ મેં કોઈ કરામત નઝર નહીં આયી તો? અને હા, શું જમનાબાઈનો કોઈ પ્રેમી છે ખરો? અને હોય તો પણ એ `કડિયો` હોવો જોઈએને?

સરદારજીને થયું, યાર, આટલાં બધાં વરસથી હું `મનોહર કહાનિયાં` વાંચું છું છતાં શું એક કિસ્સો એવો નથી કે જે આ કેશવાનું મર્ડર સૉલ્વ કરી શકે?

જોકે ‘મનોહર કહાનિયાં’નો વધુ એક કિસ્સો સરદારજીને યાદ આવ્યો... આ તો કમાલનો કિસ્સો હતો. જમનાબાઈના કિસ્સા જેવો જ! કિસ્સામાં એવું હતું કે સૂમસામ હાઇવેની એક હોટેલ છે. એની માલકણ ખૂબસૂરત છે પરંતુ તેનો પતિ અક્ષમ છે, વ્હીલચૅર પર છે. છતાં તેની પત્નીને રોજ ટૉર્ચર કરીને ચાબુકે-ચાબુકે મારે છે. તેને પણ આ કેશવાની જેમ આખો દહાડો મોટા અવાજે ટીવીમાં ફુટબૉલની મૅચો જોયા કરવાનો શોખ છે.

પણ તેની પત્ની શું કરે છે? હોટેલનું થોડું રિનોવેશન કરવાનું છે એવું બહાનું કાઢીને ચાર દિવસ માટે હોટેલ બંધ રાખે છે.

પાંચમા દિવસથી હોટેલ ચાલુ થાય છે. મુસાફરોને પહેલાંની જેમ જ પેલા ટીવીનો ઘોંઘાટ, પતિના બૂમબરાડા, ચાબુકના સટાકા અને સ્ત્રીની ચીસો સંભળાતી રહે છે. પરંતુ હકીકતમાં પેલી બાઈએ એના પતિને રિનોવેશન વખતે જ મારી નાખ્યો છે પણ ટીવીના ઘોંઘાટ સાથે તેના બૂમબરાડાનું રેકૉર્ડિંગ મુસાફરોને સંભળાય એ રીતે વગાડ્યા કરતી હતી!

એ બાઈએ ઉપરથી એવી ચાલાકી કરેલી કે આ સૂમસામ હાઇવે પર કોઈ ડાકણ આવે છે અને ગમે તેનો ગમે ત્યારે ભોગ લઈ લે છે એવી અફવા તો મર્ડર કરવાના બે મહિના પહેલાંથી ઉડાડે
રાખી હતી!

‘યસ! યે સેમ ટુ સેમ કેસ હૈ.’

સરદારજીએ ચપટી વગાડી. ફરક એટલો જ હતો કે દૈવી શક્તિ વડે ગાયબ થવાની વાત ટ્રક-ડ્રાઇવર લોકો જ લાવ્યા હતા. જમનાબાઈ તો એનો ફાયદો ઉઠાવી રહી હતી.

હવે આ કેસ પોલીસને સમજાવવા માટે તેમની પાસે ‘મનોહર કહાનિયાં’નો એ લેટેસ્ટ અંક પણ ટ્રકના ડૅશબોર્ડમાં પડ્યો હતો જેમાં આ કિસ્સો છપાયો હતો. યસ્સ! યે હુઈ ના બાત!

મિસ્ટરી સૉલ્વ થવાથી સરદારજીને હવે ઊંઘ આવવા લાગી.

બરાબર રાતના સાડાબાર વાગ્યે સરદારજી ઝબકીને જાગી ગયા. જાગવાનું કારણ પણ તેમને સમજાઈ ગયું. એક લોડિંગ ટેમ્પો હોટેલની પાછળની બાજુ રિવર્સ મારી રહ્યો હતો. સરદારજીએ જોયું કે જમનાબાઈ પણ જાગી ગઈ હતી અને લોડિંગ ટેમ્પોમાંથી લાકડાંનાં મોટાં-મોટાં બૉક્સ ઉતારવામાં ટેમ્પાવાળાને મદદ કરી રહી હતી.

સરદારજી અમસ્તા જ આળસ મરડતા ઊભા થઈને એ તરફ ગયા. લાકડાનાં બૉક્સમાંથી આવતી વાસથી જ એ સમજી ગયા કે આમાં મચ્છીઓ ભરેલી હતી. સરદારજીને ખબર હતી કે મચ્છીઓ તાજી રહે એ માટે ખોખાંઓમાં બરફ ભરવામાં આવતો હોય છે અને બરફ ઓગળી ન જાય એ માટે લોડિંગ ટેમ્પોમાં બરફની પાટો ગોઠવેલી હોય છે. હોટેલની પાછળના ભાગે આ ખોખાં ઉતારવા માટે જે ઓટલો બનાવેલો હતો એ પણ એટલી જ ઊંચાઈનો હતો કે બરાબર ટેમ્પોના લેવલમાં આવી જાય. માત્ર બરફની પાટો પરથી ખોખાં સરકાવે એટલે એ હોટેલમાં આવી જાય.

‘આ ટેમ્પાવાળો રોજ આવે છે?’ સરદારજીએ અમસ્તું જ પૂછ્યું.

‘હાસ્તો.’ જમનાબાઈએ સાડીનો છેડો સરખો કરતાં કહ્યું, ‘બિચારો બહુ ભલો છોકરો છે. છેલ્લાં બે ખોખાં મારે ત્યાં ઉતારીને એ અહીં જ રસોડામાં ઊંઘી જાય છે. સવારે મારા હાથની ચા પીને જ પાછો જાય છે.’

‘અંહં...’ સરદારજી પાછા વળ્યા. પણ તેમનું મગજ ફરી-ફરીને કિચન પાછળના ઓટલા તરફ જ જઈ રહ્યું હતું. ટેબલ પર પાછા આવીને બેઠા પછી પણ એ વિચારમાં જ હતા.

‘ચાય પિયોગે? યા લસ્સી?’ જમનાબાઈએ અમસ્તું જ પૂછ્યું.

‘નહીં, ચાય નહીં... વરના સારી રાત નીંદ નહીં આએગી. ઐસા કરો એક લસ્સી હોને દો.’

જમનાબાઈ થોડી વારમાં ગુલાબી એસેન્સ નાખેલી લસ્સી લઈ આવી. ‘થોડી જ્યાદા સ્વીટ હૈ, ઇસસે નીંદ બઢિયા આતી હૈ.’ જમનાબાઈએ કહ્યું.

લસ્સીની ચૂસકી લેતાં-લેતાં સરદારજી મનમાં અંકોડા ગોઠવી રહ્યા હતા. સાથે-સાથે તે ધીમા અવાજે બબડી પણ રહ્યા હતા :

‘સવાલ એ છે કે જમનાબાઈ કેશવાને ઢસડીને કેટલે દૂર લઈ જઈ શકે? પણ હા... જો આ લોડિંગ ટેમ્પાવાળો અહીં આમ જ ઓટલા પાસે ટેમ્પો રાખીને અત્યારની જેમ જ રસોડામાં ઊંઘી જાય... અને અત્યારે પડી રહ્યો છે એવો સતત ધોધમાર વરસાદ પડતો હોય... ત્યારે જમનાબાઈ તો બિઅરમાં ઘેનની દવા પીને જ્યારે કેશવો ઢળી પડે તો તેના હાથપગ પ્લાસ્ટિકની દોરી વડે બાંધી દીધા પછી તેને ઢસડીને આ ટેમ્પામાં, બરફની પાટો પર સરકાવીને અંદર ધકેલી દે... અને પછી ટેમ્પોનાં બારણાં બંધ કરી આગળ સ્ટિયરિંગ વ્હીલ પર બેસીને માત્ર ન્યુટ્રલ ગિયર કરે તો... ઓહોહો! ટેમ્પો સહેજ પણ અવાજ કર્યા વિના છેક કેટલે પહોંચી જાય? અને પછી ટેમ્પો સ્ટાર્ટ થાય તો કોનું ધ્યાન ખેંચાય? આ હાઇવે પરથી સેંકડો વાહનોના અવાજ આવતા હોય...’

સરદારજીએ ચપટી વગાડી. તે હવે પોતાનાં જ વખાણ કરીને બબડી રહ્યા હતા : ‘પાપાજી, ત્વાડી થિયોરી બિલકુલ ફિટ હૈ જી! જમનાબાઈએ આ જ રીતે કેશવાને... અને પછી અહીંથી વીસેક કિલોમીટર દૂર પેલા વળાંક પાસે ઊંડી ખાઈ આવે છે ને? બસ, ત્યાં જ... ત્યાં જ... વાહ પાપાજી, ક્યા મર્ડર-મિસ્ટરી સૉલ્વ કી હૈ! વાહ... વાહ...’

બબડી રહેલા સરદારજીનાં પોપચાં લસ્સીની મીઠાશથી એટલાં ભારે થઈ ગયાં કે તે ટેબલ પર જ ઘસઘસાટ ઊંઘમાં ઢળી પડ્યા.

પાછળ ઊભેલી જમનાબાઈ હવે નજીક આવી. બે હાથ વડે ખભા હલાવીને સરદારજીને હચમચાવી જોયા, પણ સરદારજીની પાંપણ ઝપકી નહીં.

હવે જમનાબાઈએ સાવધાનીપૂર્વક આમતેમ જોયું. પેલો ટેમ્પાવાળો છોકરો ગોદડી ઓઢીને ઊંઘી ગયો હતો. ચારે બાજુ સન્નાટો હતો. વરસાદનો અવાજ પણ વધી ગયો હતો. જમનાબાઈએ સાડીનો છેડો કમર પર ખોસીને નજર વડે અહીંથી ઓટલા પાસે ઊભા રહેલા ટેમ્પાનું અંતર માપી જોયું...

lll

બીજા દિવસે સવારે જમનાબાઈએ કંઈ બોલવું જ ન પડ્યું.

હાઇવે પર ફરતી તમામ ટ્રકોના ડ્રાઇવરોની જુબાન ૫૨ એક જ વાત હતી. પેલા સરદારજી પણ ગાયબ થઈ ગયા... દૈવી શક્તિથી!

(સમાપ્ત)

 

columnists gujarati mid-day exclusive