ગાયબ... ગાયબ... ગાયબ...! ક્રાઇમનું પેટ્રોલ અને ટ્રકનું ડીઝલ (પ્રકરણ ૪)

17 October, 2024 04:57 PM IST  |  Mumbai | Lalit Lad

યાર પેલો કેશવો જે સાઇઝનો હતો એ સાઇઝની ડેડ-બૉડીને કારમાં ઘુસાડી જ શી રીતે શકાય?

ઇલસ્ટ્રેશન

ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. અંદર એક મોટો સોફો હતો જે અત્યારે ખાલી હતો. સોફાની સામેની બાજુ જે દીવાલ હતી એના પર જ પેલા કેશવાનું ટીવી લગાડેલું હશે અને સાલો મોટા સાંઢ જેવો કેશવો એ સોફા પર જ આખો દહાડો પહોળો થઈને પડ્યો રહેતો હશે...

જમનાબાઈએ જે કમ શક્કર ચા બનાવી એ આમ પણ થોડી વધારે જ બની ગઈ હતી. સરદારજીએ તેના હેલ્પર બિટ્ટુને બૂમ પાડી,

‘ઓયે, યે ચાય પી લે થોડી! યે બરસાતી મૌસમ મેં ઠીક રહેગા...’

સરદારજીએ બે કાચના ગ્લાસમાં ચા લીધી. બિટ્ટુને કહ્યું, ‘ચલ, ગડ્ડી મેં હી બૈઠતે હૈં.’

સરદારજી ટ્રકમાં બેઠા. પછી ચાયની ચૂસકી લગાડતાં પોતાનું ‘ઇન્વેસ્ટિગેટિવ’ દિમાગ ચલાવવા લાગ્યા.

‘યાર બિટ્ટુ, માન લે, અગર તુઝે યે જમનાબાઈ કે હસબન્ડ જૈસે હટ્ટે-કટ્ટે મોટે આદમી કા મર્ડર કરના હૈ તો તુ ક્યા કરેગા?’

બિટ્ટુએ ચાનો ઘૂંટડો ભરતાં કહ્યું, ‘મૈં ક્યું કરુંગા ઉસ કા મર્ડર?’

‘હાં વો ભી હૈ...’ સરદારજીએ ચાની બીજી ચૂસકી લીધી. તેમનું દિમાગ હવે જરા ‘રાઉસ’ થયું.

‘જો સાંભળ, ધારો કે જમનાબાઈ, તેના પેલા ગેંડા જેવા, બસ્સો કિલોવાળા ધણીને તેના બિઅરના ગ્લાસમાં ઊંઘની ગોળીઓ નાખી દે...’

‘તો બિઅરનો સ્વાદ ન ફરી જાય?’

‘નથી ફરતો. મેં વાંચેલું છે. બહુ હાઈ પાવરની જે નીંદની ગોળીઓ આવે છે એ મામૂલી તાવની દવા જેવડી જ હોય છે અને જો એનો પાવડર કરીને મિક્સ કરો તો અસર પણ જલદી થાય છે.’

‘અને બિઅર તો આમ પણ સાલો કડવો હોય છે...’ બિટ્ટુ બોલ્યો.

સરદારજીને આ વાતથી ચાનક ચડી. ગ્લાસમાંથી બે ઘૂંટડા ભરીને કીધું, ‘બસ, તો બિઅર પીધા પછી પેલો ગેંડા જેવો, પાડા જેવો, જાડિયો કેશવો, સોફામાં જ બેઠો-બેઠો ઊંઘમાં સરી પડ્યો છે. પછી...’

‘પછી જમનાબાઈ આવે છે અને તેનું ગળું દબાવી દે છે!’ બિટ્ટુએ ચપટી વગાડી.

‘નહીં નહીં, એટલું આસાન નથી.’ સરદારજીને આખી મોડસ ઑપરૅન્ડી દેખાઈ રહી હતી. જો કોઈ ઘસઘસાટ ઊંઘતું હોય તો પણ તેનું ગળું દબાય તો એ થોડો તો જાગી જાય.

‘હા, અને જો જમનાબાઈને પોતાનું ગળું દાબતાં જોઈ જાય તો કેશવો...’

‘ગુસ્સામાં ઊભો થવા જાય તો સાલો ત્યાં જ ઊંધો ગબડી પડે! પછી બેટમજીને પાછો ચત્તો કરવો પડે... તેની છાતી પર ચડીને તેનું ગળું દબાવવું પડે...’ સરદારજી બોલ્યા, ‘ના ના, આ બધી મોટી જફા છે. જમનાબાઈની તાકાત બહારનું કામ છે.’

‘તો જમનાબાઈ શું કરે?’

‘એ જ વિચારવાનું છેને?’ સરદારજી જાણે પોતે કોઈ મર્ડર-કેસના ઇન્ચાર્જ ઑફિસર હોય એમ લમણા પર આંગળી મૂકીને ટકોરા મારવા લાગ્યા.

આ જોઈને બિટ્ટુને હસવું આવી ગયું!

બિટ્ટુને હસતો જોઈને સરદારજી બગડ્યા, ‘સાલા, હસે છે શું?’

બિટ્ટુ કહે, ‘સરદારજી આપ સે નહીં હોગા.’

‘ક્યા નહીં હોગા?’

‘મર્ડર.’

સરદારજી છંછેડાયા, ‘સાલા, મર્ડર મારે નથી કરવાનું! પેલી જમનાબાઈએ કરવાનું છે.’

‘મતલબ કે તેણે હજી મર્ડર નથી કર્યું?’

‘અક્કલનો બારદાન છેને તું!’ સરદારજીએ બિટ્ટુને માથે ટપલી મારી, ‘મર્ડર તો જમનાબાઈએ જ કર્યું છે, પણ આપણે તેની મોડસ ઑપરૅન્ડી શોધી રહ્યા છીએ.’

‘મોડસ... ક્યા?’ બિટ્ટુ બોલ્યો. ‘કૌન સી રંડી?’

સરદારજી ફરી બગડ્યા, ‘અબે, હરામી! યહાં રંડી કહાં સે લે કર આ ગયા?’

બિટ્ટુ ચૂપ થઈ ગયો. સરદારજીએ ગ્લાસમાં વધેલી ચાનો મોટો ઘૂંટડો મારીને ગ્લાસને ડેશ-બોર્ડ પર મૂકી દીધો, પછી એ જ ગ્લાસને આંગળીઓ વડે ગોળ-ગોળ ફેરવતાં શરૂ કર્યું.

‘જો, જમનાબાઈ કેશવાના બિઅરમાં ઊંઘની ગોળીઓ મિક્સ કરે છે પછી એ ભયંકર ઊંઘમાં પડી ગયો છે એની ખાતરી કર્યા પછી... એક પ્લાસ્ટિકની દોરીને બેવડી કરીને કેશવાના ગળામાં ભેરવે છે... અને પછી... બન્ને હાથ વડે ખેંચીને...’

‘પણ સાલો ગેંડા જેવો છે. તે હાથ-પગ નહીં મારે?’

‘હાં સાલા, વો ભી હૈ!’ સરદારજી ફરી વિચારમાં પડ્યા.

બિટ્ટુએ કહ્યું, ‘એક કામ કરતે હૈં, ડાયરેક્ટ જમનાબાઈ સે હી પૂછ લેતે હૈં, કિ વો ક્યા કરેગી?’

‘અબે!’ સરદારજીએ હાથ ઉગામ્યો, ‘ગધે... વો કહેગી નહીં... ઉસને કિયા હૈ!’

‘હાં... હાં....’ બિટ્ટુ બોલ્યો.

પછી એ જ ગૂંચવાયો. ‘ઉસને ક્યા કિયા હૈ?’

‘કેશવા કા મર્ડર!’

‘હાં, મગર કૈસે?’

‘વોહી તો હમ સોચ રહે હૈં...’

હવે બિટ્ટુ પણ જાણે ઇન્વેસ્ટિગેટિવ ઑફિસરનો જમણો હાથ યાને કે હવાલદાર પાંડુરંગ હોય એ રીતે સિરિયસ થઈને વિચારવા લાગ્યો.

થોડી વાર પછી સરદારજીએ ચપટી વગાડી, ‘જો, જમનાબાઈ તેને બિઅરમાં ઊંઘની ગોળીઓ મિલાવીને પીવડાવી દે છે, રાઇટ? પછી કેશવો સોફામાં બેઠો-બેઠો ઘસઘસાટ ઊંઘી રહ્યો છે, રાઇટ? હવે જમનાબાઈ શું કરે છે.’

‘શું કરે છે?’

‘પહેલાં તેના પગ બાંધી દે છે.’

‘વાહ.’

‘પછી તેના બન્ને હાથ ધીમે રહીને બાંધી દે છે.’

‘બરાબર...’

‘અને પછી પેલી પ્લાસ્ટિકની બેવડ વાળેલી દોરી તેના ગળે ગોળ-ગોળ વીંટાળે છે અને...’

‘ઢેનટેણેન... કેશવો ખતમ! તેના ડોળા અધ્ધર અને જીભ બહાર!’

બિટ્ટુએ તાળી માગવા માટે હાથ લાંબો કર્યો? પણ સરદારજી હજી વિચારોમાં હતા. ‘યાર... હજી એક લોચો તો ઊભો જ છે.’

‘ઊભો ક્યાં છે? કેશવો તો સોફામાં બેઠો છે.’

‘અરે કેશવો નહીં... લોચો!’ સરદારજી બોલ્યા, ‘મતલબ કે ચાલો જમનાબાઈએ કેશવાના હાથ-પગ બાંધીને, તેના ગળે પ્લાસ્ટિકની દોરી વીંટાળીને, ગળું ઘોંટીને મારી તો નાખ્યો, પણ તેને બહાર શી રીતે લઈ જાય?’

‘કેમ વળી, ઢસડીને!’

‘અરે, ઢસડીને લઈ જાય તો બહાર ભીની માટીમાં તેના મોટા-મોટા લિસોટા પડી જાય! અને માની લઈએ કે જમનાબાઈએ ભીની માટીમાંથી લિસોટા કોઈ રીતે મિટાવી દીધા હોય, પણ...’

બિટ્ટુની બત્તી હવે ગુલ થઈ ગઈ. તેણે એક મોટું બગાસું ખાધું. છતાં સરદારજીએ પોતાની થિયરી ચાલુ રાખી.

‘સવાલ એ છે કે કેશવો એ પછી ગાયબ શી રીતે થઈ જાય? સાલું, એકસાથે ચાર માણસ એ જાડિયાને ઉછાળીને ફંગોળે તો પણ પંદર ફુટથી વધારે દૂર ન ફેંકી શકાય, જ્યારે આ તો...’

‘ગાયબ!’ બિટ્ટુએ વધુ એક મોટું બગાસું ખાતાં કહ્યું, ‘દિવ્ય શક્તિથી જ થાય, બીજું શું?’

બિટ્ટુએ જે રીતે ડાચું પહોળું કરીને બગાસું ખાધું એ જોઈને સરદારજીનો આખો મૂડ બગડી ગયો. તે ટ્રકનો દરવાજો ખોલીને નીચે ઊતરી ગયા.

અહીં હજી ઝીણો ઝરમર વરસાદ ચાલુ હતો. સરદારજી પહેલાં તો ઢાબાના છાપરા નીચે આવ્યા. અહીં સન્નાટો હતો. લાગતું હતું કે જમનાબાઈ અંદર જઈને સૂઈ ગઈ હશે.

સરદારજી થોડી વાર ટેબલ પાસે બેસી રહ્યા પછી તેમને વિચાર આવ્યો કે ‘યાર, હમને મૌકા-એ-વારદાત કી તફતીશ તો કી હી નહીં...’

તે ઊભા થઈને ધીમા ડગલે ઢાબાની પાછળ તરફ ગયા.

ડાબી તરફ કિચન હતું અને કિચનની બાજુમાં જ ત્રણ ફુટનો ગલી જેવો એરિયા છોડીને જે દીવાલ હતી ત્યાં જમનાબાઈનું ઘર હતું. સરદારજી ધીમા પગલે એ તરફ ગયા...

ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. અંદર એક મોટો સોફો હતો જે અત્યારે ખાલી હતો. સોફાની સામેની બાજુ જે દીવાલ હતી એના પર જ પેલા કેશવાનું ટીવી લગાડેલું હશે અને સાલો મોટા સાંઢ જેવો કેશવો એ સોફા પર જ આખો દહાડો પહોળો થઈને પડ્યો રહેતો હશે...

સરદારજી આગળ ગયા. અહીં કિચનની બરોબર પાછળ ખુલ્લા ઓટલા જેવું હતું અને તેની પાછળ હતું પેલું મેદાન... જેના પર જમનાબાઈએ કહ્યું હતું એમ
કેશવાનાં બૂટની ઊંડી-ઊંડી છાપ હજી મોજૂદ હતી.

ઝરમર વરસાદ ચાલુ હતો છતાં સરદારજી બે પગથિયાં ઊતરી એ તરફ ગયા. જમનાબાઈએ કહ્યું હતું એમ જ કેશવાનાં બૂટની છાપ થોડાં ડગલાં પછી સાવ ગાયબ હતી!

સરદારજી ત્યાં ઊભાં-ઊભાં દાઢી ખંજવાળતા રહ્યા, ‘સાલું, છેક અહીં સુધી જો કેશવો જાતે ચાલીને આવ્યો હોય તો અહીંથી તે ગાયબ શી રીતે થઈ ગયો? અને જો પેલી જમનાબાઈ તેને ઢસડીને લાવી હોય તો...’

‘વો તો પૉસિબલ હી નહીં હૈજી!’ સરદારજી બબડ્યા. તેમણે ફરી દાઢી ખંજવાળી.

પાછા ફરતાં તેમની નજર કિચનની પાછળ જમીન પર પડી. તેમની આંખો ચમકી! ઝાંખા અજવાળામાં તેમને સ્પષ્ટ દેખાતું હતું કે અહીં કોઈ વાહનનાં ટાયરની છાપ હતી!

‘ઓયે, સારી ટ્રક તો ઉથ્થે ખડી હોતી હૈ, ફિર ઇથ્થે યે છાપ કૈસી હૈ?’

સરદારજી નીચે ઊતર્યા. મોબાઇલની લાઇટ ચાલુ કરીને તે પેલા ટાયરની છાપ ધ્યાનથી જોવા લાગ્યા.

‘યાર, યે ટ્રક કે ટાયર તો નહીં હૈ. છોટે ટાયર હો સકતે હૈં... કાર કે! મગર ઇથ્થે કાર લેકર કૌન આયેગાજી?’

સરદારજી ટાયરની છાપ જોતાં-જોતાં આગળ વધ્યા. અહીં જમીન પર સરસમજાનો ઢાળ હતો. સરદારજી ઢાળ પર ધીમે-ધીમે ટાયરની છાપ જોતાં-જોતાં સાથે ચાલતા રહ્યા... અને આ શું?

આ તો પોતે ઢાબાની બહાર આવી ગયા! મતલબ કે...

સરદારજી અટકી ગયા, ‘ધારો કે જમનાબાઈ કેશવાને બિઅરમાં ઊંઘની ગોળીઓ મિલાવીને મારી નાખે છે, પછી તેના હાથપગ બાંધેલા રાખીને તેને ઢસડીને પેલા કિચનના ઓટલા સુધી લાવે છે અને પછી...’

સરદારજીને હવે પોતાની ‘ઇન્વેસ્ટિગેટિવ થિયરી’ પર વિશ્વાસ પડવા લાગ્યો.

‘પછી તેને એક કારમાં બેસાડીને...’

પણ સરદારજી ફરી અટકી ગયા, ‘યાર પેલો કેશવો જે સાઇઝનો હતો એ સાઇઝની ડેડ-બૉડીને કારમાં ઘુસાડી જ શી રીતે શકાય? તે ગેંડો તો જાતે પણ કારમાં બેસી શકે એવો નહોતો. સાલો, ભેંસ જેવી સાઇઝનો હતો.’

સરદારજી ફરી દાઢી ખંજવાળતા ઊભા રહ્યા. પછી કંટાળીને પાછા ઢાબામાં જઈને એક ટેબલ પર કોણી ટેકવીને વિચારતા રહ્યા, ‘અગર મૈંને યે મિસ્ટરી સૉલ્વ કર લી તો મૈં ‘મનોહર કહાનિયાં’ મેં મેરે નામ કે સાથ છપવાઉંગા...’

ઘડિયાળમાં હજી સાડાદસ થયા હતા અને ‘ડિટેક્ટિવ’ બનવાની કોશિશ કરી રહેલા સરદારજીની આંખો ઘેરાઈ રહી હતી.

(ક્રમશઃ)

columnists gujarati mid-day exclusive