ગત-અંગત (પ્રકરણ-૪)

02 March, 2023 08:11 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

કજરીને આશિષ દઈને લલિતામા અનાહત તરફ વળ્યાં, ઝોળી ફેલાવી, ‘તારી માફી માગવાને હું કાબેલ નથી બેટા, પણ માગણ તરીકે એટલું માગું કે મારા રણજિતને બૂરાઈના માર્ગેથી પાછો વાળ.’

પ્રતીકાત્મક તસવીર

આજે 0અમારો ડીલ-ડે!

આર્જવ ઉમંગમાં છે. અનાહત તેને મન આદર્શરૂપ હતો. કૉલેજના બે મિત્રોએ સાથે મળીને ઇનોવેટ કરેલા ડિવાઇસ દ્વારા અનાહતને ઇમ્પ્રેસ કરવાની તક ચૂકવી નથી. કજરીદીદી તેમને ચાહતાં હોવાનું સીક્રેટ ખૂલતાં આનંદ જ થયેલો. અફકોર્સ, દીદીએ પછીથી આનો ઇનકાર જતાવ્યો, પણ એમાં અંગતને અંગત રાખવાની કુનેહ વધુ લાગી હતી. 

બુધની સવારે શૂટિંગ માટે ચાલીનાં પગથિયાં ઊતરતા આર્જવના પગે બીજા માળે બ્રેક લાગી ગઈ. આ બાજુની ખોલીમાં અનાહતનાં સ્ટેપ મધર-બ્રધર રહે છે..

ત્યાં તો તેને ધક્કો મારીને રણજિત પસાર થયો : બાજુ હટના ભાઈ!

આટલી ઉતાવળે તે ક્યાં જતો હશે? તેની પાછળ સીડી ઊતરીને આર્જવે જોયું તો રણજિત વટથી ટૅક્સીમાં ગોઠવાયો, ‘યશરાજ સ્ટુડિયો લે લો.’

યશરાજ! ત્યાં તો અમારા શોનું શૂટિંગ છે! અનાહતના નામે તેણે બે લાખ રૂપિયા મેળવ્યા છે... સાવકા ભાઈ માટે તેને માન હોય એવું લાગ્યું નહીં. અત્યારે રણજિત સ્ટુડિયો પહોંચીને તમાશો કરવા માગતો હશે?

નો... નો... મારે હવે તો કજરીને

ચેતવી દેવી જોઈએ..

અને તેણે ટૅક્સીમાં બેસીને કજરીને ફોન જોડ્યો : ધ્યાનથી સાંભળ...

lll

- અને એ ઘડી આવી પહોંચી... આર્જવ તેના બે મિત્રો સાથે અનાહત વગેરે સામે ઊભો હતો.

આમ તો કલાક પહેલાં ટીમ સાથે મીટિંગ કરીને સ્ક્રિપ્ટ લખાઈ ચૂકેલી. આર્જવ વગેરેને મળી, તેમના ડિવાઇસ વિશે જાણીને કેવળ અનાહત સહેજ અસ્વસ્થ હતો : એમ કોઈનું અંગત જાણી શકાતું હશે?

બૅકસ્ટેજમાં કજરી માતાજીનું નામ સ્મરણ કરતી હતી : આર્જવનું મિશન સુખરૂપ પાર પડે એ માટે તો ખરું જ, ખરેખર તો તેના ફોને થોડું ટેન્શન કરાવી દીધેલું. અનાહતનાં ઓરમાન મા-ભાઈના સગડ મળ્યા, પણ સાવકો ભાઈ રણજિત અહીં કેમ આવવાનો થયો? તેની ચલગત શંકા ઉપજાવનારી છે. ના... ના... અનાહત સરને ખબર આપીને શા માટે ડિસ્ટર્બ કરવા... અનાહત સર સુધી પહોંચવાનું તે દારૂડિયાનું શું ગજું!

‘નમસ્કાર!’

આર્જવે આત્મવિશ્વાસભેર

શરૂઆત કરી, ‘આપણે સૌકોઈ એક મહોરા સાથે લાઇફ જીવીએ છીએ એવું તમને નથી લાગતું? દુનિયાથી છાનું આપણું દરેકનું એક અંગત છે... આપણા પોતાના મન સિવાય એ અંગતને કોણ જાહેર કરી શકે?’

‘પર જાહેર કરના ક્યોં હૈ!’ સ્ક્રિપ્ટ અનુસાર મલ્હારે કમેન્ટ ફેંકી. કૅમેરાએ થોડી સ્માઇલ્સ કૅપ્ચર કરીને ફરી આર્જવને ઇશારો થયો.

‘અંગત જાહેર કરવાનું પહેલું કારણ જ એ કે અંગત, છાનુંછપનું કંઈ હોવું જ શું કામ જોઈએ? પતિ-પત્ની વચ્ચે, ભાઈ-બહેનમાં, મિત્રો વચ્ચે બધું પારદર્શક હોય એ જ આદર્શ સ્થિતિ ગણાય તો પછી મનનો એક ખૂણો છાનો શું કામ?’

‘લગતા હે ઇસને ગહરી ચોટ

ખાઈ હે...’ સાધનાએ સંભળાવ્યું, ‘બોલ ભાઈ, તમારી પાસે આ અંગત જાણવાનો માર્ગ છે?’

‘જી.’ આર્જવે અદબભેર કહ્યું, ‘એ માર્ગનું નામ છે ટેક્નૉલૉજી! તમારી જન્મતારીખ, સમય, સ્થળ ગ્રહોની સ્થિતિ સૂચવે છે. એના આધારે આપણું વ્યક્તિત્વ ઘડાતું હોય છે. માણસનો વર્તમાન તેના મોબાઇલમાં કેદ છે. ખરું પૂછો તો મોબાઇલ સ્કૅન કરો એટલે માણસ આખો સ્કૅન થઈ જાય, ખરુંને! અમારા પ્રોજેક્ટમાં અમે ઍસ્ટ્રોલૉજી અને મોબાઇલ સ્કૅનિંગના કૉમ્બિનેશનથી મિરૅકલ સરજ્યું છે.’

તે કહેતો ગયો, ‘આમ તો માણસના મનને જાણવાની વાત સાવ નવી નથી. યેટ ધેર ઇઝ સમથિંગ!’

‘ટુ મેક ઇટ મોર સિમ્પલ, આ અમારું ટીવીના રિમોટ જેવડું સ્પેશ્યલ ગૅઝેટ છે. એમાં અહીંથી વિગતો જશે. પછી પ્રોસેસનું આ ગ્રીન બટન દબાવતાં થોડી મિનિટમાં આ સ્ક્રીન પર સંભવિત સીક્રેટ્સ દેખાશે. મને તમારું સીક્રેટ જાણવા તમારા જન્મની વિગતો, તમારા મોબાઇલનો ઇન્સ્ટ્રુમેન્ટ નંબર અને તમારા સિમ કાર્ડનો નંબર જોઈશે... બોલો, કોણે ટ્રાય કરવી છે?’

ના, ખરેખર તો ક્રીએટિવ ટીમની ચર્ચામાં આ પડાવ પણ નક્કી જ હતો. નૅચરલી, પોતાનું અંગત ઊઘડે એ કઈ સેલિબ્રિટી કબૂલ રાખે! જેને પ્રોડક્ટમાં રસ હોય તે આર્જવ સાથે એકાંતમાં બેસી પોતાનું અંગત જાણીને ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લઈ શકે. ડેમો દેખાડવાનું લગભગ ફાઇનલ હતું ત્યાં સાધનાએ મમરો મૂકેલો : આપણે અનાહત માટે ટ્રાય કરીએ.. એ ઑથેન્ટિક લાગશે. આદર્શવાદી જેવા સંસ્કારી અનાહતના અંગતમાં ડાર્ક સીક્રેટ ઓછું હોવાનું? ઍમ આઇ રાઇટ અનાહત?

આને ના કેમ કહેવી? બધાની હાજરીમાં આનાકાની કરવી અજુગતી લાગી એટલે પોતે ટ્રાયલની સંમતિ આપી ચૂકેલો. એ હવે ભારે ન પડે એની ધાસ્તી છે!

‘અનાહત... અનાહત... વી વૉન્ટ અનાહત કા સીક્રેટ!’ સ્ક્રિપ્ટ અનુસાર સાધનાએ બૂમ પાડી અને પોતાના સ્પેશ્યલ ગૅજેટમાં અનાહતની વિગતો ફીડ કરીને આર્જવે ગ્રીન બટન દબાવ્યું.

અને આ શું! સ્ક્રીન પર ઝબકેલું પરિણામ વાંચતાં આર્જવનાં નેત્રો પહોળાં થયાં. તે અનાહતને નિહાળી રહ્યો.

અનાહત કંપી ઊઠ્યો. ઇટ્સ ઓવર!

તે આંખો મીંચી ગયો ને ગત અંગત તરવરી રહ્યું.

lll

ક્યા કરતા હૈ?

ઘર છોડ્યાની એ પહેલી રાત. સૂનકારામાં બૅગ પર માથું મૂકીને રેતી પર લંબાવતા અનાહતના ચિત્તમાં સાવકી માએ આણેલાં ચોપાનિયાં સળવળ્યાં. ગંદી સામગ્રીને દરિયામાં પધરાવી દેવાના આવેશમાં બહાર કાઢી તો ખરી, પણ એની તસવીરો પર નજર પડતાં સહેજ હાંફી જવાયું. પહેલી વાર તનમાં યૌવનનો કસાવ ફૂટ્યો. અણુએ અણુને મસળી નાખવાના આવેશમાં સાવ લગોલગ આવીને કોઈએ પૂછ્યું, ‘ક્યા કરતા હે?’

એવું તો ભડકી જવાયું. ના, એ પોલીસદાદા નહોતા. બાવીસેક વરસના જુવાનને જોઈને અનાહતે રાહત અનુભવી, જરાતરા શરમાયો.

તે સત્યેન હતો. ગૅરેજમાં મોટર મેકૅનિકનું કામ કરે. નજીકની વસ્તીમાં રહેવાનું. એ રાત્રે તે પોતાના ઝૂંપડે લઈ ગયો : આ ચોપાનિયામાં શું રાખ્યું છે, તને અસલી ચીજ દેખાડું...

અનાહતનું કુતૂહલ સળવળ્યું. સત્યેનના ઝૂંપડામાં ગંદી ફિલ્મ જોતાં બહેકી જવાયું. સવારે આંખ ખૂલી ત્યારે રાતની હરકતોએ ઊબકા જ આણ્યા.

નહીં, મારે આમ ભટકવું નથી. મારે તો માનું સપનું પૂરું કરવું છે, કંઈક બનીને પપ્પાને અને સાવકી માને દેખાડી દેવું છે!

‘તેરે કો પૈસા કમાને કી ક્યા

ઝરૂરત હૈ... મૈં કમાએગા, તૂ બસ મેરે કો રાજી રખ...’

અનાહતનાં સમણાં સત્યેનની સમજ બહાર હતાં. તેને પોતાની વિષયપૂર્તિમાં જ રસ હતો. અનાહતને સમજ હતી કે આ મારું પર્યાવરણ નથી. આઇ હૅવ ટુ ક્વિટ. તેણે સમોસાની હોમ ડિલિવરીથી સ્ટાર્ટઅપ શરૂ કરી દીધું. બીજી જગ્યા પણ શોધતો હતો. એવામાં ઘર

છોડ્યાના ત્રીજા મહિનાના એક

રવિવારે સત્યેને ખાડીમાં નહાવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. સાથે ગૅરેજના બીજા દોસ્તો પણ હતા. મજાક-મસ્તીના

મૂડમાં સત્યેન અનાહતને એકાંતમાં ખેંચી ગયો. તેની પીઠ પર હોઠ મૂકીને પાછળથી બાથ ભીડી તેના બદન પર હાથ સરકાવવા માંડ્યો.

અને અનાહતનો પિત્તો ગયો : ઇનફ સત્યેન. લી...વ મી!

તે ભાગ્યો. તેની પાછળ ભાગતા સત્યેને એક તબક્કે બૅલૅન્સ ગુમાવ્યું. ખડક સાથે અફળાતો તે દરિયામાં ખાબક્યો. પછી તેની લાશ જ બહાર આવી!

lll

અનાહતે અત્યારે પણ

નિ:શ્વાસ નાખ્યો.

સત્યેન તેના વાંકે અકસ્માતે મર્યો. અમારી વચ્ચે જે કંઈ હતું એ અંગત હતું. ત્રીજા કોઈને એની ગંધ નહોતી. છતાં કુમળી વયનું શારીરિક શોષણ હૈયે સાપ બનીને બેસી ગયું. ચડતી જવાનીમાં અંગે ઉત્તેજના મહોરે કે સત્યેન કાનોમાં પડઘાય : આઇ લવ યુ અનાહત... અને મારી જ્વાળા ઠરી જાય. સાધનાને ઇનકાર કરતી વખતે ગે બનવાનું પ્રિફર કરવાનું બોલી જવાયું એ સત્યેનનો જ પ્રતાપ. હું જીવનમાં આગળ વધતો ગયો. મહેનતમાં, સફળતામાં ક્યાંય ભૂતકાળ આડે ન આવ્યો. બસ, મારા અંગતમાં ગતની એ ઘટના સદા હાવી રહી. એટલે તો કજરીને પણ ક્યાં કહેવાયું કે...

અનાહતે વિચારબારી બંધ કરી દીધી. જરૂર મારા અંગતમાં એવું જ નીકળવાનું : વિક્ટિમ ઑફ એ ગે મૅન!

‘ઓ ભાઈ, ટાઇમપાસ કરને આએ હો ક્યા ઇધર!’ આર્જવ હજીયે ચૂપ હતો અને ડિવાઇસ કૅમેરા તરફ ફેરવતો નહોતો એટલે સાધનાએ સમય ગુમાવવાને બદલે નિકામને ઇશારો કર્યો ને બબડી, ‘તું તો એવો પૂતળા જેવો થયો જાણે તારા ડિવાઇસમાં લખ્યું હોય કે અનાહત ગે છે!’

હેં! અનાહત ઝંખવાયો. સ્ક્રિપ્ટની બહારના આટલા બોલ્ડ વિધાને દિગ્દર્શક ‘કટ’ કહે એટલામાં ખુલ્લા ચાકુ સાથે રણજિત સેટ પર ધસી આવ્યો, ‘ખબરદાર!’

સૌથી મોટી ચીસ સાધનાએ પાડી. સિક્યૉરિટી ધસી આવે એ પહેલાં કજરી દોડી આવીને અનાહતની આગળ ઊભી રહી ગઈ.

‘ઓહો... બહૂત યારાના લગતા હૈ...’ સિટી મારીને તે અનાહતની નજીક ગયો, ‘ક્યૂં બ્રધર! પહચાના?’

સડકછાપ ગુંડાની જેમ સેટ પર દોડી આવનારો સાવકો ભાઈ રણજિત છે એ પરખાતાં અનાહત સ્તબ્ધ બન્યો.

‘તમારે આનું અંગત જાણવું છે? એ માટે કોઈ મશીનની જરૂર નથી. તેનું પૅન્ટ હું ઉતારીશ. કમબખ્તે મારી સાથે કેટલીયે વાર ગંદું કામ કર્યું છે. પપ્પા જોઈ ગયા ને હી થ્રો હિમ આઉટ! બોલો, આ સૌનો ફેવરિટ અનાહત ગે છે એનાથી વધુ અંગત દુનિયાનું કોઈ મશીન નહીં બતાવે!’

ધડામ.

ફિશિયારી મારતા રણજિતને પાછળથી લાત લાગી. એના ધક્કાએ તે ફર્શ પર પડ્યો.

‘કપાતર!’ લલિતામા આવેશમાં ધ્રૂજતાં હતાં, ‘જૂઠું બોલતાં લજાતો નથી! અરે, સાવકી માના કાવતરાએ ઘરની બહાર નીકળી જનારો રામ ગણાય, નિર્લજ્જ. તેની ચરણરજ લેવાની હોય. આમ ખોટું આળ ન મુકાય!’

કપાળ કૂટતાં માને કજરીએ દોડીને સાચવી લીધાં.

‘કોઈએ તારા નામે આને બે લાખ રૂપિયા આપ્યા ત્યારની હું ચેતી ગયેલી.’

લલિતામાએ રણજિત પર વૉચ રાખી. તેની કોઈ સાથેની ટેલિટૉકમાં આજે તે સ્ટુડિયોમાં કશુંક કરવાનો જાણીને અહીં દોડી આવ્યાં... અનાહત સ્તબ્ધ હતો : આજે આ થઈ શું રહ્યું છે!

‘બોલ, કોણે તને બે લાખ દીધા?’

રણજિતને ઠમઠોરતાં લલિતામાએ તેના હાથમાંથી છટકેલું ચાકુ લઈને તેની ગરદને મૂકતાં રણજિતની ચીસ સરી, ‘કહું છું મારી મા... આ પેલા ગ્રીન ટી-શર્ટવાળાએ...’

તેણે નિકામ તરફ આંગળી ચીંધતાં તે ભડક્યો : મને તો સાધના મૅડમે કહેલું...

ખલાસ!

lll

‘આ બધી મને બદનામ કરવાની રમત છે...’ નિકામ પર ગિન્નાતી સાધના પડ્યા પછીયે ટંગડી ઊંચી રાખવા ગઈ, પણ કોઈને તેના પર ભરોસો નહોતો. અનાહતે કહી દીધું : યા તો શોમાં સાધના રહેશે યા હું.

ચૅનલ તો પોતાના પ્રૉફિટની તરફેણમાં જ રહેને. સાધનાએ શો છોડવો પડ્યો.

‘જતાં પહેલાં અનાહતસરનું સીક્રેટ તો જાણતા જાવ...’ મલક-મલક થતા આર્જવે ડિવાઇસ કૅમેરા તરફ ફેરવ્યું. એમાં લખ્યું હતું : અનાહત લવ્સ કજરી!

હેં! કજરી અચરજભેર અનાહતને જોઈ રહી. પછી તેની નજરમાં ઘૂઘવતા પ્રણયે હથેળીમાં ચહેરો છુપાવ્યો. અનાહત રાતોચોળ બન્યો : ગતના અંગતમાં અટવાયેલા મને ખ્યાલ જ ન રહ્યો કે કજરી માટેનો પ્રણય પણ મારું જ અંગત છે! પારાવાર ચાહું છું તેને, પણ ગત અંગતને કારણે કદી સપાટી પર આવવા ન દીધી એ લાગણી આર્જવનું મશીન જાણી ગયું!

હં! ટલ્લા ફોડતી સાધના નીકળી ગઈ.

કજરીને આશિષ દઈને લલિતામા અનાહત તરફ વળ્યાં, ઝોળી ફેલાવી, ‘તારી માફી માગવાને હું કાબેલ

નથી બેટા, પણ માગણ તરીકે એટલું માગું કે મારા રણજિતને બૂરાઈના માર્ગેથી પાછો વાળ.’

આજે તેમનામાં અનાહતને જમનામા દેખાઈ.

‘મા!’ અનાહત તેમને વળગી પડ્યો, ‘તમારે માગવાનું ન હોય, આજ્ઞા કરવાની હોય!’

અને તેને વળગતાં લલિતામા રડી પડ્યાં એમાં ગતખંડના કૃત્યનો પસ્તાવો પણ હતો અને અનાહતના સ્વીકારનો હરખ પણ!

‘દીદી, અભિનંદન!’ આર્જવ ટહુક્યો. અનાહતે ત્યારે તેમનો મેળ જાણ્યો.

‘સાળાની પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ હકથી કરવાનું હોય... અને એ રણજિતના નામે થશે.’

મારા નામે! રણજિત મોં વકાસી ગયો. વારવા જતાં લલિતામાને અનાહતે રોક્યાં, ‘નહીં મા, રણજિતને લગતા કોઈ પણ નિર્ણયમાં તમે દખલ નહીં કરો. રણજિતે ઝડપથી કામ સંભાળવું પડશે... તો જ મને હનીમૂનની છુટ્ટી મળશેને!’

અને સૌ હસી પડ્યા.

lll

 ‘...અને બસ, હું થીજી જતો...’

અનાહતે કજરી સમક્ષ અંગત

ઉઘાડી દીધું.

કજરી કંઈ ન બોલી. કંચુકીબંધ ખોલીને અનાહતને સીનાસરસો

ચાંપ્યો અને આટલી ક્રિયાએ પેટાયેલા અગ્નિમાં તપીને અનાહત ગતખંડને પાર કરી આવ્યો!

પછી જીવનમાં સુખ જ સુખ રહ્યું. રણજિતમાં પલટો આવ્યો. લલિતામાને એનો આનંદ. સાધના નિકામને ખારીજ કરવાની થઈ તો તેણે સાધનાની અંગત તસવીરો નેટ પર ફરતી કરીને બદલો વાળ્યો. એની કળ સાધનાને કદી વળવાની નહીં! જેવાં જેનાં કરમ.

આર્જવની પ્રોડક્ટ બહુ પ્રૉફિટેબલ રહી. હવે તેની કંપની માણસના પુનર્જન્મને પારખવાનું ડિવાઇસ બનાવી રહી છે.

ડીલ કરવી હોય તો કહેજો.

 

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff