28 February, 2023 07:41 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ગત-અંગત (પ્રકરણ-૨)
તમે કોઈના ગળાડૂબ પ્રેમમાં છો!
આર્જવના શબ્દો હજીયે કજરીના કાનમાં ગલીપચી કરી રહ્યા છે.
ગોમતીમાસી સાથે અહીં આવી ત્યારે અનાહતના નામ-કામથી તે સાવ અજાણ નહોતી. અહીં આવતાં પહેલાં અવઢવ પણ હતી : અનાહત જુવાન છે, ખૂબસૂરત છે, અમીર છે ને પાછો સિંગલ છે એટલે ઉમરાવો જેવા શરાબ-શબાબના શોખ રાખતો હોય તો સાચવવું પડે. જોકે ગોમતીઆન્ટીએ બહુ ગર્વભેર કહેલું : અનાહતમાં એકેય બૂરી ટેવ નહીં. લક્ષ્મીનું અભિમાન નહીં. તે ભલો ને તેનું કામ ભલું...
વધતા સહેવાસમાં આનો સાક્ષાત્કાર પણ કજરીને થતો ગયો. તેની સાથે હો ત્યારે માલિકપણાનો ભાર વર્તાવા દે નહીં એટલો સરળ-સહજ. અને આમાં દંભ નહોતો. અનાહતનું આ લક્ષણ કજરીને સ્પર્શી ગયેલું. તેનો કોઈ અંગત મિત્ર પણ નહીં. હાઈ સોસાયટીની પાર્ટીઓમાં જવામાં ઘરે આવતાં મોડું થાય, પણ કદી તેનાં કદમ ડગમગતાં હોય કે શ્વાસોમાં દારૂ ગંધાતો હોય એવું બન્યું નહીં. પોતાની લાગણી કે અંગત વહેંચવાની ફાવટ નહીં, પણ જમનામા પ્રત્યેનો તેનો પ્રેમ કહો કે ભક્તિ અનુભવી શકાય. એકાદ વાર મલાડના ઘરનો, પરિવારનો અછડતો ઉલ્લેખ કરેલો. વિશેષ કંઈ જ નહીં. કજરી પણ ખણખોદ કરવાનું ટાળતી : અનાહતને ન ગમે એવું હું કંઈ કરું નહી! અનાહતનો બેડ સરખો કરવાનો હોય કે તેના માટે ભાવતાં ભોજન બનાવવાનાં હોય, કજરી જીવ રેડી દે. ક્યારેક અનાહત બિઝનેસના કામે બહારગામ ગયો હોય તો ચિત્ત ન ચોંટે.
આ તું કેવી માયા વળગાડી બેઠી કજરી! તમારી વચ્ચેનું અંતર તો જો? ક્યાં તે આસમાનનો સિતારો ને ક્યાં તું ધરાનું મગતરું!
તે જાતને સમજાવતી ને ભીતરથી જવાબ ઊઠતો : મારી મર્યાદાનું મને ભાન છે. હું અનાહતના મહેલની રાણી બનવાનાં ખ્વાબ નથી જોતી. બસ, તે મારા હૈયે રહે એ પૂરતું છે!
જોકે આર્જવ કશીક ટેક્નૉલૉજીના આધારે મારું અંગત જાણી ગયો એ પણ ખોટું થયું. ‘જા-જા, એવું કંઈ નથી...’ એવુંય મારાથી ન બોલાયું. ના... ના... આજે જ તેને ફોન કરીને વાત વાળી લેવી જોઈએ...
‘કજરી...’
અનાહતના સ્વરે કજરીને ઝબકાવી. વિચારમેળો સમેટીને ફટાફટ બ્રેકફાસ્ટ સર્વ કર્યો.
‘આવતા વીકથી ડીલ ઑર નો ડીલના પ્રોમોઝ શૂટ થવાના છે...’
ડીલ ઑર નો ડીલ!
આજકાલ ટીવી–ઓટીટી પર રિયલિટી શોનો રાફડો ફાટ્યો છે એમાં આ એક શો કુછ હટકે જેવો છે. અહીં નવા-નવા બિઝનેસ આઇડિયાઝને માર્કેટ આપવાનો યત્ન છે. નીવડેલા ઑન્ટ્રપ્રનરની ટુકડી નવાગંતુકોના પ્રોજેક્ટનું ઍનૅલિસિસ કરીને એમાં પોતાની શરતે ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝ કરે એ ઘટનાક્રમ બહુ રસપૂર્વક દર્શાવાય છે. બે વરસ અગાઉની શોની પહેલી સીઝન અનાહત માટે ટર્નિંગ પૉઇન્ટ જેવી નીવડી. શો સાથે સેલિબ્રિટી ઑન્ટ્રપ્રનર તરીકે જોડાયેલો અનાહત પોતાની બિઝનેસ સ્કિલ્સ અને ક્વિક ડિસિઝન્સથી ઘરે-ઘરે જાણીતો બની ગયેલો...
‘યુ વૉન્ટ બિલીવ, હી સ્ટાર્ટેડ હિઝ સ્ટાર્ટઅપ ઍટ એજ ઍફ હાફ સિક્સ્ટીન... કામ શું હતું? જુહુ ચોપાટી પરના ઠેલાના સમોસાની હોમ ડિલિવરી! બીજું કોઈ હોત તો ડિલિવરીના નફાથી સંતોષ માની લેત. બટ નૉટ અનાહત. નો, તે કોઈ આઇઆઇટી પાસઆઉટ બ્રિલિયન્ટ નહોતો, બલ્કે ભણતાં-ભણતાં તે સમોસામાંથી ન્યુટ્રિશન ફૂડ તરફ વળ્યો. ઘરને બદલે સ્કૂલોને ટાર્ગેટ કરીને તેણે માંડ વીસની વયે તો કરોડ રૂપિયાનું ટર્નઓવર અચીવ કરી લીધેલું.’
કોઈની પણ સક્સેસ-સ્ટોરી સાંભળવામાં સારી જ લાગતી હોય છે... અને ટીવીવાળા એને ગ્લૅમરસ રીતે દર્શાવીને વ્યુઅરશિપનો ઍડ્વાન્ટેજ લેતા હોય છે. બે વરસ અગાઉ જાણીતી ચૅનલ તરફથી વિદેશી શોના દેશી વર્ઝન માટે પહેલી વાર અનાહતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે શરત રાખેલી : મારી જર્નીને તમે ગ્લૉરિફાય કરી શકો, બટ નો પર્સનલ મૅટર્સ.
આનું કારણ હતું. બિચારાની મા ગુજરી ગઈ, સાવકી માએ ઘરની બહાર કાઢ્યો એ બધું ટીઆરપી માટે ભલે યોગ્ય હોય; અનાહતને લોકો પોતાની દયા ખાય એ મંજૂર નહોતું. ઘર છોડ્યા પછી એ દિશામાં જોયું નહોતું. પોતે આટલો અમીર છે એની પિતા વગેરેને જાણ પણ હશે કે નહીં, કોણે જાણ્યું! શ્રીમંત હોવું એક વાત છે ને સમાજમાં સેલિબ્રિટી તરીકે જાહેર થવું એમાં ભેદ છે. હવે આટલાં વરસે મને ભૂતકાળ જાહેર કરતો જોઈને લલિતામા જેવા મીડિયાનું અટેન્શન લેવા પલટવાર કરે એ બધું થવા જ શું કામ દેવું? મારા સર્કલમાં સામાન્ય સમજ એવી છે કે અનાહત શાહ સંસારમાં એકલા છે તો ભલે એ જ સત્ય જળવાતું.
અને આમ પણ અંગતને અંગત રાખવાની મને ફાવટ છે... ઘર છોડ્યાની એ પહેલી રાતે કે ત્યાર પછીના ત્રીજા મહિને શું બન્યું એ ગતનું અંગત આજે પણ મારા હૈયાસરસું છે એ કોઈ જાણે પણ કેમ!
જોકે અંગતને અંગત રાખવાની પણ પજવણી હોય છે. અત્યારે વળી એ દ્વંદ્વ શરૂ થાય એ પહેલાં અનાહતે વિચારસઢ ફેરવી લીધો:
લેટ્સ કૉન્સન્ટ્રેટ ઑન ‘ડીલ ઑર નો ડીલ’. પહેલી સીઝનમાં ખૂબ મજા આવી. બીજા શોની જેમ આમાં પણ ઘણું સ્ક્રિપ્ટેડ રહેતું હોય છે. સેલિબ્રિટી ઑન્ટ્રપ્રનરના નફા-નુકસાનની વિગતો ખાનગી રાખવાની હોય છે. એમાં ચૅનલનો પણ હિસ્સો હોય છે. એ બધી ટેક્નિકલિટી જવા દઈએ તો પણ એકંદરે શો મજાનો છે. અમે કુલ છ ઑન્ટ્રપ્રનર્સ હતા : ત્રણ બૉય્ઝ અને ત્રણ ગર્લ્સ. બધા લગભગ ત્રીસીની આજુબાજુના. જાતમહેનતે આગળ આવેલા. સક્સેસ સિમ્બૉલ્સમાં હજી આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા હતી એનો ટકરાવ ઑફ ઍર પણ ક્યારેક વર્તાતો. ક્યારેક પ્રૉમિસિંગ લાગતી ડીલ સરકી જાય તો સાધના સિંહા જેવા જાહેરમાં બળાપોય કાઢે. ખાસ કરીને અનાહત ડીલ ક્રૅક કરવામાં સ્પીડી હતો એટલે તેનો પ્રૉફિટ તો ઠીક, તેની ઇમેજ-બિલ્ડિંગ પણ ઘણાને ખૂંચતી હશે; પણ શું થઈ શકે!
આવતા મહિનાથી ઑન ઍર થનારી બીજી સીઝનમાં ઑન્ટ્રપ્રનરની પૅનલ રિપીટ થઈ છે.
‘શૂટિંગનું શેડ્યુલ મને આપી દેજો સર, હું ટિફિન લઈને આવી જઈશ. બહારનું તમે કંઈ નહીં ખાવ.’
અધિકારથી બોલતી કજરીને અનાહત પળભર નિહાળી રહ્યો. ઍસિડિટીને કારણે બહારનું ફૂડ ફાવતું નથી એ સાચું, પણ ડ્રાઇવર જોડે ટિફિન મોકલવાને બદલે કજરી જાતે આવીને ખાતરી કરવા માગે એની પાછળ કયો ભાવ રહેલો છે એ તને નથી સમજાતું અનાહત?
જાતના સવાલ સામે હળવો નિ:શ્વાસ જ નાખી શક્યો અનાહત!
lll
‘હાય આર્જવ...’ બપોરે નવરી થતાં કજરીએ ફોન જોડ્યો.
મૂળ ગુડગાંવ બાજુના આર્જવના પિતા મુંબઈમાં ક્લર્કની સામાન્ય નોકરી કરતા. સ્થિતિ સાવ સાધારણ. તેમનો એકનો એક દીકરો આર્જવ જોકે એકદમ બ્રિલિયન્ટ. અહીંથી દિલ્હી મૂવ થયા પછી આર્જવે આઇટીમાં પ્રવેશ મેળવ્યો. કજરીને તો ખાતરી હતી : સૉફ્ટવેર-હાર્ડવેરનો જિનીયસ જરૂર નામ કાઢવાનો!
‘આનો અણસાર તેં તારી ટેક્નૉલૉજીનો પરચો બતાવીને દઈ દીધો... ’ કજરીએ વાત આગળ ધપાવી, ‘તેં કાઢેલું તારણ હું કંઈ સાચું નથી માનતી...’ કહીને સિફતથી ઉમેરી દીધું, ‘પણ તું ડીલ ઑર નો ડીલમાં આવવાનું બોલી ગયેલો એ શું?’
‘દીદી, મેં એક ડિવાઇસ તૈયાર કર્યું છે જે કોઈનું પણ અંગત જાણવા સક્ષમ છે.’
લો, કર લો બાત! અરે, પણ કોઈનું અંગત કોઈએ જાણવું જ શું કામ જોઈએ?
‘કેમ, નવરાત્રિમાં પતિ ક્યાં રાસ રમી આવ્યો એ પત્નીએ જાણવું નથી હોતું? પ્રેમીના દિલમાં શું છુપાયું છે એ જાણવાનો પ્રેમિકાને હક નથી! કાયદાને થાપ આપીને ભટકતા ગુનેગારોનું આંતરમન જાણ્યેથી ગુનો ઉકેલાય એમ છે...’
અફકોર્સ, પ્રોડક્ટ બનાવનારા પાસે એનું જસ્ટિફિકેશન હોવાનું જ!
‘મારી પ્રોડક્ટને શો દ્વારા લૉન્ચ કરવા માગું છું. મને શોનું નિમંત્રણ આવી ગયું છે... મોસ્ટ્લી નેક્સ્ટ મન્થ મારું શૂટ હશે...’
અરે વાહ!
‘બોલ, અનાહત સરને લાગવગ લગાવવાની છે?’ કજરીએ પૂછ્યું. બાકી તે જણતી હતી કે સ્વમાની આર્જવ કદી આવા શૉર્ટકટ્સ પસંદ નહીં કરે.
‘નો વે. શોમાં અમારી ટીમ આવશે, પણ પછી આપણે મળીશું ખરા.’
તેને બેસ્ટ વિશિશ પાઠવીને કજરીએ કૉલ કટ કર્યો. આર્જવની શોધ કેવો વળાંક લાવશે એની ત્યારે ક્યાં ખબર હતી?
lll
આ હુશ્ન!
અરીસામાં ઝિલાતી ખૂબસૂરતીને સાધના ગરવાઈથી માણી રહી.
ક્યાં ઝારખંડની મામૂલી કન્યા ને ક્યાં મુંબઈ શહેરમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપનારી સેલિબ્રિટી ઑન્ટ્રપ્રનર! પંદર વરસની ઉંમરે ઘરેથી ભાગી ન હોત તો માબાપે પરણાવી દીધી હોત અને ધણીએ બચ્ચાં પેદા કરનેવાલી મશીન બનાવી દીધી હોત. મને ક્યાં એ મંજૂર હતું? મારે તો અમીરીમાં આળોટવું હતું. અને એ કંઈ હિરોઇન બનવાનાં ઘેલાં સમણાંઓથી નહીં, મને તો રસ હતો વેપારમાં! દિવાળીમાં હું ઝૂમકાનું સેલ લગાવતી એમાં કેટલો પ્રૉફિટ રળતી! બસ, મુંબઈમાં બે-ચાર કૂદકા મારીને ઇમિટેશન જ્વેલરીનું સ્ટાર્ટઅપ પકડી લીધું. રેસ્ટ ઇઝ હિસ્ટરી. પૈસો એજ્યુકેશન, ઍટિટ્યુડ બધું જ તાણી લાવ્યો. આજે બિઝનેસ સ્કૂલમાં હું લેક્ચર આપવા જાઉં એટલી મારી કાબેલિયત છે. પાર્ટીઝનું સેન્ટર હું જ હોઉં. મારી લાઇફસ્ટાઇલ ચર્ચાતી પણ હોય તો હુ કૅર્સ! મારા રૂપિયાના જોરે, રૂપના જોરે ઇચ્છું તે પુરુષને માણું છું. કોની મગદૂર કે મને ના કહે!
એક સિવાય. સાધના સહેજ ઝંખવાઈ.
બે વરસ અગાઉ ડીલ ઑર નો ડીલના સેટ પર અનાહતને પહેલી વાર મળવાનું થયું ત્યારે પહેલી વાર એવું થયું કે કોઈને જોતાંમાં હૈયું ધબકારો ચૂકી જાય! કોઈ પુરુષ આટલો સોહામણો હોઈ શકે!
ઍન્ડ મોર ઇમ્પોર્ટન્ટ ટુ ધેટ, મને ઇગ્નૉર કઈ રીતે કરી શકે!
બસ, ત્યારની ગાંઠ વાળેલી કે આ બંદો સામેથી મને પ્રપોઝ કરે તો હું ખરી માનુની! યા, ઇફ અનાહત પ્રપોઝીસ, તેની સાથે લગ્ન થઈ જ શકે!
પણ ના. શૂટ પછી પણ અમે સૌ સંપર્કમાં રહ્યા, પણ અનાહત તરફથી કોઈ પહેલ નહીં. નૉટ ફૉર વન નાઇટ સ્ટૅન્ડ? કમાલ છે, તેને શારીરિક એષણા પજવતી નહીં હોય!
ના, સાધના વહેશી નહોતી. અત્યંત કૅલ્ક્યુલેટિવ બિઝનેસ વુમનની છાપ ધરાવતી સાધનાનો ઇગો તેને અનાહત પ્રત્યે ખેંચતો હતો : મને તો કોઈ ના પાડી જ કેમ શકે!
તેનું કોઈ અફેર નથી. મારી જેમ તે એસ્કોર્ટ માણવામાં પણ માનતો નથી... વેલ, આ તેના સંસ્કાર હોય તો ભલે, બટ આઇ ઍમ નૉટ ગોઇંગ ટુ વેઇટ ફૉર લૉન્ગ. સેકન્ડ સીઝનના અંત પહેલાં તે મારા બેડમાં હશે!
એ કલ્પનાએ પણ સિસકારો થઈ ગયો.
lll
નવી સીઝનની શાનદાર શરૂઆત!
ગઈ સીઝનના સેલિબ્રેટી ઑન્ટ્રપ્રનર્સ પ્રોમો શૂટમાં ભેગા મળીને ખુશ હતા. ચૅનલને શો સફળ થવાની આશા હતી. લાસ્ટ સીઝનમાં જેમની જોડે ડીલ થયેલી તેમના પ્રૉફિટ્સના આંકડા અન્યો માટે પ્રેરણારૂપ બને એવા હતા.
લંચબ્રેકમાં ટિફિન લઈને શૂટ પર પહોંચતી કજરી દિવસ પત્યા કેડે અનાહત સાથે જ પરત થતી.
‘અનાહત, હુ ઇઝ શી?’ શોના સેલિબ્રેટી ઑન્ટ્રપ્રનર્સમાં સૌથી વધુ ઍટિટ્યુડવાળી સાધના સિંહાએ ત્રીજા દહાડે કજરી અંગે પૃચ્છા કરી. શૂટના વિરામ દરમ્યાન બેઉ ભીડથી થોડા અલગ ઊભાં હતાં. તેમની શ્રવણ-મર્યાદા બહાર કજરી પ્લેટ્સ સર્વ કરી રહી હતી.
‘આ છોકરી આ વખતના આપણા શોની લકી ચાર્મ છે! આઇ ટેલ યુ. તેનાં પગલાં પડ્યાં એ પછી મને દરેક ડીલમાં ફાયદો જ થયો છે!’
ખરેખર તો શોની ડીલમાં માત્ર મને હાઇક મળી છે એ બતાવવાનો અનાહતનો મકસદ સમજાતો હોય એમ સાધનાએ હોઠ વંકાવ્યા, ‘મને તો લાગ્યું’તું આને પરણવાનો કે શું!’
લગ્ન. અનાહતના વદન પર અકથ્ય ભાવ પ્રસરી ગયો.
‘હે ય, યુ લુક સિરિયસ!’ સાધનાએ વધુ નિકટ સરકીને અનાહતના ગાલે હાથ ફેરવ્યો, ‘તું લગ્નનું વિચારતો હો તો ધૅટ કજરી અને મારામાં કોણ વધુ પ્રૉફિટ-મેકિંગ રહેશે એ તને સમજાવવાનું ન હોય...’ તેણે આંખ મીંચકારી, ‘નૉટ ધૅટ પૈસેવાલા પ્રૉફિટ. હું બેડના પ્રૉફિટશૅરના સંદર્ભમાં કહું છું!’
અને અનાહતે તેનો હાથ ઝાટકી નાખ્યો, ‘સ્ટે અવે સાધના...’ આવેશમાં અણધાર્યું બોલાઈ ગયું, ‘તારી સાથે સૂવા કરતાં તો હું ગે બનવાનું પ્રિફર કરીશ!’
સાંભળીને સાધના ખળભળી ગઈ : હાઉ ડેર યુ!
વધુ આવતી કાલે