27 February, 2023 02:50 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ગત-અંગત (પ્રકરણ-૧)
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. મા હતી ત્યારે સવાર આમ જ ભજનાવલિથી શરૂ થતી અને રાત તેના હાલરડાથી વિરમતી! એમાં મંજુલાદાદીને માને વઢવાનું બહાનું મળી જતું : ‘વહુ, તેં દીકરાને ફટવી મૂક્યો છે! ૧૨ વર્ષનો થયેલો છોકરો માના હાલરડા વિના સૂએ નહીં એ કેવું!’
ધારે તો મા જવાબ વાળી શકે, પણ તેણે હંમેશાં પોતાનાથી પહેલાં સંબંધનું માન રાખ્યું.
ઊઠીને આળસ મરડતો અનાહત વાગોળી રહ્યો.
મુંબઈમાં મલાડમાં પિતાજીની નાનકડી દુકાન હતી અને બે બેડરૂમનું ઘર હતું. માના પિયરની સરખામણીએ તો એટલું પણ મોભારૂપ ગણાતુ. મંજુલાદાદી આડોશપાડોશમાં ઘણી વાર કહેતાં જોવા મળે : મારા એકના એક વિરાજ માટે કેવાં-કેવાં માગાં આવતાં હતાં. જાણે અમે ક્યાં મામૂલી ઘરની જમનામાં ભેરવાયા!
કમાલ છે મા. આખું ઘર તે સંભાળે. પોતાના માટે તો તે જાણે જીવતી જ નથી અને તોય દાદી તેને વગોવે ને પપ્પા એ ચલાવીયે લે! શું કામ? એવું પણ નહોતું કે જમનામા દેખાવમાં ઊણી હોય... પણ રૂપથી તે ધણીને વશ કરીને વિધવા સાસુને બહાર ધકેલશે તો ઘરડે ઘડપણ મારે ક્યાં જવુંની ધાસ્તીમાં વહુ તરીકે કોઈ પણ હોત, દાદીએ તેને પપ્પાની નિકટ થવા જ ન દીધી હોત... સાચાં-ખોટાં આંસુ સારીને તેમણે પપ્પા માટે માનું શબ્દચિત્ર રચી દીધું : ગરીબ, વેતા વિનાની!
‘તારા પપ્પાએ એ છબિ સ્વીકારી લીધી એ પછી મારી પાસે વિકલ્પ પણ ક્યાં રહ્યો? હું બોલત તો મા મને ઝઘડાળુમાં ખપાવી દેત... મારે સંસારમાં ક્લેશ નથી જોઈતો...’ માની સરળતામા દંભ નહોતો. અનાહત માટે મા પૂજનીય બની ગઈ. કોઈ પૂછે કે મોટો થઈને શું કરવું છે તો તેનો જવાબ એક જ હોય : માને સુખી કરવી છે!
‘ઓહોહો... જાણે અમે તો તારી માને દુખી જ રાખી!’ દાદી ટલ્લા ફોડે, પપ્પા ઠપકારી લે : બહુ હોશિયારી મારવા કરતાં દુકાને બેસતો શીખ તો બે પૈસાની અક્કલ આવશે... તારે માનો પલ્લુ છોડવાની જરૂર પણ છે!
તેમના બબડાટથી તો નહીં, પણ માની વિનવણીએ તે ડાહ્યા દીકરાની જેમ પિતા સાથે દુકાને જાય ખરો.
અહીં જુદું જ વિશ્વ ઊઘડ્યું. અનાહત હોશિયાર હતો. એમાં હવે ધંધાની નજર કેળવાઈ. સ્ટેશનરીના ધંધામાં પૈસો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે એનો તાગ પામતાં વાર ન લાગી. તે નવા-નવા સુઝાવ મૂકતો ને વિરાજભાઈ ‘તને શું સમજ પડે!’ કહીને ઉતારી પાડતા. અનાહત ઝંખવાતો.
‘મને હવે પરખાય છે મા, પપ્પા સાવ બંધિયાર છે. દુકાનમાં પોતાની સીમારેખાથી બહારનું વિચારવાનું નહીં અને ઘરમાં માએ દોરેલી રેખાની પાર જોવાનું નહીં..’
‘હશે, એ તેમની મરજી.’ જમના ધારત તો દીકરાને પતિ-સાસુ સમક્ષ હથિયાર તરીકે વાપરી શકત, પણ તેનામાં એ દુર્ગુણ ક્યાં! એમ તો બાર ચોપડી ભણેલી જમનામાં અનાહતના ઉશ્કેરાટને દિશા ચીંધવાની પણ સૂઝ હતી, ‘પણ પિતાથી નારાજ થઈને તું સપનાં જોવાનું બંધ ન કરતો અનાહત... પિતાને પુરવાર કરીને દેખાડ. પછી તેમણે બોલવાનું જ ન રહેને!’
અને અનાહતને પાનો ચડતો.
‘મમ્મી... આ જો તારી બર્થ-ડે ગિફ્ટ!’
પંદર વરસની ઉંમરે માના જન્મદિને હજાર રૂપિયાની સાડી ધરતા દીકરામાં આપકમાણીનો ઉમંગ હતો, જે જમના સિવાય કોઈને પરખાયો નહીં.
‘આટલી મોંઘી સાડી તારી મા માટે? કોનાં લગ્નમાં મહાલવા?’ દાદીએ મોં બગાડ્યું. વિરાજભાઈએ પાકીટ ચકાસ્યું, ‘હવે તું મને કહ્યા વિના પૈસા લેતો થઈ ગયો!’
‘તમે તો પાકીટ ભરેલું હોય તોય મમ્મી માટે કદી ભેટ લાવતા નથી.’ જમનામાને ગમે કે ન ગમે, ઘરમાં માનું માન-સ્વમાન નથી સચવાતું એ બદલ અનાહતનો અણગમો ક્યારેક બોલકો બની જતો, ‘આ તો હું મારી કમાણીમાંથી લાવ્યો છું.’
મારી કમાણી? દીકરાએ પોતાની ગુલ્લક તોડીને જમા થયેલા એક હજાર રૂપિયા માના નામે શૅરબજારમાં રોકી બે દિવસમાં પૈસા ડબલ કરી દેખાડ્યા એથી હરખાવાને બદલે વિરાજભાઈ વઢવા બેઠા : એમ કહેને કે તું જુગાર રમ્યો!
તેમને જાણવું જ નહોતું કે પૈસા રોકતાં પહેલાં અનાહતે કેટલું પાકું હોમવર્ક કર્યું હતું. કંપનીની બૅલૅન્સશીટ ચકાસવામાં તેની માસ્ટરી કેળવાઈ હતી. આ જુગાર નહોતો, સૂઝપૂર્વકનો વેપાર હતો!
દાદીએ માનો વાંક જોયો : લે, મારા પોતરાને તેં જુગારી બનાવી દીધો!
‘બસ મા.’ પહેલી વાર જમનાએ સાસુ સમક્ષ હાથ આડો કર્યો, ‘હું તમારા દીકરાના અવગુણ નથી ગણાવતી. હવેથી મારા દીકરા માટે કોઈ કંઈ નહીં બોલે.’
પિતા-દાદી સડક થઈ ગયાં. માના તેજે અનાહત મુગ્ધ બન્યો.
‘દીકરાના ઉજાગરાની હું સાક્ષી છું વિરાજ. તેનામાં આભ આંબવાની ક્ષમતા હું ઓછું ભણેલી જોઈ શકું છું તો તમે કેમ નહીં?’
તોય વિરાજભાઈ અક્કડ રહેતાં જમનાએ હળવો નિ:શ્વાસ નાખીને અનાહતના માથે હાથ ફેરવ્યો, ‘બીજા ગમે એ કહે-કરે, મારા તને અંતરના આશિષ છે દીકરા. જીવનમાં તું ખૂબ તરક્કી કર, દરેક સુખ પર તારો અધિકાર હોય.’
- તરક્કી અને સુખ તો મને મોંમાગ્યાં મળ્યાં મા, પણ તું એ જોવા ન રહી...
અત્યારે પણ અનાહતની આંખોના ખૂણા ભીંજાયા.
માને પહેલી બર્થ-ડે ગિફ્ટ દીધાના ત્રીજા જ મહિને તેને કમળો થયો. અઠવાડિયામાં તેણે દેહ મૂક્યો ને એના આઘાતમાંથી ઊભરાવાનું થાય એ પહેલાં છ મહિનામાં દાદીએ પિતાને ફરી પરણાવ્યા!
સાવકી મા વયમાં જમનામા જેવડી જ હતી. આગલા પતિની વિધવા ને પાછો પોતાનાથી બે વરસ નાનો દીકરો પણ ખરો.
અનાહતને બહુ અડવું લાગતું. થોડા વખતમાં ઓરમાન મા લલિતાએ નવા સંસાર પર કબજો જમાવી દીધો હતો. જમનામાની જેમ તે સાંભળવામાં માનતી નહીં, બલ્કે તેની જીભ છરીની જેમ ચાલતી. દાદી હવે નવી માને વઢતી નહીં. પિતા પણ તેની ધાકમાં રહેતા. જિદ્દી, તોફાની રણજિતને બિલ્ડિંગમાં દરેક જોડે ઝઘડા થાય. આવામાં કોઈ જમનાને સાંભરી જાય કે અનાહતને વખાણી જાય એટલે લલિતાનું દિમાગ ફાટતું. નહીં, અનાહતના રહેતાં મારા રણજિતનું ભલું નહીં થાય, હક વહેંચાયેલો રહેશે. એટલે તે એકાંતમાં પતિને ભડકાવતી : સોળ વરસનો દીકરો કંઈ નાનો ન કહેવાય. આજે સવારની જ વાત કરું. મા પૂજામાં બેઠાં હતાં, તમે ને રણજિત સૂતા’તા ને હું નહાવા ગઈ...’ સાડીનો છેડો સરખો કરતાં તેણે આંખોમાં ગંદકી ઊપસાવી, ‘આપણા ફ્લૅટમાં બાથરૂમમાં હુંય વાલામૂઈ કડી ખુલ્લી રાખીને લૂગડાં બદલતી’તી ત્યારે જોયું કે વૉશબેસિન આગળ ઊભો અનાહત ક્યારનો મને ઘૂર્યા કરે છે! ભુખાળવો.’
ત્રણ દિવસ પછી તેણે અનાહતની સામે તેના કબાટમાથી ગંદાં ચોપાનિયાં કાઢીને સાસુ-પતિ સામે ફગાવ્યાં, ‘લો, આ જુઓ ગુણવાન અનાહતનું ચારિત્ર્ય!’
અનાહત માટે એ બૉમ્બ ફૂટવા જેવી ક્ષણ હતી. મને બદનામ કરવા માએ જ આખો કારસો ઘડ્યો હોય એટલી સામાન્ય સમજ પણ પિતા-દાદીએ દાખવી નહીં એનું વધુ ખરાબ લાગ્યું.
‘એમ ખાલી દીકરાને ઠપકાર્યે નહીં ચાલે...’ લલિતા વાત અધૂરી શું કામ મૂકે? અડી જ ગઈ, ‘આવા બદચલન છોકરા સાથે હું મારા રણજિતને નહીં રાખું. ક્યાં તે રહેશે કે અમે મા-દીકરો!’
અને અનાહતે પહેલી વાર પિતાની આંખોમાં ભીનાશ જોઈ, ‘તું નીકળ અનાહત. આ તારું જગત નથી. અહીં તારી મા નથી. બસ, તારી માનું સપનું સાચું પાડજે... ખૂબ સુખી થજે!’
તેમણે પીઠ ફેરવી લીધી. દાદીએ સાડલાથી ભીની આંખો લૂછી. અનાહત માટે આટલુંય પૂરતું હતું. તેણે માએ ફગાવેલાં મૅગેઝિન્સ સમેટ્યાં, ‘આ ગંદકી હું સાથે લઈ જાઉં છું... ભલે એ મારી હોય કે ન હોય!’
લલિતાએ મોં મચકોડ્યું.
અને બસ, દફ્તરમાં થોડોઘણો સામાન સમેટી, માનો ફોટો લઈને પોતે અપાર્ટમેન્ટનાં પગથિયાં ઊતરી ગયેલો. બહુ વેદના નહોતી. નવી મા આવ્યા પછી ક્યારેક આવું બનવાનું જ એનો અણસાર હતો, પણ હવે જવું ક્યાં?
આમાં વિચારવાનું શું! મુંબઈ પાસે કેવો મોટો દરિયો છે!
અને તેના પગ ચોપાટી તરફ વળ્યા. બે-ચાર કલાક બેઠો એમાં તો ત્યાંના ઠેલાવાળા કેટલું કમાય એનો અડસટ્ટો લગાવી ચૂક્યો. પોતે જ્યાં પાણીપૂરી ખાધી તે ભૈયાજીને ટીપ પણ આપી : તમે મિનરલ વૉટર વાપરીને ડિશદીઠ બે રૂપિયા વધારશો તો એમાં પ્રૉફિટ માર્જિન બમણું થઈ જશે.
આજથી પંદર-સોળ વરસ પહેલાંના એ જમાનામાં પાણીપૂરીમાં મિનરલ વૉટર વાપરવાનો તુક્કો નવોસવો ગણાય એવો... અને એમાં જ તો આજના વિખ્યાત ઑન્ટ્રપ્રનર ગણાતા અનાહત શાહની માસ્ટરી છે!
એ સેલિબ્રેટી ઑન્ટ્રપ્રનર! સમોસાની હોમ ડિલિવરીથી શરૂ કરેલી સફરમાં હરકદમે સફળતા સાંપડતી ગઈ. આજે બત્રીસની ઉંમરે મારી માર્કેટવૅલ્યુ બિલ્યન્સમાં અંકાય છે, કોલોબાના મૅન્સનમાં રજવાડી ઠાઠથી રહું છું, યુથ આઇકન ગણાઉં છું.
આનું અભિમાન પોસવાથી દૂર રહેતા અનાહતે ગતખંડની કડી સાંધી:
ઘર છોડ્યાની એ પહેલી રાતે દરિયા પરની ચહલપહલ પણ એક તબક્કે સૂની પડતી ગઈ. અનાહત વિચારોમાં ગુલતાન હતો : ઘર, સ્કૂલ - નવી જર્નીમાં જૂનાં કોઈ સ્ટેશન નહીં.
અને બૅગ પર માથું મૂકીને રેતી પર લંબાવતા અનાહતના ચિત્તમાં સાવકીમાએ આણેલાં ચોપાનિયાં સળવળ્યાં. ગંદી સામગ્રીને દરિયામાં પધરાવી દેવાના આવેશમાં બહાર કાઢી તો ખરી, પણ એની તસવીરો પર નજર પડતાં સહેજ હાંફી જવાયું. પહેલી વાર તનમાં યૌવનનો કસાવ ફૂટ્યો.
ના, એ રાત્રે માત્ર યૌવનને જ કસાવ નહોતો ફૂટ્યો. એ સિવાય પણ કંઈક વિશેષ બન્યું હતું અને એ ગતનું અંગત આજે પણ કોઈને કહેવાય એમ નથી!
અને અનાહતે વિચારમેળો સમેટી લીધો.
lll
‘ગુડ મૉર્નિંગ કજરી!’
ફ્રેશ થઈને ડાઇનિંગ હૉલમાં પ્રવેશતા અનાહતના ટહુકાએ કજરી મહોરી ઊઠી.
ખરેખર તો છ મહિના અગાઉ વર્ષો જૂનાં કૅરટેકર ગોમતીબાએ નિવૃત્તિ લઈને ગામ જવાનું નક્કી કર્યું ત્યારે તે જ કજરીને લઈ આવેલાં : આની મા અને હું એક જ ગામના. પિતાનું સુખ તો આણે ઝાઝું જોયું નથી. માએ પણ થોડા મહિના પહેલાં ગામતરું કર્યું. કજરી કૉલેજ ભણી છે હોં. ચર્ની રોડની ભાડાની ખોલીમાં એકલી રહે એના કરતાં અહીં તેને ઓથ મળી રહેશે અનાહત અને મારા જેટલું જ તે તારું ધ્યાન રાખશે એટલે તારા પૂરતીયે મને નિરાંત.’
માસીની ભલામણ પછી અનાહતે વિચારવાનું હોય જ નહીં.
‘યુ આર મોસ્ટ વેલકમ...’ તેણે આછું સ્મિત ફરકાવ્યું ને કજરીનું હૈયું અજાણતાં જ ધડકી ગયેલું.
કોલાબાના મહેલ જેવા નિવાસમાં ગોઠવાતાં તેને વાર ન લાગી. માની વિદાય પછી મૂરઝાતા મનને અહીં પ્રાણવાયુ સાંપડ્યો. ઘર સંભાળવાની વ્યસ્તતામાં જૂનું દુખ વીસરાતું ગયું. દેખાવમાં અત્યંત રૂપાળી કજરી સ્વભાવની પરગજુ. સ્ટાફને દાબમાં રાખવાની કુનેહ પણ ખરી. અનાહતની પસંદ-નાપંસદથી માંડીને તેની બિઝનેસ અપૉઇન્ટમેન્ટ્સની જવાબદારી પણ તેણે ઉપાડી લીધેલી.
‘કજરી, તારા વિના મારું શું થાત!’ અનાહત વખાણ ભાગ્યે જ કરે, પણ ક્યારેક એવું કંઈ એ ઢબે બોલી જાય કે કજરીને રાતભર ઊંઘ ન આવે!
અત્યારે પણ ચોર નજરે તેને નિહાળતી કજરીને બે દિવસ પહેલાંનો સંવાદ સાંભરી ગયો:
‘કજરીદીદી, તમારું એક અંગત કહું?’ દિલ્હીથી આર્જવે પૂછેલા સવાલ સામે પોતાનો જવાબ પણ કજરીને સાંભરી ગયો : મારું અંગત મારા કહ્યા વિના કોઈ કઈ રીતે જાણી શકે?’
‘ટેક્નૉલૉજી દીદી, ટેક્નૉલૉજી! ચાલો, મને અમુક ડેટા આપો એટલે તમારું સીક્રેટ કહી દઉં.’
એક સમયનો ચાલીનો પાડોશી ને ચારેક વરસથી દિલ્હી વસેલા આર્જવની ફૅમિલી સાથે અમને ભળતું. હું તો મારાથી વરસ નાના આર્જવને રાખડી પણ બાંધતી. એવો હોશિયાર કે પોતે તેને આર્જવ ધ જિનીયસ જ કહેતી! તેમની ફૅમિલી દિલ્હી શિફ્ટ થઈ પછી સંપર્ક છૂટી ગયો. ક્યારેક આર્જવ ફોન ટપકાવીને મને સાંભરી લે ખરો.
અને ખરેખર પોતે આપેલી વિગત પરથી હૃદયની નાજુક વાત તારવી શક્યો હોય એમ તેણે કહેલું : દીદી, તમારું અંગત એ કે તમે કોઈના ગળાડૂબ પ્રેમમાં છો! આ તિકડમ નથી હોં દીદી. કોઈનું અંગત જાણવાનું મારું રિસર્ચવર્ક ઑથેન્ટિક છે. જોજોને, આ વખતે ‘ડીલ ઑર નો ડીલ’ની સેકન્ડ સીઝનમાં તમારા અનાહત સામે કેવો ડંકો વગાડું છું!’
તમારો અનાહત. પાણી-પાણી થતી કજરીને અનાહતના ગત-અંગતની ક્યાં ખબર હતી?
વધુ આવતી કાલે