ડોલરરાયની રાઈનો પહાડ - પુનર્જન્મની પરાક્રમી પ્રેમ કહાણી (પ્રકરણ ૫)

06 September, 2024 07:37 AM IST  |  Mumbai | Lalit Lad

પપ્પા! છાપામાંથી મોં બહાર કાઢો! મોં બતાવતાં શરમ આવે છે? મહેશે ફરી બરાડો પાડ્યો

ઇલસ્ટ્રેશન

હું આશ્ચર્યચકિત હતો. બંદૂકની નાળમાંથી બહાર ઊડેલા ગરમાગરમ મસાલાનો મારા ચહેરા પર છંટકાવ થયો હતો. મારો ચહેરો કોલસાની ગૂણ જેવો કાળો-કાળો થઈ ગયો હતો. મારા નાકમાંથી, કાનમાંથી, મોંમાંથી અને વાળમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા, પરંતુ હું બચી ગયો હતો!

મેં એ જ ક્ષણે તક ઝડપી લીધી.

‘ભવાનીપ્રતાપ!’ મેં બુલંદ અવાજે કહ્યું, ‘જોયા વિધિના ખેલ? હું જીવતો છું! ચમત્કારી બાબા લાલભુજક્કડના આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે. હવે છાનામાના તમારી પલ્લવીનો હાથ મારા હાથમાં સોંપી દો, નહીં તો મારું ત્રીજું નેત્ર ખૂલી જશે અને તમારા પર પ્રલયની જેમ ત્રાટકશે! તમે બળીને ભસ્મ થઈ જશો!’

થોડી ક્ષણ માટે સન્નાટો

છવાઈ ગયો!

થોડી જ ક્ષણો માટે.

કારણ કે એ પછીની થોડી ક્ષણ માટે હું હવામાં ફંગોળાયેલો હતો અને એ પછીની થોડી ક્ષણો પછી હું ભવાનીપ્રતાપ રાયબહાદુર દીવાનજીના બંગલાના કમ્પાઉન્ડની બહાર પછડાયો અને એ પછીની ઘણી બધી ક્ષણો સુધી મેં ફરી એક વાર ધોળે દિવસે તારાઓનાં દર્શન કર્યાં!

lll

મારા મોઢામાં જોવા જેવું કંઈ

જ નથી.

બે સીધીસાદી આંખો છે, એક સીધુંસાદું નાક છે, બે હોઠ છે, ઉપર કોઈક વાર શોધવી પડે એવી પાતળી મૂછો છે, માથે આંગળીના વેઢે ગણી શકાય એટલા વાળ છે અને આખો ચહેરો છાણના પોદળા જેવા આકારનો, લગભગ એવા જ રંગનો અને એવી જ સપાટીવાળો છે.

ટૂંકમાં, મારા મોઢા પર જોવા જેવું કંઈ જ નથી.

ખાસ કરીને પેલા પડછંદ ભવાનીપ્રતાપ રાયબહાદુર દીવાનજીની મ્યુઝિયમપીસ બંદૂકનું નાળચું બરાબર મારા મોઢા સામે ફૂટ્યું એ પછી મેં નક્કી કર્યું હતું કે આમેય, મારું આ ન જોવા જેવું મોઢું કોઈને બતાવવું નહીં.

એટલે જ હું મારા પોતાના ઘરમાં રાતે મોડો-મોડો આવ્યો હતો અને મારી પુત્રવધૂ મને કંઈ પૂછે એ પહેલાં ‘ભૂખ નથી, ખાવું નથી’ કહીને સીધો મારી રૂમમાં ઘૂસીને ગોદડું ઓઢીને ઊંઘી ગયો હતો.

અત્યારે સવાર પડી છે અને મારા ઘરનો વ્યવહાર યંત્રવત્ ચાલી રહ્યો છે. મારો મોટો દીકરો મહેશ મોટા અવાજે કોગળા કરી રહ્યો છે અને મારો નાનો દીકરો જયેશ ઝીણા અવાજે ફિલ્મી ગીત ગાઈ રહ્યો છે. મારી પુત્રવધૂ સીમા કિચનમાં બટાટાપૌંઆનો વઘાર કરી રહી છે અને હું છાપામાં મોઢું ખોસીને ચા પી રહ્યો છું.

છાપામાં મોં ખોસીને એટલે ખરેખર ખોસીને, કારણ કે મેં કહ્યું એમ મારા મોઢા પર જોવા જેવું કંઈ જ નથી.

છાપામાં મોં ખોસવાથી એક નાનકડો ચમત્કાર થતો હોય છે. પાંચ રૂપિયાની કિંમતમાં ૨૪ રદ્દી ન્યુઝપ્રિન્ટનાં પાનાંઓમાં કોઈ પણ ચાર પાનાં અચાનક એક મજબૂત અડીખમ અને અભદ્ય દીવાલ બની જાય છે – પડતર કિંમત ૭૩ પૈસા! (પસ્તી વેચવાથી પાછા આવે એ તો અલગ.)

મારા એ ૭૩ પૈસાના દુર્ગમ ગઢની પાછળ સંતાઈને હું બહારની છાવણીની તમામ હિલચાલો પર ચાંપતી નજર રાખી રહ્યો હતો, પરંતુ બહાર સન્નાટો હતો. એક અકળાવનારી રહસ્યમય શાંતિ હતી. મહેશના કોગળા બંધ થયા હતા અને જયેશનું ફિલ્મી ગીત અડધેથી અટકી ગયું હતું. સીમા દબાતે પગલે મારી નજીક આવી અને ટેબલ પર બટાટાપૌંઆની ડિશ મૂકીને ચુપકીદીથી સરકી ગઈ. બટાટાપૌંઆમાંથી ગરમાગરમ વરાળ નીકળી રહી હતી અને આખા ઘરમાં થિજાવી નાખતું મૌન હતું.

મારા ૭૩ પૈસાના કિલ્લાની દીવાલો પર કાળા અક્ષરો હતા. ૪૮ પૉઇન્ટ એક્સ્ટ્રા બોલ્ડથી માંડીને સાડાછ પૉઇન્ટ લાઇટ સુધીના એ તમામ કાળા અક્ષરો મારે માટે અત્યારે ખરેખર ભેંસ, કાગડા, ઉંદરડા કે માખી સમાન હતા. કારણ કે એ અક્ષરોમાંથી શબ્દો અને શબ્દોમાંથી વાક્યો બનાવીને અર્થ પામવાની સાદી તર્કશક્તિ હું ગુમાવી બેઠો હતો.

મારા મનમાં એક જ પ્રશ્ન હતો, ‘શું આ લોકોને ખબર પડી ગઈ છે? કે પછી હજી ભવાનીપ્રસાદની ભત્રીજી મારા જયેશ સાથે જ પરણવાની છે?’ આ તોફાન પહેલાંની શાંતિ હતી કે ટૉર્નેડો પછીનો ટેબ્લો? મારા કાગળના કિલ્લાની દીવાલો ધીમે-ધીમે ધ્રૂજવા માંડી હતી.

અચાનક શાંતિનો ભંગ કરતી કોઈના ફોનની ઘંટડી ઝણઝણી ઊઠી! એ ઘંટડી મહેશની નહીં, મારી મૃત્યુઘંટડી હતી!

મહેશે તરત જ ફોન ઉપાડ્યો, ‘હલો?’ તે મોટા અવાજે બરાડ્યો. મહેશ સામાન્ય વાતચીત પણ બરાડીને જ કરે છે અને જ્યારે એ ખરેખર બરાડે છે ત્યારે ચાનો કપ ધ્રૂજી ઉઠે છે. આ મારો અંગત અનુભવ છે.

‘હલો, કોણ? ભવાનીપ્રતાપજી?’

ખલાસ!

મેં મારો ચાર પાનાંનો કિલ્લો મજબૂતીથી પકડ્યો. સામેની છાવણીમાં તોપ હવે આ તરફ મંડાઈ ચૂકી હતી. કોઈ પણ ક્ષણે હવે એમાંથી ધડાકો થવાનો હતો.

‘બોલો બોલો, કેમ છો? મજામાં? ગુડ મૉરનિંગ!’

મહેશ ફોન પર બરાડી રહ્યો હતો, ‘હેં? હા હા, આ રહ્યાને... સામે જ બેઠા છે, છાપું વાંચે છે, આપું?’

મારો કિલ્લો ધ્રૂજવા લાગ્યો.

‘હેં? શું? ના ના... બોલોને? શું? હેં?’ મહેશનો અવાજ અને મારા કિલ્લાનાં તીવ્ર કંપનો જુગલબંધી કરી રહ્યાં હતાં.

‘હેં? એમ! શું વાત કરો છો?’ અચાનક મહેશનો બરાડો ફાટ્યો, ‘એક મિનિટ, તમે–તમે આમ એલફેલ ના બોલો, મારા બાપા, હલો!’ મહેશના ફાટેલા બરાડાની ધ્રુજારી બટાટાપૌંઆની વરાળ સુધી પહોંચી.

‘હલો... પણ હલો... એમાં સગાઈ તોડી નાખવાની? હલો... પણ સગાઈ તોડી નાખવાની શી જરૂર છે? હલો? હલો? હલો?’

તોપમારો પૂરો થઈ ગયો હતો. દુશ્મનોની છાવણીની વિનાશકારી તોપો નિરાંતે ધુમાડા કાઢી રહી હશે.

પરંતુ હવે મારે મારો ગઢ સંભાળવાનો હતો. મેં ફરી વાર, વધુ દૃઢતાપૂર્વક મારું મોઢું છાપામાં ખોસ્યું.

‘શું થયું મોટા ભાઈ?’ જયેશનો ઝીણો અવાજ મને સંભળાયો.

‘એ લોકોએ તારી સગાઈ તોડી નાખી છે...’ મહેશ બરાડ્યો.

‘પણ કંઈ કારણ?’

‘કારણ?’ આ વખતે મહેશનો અવાજ આશ્ચર્યજનક રીતે ધીમો હતો, ‘કારણ પણ ખબર પડી જશે.’ મહેશનાં ભારેખમ પગલાંનો પગરવ મારી તરફ આવતો સંભળાયો. મેં મારા ૭૩ પૈસાના કિલ્લા પરની પકડ વધુ મજબૂત કરી.

‘પપ્પા!’

મહેશે પ્રચંડ

બરાડો પાડ્યો.

મારો આખેઆખો ગઢ હચમચી ઊઠ્યો. ૪૮ પૉઇન્ટ બોલ્ડથી માંડીને સાડાછ પૉઇન્ટ લાઇટ સુધીના તમામ

કાળા અક્ષરો

ધ્રૂજવા લાગ્યા.

‘પપ્પા, મોં કેમ સંતાડો છો?’

‘કારણ કે મારા મોઢામાં જોવા જેવું કંઈ જ નથી.’ મેં મારી દૃઢ માન્યતાનું પુનરુચ્ચારણ કર્યું.

‘પપ્પા! છાપામાંથી મોં બહાર કાઢો! મોં બતાવતાં શરમ આવે છે?’ મહેશે ફરી બરાડો પાડ્યો.

‘હાય હાય શું થયું? પપ્પા મોં કેમ સંતાડે છે?’ સીમા પણ તમાશો જોવા હાજર થઈ ગઈ.

‘પણ મોટા ભાઈ, પપ્પાએ શું કર્યું છે?’ જયેશે ફરી ઝીણા અવાજે પૂછ્યું.

‘આપણી ૭૧ પેઢીનું નામ

બોળીને આવ્યો છે તારો બાપ! જયેશિયા લખી રાખજે, હવે તને કોઈ છોકરી નહીં આપે!’

‘અરે પણ થયું છે શું એ તો કહો?’

‘પપ્પા! છાપામાંથી મોઢું બહાર કાઢો!’ મહેશે એક-એક અક્ષર છૂટો પાડીને મને આવાહન આપ્યું.

પરંતુ હું ખરેખર એ મતનો હતો કે મારા મોઢામાં જોવા જેવું કાંઈ છે જ નહીં. એટલે મેં મારા અજેય દુર્ગમ મજબૂત ગઢને પૂરી તાકાતથી મારા એકમાત્ર ચહેરા સામે ધરી રાખ્યો.

પણ મહેશની ખોપરી હવે છટકી હતી. તેણે ત્રાડ પાડી અને એ સાથે એકઝાટકે જ તેણે મારા હાથમાંથી છાપું ઝૂંટવી લીધું અને ફાડી નાખ્યું!’

પત્યું!

મારો દુર્ગમ ગઢ ક્ષણવારમાં ધરાશાયી થઈ ગયો હતો અને

મારો ચહેરો તેમની સામે ખુલ્લો પડી ગયો હતો.

મેં પહેલાં જ કહ્યું હતું કે મારા મોઢામાં જોવા જેવું કંઈ જ નથી છતાં એ ત્રણે જણ ફાટી આંખે મારા મોઢા સામે જોઈ રહ્યાં હતાં. હું કબૂલ કરું છું કે મારી બન્ને આંખોની આસપાસ કાળાં ચકામાં પડી ગયાં હતાં, મારા ચહેરાનો અડધો ભાગ દાઝવાને લીધે કાળો પડી ગયો હતો અને ઠેકઠેકાણે પેલી મ્યુઝિયમપીસ બંદૂકના તીવ્ર છંટકાવને કારણે અસંખ્ય ઉઝરડા પડેલા હતા.

પણ એથી શું? એમ તો ટીપુ સુલતાનના શરીર પર પણ... કહેવાય છે કે... ૮૧ ઘા હતા, પણ એટલે શું તમારે ટીપુ સુલતાનને ધારી-ધારીને જોયા જ કરવાનો?

‘હાય હાય પપ્પા, આ શું થયું?’ સીમાથી ન રહેવાયું.

‘ભ ભ ભ ભ ભવાનીપ્રતાપની બંદૂક...’ મેં બોલવાનો પ્રયત્ન કર્યો.

‘હાય હાય ભવાનીપ્રતાપની બંદૂક?’

‘હા, એ ભવાનીપ્રતાપની બંદૂક બહુ જૂની હતીને એટલે આવી રીતે ફૂટી.’ મેં બને એટલી સ્વસ્થતાથી પરિસ્થિતિને સમજાવવાનો પ્રયાસ કર્યો.

‘પણ ભવાનીપ્રતાપકાકાએ તમારા પર બંદૂક શું કામ ફોડી?’ જયેશે ઝીણા અવાજે બહુ અગત્યનો સવાલ કર્યો,

‘કારણ કે જયલા, આ તારો બાપ ડો. સા. નાણાવટી... એ તારા થનારા કાકાસસરાની એકની એક દીકરીને તેના જ ઘરમાં ઘૂસીને તેને...’ મહેશ અટકી ગયો.

‘તેને શું?’ સીમા અને જયેશ અધીરાં થઈ ગયાં હતાં.

‘તેને... તેને બે હાથ વડે, આ તારો બાપ તેને બન્ને હાથે... ચોંટી પડ્યો હતો! અને જવાનિયાઓને શરમ આવે એવા ગાંડા ચાળા કરતો હતો! બોલો પપ્પા, સાચી વાત છે કે ખોટી?’

ગઢના ફુરચેફુરચા ઊડી ગયા હતા. લશ્કર અંદર ધસી આવ્યું હતું અને મારા કપાળની વચ્ચોવચ AK47 તકાયેલી હતી.

સંપૂર્ણ શરણાગતિ અથવા

વીરોચિત બલિદાન એ બે જ વિકલ્પો મારી સામે હતા.

નિર્ણય અતિશય દુ:ષ્કર હતો. જો હું શરણાગતિ સ્વીકારું તો એનો અર્થ એમ થાય કે હું મારી આ જન્મની અર્ધાંગિની વીણાવેલીને પામવા છતાં તેનો ત્યાગ કરી રહ્યો છું. જ્યારે વીરોચિત બલિદાનમાં એવું હતું કે શૂરવીરતા દેખાડવા માટે મારી પાસે કોઈ યુક્તિ-પ્રયુક્તિ, શસ્ત્ર-અસ્ત્ર, દલીલ કે દાખલો હતાં જ નહીં.

હું મારાં જ સંતાનો આગળ નતમસ્તક થઈને શરમ અનુભવી રહ્યો હતો કે તેમની પોતાની માતાને ફરી વાર તેના યોગ્ય સ્થાને બેસાડવામાં...

સૉરી, હું નતમસ્તક હતો એમાં જ એક નવો ચમત્કાર થયો!

મહેશે જે છાપું મારા હાથમાંથી ખેંચીને ફાડી નાખ્યું હતું એના ટુકડા હજી ફર્શ પર હતા!

એમાંના એક ટુકડામાં રીતસર બે કૉલમના મોટા ન્યુઝ છપાયા હતા ઃ

‘બાબા લાલભુજક્કડની કપટલીલાનો પર્દાફાશ... જ્યોતિષી નર્મદાશંકર સાથે હતી સાંઠગાંઠ...’

વાચકમિત્રો, કોઈકે સાચું જ કહ્યું છે કે જીવન ‘ક્ષણભંગગુર’ છે, પરંતુ કોઈનું સ્વપ્ન આ રીતે એક જ ક્ષણમાં ક્ષણભંગુર થયું હોય એ મારે માટે પહેલી ઘટના હતી.

વાંકો વળીને પેલા છાપાનો ટુકડો ઉપાડીને હું ખુલાસો કરવા જઈ રહ્યો હતો ત્યારે સાચું કહું તો એ જ ક્ષણે મારું મોં જોવા જેવું હતું!

(સમાપ્ત)

columnists