05 September, 2024 07:37 AM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
બાબા લાલભુજક્કડની ભવિષ્યવાણીના થોડા જ કલાકો પછી મને રસ્તા પર એક યુવતી મળી. તે નખશિખ મારી પત્નીની પ્રતિકૃતિ હતી. મેં શોધી કાઢ્યું કે તેનું નામ પલ્લવી હતું. તે હ.કા. આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કરતી હતી અને અમદાવાદના નાક સમા નવરંગપુરા વિસ્તારમાં જીવનકલા સોસાયટીમાં રહેતી હતી.
મેં પલ્લવીનો પીછો કર્યો. છેક તેના ઘર સુધી પીછો કર્યો. જોકે રસ્તામાં તે મને જોઈને જરા ચોંકી ગઈ હતી અને એક પણ અક્ષર બોલ્યા વિના ઝડપથી ચાલવા લાગી હતી, પણ હવે ઘરના એકાંતમાં તો તે જરૂર તેના હૃદયનાં બંધ કમાડ ખોલશે!
મેં દરવાજે ટકોરા માર્યા.
અંદરથી કોઈ જવાબ ન આવ્યો.
મેં ફરી દરવાજો ખખડાવ્યો.
અને અહા! સ્વયં પલ્લવીએ દરવાજો ખોલ્યો! હજી તે કંઈ કહે એ પહેલાં હું અંદર ધસી ગયો.
તે અવાક બનીને પાછે પગલે ખસી રહી હતી.
મેં તેની સામે મારા બન્ને હાથ જોડ્યા. મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.
‘વીણા... વીણાવેલી! મારી હૃદયહર્ષિણી! મારી સ્થાવર-જંગમ તમામ મિલકતોની મહારાણી! મારી વીમા પૉલિસીની એકમાત્ર નૉમિની! હવે માની જા! હવે આ દુખી ડોલરરાયને વધુ ના તડપાવ! વીણા! માની જા! પ્લી... ઝ માની જા!’
‘મારી પાસે ના આવીશ!’ પલ્લવીના અવાજમાં અજબ કંપન હતું. ‘આઘો જા! આઘો જા!’
મેં આજીજી કરી, ‘વીણા પ્લીઝ!’
‘મારું નામ વીણા નથી,
પલ્લવી છે.’
‘મને ખબર છે પલ્લવી, જે ક્ષણથી તને જોઈ છે ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એક મટકું મારીને હું ઊંઘ્યો નથી. બસ, ચારે તરફ તું, તું ને તું જ દેખાય છે.’
મેં તેને અમારા રોમૅન્સથી ભરપૂર દિવસોની યાદ અપાવી.
‘યાદ છે વીણા? મદન ગોપાળની વાડીમાં ચોખ્ખા ઘીના લાડવા પીરસવા જતાં તારી કઢીના દડિયામાં મારો પગ પડી ગયો હતો! અને તે જ ક્ષણે હું તારા પ્રેમમાં પડી ગયો હતો...
...યાદ છે, તારું મોં જોવાને ખાતર હું રોજ તારા ઘરે આવતો અને તારી માને કહેતો કે માસી, બજારનું કંઈ કામકાજ હોય તો કહેજો. અને યાદ છે વીણા? હું રોજ-રોજ મોંઘું-મોંઘું સરસ મજાનું શાક તમને મફતના ભાવે ઘરે લાવી આપતો હતો? બાકીના અડધા પૈસા હું મારા ખિસ્સામાંથી ઉમેરતો હતો! પણ તારી માને તો હું એટલા જ કારણસર ગમી ગયો હતો! એટલે જ્યારે તારા હાથનું માગું મારા ઘરેથી આવેલું ત્યારે તેમણે તરત જ સ્વીકારી લીધેલું? બસ, તેમની એક જ શરત હતી :
લગ્ન પછી પણ જમાઈરાજ અમારા માટે અત્યારની જેમ જ શાકપાંદડું અને કરિયાણું ખરીદી લાવે!’
જૂની વાતોને યાદ કરીને હું ખડખડાટ હસી રહ્યો હતો. અહા, કેવા ભવ્ય દિવસો હતા!
‘પરંતુ વીણા, હવે એ દિવસો દૂર થયા છે. મારા બન્ને દીકરા કમાય છે અને જલસા છે જલસા! બસ, આ તારો હાથ મારા હાથમાં આપી દે!’ હું આગળ વધ્યો.
‘દૂર રહે! કહું છું દૂર રહે! ગુંડા, બદમાશ, લુચ્ચા, લંપટ, લફંગા, દુષ્ટ...’ તમામ વિશેષણોને હું હસતા મોઢે સાંભળી રહ્યો હતો, પણ તેણે અચાનક કહ્યું, ‘ડોસલા!!’
‘ડોસલા?’ મારા હૃદયમાં પીડા થઈ આવી.
‘ડોસલા ન કહે વીણા! મને ડોસલા ન કહે!!’
‘કહીશ! કાકા, મામા, માસા, દાદા, ડોસલા ડોસા!’ આખરે મારું લમણે લખાયેલું નામ ડો.સા. નાણાવટી તેના હોઠો પર આવી જ ગયું.
‘મારા કર્ણોને પીડા થાય એવું ન બોલ પ્રિયે, ન બોલ!’ મેં વિનવણી કરી. ‘હવે દિવસો બહુ થોડા છે અને કામ બહુ બાકી છે. રાત થોડી છે ને વેશ ઝાઝા છે.’
રાતની કલ્પનામાત્રથી હું ઝૂમી ઊઠ્યો હતો. મારા બન્ને હાથ ફેલાવીને હું તેના તરફ આગળ વધ્યો. ‘વીણા... રાત થોડી છે અને વેશ... ઝાઝા છે!’ મારી બાહોમાં મેં તેને જકડી લીધી.
ત્યાં જ તેણે ચીસ પાડી.
‘બચા...વો!! મમ્મી! પપ્પા! બચા...વો!!’
પણ તેનાં મમ્મી-પપ્પા ઘરમાં હોય તો તેને બચાવેને! મેં હિંમતપૂર્વક મારા હોઠ તેના ગાલ તરફ લંબાવ્યા, પણ એ જ ક્ષણે મને પક્ષાઘાતનો હુમલો થયો હોય એવો આભાસ થયો! મારી બોચી જકડાઈ ગઈ! કોઈ પ્રચંડ હાથે મને ખેંચ્યો! મેં પાછળ ફરીને જોયું. એક બીજો પ્રચંડ હાથ મારા ગાલ પર વીંઝાયો!! હું ધરાશાયી થઈ ગયો!!
ફરી એક વાર મને ધોળે દિવસે અસંખ્ય તારાઓની ગણતરી કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
જ્યારે તારા ગણી-ગણીને હું થાકી ગયો ત્યારે મેં મારી આંખો ખોલી. મારી સામે સાડાછ ફુટની ઊંચાઈવાળા, મોટી-મોટી મૂછોવાળા, કડક ચહેરાવાળા એક વડીલ ઊભા હતા. તમે નહીં માનો, મેં તેમને પણ ક્યાંક જોયા હતા!
ફરી એક વાર મેં નિખાલસપણે તેમને પૂછ્યું, ‘મેં તમને ક્યાંક જોયા છે. તમને નથી લાગતું?’
‘જોયા જ હોયને ડોલરરાય!!’ તે સજ્જને ત્રાડ પાડી.
‘ડોલરરાય? કોણ ડોલરરાય?’ તેમની પત્ની એટલે કે પલ્લવીની મમ્મી એટલે કે મારાં ભાવિ સાસુએ પૂછ્યું.
‘હમણાં જ ઓળખાણ પડશે!’ પેલા મુછાળા સજ્જને દાંત ભીંસીને કહ્યું, ‘તમારો દીકરો જયેશ છેને?’
‘હા છેને?’ મેં ઉત્સાહથી કહ્યું.
‘તેની સગાઈ જયા સાથે થઈ છેને?’
‘હો યસ! થઈ છે!’ મેં તરત પલ્લવી તરફ ફરીને કહ્યું, ‘જોયું! મને ઓળખે છે!’ મારો માર ખાધેલો ચહેરો હસું-હસું થઈ રહ્યો હતો, પરંતુ એ જ ક્ષણે મારા ભાવિ સસરાએ ધડાકો કર્યો:
‘એ જયાનો હું સગો કાકો થાઉં છું!’
‘ક... ક... ક... ક... ક... ક... કાકા?’ મારી જીભ તતડિયા ભમરડાની જેમ તોતડાવા લાગી. ‘જયાના કાકા? એટલે કે મારી થનારી પુત્રવધૂના સગા કાકા?’
‘હા!!’ મુછાળા મહાશયે ત્રાડ પાડી. ‘પણ હવે થનારી
પુત્રવધૂના નહીં!!’
‘કકકક કેમ?’
‘કારણ કે અમારી જયા પરણીને જો તમારા જેવા લફંગા, બદમાશ અને લંપટ સસરાના ઘરમાં જવાની હોય તો એ સગાઈ અમને મંજૂર નથી!’
‘જુઓ, તમારી કંઈ ગેરસમજ થાય છે ભાઈ. શું નામ તમારું?’
‘ભવાનીપ્રતાપ રાયબહાદુર દીવાનજી!’ તેમણે ફરી ત્રાડ પાડી.
‘ભભભભ ભવાનીપ્રતાપ રાયબહાદુર દદદદ દીવાનજી, વાત જાણે એમ છે કે આ – આ પલ્લવી...’
‘શું છે મારી પલ્લવીનું?’
‘તે મારી પત્ની છે!’ મેં અંતિમ સત્યનું ઉચ્ચારણ કર્યું. ત્યારે ભવાનીપ્રતાપ રાયબહાદુર દીવાનજીના ચહેરા પર થતા ફેરફારો જોવાલાયક હતા. તેમની કરડી આંખો પહોળી થઈ ગઈ. આંખોની નસોમાં લાલાશ ફૂટી નીકળી. તેમની લમણાની નસો ફાટ-ફાટ થવા લાગી. તેમનો ચહેરો ગુસ્સાથી તમતમી ઊઠ્યો અને પછી કોઈ ભૂખ્યો સિંહ જંગલ ગજાવી મૂકતી ગર્જના કરે એમ તેમણે ગર્જના કરી...
‘શંકર!!! મારી બંદૂક લાવ!’
‘એ લાયો સાહેબ!’ અંદરથી એક અવાજ આવ્યો.
હું ચેતી ગયો. બંદૂક અંદરના ઓરડામાંથી બહાર આવે અને મારી છાતી સામે તકાય એ પહેલાંની થોડીક જ ક્ષણો મારી પાસે હતી. મેં મરણિયો પ્રયાસ કર્યો.
‘ભભભભ ભવાનીપ્રતાપ રાયબહાદુર દદદીવાનજી! હું ખરેખર સાચું કહું છું. તમારી દીકરીનું અસલી નામ વીણાવેલી છે. અમારાં લગ્ન થયેલાં છે. અગ્નિની સાક્ષીએ!’
‘શંકર! મારી બંદૂક લાવ!’ તેમણે પહેલેથીયે ઊંચા અવાજે ગર્જના કરી.
‘એટલે કે તમે સમજો – તમે – માફ કરજો – પણ તમે – મારા સસરા છો અને આ પલ્લવી મારી ધધધધ ધર્મપત્ની છે!’
‘શંક....ર!!’ મારી આંખોમાં આંખો નાખીને તેમણે હજીયે મોટી ગર્જના કરી. ‘મારી બંદૂક લા...વ!!’
બંદૂક આવે એ પહેલાંની અંતિમ ક્ષણોમાં મારે જે કહેવાનું હતું એ કહેવાની મેં તક ઝડપી લીધી.
‘ભભ ભવાનીપ્રતાપજી, અમારા બન્નેનો મીઠો સંસાર હતો. વીણાવેલી એટલે કે આ તમારી પપપ પલ્લવી મારા બે છોકરાની મા છે!!’
ભવાનીપ્રતાપના ડોળા ફાટી ગયા! તેમણે આખરી ગગનભેદી ગર્જના કરી... ‘શં...ક...ર!! મા... રી... બંદૂ...ક!!’
બીજી જ ક્ષણે શંકર બંદૂક સાથે પ્રગટ થયો.
‘આ રહી સાહેબ!’
ખલાસ! હવે મારા જીવનની અંતિમ ક્ષણો આવી ગઈ હતી.
મુછાળા ભવાનીપ્રતાપ રાયબહાદુર દીવાનજી ઉર્ફે મારા
કદીક થઈ શકનાર ભાવિ સસરા મારી સામે બંદૂક તાણીને ઊભા હતા. આ વખતે મેં નક્કી કર્યું હતું કે હું આંખો નહીં મીંચું!
બંદૂક બેનાળી હતી, જૂની પુરાણી હતી. હજી એના પર ધૂળની રજકણો ચોંટેલી હતા. શંકરે એના પરની ધૂળ ઝાટકવાનો પ્રયત્ન કરીને મારું જીવન ક્ષુલ્લક ક્ષણો પૂરતું લંબાવવાનો વ્યર્થ પ્રયાસ કર્યો હતો. બંદૂક પર પિત્તળના જડતરકામમાં સુંદર કોતરણી કરેલી હતી. એનો ઘોડો પણ વિશિષ્ટ પ્રકારનો હતો અને એ ઘોડા પર ભવાનીપ્રતાપની આંગળી દબાઈ
રહી હતી...
હવે મારા બચવાની એકમાત્ર આશા એ હતી કે આ પ્રાચીન મ્યુઝિયમ-પીસ જેવી બંદૂક પડી-પડી કટાઈ ગઈ હોય અને મારાં પુણ્યોના પ્રતાપથી એ છેલ્લી ઘડીએ ન ફૂટે!
પરંતુ એ મારા ભાગ્યમાં નહોતું.
એ ફૂટી!!
* * *
એ બંદૂક ફૂટ્યા પછી પણ હું મારી આ કરુણ કથા લખવા માટે જીવતો કેમ રહી ગયો એ સવાલ મારા પ્રિય વાચકોને જરૂર થશે. સ્વાભાવિક છે, પણ જરા રિવાઇન્ડ કરીને સંભળાવું.
બંદૂક મારી સામે તકાયેલી હતી એ અફર સત્ય હતું, ભવાનીપ્રતાપે એ પ્રતાપી બંદૂકનો ઘોડો દબાવ્યો હતો એ પણ અફર સત્ય હતું અને એ બંદૂક ફૂટી એ પણ એટલું જ અફર સત્ય હતું; પરંતુ ફરક માત્ર એ હતો કે...
સામાન્ય રીતે બંદૂક ફૂટે ત્યારે એમાં ઠાંસીને ભરેલો મસાલો બંદૂકની નાળ દ્વારા પ્રચંડ વેગથી પ્રજ્વલિત થઈને બહાર ધસી આવે છે અને સામેવાળાની છાતી ફાડી નાખે છે, પરંતુ મારાં પુણ્યોના પ્રતાપે મારી છાતીને બદલે એ મ્યુઝિયમ-પીસ બંદૂકની નાળ જ ફાટી ગઈ!!
સૌ સ્તબ્ધ હતા.
હું પણ આશ્ચર્યચકિત હતો. બંદૂકની નાળમાંથી બહાર ઊડેલા ગરમાગરમ મસાલાનો મારા ચહેરા પર છંટકાવ થયો હતો. મારો ચહેરો કોલસાની ગૂણ જેવો કાળો-કાળો થઈ ગયો હતો. મારા નાકમાંથી, કાનમાંથી, મોંમાંથી અને વાળમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા; પરંતુ હું બચી ગયો હતો!
(ક્રમશઃ)