છળ-છલના (પ્રકરણ ૧)

07 November, 2022 12:43 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘હું લાઇફને એન્જૉય કરવામાં માનું છું... બેમાંથી ત્રણ થવાની તમને તો ઉતાવળ નહીં હોયને?’

છળ-છલના (પ્રકરણ ૧)

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. વરલીના ઘરે સવાર આમ જ ઊગતી, વર્ષોથી. પિતાના ક્રમને તેમની ગેરહયાતીમાં પણ માએ કેટલી આસ્થાભેર નિભાવી જાણ્યો છે!
‘જીવન-મરણ ભલે સર્જનહારના હાથમાં હોય, મૃતકના સ્મરણને જીવંત રાખવાનું તો આપણા વશમાં છેને...’

અનસૂયામા કહેતાં એમાં ભૂતકાળમાં જકડાઈ રહેવાની જડતા નહોતી, બલકે સ્વજનના પુણ્યસ્મરણ થકી સુખમાં તૃપ્તિ અને દુખમાં હામ કેળવવાની વૃત્તિ માત્ર હતી.
‘મા હંમેશાં મને પ્રેરણાદાયી લાગ્યાં છે.’
શિખાના ઉદ્ગાર પડઘાતા અતુલ્ય મીઠડું મલકી પડ્યો. વાગ્દત્તાના ખયાલે રોમેરોમ મહોરી ઊઠ્યું.
આમ જુઓ તો શિખાનાં વેણમાં સત્ય હતું.

નાની ઉંમરે આવી પડેલા વૈધવ્યનું દુખ અનસૂયાબહેન એકના એક દીકરા અતુલ્યના સ્વસ્થ, સમતોલ ઉછેરને લક્ષમાં રાખી જીરવી ગયાં. પિતા દેવલભાઈના ચોકસાઈભર્યા મૂડીરોકાણને કારણે આર્થિક નિશ્ચિંતતા ભલે હતી, પણ એથી અતુલ્ય છકી ન જાય એ માટે મા સાવધ રહેલાં. અરે, પાંચ વરસ અગાઉ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરી અતુલ્યએ પોતાનું સ્ટાર્ટઅપ જમાવ્યું ત્યાં સુધી તેના પૉકેટમનીનો હિસાબ પણ અનસૂયાબહેન રાખતાં.
‘માના ઘડતરે મારામાં આત્મવિશ્વાસ પ્રેર્યો અને તો આજે હું મારા છ કરોડના સ્ટાર્ટઅપને સો કરોડના બિઝનેસમાં ફેરવી શક્યો છું...’
અતુલ્ય ગૌરવભેર કહેતો.

‘અત્તુ ભલે તેની સફળતાની ક્રેડિટ મને આપે, ખરેખર તો એ તેની દિવસ-રાતની મહેનત ને તેના પિતાના આશીર્વાદના પ્રતાપે છે.’
અનસૂયાબહેન સરળતાથી કહેતાં. દીકરાને ગુપ્ત દાનધરમ માટે પ્રેરતાં : જરૂરિયાતમંદોની મદદ કરી શકીએ તો જ લક્ષ્મી કામની.
આવા આદર્શોને વરેલો અતુલ્ય અત્યંત સોહામણો  હતો. બત્રીસલક્ષણા દીકરા માટે કહેણની કમી નહોતી, એમાં મલબારહિલની શિખા મા-દીકરાને ગમી ગઈ હતી.
શિખાના પિતા ધનસુખભાઈનો મોટો કારોબાર. સહેજે ત્રણસો કરોડના આસામી હશે.

‘શિખા અમારી એકની એક. તેને અમે રાજકુંવરીની જેમ ઉછેરી છે. ગ્રૅજ્યુએશન વિદેશમાં કર્યું છે, પોતાનું ધાર્યું કરવા ટેવાયેલી તે કોઈને જીદ્દી પણ લાગે...’ શિખાનાં મધર વીણાબહેને કહેણ મૂકતી વેળા જ ચોખવટ કરેલી, ‘પણ તેના મનમાં કપટ નહીં હોં. તમારા જેવાં ઠાવકાં સાસુમાના હાથે તે સંસારમાં ઘડાઈ જવાની, એની મને તો શ્રદ્ધા છે.’
પિયરમાં સાણસીયે નહીં પકડનારી દીકરી સાસરામાં સાસુની નિશ્રામાં ઘડાય એનો અનસૂયાબહેનને તો જાતઅનુભવ હતો. મા ઘણી વાર દાદીનો ગણ માનતી એટલે અતુલ્યને પણ વીણાબહેનની અપેક્ષા સહજ લાગી.

તેમની રૂબરૂ મુલાકાત વરલીના ઘરે ગોઠવાઈ હતી. શિખાના પ્રવેશે જાણે અજવાળું પથરાઈ ગયું. રૂપ-રૂપના અંબાર જેવી કન્યા સાડીના ટ્રેડિશનલ પોશાકમાં મનમોહક એટલી જ મૉડર્ન પણ લાગી. વરલીનું પેન્ટહાઉસ ઝીણવટથી જોયું હતું, આપણો રૂમ કયો હશે એવું પૂછતાં પણ ખંચકાઈ નહોતી. ‘ખોટું શરમાવામાં હું માનતી નથી’ એવું તેણે કહેલું એમાં અતુલ્યને તો નિખાલસતા જ લાગી.
‘ઇટ્સ અમેઝિંગ’ માએ બનાવેલાં વ્યંજનો ચાખી તેણે ઊલટભેર કહેલું, ‘હું બહુ ફૂડી પર્સન છું, ઇન્ડિયનથી ઇટાલિયન સુધીનું બધું ફૂડ મને ભાવે, પણ દેશી ખાણાનો આવો સ્વાદ અગાઉ કદી માણ્યો નથી. મૉમ-ડૅડ, તમને નથી લાગતું આપણા કુકને આન્ટીની ટ્રેઇનિંગમાં મૂકવો જોઈએ!’
‘એના કરતાં તું જ તેમની પાસેથી શીખી અમને રાંધી ખવડાવજેને.’ વીણાબહેને દીકરીને ઘડવાનો ઇશારો આપી દીધો.
‘આન્ટીને મારા જેવી આળસુ સ્ટુડન્ટનો વાંધો ન હોય તો હું તૈયાર છું.’
તેના ચોખ્ખા જવાબે અનસૂયાબહેન જિતાઈ ગયેલાં - છોકરીમાં દંભ નથી.
એકાંત મુલાકાતમાં તે વધુ ખૂલી હતી.

‘હું લાઇફને એન્જૉય કરવામાં માનું છું... બેમાંથી ત્રણ થવાની તમને તો ઉતાવળ નહીં હોયને?’
‘ના, ઉતાવળ તો નથી, પણ હા, સંતાનના આગમને પતિ-પત્નીનુ ઐક્ય વધુ મજબૂત થાય છે એવું જરૂર માનું છું.’
શિખાએ સ્મિત ફરકાવેલું, ‘યુ આર ઇરિઝિસ્ટિબલ, અતુલ્ય.’ 
સાંભળી મલકતા અતુલ્યને મોકો મળી ગયો.   
‘તમે ક્યાં કમ અટ્રૅક્ટિવ છો! સ્પેશ્યલી આ સાડી. તમે પહેરી જ એ ઢબે છે કે ચાર ચાંદ લાગી જાય.’
‘થૅન્ક્સ. બટ આ સાડી મેં જાતે નથી પહેરી હોં. આ કમાલ સાડી ડ્રેપરનો છે.’
સાડી ડ્રેપર. સેલિબ્રિટીઝ, શ્રીમંત ઘરની માનુનીઓ પાર્લરવાળી પાસે તૈયાર થાય એવું સાંભળેલું, પણ એમાં સાડી પહેરાવવા માટેનાય સુપરસ્પેશ્યલિસ્ટ્સ હોય છે જાણી અતુલ્ય અચંબિત થયેલો.

‘સાડી પહેરવી એક કળા છે ને સાડી ડ્રેપર પાસે તો એક સાડીને કંઈકેટલીય રીતે પહેરાવવાના ઇનોવેટિવ આઇડિયાઝ હોય છે. આમ તો હું સાડી ખાસ પહેરતી નથી, આજે મમ્મીએ સાડી પહેરવા ઇન્સિસ્ટ કર્યું, મારે મણિબહેનમાં નહોતું ખપવું એટલે પછી નીમાને તેડાવી લીધી.’
કહી શિખાએ ઉમેરેલું.

‘દાદર રહેતી નીમા વયમાં મારા જેવી જ હશે... સાધારણ કુટુંબની કન્યા સાડી પહેરાવવામાં એક્સપર્ટ છે. આઇ મીન, બ્રિલિયન્ટ. મેં ફર્સ્ટ ટાઇમ તેની સર્વિસ લીધી, પહેર્યા પછી હું પણ સરપ્રાઇઝ હતી કે સાડીનો પહેરવેશ આટલો મૉડર્ન પણ લાગી શકે! સાડી-બ્લાઉઝની ડિઝાઇન બન્ને તેની સલાહ મુજબનાં.’
છોકરી સાડી પહેરવામાંય બીજાની મદદ લે છે. કુકિંગ જાણતી નથી - બીજી કોઈ સાસુ હોત તો આવી વહુ પર ચોકડી જ મારત, પણ અનસૂયાબહેન એટલા સંકુચિત માનસનાં નહોતાં. જે આજે નથી આવડતું એ કાલે શીખી શકાય છે. છોકરીમાં એની ક્ષમતા છે, મહત્ત્વ એનું. અને ઘરનાં કામોમાં તે કૂક-મેઇડની મદદ લે, સાજશણગાર માટે પાર્લરવાળી કે સાડી ડ્રેપરની સર્વિસ હાયર કરે એ તો આપણનેય પરવડે એમ ક્યાં નથી! તમારી વેવ લેન્ગ્થ, તમારા વિચારો મેળ ખાતા હોય તો બાકી બધું ગૌણ છે...

આમાં અતુલ્યને દ્વિધા નહોતી. લંડનમાં એમબીએ કરનારી શિખા પિતાના વ્યાપારની ગતિવિધિથી વાકેફ હતી, પૉલિટિકલથી માંડી સ્પોર્ટ્સ સુધીના વિષયો પર ચર્ચા કરી શકે એટલી સજ્જ. અને અતુલ્યને તો જીવનસંગિની પ્રત્યે તે માનું માન માન જાળવે એટલી જ એક અપેક્ષા હતી. શિખામાં એની પૂર્તિ કળાયા પછી હકાર જ ભણવાનો હોયને.
શિખાની પણ હા હતી. રંગેચંગે વેવિશાળ લેવાયું અને આવતા અઠવાડિયે લગ્ન...
અતુલ્યે ઊંડો શ્વાસ લીધો.

ચાર માસના આ સમયગાળામાં શિખા અમારી જિંદગીમાં ગોઠવાઈ ગઈ છે, રાધર અમે તેનાથી ટેવાતાં જઈએ છીએ! માને તે પ્રેરણારૂપ માને છે.
‘અતુલ્ય આપણા સંબંધમાં તમારી મરજી તો છેને! હું તમને પસંદ તો છુંને!’
અમે એકલાં હોઈએ ત્યારે શરૂ-શરૂમાં શિખા પૂછતી.
‘કેમ આમ પૂછે છે!’
‘કેમ કે તમે એકાંતમાંય સાધુ જેવા રહો છો. એમાં મારા રૂપનું અપમાન છે. મારા જેવી ફૂલફટાકડીને જોઈ તમે નિશ્ચલ રહી શકો, અત્તુ, તમારા જેવા કામણગારા જુવાનને હું તો...’
બાકીના શબ્દો હોઠોના ચુંબનમાં ભીંસાઈ જતા. તેની પહેલ, તેનાં તોફાનો ગમતાં, છતાં સંયમની અંતિમ પાળ પોતે તૂટવા નહોતી દીધી. લગ્ન પછીનું સુખ ચોરીના ચાર ફેરા ફરીને જ માણીશું...
શિખાને આનો વાંધો પણ નહી. 
‘અરે અત્તુબેટા.’

પૂજારૂમમાંથી મા પ્રસાદ લઈને આવતી દેખાઈ એટલે અતુલ્યે વિચારમેળો સમેટી લીધો. 
દીકરાને કાજુ-બદામનો પ્રસાદ દેતાં અનસૂયાબહેન ગંભીર બન્યાં,
‘લીધેલો પ્રસંગ રંગેચંગે પાર પડે એટલી જ પ્રાર્થના હોય છે હમણાંની.’
અતુલ્યે ડોક ધુણાવી. માની ચિંતા અકારણ નહોતી. બન્ને પક્ષે લગ્નની તડામાર તૈયારી થઈ ચૂકી છે. કંકોત્રી વહેંચાઈ ગઈ છે. મેંદી, સંગીત, લગ્ન અને રિસેપ્શન - ચાર દિવસનું ફંક્શન છે. ચોપાટી ખાતે ત્રણ હજારની ક્ષમતાવાળો પાર્ટી-પ્લોટ ચાર દિવસ માટે બુક્ડ છે. અહીં બન્ને પક્ષના મહેમાનોના ઉતારાની સગવડ પણ સચવાય એમ છે, બધાં ફંક્શન એક જ ઠેકાણે રાખવાથી ઇવેન્ટ કંપનીની દોડધામ પણ ઓછી.
ઉજવણીના ઉમંગમાં ચિંતાનો ઉમેરો કર્યો શિખાના દૂરના કાકાશ્રી રમેશભાઈએ. સંસારમાં એકલવાયા વડીલ હૃદયરોગના હુમલાને કારણે ચાર દિવસથી તેમના ઘર નજીકની નાણાવટી હૉસ્પિટલમાં ઍડમિટ છે અને સ્થિતિ અત્યંત નાજુક છે. એંશી વર્ષના કાકા ભલે ખર્યું પાન ગણાય, પણ તેમના અવસાને ધનસુખભાઈને સોળ દિવસનું સૂતક લાગે એટલે લગ્નનું શુભ કાર્ય થઈ શકે નહીં.
‘વડીલ ઑલરેડી ઑક્સિજન પર છે, બચવાના ચાન્સીસ પાંખા છે, પણ મેં ડૉક્ટર્સને કહી રાખ્યું છે કે જોઈએ તો તેમને વેન્ટિલેટર પર રાખી અમારો પ્રસંગ નીકળી જવા દેજો.’ ધનસુખભાઈએ સધિયારો આપતાં કહેલું.

ધનસુખભાઈનાં સગાં ભાઈ-બહેન હતાં નહીં, પણ પિતરાઈઓ તેમની ઓથમાં રહેતાં એટલે દાસાણી પરિવારમાં સ્વાભાવિકપણે ધનસુખભાઈની સત્તા ચાલતી. અંધેરીના ફલૅટમાં એકલા રહેતા રમેશકાકાની સારવારનો ખર્ચ પણ ધનસુખભાઈ ઉઠાવતા, અને હાલ પૂરતું તો વડીલ લગ્નના દહાડા ખેંચી નાખે એટલી જ સૌની દરકાર હતી. 
‘આ પણ કેવી વિડંબના કે આપણે આપણા સ્વાર્થ માટે કોઈના સારા થવાની પ્રાર્થના કરીએ છીએ!’
નિશ્વાસ નાખી અનસૂયાબહેને મન મક્કમ કર્યું, ‘આપણે કોઈનું બગાડ્યું નથી એટલે ઈશ્વર આપણો પ્રસંગ પણ બગડવા નહીં જ દે.’
એ જ વખતે ડોરબેલ રણકી. સવાર-સવારમાં કોણ આવ્યું હશે.
‘જરૂર નીમા હોવી જોઈએ.’ 

શિખાની સાડી ડ્રેપર અતુલ્ય માટે અજાણી રહી નહોતી. વેવિશાળ ટાણે માને તૈયાર કરવા શિખાએ ખાસ નીમાને મોકલેલી. સાદગીભરી સજાવટમાં પણ અત્યંત રૂપાળી જણાતી નીમાના કામથી ખુશ થતાં અનસૂયાબહેને પૂછપરછ કરતાં જે જાણ્યું એથી અચરજ પામ્યાં : લે, તું તો દિવાકરભાઈની દીકરી નીકળી.
મુંબઈના અંગ્રેજી વર્તમાનપત્રના કાર્યાલયમાં ક્લેરિકલ જૉબ કરતા દિવાકરભાઈની આર્થિક સ્થિતિ મધ્યમ. તે પોતે તો બીજાને રૂપિયા-પૈસાની મદદ ન કરી શકે, પણ જરૂરતમંદને મદદગારનું ઠેકાણું ચીંધવાનું તેમના સ્વભાવમાં વણાઈ ગયેલું. છાપાની નોકરીને કારણે તેમના સંપર્કો વિશાળ. એમાં વળી અનસૂયાબહેન તો ન્યાતીલાં, તેમની સેવાસુવાસ દિવાકરભાઈથી છાની શાની હોય. તેમની ભલામણે આવનાર અહીંથી ખાલી હાથે ગયો નથી.
‘પપ્પા ઘણી વાર તમારી વાતો કરે, અતુલ્યસરે કેવી મહેનત-સૂઝથી પોતાનું એમ્પાયર ઊભું કર્યું, તમે સેવાનાં જે કાર્યો કરો છો એ તો અતુલનીય છે. ખાસ તો એનો ઢંઢેરો નહીં પીટવાનું લક્ષણ મને ગમ્યું.’

નીમાની વાણીમાં મીઠાશ હતી, બનાવટનો અભાવ અને કામમાં નિપુણતા દેખીતી હતી.
‘સાચું કહું છોકરી, તો સાડી પહેરવા કોઈને તેડાવાનું મન હાસ્યાસ્પદ લાગ્યું હતું. વરસોથી સાડી પહેરતી આવી છું અને વ્યવસ્થિતપણે જ પહેરતી હોઉં છું. ૨૩-૨૪ની યુવતી મને શું શીખવતી હતી એવો ઘમંડ ક્યાંય હતો - પણ તેં જે ઢબે સાડી પહેરાવી છે જોઈ કાન પકડ્યા, હવે હું લાગું છું વરની મા જેવી.’
માની અસરમાં અતુલ્યથી બોલી જવાયેલું,
‘શિખા મને ગમી એમાં તેં પહેરાવેલી સાડીનું પણ એટલું જ યોગદાન હતું.’
‘થૅન્ક્સ. મને ત્યારે જોકે ખબર નહોતી કે શિખામૅમ તમને જોવા આવવાનાં હતાં...’ નીમા મલકી હતી, ‘હવે જોજોને લગ્નમાં એવાં તૈયાર કરીશ કે જોતા રહી જશો.’
લગ્નમાં દુલ્હનને તૈયાર કરવાની હોવાથી નીમાને ફુરસદ નહીં મળે, પણ માનાં કપડાં-ઘરેણાં જોઈ એક્સપર્ટ ઍડવાઇઝ આપવા નીમા આજે સામેથી ઘરે આવવાની છે જાણી અતુલ્ય પ્રભાવિત થયો - તેને મા માટે લાગણી હશે તો જ ધક્કો ખાય છેને.
‘આવા નીમા આવ.’

અનસૂયાબહેને તેને હોંશથી આવકારી. અતુલ્યે સ્મિત ફરકાવ્યું.
એ જ ક્ષણે તેના મોબાઇલમાં શિખાનો નંબર રણક્યો. સવાર-સવારમાં શિખાનો ફોન. બાપ રે, તેના કાકાનું અમંગળ ન થયું હોય. નીમાને દોરતાં અનસૂયાબહેન બબડ્યાં.
વાત જોકે જુદી નીકળી.
‘આઇ નો, રમેશકાકાની તાણ વચ્ચે આવું પુછાય નહીં, પણ બે દિવસ માટે દુબઈ જવું છે? પ્રીવેડિંગ શૂટ.’
‘નો વે.’ અતુલ્યે તરત જ ઇનકાર ફરમાવ્યો. ‘બે દિવસ પછી હું પંદર દિવસની છુટ્ટી લઉં છું, સો ભયંકર વર્કલોડ છે. પ્રીવેડ શૂટ અહીં કર્યું તો ખરું આપણે અને લાસ્ટ મન્થ તો પૂરા વીક માટે તું મૅરેજના શૉપિંગ માટે પૅરિસ - લંડન જઈ આવી.’

‘ચીલ.’ સામેથી શિખા હસી, ‘મારા શૉપિંગ પર નજર ન બગાડો.’
આડીઅવળી વાતો કરી શિખાએ ફોન પતાવ્યો. પછી મિરરમાં જોઈ મીંઢું મલકી પડી : ગયા મહિનાની વિદેશયાત્રામાં મેં શું કર્યું એની તમને ક્યાં ખબર છે, માય વુડ બી હસબન્ડ?
અને તમને જાણ ન થાય એમાં જ મારી ભલાઈ છે! 
વાગ્દત્તાના છળની અતુલ્યને જાણ નહોતી. એમ તો અનસૂયાબહેન સાથે વાત કરતાં ચોરીછૂપી પોતાને નિહાળી લેતી નીમાની નજર કે હૈયાની પણ ક્યાં ભાળ હતી?

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff