અરેન્જ્ડ મૅરેજ? ના! વડીલોનો પ્લાન, યુવાનોનું કારસ્તાન! (પ્રકરણ-૫)

24 January, 2025 08:17 AM IST  |  Mumbai | Lalit Lad

સમીર જેવો સંસ્કારી, જવાબદાર અને ડિસન્ટ છોકરો તેને આખી દુનિયામાં નહીં મળે

ઇલસ્ટ્રેશન

વેસ્ટર્ન મ્યુઝિકના કર્કશ
ઘોંઘાટનું એક પ્રચંડ મોજું
મનીષાના કાન પર અથડાયું. એની કળ વળે ત્યાં નાકમાં સિગારેટ અને ચરસના ધુમાડાનું આક્રમણ થયું. મનીષાની આંખો ચચરવા લાગી. બે ઘડી થયું કે ખાડામાં જાય એ ડિસ્કોથેક અને ખાડામાં જાય માનસીનાં અરેન્જ મૅરેજ!

પણ એ જ ક્ષણે તેને એક જાણીતો અવાજ સંભળાયો, ‘હાય મનીષા!’

એ સુનીલ ઉર્ફે સમીર હતો. સુનીલે કાળી જાળીવાળું બનિયાન જેવું ટી-શર્ટ પહેર્યું હતું જેને કારણે તેનાં સ્નાયુબદ્ધ બાવડાં ઊડીને આંખે વળગતાં હતાં. નીચે  ચળકાટવાળું ચપોચપ ટ્રાઉઝર પહેર્યું હતું. કાંડા પર કંઈ જાતજાતની મેટલની માળા બાંધી હતી અને ચહેરા પર જાડી ફ્રેમવાળાં ચશ્માંની દાંડી પરથી એક ગોલ્ડન ચેઇન લટકતી હતી.

મનીષા સુનીલનું આ રૂપ જોતી જ રહી ગઈ! ગમે તે હોય, આજે આ દેશી NRIમાં કંઈક ઝમકદાર વાત હતી. બીજી તરફ સુનીલ તો માનસીનું દેહપ્રદર્શન જોઈને સ્તબ્ધ જ થઈ ગયો હતો.

‘હાય માનસી, હું સુનીલ છું. સમીરનો દોસ્ત.’ સુનીલની બાજુમાં ઊભેલા સોહામણા દેખાતા યુવાને હાથ લંબાવ્યા.

‘ઓહ, આઇ ઍમ માનસી. ઍન્ડ શી ઇઝ માય ફ્રેન્ડ મનીષા ફ્રૉમ લંડન.’ મનીષાએ માનસીની ઓળખાણ કરાવી.

‘લંડન? આઇ ઍમ ફ્રૉમ સિડની.’

બન્ને જણ એકબીજાના જેન્યુન ફૉરેન ઉચ્ચાર ઓળખી જતાંની સાથે જ વાતે વળગ્યાં.

એવામાં સુનીલે મનીષાનો
હાથ પકડીને કહ્યું, ‘કમ ઑન!
લેટ્સ ડાન્સ!’

મનીષા જરા અચકાઈને ઊભી રહી ગઈ. ડાન્સ-ફ્લોર પર નાચનારાઓની જબરદસ્ત ભીડ હતી. સુનીલ તો ઑલરેડી આડાઈના મૂડમાં હતો એટલે તેણે મનીષાના બે ખભા પકડીને રીતસર ડાન્સ-ફ્લોર પર ધકેલી દીધી.

‘ડોન્ટ પુશ મી!’ મનીષાએ
છણકો કર્યો.

‘કેમ? લંડનના છોકરાઓ ડાન્સ માટે કંકુ-ચોખા લઈને નોતરાં મૂકવા આવે છે? કે પછી ડાન્સ-બાન્સ જેવું કંઈ આવડતું જ નથી!’

‘તારા ઊંટ-ગધેડા જેવાં સ્ટેપ્સ કરતાં તો સારું આવડે છે!’ મનીષાએ ચોપડાવી.

‘અચ્છા? જરા જોઈએ તો ખરા?’ સુનીલ તેને ડાન્સ કરતા યુવાનોના ટોળામાં ખેંચી ગયો. મનીષા તો હજી કંઈક ઠીક-ઠાક નાચી રહી હતી, પણ સુનીલ દર બે મિનિટે આજુબાજુ કોઈક સાથે ઇડિયટની જેમ ભટકાઈ પડતો હતો.

સમીર-માનસી બન્ને એ બે જણને દૂરથી જોતાં રહ્યાં. માનસીના ચહેરા પર હળવું હાસ્ય હતું.

‘ઇન્ટરેસ્ટિંગ કપલ, નો?’ સમીરે કહ્યું.

‘યાહ, બોથ ટિપિકલ દેસી NRI’S...’ માનસીએ ટાપસી પૂરી.

સમીર હસ્યો, ‘ઍની વે, વુડ યુ કૅર ફૉર અ ડાન્સ?’

‘નૉટ રિયલી,’ માનસીએ બ્રિટિશ ઇંગ્લિશમાં જવાબ વાળ્યો, ‘હું ફાસ્ટ બીટ્સ પર ડાન્સ નથી કરી શકતી અને સ્લો બીટ્સની અહીં આશા કરવી
વ્યર્થ છે.’

‘સેમ હિયર... મને તો આ ધુમાડાથી તકલીફ થાય છે. આપણે બહાર જઈએ તો કેવું? અહીં પાછળ ખુલ્લી લૉન છે.

‘રિયલી!’ માનસીનો ચહેરો ચમકી ઊઠ્યો.

બીજી જ ક્ષણે બન્ને એકબીજાનો હાથ પકડી ભીડમાંથી રસ્તો કરતાં પાછળના ભાગે આવેલી લૉન તરફ ચાલવા માંડ્યાં.

આ તરફ મનીષા અને સુનીલ અડધો-પોણો કલાક નાચ્યા પછી થાક્યાં. સુનીલ તો તેના ઊંટકૂદકા મારીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. મનીષાએ લાગ જોઈને પૂછ્યું :

‘યુ વાના ડ્રિન્ક? કે પછી દારૂ-બારૂ પીતાં આવડતું જ નથી?’

‘કોણે કહ્યું નથી આવડતું?’

‘તો ચાલો?’ મનીષા તેને બિયર-દારૂના બાર તરફ દોરી ગઈ. સુનીલે અહીં વ્હિસ્કીની આખી બૉટલ જ ઑર્ડર કરી.

‘ફુલ બૉટલ?’ મનીષા જાણે પ્રભાવિત થઈ ગઈ હોય એ રીતે બોલી.

‘અફકોર્સ!’ સુનીલ ચગ્યો, ‘મને તો સોડાનીયે જરૂર પડતી નથી!’

સુનીલે ઢાંકણું ખોલીને સીધી બૉટલ મોઢે માંડી. ઘટક-ઘટક કરતાં ચાર ઘૂંટ ભર્યા પછી તેનું મોં કડવું થઈ ગયું છતાં તેણે એક સ્માઇલ આપ્યા પછી બીજા ચાર ઘૂંટ ભર્યા.

‘બસ? આટલી જ પિવાઈ?’ મનીષાએ જરાય ઇમ્પ્રેસ થયા
વિના પૂછ્યું.

મનીષાની ચૅલેન્જથી ઉશ્કેરાઈને સુનીલે બાકીની બૉટલ મોઢે માંડી દીધી. બબ્બે ઘૂંટડા કરતાં-કરતાં ખરેખર આખી બૉટલ પતાવી ગયો! મનીષા અંદરખાને ગભરાઈ રહી હતી કે આ ડફોળને ક્યાંક કંઈ થઈ તો નહીં જાયને?

પણ સુનીલના પગ હજી સ્થિર હતા. તેણે મનીષાનો હાથ ખેંચ્યો. બન્ને ડાન્સ-ફ્લોર પર ફરી ઊતર્યાં. નવાઈ લાગે એવી વાત હતી, પણ સુનીલ હવે ઊંટની જેમ કૂદકા મારવાને બદલે કંઈક સરખી રીતે ડાન્સ કરી રહ્યો હતો.

મનીષા પણ તેનો સાથ આપતાં નાચી રહી હતી. મનીષાના મનમાં આ વખતે કંઈ બીજા જ વિચાર ચાલતા હતા, ‘જે હોય તે... આ NRIમાં દમ તો છે. આખેઆખી બૉટલ પેટમાં ઉતારી ગયો છતાં મારો બેટો પથ્થરની જેમ સૉલિડ ઊભો છે.’

સુનીલના મનમાં પણ કંઈક એવા જ વિચાર ચાલી રહ્યા હતા, ‘આ લંડનવાળી માનસી દેખાવે ભલે ઉઘાડી અને નફ્ફટ દેખાતી હોય, પણ મારી બેટી છે બહુ જબરી!’

મગજમાં ચડેલી વિચારોની ધૂનમાં સુનીલ નાચી રહ્યો હતો,
પણ તેને ખબર નહોતી કે આખી બૉટલ પેટમાં ગઈ એની અસર હવે ધીમે-ધીમે થઈ રહી હતી. ફ્લોર પર કોઈ ભૂવાની જેમ ધૂણી રહેલો
સુનીલ અચાનક બૅલૅન્સ ગુમાવીને ચત્તોપાટ પડ્યો!

આજુબાજુ હલચલ મચી ગઈ.

જોકે મનીષાએ જરાય સ્વસ્થતા ગુમાવ્યા વિના સુનીલના બન્ને હાથ પકડીને તેને બેઠો કર્યો. સુનીલ સંપૂર્ણપણે સમતુલા ગુમાવી ચૂક્યો હતો. તેના આખા ધડનું વજન મનીષાના ખભા પર હતું. મનીષા તેને ઢસડતી વૉશરૂમ તરફ લઈ જવા માંડી. ત્યાં અચાનક સુનીલના પેટમાં આંચકી આવી અને બીજી જ ક્ષણે સુનીલના પેટમાંથી મોં વાટે જબરદસ્ત ઊલટીનો ફુવારો છૂટ્યો!

‘ઓ... શીટ!’ ચારે બાજુ
ઉદ્ગાર થયા.

નર્વસ મનીષા આજુબાજુ જોઈને બે ક્ષણ માટે ‘સૉરી’ કહેવા થોભી ત્યાં તો સુનીલ તેની પકડમાંથી છૂટી ગયો અને પોતાની જ ઊલટીમાં ઊંધે માથે પટકાયો.

ડિસ્કોથેકનું ક્રાઉડ તિરસ્કારની નજરે તેમની તરફ જોઈ રહ્યું. બે ચાર જણે તો કમેન્ટો કરી :
‘મફતના એન્ટ્રી-પાસ લઈને કોઈ મિડલ-ક્લાસિયા ઘૂસી ગયાં લાગે છે.’

‘દારૂ પણ મફતનો જ પીધો લાગે છે, જાણે જિંદગીમાં કદી પીવા જ ન મળવાનો હોય.’

મનીષા આ કમેન્ટ્સથી સમસમી ઊઠી છતાં તેણે જેમતેમ કરીને સુનીલને બેઠો કરતાં આજુબાજુના વેઇટરોને વિનંતી કરી, ‘વુડ યુ પ્લીઝ, ક્લીન ધિસ? આઇ ઍમ સો સૉરી.’

બિચારા વેઇટરોને તો તેમની નોકરી કરવાની હોય એટલે તેઓ કામે લાગ્યા, પણ હવે આ ઊલટીથી રગદોળાયેલાં કપડાંનું શું કરવું?

મનીષાએ તરત નિર્ણય લીધો. તે બન્ને ખભા નીચે પોતાના હાથ ભરાવીને સુનીલને ખેંચવા માંડી. તે સુનીલને રીતસર ઢસડીને લઈ ગઈ. ‘મેન્સ ટૉઇલેટ’નો દરવાજો પોતાની પીઠ વડે ધકેલતાં મનીષા તેને એક લેવેટરીમાં લઈ ગઈ. અહીં સૌથી પહેલાં તો પૂંઠ ધોવાની પાઇપ વડે તેણે સુનીલના આખા શરીર પર ફુવારો ચલાવીને વૉમિટ ધોઈ નાખી. ચળકતું પ્લાસ્ટિક ટાઇપનું ટ્રાઉઝર લીસ્સું હતું એટલે એના પરથી તો ગંદકી ઝડપથી દૂર થઈ ગઈ, પરંતુ જાળીવાળા ટી-શર્ટમાં હજી ઊલટીના થપેડા ફસાયેલા હતા.

મનીષાએ તરત જ નિર્ણય લઈને સુનીલનું જાળીદાર ટી-શર્ટ પોતે જ ઉતારી નાખ્યું. પછી તેની પીઠ પર, છાતી ૫૨, પેટ પર, ખભા, ગરદન, વાળ... જ્યાં પણ ઊલટીના અવશેષો હતા એ બધું ધોઈ નાખ્યું.

સુનીલ એ દરમ્યાન લગભગ બેહોશીમાં જ હતો. પાણીના ફુવારાને કારણે મનીષા પણ લગભગ આખી પલળી ચૂકી હતી. સુનીલનું શરીર સાફ થઈ ચૂક્યું હતું, પણ હવે એને લૂછવું શેનાથી?

ટૉઇલેટ-સિન્ક પાસે કોઈ ટૉવેલ હશે એમ વિચારીને મનીષાએ જ્યાં બારણાની બહાર નજર કરી ત્યાં ચાર જુવાનિયાઓ લોલુપ નજરે જોઈ રહ્યા હતા.

એક જણ હોઠ પર જીભ ફેરવતો બોલ્યો, ‘હાય બેબી, આઇ ઓલ્સો નીડ અ બાથ’

‘હા, મને પણ ‘બાથ’માં લેને?’ બીજાએ ગુજરાતીમાં શ્લેષ કર્યો.

ત્રીજાએ આગળ વધીને પોતાનું ટી-શર્ટ કાઢવા માંડ્યું, ‘ડિયર, હાઉ અબાઉટ અ ટ્વિન બાથ?’

થોડી જ ક્ષણોમાં એ ચારે જણ મનીષાને ઘેરી વળ્યા. મનીષા બે
ક્ષણ માટે ધ્રૂજી ગઈ. એ હજી કંઈ સમજે કે વિચારે એ પહેલાં યુવાનોના આઠ હાથ તેની આસપાસ વીંટળાઈ ચૂક્યા હતા. અચાનક આવા આક્રમણથી મનીષા એટલી બધી ગભરાઈ ગઈ કે તેના ગળામાંથી ચીસ પણ ન નીકળી શકી.

પરંતુ બે ક્ષણ પછી એક યુવાન લથડિયું ખાઈને તેના પગ પાસે ઢળી પડ્યો! બીજી ક્ષણે તેની બાજુનો યુવાન એક ચીસ સાથે દૂર ફંગોળાયો! ત્રીજી ક્ષણે મનીષાએ જોયું કે સુનીલના સ્નાયુબદ્ધ બાવડામાં બાકીના બે યુવાનોની ગરદન હતી અને ચોથી ક્ષણે તેમના પેટમાં સુનીલની લાતો પડી ચૂકી હતી.

આસપાસ પડીને કણસી રહેલા યુવાનોમાંથી એક-બે જણ ઊભા થાય એ પહેલાં બહારથી બે કદાવર ‘બાઉન્સર’ આવી પહોંચ્યા.

‘વૉટ્સ ધ ટ્રબલ હિયર?’ એક બોલ્યો.

‘ટ્રબલ ઇઝ ઑન ધ ફ્લોર!’ મનીષાએ રોકડું પરખાવતાં કહ્યું, ‘નાવ વિલ યુ એક્સક્યુઝ અસ?’

‘મૅડમ, આપ દોનોં કો ભી યે ડિસ્કોથેક સે બાહર જાના પડેગા.’

‘યહાં રુકના ભી કૌન ચાહતા હૈ?’ સુનીલે મનીષાનો હાથ પકડ્યો, ‘કમ, લેટ્સ ગો...’

બન્ને અંધારામાં માર્ગ શોધતાં ડિસ્કોથેકની પાછળના ભાગે આવેલી લૉનમાં નીકળ્યાં. મનીષા હજી ગુસ્સાથી ધ્રૂજી રહી હતી. સુનીલના ચહેરા પર ગજબની ઠંડક હતી.

મનીષાએ લૉનમાં ગોઠવેલા એક બાંકડા પર બેસતાં કહ્યું, ‘આ બધું પેલી માનસીને કારણે થયું છે!’

‘માનસી નહીં, પેલો સમીર!’ સુનીલથી બોલાઈ ગયું. પછી બન્ને એકબીજા સામે જોઈ રહ્યાં.

‘યુ મીન... તું સમીર નથી?’

‘એ છોડ, તું માનસી નથી?’

‘અફકોર્સ નૉટ!’ મનીષા હસવા લાગી, ‘એ ઇડિયટ છોકરીમાં કંઈ અક્કલ જ નથી. મને કહે છે કે બસ, મારે અરેન્જ મૅરેજ નથી કરવાં, એટલે તેની જગ્યાએ હું ઘૂસી ગઈ.’

‘સેમ સ્ટોરી હિયર ઓલ્સો!’ સુનીલ હસવા લાગ્યો, ‘મારા ગધેડા જેવા દોસ્ત સમીરનો પણ એ જ પ્રૉબ્લેમ છે, પણ તને એક વાત કરું? તારી માનસી એક નંબરની મૂરખ છે. સમીર જેવો સંસ્કારી, જવાબદાર અને ડિસન્ટ છોકરો તેને આખી દુનિયામાં નહીં મળે.’

‘તો તારો સમીર પણ મૂરખાઓનો સરદાર છે, કારણ કે માનસી જેવી ભોળી, નિર્દોષ અને પ્રેમાળ છોકરી અને દુનિયામાં તો શું, આખા બ્રહ્માંડમાં નહીં મળે!’

‘મળી ગઈ છે!’ પાછળથી એક અવાજ આવ્યો. મનીષા અને સુનીલે જોયું તો સમીર અને માનસી ખડખડાટ હસતાં ઊભાં હતાં.

lll

હવે મહિના પછી માનસીનાં લગ્ન વખતે મનીષા અને સુનીલ આમનેસામને થાય ત્યારે કંઈક નવાજૂની થાય એ તો નક્કી હતું!

 

(સમાપ્ત)

 

columnists gujarati mid-day exclusive