22 January, 2025 10:51 AM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
‘અગેઇન?’ ઓરિજિનલ NRI માનસી ચોંકી ગઈ.
નકલી NRI માનસી તરીકે માનસીની બાળપણની ઇન્ડિયન બહેનપણી મનીષા નટખટ સ્મિત કરી રહી હતી.
માનસીએ મનીષાની કમરમાં ચૂંટિયો ખણતાં પૂછ્યું, ‘મનીઈઈઈ.. વાત શું છે?’
‘ખાસ કાંઈ વાત નથી.’ મનીષાએ ઉડાઉ જવાબ આપ્યો, ‘મને તારો એ ઑસ્ટ્રેલિયન સમીર જરા ‘ઇન્ટરેસ્ટિંગ’ લાગ્યો!’
‘ઇન્ટરેસ્ટિંગ! તને એ પહોળા જડબાવાળામાં ઇન્ટરેસ્ટિંગ શું લાગ્યું?’
‘અરે તું સમજતી નથી, તેની ફીરકી લેવાની મને બહુ મજા પડે છે! આ વખતે તું પણ મારી જોડે આવજે!’
માનસી ભડકી, ‘નો નો નો! મારી માસી આગળ ભાંડો ફૂટી જશે તો?’
‘પણ તારી માસી આસપાસ હોય તોને?’ મનીષાએ ચપટી વગાડી, ‘આપણે તેને કોઈ એવી જગ્યાએ બોલાવીએ જ્યાં આપણી સ્કૂલની ઓલ્ડ ફ્રેન્ડ્સ જ હોય!’
‘વાઉ!’ માનસીની આંખો ચમકી ઊઠી, ‘પેલી રોઝી ગોન્ઝાલ્વિસ છેને! તેનું ઘ૨ પણ બહુ મોટું છે.’
‘પર્ફેક્ટ!’ મનીષા બોલી ઊઠી, ‘જો, મારા મનમાં એક પ્લાન છે...’
‘શું પ્લાન છે?’
‘દેસી બૉય્સ પાર્ટી!’
lll
‘દેસી બૉય્સ પાર્ટી?’ સુનીલ અકળાયો, ‘યાર, પેલી ઘમંડી, અ-સંસ્કૃત માનસી એક તો પહેલી જ મીટિંગમાં મને લાફો મારે છે અને હવે બીજી વાર મળવા માટે કોઈ દેસી-બૉય્સ પાર્ટીમાં ઇન્વાઇટ કરે છે?’
સમીર હસ્યો, ‘સૉરી સુનીલ, મને હતું કે તને જોઈને માનસી ધડ દઈને ના જ પાડી દેશે, પણ...’
‘પણ ગધેડા... તારા મોઢામાં શું ઘાસ ભર્યું હતું? સાલા, આવતાંની સાથે જ મેં તને કીધું હતું કે માનસી એકદમ યુઝલેસ છોકરી છે. તારા મામાને ચોખ્ખું કહી દેતાં તને વાંધો શું હતો?’
‘સાચું કહું?’ સમીર જરા સિરિયસ થઈ ગયો, ‘યાર, મારા મામાના મારા ઘર પર ઘણા ઉપકાર છે. આઇ જસ્ટ કાન્ટ ટેલ હિમ ધેટ માનસી ઇઝ વેરી વેરી રૂડ, ઍરગન્ટ ઍન્ડ વાયોલન્ટ.’
‘ગધેડા, લાફો મને પડ્યો હતો, તને નહીં અને આ દેસી-બૉય્સની પાર્ટીમાં પણ ફીરકી મારી લેવાશે, તારી નહીં.’
‘ઓકે, ત્યાં તારી ભૂલ થાય છે,’ સમીર બોલી ઊઠ્યો, ‘ઇન ફૅક્ટ, તું તો આ પાર્ટીમાં છવાઈ જઈશ!’
‘કઈ રીતે?’
‘વેલ, વાત એમ છે કે માનસીની એક ફ્રેન્ડ, રોઝી ગોન્ઝાલ્વિસનો બર્થ-ડે છે અને એમાં તેની જેટલી સ્કૂલ-ફ્રેન્ડ છે એ બધીએ તેના બૉયફ્રેન્ડ્સને સાથે લઈને આવવાનું છે. શરત એ છે કે બધા બૉયફ્રેન્ડ્સે પર્ફેક્ટ ઇન્ડિયન કૉસ્ચ્યુમ પહેરવાનો છે. એટલું જ નહીં, પાર્ટીમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા વગેરે પર એક કૉન્ટેસ્ટ રાખી છે. જે વિનર બનશે તેને છોકરીઓ બેસ્ટ દેસી-બૉય્સનો અવૉર્ડ આપશે!’
સુનીલ જરા વિચારમાં પડી ગયો.
‘યાર, વિચાર ના કર.’
‘વિચાર નથી કરતો. ડરું છું કે ક્યાંક માનસી ફરીથી મારો કચરો ના કરે...’
lll
પોતાના ટ્રિપલ-શૅરિંગ ભાડૂતી ફ્લૅટમાં અરીસા સામે ઊભો રહીને સુનીલ હજી વિચાર કરી રહ્યો હતો. ‘દેસી-બૉય્સ’ પાર્ટીમાં શું પહેરીને જવું? ઇન્ડિયન વસ્ત્રોના નામે તેની પાસે માત્ર બે હૅન્ડલૂમના ઝબ્બા જ હતા!
પણ પછી સુનીલને થયું કે યાર, મારે ક્યાં સમીરની ‘સારી’ ઇમ્પ્રેશન પાડવાની છે? મારે તો માનસી પાસે ‘ના’ પડાવવાની છે!
આ વિચાર આવતાં જ સુનીલે પોતાના ચાર દિવસના મેલા જીન્સ પર એક હૅન્ડલૂમનો ઝબ્બો ચડાવી લીધો.
lll
આપેલા સરનામે ટૅક્સી આવીને એક જૂના ગોવાનીઝ પ્રકારની બાંધણીવાળા મકાન પાસે ઊભી રહી ગઈ. ભીતરથી મોટાં સ્પીકર્સ વેસ્ટર્ન મ્યુઝિકનો ઘોંઘાટ ફેલાવી રહ્યાં હતાં.
લીલા રંગના લાકડાના મુખ્ય પ્રવેશદ્વારને સહેજ હડસેલતાં જ ખૂલી ગયું. એ સાથે જ સામટી દસ-પંદ૨ છોકરીઓની કિલકારીઓ તેના કાને અથડાઈ :
‘વાઆઆઆઉ!!! સુનીઈઈઈલ! ધ દેસી બૉય!’
સુનીલે જોયું કે અહીં બધી જ છોકરીઓ આછકલાં વેસ્ટર્ન વસ્ત્રોમાં હતી. ફુગ્ગા અને ચળકતાં તોરણો વડે બર્થ-ડે પાર્ટીની સજાવટ થયેલી હતી. ચારે બાજુ લાલ, પીળા, ભૂરા, ગુલાબી રંગોવાળી લાઇટો ઝબૂકતી હતી.
સુનીલ આ બધું જોઈને જરા ચકરાઈ ગયો. તેની નજર પેલી શેતાન ‘માનસી’ને શોધી રહી હતી. આખા હૉલમાં ધમાલ ચાલી રહી હતી. પેલી માનસી (મનીષા) હવે આવી. તેણે આજે પણ ટૂંકું ચપોચપ ટી-શર્ટ પહેર્યું હતું. જીન્સને બદલે ટૂંકી શૉર્ટ્સ પહેરી હતી, ખભા પર કંઈક વિચિત્ર ટૅટૂ ચીતરેલું હતું.
હોઠ પર લટકતી સિગારેટ સાથે નજીક આવીને તેણે સુનીલને હચમચાવી નાખતું આલિંગન આપી દીધું! બિચારો સુનીલ આલિંગનથી એવો ગભરાઈ ગયો કે તેનું બૅલૅન્સ જતું રહ્યું!
પડું-પડું થઈ રહેલા સુનીલને બચાવવાના પ્રયાસમાં મનીષાના પગની આંટી સુનીલના પગમાં ભરાઈ ગઈ. બન્ને ધડામ કરતાં નીચે જ પડ્યાં હોત, પણ છેલ્લી ઘડીએ સુનીલે પોતાના પગ પહોળા કરીને મનીષાને કમરમાંથી પકડી લીધી.
‘વાઉ!’ એક છોકરીએ સીટી મારી, ‘વૉટ અ રાજ કપૂર-નર્ગિસ પોઝ!’
છોકરીઓની કિલકારીઓ ગુંજી ઊઠી. આવા ચોંકાવનારા સ્વાગતથી સુનીલ નર્વસ થઈ ગયો.
કમર પરથી સુનીલનો પંજો પોતાના પંજામાં જકડતાં મનીષા તેને બીજા યુવાનો તરફ દોરી ગઈ.
‘ધિસ ઇઝ મરવિન, રોઝી’સ બેસ્ટ બૉયફ્રેન્ડ... અને આ છે અક્ષત, ગૌરવ, રજત, મોહિત, પલાશ..’
છોકરાઓ જાણે કોઈ ડિઝાઇનરના ફૅશન-શોમાંથી સીધા અહીં આવી પહોંચ્યા હોય એવા લાગતા હતા. કોઈ ચુસ્ત જોધપુરી કોટમાં સજ્જ હતો, તો કોઈ તરણેતર સ્ટાઇલ કેડિયા-ફેંટામાં વટ પાડતો હતો. કોઈનાં વસ્ત્રોમાં કર્ણાટકી ટ્રેડિશનનો ટચ હતો તો કોઈકે અસલી નેપાલી વેશભૂષા કરી હતી. આ બધા સામે સુનીલનો હૅન્ડલૂમ ઝબ્બો સાવ ફાલતુ લાગી રહ્યો હતો.
‘ઓકે ગર્લ્સ, નાવ વી બિગિન ધ મોસ્ટ અવેઇટેડ કૉન્ટેસ્ટ ઑફ દેસી બૉય્સ!’
જોતજોતાંમાં હૉલના વચ્ચેના ભાગમાં જગ્યા થઈ ગઈ હતી અને એક લાઇટનું સ્પૉટ તેના પર ગોઠવાઈ ગયું. ખાસ મહેમાન તરીકે પધારેલા બૉયફ્રેન્ડ્સે હવે અહીં પહેલા રાઉન્ડમાં કૅટ-વૉક કરવાનું હતું!
રોઝીની બહેનપણીઓના બૉયફ્રેન્ડ્સ વારાફરતી લાઇટના સ્પૉટમાં આવીને કૅટ-વૉક કરી રહ્યા હતા. દરેકની એન્ટ્રી પર સીટીઓ અને ‘હુઉઉઉ...’ કરતી ચીસો પડતી હતી. સુનીલે જોયું કે બધા જ યુવાનો કૅટ-વૉકમાં માહિર હતા, બિલકુલ પ્રોફેશનલ મૉડલની જેમ પોઝ આપી રહ્યા હતા. અને રાઇટ જગ્યાએ તાળીઓ ઝીલતા હતા.
સુનીલને સખત ચીડ ચડી રહી હતી. તેને ખબર હતી કે પોતાની એન્ટ્રી થતાં જ તેનો હુરિયો બોલાવવામાં આવશે, પણ તેણે મનોમન નક્કી કર્યું કે મારે કોઈની પરવા કરવાની જરૂર નથી.
પોતાનો વારો આવે એ પહેલાં સુનીલે જાણીજોઈને કોલ્હાપુરી ચંપલ કાઢી નાખ્યાં, જીન્સને વાળીને પગની પિંડીઓ સુધી ચડાવ્યું. બાજુમાં પડેલો કોઈ છોકરીના ડ્રેસનો દુપટ્ટો કમરે વીંટાળ્યો, ઝબ્બાની બાંયો વાળીને છેક બાવડા સુધી ચડાવી અને સ્પૉટલાઇટમાં એન્ટ્રી લેતાં પહેલાં પેલા તરણેતરની ફૅશનમાં ફરતા યુવાનના હાથમાંથી રંગીન રૂમાલ ખેંચીને કોઈ મજૂરની અદામાં પોતાના માથે બાંધી દીધો. બીજા છોકરાઓની જેમ ‘કૅટ-વૉક’ કરવાને બદલે તેણે ઝબ્બાનાં બટન ખોલી, છાતી કાઢીને બાવડાં ફુલાવીને રુઆબભેર એન્ટ્રી મારી.
એ સાથે જ છોકરીઓની જે કિલકારીઓ અને સીટીઓ સંભળાઈ એનાથી ખુદ સુનીલને નવાઈ લાગી! બધા સુનીલની (ઉર્ફે સમીરની) આ સરપ્રાઇઝ એન્ટ્રી પર ફિદા થઈ ગયા હતા.
‘...એન્ડ ધ વિનર ઑફ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ... સમીર!’
આ સાથે જ મનીષાએ માનસીની કમરમાં ચૂંટિયો ભરતાં કહ્યું, ‘માનસી... હજી વિચાર બદલાય છે? હું તો કહું છું કે આ સમી૨ તારા માટે બેસ્ટ દેસી બૉય છે!’
‘શટ્ અપ!’ માનસી હસવા લાગી. પહેલા રાઉન્ડમાં છવાઈ ગયેલા સુનીલની એ પછીના રાઉન્ડમાં ધુલાઈ થવા માંડી. બીજો રાઉન્ડ ઇન્ડિયન ટ્રેડિશનલ ડાન્સનો હતો. સ્માર્ટ હૅન્ડસમ બૉયફ્રેન્ડ્સે પંજાબી ભાંગડા, મરાઠી તમાશા, કર્ણાટકી ક્લાસિકલ અને ભરતનાટ્યમના જુદા-જુદા તાલ પર ખરેખર બહુ સારાં સ્ટેપ્સ કરી બતાવ્યાં. જ્યારે બિચારો સુનીલ એ રીતે હવામાં હાથપગ વીંઝી રહ્યો હતો જાણે આજુબાજુના મચ્છર ઉડાડતો હોય!
અરે, છેવટે જ્યારે ગરબાની રિધમ વાગી ત્યારે પણ સુનીલ માનસી ઉર્ફે મનીષા સાથે એવો કઢંગી રીતે નાચી રહ્યો હતો કે બે વાર મનીષાનો દાંડિયો તેના મોઢા ૫૨ વાગ્યો!
ત્રીજો રાઉન્ડ ઇન્ડિયન સિન્ગિંગનો હતો. નૅચરલી, એમાં પણ સુનીલની ધુલાઈ થવાની હતી. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેણે માંડ-માંડ નિશાળમાં ભણેલો વાસીમાં વાસી દુહો એકદમ બેસૂરા અવાજે લલકાર્યો :
‘વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પૂર...
શૂરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઊગે સૂર...’
અત્યંત ખરાબ રીતે ગવાયેલો આ દુહો પૂરો થતાં જ મનીષાએ આગળ આવીને બૂમ પાડી, ‘કમ ઑન ગર્લ્સ! ગિવ હિમ વન્સ મોર!’
બધી છોકરીઓને આઇડિયા ગમી ગયો. બિચારા સુનીલ પાસે છોકરીઓએ છ-છ વાર એકનો એક દુહો ગવડાવ્યો. પાછળ બેઠેલી માનસીએ મનીષાને ધીમેકથી કહ્યું, ‘કમ ઑન મનીષા, ધિસ ઇઝ નૉટ ફેર...’
‘ફેર?’ મનીષા હસી, ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઍન્ડ વૉર,’
‘અચ્છા?’ માનસીએ આંખો નચાવી, ‘આ સમીર જોડે તું વૉરમાં છે કે લવમાં?
‘શટ અપ!’ મનીષાના હોઠ પર નટખટ સ્માઇલ હતું.
પાર્ટી ચાલતી રહી, સુનીલનો કચરો થતો રહ્યો, પણ સૌથી ખરાબ હાલત હજી હવે થવાની હતી. રોઝીએ હાથમાં માઇક લઈને અનાઉન્સ કર્યું, ‘નાવ, ગર્લ્સ, ઇઝ ધ મોસ્ટ ગ્લૅમરસ રાઉન્ડ ઑફ દેસી બૉય્સ! ઇટ ઇઝ ધ કૉન્ટેસ્ટ ઑફ... વેરિંગ ધોતી!’
છોકરીઓએ કિકિયારીઓ કરી મૂકી. છોકરાઓએ બધાની સામે પોતાનું જીન્સ, સૂરવાલ કે જેકાંઈ પહેર્યું હોય એ ઉતારીને જાહેરમાં ધોતિયું
પહેરવાનું હતું!
વારાફરતી છોકરાઓ ધોતિયું પહેરવાનાં જે ફાંફાં મારતા હતા એ જોઈને બધી છોકરીઓને સખત મજા પડી રહી હતી. સુનીલને ખાતરી હતી કે તે આ રાઉન્ડ તો અઢી મિનિટમાં જીતી જશે, પણ તેને ખરેખર અંદાજ નહોતો કે શું થવાનું છે.
જ્યારે તેનો વારો આવ્યો અને તેણે જીન્સ ઉતાર્યું કે તરત છોકરીઓમાં સખત હસાહસ મચી ગઈ! કારણ કે બીજા છોકરાઓને કદાચ આ રાઉન્ડની ખબર હતી એટલે બધા અન્ડરવેર તરીકે જૉકી ટાઇપની લાંબી શૉર્ટ્સ પહેરીને આવ્યા હતા, જ્યારે સુનીલ તો ટિપિકલ VIP જાંઘિયામાં હતો!
અધૂરામાં પૂરું, એક છોકરીએ બૂમ પાડી, ‘ટેલ હિમ ટુ રિમૂવ હિઝ ઝબ્બા! વી કાન્ટ સી હિઝ ટેક્નિક પ્રૉપરલી!’
‘યેએએએસ!’ તમામ છોકરીઓએ આ સૂચન વધાવી લીધું. સુનીલ સ્તબ્ધ થઈ ગયો. આટલી બધી છોકરીઓ સામે સ્પૉટલાઇટની રોશનીમાં માત્ર જાંઘિયાભેર ઊભા રહેવાનું?
મનીષા આગળ આવી, ‘કમ ઑન મિસ્ટર NRI? વૉટ આર યુ અફ્રેડ ઑફ? ભારતના કુસ્તીબાજ મલ્લો તો આનાથીયે ટૂંકા જાંઘિયામાં જાહેર કુસ્તી કરતા હોય છે. આ તો ભારતીય સંસ્કૃતિનો જ ભાગ છે! કમ ઑન, શો અસ યૉ૨ કુસ્તીબાજ બૉડી!’
સુનીલ સમસમી ગયો. તેણે એક હાથ વડે ધોતિયું ફગાવી દીધું અને બીજા હાથમાં પોતાનું જીન્સ ઉઠાવીને ચોખ્ખું સંભળાવી દીધું :
‘આઇ હૅટ યૉર પાર્ટી! ઍન્ડ આઇ ઍમ વૉકિંગ આઉટ!’
સુનીલ ઝડપભેર હૉલમાંથી બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)