29 November, 2024 02:37 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
‘જાસ્મિન, એક ખુશખબરી છે ! સની કોમામાંથી બહાર આવી ગયો છે!’
ફોનમાં દાદાજીનો અવાજ સાંભળતાં જ પહેલાં તો ખુશીથી જાસ્મિનના હૃદયના તાર ઝણઝણી ઊઠ્યા! પણ પછી તરત ભાન થયું કે તેની અને સનીની પહેચાન શું? સની ભાનમાં આવ્યા પછી તેને ઓળખશે ખરો? અને ઓળખે તો શું કહેશે?
જ્યારે દાદાજીને ખબર પડશે કે તે સનીની ગર્લફ્રેન્ડ તો શું તેની પરિચિત પણ નથી, ત્યારે શું થશે?
‘સાંભળ, ડૉક્ટરો કહે છે કે આપણે તેને મળી શકીએ એ પહેલાં એકાદ કલાક સુધી સનીના થોડા ટેસ્ટ લઈ લેવા જરૂરી છે. એટલે આપણે તેને કલાક પછી મળી શકીશું. હું આલોકને ગાડી લઈને મોકલું છું, તું તેની સાથે આવી જજે. ઍન્ડ યસ, આલોક કહે એમ કરજે.’
‘પણ શું?’
‘હોહોહો... સરપ્રાઇઝ છે!’ દાદાજીએ હસીને ફોન મૂકી દીધો.
પાંચેક મિનિટમાં તો આલોક કારની ચાવી આંગળીમાં ઘુમાવતો આવી પહોંચ્યો, ‘ચલો ભાભી, તૈયાર થઈ જાઓ, બ્યુટીપાર્લરમાં જવાનું છે.’
‘બ્યુટીપાર્લર? શેના માટે?’
‘કહું છું, પહેલાં ગાડીમાં તો પધારો!’
આલોક યલો કલરની કોઈ ફૅશનેબલ સ્પોર્ટ્સ કાર લઈને આવ્યો હતો, જેનું ઉપરનું હુડ ખુલ્લું હતું. સવારનો કુમળો તડકો ખીલ્યો હતો. આલોકે રેસની ઝડપે કારને ઉપાડી.
‘હલો હલો, આટલી ઉતાવળ શેની છે? અને સવારના પહોરમાં કયું બ્યુટીપાર્લર ખુલ્લું હશે?’
‘ના હોય, પણ આપણે ખોલાવ્યું છે.’
‘પણ શેના માટે?’
‘ભાભી માટે!’ આલોકે ગિઅર બદલતાં સ્ટીઅરિંગ પર આંગળાં રમાડ્યાં. ‘જુઓ, આ મારું-તમારું
અને દાદાજીનું સીક્રેટ છે. કોઈને કહેવાનું નથી, ઓકે?’
‘પણ શું સીક્રેટ છે!’
‘ઍક્ચ્યુઅલી આપણા આખા ફૅમિલી અને ફ્રેન્ડ્સને એમ કહેવામાં આવ્યું છે કે સનીભૈયા કોમામાંથી બહાર આવી ગયા એની ખુશીમાં ધનરાજ હૉસ્પિટલની ફોયરમાં જ તેની ‘વેલકમ બેક ટુ લાઇફ’ની પાર્ટી છે, પણ...’
‘પણ શું?’
‘એ પાર્ટીમાં...’ આલોકે ફરી સ્ટીઅરિંગ પર આંગળાં રમાડવા માંડ્યાં. ‘ભાભી જાનમ! એ પાર્ટીમાં દાદાજી તમારી અને સનીભૈયાની સગાઈનું અનાઉન્સમેન્ટ કરવાના છે.’
જાસ્મિન ચોંકી ગઈ... બાપરે, મામલો આટલો બધો આગળ વધી ગયો છે?
‘ભાભી, તમે જોજો તો ખરાં... મેં એકલાએ આખું પ્લાનિંગ કર્યું છે. ધનરાજ હૉસ્પિટલની ફોયરમાં રેડ કાર્પેટ બિછાવાઈ ગઈ છે. બારીઓ પર ફૂલોના પરદા લગાવાઈ રહ્યા છે. ફુગ્ગાઓ અને રિબનનાં ડેકોરેશનો તો તમે લાખો જોયાં હશે પણ અહીં રંગીન સિલ્કના તાકાઓના તાકાઓ વડે આખી સીલિંગ તૈયાર થઈ ગઈ હશે, ઍન્ડ યસ... દાદાજીએ ઓરિજિનલ આફ્રિકન વૅલીના ડાયમન્ડ્સની વીંટી પણ મગાવી લીધી છે! જોવી છે?’
આલોકે તેના કોટના ખિસ્સામાંથી એક ડબ્બી કાઢીને જાસ્મિનને આપી. જાસ્મિને ડબ્બી ખોલી. અંદર એક અતિશય પાણીદાર મોટા હીરાની આસપાસ ઝીણા-ઝીણા અનેક હીરા જડેલી વીંટી ચમકી રહી હતી.
‘ખબર છે કેટલાની છે?
પંચોતેર લાખની.’
જાસ્મિનને અચાનક ગભરાટ થઈ આવ્યો... માય ગૉડ, આટલી બધી તૈયારીઓ કરી નાખ્યા પછી, આટલા બધા લોકોની સામે જ્યારે સની એમ કહી દેશે કે આ જાસ્મિન-ફાસ્મિન નામની કોઈ છોકરી મારી ગર્લફ્રેન્ડ છે જ નહીં ત્યારે?
‘એક મિનિટ આલોકભાઈ, ગાડી ઊભી રાખો.’
‘કેમ?’
‘મારે બ્યુટીપાર્લર નથી જવું.’
‘ભાભી...’ આલોકે કાર ધીમી કરી. ‘કુછ કન્ફ્યુઝન હૈ? આખિર સ્ટોરી ક્યા હૈ? ક્યાંક ‘જબ વી મેટ’નો મામલો તો નથીને? કે પછી ‘લવ આજકલ’ની છેલ્લી રીલ ચાલી રહી છે? યાર... આ હિન્દી ફિલ્મોની આ જ તકલીફ છે! સીધીસાદી હિરોઇનોને પણ લગ્નના મંડપમાંથી ભાગતી કરી નાખે છે! કમ ઑન ભાભી! ડોન્ટ બી કન્ફ્યુઝ્ડ!’
આલોકને શી રીતે સમજાવવું કે હજી સુધી કોઈ હિન્દી પિક્ચરમાં ન આવ્યું હોય એવું કન્ફ્યુઝન છે?
‘કમ ઑન ભાભી... જલદી બોલો, બ્યુટીપાર્લર કે ધનરાજ હૉસ્પિટલ?’ આલોકે કાર સાવ ધીમી કરી નાખી.
જે રાહેજા પરિવારના બંગલામાં જુવાન છોકરા-છોકરીઓની અવરજવર મોડી રાત્રે ચાલતી રહેતી હતી, જે પરિવારનાં સંતાનો કેટલાં અને પરિવાર સિવાયનાં કોણ-કોણ ક્યાં સૂતાં હતાં તેની કોઈને કશી પરવા પણ
નહોતી એવા પરિવારની તેણે ‘વહુ’ બનવાનું હતું?
‘લો ભાભી, બ્યુટીપાર્લર આવી ગયું.’ આલોકે કાર ઊભી રાખી.
‘આલોકભાઈ, આઇ એમ સૉરી... પણ હું બ્યુટીપાર્લરમાં જવાની નથી.’
જાસ્મિનના અવાજનો રણકો સાંભળીને આલોકને પણ નવાઈ લાગી.
‘ના... આલોકભાઈ પ્લીઝ, તમે આગ્રહ ન કરશો.’
‘ઓકે, તો...’ આલોકે પૂછ્યું, ‘ધનરાજ હૉસ્પિટલ પર લઈ લઉં?’
‘હા.’
કાર સ્ટાર્ટ થઈ. આલોક જાણીજોઈને કાર ધીમે ચલાવી રહ્યો હતો, તેને એમ હતું કે કદાચ જાસ્મિનનો વિચાર ફરી જાય...
પરંતુ જાસ્મિનના વિચારો તેના મગજમાં કોઈ વાવાઝોડાની જેમ ઘૂમરીઓ લઈ રહ્યા હતા. આખરે કરવું શું? દાદાજી જાસ્મિનને પોતાના પરિવારમાં લાવીને ‘ઘર’ નામનું એક સપનું ફરી સજાવવા માગતા હતા. દાદાજી એમ જ માનીને ચાલી રહ્યા હશે કે સની તેના ગળાડૂબ પ્રેમમાં છે. દાદાજીને એમ પણ હશે કે હું સનીને મારા શુદ્ધ પ્રેમ વડે સુધારી દઈશ, પરંતુ શું દાદાજીને સચ્ચાઈની ખબર હતી ખરી?
આગળ જતાં શહેરના રળિયામણા કમલ સરોવરની પાળે-પાળે આલોકની કાર ધીમી ગતિએ સરી રહી હતી.
‘આલોકભાઈ, અહીં કાર ઊભી રાખશો... પ્લીઝ?’
આલોકે કાર ઊભી રાખી. જાસ્મિન કારમાંથી ઊતરી. થોડે આગળ જઈને શાંત સરોવરની પાળે ગોઠવેલી એક પથ્થરની બેન્ચ પર તે બેઠી.
હવે નિર્ણય શું લેવો? જાસ્મિન શૂન્યમનસ્ક થઈને ક્યાંય લગી પથ્થરની બેન્ચ પર બેસી રહી.
એ પછી અચાનક તેને ખ્યાલ આવ્યો કે બેન્ચના બીજા છેડાની પાછળ આવીને આલોક ક્યારનો ઊભો રહ્યો હતો.
‘ભાભી, સાચું કહું? મેં તમને પહેલી વાર જોયાં ત્યારે જ હું જાણી ગયો હતો કે તમે અમારી દુનિયાનાં નથી. આઇ મીન, યુ આર સો પ્યૉર, સો ઇનોસન્ટ ઍન્ડ સો ફુલ ઑફ લવ...’
જાસ્મિન આલોક સામે જોઈ રહી.
‘યુ નો ભાભી? મારી આંખોમાં તમારું પહેલું દૃશ્ય કયું હતું? પેલા રેલવેના ઓવરબ્રિજ નીચે તમને શોધવા મેં મારી કાર ઘુમાવીને તમારી બાજુ હેડલાઇટનો પ્રકાશ ફેંક્યો ત્યારે મેં શું જોયું? તમે મારા સનીભૈયાનું માથું તમારા ખોળામાં લઈને તમારા પંજાબી ડ્રેસના ફાટેલા દુપટ્ટા વડે તેને પાટો બાંધી રહ્યાં હતાં!’
આલોકની આંખમાં ઝળઝળિયાં હતાં. ‘જાસ્મિન ભાભી, દિલ પર હાથ રાખીને કસમથી કહું છું, સનીને અત્યાર સુધી મળી હોય એમાંથી એક પણ છોકરી આવું ન કરે! હરગિઝ ન કરે! આઇ ઍમ ટેલિંગ યુ, અડધી છોકરીઓ તો સનીનો આવો સીન જોઈને જ ભાગી જાય, બાકીની અડધી ૧૦૮ને રિંગ મારીને ત્યાંથી છૂ થઈ જાય! કહેશે યાર, પોલીસના લફરામાં કોણ પડે? પણ તમે તેને પાટો બાંધતાં હતાં...’
આલોક આવીને બેન્ચના છેડે બેઠો. ‘જાસ્મિન, તમને અત્યારથી ભાભી કહેવા માંડ્યો છું એ મારી મિસ્ટેક હશે, તમને કદાચ અંદરથી નહીં ગમતું હોય, બટ લેટ મી ટેલ યુ વન થિંગ... જો સની તમને પરણશે તો તે ઇડિયટની જિંદગી બની જશે.’
આલોક ધીમેથી ઊભો થયો, ‘મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. હવે તમે નક્કી કરો
એ ફાઇનલ.’
આલોક ગાડીમાં જઈને બેસી ગયો.
થોડી વાર પછી જાસ્મિન પણ
ઊભી થઈ. આલોકે કારનો દરવાજો ખોલતાં પૂછ્યું, ‘કઈ બાજુ, બ્યુટીપાર્લર
કે હૉસ્પિટલ?’
‘હૉસ્પિટલ.’
આલોકે કાર સ્ટાર્ટ કરી.
lll
ધનરાજ હૉસ્પિટલની ફોયરમાં પ્રવેશતાં જ દાદાજી સામા મળ્યા.
‘આહાહા... આવી ગઈ મારી દીકરી?’ જાસ્મિનનો ચહેરો જોતાં દાદાજીએ અવાજ ધીમો કરી નાખ્યો, ‘શું છે, કંઈ નર્વસ લાગે છે?’
‘હું નર્વસ નથી.’ જાસ્મિને મક્કમતાથી કીધું, ‘દાદાજી, મારે તમારી સાથે વાત કરવી છે.’
‘બોલને...’ દાદાજીએ તેને સાઇડના એક સોફા પર બેસાડી.
‘દાદાજી... હકીકત એ છે કે હું સનીની કોઈ ગર્લફ્રેન્ડ નથી. ઇન ફૅક્ટ, સનીને તો મારું નામ પણ ખબર નહીં હોય. બસ, તે મારી ફૂલોની દુકાને રોજ ફૂલોનો ગુલદસ્તો લેવા આવતો એટલી જ મારી ઓળખાણ. તે દિવસે હું જ્યારે દુકાનેથી પાછી ફરી રહી હતી ત્યારે બેચાર ગુંડા જેવા લોકોએ સનીને મારીને ઓવરબ્રિજની પરથી નીચે ફેંકી દીધો... અને હું માત્ર ચહેરાની ઓળખને કારણે તેને બચાવવા દોડી ગઈ. બાકી...’
જાસ્મિન સહેજ અટકી. તેણે દાદાજીના ચહેરા સામે જોયું. તેમના ચહેરાનું અચાનક જાણે આખું નૂર ઊડી ગયું હોય એમ લાગતું હતું.
‘દાદાજી, મને ખબર છે, મને તમારા ઘરની વહુ બનાવવાના તમને કેટલા ઓરતા છે. તમને ઊંડે-ઊંડે એમ પણ હશે કે સનીને હું સુધારી દઈશ, પણ... પણ દાદાજી, જો સનીને જ મારા માટે કોઈ લાગણી ન હોય તો તેને આ લગ્નની કેદમાં બાંધવાનો શો અર્થ છે? હું જાણું છું દાદાજી કે તમને અત્યારે કેટલું દુઃખ થઈ રહ્યું હશે, પણ...’
જાસ્મિન આગળ ન બોલી શકી. અચાનક તે રડવા લાગી. દાદાજીએ તેના માથે કોમળતાથી હાથ ફેરવીને એટલું જ કહ્યું, ‘મને કશું જ દુઃખ નથી થયું. ઓ ગાંડી છોકરી, તને દુઃખી કરીને હું કયા ભવે સુખી થઈ શકવાનો હતો?’
જાસ્મિન દાદાજીની છાતીમાં માથું નાખીને ચોધાર આંસુએ રડી પડી. દાદાજીએ તેને સાંત્વન આપીને શાંત પાડી. પછી આંગળીઓ વડે તેની આંખનાં આંસુ લૂછતાં દાદાજીએ સાવ બીજી જ વાત કરવા માંડી.
‘મારું એક કામ કરીશ? મારે એક સરસમજાની ફૂલોની દુકાન ખોલવી છે, તું એ દુકાન સંભાળીશ?’
‘ફૂલોની દુકાન?’
‘હા, મેં તારી ડાયરી વાંચી છે! અને પેલી બુક્સ પણ! એમ્બ્રોસિયા, આઇરિસ, ટ્યુલિપ, નીલકમલ, ચંદ્રમલ્લિકા, લતામાધવી... ઓહોહો, કંઈ દુનિયાભરનાં ફૂલોની તને માહિતી છે! હવે ના નથી પાડવાની, સિટીના બેસ્ટ એરિયામાં સિટીની બેસ્ટ ફ્લાવર શૉપ બનવી જોઈએ. બોલ, તું મારું આટલું કામ કરીશને?’
જાસ્મિને અચકાતાં-ખચકાતાં હા પાડી. દાદાજી એકદમ ખુશ થઈ ગયા. ‘બસ, તો પછી ફાઇનલ! એ દુકાનનું ઉદ્ઘાટન કરવા હું જ આવીશ અને ઉદ્ઘાટન કર્યા પછી એની ચાવી તારા હાથમાં આપી દઈશ!’
‘ચાવી?’ જાસ્મિનને કંઈ
સમજાયું નહીં.
‘જો દીકરી, તું તો વર્લ્ડની બેસ્ટ ફ્લોરિસ્ટ બનવા માટે સર્જાઈ છે. એ તો હું જ મૂરખ હતો કે તને મારા વંઠેલા પૌત્રની વહુ બનાવવાનું ગાંડપણ લઈને બેઠો હતો. સનીનું જે થવાનું હશે તે થશે. છોડ તેને, પણ હા, બીજી એક વાત યાદ રાખીને ગાંઠે બાંધી લે, આજથી તું અનાથ નથી રહી, તું મારી દીકરી છે... સમજી?’
જાસ્મિનની આંખમાં ફરી ઝળઝળિયાં આવી ગયાં.
lll
એ વાતને આજે છ મહિના થઈ ગયા છે. શહેરના સૌથી પૉશ વિસ્તારમાં, કમલ સરોવરની બિલકુલ સામે એક સુંદર ફ્લોરિસ્ટ શૉપ ખૂલી ગઈ છે. એનું નામ છે ‘ધ ફ્લાવર સ્ટોરી’.
એ દુકાન પર હજુ પેલો સની આવતો રહે છે અને દર વખતે પોતાની નવી ગર્લફ્રેન્ડ માટે ગુલદસ્તા બનાવડાવીને હસતો-હસાવતો જતો રહે છે. તે હજી સુધર્યો નથી.
પણ હા, જાસ્મિન બદલાઈ ગઈ છે. તેના ચહેરા પરથી પેલી ઉદાસી ગાયબ છે. હવે તે તાજા ફૂલોની જેમ હસતી દેખાય છે. અને હા, સનીનો કઝિન આલોક વારંવાર કોઈ ને કોઈ બહાને ટપકી પડે છે! તે હવે જાસ્મિનને ‘જાસ્મિનભાભી’ પણ નથી કહેતો!
અને છેલ્લી વાત. જાસ્મિનને વાસ્તવિકતા સમજાઈ ગઈ છે એટલે તેને પેલા રાજકુમારનાં સપનાં આવતાં બંધ થઈ ગયાં છે.
(સમાપ્ત)