અ ફ્લાવર સ્ટોરી- એકલતાના રણમાં મીઠા જળની વીરડી (પ્રકરણ ૪)

28 November, 2024 12:06 PM IST  |  Mumbai | Lalit Lad

દાદાજીનો ફોન આવ્યો...‘જાસ્મિન, ખુશખબરી છે! સની કોમામાંથી બહાર આવી ગયો છે!’

ઇલસ્ટ્રેશન

સની હજી કોમામાંથી બહાર આવ્યો નહોતો. પેલું સનીનું વૉલેટ પણ હજી તેની પાસે જ હતું, એ વૉલેટમાં પેલી ખૂબસૂરત યુવતીનો જે ફોટો હતો તે કોણ હતી?

દાદાજી હમણાં જ છાપાં વાંચવામાંથી નવરા પડ્યા હતા. જાસ્મિનને જોતાં તે બોલ્યા, ‘આવ બેટી, બ્રેકફાસ્ટ કરી લીધો?’

જાસ્મિન સોફા પર બેસતાં ધીમેથી બોલી, ‘દાદાજી, તમને સનીની એક વસ્તુ પાછી
આપવાની છે.’

જાસ્મિને સનીનું વૉલેટ આપ્યું તે લેતાં દાદાજી ખડખડાટ હસી પડ્યા. ‘વાહ ભઈ વાહ! મારા સનીનું દિલ તો ચોરી લીધું, અને હવે પાકીટ પાછું આપે છે?’

જાસ્મિન નીચું જોઈ ગઈ, ‘દાદાજી, એમાં એક છોકરીનો ફોટો છે. એ કોણ છે?’

‘ઓહો! તારા સિવાય બીજી કોઈ છોકરીનો ફોટો છે?’ દાદાજી હસવા લાગ્યા, પણ ફોટો જોતાં જ તેમનો ચહેરો ગંભીર થઈ ગયો.

‘જાસ્મિન બેટા, આ તો સનીની મમ્મીનો ફોટો છે.’

‘મમ્મીનો ફોટો? સની તેના પાકીટમાં શા માટે...’

‘કારણ કે તેની મમ્મી આ દુનિયામાં નથી.’ દાદાજીએ નિઃશ્વાસ નાખ્યો. ‘સની જ્યારે ચારેક વર્ષનો હતો ત્યારે જ... પણ તને સાચું કહું જાસ્મિન? દુનિયાની કોઈ પણ મા સનીની મમ્મી જેટલી ખૂબસૂરત નહીં હોય. મારી મા પણ મને એટલી સુંદર નથી લાગી. અને આ તો મારી સૌથી વહાલી વહુ હતી.’

દાદાજી યાદોમાં સરી પડ્યા... ‘મારા મોટા દીકરા રોશનને મેં લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ભણવા મોકલ્યો હતો. ત્યાં તેને રૉયલ સ્કૂલ ઑફ લંડનમાં ભણતી આ પરી
મળી ગઈ.’

‘શું નામ હતું તેમનું?’

‘ડેઇઝી... જોને, તેનું પણ તારી જેમ ફૂલનું જ નામ હતું! તેના ફાધર બ્રિટિશર હતા, મા ઇન્ડિયન હતી. તે લંડનમાં જ જન્મી, લંડનમાં જ ઊછરી છતાં શું તેની નમ્રતા! શું તેની ગ્રેસ! શું તેની ડિગ્નિટી! જાણે સાક્ષાત્ કોઈ દેવી જ જોઈ લો... પણ મારા દીકરાનાં નસીબ ટૂંકાં પડ્યાં. એક વિમાન અકસ્માતમાં...’

દાદાજીએ આંખના ખૂણા લૂછ્યા. એટલામાં ડૉક્ટર વિશાલ જૈન અંદર આવ્યા.

‘કેમ છે સનીને?’ કહેતાં તેમણે સનીની પલ્સ હાથમાં લીધી, નર્સ પાસેથી બીજા રિપોર્ટ્સ લઈને અભ્યાસ કરતાં તેમના કપાળે કરચલીઓ પડી.

‘વૉટ ઇઝ ધ મૅટર ડૉક્ટર?’ ઇન્દ્રસેન રાહેજા ઉર્ફે સનીના દાદાજીએ પૂછ્યું.

‘વેલ...’ ડૉક્ટરે ચશ્માં ઉતાર્યાં. ‘સનીના માથાના પાછલા ભાગે જે ઈજા થઈ છે એનાથી થયેલા ઇન્ટરનલ હૅમરેજથી મગજની એક ચોક્કસ જગ્યાએ એક નાનકડો ક્લૉટ થયો છે. ગંઠાઈ ગયેલું આ લોહી દવાઓની મદદથી એની મેળે છૂટું પડવું જોઈએ, બલકે પડી જ રહ્યું છે; પણ અમારા ધાર્યા કરતાં એની ગતિ જરા ધીમી લાગે છે. હું ફરી વાર સનીના બ્રેનનો કૅટ-સ્કૅન કરાવું છું. એ જોયા પછી જ કહી શકાય કે તેને કોમામાંથી બહાર આવતાં કેટલો સમય લાગશે.’

દાદાજીએ ડૉક્ટરના ખભે હાથ મૂક્યો, ‘ડૉક્ટર જૈન, મને તમારા પર ભરોસો છે... પણ તમે જાણો છો, સનીની જિંદગી મારા માટે કેટલી અગત્યની છે!’

‘હું જાણું છું રાહેજા સાહેબ.’

ડૉક્ટર ઝડપથી તેમના કામે લાગી ગયા. સનીને સ્ટ્રેચર પર સુવડાવીને કૅટ-સ્કૅન માટે લઈ જવાયો. હૉસ્પિટલના સ્ટાફની ઝડપ અચાનક વધી ગઈ.

દાદાજીએ એક ઊંડો શ્વાસ લઈ, આંખો બંધ કરીને ભગવાનને નાનકડી પ્રાર્થના કરી લીધી. પછી જાસ્મિન તરફ સ્મિત ફરકાવતાં બોલ્યા, ‘ઓકે, હવે મારા સનીનો તો અહીં ત્રણ-ચાર દિવસનો મુકામ પાકો! ત્યાં સુધી તું શું કરીશ? એક કામ કરને, તારો સામાન વગેરે લઈને આપણા બંગલે જ આવી જાને! આમેય આગળથી બધું જોઈ લેવું સારું!’

દાદાજી હસવા લાગ્યા.

દાદાજીનો કહેવાનો મર્મ જાસ્મિન બરાબર સમજી રહી હતી.

દાદાજીની જાજરમાન ઍર-કન્ડિશન્ડ શેવરોલે કારમાં જાસ્મિન બેસતાં બેસી તો ગઈ, પણ જેમ-જેમ પોતે જ્યાં ભાડે રહેતી હતી એ માંજલપુરનો સાંકડી ગલીઓવાળો ખખડધજ વિસ્તાર નજીક આવતો ગયો તેમ-તેમ જાસ્મિન નર્વસ થવા લાગી. છેવટે લચ્છાજીની ચાલીમાં રહીમચાચાના જૂના બે માળવાળા મકાન આગળ કાર ઊભી રહી ત્યારે જાસ્મિને દાદાજીને કહ્યું, ‘અહીં ઉપરના માળે મારી એક રૂમ છે, એમાં રહું છું, ભાડે.’

દાદાજીએ એક નજર જાસ્મિન તરફ નાખી, એક નજર રહીમચાચાના ખખડધજ મકાન તરફ નાખી અને પછી જરાય પ્રયત્ન વિના મર્માળુ સ્મિત ફરકાવતાં કીધું, ‘વેરી ગુડ. જા દીકરી, તારો સામાન લઈ આવ, હું અહીં ગાડીમાં જ બેઠો છું.’

ઝડપથી ઉપર જઈને જાસ્મિને એક નાનકડી બૅગમાં પોતાનાં ચારેક જોડી કપડાં મૂક્યાં. ટુવાલ, ટૂથપેસ્ટ વગેરે મૂક્યું. એ સિવાય તો તેનો બીજો સામાન પણ ક્યાં હતો? બે ઘડી માટે તે થંભી ગઈ... આ હું શું કરી રહી છું?

પણ એવું કશું વિચારવાનો સમય નહોતો. બૅગ બંધ કરતાં પહેલાં જાસ્મિને એમાં પોતાની પ્રિય ફૂલોની ડાયરી અને ગુજરી બજારમાંથી ખરીદેલાં પેલાં ફ્લાવર્સ વિશેનાં સેકન્ડહૅન્ડ અંગ્રેજી પુસ્તકો મૂકી દીધાં.

શેવરોલે માંજલપુરની ગલીઓમાંથી નીકળીને શહેરના પૉશ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. ધનરાજ હૉસ્પિટલથી માંડ દસેક મિનિટના અંતરે ઇન્દ્રસેન રાહેજાનો વિશાળ બંગલો હતો.

અરે, બંગલો શું હતો, મહેલ હતો! બહાર વિશાળ લૉન, સુંદર બગીચો, પૉર્ચથી અંદર જતાં પહોળાં પગથિયાં, સફેદ દૂધ જેવા માર્બલની લિસ્સી શીતળ ફર્શ...

અંદર દાખલ થતાં જ જાસ્મિનની આંખો પહોળી થઈ ગઈ. આવો ભવ્ય બંગલો તેણે ફિલ્મોમાં તો શું, ટીવી-સિરિયલોમાં પણ નહોતો જોયો.

બાપરે, અહીં આવા મહેલમાં મારા જેવી મિડલક્લાસ છોકરીને રહેતાં ફાવશે?

પણ દાદાજી તેના ચહેરાની મૂંઝવણ તરત જ પારખી ગયા... તેમણે એક હાથ વડે જાસ્મિનના હાથમાંથી તેની બૅગ લઈ લીધી અને બીજા હાથ વડે જાસ્મિનનું કાંડું પકડી લીધું, બહુ પ્રેમથી સીડીઓ ચડાવી દાદાજી જાસ્મિનને એક ઓરડામાં લઈ આવ્યા.

‘જો, તારે અહીં રહેવાનું છે. તારી બાજુમાં જ મારો રૂમ છે... સમજી? અને હા, આ તારી બૅગ...’

દાદાજીએ એક કબાટ ખોલીને બૅગ અંદર મૂકતાં કહ્યું, ‘એમાં તું જે કપડાં લાવી છે એ બૅગમાં જ રહેવા દેજે. તારે માટે તારાં વસ્ત્રોની વ્યવસ્થા થઈ ગઈ છે.’

દાદાજીએ કબાટની બાજુમાં ભરેલો વિશાળ વૉર્ડરોબ ખોલ્યો. એમાં કમસે કમ પચાસ જોડી ડ્રેસિસ લટકી રહ્યા હતા!

‘આટલા બધા ડ્રેસિસ?’ જાસ્મિન ડઘાઈ ગઈ.

‘તારા માપનાં જ છે!’ દાદાજી હસ્યા. ‘યાદ છે, જે ડ્રેસનો દુપટ્ટો ફાડીને તેં મારા સનીને માથે પાટો બાંધ્યો હતો? એ ડ્રેસ તેં હૉસ્પિટલના બાથરૂમમાં મૂક્યો ત્યાંથી ઉપડાવીને મેં આલોકને પકડાવી દીધો હતો, એ ડોબો તેની જાડી બહેનના ડ્રેસ તને પધરાવે એ કંઈ ચાલતું હશે?’

‘યુ મીન, આ બધા ડ્રેસિસ આલોકભાઈ ખરીદી લાવ્યા છે?’

‘માત્ર ડ્રેસિસ નહીં, નીચે જો... મૅચિંગ સૅન્ડલ્સ અને ચંપલો પણ છે.’ દાદાજી હસ્યા. ‘મારો હુકમ છૂટે એટલે આલોક કંઈ પણ કામ ચપટીમાં પતાવે!’

ધીમે રહીને જાસ્મિનને ઊંડે-ઊંડે નિરાંત થઈ કે હાશ, હવે મને કોઈ આ ઘરમાં નોકરાણી તો નહીં
સમજી બેસે!

‘હવે સાંભળ દીકરી.’ દાદાજી બોલ્યા, ‘તું બેત્રણ કલાક આરામ કરી લે, લન્ચ પછી તને લેવા માટે ડ્રાઇવર ગાડી લઈને આવશે. રાત્રે હૉસ્પિટલથી આઠેક વાગ્યે અહીં પાછી આવી જજે. આપણે સાથે જમીશું.’

lll

કોમામાં સૂઈ રહેલા સનીનો ચહેરો જોતાં, તેના વાળ સરખા કરતાં જાસ્મિન વિચારે ચડી ગઈ... ‘ખરેખર પોતે આવા વિશાળ બંગલામાં વહુ બનીને રહેવા આવી જશે? કેવી હશે એ જિંદગી!’

કલાકો લગી જાસ્મિન ઉઘાડી આંખે સપનાં જોતી રહી. રાત્રે બરાબર પોણાઆઠના ટકોરે કારનો ડ્રાઇવર આવી પહોંચ્યો, ઇન્દ્રસેન રાહેજાના બંગલામાં પ્રવેશી ત્યારે ઊંચી દીવાલ પર લટકતા ક્લાસિક ઇટાલિયન ઘડિયાળમાં આઠના ટકોરા ગુંજી રહ્યા હતા.

પણ જાસ્મિનને નવાઈ લાગી. પચીસ જણ બેસી શકે એવા ભવ્ય ડાઇનિંગ ટેબલ પર દાદાજી એકલા બેસીને તેની રાહ જોઈ રહ્યા હતા.

‘કેમ દાદાજી, આજે એકલા?’

‘આજે નહીં બેટા, રોજ જ આવું હોય છે.’ દાદાજી નિસાસો નાખતાં બોલ્યા, ‘મારા ત્રણેત્રણ દીકરાઓ એક જ છત નીચે મારી નજર સામે રહે એટલા ખાતર મેં આવડો મોટો બંગલો બંધાવ્યો, આવડું મોટું ડાઇનિંગ ટેબલ બનાવડાવ્યું... પણ તું જુએ છેને, અહીં સાથે જમવાવાળું કોઈ જ નથી.’

દાદાજીના અવાજમાં
હતાશા હતી.

‘આ ઘર નહીં બેટા, હોટેલ બની ગઈ છે, હોટેલ! મારા દીકરાઓ રૂપિયા કમાવામાંથી ઊંચા નથી આવતા અને ઘરનાં બૈરાંઓ રૂપિયા ખરચવામાંથી નવરાં નથી પડતાં. છોકરાઓનાં છોકરાંઓની તો
દુનિયા જ અલગ છે... કોઈ પાર્ટીમાં ભટકતું હોય, કોઈ પિકનિકમાં
રખડતું હોય...’

દાદાજી બોલતાં અટકી ગયા, ‘અરે, હું ક્યાં આ બધું પુરાણ ખોલીને બેઠો, બોલ ડિનરમાં શું ખાઈશ?’

જાસ્મિન ધીમેથી બોલી, ‘કેમ હોટેલની જેમ અહીં ઑર્ડર આપવાનો હોય છે?’

‘હોહોહોહો...’ દાદાજી ખડખડાટ હસી પડ્યા. ‘બહુ હોશિયાર છે, હોં? જા, મારી વહાલી દીકરીની જેમ કિચનમાં જઈને જો, તને ભાવે એવું અને મને ફાવે એવું એમ બે ભાણાં કરીને લઈ આવ!’

રાતના સૂતી વખતે પલંગમાં પડી-પડી જાસ્મિન ક્યાંય લગી વિચારતી રહી. નસીબ પણ કેવા ખેલ રચે છે? પોતે સાવ એકલી-અટૂલી-અનાથ છતાં રહીમચાચા જેવા રહેમદિલ ઇન્સાનનો પરિવાર મળ્યો અને દાદાજી આટલા મોટા પરિવારના વડલા સમા, છતાં
સાવ એકલા...

ત્રણ-ત્રણ દિવસ આ બંગલામાં વીતી ગયા છતાં ઘરના એક પણ સભ્યે તેની હાજરીની નોંધ સુધ્ધાં લીધી નહોતી. વહુઓના ઓરડાઓમાં બપોરે કિટીપાર્ટીઓ થતી, પત્તાંનો જુગાર રમાતો, રાત્રે પુરુષો મોડા આવતા, આવીને પાછા પાર્ટીઓમાં જતા... મધરાતે અઢીત્રણ વાગ્યે કુટુંબનાં જુવાન છોકરા-છોકરીઓ તેમના ફ્રેન્ડ્સ સાથે આવતાં, તેમના રૂમમાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ પર ઘોંઘાટિયું સંગીત વગાડતાં, સવારે ૧૦-૧૧ વાગ્યા સુધી ઊંઘતાં રહેતાં... આ બધામાં બંગલાના નોકરોને જલસો હતો. તે લોકો ગમે એ રૂમમાં ફૂલ એસી ચાલુ કરીને ઊંઘી જતા અથવા ડીવીડી પર નવરા બેઠા ફિલ્મો જોયા કરતા...

આ ભવ્ય છતાં વિચિત્ર મહાલયમાં ચોથી રાત પડખાં ઘસીને કાઢ્યા પછી સવારે જાસ્મિન ઊઠીને નાહી પરવારી હતી ત્યાં તેના મોબાઇલ પર દાદાજીનો ફોન આવ્યો...

‘જાસ્મિન, ખુશખબરી છે! સની કોમામાંથી બહાર આવી ગયો છે!’

જાસ્મિનનું હૃદય એક
ધબકારો ચૂકી ગયું. સની તેને
જોઈને શું કહેશે?

(આવતી કાલે સમાપ્ત)

columnists gujarati mid-day exclusive