27 November, 2024 02:31 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
મારા દીકરાઓ મારા કરતાં દસગણા રૂપિયા પેદા કરે છે એટલે તેમને તો અહીં બેસી રહેવાનું પોસાય જ નહીં
ધનરાજ હૉસ્પિટલમાં ઇન્દ્રસેન રાહેજાના પૌત્ર સનીના ઍક્સિડન્ટના ન્યુઝ સાંભળીને ધસી આવેલાં તમામ સગાંવહાલાં અને ઓળખીતાઓને આલોકે જાસ્મિનની ઓળખાણ તેની ‘બેસ્ટ ગર્લફ્રેન્ડ’ તરીકે કરાવી હતી, પણ ખુદ સનીને જ એ વાતની
ક્યાં ખબર હતી?
એમાંય જ્યારે ધનરાજ હૉસ્પિટલના સિનિયર ડૉક્ટર વિશાલ જૈને એવા ખબર આપ્યા કે સની થોડી જ મિનિટો પહેલાં કોમામાં ચાલી ગયો છે ત્યારે હૉસ્પિટલની વિશાળ ફોયરમાં સન્નાટો છવાઈ ગયો.
જાસ્મિનને હતું કે સનીનાં સગાંવહાલાં આ સાંભળીને બેબાકળા બની જશે, રોકકળ કરવા લાગશે, આઘાતથી ડઘાઈ જશે... પણ એવું કંઈ બન્યું નહીં. બધાના ચહેરા થોડી વાર માટે સિરિયસ થઈ ગયા પણ પછી સૌ એકબીજા સાથે ધીમા અવાજે ગુસપુસ કરવા લાગ્યા.
જાસ્મિનને ધીમા અવાજે ચાલતી સૌની વાતચીતમાં એવું કાને પડ્યું કે ‘હવે અહીં રોકાઈને શું કરવાનું? આમેય આઇસીયુમાં તો કોઈને જવા નહીં દે, એના કરતાં દાદાજીને મળીને પછી નીકળીએ અહીંથી...’
નાનાં-નાનાં ગ્રુપ્સમાં વારાફરતી બધા દાદાજી પાસે આવી, ધીમા અવાજે વાતો કરીને રવાના થવા લાગ્યા.
જાસ્મિનને છેક હવે ભાન થયું કે મારે હવે શું કરવું? હજી તે કંઈ વિચારે એ પહેલાં દાદાજીનો અવાજ સંભળાયો : ‘દીકરી જાસ્મિન, તું તો અહીં રોકાઈશને?’
‘હું...’ જાસ્મિન મૂંઝાઈ રહી હતી.
‘જો બેટા, હું તો એકલો માણસ છું. મારા દીકરાઓ મારા કરતાં દસગણા રૂપિયા પેદા કરે છે એટલે તેમને તો અહીં બેસી રહેવાનું પોસાય જ નહીં. વળી સની મારો બહુ લાડકો છે! એટલે હું તો અહીં બેઠો છું... તેને કશું થવાનું નથી. જ્યાં જાય ત્યાંથી ખોટા રૂપિયાની જેમ પાછો આવે એવો છે! બહુ-બહુ તો શું થશે, સવાર સુધી કોમામાં પડ્યો રહેશે એ જને? મારો બેટો એનાથી વધારે પથારીમાં ટકે એવો જ નથી! તું જા...’
‘ના દાદાજી, હું પણ અહીં રહીશ... તમારી સાથે.’
દાદાજી તેની સામે જોઈ રહ્યા. પછી ફરી વાર, પહેલાંની જેમ જ આખા ચહેરા પર પોતાની મુલાયમ હથેળી ફેરવી, પાંચેય આંગળીઓ ભેગી કરી ચૂમી લીધી.
જાસ્મિનના ચહેરા પર ઘણા વખત પછી ફરી પેલું આછું સ્મિત આવી ગયું.
‘પણ હા દીકરી, તારે ઘરે તો જણાવવું પડશેને?’
‘હું ફોન કરી દઉં છું દાદાજી.’
જાસ્મિને કહી તો દીધું પણ ‘ઘર’ કહેવાય એવું હતું શું તેની પાસે? રહીમચાચાની ભાડાની ખોલી? જૂની ઉદાસી જાસ્મિનના ચહેરાને ઘેરી વળી.
જાસ્મિને રહીમચાચાને મોબાઇલ લગાડ્યો. ‘હલો ચાચા, જાસ્મિન બોલું છું...’ એમ કહીને તેણે રહીમચાચાને આખી વાત કહી સંભળાવી. પછી પૂછ્યું, ‘ચાચા, શું કરું? અહીં રોકાઈ જાઉં?’
રહીમચાચા તરત જ બોલી ઊઠ્યા, ‘અરે, એ તે કંઈ પૂછવાની વાત છે? જે જાદુગર મારી જાસ્મિનના ચહેરા પર ખુશીની બિજલી ચમકાવી શકે છે તેના માટે જાસ્મિન આટલું નહીં કરે? ફિકર ન કરીશ બેટી! કંઈ બી તકલીફ હોય તો અડધી રાતે પણ ફોન કરવામાં અચકાતી નહીં, તારો રહીમચાચો હાજર થઈ જશે.’
એટલામાં હૉસ્પિટલનો અટેન્ડન્ટ આવીને કહેવા લાગ્યો, ‘રાહેજા સાહેબ, આઇસીયુ વૉર્ડમાં કોણ આવીને સૂવાનું છે? મેં બેડ રેડી કરી દીધો છે.’
‘વૉર્ડમાં નહીં, સ્પેશ્યલ રૂમમાં.’ દાદાજી સત્તાવાહી અવાજે બોલ્યા. ‘આ મારી દીકરી સૂવાની છે. અને તે કંઈ બીજા લોકોની સાથે બહારના પલંગ પર નહીં સૂએ, સમજ્યો?’
‘પણ સર...’
‘જા જઈને પૂછ તારા ડૉક્ટરસાહેબને, આ હૉસ્પિટલને દર વર્ષે પાંચ કરોડનું ડોનેશન કોણ આપે છે?’ દાદાજીનો આખો રુઆબ ફરી ગયો હતો.
અટેન્ડન્ટ સમજી ગયો. સલામ મારતો તે ઝડપથી અંદરની તરફ દોડ્યો. જાસ્મિન દાદાજીનું આ સ્વરૂપ જોઈને બે ઘડી દંગ થઈ ગઈ, પણ દાદાજી તરત જ તેની તરફ જોઈને મર્માળુ હસ્યા.
‘ક્યારની આમ જ બેઠી છે, જરા વૉશરૂમમાં જઈને ફ્રેશ તો થઈ આવ. જોને, મારા સનીની ચિંતામાં તેં તારી હાલત શું કરી છે?’
વૉશરૂમમાં દાખલ થતાં જ ચોખ્ખાચણક વિશાળ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને જાસ્મિન થંભી ગઈ. દાદાજી જરાય ખોટું નહોતા કહેતા... તેના વાળ વિખરાયેલા હતા, કપડાં પર સનીના કપાળ પરથી વહેલા લોહીના ડાઘ હતા, ખભે પેલો ફાટેલો દુપટ્ટો હતો અને હાથમાં...
અચાનક જાસ્મિનને યાદ આવ્યું કે રેલવેના પાટા પાસેથી તેણે સનીનું જે વૉલેટ ઉપાડી લીધું હતું તે હજી તેના હાથમાં જ હતું!
સહેજ ધ્રૂજતા હાથે જાસ્મિને બેસિન પાસે જઈને વૉલેટ ખોલ્યું. અંદર પાંચસો-પાંચસોની નોટોની જાડી થપ્પી હતી! કમ સે કમ ત્રીસેક હજાર તો હશે જ! વૉલેટનાં બીજાં ખાનાંઓમાંથી બેત્રણ ક્રેડિટ કાર્ડ નીકળ્યાં, એક નાનકડો ફોટો સરકીને નીચે પડ્યો.
જાસ્મિને નીચે ઝૂકીને એ પાસપોર્ટ સાઇઝનો નાનો ફોટો ઉપાડ્યો. એક અત્યંત સુંદર યુવતીનો ફોટો હતો. ચમકતી આંખો, ફિફ્ટીઝની હૉલીવુડ ફિલ્મસ્ટાર જેવી હેરસ્ટાઇલ, હોઠો પર ચળકતી લાલ લિપસ્ટિક અને ગળામાં એક નાજુક ડાયમન્ડ નેકલેસ. કોણ હશે તે? નીલકમલ? બર્ડ ઑફ પૅરૅડાઇઝ? હની ફ્લાવર?
એક નિસાસા સાથે જાસ્મિને બધું પાકીટમાં પાછું નાખી દીધું.
બહાર નર્સ તેની રાહ જોતી ઊભી હતી. તે તેને આઇસીયુના વીઆઇપી રૂમ તરફ લઈ ગઈ.
જાસ્મિનની નજર કોમામાં સરી ગયેલા સની પર આવીને ઠરી. જાણે કંઈ જ ન બન્યું હોય એમ તેનો ચહેરો સ્વચ્છ, ચમકતો અને શાંત હતો. આંખો બિડાયેલી અને હોઠ જાણે હમણાં ‘કેમ છો સ્માઇલની મહારાણી?’ બોલી ઊઠે એવી અદામાં અધખુલ્લા રહી ગયા હતા. કપાળ પર એક પાટો બાંધેલો હતો એ સિવાય હાથેપગે મામૂલી બૅન્ડેજ પટ્ટીઓ હતી.
સનીને જોઈને જાસ્મિનના હોઠોમાંથી એક નિસાસો સરી પડ્યો. ‘બસ, માત્ર નજીકથી જોવાનું જ મારા નસીબમાં છેને? બાકી જ્યારે તેને હોશ આવશે ત્યારે તો...’
એ પછી ક્યાંય લગી તે કોમામાં સરી ગયેલા સનીનો માસૂમ રૂપાળો ચહેરો જોતી રહી. પછી તે ઊંઘી ગઈ.
સવારે ઊઠીને સૌથી પહેલાં હૉસ્પિટલ બેડ પર સૂતેલા સનીને જોયો. હજી તેનો ચહેરો એ જ તાજગી અને માસૂમિયત સાથે ચમકી રહ્યો હતો. જે પોઝિશનમાં રાત્રે તેનું શરીર હતું એમાં લેશમાત્ર ફેર પડ્યો નહોતો. તેની બૉડી સાથે વાયરો વડે જોડાયેલાં યંત્રો ચાલી રહ્યાં હતાં.
જાસ્મિન એક નિસાસો નાખી બાથરૂમમાં ગઈ. ફ્રેશ થઈ બહાર આવીને જોયું તો સોફા પર આલોક બેઠો હતો! આલોકે આંખો નચાવીને હસતાં-હસતાં પૂછ્યું, ‘ક્યું? રાત કૈસી રહી?’
જાસ્મિન ક્ષોભથી નીચું જોઈ ગઈ, પણ બેઠી દડીવાળો આલોક હજી હસી રહ્યો હતો. ‘જુઓ તમારા માટે શું લાવ્યો છું, જાસ્મિનભાભી!’
‘જાસ્મિનભાભી?’ તે ચોંકી.
‘એમ ચોંકો નહીં! સનીના તો હમણાં હોશ ગયા છે, મૅરેજ પછી શુંનું શું જશે, હેં?’ આલોક ખડખડાટ હસવા લાગ્યો. ‘લો, આ શૉપિંગ બૅગમાં તમારા માટે બેચાર ડ્રેસિસ છે. મારી સિસ્ટરના છે, ખબર નહીં તમને બરોબર માપમાં થાય કે કેમ, પણ આ સનીએ જે ડાઘા પાડીને તમારો ડ્રેસ બગાડી નાખ્યો છે એના કરતાં તો સારા લાગશે, શું કહો છો?’
જાસ્મિન શરમાઈ ગઈ. આલોક તો સાવ બેફામ બોલ્યા કરતો હતો! જોકે આમ જોવા જાઓ તો તેના મનની જ વાત કરતો હતોને?
‘અને આ જુઓ...’ આલોકે બીજી એક પારદર્શક પ્લાસ્ટિકની સીલપૅક કોથળી કાઢીને બતાડી, ‘આ તમારી જિંદગીભરની યાદગીરી છે.’
‘શું છે આ?’
‘તમે સનીના માથા પર જે પાટો બાંધ્યો હતોને, એ! આય... હાય... ભાભી, આપણે તો ફના થઈ ગયા તમારી અદા પર. જસ્ટ ઇમૅજિન, વર્ષો પછી તમારા બંગલાના હીંચકા પર તમારી સિલ્વર વેડિંગ ઍનિવર્સરી વખતે અમારા સનીભૈયાને ખભે માથું ઢાળીને તમારો આ અડધો ફાડેલો દુપટ્ટો જોશો ત્યારે કેવી સ્વીટ મેમરીઝ આવશે, નહીં?’
‘આ...’ જાસ્મિન એકદમ જ શરમાઈ ગઈ, ‘આ દુપટ્ટાને આ રીતે પૅક કરાવવાનો આઇડિયા...’
‘દાદાજીનો હતો!’ આલોક ખડખડાટ હસી પડ્યો.
એ જ વખતે ‘ઓહોહો... મારી પીઠ પાછળ મારી શું ચુગલી ચાલી રહી છે?’ કહેતા દાદાજી અંદર પ્રવેશ્યા.
‘કંઈ નહીં દાદાજી.’ જાસ્મિનના ગાલ પર શરમના શેરડા પડ્યા. તે નજરો ઝુકાવીને બોલી, ‘આલોકભાઈ તો તમારાં વખાણ કરતાં હતાં.’
‘કરે જને બેટમજી! મારી મિલકતમાંથી તેનેય મોટો વારસો જોઈએ છે!’ દાદાજીએ આલોકની કસાયેલી પીઠ પર ધબ્બો માર્યો.
‘ચલ ઊઠ હવે, આ છોકરીને જરા નાસ્તો-બાસ્તો કરાવી લાવ. હું અહીં બેઠો છું.’
‘દાદાજી...’ જાસ્મિનને શું બોલવું તે સમજ ન પડી. ‘સની તો આખી રાત આમ જ...’
‘મને ખબર છે દીકરા.’ દાદાજીના ચહેરા પર સ્મિત આવ્યું. ડૉક્ટર જૈન કહે છે કે સનીને કશું જ થવાનું નથી, ઇટ ઇઝ જસ્ટ અ મૅટર ઑફ ટાઇમ, ઓકે? હવે તું આલોક સાથે જા.’
આલોક તેને હૉસ્પિટલની કૅન્ટીનમાં લઈ ગયો. માય ગૉડ, શું કૅન્ટીન હતી! જોતાં લાગે જ નહીં કે આ હૉસ્પિટલનો કોઈ ભાગ હશે! ચારેબાજુની દીવાલો કલરફુલ હતી. લિસ્સા ચળકતા માર્બલ ફ્લોરિંગ પર જાડા કાચના ટૉપવાળાં ટેબલ હતાં અને મોસ્ટ મૉડર્ન ડિઝાઇનની સ્ટાઇલિશ પ્લાસ્ટિક ખુરસીઓ હતી... જાસ્મિન તો જોતી જ રહી ગઈ.
‘ભાભી, તમને ખબર છે?’ આલોક બોલ્યો, ‘અહીંનું ખાવાનું એટલું સરસ છે કે અમુક લોકો ખબર કાઢવાને બહાને અહીં ઝાપટવા જ આવે છે!’
આલોકે ગરમાગરમ બટર ટોસ્ટ ઉપરાંત ઉપમા, મેદુવડાં, કૉર્ન ફ્લેક્સ વિથ હૉટ મિલ્ક, વિવિધ ફ્રૂટ્સનું સૅલડ, આમલેટ અને સર્વિસ ટીની ટ્રે મગાવીને આખું ટેબલ ભરી દીધું.
આલોકે બે કપમાં ચા બનાવતાં નટખટ રીતે પૂછ્યું, ‘તો જાસ્મિનભાભી, તમારી પહેલી મુલાકાતમાં શું બન્યું હતું?’
જાસ્મિન શરમાઈ ગઈ, ‘એવું શું પૂછો છો?’
‘ઓકે. પહેલી નહીં, બીજી મુલાકાતમાં શું બન્યું હતું? કારણ કે પહેલી મુલાકાત તો સનીની સ્ટાન્ડર્ડ હોય છે. તે છોકરી પાસે જાય છે, પોતાનો હાથ લંબાવીને પોતાની ઓળખાણ આપે છે... હાય, આઇ ઍમ સની ફ્રૉમ અલકાનગર... ઍન્ડ હુ યુ આર, ફ્રૉમ હેવન? બોલો, એવું જ બન્યું હતુંને?’
જાસ્મિનના ચહેરા પર સ્મિત આવી ગયું.
‘અને પછી સનીભૈયાએ ઘૂંટણિયે પડીને અદાથી એક ફૂલોનો ગુલદસ્તો આગળ કરતાં કહ્યું હશે... ટુ માય જાસ્મિન, ધ મોસ્ટ બ્યુટિફુલ ફ્લાવર ઑન અર્થ!’
‘બસ હવે...’ જાસ્મિન શરમાઈ ગઈ. ‘મને નાસ્તો કરવા દો.’
નાસ્તો પત્યો ત્યાં લગી આલોક નટખટ રીતે જાસ્મિનની ફીરકી લેતો રહ્યો. જાસ્મિન ખરેખર તો આલોકને પૂછવા માગતી હતી કે સનીના વૉલેટમાં પેલી ખૂબસૂરત છોકરીનો જે ફોટો છે એ કોનો છે? પણ આલોક તો ‘ભાભી ભાભી’ કરતો જે મંડ્યો હતો એમાં આવું પૂછવું શી રીતે?
(ક્રમશઃ)