અ ફ્લાવર સ્ટોરી એકલતાના રણમાં મીઠા જળની વીરડી પ્રકરણ ૨

26 November, 2024 03:59 PM IST  |  Mumbai | Lalit Lad

જાસ્મિન ગભરાઈ ગઈ હતી. હવે કરવું શું? યુવાન બેહોશ થઈને રેલવેના પાટાની પાસે ઢળી પડ્યો હતો. તેના જૅકેટમાંથી તેનો મોબાઇલ સ૨કીને બાજુમાં ફેંકાઈ ગયો હતો.

ઇલસ્ટ્રેશન

આલોકભાઈ, હું તમને ઓળખતી નથી... પણ આ મોબાઇલ જેનો છે તેનો ભયંકર ઍક્સિડન્ટ થયો છે...

ધમધમ ધમધમ કરતી ટ્રેન પસાર થઈ ગઈ...

અને એટલી જ ઝડપથી પેલા સોહામણા યુવાનના કપાળમાંથી ધકધક કરતું લોહી વહી રહ્યું હતું...

જાસ્મિન ગભરાઈ ગઈ હતી. હવે કરવું શું? યુવાન બેહોશ થઈને રેલવેના પાટાની પાસે ઢળી પડ્યો હતો. તેના જૅકેટમાંથી તેનો મોબાઇલ સ૨કીને બાજુમાં ફેંકાઈ ગયો હતો.

જાસ્મિને ઝડપથી એ મોબાઇલ ઉઠાવી લીધો. નૅચરલી, એ અતિશય મોંઘો, જાસ્મિને પહેલાં કદી ન જોયો હોય એવા મૉડલનો મોબાઇલ હતો. બે ઘડી તો તેને સૂઝ પણ ન પડી કે એને ખોલવો કઈ રીતે! થોડાં
ફાંફાં માર્યા પછી જાસ્મિને કીપૅડનું લૉક ખોલ્યું.

પછી ‘એ’ ઉપરથી જે પહેલો જ નંબર દેખાયો એને ડાયલ કરી દીધો. ડાયલ કર્યા પછી જાસ્મિને જોયું, ડિસ્પ્લેમાં ‘ડબલ એ’ સાથેનું નામ હતું : ‘આલોક....’

રિંગ જઈ રહી હતી.... આ બાજુ પેલા યુવાનના કપાળેથી લોહી વહી રહ્યું હતું...

સામેથી ફોન ઉપાડતાં જ જાસ્મિન બોલી ઊઠી, ‘આલોકભાઈ, હું તમને ઓળખતી નથી... પણ આ મોબાઇલ જેનો છે તેનો ભયંકર ઍક્સિડન્ટ થયો છે... હું અહીં ન હોત તો તેમના પરથી ટ્રેન ફરી વળી હોત... આઇ મીન, અહીં આજુબાજુમાં બીજું કોઈ દેખાતું પણ નથી...’

‘રિલૅક્સ, રિલૅક્સ...’ સામેથી અવાજ આવ્યો, ‘તમે સૌથી પહેલાં મને એ કહો કે તમે ક્યાં છો?’

‘હું અહીં...’ જાસ્મિને આસપાસ જોયું. ચારે બાજુ અંધકારભર્યો સન્નાટો હતો. ‘હું અહીં જમિયતપુરા રેલવે ઓવરબ્રિજની નીચે છું.’

‘જસ્ટ ડોન્ટ વરી, હું હમણાં જ ત્યાં પહોંચું છું. સનીની હાલત કેવી છે?’

‘સની...?’

‘જેનો ઍક્સિડન્ટ થયો છે તેનું નામ સની છે અને હું તેનો કઝિન છું. નાઓ લિસન, તેણે તેની બાઇક કે કાર, જે હોય તે, શેમાં ઠોકી મારી છે?’

‘ના, ના... એવું નથી. બેચાર ગુંડા જેવા લોકોએ તેને મારીને બ્રિજ પરથી ફેંકી દીધો છે!’

‘એમ?’ સામેથી આલોકના અવાજમાં ગભરાટની ઝલક સંભળાઈ, ‘તમે પ્લીઝ ૧૦૮ને ફોન ન કરતાં! હું ગાડીમાં જ છું... જસ્ટ બી ધેર... પ્લીઝ... હું અબી હાલ પહોંચું છું... ઓ ગૉડ...’

ફોન કપાઈ ગયો.

જાસ્મિનનો ગભરાટ થોડો શમ્યો. ‘હે ભગવાન, આ શું થઈ ગયું? જે સોહામણો રાજકુમાર રોજ રાત્રે તેના સપનામાં આવતો હોય તે જ સાક્ષાત્ તેની સામે ચત્તોપાટ થઈને પડ્યો છે! અરે, મેં જ તેને બચાવ્યો! શું તેને ખબર હશે કે મારું દિલ તેના માટે...’

છેક અત્યારે જાસ્મિનને ભાન થયું કે તેના કપાળમાંથી ઘણું લોહી વહી ચૂક્યું છે.

જાસ્મિને ઝડપથી પોતાના પંજાબી ડ્રેસનો દુપટ્ટો ઊભો ફાડીને તેના કપાળે પાટો બાંધવા માંડ્યો, પણ તેનું માથું ઊંચક્યા વિના એ શક્ય નહોતું.

જાસ્મિને તેનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. પાટો બાંધતાં-બાંધતાં તેના દિલની ધડકનો અચાનક તેજ થઈ ગઈ...

અચાનક મોટા અવાજે વાગતી મોબાઇલની રિંગથી જાસ્મિન ઝબકી ગઈ. તેણે ફોન ઉપાડ્યો. સામેથી આલોકનો અવાજ આવ્યો...

‘હલો, હું ઓવરબ્રિજ પાસે આવી ગયો છું... ક્યાં છો તમે?’

જાસ્મિને ખોળામાં સનીનું માથું રાખીને, ત્યાંથી જ સહેજ ઊંચા થઈને હાથ હલાવ્યો, ‘અહીં છું... અહીં! મારો હાથ દેખાય છે?’

બીજી જ ક્ષણે તેના પર કારની હેડલાઇટના પ્રકાશનો શેરડો પડ્યો.

એ સાથે જ આલોકનો અવાજ આવ્યો, ‘વાઉ...’

‘શું?’

‘મેં તમને જોઈ લીધાં! આઇ મીન, સૉરી, હું તમને જોઈ શકું છું... ત્યાં જ રહો. હું આવું છું... ઓકે?’

હેડલાઇટો ચાલુ રાખીને આલોક નામનો એ બેઠી દડીનો છતાં કસાયેલા શરીરવાળો યુવાન આ તરફ દોડતો આવ્યો.

‘ઓકે, યુ કૅન રિલૅક્સ નાઓ. હું સનીને મારા ખભે ઉપાડી લઉં છું. તમે તેનો મોબાઇલ અને આજુબાજુ તેનું પાકીટ-બાકીટ કે એવું કંઈક પડ્યું હોય તો જોઈ લોને?’

આલોકે સ્ફૂર્તિથી, એક જ ઝાટકે સનીને પોતાના ખભે ઉપાડી લીધો, પછી મોબાઇલની ટૉર્ચ ઑન કરીને આજુબાજુ પ્રકાશ ફેંક્યો... જાસ્મિનને સહેજ દૂર પડેલું એક વૉલેટ મળ્યું, તેણે ઉપાડી લીધું.

‘કમ ફાસ્ટ...’ આલોક ઝડપથી ચાલી રહ્યો હતો.

‘મને લાગે છે કે લોહી ઘણું વહી ગયું છે. મેં પાટો તો બાંધ્યો છે પણ...’ જાસ્મિન ગણગણી.

આલોક જરા હસ્યો, ‘તમે તમારો પોતાનો દુપટ્ટો ફાડીને પાટો બાંધ્યો છે! આઇ કૅન સી!’

‘હા પણ...’

‘શું નામ તમારું?’ આલોકે આગળ ચાલતાં પૂછ્યું.

‘જાસ્મિન.’

‘લવલી નેમ.’ આલોક ફરી હસ્યો, ‘સનીને આમેય ફૂલો બહુ ગમે છે અને તમારું તો ફૂલનું જ નામ છે.’

સનીને પાછલી સીટ પર ગોઠવીને તરત આલોકે કાર સ્ટાર્ટ કરી. જાસ્મિનને સમજાતું નહોતું કે આલોકના ચહેરા પર સ્માઇલ શેનું હતું! તે આલોકને કંઈ પૂછે એ પહેલાં આલોકે વારાફરતી ફોન કરવા માંડ્યા...

‘હલો, આલોક બોલું છું... સનીને બહુ ખરાબ ઍક્સિડન્ટ થયો છે. હું તેને લઈને ધનરાજ હૉસ્પિટલ જઈ રહ્યો છું. તમે ફટાફટ ત્યાં પહોંચો.’

ફોન કરતાં-કરતાં પણ આલોક એક જ હાથે સ્ટીઅરિંગ સંભાળતો ગજબની સ્પીડે કાર ચલાવી રહ્યો હતો. ‘અંકલ, આન્ટી, ચાચુ, દાદુ, ભાભી, માસી...’ એવાં અલગ-અલગ સંબોધનોવાળા લગભગ એક ડઝન ફોન પત્યા પછી આલોકે મોબાઇલ ડૅશ-બોર્ડ પર મૂક્યો.

‘હવે સાંભળો જાસ્મિન, ત્યાં ધનરાજ હૉસ્પિટલમાં પેલી ગુંડાઓવાળી વાત હરગિજ કોઈને ન કહેતાં. ઓકે?’

‘ઓકે.’

‘તમે એમ કહેજો કે...’ આલોકે સ્ટીઅરિંગ પર આંગળીઓ રમાડતાં કહ્યું, ‘કે સની ઓવરબ્રિજની પાળી પર ચડીને તમારી સામે ડાન્સ કરી રહ્યો હતો!’

‘ડાન્સ?’

‘હા, અને ડાન્સ કરતાં-કરતાં તે એવો મસ્તીમાં આવી ગયો કે એક સ્ટેપ ચૂકતાંની સાથે તે બ્રિજથી નીચે પડી ગયો.’

‘પણ...’

‘બિલીવ મી સની આવું જ કરે! એ વાત ફૅમિલીના બધા લોકો માની લેશે! યુ નો હિમ, નો? તમે તો તેને ઓળખો છોને?’

‘યસ...’ જાસ્મિનથી બોલાઈ ગયું.

‘કેટલા ટાઇમથી?’

‘છ મહિના...’ જાસ્મિનથી અર્ધ સત્ય બોલાઈ ગયું. અને વાત પણ ક્યાં ખોટી હતી? છેલ્લા છ મહિનાથી જ આ સોહામણો સની તેની દુકાન પર ફૂલો લેવા આવતો હતોને!

lll

આલોકે તેની કાર ધનરાજ હૉસ્પિટલના ખાંચામાં વાળીને ઊભી રાખી ત્યારે હૉસ્પિટલનું ભવ્ય બિલ્ડિંગ જોઈને જાસ્મિનની આંખો પહોળી થઈ ગઈ. આ હૉસ્પિટલ હતી કે કોઈ ફાઇવ સ્ટાર હોટેલ?

બહાર લીલાછમ બગીચામાં લાઇટો ઝળહળતી હતી. અંદર દીવાલો પર મોટાં-મોટાં પેઇન્ટિંગો હતાં. કાચની બારીઓ પર અતિશય મોંઘા પરદા હતા. ફર્શ તો એટલી લીસી અને ચળકતી હતી કે જાણે આઈનો જોઈ લો! આ ચકાચૌંધમાં જાસ્મિન બે ઘડી માટે તો ભૂલી જ ગઈ કે બેહોશ સનીની અહીં સારવાર કરાવવાની છે.

આલોકે ફટાફટ અહીંના સ્ટાફને કામે લગાડી દીધો. સનીને તાત્કાલિક ઇમર્જન્સી વૉર્ડમાં લઈ જવામાં આવ્યો. થોડી મિનિટો પછી આલોક પાછો બહાર આવ્યો. તેણે યાદ કરાવ્યું, ‘કોઈ પૂછે તો શું કહેવાનું છે એ ખબર છેને?’

કોણ જાણે કેમ, તેના ચહેરા પર નટખટ સ્મિત રમી રહ્યું હતું.

થોડી જ વારમાં ધનરાજ હૉસ્પિટલની પૉર્ચમાં એક પછી એક શાનદાર અને મોંઘી-મોંઘી કારો આવવા લાગી. શેવરોલે, મર્સિડીઝ, કૅડિલેક, ટૉયોટા, ફોક્સવૅગન, હૉન્ડા... જાસ્મિન તો જોતી રહી ગઈ. અંદરથી સનીનાં જે સગાંવહાલાં ઊતરી રહ્યાં હતાં એ પણ કંઈ કમ નહોતાં. એમાંથી મોટા ભાગના જાણે હમણાં જ કોઈ લગ્નના રિસેપ્શનમાંથી કે ડાયરેક્ટ ડાન્સ-પાર્ટીમાંથી આવી પહોંચ્યાં હોય એવાં મોંઘાં ઘરેણાં અને ઝળહળાટવાળાં વસ્ત્રોમાં હતાં, સ્ત્રીઓના ચહેરા પર હેવી મેકઅપના ઠઠારા હતા અને પુરુષો મોંઘાં સૂટ-સફારી કે જૅકેટમાં હતા. યુવાન છોકરીઓ તો ફૅશન શોની મૉડલ જેવી દેખાતી હતી.

બધા આવીને ઝડપથી આલોક પાસે પહોંચી જતા હતા. આલોક દરેકને સનીના સમાચાર આપ્યા પછી જાસ્મિન તરફ આંગળી ચીંધીને કહેતો હતો...

‘એ જાસ્મિન છે, સનીની ગર્લફ્રેન્ડ. તેણે જ સનીનો જીવ બચાવ્યો છે.’

આ સાંભળતાં જ આવનારાઓ ઝડપથી જાસ્મિન તરફ ‘થૅન્ક્યુ’ કહેવા માટે આવી પહોંચતા, પરંતુ હૉલના ખૂણે સાદું પંજાબી (એ પણ ફાડી નાખેલા દુપટ્ટાવાળું) પહેરીને બેઠેલી જાસ્મિનને જોતાં જ બધાના ચહેરા ઊતરી જતા હતા.

‘સનીની ગર્લફ્રેન્ડ, સાવ આવી?’ સ્ત્રીઓ ધીમેથી આવું બોલી જતી હતી.

‘યુ મીન, શી ઇઝ સનીઝ ગર્લફ્રેન્ડ? હૅઝ હી ગૉન બૉન્કર્સ?’ પેલી ખૂબસૂરત મૉડલ જેવી છોકરીઓ મોં મચકોડતી હતી.

દસેક મિનિટ પછી પરિસ્થિતિ એવી હતી કે આખા હૉલમાં બધા એકબીજા સાથે ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા પણ જાસ્મિન સામે કોઈ જોતું સુધ્ધાં નહોતું. જાસ્મિનને થયું કે હું અહીં ફર્શ નીચે દટાઈ જાઉં તો સારું.

ત્યાં જ હૉલના એક છેડે હલચલ સંભળાઈ. ‘દાદાજી આવી ગયા... દાદાજી આવી ગયા...’

લોકોની ભીડ પાછળથી એક રણકાદાર અવાજ સંભળાયો, ‘ક્યાં છે આલોક? શું થયું મારા દીકરા સનીને?’

આલોકે કહ્યું, ‘ડોન્ટ વરી દાદાજી. હી ઇઝ ઑલરાઇટ. તેની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. પણ જો જાસ્મિન ન હોત તો સની કદાચ બચી ન શક્યો હોત.’

‘જાસ્મિન? ક્યાં છે એ છોકરી, જોઉં તો ખરો...’

દાદાજીના અવાજ સાથે જ લોકોએ તેમને જગ્યા કરી આપી. જાસ્મિને જોયું કે તેમની આખી પર્સનાલિટી જ કંઈક અલગ હતી. ૬ ફુટની ઊંચાઈ, સફેદ પૂણી જેવા લાંબા વાળ, એવી જ સફેદ લહેરાતી દાઢી, કપાળે તિલક, ખભે શાલ, રેશમી સુંવાળો શ્વેત ઝભ્ભો, સોનેરી કિનારવાળું ધોતિયું અને હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી...

નજીક આવીને દાદાજીએ જાસ્મિનને ઉપરથી નીચે સુધી નજર ફે૨વીને જોઈ લીધી, બીજી જ ક્ષણે તેમના કપાળ પરની કરચલીઓ દૂર થઈ ગઈ. તેમના હોઠો પર સ્મિત આવી ગયું.

‘અરે વાહ!’ આંગળી વડે જાસ્મિનની હડપચી ઊંચી કરતાં તે સહેજ હસ્યા. ‘પહેલી વાર ડહાપણનું કામ કર્યું છે મારા સનીએ!’

દાદાજીના કહેવાનો મર્મ જાસ્મિનને સમજાયો નહીં. છતાં તેમના સ્પર્શમાં કંઈક એવું હતું જે જાસ્મિનને બહુ ગમ્યું. તેનું આખું તંગ થઈ ગયેલું શરીર અચાનક હળવું થઈ ગયું.

‘એક્સ્ક્યુઝ મી...’

એ અવાજ સાથે આવી પહોંચેલા ડૉક્ટર જૈન પર સૌની આંખો મંડાઈ.

‘મિસ્ટર ઇન્દ્રસેન રાહેજા...’ ડૉક્ટરે દાદાજીને સંબોધીને કહ્યું, ‘આપનો પૌત્ર સની તાત્કાલિક સારવાર મળવાને કારણે ડેન્જર ઝોનમાંથી તો બચી ગયો છે, પણ...’

આખા હૉલમાં ઊભેલા સૌના કાન આ તરફ હતા.

‘પણ આઇ ઍમ અફ્રેઇડ કે માથાના પાછળના ભાગે થયેલી એક ઇન્જરીના કારણે તે થોડી જ મિનિટો પહેલાં કોમામાં ચાલી ગયો છે...’

ધનરાજ હૉસ્પિટલના હૉલમાં સન્નાટો છવાઈ ગયો.

(ક્રમશઃ)

columnists gujarati mid-day exclusive mumbai