25 November, 2024 03:51 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
યુવાનના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું; જાસ્મિન ડરી ગઈ, ક્યાંક તે મરી નહીં ગયો હોયને?
‘હલો, લેડી ઑફ સ્માઇલ્સ!’ એવા મસ્તીભર્યા અંદાજથી બોલાયેલા શબ્દો તેના કાને પડતા ત્યારે જાસ્મિનનો ચહેરો ચમકી ઊઠતો.
હા, એક સોહામણો યુવાન તેની કારમાંથી ઊતરતો અને ઊછળતી ચાલે ફૂલોની દુકાનમાં આવીને જાસ્મિનને કહેતો, ‘હલો, લેડી ઑફ સ્માઇલ્સ. કેમ છો મુસ્કાનોની મહારાણી? આજે મારા માટે કેવાં ફૂલોનો ગુલદસ્તો બનાવી આપશો?’
આ શબ્દો સાંભળતાં જ જાસ્મિનના ચહેરા પર સ્મિત ખીલી ઊઠતું. તે ઝડપથી દુકાનમાં જઈને સુંદરમાં સુંદર, તાજામાં તાજાં ફૂલો શોધી-શોધીને ખૂબ ઝડપથી છતાં એકદમ ચીવટથી એ ફૂલોને ગોઠવી એક બુકે બનાવી કાઢતી. એના ૫૨ પ્લાસ્ટિક વીંટાળીને તે પૂછતી, ‘આના પર શું લખવાનું છે?’
તે યુવાન હસતો, ‘કોઈ એક ફૂલનું નામ બોલોને.’
જાસ્મિન દર વખતે સહેજ વિચારીને એકાદ ફૂલનું નામ કહેતી. જેમ કે... ‘અં... નીલકમલ.’
‘તો એ કાર્ડ પર લખોને... ટુ માય મોસ્ટ બ્યુટિફુલ નીલકમલ.’
દર વખતે તે યુવાન આવું કંઈક કહેતો અને પછી પૈસા ચૂકવીને મસ્ત હવાની કોઈ લહેરની જેમ દુકાનમાંથી ચાલ્યો જતો.
બીજી જ ઘડીએ જાસ્મિનના ચહેરા પર ફરી ઉદાસી છવાઈ જતી. કોણ હશે તે નીલકમલ?
છેલ્લાં બે વરસથી જાસ્મિન શહેરના ગીચ વિસ્તારમાં આવેલી ગુલશન ફ્લાવર્સ નામની નાનકડી દુકાને નોકરી કરવા આવતી હતી. બિચારી સાવ એકલી હતી. માંજલપુરના ખાંચામાં લચ્છાજીની ચાલીમાં તે રહીમચાચાના મકાનમાં ભાડેથી રહેતી હતી. છેલ્લાં બે વરસથી જાસ્મિનની જિંદગીનું એક જ રૂટીન હતું:
ઘરેથી વહેલી પરોઢે સીધાં-સાદાં પંજાબી વસ્ત્રો પહેરીને નીકળવું, ચાલતાં-ચાલતાં બરાબર પાંચ વાગ્યે અહીં ગુલશન ફ્લાવર્સની દુકાને આવી જવું, જથ્થાબંધ ફૂલોનાં પોટલાં ટેમ્પામાંથી ઉતરાવવાં, પછી બધાં ફૂલોની ડાળીઓને અલગ કરીને એમને પાણી ભરેલી ડોલોમાં ગોઠવવાં, રોજ ગલગોટાનાં ફૂલ વડે વીસ-પચ્ચીસ હાર બનાવવાના, મોગરાની કળીઓ ફટાફટ ગૂંથીને બે-ત્રણ ડઝન વેણીઓ બનાવવાની અને સવારની પહેલી ઘરાકી શરૂ થાય એ પહેલાં ૨૫ રૂપિયાથી માંડીને ૧૨૫ રૂપિયાની ફિક્સ પ્રાઇસના આઠ-દસ ગુલદસ્તા રેડી કરીને કાચના નાનકડા શો-કેસમાં સજાવીને મૂકી દેવાના.
આ ઉપરાંત આગલા દિવસે વધેલાં ગુલાબની પાંખડીઓ છૂટી પાડીને એનો ઢગલો તાંબાના પહોળા થાળમાં પાથરીને એના પર પાણી છાંટી રાખવું, વાસી ફૂલો અને કપાયેલી ડાળખીઓનો કચરો સાફ કરીને દુકાન ચોખ્ખીચણક કરી દેવી. છેવટે સાંજે સાડાસાત-આઠ વાગ્યે ચાલતાં-ચાલતાં માંજલપુરના ખાંચામાં આવેલી લચ્છાજીની ચાલીમાં રહીમચાચાના ભાડાના ઘરમાં પાછા ફરવું.
જાસ્મિનનું આ રૂટીન વરસના ત્રણસો ને પાંસઠ દહાડા ચાલતું. રહીમચાચા જાસ્મિનને બહુ કહેતા, ‘બેટી, તહેવારના દિવસોમાં તો રજા રાખ.’
પણ જાસ્મિન કહેતી, ‘ચાચા, તહેવારોમાં સૌથી વધારે કામ હોય. ઘરાકી કેટલી બધી હોય?’
ચાચા કહેતા, ‘દીકરી, દિવાળીની રજા તો પાડવી જોઈએ કે નહીં?’
‘૨જા?’ જાસ્મિન ઉદાસ સપાટ અવાજે કહેતી, ‘ચાચા, કામ કરવાથી મન પરોવાયેલું રહે છે. ઘરે બેસીને કરવાનું શું?’’
રહીમચાચા જાસ્મિનના ભૂતકાળ વિશે ક્યારેય સવાલો નહોતા કરતા. તેમની તો બસ એટલી જ ઇચ્છા કે બેટી જરા ખુશીઓમાં રહે.
પણ જાસ્મિનના નસીબમાં ખુશીઓ નહોતી. બાળપણમાં જ તેનાં માબાપ ગુજરી ગયાં હતાં. એ પછી તેના દૂરના એક મામાજી તેને પોતાના ઘરે રહેવા લઈ ગયા હતા, પણ હજી તે માંડ ૧૩-૧૪ વરસની થઈ ત્યાં મામાજીની આંખોમાં વાસનાના કીડાઓને તે સળવળતા જોઈ ગઈ હતી.
એક દિવસ મામાજીએ તેને રૂમમાં બંધ કરીને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. એ જ દિવસે જાસ્મિન ત્યાંથી ભાગી ગઈ. એ પછી તેની જિંદગીની રઝળપાટ ચાલતી રહી. નાની-મોટી મજૂરીનાં કામ કરતાં, અહીંતહીં ઘરકામો કરતાં, જ્યાં મળ્યો ત્યાં આશરો લેતાં-લેતાં તે ૨૧ વરસની થઈ ગઈ હતી. જેવું આવડે એવું જાતે ભણીને તેણે એક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે (કૉલેજમાં ગયા વિના) પરીક્ષા આપી. બી.એ.નાં બે વરસ પાસ કરી લીધાં હતાં. રાત્રે જાતે રાંધીને ખાધા પછી તે થાકી ન હોય તો બલ્બના અજવાળે બી.એ.ની ટેક્સ્ટ-બુકો વાંચતી. જોકે તેને ટેક્સ્ટ-બુકો કરતાં ફૂલોની કિતાબોમાં વધારે રસ પડતો. રવિવારે ભરાતી ગુજરીમાંથી તે સસ્તા ભાવે ફૂલો વિશેની અંગ્રેજી ચોપડીઓ લઈ આવતી.
કોણ હશે એ નીલકમલ?
...કે પછી યલો રોઝ અથવા ફ્રેશ ડેઇઝી કે પછી હની ફ્લાવર? કોણ હશે તે સોહામણા યુવાનની આટલી નસીબદાર પ્રેમિકા?
જાસ્મિન જ્યારે આવા વિચારો કરતાં ઊંઘી જતી ત્યારે અચૂક તેને એક સપનું આવતું. સપનામાં ભૂરી આંખોવાળો, સોનેરી જુલ્ફાંવાળો, કોઈ ગ્રીક દેવતા સમાન દેખાતો રાજકુમાર સફેદ ઘોડા પર સવાર થઈને આવે છે... નજીક આવીને તે ઘોડા પરથી ઝૂકીને એક જ હાથે જાસ્મિનને ઉપાડીને ઘોડા પર બેસાડી દે છે... ઘોડો ઊડતો-ઊડતો રૂ જેવાં વાદળો વચ્ચે માર્ગ કરતો ભૂરા આસમાનમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી અચાનક જાસ્મિન એ ભૂરા આસમાનમાંથી એકલી ગબડતી, ગોથાં ખાતી નીચે પડવા માંડે છે.
જાસ્મિન હળવી ચીસ સાથે જાગી જતી. એ પછી તે વધારે ઉદાસ થઈ જતી, ‘શા માટે મને એવાં સપનાં આવે છે જે કદી સાચાં પડવાનાં નથી?’
lll
એક દિવસ રહીમચાચા ગુલશન ફ્લાવર્સની દુકાને આવી પહોંચ્યા. તેમને જોતાં જ દુકાનના માલિક જુગતરામ બોલી ઊઠ્યા:
‘અરે રહીમચાચા, આજે અહીં ક્યાંથી?’
‘જુગતરામજી, દાવતનું આમંત્રણ આપવા આવ્યો છું. આજે મારા દીકરાના દીકરાનો પહેલો જન્મદિવસ છે. તમારે તો આવવાનું જ છે, પણ આ તમારી જાસ્મિનને આજે વહેલી છુટ્ટી આપવી પડશે.’
‘અરે રહીમચાચા, હું તો તેને વારંવાર કહું છું કે બેટી, આટલું બધું કામ સારું નહીં, ક્યારેક આરામ પણ કરવો જોઈએ; પણ જાસ્મિન ક્યાં માને છે?’
બરાબર એ જ વખતે પેલો સોહામણો ભૂરી આંખોવાળો યુવાન નેવી બ્લુ કલરની નવીનક્કોર ટૉયોટા કારમાંથી ઊતર્યો. તેને જોતાં જ જાસ્મિનની આંખોમાં ચમક આવી. દુકાનમાં દાખલ થતાં જ યુવાને કહ્યું:
‘ગુડ મૉર્નિંગ માય ડિયર લેડી ઑફ થાઉઝન્ડ સ્માઇલ્સ! મુસ્કાનની મહારાણી મજામાં તો છેને?’
જવાબમાં જાસ્મિનના ચહેરા પર જાણે પ્રભાતનું ઝાકળ ચમકતું હોય એવી ખુશી ચમકી ઊઠી. પેલા યુવાને રોજની જેમ એક મોટો બુકે તૈયાર કરાવડાવ્યો. રોજની જેમ જાસ્મિને પૂછ્યું:
‘આના પર શું લખવાનું છે?’
‘અં... કોઈ પણ એક ફૂલનું નામ બોલોને.’
‘ઓકે. બર્ડ ઑફ પૅરૅડાઇઝ?’
‘વાઉ! બર્ડ ઑફ પૅરૅડાઇઝ ફૂલનું નામ છે?’
‘હા અને એ ફૂલ સ્ત્રીને ત્યારે ભેટ આપવામાં આવે છે જ્યારે પુરુષ પોતાની વફાદારીનો એકરાર કરતો હોય છે.’
‘વાઉ! વફાદારી!’ યુવાન હસ્યો ‘આઇ લાઇક ધૅટ. લખો, બુકે પર લખો... ટુ માય બર્ડ ઑફ પૅરૅડાઇઝ.’
જાસ્મિને ફટાફટ છતાં સુંદર અક્ષરે બુકે પર કાર્ડ ચોંટાડી ઉપર લખી આપ્યું, ‘ટુ માય બર્ડ ઑફ પૅરૅડાઇઝ...’
યુવાને પાંચસોની નોટ જુગતરામને આપી અને સો રૂપિયાની નોટ જાસ્મિનના હાથમાં જબરદસ્તી પકડાવી. તે ચારે બાજુ સ્માઇલ આપતો કારમાં બેસીને જતો રહ્યો. જાસ્મિન તેની કારને જોતી રહી. કાર દેખાતી બંધ થતાં જ જાસ્મિનના ચહેરા પર ફરી ઉદાસીની ઝાંખપ ફરી વળી.
‘કોણ છે આ જાદુગર?’ રહીમચાચાએ પાછળથી આવીને પૂછ્યું.
‘જાદુગર?’
‘અરે બાબા, જે માણસ અમારી જાસ્મિન બેટીના ચહેરા પર મુસ્કાન લાવી શકે તે જાદુગર નહીં તો બીજો કોણ કહેવાય?’ રહીમચાચા હસવા લાગ્યા, ‘કોણ છે જુવાન?’
‘મને ખબર નથી.’ જાસ્મિને કહ્યું, ‘બસ, રોજ અહીં આવે છે, એક બુકે બનાવડાવે છે અને પૈસા આપીને જતો રહે છે.’
‘રોજ આ કારમાં આવે છે?’
‘ના, જુદી-જુદી ગાડી હોય છે.’ જાસ્મિન અચાનક અંદર ચાલી ગઈ. ‘ચાચા, હજી બહુ કામ પડ્યું છે. મોગરાની વેણીઓ આજે એકસામટી વેચાઈ ગઈ. બીજી બનાવવી પડશે.’
જાસ્મિનને અંદર જતી જોતાં રહીમચાચાએ નિ:શ્વાસ નાખ્યો, ‘જુઓને જુગતરામજી. બિચારીને બે પળની ખુશી પણ મહેસૂસ કરતાં આવડતું નથી.’
‘જે હોય તે... તેના કારણે બિચારી જાસ્મિનના ચહેરા પર એક વાર તો મુસ્કાન આવે છે!’
lll
કોણ હશે એ બર્ડ ઑફ પૅરૅડાઇઝ?
એ રાત્રે ફરી તેને પેલું રાજકુમારનું સપનું આવ્યું. ફરી તે ભૂરા આસમાનમાંથી ફંગોળાઈને નીચે પડી રહી હતી અને ફરી હલકી ચીસ સાથે તે જાગી ગઈ.
‘શા માટે?’ જાસ્મિને નિસાસો નાખ્યો, ‘શા માટે મને આવાં સપનાં આવે છે?’
lll
પણ એક રાત્રે જાસ્મિનનું સપનું લગભગ સાચું પડ્યું.
એ રાત્રે તે ગુલશન ફ્લાવર્સથી ચાલતી-ચાલતી ઓવરબ્રિજથી ઊતરીને માંજલપુર તરફના રસ્તે વળી ત્યારે સામેથી એક બાઇક પસાર થઈ ગઈ. ક્ષણવાર માટે જાસ્મિનને લાગ્યું કે એ બાઇકસવાર પેલો સોહામણો યુવાન જ હતો.
જાસ્મિન એ વિચારને ખંખેરીને આગળ ચાલી ત્યાં તો પાછળથી એક ધબાકો સંભળાયો. પાછા ફરીને જોયું તો પેલા યુવાનની બાઇક રસ્તા પર ગબડી પડી હતી અને તે ઊભો થઈને આ તરફ દોડતો આવી રહ્યો હતો. સ્ટ્રીટલાઇટના ઝાંખા પ્રકાશમાં તેણે જોયું કે આ તે જ યુવાન હતો.
પણ ગુંડા જેવા લાગતા ચાર-પાંચ માણસો તેની પાછળ હાથમાં હૉકી અને ચેઇન લઈને દોડી રહ્યા હતા. યુવાન ભાગતો-ભાગતો બિલકુલ જાસ્મિનની પાસેથી પસાર થઈ ગયો.
યુવાન રેલવેના ઓવરબ્રિજ પર દોડી રહ્યો હતો. પાછળથી પેલા માણસોએ તેના પગમાં છુટ્ટી હૉકી મારીને તેને ગબડાવી પાડ્યો. પછી નજીક જઈને તેને લાતો વડે મારવા લાગ્યા. જાસ્મિન સ્તબ્ધ થઈ ગઈ હતી. શું કરવું કંઈ સમજ પડતી નહોતી.
અચાનક પેલા માણસોએ યુવાનને ઊંચકીને રેલવે ઓવરબ્રિજની નીચે ફેંકી દીધો.
જાસ્મિનના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. માણસો તેને જોઈને ચમક્યા, પણ પછી ઓવરબ્રિજના પેલા છેડેથી ઊતરીને નાસી ગયા. ચારે બાજુ ફરી સન્નાટો છવાઈ ગયો. જાસ્મિન ઝડપથી રેલવેના પાટા તરફ દોડી.
યુવાનના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. જાસ્મિન ડરી ગઈ, ક્યાંક તે મરી તો નહીં ગયો હોયને? ત્યાં તો જોરથી ટ્રેનની વ્હિસલ સંભળાઈ. રેલવેના એન્જિનમાંથી નીકળતો તીવ્ર પ્રકાશનો શેરડો ધડધડ કરતો નજીક આવી રહ્યો હતો. જાસ્મિને એ તરફ હાથ હલાવીને ચીસો પાડી, પણ કોઈ અસર થતી જણાઈ નહીં. છેવટે પોતાના હાથોમાં હતું એટલું જોર એકઠું કરીને પેલા યુવાનને પાટા પરથી ખેંચી કાઢ્યો.
ટ્રેન પસાર થઈ ગઈ....
જાસ્મિન હાંફી રહી હતી. યુવાનનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો હતો. જાસ્મિને તેને ઢંઢોળી જોયો, પણ તે બેહોશ થઈ ગયો હતો!
હવે કરવું શું?
(ક્રમશઃ)