19 December, 2024 10:57 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘મહંત, ભાઈ એક નાનકડી હેલ્પ જોઈએ છે...’ સવાર-સવારમાં આવેલા પપ્પાના ફોને સોમચંદની ઊંઘ ઉડાડી દીધી, ‘આ અંજલિ અને સનીનો ફોન નથી લાગતો. તને મેં કહ્યું એમ તેઓ દર શનિવારે ફોન કરતાં. અમે તો રાહ જોઈએ છીએ, પણ પંદર દિવસથી બેમાંથી કોઈના ફોન નથી અને હવે તો તેનો મોબાઇલ પણ સ્વિચ્ડ-ઑફ આવે છે...’
‘અંકલ, હું જોઉં છું...’ સામેથી વધારે કંઈ ચર્ચા થાય એ પહેલાં જ સોમચંદે ફોન પૂરો કર્યો, ‘બાય...’
અંજલિ અને સનીનો કૉન્ટૅક્ટ નથી થતો એનો અર્થ એવો થાય કે અંજલિને આઇડિયા આવી ગયો છે કે તેના પર નજર રાખવામાં આવતી હતી અને જો એવું હોય તો તે હાથમાંથી છટકી ગઈ.
સોમચંદે તરત મોબાઇલ હાથમાં લઈને અંજલિના ઘરમાં રહેલા સ્પાય કૅમેરામાં જોયું. ઘરમાં કોઈ હલચલ નહોતી. ગઈ કાલે રાતે તેણે કૅમેરા ચેક કર્યો હતો. રાતે ૯ વાગ્યા સુધી ઘરમાં અંજલિ અને સની દેખાયાં, જેનો અર્થ એવો થયો કે ત્યારથી અત્યાર સુધીમાં અંજલિ-સની બહાર ગયાં છે, એમાં ગભરાવા જેવું કશું નહોતું, પણ હા, એ વાત
ટેન્શનવાળી હતી કે અંજલિએ પોતાનો જૂનો મોબાઇલ નંબર ચેન્જ કરી નાખ્યો હતો.
મતલબ કે એ નંબરમાં કશુંક એવું છે જેનો ડેટા અંજલિ હવે સાથે રાખવા નથી માગતી. જો એવું હોય તો એ ડેટામાં છે શું?
lll
‘માત્ર મોબાઇલ નંબર હોય
તો એના પરથી વૉટ્સઍપ-ડેટા
મળી જશે?’
‘શું સર તમે પણ...’ સોમચંદને હૅકરે જવાબ આપ્યો, ‘વૉટ્સઍપ આટલી જાહેરાત કરે છે કે અમે કોઈનો ડેટા રાખતા નથી. એ થોડા એમ જ કરે છે!’
‘એ હરામખોર...’ ચકલીના ‘ચ’વાળી સરસ્વતી સંભળાવતાં સોમચંદે કહ્યું, ‘તે શું-શું હૅક કર્યું છે અને ટેલિગ્રામમાં શું-શું ધંધા કરે છે એની હિસ્ટરી કાઢીશ તો જિંદગીમાં ક્યારેય લૅપટૉપ પર આંગળી ફેરવી નહીં શકે...’
‘સર, મજાક... મજાક કરું છું.’ હૅકરે વાતને ટર્ન આપતાં કહ્યું, ‘એક વાત યાદ રાખજો. ટ્વિટર એટલે કે આ જે નવું ઍક્સ ડૉટકૉમ છે એને ક્રૅક કરવાનું ન કહેતા. બાકી જે અકાઉન્ટ હૅક કરવાનું હોય એ કહી દેજો. ટ્વિટર બહુ એટલે બહુ ડિફિકલ્ટ છે.’
‘જી-મેઇલ પણ ઈઝી...’
‘સૌથી ઈઝી...’ સોમચંદની આંખમાં અચરજ ઉમેરાય એવી વાત હૅકરે કરી, ‘જી-મેઇલ અને વૉટ્સઍપ પાંચ જ મિનિટમાં હૅક થાય.’
‘શું વાત કરે છે?’ સોમચંદે કહ્યું, ‘રિયલી?’
‘વૉટ્સઍપ-ડિટેઇલ કાઢવાની છેને?’ હૅકરે જવાબ આપ્યો, ‘નંબર આપો અને પછી ૩૦૦ સુધી મનમાં ગણો. તમે કાઉન્ટ પૂરા કરો એ પહેલાં મારો મેઇલ મળી જશે.’
અને એવું જ થયું.
સોમચંદે ખરેખર ૩૦૦ ગણવાનું શરૂ કર્યું અને હજી તો તેઓ ૨૪૦ પર પહોંચ્યા હતા ત્યાં તેના મોબાઇલમાં હૅકર કશ્યપ શુક્લએ મોકલેલો ડેટા આવી ગયો!
lll
૨૪ GBના એ ડેટામાં કંઈ કરતાં કંઈ એવું નહોતું જેને શંકાસ્પદ ગણી શકાય.
આખી રાત ડેટા પાછળ ખર્ચ્યા પછી પણ કંઈ મળ્યું નહીં એ વાતનું ફ્રસ્ટેશન સોમચંદને વધારે હતું.
આવું બની કઈ
રીતે શકે?
એક્સ્ટ્રામૅરિટલ રિલેશનશિપ છે. હસબન્ડ હોવા છતાં બીજાના હસબન્ડ સાથે અફેર ચાલે છે, નિયમિત કૉન્ટૅક્ટમાં રહે છે અને એ પછી પણ શું એ લોકો ચૅટ નહીં કરતાં હોય? ઇમ્પૉસિબલ. દુનિયાઆખી મેસેન્જર વાપરે છે.
મેસેન્જર...
‘ઓહ ફિશ...’
સોમચંદની આંખો પહોળી થઈ ગઈ. તેને સમજાઈ ગયું હતું કે અંજલિએ કઈ રીતે પહેલાં હસબન્ડને અને પછી દુનિયાને અવળા રસ્તે રાખ્યાં હશે.
lll
‘હેય બ્રધર... હેલ્પ...’ સોમચંદે તરત જ કહી દીધું, ‘મેં જે મોબાઇલ-નંબર આપ્યો એ મોબાઇલમાં કઈ-કઈ ઍપ હતી એનું લિસ્ટ મળે.’
‘સૉરી સર...’ દિલગીરી સાથે હૅકર કશ્યપે ચોખવટ પણ કરી, ‘આ વખતે ગૉડ પ્રૉમિસ સાથે કહું છું કે એ ખબર ન પડે. હા, તો ખબર પડે જો એ આખા મોબાઇલનો બૅકઅપ અપલોડ કરવામાં આવ્યો હોય પણ એને માટે કઈ કંપનીનો મોબાઇલ છે એની ખબર હોવી જોઈએ, પણ કન્ડિશન અપ્લાય. વ્યક્તિએ આખા મોબાઇલનો બૅકઅપ લીધો હોય તો...’
‘કંપની કહું તને... ગિવ મી અ મિનિટ.’
સોમચંદની આંખ સામે એ તમામ ઘટનાઓ ફાસ્ટ ફૉર્વર્ડ સાથે ફરી ગઈ, જેમાં તેઓ અંજલિને મળ્યા હતા.
lll
‘ના સર, ભૂલ છે. આ મોબાઇલ-નંબર સૅમસંગનો નથી.’ કશ્યપે ચોખવટ સાથે કહી દીધું, ‘દરેક કંપનીનાં પોતાનાં સર્વર છે, જેના પર તમે તમારો ડેટા મૂકી શકો અને અમુક દિવસો કે મહિનાઓ પછી ઑટોમૅટિકલી મોબાઇલ પણ એ ડ્રાઇવ પર પોતાનો બૅકઅપ મૂકતો રહે.’
‘મીન્સ મારે ડેટા એ લોકોને ન આપવો હોય તો પણ...’
‘હા સર...’ કશ્યપને બીજું પણ કામ કરવાનું હતું એટલે તેણે ઇનડિરેક્ટલી કહી દીધું, ‘જે કંપનીનો મોબાઇલ હશે એ કંપનીના સર્વર પર જઈને હું તમને ડેટા લઈ આપું.’
‘યાદ ન હોય તો...’
એકસરખા દેખાતા બધા સ્માર્ટફોન પર સોમચંદને ગુસ્સો આવતો હતો.
‘તો પછી યાદ કરીને મને કહેજો... કંપની તો જાણવી પડે, એના વિના ખબર ન પડે.’
‘ખબર પડે...’ સોમચંદનો હાથ મોબાઇલ-સ્ક્રીન પર ફરતો હતો, ‘આપણે ત્યાં ૧૪ કંપનીને મોબાઇલના વેચાણની પરમિશન છે. તું આ ૧૪ કંપનીના સર્વર પર નંબર અપલોડ કરીને જો...’
‘સર, એમાં બહુ વાર લાગશે...’
‘પ્રૉબ્લેમ એ જ છેને, મારી પાસે સમય નથી.’ સોમચંદે દાદાગીરી સાથે કહ્યું, ‘ચાલ લાગી જા કામ પર... કલાકમાં મને રિઝલ્ટ જોઈએ.’
અને રિઝલ્ટ મળ્યું, એ પણ કલાકથી ઓછા સમયમાં.
lll
‘સર, આ મોબાઇલ-નંબર ઓપો કંપનીનો છે. ઓપો કંપની પોતાના સર્વર પર ૬ મહિનાથી વધારે સમયનો રેકૉર્ડ નથી રાખતી. જે જૂનો ડેટા હોય એ ડેટા પર નવો ડેટા ઑટોમૅટિક અપડેટ થઈ જાય.’
‘ડેટા, શું મળ્યું એ મોઢામાંથી ફાટને...’
‘અટેચમેન્ટ કરું છું સર...’ કશ્યપ ગભરાયો હતો, ‘બે મિનિટ લાગશે.’
‘બેની અઢી મિનિટ ન થવી જોઈએ...’
સોમચંદે ફોન કટ કરી નાખ્યો અને અઢી મિનિટ પછી તેઓ ડેટા ચેક કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ડેટા ચેક કરતી વખતે તેમને ખબર નહોતી કે તેમના હાથમાં જૅકપૉટ આવી ગયો છે.
lll
‘સર, કેસ ક્રિસ્ટલ ક્લિયર છે. અંજલિએ મર્ડર કર્યું છે અને આ મર્ડરમાં કેશવ મહાજન પણ
ઇન્વૉલ્વ છે.’
‘ઓકે... પણ અંજલિ ક્યાં છે?’ કમિશનરના અવાજમાં ઉચાટ હતો, ‘અંજલિ વિના તો આ કેસ ઓપન નહીં થાયને?’
‘હા, પણ ખબર નહીં કેમ તે અચાનક ક્યાં ચાલી ગઈ?’ સોમચંદે ટેબલ પર પેપર્સ મૂકતાં કહ્યું, ‘અંજલિ વૈદ્ય કે સની વૈદ્યના નામે ટ્રેન, બસ કે ફ્લાઇટની ટિકિટ બુક નથી થઈ. સેકન્ડ્લી, તે પોતાની ગાડી લઈને રવાના નથી થઈ. તેની ગાડી સોસાયટીના પાર્કિંગમાં જ છે.’
‘સોસાયટીના છેલ્લા CCTV કૅમેરા ફુટેજ?’
‘છે... અંજલિ કૅબમાં રવાના થઈ છે.’ સોમચંદે કહી દીધું, ‘કૅબ પણ કોઈ પ્રાઇવેટ કંપનીની હશે. પહેલું કારણ ઑફિશ્યલ કૅબ સર્વિસમાં છેલ્લા એક મહિનામાં અંજલિના નામે કોઈ બુકિંગ આવ્યું હોય એવું બન્યું નથી અને બીજું કારણ, કૅબ પર એની ઑપરેટિંગ કંપનીનું નામ નહોતું.’
‘એક ચાન્સ એવો ગણી શકાય કે અંજલિ અહીંથી આજુબાજુના સિટીમાં ગઈ હોય અને પછી ત્યાંથી તે ફ્લાય કરી ગઈ હોય.’
‘પૉસિબલ છે, પણ મને બીજી એક પૉસિબિલિટી દેખાય છે.’ કમિશનર પૂછે એ પહેલાં જ સોમચંદે એ સંભાવના કહી દીધી, ‘અંજલિ મુંબઈમાં જ છે અને તેને ખબર પડી ગઈ છે કે આપણે તેને ફૉલો કરીએ છીએ.’
‘હવે સ્ટ્રૅટેજી શું છે?’
‘સિમ્પલ... અંજલિને મુંબઈમાંથી જ શોધવાની... અને તેને શોધવાનો એક રસ્તો અત્યારે મને દેખાય છે. ગિવ મી અ ડે. કાલે રિઝલ્ટ આપું.’
lll
‘અંગદ શ્રીવાસ્તવ, ફ્રૉમ CBI...’ આઇ કાર્ડ ટેબલ પર મૂકીને ઓળખાણ આપતાં ઑફિસરે કહ્યું, ‘સૉરી ફૉર ધ ટ્રબલ... પણ, ઇમર્જન્સી ઑપરેશનમાં આવવાનું થયું છે એટલે પૉસિબલ છે કે ગવર્નમેન્ટમાંથી બુકિંગ ન થયું હોય, પણ રૂમ કરી આપવી પડશે એ નક્કી છે...’
‘હા, પણ સર મોટા ભાગની
રૂમ બુક છે...’ કાઉન્ટર પરની વ્યક્તિએ કમ્પ્યુટર સ્ક્રીન પર નજર કરતાં કહ્યું, ‘મને થોડો સમય આપો, હું ટ્રાય કરું...’
‘નો ઇશ્યુ... તમે જુઓ. ત્યાં હું ફ્રેશ થઈને આવું.’
વ્યક્તિએ ઇશારો કરીને વૉશરૂમ એરિયા દેખાડ્યો અને અંગદ શ્રીવાસ્તવ એ દિશામાં ગયા. સર્કિટ હાઉસમાં રહેવાનો અંગદનો કોઈ ઇરાદો નહોતો, પણ તે અહીં રોકાઈને માત્ર એટલું ચેક કરવા માગતા હતા કે અહીં કોઈ ફૅમિલી રહે છે કે નહીં?
lll
‘સર, એક રૂમ છે, પણ એ ઍનેક્સી સિરીઝમાં છે.’ સર્કિટ હાઉસના મૅનેજરે કહ્યું, ‘અત્યારે એ આપી દઉં છું. એવું હશે તો કાલે ચેન્જ કરી આપીશ.’
ચૂપચાપ અંગદ રૂમમાં આવી ગયો. હવે તેણે કાં તો આખું સર્કિટ હાઉસ ફેંદવાનું હતું અને કાં તો મૅનેજરના કમ્પ્યુટરમાંથી એ ડેટા કાઢવાનો હતો જેમાં અહીં રોકાયેલા તમામ લોકોનું લિસ્ટ મળી જાય.
અલબત્ત, એ લિસ્ટ મળ્યા પછી પણ નવેસરથી શોધખોળ ઊભી રહેશે એવી ધારણા અંગદ બનેલા સોમચંદે માંડી નહોતી.
lll
રાતે અસિસ્ટન્ટ મૅનેજર સાથે કરેલી દોસ્તી સોમચંદને ફળી અને મૅનેજર જતાં પહેલાં કાગળ પર લખીને તમામ રૂમના ગેસ્ટની વિગત આપી ગયો. જે વિગત હતી એમાં ક્યાંય અંજલિના નામની એન્ટ્રી નહોતી. હોટેલને બદલે અંજલિ સરકાર હસ્તકના સર્કિટ હાઉસમાં હોય એવી સંભાવના સોમચંદના મનમાં અચાનક આવી ગઈ હતી.
મહારાષ્ટ્ર સરકારના હોમ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કેશવ મહાજનની ઓળખાણ સર્કિટ હાઉસમાં હોય જ. જો એવું હોય તો અંજલિને થોડો સમય માટે અહીં રહેવાની સગવડ તે આરામથી કરી શકે અને ગવર્નમેન્ટ હસ્તકના સર્કિટ હાઉસમાં કોઈ આરોપી છુપાયો હોય એવી શંકા પણ કોઈના મનમાં જાગે નહીં. જોકે લિસ્ટ જોતાં એવું લાગતું નહોતું કે અંજલિ અહીં હોય અને એ વાત માનવા માટે સોમચંદ તૈયાર નહોતો.
અંજલિ અહીં જ છે, પણ તો તે પેપર પર કેમ...
સોમચંદની આંખો પહોળી
થઈ ગઈ અને તેના દિમાગે
ઝબકારો માર્યો.
કેશવ એટલો મૂર્ખ નથી કે પોતાના નામે તે રૂમ બુક કરાવે. નક્કી તેણે કોઈ એવી વ્યક્તિના નામે બુક કરી છે જે મહારાષ્ટ્ર સરકારમાં જ છે અને કાં તો... કાં તો... કેશવે અહીંની રૂમ પણ અનઑફિશ્યલ, એન્ટ્રી પાડ્યા વિના જ બુક કરાવી રાખી છે.
જો એવું હોય તો લિસ્ટમાં જેટલાં નામ છે એનાથી વધારે એક રૂમ ખુલ્લી છે.
સોમચંદને રાતનું કામ મળી
ગયું અને તેણે પોતાના બેડ પર લંબાવી દીધું.
વહેલી પડે રાત...
(ક્રમશઃ)