૯ મહિના, ૧પ દિવસ સત્યનો જન્મ થશે ખરો? (પ્રકરણ ૩)

18 December, 2024 01:41 PM IST  |  Mumbai | Rashmin Shah

‘મારો બર્થ થયો એ દિવસે તો મેં લંચ પણ નહોતું કર્યું...’ સંજય ઊભો થયો, ‘તારો મૂડ હોય તો જઈએ, મને વાંધો નથી.’

ઇલસ્ટ્રેશન

જેના પર અટૅક થયો છે તે ફૉર્ચ્યુનેટલી થોડો વધારે અલર્ટ હતો, જેનો અમને ફાયદો થયો

‘આજે પિક્ચરમાં જવું જરૂરી છે?’

‘જઈશું તો મજા આવશેને?’ અંજલિની આર્ગ્યુમેન્ટમાં લૉજિક પણ હતું અને ઇમોશન્સ પણ, ‘તારો બર્થ-ડે છે, કંઈક તો કરીએ... લંચ પછી આપણે બહાર પણ નથી નીકળ્યાં...’

‘મારો બર્થ થયો એ દિવસે તો મેં લંચ પણ નહોતું કર્યું...’ સંજય ઊભો થયો, ‘તારો મૂડ હોય તો જઈએ, મને વાંધો નથી.’

‘હા, મારી ઇચ્છા છે... ચાલ જઈએ.’ અંજલિએ ચોખવટ કરી લીધી, ‘કાલે સનીને પણ રજા છે એટલે લેઇટ નાઇટ શોમાં વાંધો પણ નહીં આવે.’

lll

રાતે પોણાબે વાગ્યે ફિલ્મ છૂટ્યા પછી સંજય બેઝમેન્ટમાં ગાડી લેવા ગયો અને સંજયને આવતાં વાર લાગી એટલે સની સાથે અંજલિ બેઝમેન્ટમાં ગઈ અને બેઝમેન્ટનું દૃશ્ય જોઈને તે હેબતાઈ ગઈ.

ગરદન પર હાથ રાખીને સંજય રૂમાલથી લોહી રોકવાની કોશિશ કરતો હતો.

‘આવી રીતે શું વાગ્યું?’

‘મૅડમ, કોઈ માણસે હુમલો કર્યો... સાહેબ નસીબદાર કે તરત ઝૂકી ગયા અને ઘા ગરદનની બહાર છરકો મારીને નીકળી ગયો, નહીં તો પેલો તો ગરદન ઉતારી લેવા જ આવ્યો હતો.’

અંજલિના ચહેરા પર ટેન્શન પથરાઈ ગયું, એ કંઈ બોલે એ પહેલાં તો બે સિક્યૉરિટી ગાર્ડ દોડતા આવ્યા અને સંજય પાસે ઊભેલા ગાર્ડને તેણે રિપોર્ટ આપ્યો.

‘ભાગી ગયો...’ બીજા ગાર્ડે તરત કહ્યું, ‘મેં જોયું, એ માણસ તમારી ગાડીમાં બેઠો હતો. તમે આવતા દેખાયા એટલે તે ધીમેકથી ગાડીની બહાર આવ્યો અને આવીને તમે ડોર ખોલતા હતા ત્યારે તેણે પાછળથી અટૅક કર્યો.’

‘સાહેબ, કમ્પ્લેઇન કરી દો...’ પાસે ઊભેલા ગાર્ડે કહ્યું, ‘પોલીસને અમે CCTV કૅમેરાનાં ફુટેજ આપી દઈશું...’

‘એ બધું પછી...’ અંજલિ સંજય પાસે આવી, ‘આપણે પહેલાં ડૉક્ટર પાસે જઈએ. બ્લીડિંગ હજી ચાલુ છે...’

અંજલિની વાત સાચી હતી. હવે સંજયનું ટી-શર્ટ પણ લોહીથી ખરડાવા માંડ્યું હતું.

lll

‘મિસિસ અંજલિ વૈદ્ય, તમારા હસબન્ડ પર જેણે અટૅક કર્યો હતો એ માણસની થોડી ખબર પડી છે...’ ઇન્સ્પેક્ટર પંડિતે પાણીનો ગ્લાસ હાથમાં લીધો, ‘એ માણસે એ જ રીતે, જે રીતે સંજય પર અટૅક કર્યો હતો ડિટ્ટો એ જ રીતે ગઈ કાલે ફરીથી અટૅક કર્યો. બેઝમેન્ટમાં જ અને રાતે પોણાબે વાગ્યાની આસપાસ.’

‘ઓહ...’

અંજલિએ ટ્રે ટિપાઈ પર મૂકી.

‘જેના પર અટૅક થયો છે તે ફૉર્ચ્યુનેટલી થોડો વધારે અલર્ટ હતો, જેનો અમને ફાયદો થયો. તેણે ઝપટ મારીને પેલા અટૅક કરનારનો માસ્ક ખેંચી લીધો, જેમાં થોડો ચહેરો તેને દેખાયો છે. આપણે આજે આર્ટિસ્ટને બોલાવીએ છીએ, એનો સ્કેચ તૈયાર કરાવીશું.’

‘રાઇટ... પણ અહીં મારે ત્યાં આવવાનું કોઈ રિઝન?’

‘જો તમે આવી શકો અને એ સ્કેચમાં હેલ્પ કરી શકો તો?’ ઇન્સ્પેક્ટર પંડિતે સ્પષ્ટતા કરી, ‘અમને ખબર છે કે ઘટના સમયે તમે ત્યાં નહોતાં, પણ બને કે તમારી સાથે તમારા હસબન્ડે ત્યાર પછી તેના વિશે વાત કરી હોય અને તે કેવો દેખાતો હતો એની તમને ખબર પડી હોય.’

‘ના, મારે એવી કોઈ વાત તેમની સાથે થઈ નથી...’ અંજલિએ ચોખવટ કરી, ‘એ રાત પછી અમે એ ઘટના ભૂલી ગયાં હતાં... ઍન્ડ બાય ધ વે, સંજયે તો એ કમ્પ્લેઇન પણ પાછી ખેંચી લીધી હતી.’

‘હા, પણ અમે તેમને સમજાવીને કમ્પ્લેઇન રહેવા દીધી હતી...’ ઇન્સ્પેક્ટર પંડિતે કહ્યું, ‘બને કે તમારા હસબન્ડ તમને એ કહેવાનું ભૂલી ગયા હોય.’

‘નૉટ પૉસિબલ. અમારી વચ્ચે હંમેશાં બધી વારો થતી...’

‘હમણાં જ તમે કહ્યુંને કે તમારી અને સંજય વચ્ચે એ વિશે કોઈ ચર્ચા થતી નહીં તો પૉસિબલ છે કે સંજયે આ વાત પણ તમારી સાથે ન કરી હોય...’ પંડિતના ફેસ પર સહેજ સ્માઇલ આવી ગયું, ‘ઍનીવે, એ જે માણસ હતો તેનો હુમલો કરવાનો હેતુ શું હતો એની ખબર પડે પછી જરૂર પડશે તો આપણે ફરી મળીશું...’

lll

‘મિસ્ટર શાહ, કેસને ૬ મહિના પૂરા થવા આવ્યા છે.’ કમિશનરે ડિટેક્ટિવ સોમચંદ સામે જોયું, ‘કેસમાં કંઈ છે કે પછી ફાઇલ બંધ કરી દેવાની જરૂર છે?’

‘છે સર, સંજય વૈદ્યનું મર્ડર થયું છે અને એ મર્ડર માટે લાંબા સમયથી પ્લાનિંગ ચાલતું હતું.’ સોમચંદે પોતાના ઇન્વેસ્ટિગેશનની ફાઇલ ખોલી, ‘સંજય પર અગાઉ એક વખત હુમલો થયો હતો, મર્ડરના પાંચેક મહિના પહેલાં. એ સમયે અંજલિએ તેને કમ્પ્લેઇન કરવા નહોતી દીધી. પહેલાં સંજયને ડાઉટ હતો કે અંજલિનું ક્યાંક અફેર છે, પણ હુમલો થયો અને અંજલિએ કમ્પ્લેઇન ન કરવા દીધી એ પછી તેને ખાતરી થઈ ગઈ હતી. હા, સંજયને છેલ્લી મોમેન્ટ સુધી કદાચ ખબર નહોતી પડી કે અંજલિનું અફેર કોની સાથે છે.’

‘તમારી વાતમાં તથ્ય કેટલું?’

‘પૂરેપુરું... પણ હા, એને માટે હજી થોડા પુરાવા જોઈશે, પણ અમુક પુરાવા હું તમને આપી શકું, જેના આધારે તમે મને કેસ ચાલુ રાખવાની પરમિશન આપશો.’

ડિટેક્ટિવ સોમચંદે ફાઇલમાંથી પેપર કાઢીને કમિશનર તરફ સરકાવ્યો.

‘પાંત્રીસ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ, જે સંજયના મોત પછી અંજલિ અને તેના સનના નામે ટ્રાન્સફર થઈ. આ બૅન્ક-અકાઉન્ટમાંથી સંજયનું નામ હવે હટાવી દેવામાં આવ્યું છે, પણ આ અકાઉન્ટમાં આ વીકમાં એક નવું નામ ઍડ થયું, કેશવ મહાજનનું.’

‘કેશવ મહાજન?’

પોલીસ કમિશનરના ફેસ પર પ્રશ્નાર્થ હતો.

‘હા, એ જ કેશવ મહાજન જે હોમ મિનિસ્ટ્રીમાં સેક્રેટરીના પર્સનલ અસિસ્ટન્ટ છે.’ સોમચંદે વાત આગળ વધારી, ‘કેશવ મૅરિડ છે, પણ તેના ડવૉર્સ થઈ ગયા છે. આ ડિવૉર્સ
સંજય વૈદ્યના મોતના એક અઠવાડિયા પછી થયા.’

‘આર યુ શ્યૉર?’ કમિશનર હજી પણ આઘાતમાં હતા, ‘બીજું કોઈ નથીને, એ જ નામનું કે પછી એ પ્રકારનું લાગતું હોય એવું?’

‘ના, સહેજ પણ નહીં. આપણી એક ટીમ કેશવ અને અંજલિના વિડિયો અને ફોટોગ્રાફ્સ માટે કામે લાગી ગઈ છે.’ સોમચંદે પૂછ્યું, ‘આગળની વાત કન્ટિન્યુ કરું?’

હાથના ઇશારે ‘હા’ આવી એટલે સોમચંદે વાત આગળ વધારી,

‘સંજયના પેરન્ટ્સ સાથે અંજલિ દર શનિવારે વાત કરતી, આ નિયમ હતો જે તેણે શરૂઆતના ચારેક મહિના પાળ્યો, પણ એ પછી આ નિયમ એક ઘટના પછી છૂટી ગયો.’

‘કઈ ઘટના?’

‘સંજયના પપ્પાને ખબર પડી કે ઘરમાં કોઈ બીજો પુરુષ છે અને તેની પૃચ્છા તેમણે અંજલિને કરી ત્યારથી...’ સોમચંદે ચોખવટ પણ કરી, ‘અંજલિએ કોઈ રુડ બિહેવ નથી કર્યું પણ હવે તે સનીને એટલે કે સંજયના દીકરાને ત્યારે જ વાત કરાવે છે જ્યારે એ લોકો ઘરની બહાર હોય છે, કારણ છે પેલી ઘટના...’

lll

‘મહંત, મને એક વાત જાણવી છે ભાઈ...’

સંજયના પપ્પાનો ફોનમાં અવાજ સાંભળીને સોમચંદના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. મહંત બનીને પોતે તેમને મળવા ગયા છે એ વાતથી અજાણ એવા સંજયના પપ્પાને સોમચંદ નિયમિત ફોન કરી લેતા, જેને માટે તેણે લંડનનો મોબાઇલ નંબર પણ લઈ લીધો હતો. સંજયના પપ્પા ક્યારેય તેને સામેથી ફોન ન કરતા, પણ આજે તેમણે સામેથી સોમચંદને એટલે કે મહંતને ફોન કર્યો હતો.

‘બોલોને અંકલ... શું થયું?’

‘અરે થયું કંઈ નથી, બસ, આ જરાક અંજલિના ખબર જોઈએ છે. જો તેણે સેકન્ડ મૅરેજ કરવાં હોય તો આપણે રાજી છીએ. અમે જ તેનું કન્યાદાન કરીશું એ પણ નક્કી ને દીકરીને વળાવતા હોઈશું એમ જ તેને રવાના કરીશું એ પણ ફાઇનલ...’ પપ્પાને બોલવામાં સંકોચ થતો હતો, ‘બસ, માત્ર એટલું કહેવું છે કે જે કરવું હોય એ બધું લગ્ન પછી કરે. ઘરમાં કોઈ હોય અને આપણે જોઈ ન શકીએ એવી હરકત થાય તો શું, મનમાં ભાર રહ્યા કરેને એ ભાર ક્યાંક ને ક્યાંક સંજયના આત્માને દૂભવે.’

‘તમે ટેન્શન નહીં લો અંકલ, હું મારી રીતે અંજલિ સાથે વાત
કરી લઈશ.’

lll

‘બાપ સમાન સસરા જે બોલવા માગતા હતા, કહેવા માગતા હતા એ તે કહી શકે એમ નહોતા, પણ નૅચરલી આપણે સમજી શકીએ કે તેમણે એ વિડિયો-કૉલમાં એવું કંઈક જોયું હતું કે મને ફોન કરીને આ પ્રકારે કહ્યું...’ સોમચંદે વાત આગળ વધારતાં કહ્યું, ‘સંજયના પપ્પાની વાત સાંભળી લીધા પછી પહેલું કામ કર્યું અંજલિના ઘરમાં સ્પાય કૅમેરા મૂકવાનું...’

‘એને માટે પણ તું જ ગયો?’ કમિશનરે હસતાં-હસતાં પૂછી લીધું, ‘અત્યાર સુધીમાં શું-શું બન્યો તું?’

‘સંજયનો ફ્રેન્ડ મહંત, બૅન્કર દાંડેકર, ઇન્સ્પેક્ટર પંડિત અને...’

lll

‘પરષોત્તમ પ્લમ્બર મૅડમ...’ ઘરનો દરવાજો ખૂલ્યો કે તરત પરષોત્તમે કહ્યું, ‘વો કલ સોસાયટી કે ગ્રુપ મેં મેસેજ આયા હોગા... લાઇન લીકેજ કા.’

‘આવો...’ સાઇડમાં જઈને અંજલિએ પરષોત્તમ પ્લમ્બરને અંદર આવવાની જગ્યા કરી આપી, ‘કોના ફ્લૅટમાં લાઇન લીકેજ થઈ છે?’

‘મૅડમ, કોનાં-કોનાં નામ ગણાવું... બહુ બધા લોકોના ફ્લૅટની લાઇન લીકેજ છે.’ પરષોત્તમની નજર હૉલની છત પર ફરતી હતી, ‘બન્ને બેડરૂમ ચેક કરવા પડશે મૅડમ?’

‘હા, જાઓ અંદર... અને હા...’ એક રૂમ તરફ ઇશારો કરતાં અંજલિએ કહ્યું, ‘આ રૂમમાં અવાજ ન થાય એનું ધ્યાન રાખજો, મારો સન સૂતો છે.’

‘જી મૅડમ, ફિકર નૉટ...’

પરષોત્તમ કામે લાગ્યો અને ફ્લૅટનો દરવાજો ખુલ્લો રાખીને અંજલિ પૉર્ચમાં આવી. એકલા પુરુષ સાથે ઘરમાં નહીં રહેવાની અંજલિની આ સાવચેતી પરષોત્તમને કામ લાગી હતી.

lll

‘કૅમેરાનો કોઈ મિસ-યુઝ ન થાય એનું ધ્યાન રાખજે...’ કમિશનરે ઊભા થતાં સૂચન કર્યું અને સાથોસાથ આખા કેસનું ભયસ્થાન પણ દેખાડી દીધું, ‘સોમચંદ, ધાર કે તને એ ઘરમાં કોઈ મળી પણ ગયું તો પણ અંજલિ સામે કેસ નથી બનતો.’

‘આઇ નો સર... હસબન્ડના ડેથ પછી વાઇફ કોઈની પણ સાથે હોય એ વાત સાથે ત્યાં સુધી પોલીસ કોઈ પગલાં ન લઈ શકે જ્યાં સુધી એને વાજબી કમ્પ્લેઇન નથી મળતી.’ સોમચંદે ચોખવટ પણ કરી, ‘કૅમેરા મૂકવાનું માત્ર એ કારણ નથી કે અંજલિ એનાથી આરોપી પુરવાર થાય, પણ મેઇન કારણ એ છે કે અંજલિ સાથે આ ક્રાઇમમાં કેશવ મહાજન કેટલો ઇન્વૉલ્વ છે. જો કેશવ મહાજનના પહેલાંના સંબંધોનાં પ્રૂફ અને અત્યારના સંબંધોનાં પ્રૂફ મૂકવામાં આવશે તો કેસને સપોર્ટ મળશે.’

‘હંઅઅઅ... પણ વૉટ અબાઉટ ક્રાઇમ? ક્રાઇમ કેવી રીતે થયો, અંજલિએ કે પછી એને માટે જેકોઈએ કામ કર્યું હોય તેણે સંજયનું મર્ડર કેવી રીતે કર્યું?’

‘સર, થોડા દિવસ... એ પણ પ્રૂવ થઈ જશે પણ એ પહેલાં સંજયની મેડિકલ હિસ્ટરી જાણવી જરૂરી છે અને એને માટે મારે હજી કેટલાક રોલ કરવા પડે એમ છે, પ્લીઝ...’

‘તારા રોલ કરવામાં ડિપાર્ટમેન્ટના પાવરા શૉર્ટ ન થઈ જાય એનું ધ્યાન રાખજે.’

lll

‘હાય... ડૉક્ટર સુબોધ શેટ્ટી હિયર...’

હાથ લંબાવવાને બદલે અંજલિએ શેટ્ટીને પગથી માથા સુધી ચકાસ્યો.

‘હા, બોલો...’

‘તમારા હસબન્ડની જે ટ્રીટમેન્ટ ચાલતી હતી એને માટે મારે વાત કરવી છે.’ અંજલિ ચૂપ રહી એટલે ડૉક્ટર શેટ્ટીએ વાત આગળ વધારી, ‘ડિપ્રેશન માટે તેની જે મેડિસિન ચાલતી હતી એ કંપની જાણવા માગે છે કે છેલ્લે એનો ડોઝ શું હતો?’

‘એ પ્રિસ્ક્રિપ્શનની કૉપી તમારી પાસે હશે જને મિસ્ટર શેટ્ટી?’

‘ના, અમે પેશન્ટની હિસ્ટરી ત્રણ મહિનાથી વધારે નથી રાખતા.’

‘ઓકે... નો ઇશ્યુ. તમે બેસો, હું ફાઇલ લઈ આવું.’ ઊભી થતાં અંજલિએ પૂછ્યું, ‘બાય ધ વે, તમને જૂસમાં ઑરેન્જ જૂસ ફાવશે કે વૉટરમેલન?’

‘ઑરેન્જ...’

કિચનમાં મેઇડને સૂચના આપવા ગયેલી અંજલિના ફેસ પર સ્માઇલ હતું. ડૉક્ટર શેટ્ટી બનેલા ડિટેક્ટિવ સોમચંદ એ ભૂલી ગયા હતા કે ડૉક્ટર શેટ્ટીને ઑરેન્જની ઍલર્જી હતી અને ઍલર્જીને કારણે શેટ્ટીના આખા શરીર પર ઊભાં થયેલાં લાલઘૂમ ચકામાં અને એને કારણે તેમને થયેલી હેરાનગતિની અંજલિ આઇ-વિટનેસ રહી ચૂકી છે.

(ક્રમશઃ)

columnists Rashmin Shah exclusive mumbai gujarati mid-day