17 December, 2024 03:59 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવી ગયો, રિપોર્ટમાં આવ્યું છે કે હાર્ટ-અટૅકથી અંજલિના હસબન્ડનું મોત થયું છે
‘આટલી ચીવટ રાખવાનું કારણ શું?’
ડિટેક્ટિવ સોમચંદનો સવાલ વાજબી હતો. જો કોઈ મોત માટે શંકા હોય તો એને માટે પોલીસ ઇન્ક્વાયરી કરી શકે અને એ ઇન્ક્વાયરીને કોઈ વચ્ચે રોકી પણ ન શકે. અંજલિ ફર્નાન્ડિસ પર પોલીસને શંકા છે તો એની ઇન્ક્વાયરી થવી જોઈએ, પણ એ કરવાને બદલે ખુદ મુંબઈના પોલીસ કમિશનર તેને બોલાવીને ખાનગીમાં ઇન્ક્વાયરી કરવાનું કામ પોતાને શું કામ સોંપે?
‘ફર્સ્ટ ઑફ ઑલ, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં આવ્યું છે કે હાર્ટ-અટૅકથી અંજલિના હસબન્ડનું મોત થયું છે. મીન્સ કે મેડિકલ ગ્રાઉન્ડે એ વાત સ્વીકારી લીધી છે કે આ નૅચરલ ડેથ છે, પણ અહીં એક નાનકડી ભૂલ અમારાથી થઈ છે.’ કમિશનરે પાણીનો ઘૂંટડો ગળે ઉતારી વાત આગળ વધારી, ‘પ્રૉબ્લેમ એ થયો કે ડેડ-બૉડી સોંપી દીધા પછી અને એના અંતિમ સંસ્કાર કરી લીધા પછી મેડિકલ ટીમે શંકા દર્શાવી કે હાર્ટ-અટૅકમાં મરનારના મોઢામાં ફીણ ન આવે, સંજયના મોઢામાં ફીણ આવી ગયા હતા, આવું થવાનું કારણ પૉઇઝન હોઈ શકે.’
‘વિસેરા નથી રાખી?’
‘રાખી છે પણ એમાં હજી સુધી તો કંઈ મળ્યું નથી.’
‘સિમ્પલ છે કે પૉઇઝનની અસર મરનારની શ્વાસનળી પર થઈ હોય અને એને કારણે તેના હાર્ટ પર પ્રેશર આવ્યું હોય.’
‘હા, પણ એ પુરવાર કરવા માટે અંજલિની કબૂલાત પણ જરૂરી છેને?’ કમિશનરે વાત આગળ વધારી, ‘આ કેસ માટે ઑલરેડી હોમ મિનિસ્ટ્રીના સેક્રેટરીની પણ ભલામણ આવી અને એ પછી હોમ મિનિસ્ટરે પણ ફોન કર્યો કે આ કેસમાં વધારે કોઈ ઇન્ક્વાયરી કરવાની નથી.’
‘આવી ફેવર કરવાનું કારણ... અને તમે ઇન્ક્વાયરી કરશો એવું તેમને લાગ્યું કેમ?’
‘સિમ્પલ છે, ડેથ ઘરે થયું હતું એટલે એવા કેસમાં ઇન્ક્વાયરી થવાના ચાન્સિસ વધી જાય. મરનારની ઉંમર પણ હાર્ડલી બત્રીસ-તેત્રીસ વર્ષની છે એટલે ઇન્ક્વાયરીના ચાન્સિસ વધારે બ્રાઇટ થઈ જાય. મોટી ઉંમર હોય તો અવસ્થાનો બેનિફિટ ઑફ ડાઉટ મળે પણ આ તો એવી ઉંમર પણ નથી.’
‘તમારું માનવું છે કે આ કેસમાં મર્ડરના ચાન્સિસ વધારે છે...’
‘મોસ્ટ્લી...’ કમિશનરે મોડસ ઑપરૅન્ડી પણ કહી, ‘આજકાલ યંગ એજમાં જે હાર્ટ-અટૅકનું પ્રમાણ વધ્યું છે એનો લાભ લઈને કદાચ એ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.’
‘અંજલિ પર શંકા રાખીને આગળ વધીએ.’
‘એ સિવાય તો બીજું કોઈ એ સમયે ઘરમાં હાજર પણ નહોતું.’ કમિશનરે કહ્યું, ‘એટલે પહેલો શક તો તેના પર જ છે.’
lll
‘વડીલ, આમ તો આપણે ક્યારેય મળ્યા નથી, પણ તમારી વાતો સંજય પાસેથી મેં બહુ સાંભળી છે...’ ઘરમાં દાખલ થયા પછી મહંતે પોતાની ઓળખાણ આપી, ‘મારું નામ મહંત, મહંત વ્યાસ. છેલ્લાં પાંચેક વર્ષથી હું લંડન સેટલ છું, પણ સંજયના નિયમિત કૉન્ટૅક્ટમાં હતો. અમે બન્ને સાથે ભણતા.’
‘ઓહ, એમ છે...’ પપ્પાએ થોડું દિમાગ લડાવ્યું, ‘આમ તો સંજયના મોટા ભાગના ભાઈબંધને અમે મળ્યા છીએ, ખબર નહીં કેમ, પણ તમને મળવાનું કદાચ નથી થયું.’
‘રાઇટ... પણ મેં આન્ટીના હાથનો મોહનથાળ બહુ ખાધો છે.’ મહંતે મમ્મી સામે જોયું, ‘આન્ટીએ મોકલેલો અડધો મોહનથાળ તો હું જ ખાઈ જતો અને તમે માનશો નહીં...’
મહંતની આંખો સહેજ ભીની થઈ.
‘સંજય ક્યારેય મને રોકે કે ટોકે નહીં. ક્યારેય તેના મોઢે ના ન આવે.’
‘હાસ્તો, જુઓને ભાઈ, અત્યારે પણ ભગવાન લેવા આવ્યા ત્યારે ક્યાં તેણે ના પાડી! રવાના થઈ ગયોને ભગવાનના ઘરે...’
વાતાવરણ ભારે થયું અને એ પછી કોઈની પણ વાત કરવાની ક્ષમતા રહી નહીં.
એ રાતે મહંત ત્યાં જ ઘરે રોકાયો અને બીજા દિવસે સાંજે તેણે પાછા જવાની તૈયારી કરી.
‘મારે રિટર્ન થવાનું છે એટલે નીકળવું પડશે... પણ અંકલ, એક વાત યાદ રાખજો કે સંજય ગયો છે. સંજયનો આ ભાઈબંધ અહીં જ છે. આપણે વાતો કરતા રહીશું.’
‘હા પાક્કું... મારા કરતાં તેની મમ્મીને વધારે સારું લાગશે.’ પપ્પાએ રસોડા તરફ નજર કરી, ‘શનિવારની રાહ તો તે રવિવાર સવારથી જોતી હોય. તુંયે એક દિવસ નક્કી કરી નાખજે, એટલે અમે તારા દિવસની પણ રાહ જોઈશું.’
‘શનિવારની રાહ... એ શાને માટે?’
‘અરે હું કહેતાં ભૂલી ગયો...’ પપ્પાના ચહેરા પર ચમક આવી ગઈ, ‘શનિવારે અમારી અંજલિ અમને સની સાથે વાત કરાવે. એયને અમે ત્રણેય વિડિયો-કૉલ પર લાંબી-લાંબી વાતો કરીએ.’
‘શનિવારે જ? એવું કેમ?’
‘એમાં એવું કાંઈ નથી. વચ્ચે પણ વાત કરવાની છૂટ પણ મહંત, પછી બને એવું કે નાનું છોકરું અમારામાં પોરવાઈ જાય તો અમારી ગેરહાજરીમાં તે હિજરાય ને તેની ગેરહાજરીમાં અમેય સોસવાયા કરીએ. એના કરતાં આ બધું પોલીસ ને લશ્કર જેવું સારું. ફિક્સ દિવસ, તમારે એ દિવસે વાત કરી લેવાની.’
વાતમાં ટાપસી પુરાવતાં મમ્મી રસોડામાંથી બહાર આવ્યાં.
‘શનિવારે અંજલિ ને સની પણ કોઈ પ્રોગ્રામ ન બનાવે અને અમારે પણ ઘરે રહેવાનું...’ મમ્મીના ચહેરા પર પહેલી વાર સ્માઇલ આવ્યું, ‘ગયા શનિવારે તો અમારી ગલીમાં એક ભાઈ ગુજરી ગ્યા’તા. સાંજે સ્મશાને જવાનું હતું તો તારા અંકલ કહે કે હું કાંઈ અંતિમયાત્રામાં નથી જાવાનો... હું જઈશ તો બેચાર કલાક નીકળી જાશે ને મને સની સાથે વાત કરવા નહીં મળે.’
મંહતના ચહેરા પર પણ સ્માઇલ આવી ગયું.
‘મેં તારા અંકલને કીધું કે તમને ઘરે કોઈ જોઈ જાય ને તમે સ્મશાને ન ગયા હો તો બહુ ખરાબ લાગે, તો તારા અંકલ અંદર રૂમમાં જતા રહ્યા. મને કહે કે હવે બહાર જ નહીં નીકળું, કોઈ તને પૂછે તો કહેજે કે હું બહાર ગયો છું. આવું કરાય?’
આન્ટીના સવાલનો જવાબ અંકલે આપ્યો.
‘હાસ્તો કરવું જ પડેને! મારા જવાથી જો તેની ચિતામાં બે લાકડાં ઓછાં નાખવાનાં હોત તો સમજાય... એવું તો થવાનું નથી તો પછી હું શું કામ મારી મૂડીના વ્યાજને ભૂલું?’
‘અંકલ, તમે લોકો તેને શું કામ અહીં બોલાવી નથી લેતાં?’
‘બેટા, આ ગામમાં ક્યાં સની ભણવાનો?!’ પપ્પાની વાતમાં લૉજિક હતું, ‘અમારે મુંબઈ રહેવું પડે તો હવે વાંધો નથી, પણ સામે ચડીને તો એવો આગ્રહ નથી કરતાને. એ તો માથે પડ્યા હોય એવું લાગે...’
મમ્મીએ સહજ રીતે પપ્પાની વાતમાં સાથ પુરાવ્યો.
‘બધા ખુશ રહે એનાથી ઉત્તમ બીજું શું. હવે કોઈને કંઈ થાય નહીં અને હસતા મોઢે દિવસો પસાર થાય એટલે ગંગા નાહ્યા...’
ગામ છોડતી વખતે મહંતના મનમાં બે વાત ઘર કરી ગઈ હતી.
પહેલી, સામે ચડીને તો સાથે રહેવાનું કહેવાતું નથી એ અને બીજી, શનિવારે સની સાથે ફોન પર વાત કરવાની.
નેક ઇરાદાની પાછળ ક્યાંક બીજું તો કોઈ ગણિત નહીં હોયને!
lll
‘આઇ ઍમ રિયલી સૉરી, પણ મારે અત્યારે જ આવવું જરૂરી હતું...’ મનોજ દાંડેકરે નમ્રતા સાથે અંજલિ સામે હાથ જોડ્યા, ‘ઇન્શ્યૉરન્સ ડિપાર્ટમેન્ટમાંથી મને ખબર પડી એટલે હું આવ્યો. મિસ્ટર સંજય વૈદ્યએ જે ફિક્સ્ડ ડિપોઝિટ બૅન્કમાં મૂકી છે એનું નૉમિનેશન ફૉર્મ ભરવું પડશે. મારે એ આજે ને આજે જ જમા કરાવવું પડશે.’
‘નો ઇશ્યુ, પણ મિસ્ટર...’
‘દાંડેકર... મનોજ દાંડેકર.’ મનોજે પોતાની ફરી ઓળખાણ આપી, ‘કોટક બૅન્કમાંથી... આ જુઓ...’
દાંડેકરે અંજલિના હાથમાં પેપર્સ મૂક્યાં.
‘બત્રીસ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ છે. એના નૉમિનેશનમાં સની વૈદ્યનું નામ છે. સૉરી મૅડમ, પણ અમારી પ્રોસીજર હોય છે એટલે મેં થોડી તપાસ કરી લીધી. તમને જાણ કર્યા વિના બટ યુ નો, અમારી પ્રોસીજર...’ મનોજના સ્વરમાં ભારોભાર નમ્રતા હતી, ‘સની હજી નાનો છે એટલે અમારે આ ફિક્સ્ડ ડિપોઝિટ તમારા અકાઉન્ટમાં જમા કરવી પડશે, નૉમિની તરીકે. આ ફન્ડ તમને હમણાં મળશે નહીં, સની અઢાર વર્ષનો થશે પછી મળશે, પણ હા, ત્યાં સુધી એ અકાઉન્ટમાં વ્યાજ જમા થતું રહેશે. આ પ્રકારના કેસમાં નૉર્મલ ઇન્ટરેસ્ટ કરતાં એક પર્સન્ટ વધારે ઇન્ટરેસ્ટ મળતું હોય છે. તમે ઇન્ટરેસ્ટ વિધડ્રૉઅલ લઈ શકશો, પણ વૅલિડ રિઝન સાથે, જેને માટે તમારે અમારી બ્રાન્ચના મૅનેજરને રૂબરૂ મળવું પડશે. એ તમને સપોર્ટ ન કરે તો તમારે બૅન્કમાં જે ગાર્ડિયન ટીમ હોય એને મળવાનું રહે અને જો એવું લાગે કે એ પણ સપોર્ટ નથી કરતી તો...’
‘જસ્ટ અ મિનિટ...’ અંજલિનો અવાજ સહેજ મોટો થયો, ‘તમારી વાત મેં સાંભળી લીધી અને હું સમજી પણ ગઈ... હવે મારી વાત સાંભળશો?’
‘ઓહ, હા... સૉરી મૅડમ...’ દાંડેકરના ચહેરા પર શરમ પ્રસરી ગઈ, ‘હું જરાક વધારે હાઇપર થઈ ગયો ઍન્ડ યુ સી હું હાઇપર થાઉં ત્યારે મને કંઈ સૂઝતું નથી. હું બસ, બોલ્યા જ કરું છું. સામેવાળો સાંભળે કે નહીં, પણ મારું બોલવાનું ચાલુ રહે. આ મારામાં ટેક્નિકલ ફૉલ્ટ છે. બધામાં કંઈક ને કંઈક ફૉલ્ટ હોયને એવો. હું ટ્રાય બહુ કરું કે સુધારો કરું પણ ખબર નહીં કેમ, મારાથી સુધારો થતો જ નથી. બસ, હું એમ જ બોલ્યા કરું. કારણ વિના... મારું બોલવાનું ચાલુ જ રહે.’
બોલતાં-બોલતાં અચાનક જ દાંડેકરે પોતાના મોઢા પર બન્ને હાથ મૂકી દીધા અને મૂંગા કરાયેલા હોઠ વચ્ચેથી તેના શબ્દો બહાર આવ્યા.
‘જુઓ, ફરી હું ચાલુ થઈ ગયો.’
દાંડેકરની નિર્દોષતા પર અંજલિ હસી પડી.
‘નો વરીઝ...’ અંજલિએ પેપર દેખાડતાં પૂછ્યું, ‘મારે સાઇન ક્યાં કરવાની છે?’
‘એક તો અહીં ને એક અહીં...’
દાંડેકરે એક હાથ હજી પણ મોઢા પર રાખ્યો હતો, જે અંજલિના ધ્યાનમાં હતું. અંજલિએ સહજ રીતે જ કહી દીધું,
‘તમે હાથ હટાવી લો, મને ખરાબ નહીં લાગે.’
‘થૅન્ક યુ મૅડમ, આમ પણ મારે હાથ હટાવવો પડ્યો હોત. મારે તમને કેટલીક વાત કરવાની બાકી છે.’ દાંડેકરે કહ્યું, ‘આ જે પેમેન્ટ છે એ જમા થયા પછી મારે ફરી એક વાર તમારી પાસે આવવું પડશે અને કન્ફર્મેશન લેટર પર સાઇન લેવી પડશે.’
‘ઇટ્સ ઓકે...’ અંજલિએ કહ્યું, ‘સંજયનાં બધાં અકાઉન્ટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સ હું જ હૅન્ડલ કરતી એટલે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી તેણે આવી કોઈ ફિક્સ્ડ ડિપોઝિટ નહોતી મૂકી. તમે એક વાર ક્રૉસ ચેક કરી લેશો તો મને ગમશે.’
‘તમારી ઑનેસ્ટી માટે થૅન્ક્સ મૅડમ, પણ એક વાત કહું...’ દાંડેકરના ચહેરા પર પહેલી વાર હળવાશ જોવા મળી હતી, ‘મારી વાઇફ જ મારું બધું બૅન્કિંગ જુએ છે અને એ પછી પણ મેં મારી ડૉટર માટે ૧૦ લાખ રૂપિયાના સ્ટૉક્સ ખરીદી લીધા છે.’
‘ઓહ ધૅટ્સ નાઇસ...’
‘બસ, આવું જ નાઇસ કામ તમારા હસબન્ડે કર્યું હતું. જુઓ, આજે એ ઇન્વેસ્ટમેન્ટ તમને કેટલું કામ લાગશે.’ દાંડેકરે પેપર્સ બૅગમાં મૂક્યાં, ‘તમને એક્ઝૅક્ટ ડેટ કહું, તમારા હસબન્ડે ક્યારે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું?’
અંજલિના જવાબની રાહ જોયા વિના જ દાંડેકરે પોતાની ડાયરી ખોલી એમાં નજર કરતાં એક પેજ પર જઈને અટક્યો.
‘૨૪મી મેએ...’ દાંડેકરે અંજલિ સામે જોયું, ‘તેમના પર બાવીસમી એપ્રિલે અટૅક થયો અને એ પછી એક મહિનો અને બે દિવસ પછી...’
અંજલિના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ હતી. જોકે દાંડેકરનું બકબક ફરી શરૂ થઈ ગયું હતું.
‘સંજયસરને મનમાં થતું હતું કે એ રાતે જો તેને ચાકુ વાગી ગયું હોત તો તમે ને તમારો સન હેરાન થઈ ગયાં હોત એટલે તેણે નક્કી કર્યું કે એક મોટું ફન્ડ એ ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખશે અને એ પછી તેમણે મારી પાસે આ ડિપોઝિટ કરાવી. આ ડિપોઝિટની ખાસિયત એ છે કે અચાનક જો ડેથ થઈ જાય તો એમાં રાખેલું ફન્ડ ડબલ થઈ જાય. તમને એનો લાભ થઈ ગયો...’
અંજલિના ચહેરા પર કોઈ ભાવ નહોતા. તેની આંખો સામે બાવીસમી એપ્રિલની એ રાત આવી ગઈ હતી.
(ક્રમશ:)