૯ મહિના, ૧પ દિવસ સત્યનો જન્મ થશે ખરો? (પ્રકરણ ૧)

16 December, 2024 04:53 PM IST  |  Mumbai | Rashmin Shah

આપણે ત્યાં તો ચાલુ થઈ ગ્યા રોટલો ને ઓળો બનવાના.’ પપ્પાનો રાજીપો શબ્દોમાં સાંભળીને સંજયના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘અડદિયા પણ કાલે બનાવવાનો પ્રોગ્રામ છે.`

ઇલસ્ટ્રેશન

પપ્પાની પીઠ પાછળથી આવેલા અંજલિના અવાજે સૌકોઈની આંખો ભીની કરવાનું  કામ કર્યું

‘પપ્પા... તમને તો ખબર છે કે અહીં મુંબઈમાં ઠંડી જેવું કંઈ હોતું જ નથી.’

‘હા, પણ તારો શરદીનો કોઠો છેને?!’ સ્પીકર-ફોનમાંથી પપ્પાને બદલે જવાબ મમ્મીનો આવ્યો અને સંજય વૈદ્યના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘આપણે ગરમ કપડાં પહેરી લઈએ તો શું ફરક પડવાનો...’

‘ત્યાં કેવી ઠંડી છે?’

‘અરે કડકડતી... આપણે ત્યાં તો ચાલુ થઈ ગ્યા રોટલો ને ઓળો બનવાના.’ પપ્પાનો રાજીપો શબ્દોમાં સાંભળીને સંજયના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘અડદિયા પણ કાલે બનાવવાનો પ્રોગ્રામ છે.’

‘આવી જા આવવું હોય તો. ગરમાગરમ અડદિયા આમેય તને બહુ ભાવે છેને?’

‘હા... પણ અડદિયા ખાવા માટે થોડું અત્યારે ત્યાં આવવાનું હોય?’ સંજયે મજબૂત બચાવ પણ આપી દીધો, ‘આમ પણ સની હવે પ્લેહાઉસમાં જાય છે એટલે તેને પણ રજા નહીં મળે...’

‘તમે લોકો પણ હદ કરો છો. ત્રણ મહિનાના છોકરાને શું સ્કૂલ...’ મમ્મીએ ફોન હાથમાં લીધો હોય એવું તેના અવાજ પરથી લાગ્યું, ‘તું પાંચ વર્ષ સુધી સ્કૂલમાં નહોતો ગયો તોય બની ગ્યોને એન્જિન્યર... થઈ ગ્યોને સેટ?’

‘હા, પણ મમ્મી, હવે સમય મુજબ ચાલવું પડે. મારી વખતે પપ્પાનું સ્કૂલમાં ચાલતું, મારું અહીં સ્કૂલમાં નથી ચાલતું...’ સંજયે ફોન પૂરો કરવાના હેતુથી કહ્યું, ‘એવું હશે તો ક્રિસમસ વેકેશનમાં આવીશું.’

‘ન અવાય તો ચિંતા નહીં કરતો...’ પપ્પાએ પ્રૅક્ટિકલિટી સાથે કહ્યું, ‘અડદિયા અહીંથી બસમાં મોકલાવી દઈશ. બસવાળા બધા જાણીતા જ છે.’

‘પાક્કું, એવું હોય તો કહીશ...’

સંજય હજી તો પોતાની વાત પૂરી કરે એ પહેલાં અંજલિનો અવાજ મમ્મીને સંભળાયો અને અંજલિએ કહ્યું...

‘કહીશ નહીં મમ્મી, કહી દીધું... મોકલજો અડદિયા, મારે ખાવા છે.’

મમ્મીના ચહેરા પર સ્માઇલ આવી ગયું અને એ સ્માઇલમાં સંજયના શબ્દોએ વધારો કર્યો.

‘રહેવા દેને, મમ્મીને ક્યાં હેરાન કરવાનાં?!’ સંજય અંજલિ સાથે વાત કરતો હતો, ‘હું અહીંથી લઈ આવીશ...’

‘ના, મને મમ્મીના હાથના જ ભાવે છે...’ અંજલિએ મોબાઇલના સ્પીકર પાસે આવીને કહ્યું, ‘મમ્મી, એવું હોય તો મારા માટે જ મોકલજો.’

‘એય શું કામ?’ સંજયે ફોન ખેંચી લીધો, ‘મોકલતી હોય તો મમ્મી વધારે મોકલજે, મારે પણ ખાવા છે.’

‘તો હું મગાવું છું એમાં શું કામ ના પાડે છે?!’

હસબન્ડ-વાઇફ વચ્ચે શરૂ થયેલી આ ચણભણ ગામમાં બેઠેલાં પપ્પા-મમ્મીના ચહેરા પર સ્માઇલ લાવવાનું કામ કરી ગઈ. સરકારી સ્કૂલના નિવૃત્ત શિક્ષક એવા જસવંતરાય વૈદ્ય અને જ્યોત્સ્નાબહેનને ક્યાં ખબર હતી કે તેમના ચહેરા પર આવેલું આ સ્માઇલ જીવનનું અંતિમ સ્માઇલ બની રહેવાનું છે!

lll

સંજય અને અંજલિનાં મૅરેજને પાંચ વર્ષ થયાં હતાં. બન્નેનાં લવમૅરેજ હતાં. મૅરેજના દોઢ જ વર્ષમાં તેમને ત્યાં સની આવ્યો. મૅરેજની વાત મૂકતી વખતે સંજયને ડર હતો કે કદાચ પપ્પા ક્રિશ્ચિયન છોકરી સાથે મૅરેજ માટે નહીં માને, પણ ઊલટું બન્યું હતું. મમ્મીએ નારાજગી દર્શાવી અને તેમને મનાવવાનું કામ પપ્પાએ કર્યું હતું અને એ પણ બધાની હાજરીમાં જ.

lll

‘તું શું ગાંડાં કાઢશ?!’ સંજય, અંજલિ અને અંજલિનાં મમ્મીની હાજરીમાં જ પપ્પાએ મમ્મીનો ઊધડો લઈ લીધો, ‘બેય વચ્ચે ભાઈબંધી કે બહેનપણાં હોય તો તને વાંધો નથી ને હવે બેય જણ લગનનું પૂછે છે તો તારું મોઢું ચડે છે? જરાક તો બુદ્ધિ વાપર કે છોકરો મુંબઈમાં રહેવા માંડ્યો ને તોય હજી આપણી રજા માગે છે. હમણાં પરણી ગ્યો હોત ને પછી સીધો પગે લાગવા આવ્યો હોત તો?’

‘તો મેં આશીર્વાદ ન દીધા હોત?’

‘તો?’ પપ્પાએ મમ્મી સામે જોયું, ‘તારા આશીર્વાદ વિના તારા દીકરાને ઍસિડિટી થઈ જાત, એમ?’

પપ્પા સંજય અને અંજલિ તરફ ફર્યા.

‘જુઓ, મારી વાત ક્લિયર છે. હું તમારી સાથે છું. બીજા કોઈ આવે કે નહીં, હું તમારાં લગ્નમાં સૌથી આગળ હોઈશ અને સૌથી વધારે એ દિવસે હું બાસુંદી પીશ.’

‘જમણવારમાં શું રાખવું એય જો તમે જ નક્કી કરી લેવાના હો તો મારી જરૂર જ શું છે. હું સવારના ભાડલા પાછી જાઈશ...’

‘સવારે કેમ? મુરત અત્યારે સારું જ છેને...’ પપ્પાએ ઘડિયાળમાં જોયું, ‘અગિયાર વાગ્યાવાળી ટ્રેનને હજી ત્રણ કલાકની વાર છે.’

‘તમે મારી સાથે વાત જ નહીં કરતા...’

મમ્મીએ કરેલા છણકાથી પપ્પા સહિત બધા હસી પડ્યા અને પછી પપ્પા મમ્મી પાસે ગયા અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો...

‘તારે અહીં રહેવું નથી ને આ લોકો તારે ત્યાં ક્યારેય રહેવા આવવાનાં નથી તો પછી તે બેઉને સાથે રહેવામાં આનંદ આવતો હોય તો શું કામ હવનમાં હાડકાં નાખવાં?’ પપ્પાએ મમ્મીનો ચહેરો સંજય-અંજલિ તરફ ફેરવ્યો, ‘જો તું બેયને, કેવાં ખુશ છે!’

lll

સંજય અને અંજલિનાં મૅરેજ હિન્દુ અને ક્રિશ્ચિયન એમ બન્ને વિધિથી કરવામાં આવ્યાં. મૅરેજના બીજા દિવસે પપ્પા-મમ્મીએ સંજય અને અંજલિને હનીમૂન પર મોકલ્યાં અને પોતે દેશ આવવા માટે એ જ સાંજે ટ્રેનમાં બેસી ગયાં.

lll

‘બેટા, હવે તારી ઇન્કમ છે ને એ પૈસાની અમને તો જરૂર નથી તો પછી શું કામ અંજલિએ જૉબ કરવી છે?’

પ્રેગ્નન્સીના સમાચાર મળ્યા પછી રૂબરૂ આવી ગયેલાં મમ્મી-પપ્પાએ એ જ રાતે સંજય અને અંજલિને બેસાડીને વાત ઉખાડી હતી. પપ્પા આ બાબતમાં મમ્મીની સાથે હતા.

‘મમ્મીની વાત ખોટી નથી અંજલિ ...’ પપ્પાએ મર્યાદા સાથે ઇન્વૉલ્વમેન્ટ લીધું હતું, ‘અત્યારના સમયે તમે ઘરે રહો તો શું અમને લોકોને ત્યાં ચિંતા નહીં.’

‘ત્યાં એટલે ક્યાં?!’ મમ્મીએ તરત કહી દીધું, ‘હું હવે છોકરું છ મહિનાનું થાય નહીં ત્યાં સુધી અહીંથી આવવાની નથી.’

‘આવ્યો’તો કૉન્ગ્રેચ્યુલેશન કહેવા...’ પપ્પાએ ઊભા થઈને સંજયની સામે હાથ લંબાવ્યો, ‘અને આ થૅન્ક યુ કહેવાનો ટાઇમ આવી ગયો.’

lll

‘એક વાત કહું...’

‘ના પાડીશ તો ચૂપ રહેવાની છે?’

‘શું તમેય...’ ઇરિટેટ થઈને મમ્મીએ પપ્પાને મનની વાત કરી દીધી, ‘આ અંજલિ આખો દિવસ મોબાઇલમાં બહુ ખૂંપેલી રહે છે... મને નથી ગમતું.’

‘કહી શકાય નહીં ત્યારે ન ગમતી વાત તરફ આંખ આડા કાન કરવા...’

પપ્પાની ફિલોસૉફી સાંભળીને મમ્મી ચૂપ તો થઈ ગઈ, પણ તેના મનમાંથી બહાર નહીં આવેલી શંકાની અસર છેક પાંચ વર્ષે આડઅસર બનીને બહાર આવી અને ત્યાં સુધીમાં ખાસ્સું મોડું પણ થઈ ગયું હતું.

lll

‘હેલો... પપ્પા...’

સવારના સાત વાગ્યામાં અંજલિનો ફોન આવવો એ પણ પપ્પા માટે નવી વાત હતી તો અવાજમાં રહેલો ગભરાટ પણ સ્વાભાવિક રીતે ઉચાટ આપવાનું કામ કરતો હતો.

‘હા બેટા...’ ઇરાદાપૂર્વક જ પપ્પાએ અવાજ દબાયેલો રાખ્યો હતો, ‘બધું બરાબર છેને, સનીની તબિયત...’

‘પપ્પા, સંજય...’

‘શું થયું સંજયને?’ પ્રયાસ હજી પણ અવાજ દબાયેલો રહે એવો જ થયો હતો, ‘તબિયત તો બરાબર છેને?’

‘હા પપ્પા... આ તો જરા તેને ચેસ્ટ પેઇન હતું એટલે હૉસ્પિટલે આવ્યાં છીએ.’

‘શું કહે છે ડૉક્ટર...’ મનના વિચારોએ પપ્પા પર કાબૂ મૂકી દીધો હતો, ‘અમે, અમે આવી જઈએ અત્યારે... રાજકોટથી પ્લેન મળી જાશે.

ક્યે છે કે હવે તો રાજકોટ-મુંબઈ ચાર-પાંચ ફ્લાઇટ થઈ ગઈ છે.’

‘એવું જ કરોને...’ અંજલિએ સંકોચ રાખ્યા વિના કહી દીધું, ‘તમે આવી જાવ અને મમ્મીને પણ સાથે લેતા આવજો.’

‘હા બેટા... બધી વ્યવસ્થા કરીને તરત તને ફોન કરીએ છીએ.’

નાકમાં આવી ગયેલું પાણી ઉપર ચડાવવાની કોશિશ અંજલિએ કરી, જેનો પપ્પાએ અર્થ કાઢી લીધો હતો. અંજલિ બહુ રડી હતી અને તેમણે કાઢેલો એ અંદેશો સાચો હતો. અંજલિએ એકલા-એકલા પુષ્કળ રડી લીધું હતું, હવે બધાએ સાથે બેસીને રડવાનું હતું.

lll

બાર કલાક અને કદાચ બાર કલાક પણ નહીં, એનાથી પણ ઓછા સમય પહેલાં સંજય સાથે મમ્મી-પપ્પાએ વાત કરી હતી અને વહેલી સવારે તેમને ખબર પડી કે સંજયને હાર્ટ-અટૅક આવ્યો છે. અંજલિએ તરત ઍમ્બ્યુલન્સ બોલાવીને સંજયને હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પણ ઍમ્બ્યુલન્સમાં જ મેડિકલ સ્ટાફને અણસાર આવી ગયો હતો કે સંજય હવે રહ્યો નથી. અંજલિને સત્ય જણાવી દેવાની હિંમત તો મેડિકલ સ્ટાફમાં હતી, તેમનું આ રોજનું કામ હતું; પણ મર્યાદા અને સમયસૂચકતા વાપરીને તેમણે અંજલિને કહેવાને બદલે પાડોશીને કહ્યું હતું કે રિલેટિવ્સને જાણ કરી દેવાનો સમય આવી ગયો છે.

બપોરે બાર વાગ્યે મમ્મી-પપ્પા મુંબઈ તો પહોંચી ગયાં, પણ ઘરે પહોંચવામાં તેમને બીજા બે કલાક નીકળી ગયા. જો નિયમિત રીતે જ તેઓ મુંબઈ આવ્યાં હોત તો સંજય કે અંજલિ બેમાંથી કોઈ તો તેમને લેવા આવી ગયું હોત, પણ આજે એવું નહોતું બન્યું. સંજય આવી શકે એમ નહોતો અને અંજલિ તેને છોડીને નીકળી શકે એમ નહોતી.

પપ્પાને તો અણસાર આવી ગયો હતો. ઍરપોર્ટ પરથી તેમણે અંજલિ સાથે વાત કરી ત્યારે પણ પાડોશીએ ફોનમાં વાત કરી, જે અંદેશાની ચરમસીમા હતી. મુદ્દો હવે એ હતો કે મમ્મીને જાણ કેમ કરવી અને મમ્મી, મમ્મી પણ જાણે કે કાળવાણી પારખી ગઈ હોય એમ આખા રસ્તે તે ચૂપ રહી. જોકે તેના મનમાં અચાનક જ મહામૃત્યુંજયના જાપ શરૂ થઈ ગયા હતા જે છેક ઘરના દરવાજા સુધી મનમાં ચાલુ રહ્યા અને ઘરમાં પગ મૂકતાંની સાથે જ...

lll

‘સંજયની ઇચ્છા હતી કે તેની લાસ્ટ રિચ્યુઅલ્સ...’ અંજલિની મમ્મીએ ગુજરાતીનો આશરો લીધો, ‘એટલે પેલી બધી વિધિ હોયને એ તમારે ત્યાં થાય.’

‘અમે પણ એ જ ઇચ્છીએ છીએ કે જો અહીં બધું ન કરવાનું હોય ને અંજલિની હા હોય તો આપણે ગામ જ જઈએ અને ત્યાં જ બધી વિધિ...’

‘જી... આઇ ટોટલી ઍગ્રી અને આઇ થિન્ક, અંજલિની હા જ હોય.’

‘હા જ છે...’

પપ્પાની પીઠ પાછળથી આવેલા અંજલિના અવાજે ત્યાં હાજર રહેલા સૌકોઈની આંખો ભીની કરવાનું કામ કર્યું.

lll

‘પપ્પા, ૧૪ દિવસ થઈ ગયા... હવે અમારે જવું જોઈએ.’ અંજલિએ સનીના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘સનીએ પણ તેની સ્કૂલમાં જવાનું છે ને મારે પણ હવે જૉબ પર જવું પડશે. યુ બેટર નો, સિમ્પથી બધાની હોય; પણ કામની વાત આવે ત્યારે કૉર્પોરેટ્સમાં રિલેશન અને ઇમોશન જોવામાં આવતાં નથી.’

મસ્તકને હકારમાં નમાવ્યા પછી પપ્પાએ ફૉર્માલિટી પણ કરી લીધી...

‘તમે કહેતા હો તો અમે સાથે આવીએ... આમ પણ અમે હુતો-હુતી અહીં વાતો કરીને ટાઇમ જ પાસ કરતાં હોઈએ છીએ. ત્યાં હોઈશું તો તમને સધિયારો રહેશે ને અમારો પણ જીવ છોકરામાં લાગેલો રહેશે...’

‘આવો તો મોસ્ટ વેલકમ, બાકી તમારે ટેન્શન કરવાની જરૂર નથી.’ અંજલિની આંખો ભીની હતી, ‘બધાએ પોતપોતાની રીતે મૅનેજ કરવું જ પડે છે. જુઓને, સંજયે પણ બધું જાતે જ મૅનેજ કરી લીધુંને...’

lll

‘સોમચંદ, આખો કેસ બહુ ટૅક્ટફુલી મૅનેજ કરવો પડશે...’ પોલીસ-કમિશનર શિર્કેએ ફાઇલ આપતાં ડિટેક્ટિવ સોમચંદને કહ્યું, ‘સહેજ ગફલત થઈ તો પોલીસની બદનામી નક્કી અને જો કોઈ આરોપી હશે તો તે પણ છટકી જશે...’

‘ડોન્ટ વરી, સમય આપશો તો બધું મૅનેજ થઈ જશે.’

‘કેટલો સમય જોઈએ?’ શિર્કેએ સવાલ કર્યો, ‘ત્રણ મહિના, છ મહિના, નવ મહિના... કેટલો સમય?’

‘નવ મહિના...’

(ક્રમશ:)

columnists Rashmin Shah mumbai exclusive gujarati mid-day