ચંદ્રાયન (પ્રકરણ - ૩)

13 September, 2023 07:50 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘ઠીક છે મા. મારે અહીં રહેવું જ નથી. રોજ એની એ જ વાતો. તને મેં જીવન છોડ્યાનો વાંધો છેને, તો લે આજે મેં સાથે મારું સપનું પણ મૂક્યું. હવે અવકાશ તરફ જુએ એ બીજો!’

ઇલસ્ટ્રેશન

રાતે કૉટેજની બાલ્કનીમાંથી આભનો ચાંદ નિહાળતા અમાત્યને એમાં કજરીની સૂરત ઊપસતી દેખાઈ ને ગતખંડની કડી સંધાઈ ગઈ : ‘બૅન્ગલોર માટે નીકળવાના ટાંણે કજરીને અકસ્માતના ખબર આવતાં પોતે ખેતરે ભાગ્યો. મને જોતાં જ કજરીએ હોશ ગુમાવ્યા... તેને હાથમાં ઊંચકી દવાખાને દોડ્યો તો ત્યાંથી સુરત લઈ જવાની ભલામણ થઈ : ‘અણીદાર પથ્થરે તેનું માથું ફાડી નાખ્યું છે, સમયસર સારવાર ન મળી તો...’

‘નહીં! મારી કજરીને હું કાંઈ નહીં થવા દઉં!’

આ એક જ ધૂન હૈયે હતી. આ બધામાં ‘ઇસરો’નો ઇન્ટરવ્યુ તો ભુલાઈ જ ગયો. મહિનોમાસ સુરતની હૉસ્પિટલમાં રહેવું પડ્યું. અમાત્ય તેની સાથે ને સાથે.

કજરી વસવસો દાખવતી : ‘મારા કારણે તમે ઇન્ટરવ્યુ ન આપી શક્યા... અરેરે... ચાંદ પર જવાના તમારા સમણામાં હું આડી ઊતરી!’

‘ચાંદને તો હું મારો કરીને રહેવાનો...’ અમાત્ય તેની  ચીબુકે આંગળી મૂકતો, ‘આ એક ચાંદ મારો થયો એટલે આખું બ્રહ્માંડ મને મળી ગયું!’

કજરી તેને વળગી પડતી : ‘તમે આવા જ રહેજો અમાત્ય!’

અને હૉસ્પિટલમાંથી ઘરે જવાના દિવસે...

‘હવે થોડી ઠરેલ બન... શી જરૂર હતી આંબે ચડવાની? કેરી પાડવાની ઉતાવળમાં બૅલૅન્સ ન રહ્યું એમાં ઊંધા માથે પડી ને ચીંધરા પથ્થરે માથું ભાંગ્યું!’

ડિસ્ચાર્જ-પેપર્સ લઈ રૂમ પર આવતો અમાત્ય કજરીની સ્વાતિમાના વાક્યે દરવાજે અટકી ગયો. કજરીના બેહોશ થયાથી આજે ડિસ્ચાર્જ મળવા સુધીના સમયગાળામાં પોતે કેવળ તેના સાજા થવા પર જ ફોકસ કર્યું, તેને વાગ્યું કેમ કરતાં એ દિશામાં તો વિચાર્યું સુધ્ધાં નહોતું! અને હવે જાણ થાય છે કે એ આંબા પરથી કેરી તોડતાં પડી! આઇ મીન, રિયલી?

અમાત્યનું દિમાગ ધમધમ થવા લાગ્યું.

‘હવેથી આવાં તોફાન બંધ.’

‘ના હં, હું તો આજેય કેરી તોડવા જઈશ, જો.’

કજરી આટલું બોલે છે કે ધડામ સાથે દરવાજો હડસેલી અમાત્ય ભીતર દાખલ થયો : ‘આ જડભરત નહીં સુધરે માસી, તેને કહેવાનું રહેવા દો.’

‘હેં...!’ સ્વાતિમા ડઘાયાં. કજરી પૂતળા જેવી થઈ.

‘તું નાની કીકલી છે કે આંબે ચડી કેરી તોડવા ગઈ?’ અમાત્યએ કપાળે આંગળી ઠોકી : અહીં દિમાગ જેવું કાંઈ છે કે નહીં! બાવીસની ઉંમરે આવાં તોફાન કરાય? એ પણ મારા નીકળવાના ટાંણે?’

નૅચરલી આજ સુધી અમાત્યએ ‘ઇસરો’ની તક રઝળ્યાનો અફસોસ પળ માટેય ઊભરવા નહોતો દીધો, પણ આજે જ્યારે જાણ્યું કે કજરી તેની ચંચળવૃત્તિભર્યા તોફાનને કારણે ઘાયલ થઈ એથી પિત્તો જવો સ્વાભાવિક હતો: ‘મારા માટે સૌથી અગત્યના દિવસે પણ કજરી તોફાનનો મોહ ન મૂકી શકે એ કેવું!’

‘મેં નક્કી કરી લીધું.’

ઘરે આવ્યાના બીજા દિવસે તેણે મા-પિતાજીને કહી દીધું : ‘કજરી સાથે હું જીવન નહીં વિતાવી શકું. જેને મારા જીવનસ્વપ્નની દરકાર ન હોય તેની સાથે પ્રીત કેવી!’

કોઈ સમજાવટ કામ ન લાગી. કજરીનાં અશ્રુ સ્પર્શતાં નહીં.

મા ઠપકારતી : ‘કજરીનાં તોફાન આમ તો તને બહુ વહાલાં લાગતાં હતાં, અરે! એ દિવસે પણ તે કેરી તોડવા ગઈ તારે ખાતર, તને કાચી કેરીનું અથાણું બહુ ભાવે એ માટે! તારા જવાની ઘાઈ-ઘાઈમાં બિચારી ઊંધા માથે પડી... તને એ જાણવાની પણ તમા નહીં?’

જાણીને થોડું સ્તબ્ધ થઈ જવાયું, પણ નિર્ણય બદલાયો નહીં, કારણ ગમે તે હોય, મને તેનું તોફાન નડ્યું એ તો હકીકતને.

‘તું તો એમ કહે છે અમાત્ય જાણે ‘ઇસરો’માં ફરી ભરતી થવાની જ ન હોય! અરે, તું કેમ ભૂલ્યો કે તું કજરીને તારું જીવન કહેતો હતોને ‘ઇસરો’ને તારું સપનું... આજે સપનાના વાંકે તું તારા જીવનથી વેગળો થાય છે?’

માના શબ્દો કાળજે વાગ્યા. જવાબ સૂઝ્‍યો નહીં એટલે ગિન્નાયેલા દિમાગમાં જુદો જ ફેંસલો ઘડાઈ ગયો,

‘ઠીક છે મા. મારે અહીં રહેવું જ નથી. રોજ એની એ જ વાતો. તને મેં જીવન છોડ્યાનો વાંધો છેને, તો લે આજે મેં સાથે મારું સપનું પણ મૂક્યું. હવે અવકાશ તરફ જુએ એ બીજો!’

lll

-અને બસ, પોતે ઘરથી નીકળ્યો એ નીકળ્યો... પહેલી વાર એવું બન્યું કે કજરીને જોયા-મળ્યા વિના નીકળી આવ્યો! 

નાનપણમાં એક વાર મમ્મી-પપ્પા જોડે માથેરાન ફરવા આવેલો, ત્યારનું આ હિલસ્ટેશન ગમતીલું બની ગયેલું, કદાચ એટલે જ ઘરથી દૂર જવાનું બન્યું ત્યારે માથેરાન જ ચિત્તમાં ઝળકેલું! સદ્ભાગ્યે ‘નવજીવન’માં મૅનેજરની નોકરી મળી ગઈ, રહેવા માટે હોટેલનું કૉટેજ મળ્યું... એને આજે તો ચાર-ચાર વર્ષ થઈ ગયાં!

મા-પપ્પાને અહીં તેડાવું, પણ મા મક્કમ છે : ‘છોડીને તું ગયો છે, આવવાનું પણ તારે!’

‘કોને છોડવાના સંદર્ભમાં મા કહી રહી છે એ પૂછવાનું ન હોય...  ઘરે જવાનો અર્થ કજરીનો સ્વીકાર, એ બિટ્વીન ધ લાઇન્સ પણ સમજી જવાની હોય.’

‘એ ન થવા દેવા તો હું ઘરે જવાનું ટાળતો રહું છું...’

પણ ક્યાં સુધી? એનો જવાબ આજે પણ અમાત્ય પાસે નહોતો.

lll

‘અમાત્ય, તમને શું લાગે છે, ચંદ્રયાનનુ લૅન્ડિંગ સક્સેસ થશે?’

બીજી સવારે ચાનો મગ લઈ ગાર્ડનના હીંચકે ગોઠવાતી બંસરીએ વાત માંડી. આમ પૂછી પોતે અમાત્યની દુખતી રગ દબાવી દીધી એની બંસરીને ક્યાં ખબર હતી?

ઇસરોનું મૂન મિશન ચંદ્રયાન તરીકે ઓળખાય છે. ચાર દિવસ પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડ કરી ભારત ઇતિહાસ સર્જી શકે એમ છે.

અમાત્ય જોકે એનાથી અલિપ્ત જ રહે છે. અત્યારે પણ તેણે વાત બીજે વાળી લીધી.

lll

‘મૅનેજરસાહેબ...’

ત્રીજી બપોરે જમી-પરવારી અમાત્ય પાન ખાવા નીકળતો હતો ત્યારે ગેટકીપર શેરુની બૂમ પડી : ‘એ દેખાયો... એ દેખાયો!’

માંડ તેને શાંત પાડી અમાત્યએ હળવેકથી વાત કઢાવી ત્યારે સમજાયું કે શેરુએ દીપડો જોયો!

સ્ટાફમાં સોપો પડ્યો. ‘માથેરાનમાં દીપડો દેખાવાની ઘટના આજ અગાઉ પણ બની છે ખરી. સારું છે, હોટેલના સહેલાણીઓ ફરવા ગયા છે, નહીં તો હુલ્લડ મચી જાત.’  

અહીંના ફૉરેસ્ટ ઑફિસર ત્રિલોકનાથ સાથે અમાત્યને હોટેલ અસોસિએશનને કારણે ઓળખાણ હતી. અમાત્યએ કૉલ કરતાં કલાકમાં ટીમ સાથે આવી પહોંચેલા ઑફિસરે જનાવરને તરત ટ્રેસ પણ કર્યું : ‘એ ચાર નંબરના કૉટેજની બાલ્કનીમાં બેઠો છે! બાલ્કનીનો દરવાજો બંધ છે...’ 

-‘આ તો સમીર-બંસરીની રૂમ!’

‘એ રૂમ ખોલો.’

ચાવી લઈ અમાત્ય પોતે આગળ થયો. કૉટેજનો દરવાજો ખોલ્યો. ચૂપકેથી દાખલ થઈ ત્રિલોક ખુરસી સરકાવી બાલ્કનીના દરવાજા ઉપરની હવાબારીમાંથી ડોકિયું કર્યું.

એ સાથે માણસની હાજરી વર્તાઈ હોય એમ દીપડાની આંખો પણ હવાબારી તરફ ઊંચકાઈ.

ત્રિલોકે દેર ન કરી. ખંધું પ્રાણી ચેતે એ પહેલાં ગન વાટે ઘેનની દવા ધરાવતી સોય છોડી, ને છટકવા જતો દીપડો બાલ્કનીમાં જ બેહોશ થઈ ઢળી પડ્યો.

‘હાશ!’

‘બાલ્કનીનો ડોર લૉક છે... એની ચાવી ક્યાં?’

‘એ તો અહીં જ રહેતી હોય છે...’ અમાત્યએ કબાટ-ડ્રૉઅર ફંફોસવા માંડ્યા, અને તેની નજરે ડાયરી પડી. એના ઊપસેલા ફોલ્ડમાં ચાવી હોવાનું ધારી ડાયરી ખોલી તો ખુલ્લા પાનાનું વાક્ય ભોંકાયું : ‘સૉરી, બંસરી, આજે તારે મરવું રહ્યું!’

‘હેં!’ ત્રિલોકને ચાવી આપતાં અમાત્યએ હળવેકથી ડાયરી સરકાવી લીધી.

lll

ફૉરેસ્ટવાળા બેહોશ દીપડાને લઈ ગયા, અમાત્ય ત્રિલોકને વિદા કરી રૂમમાં પુરાઈ સમીરે લખેલી ડાયરી વાંચવામાં મશગૂલ બન્યો...

‘આ કથા મારી, ડૉ. સમીર મહેતાની છે. મારો જન્મ ગર્ભશ્રીમંત પરિવારમાં થયો. પિતા દામોદરભાઈ કાપડના મોટા વેપારી. માતા ધીરુબહેન ગૃહિણી. અને હું તેમનો એકનો એક લાડકવાયો. જન્મ સમયે હું ઘણો નબળો હતો. ડૉક્ટરને મારા બચવાની આશા નહોતી, પણ મારી મા... દુનિયાની સૌથી પ્યારી એવી મારી માએ આકરાં વ્રત-તપ આદરી, મારી ખૂબ ચાકરી કરી મને જિવાડી જાણ્યો. પિતાજી કહેતા કે તારી મા તો તારે ખાતર જ જીવી છે!’

‘મને આનો ગર્વ થતો. મા પરત્વે વહાલ ઊભરાતું. મા મને અછોવાનાં કરે. સ્કૂલમાં ટીચર પણ વઢે તો તેમની ખબર લઈ નાખે.’

‘યાર, તારી મૉમ તો બહુ પાવરફુલ છે!’ સ્કૂલના છોકરાઓ માથી અંજાતા અને મારી છાતી ફૂલતી.

‘સુખના દિવસોમાં અણધાર્યો બ્રેક આવ્યો. હૃદયરોગના હુમલામાં પિતાજી પાછા થયા.’

અમાત્ય સમક્ષ સમીરની જીવનગાથા તરવરી રહી.

lll

દસ વર્ષની ઉંમરના છોકરાએ પિતાની છત્રછાયા ગુમાવી. એનું દુ:ખ છે, પણ એથી વધુ પજવે છે તેને માનાં આંસુ : ‘પિતાની પાછળ શું આટલું રડવાનું! હું તો છુંને!’

‘હા મારા દીકરા, હવે તો તું જ મારો સહારો!’

ભાવાવેશમાં એકાદ વાર બોલાયેલા માના શબ્દો દીકરા માટે પથ્થરની લકીર જેવા બની જાય છે. તેની જિંદગી માની આસપાસ વીંટળાયેલી રહે છે કે જાણે-અજાણે માને તે પોતાની આસપાસ વીંટાળી રાખે છે. ભણવા સિવાયનો સમય મા સાથે જ ગાળવાનો, પિકનિક જવું હોય કે ફિલ્મ જોવા, મા સાથે જ જવાનું!

‘ધીરુબહેન, સમીર ૧૫ વર્ષનો થયો, તેને તેના મિત્રોમાં ભળવા દો... નહીં તો વહુ કહેશે કે છોકરો સાવ માવડિયો છે!’

માની સખી કે સગું આ પ્રકારની સલાહ આપતું કાને પડે ને દીકરો તમતમી જાય : ‘એવી વહુને રાખજો તમારા ઘેર! મમ્મી છે પછી મારે બીજા કોઈની જરૂર નથી!’

આ લાગણી એટલી ઘેરી હતી કે માની ઇચ્છા હતી એટલે દીકરાએ ડૉક્ટર થવાનું સમણું આંખમાં આંજ્યું, મુંબઈની ગ્રાન્ટ કૉલેજમાં મેરિટ પર પ્રવેશ મેળવ્યો! અહીં પણ કૉલેજથી પાંસરું ઘરે.  

મા પોરસ કરે : ‘મારા દીકરાને કોઈ બૂરી સંગત નહીં! 

દીકરો ખૂબ ભણ્યો, ફિઝિશ્યન તરીકે મોટી હૉસ્પિટલમાં પાર્ટનરશિપ કરી. માએ હવે દીકરાને પરણાવવો હતો : ‘ઘરમાં વહુ આવે કે હું પોતરાપોતરી રમાડીને તારા પિતા પાસે જાઉં!’

માને હજી પિતાની ચાહ છે, ભલે, પણ તેમના ખાતર મને છોડવાની વાત કેમ કરે છે!’

‘મા, હું તને ક્યાંય જવા દેવાનો નથી... અને પરણવાનો પણ નથી. આજકાલની છોકરીઓ તો પરણતાં જ વરને માથી જુદો કરવાની પેરવીમાં લાગી જાય છે... છોડને લગ્નની વાતો.’

એની લઢણે મા મલકી પડે.

-પણ મા-દીકરાની જિંદગીમાં ત્રીજી વ્યક્તિનું આગમન થયું અને એમાં નિમિત્ત બની માની ઈજા! બાથરૂમમાં સ્લિપ થતાં માના થાપાનું હાડકું ભાંગ્યું, ૬ મહિનાનો ખાટલો થયો, એમાં તેમની ચાકરી અર્થે આવેલી બંસરીના સંસ્કારે તે જિતાઈ ગયાં.

મા પાસે હવે દીકરા સાથે વાત કરવાનો એક જ ટૉપિક રહ્યો હોય એમ નર્સની જ વાતો કરે : ‘તેણે આજે ધાનશાક બનાવ્યું... આજે અમે પત્તાં રમ્યાં...’

‘મા, મા, હું તને દેખાતો જ નથી?’

દીકરો છટપટતો, એમાં સાજી થતાં જ માએ જ લગ્નની વાત ઉખેળી, પણ જુદી રીતે : ‘બંસરીના સંસ્કાર-ગુણ મેં પારખ્યા, છોકરીને વહુ બનાવવાનાં અરમાન જાગ્યાં છે, દીકરા, માનું વેણ નહીં રાખે?’

દીકરાથી આનો ઇન્કાર કેમ થાય!

ડૉક્ટરના નર્સ જોડે ધામધૂમથી લગ્ન થયાં.

‘મને તો મનાતું નથી... તમે સાચે જ મને અપનાવી!’

‘નર્સ માટે તો ડૉક્ટર દેવ જેવો હતો. મા તેને કેટલું વખાણતા, માની એ કેટલી ચાકરી કરતા!’

‘માની ખુશી ખાતર...’ હોઠે આવેલો જવાબ દીકરો ગળી ગયો. મારી-માની વાતમાં ત્રીજા કોઈને આણવું જ શું કામ!’

તેણે શયનખંડની લાઇટ બંધ કરી દીધી. નર્સ સંકોચાઈ : ‘તમે તો ભારે અધીરા!’

‘માને પોતરો આપવાની અધીરાઈ છે...’ એ સાવ ગંભીરપણે બોલ્યો, નર્સે જુદી રીતે લીધું : ‘લુચ્ચા... માના બહાને પોતાના મતલબની વાત કરી લીધી!’ 

અને આમ સંસારની શરૂઆત થઈ.

એવો સંસાર જેમાં દીકરો પત્નીની નજીક ન જઈ શક્યો, પણ માને પોતાનાથી સતત દૂર થતી અનુભવી. હવે તે મા પાસે તેલચંપી કરાવવા જાય તો મા વહુને હવાલો આપી દે. પિક્ચરનો પ્રોગ્રામ બનાવે તો મના કરે: મને હવેનાં પિક્ચર જોવાનું ગમતું જ નથી. તુ ને વહુ જઈ આવો! ક્યારેક હૉસ્પિટલથી વહેલો આવી માને મંદિર લઈ જવા માગે તો જાણવા મળે : ‘હું તો દરરોજ વહુ સાથે હવેલી જાઉં છું, તું વહેલો આવ્યો છે તો વહુને ફેરવી લાવ!’

‘વહુ... વહુ... વહુ! હવે તો હું ઘરે હોઉં ત્યારેય મા-વહુ ટીવી-સિરિયલની, અથાણાં-પાપડની ચર્ચા કરતી રહે.’

‘બધો વાંક બંસરીનો છે, તેણે જ મારી ભોળી માને ભોળવી મારાથી દૂર કરી દીધી!’ દીકરાના મગજમાં વેરનાં બીજ રોપાય છે : ‘માને મારાથી દૂર કરનારીને મારે સંસારમાંથી દૂર કરી દેવી જોઈએ... અને એ પણ એવી રીતે કે કોઈને ખૂન ગંધાય નહીં!’

lll

‘ખૂન!’ અમાત્ય થથરી ઊઠ્યો.

ભેદના ભાગીદાર બનવાની ઘટના ફરી પાછો જીવનપ્રવાહ બદલી નાખશે એની ત્યારે ક્યાં ખબર હતી?

 

આવતી કાલે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff