૧૦૧ ટુકડા

18 September, 2023 07:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

‘વિજયનગર મેટ્રો સ્ટેશન સે...’ પૂછનારા યંગસ્ટરે ખુલાસો પણ કર્યો, ‘મેરે પાસ દો પાર્સલ હૈ, કરીબન સૌ કિલો કે... પાર્સલ હી રહેંગે રિક્ષા મેં.’

ઇલસ્ટ્રેશન

‘દાદા, વર્સોવા આઓગે?’

સવારના સાડાચાર વાગ્યાની આસપાસનો સમય હતો અને ઍક્ટિવા પર આવેલા તે યંગસ્ટરની આંખમાં ઉજાગરો પણ દેખાતો હતો.

જુહુથી પાછા આવીને કોકિલાબેન અંબાણી હૉસ્પિટલની બહાર હજી તો રિક્ષા મૂકી ત્યાં જ સવારી મળી જવાને લીધે યુસુફ ખુશ તો થયો, પણ તેને ખબર પણ પડી ગઈ કે જે વ્યક્તિ આવી છે તે રિક્ષામાં બેસવાની નથી એટલે તો તેણે તરત જ પૂછી પણ લીધું...

‘કહાં સે જાના હૈ?’

‘વિજયનગર મેટ્રો સ્ટેશન સે...’ પૂછનારા યંગસ્ટરે ખુલાસો પણ કર્યો, ‘મેરે પાસ દો પાર્સલ હૈ, કરીબન સો કિલો કે... પાર્સલ હી રહેંગે રિક્ષા મેં.’

‘પાર્સલ ઉઠાના હૈ?’ યુસુફે ક્લિયર કરી દીધું, ‘વો હમસે ના હોગા...’

‘નહીં, નહીં... ઉસકી કોઈ ઝરૂરત નહીં હૈ... પાર્સલ તો હું મૂકી દઈશ.’

‘મીટર કે ઉપર કુછ દે દેના...’

‘સો રૂપિયા?’

યંગસ્ટરે કહ્યું એટલે તરત જ યુસુફે ડ્રાઇવિંગ-સીટ પર જગ્યા લઈ લીધી, જે હકારની સાઇન હતી.

‘આપ આગે ચલો...’

યુસુફને ખબર નહોતી કે અત્યારે તે સવારીની દિશામાં નહીં પણ મુશ્કેલીની એવી દિશામાં આગળ વધવાનો હતો જે તેના માટે પારાવાર તકલીફ લાવનારી હતી.

lll

હાશ...

મોઢામાંથી નીકળી ગયેલા હાશકારા પછી તે યંગસ્ટરે સહેજ ઊંડા શ્વાસ લીધા અને પછી યુસુફને ફરીથી હાથથી જ પાછળ આવવાનો ઇશારો કર્યો.

ઍક્ટિવા જેવું આગળ ચાલવા લાગ્યું કે બીજી જ ક્ષણે યુસુફની રિક્ષાએ તેની પાછળ જવાનું શરૂ કરી દીધું. સૂર્યોદયને હજી વાર હતી, પણ આછોપાતળો ટ્રાફિક દેખાવા લાગ્યો હતો. વચ્ચે ક્યાંક-ક્યાંક ઍક્ટિવાની ઝડપ વધતી તો યુસુફ પણ રિક્ષા ઝડપભેર ચલાવતો. આ રીતે માલની ડિલિવરી માટે અગાઉ પણ તે ગયો હતો એટલે સ્વભાવિક રીતે તેનું ધ્યાન પાછળ મૂકવામાં આવેલા બન્ને થેલા પર નહોતું અને ધારો કે એ દિશામાં ધ્યાન ગયું પણ હોત તોય યુસુફને કશી ખબર નહોતી પડવાની. હા, તેને એટલી ખબર હતી કે થેલામાં જે સામાન છે એમાંથી ખુશ્બૂ આવે છે અને એ ખુશ્બૂના આધારે જ તેણે એવું અનુમાન બાંધી લીધું હતું કે થેલામાં અગરબત્તી કે પછી ધૂપનો કોઈ સામાન હોઈ શકે છે.

અંધેરીથી આગળ વધીને ઍક્ટિવા ધીમેકથી વર્સોવામાં દાખલ થયું અને એની પાછળ રિક્ષા પણ દાખલ થઈ. વીસેક મિનિટની ડ્રાઇવ પછી રસ્તા પર ઊભેલી બે ટ્રક પાસે પેલા યંગસ્ટરે ઍક્ટિવા ઊભું રાખ્યું એટલે એની પાછળ રિક્ષાચાલક યુસુફે પણ રિક્ષા ઊભી રાખી.

ઍક્ટિવા પાર્ક કરી પેલો યંગસ્ટર રિક્ષા પાસે આવ્યો અને બન્ને પાર્સલ ધીમે-ધીમે નીચે ઉતાર્યાં.

‘કિતના હુઆ?’

‘એકસો ચાલીસ...’

પેલાએ બસો રૂપિયાની નવી નોટ કાઢીને લંબાવી એટલે યુસુફે બસો રૂપિયાની એ નોટ હાથમાં લીધી. પેલો હજી પણ વૉલેટમાં નજર કરતો હતો. યુસુફની દૃષ્ટિએ પચાસ રૂપિયા હજી લેવાના થતા હતા, પણ પેલા યંગસ્ટરે સો રૂપિયાની નોટ કાઢીને યુસુફ તરફ લંબાવી. યુસુફે તરત જ રિક્ષાના હૅન્ડલની બરાબર મધ્યમાં આવેલા ખાના તરફ હાથ લંબાવ્યો કે બીજી જ ક્ષણે પેલા યુવકે ના પાડી...

‘રહને દો...’

યુસુફે સ્માઇલ કર્યું અને યંગસ્ટરે પણ એ જ પ્રત્યુતર આપ્યો.

યુસુફે કાંડાઘડિયાળમાં જોયું.

સવારના પાંચ વાગી ગયા હતા. દૈનિક દૃષ્ટિએ દિવસની આ પહેલી કમાણી હતી.

હાથમાં રહેલા ત્રણસો રૂપિયા પહેલાં મસ્તક પર અને પછી રિક્ષામાં લટકતા ખ્વાજાસાહેબની દરગાહના ફોટો પર અડાડીને યુસુફે એ પૈસા ગજવામાં મૂકવાને બદલે હૅન્ડલ પાસે લટકતા નાના બટવામાં મૂક્યા. બોણી વાપરવી નહીં એવો તેનો નિયમ હતો. બોણીની જે રકમ ભેગી થતી એ રકમ યુસુફ યતીમખાનામાં દાન કરતો. યુસુફને ખબર નહોતી કે તેની આ શખાવત મુંબઈ પોલીસને પણ ઉપયોગી બનવાની છે.

ખરરર...

સેલ્ફ સ્ટાર્ટથી રિક્ષા શરૂ થઈ અને આગળ વધી ગઈ. સવારના પહોરમાં પચાસ રૂપિયાની બ​િક્ષસ સાથેની આ સવારીમાં પોતે જે બે થેલાની ડિલિવરી કરીને આવ્યો એમાં એક લાશ હતી અને એ લાશની ઓળખ લાંબો સમય સુધી કોઈને મળવાની નહોતી એની પણ યુસુફને ક્યાં ખબર હતી?

lll

રિક્ષામાંથી ઉતારવામાં આવેલા બન્ને થેલાઓ વર્સોવાના પ્રાઇમ લોકેશન એવા આઇકન બિલ્ડિંગની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. એ થેલા ફેંકનારાએ એવું અનુમાન લગાવ્યું હતું કે કૉર્પોરેશન એ થેલા લઈ જશે, પણ એ દિવસે સફાઈ કામદારની ગાડી વહેલી આવીને નીકળી ગઈ હતી એટલે થેલા આઇકન બિલ્ડિંગની બહાર જ પડ્યા રહ્યા.

સૂર્યોદય પછી ધીમે-ધીમે તાપ વધવાનો શરૂ થયો અને વધતા તાપ વચ્ચે લોકોની અવરજવર પણ શરૂ થઈ ગઈ.

સામાન્ય રીતે બિલ્ડિંગમાં આવનારા સૌકોઈની પાસે ગાડી હતી અને એ પણ શોફર-ડ્રિવન એટલે ગાડીમાં બેઠેલા માલિકનું ધ્યાન મહદંશે કામની દિશામાં જ રહેતું. એ દિવસે પણ એવું જ થયું હતું. મોટા ભાગની ગાડી અંદર આવી. આઇકન બિલ્ડિંગમાં ઑફિસ ધરાવતા અબજોપતિઓ ઑફિસમાં પણ ગયા, પણ કોઈની નજર બિલ્ડિંગની સિક્યૉરિટી ઑફિસની પાછળના ભાગમાં પડેલા થેલા પર ગયું નહીં. સાહેબોને સલામ ઠોકવામાં વ્યસ્ત એવા સિક્યૉરિટી ગાર્ડનું ધ્યાન પણ એ દિશામાં ગયું નહીં.

ધ્યાન ગયું છેક બપોરે દોઢ વાગ્યે અને એ પણ જમવા બેસતી વખતે.

ગાર્ડ માંજરેકરે ટિફિન ખોલ્યું અને સાથોસાથ સાથી ગાર્ડને રાડ પણ પાડી...

‘એ પંખો વધાર... આજે આ માખી જોને કેટલી વધી ગઈ છે.’

‘હા યાર, ક્યારેય હોતી નથી...’ સાથી ગાર્ડે સહેજ ઊંડો શ્વાસ પણ લીધો, ‘મને લાગે છે કે બિલાડી જેવું કોઈ મરી ગયું હશે. સહેજ વાસ પણ આવે છે...’

‘તૂ દેખ, મુઝે તો ભૂખ લગી હૈ...’ માંજરેકરે કહી પણ દીધું, ‘મરેલી બિલાડી કે કૂતરું મળે તો મને બોલાવતો પણ નહીં, પહેલાં જમી લેવા દેજે.’

lll

‘એ માંજા...’

બહાર ગયેલા સાથી ગાર્ડની બીજી જ મિનિટે રાડ આવી અને માંજરેકરના મોઢામાંથી મગરના ‘મ’વાળી મોટી ગાળ નીકળી ગઈ.

‘કહું છું, બોલાવતો નહીં તો પણ...’

માંજરેકરે અવાજ તરફ ધ્યાન આપવાને બદલે મોઢામાં રહેલો કોળિયો ચાવવા પર ધ્યાન આપ્યું, પણ એમ ક્યાં તેને નિરાંત મળવાની હતી.

‘માંજા, જલ્દી...’

‘બક રે...’ મનોમન ગાળો ભાંડતો માંજરેકર ઊભો થયો અને બહાર આવ્યો, ‘બોલ, શું થયું?’

અલબત્ત, સાથી ગાર્ડ આગળના ભાગ તરફ નહોતો એટલે માંજરેકરે તરત જ પાછળની બાજુએ નજર કરી...

‘શું છે? શેની બૂમાબૂમ...’

સાથી ફર્યો અને તેણે એક દિશામાં હાથ કર્યો.

આઇકન બિલ્ડિંગની દીવાલને સ્પર્શતા બે થેલા પડ્યા હતા, જેના પર માખીઓનું રીતસર ઝુંડ હતું. માંજરેકરે આંખો ઝીણી કરી અને ધીમા ડગલે તે એ દિશામાં આગળ વધ્યો. વાસ એ થેલામાંથી આવતી હતી. થેલાની સાઇઝ જે સ્તરની હતી એ જોતાં એવું ધારી ન શકાય કે એમાં બિલાડી જેવો કોઈ નાનો જીવ હોય.

આ શું?

નજીક આવેલા માંજેરકરે જોયું કે થેલા પર માત્ર માખીઓ જ નહોતી. એના પર કોઈ જુદા જ પ્રકારની જીવાત પણ હડિયાપાટી કરતી હતી.

માંજરેકરે હાથ લંબાવ્યો, પણ એ થેલાને સ્પર્શે એ પહેલાં જ સાથીએ તેને અટકાવ્યો...

‘માંજા, રહને દે...’ સાથી ગાર્ડની વાતમાં તથ્ય હતું, ‘કંઈ આડુંઅવળું નીકળ્યું તો હેરાન થઈશું. એના કરતાં ઑફિસમાં જાણ કરી દઈએ...’

માંજેરકરે પહેલાં સાથીની સામે અને પછી થેલા સામે જોયું.

હવે વાતાવરણમાં રહેલી ગંધમાં કોઈ વિચિત્ર વાસ પણ ઉમેરાઈ હોય એવું માંજરેકરને લાગ્યું એટલે તેણે સહેજ ઊંડો શ્વાસ લઈને ખાતરી કરી.

હા, વાસ આમાંથી જ આવે છે

‘જા, લગા જલ્દી ફોન...’

સાથી ગાર્ડે પહેલાં આઇકન બિલ્ડિંગના ઑફિસ ઓનર્સ અસોસિએશનમાં ફોન લગાવ્યો. ત્યાંથી કહેવામાં આવ્યું કે પોલીસને પણ જાણ કરી દો એટલે સાથી ગાર્ડે તરત જ પોલીસમાં જાણ પણ કરી.

થોડી મિનિટોમાં આઇકન બિલ્ડિંગની બહાર પોલીસની વૅન ઊભી હતી.

lll

આઇકન બિલ્ડિંગની ઑલમોસ્ટ દરેક ઑફિસમાંથી કોઈ ને કોઈ બહાર આવી ગયું જેને લીધે ગેટ પર ટોળું જમા થઈ ગયું હતું.

‘સાઇડ...’ ઇન્સ્પેક્ટર ચંદ્રકાન્ત ગર્ગ આગળ વધતા બોલ્યા, ‘કહાં હૈ...’

બિલ્ડિંગના અસોસિએશનના સેક્રેટરીએ હાથ લંબાવીને દિશા દેખાડી એટલે ગર્ગ એ તરફ આગળ વધ્યા. સામે બે થેલા પડ્યા હતા અને એના પર માખી સહિત જીવાતો ચકરાવા લેતી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટના વરસોના અનુભવો પરથી ગર્ગને સમજાતું હતું કે અંદર જે કંઈ છે એ ચોંકાવી દેવા માટે પૂરતું છે.

તેણે તરત જ પાછળ જોયું અને પીઠ પાછળ રહેલા ટોળાને સૂચના આપી.

‘ચલો, નિકલો સબ...’ ગર્ગે કહી પણ દીધું, ‘અહીં માત્ર અસોસિએશનવાળા અને સિક્યૉરિટી ગાર્ડ જ રહે.’

સૂચનાનો તરત જ અમલ થયો અને ટોળું વિખેરાયું એટલે ગર્ગે જુનિયરને હાથના ઇશારે એ થેલા ખોલવાની સૂચના આપી.

થેલાઓ ખૂલતા ગયા અને જેમ-જેમ એ પ્રક્રિયા આગળ વધી એમ-એમ સૌકોઈના ચહેરા પર સ્તબ્ધતા આવવા માંડી.

બન્ને થેલામાં માનવઅંગોના નાના-નાના ટુકડા હતા.

ઘટનાની ગંભીરતા અને વાપરવામાં આવેલી વિકૃતિ જોઈને તરત જ સિનિયર ઑફિસરને જાણ કરવામાં આવી અને લાશના એ ટુકડાઓને પોસ્ટમૉર્ટમ માટે રવાના કરવામાં આવ્યા.

lll

‘આવ, બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો આવ્યો છે?’ ડિટેક્ટિવ સોમચંદને ઊંઘમાંથી જગાડતાં ઇન્સ્પેક્ટર ગર્ગે કહ્યું, ‘તારી લાઇફનો પહેલો કિસ્સો હશે એની ખાતરી હું તને આપું છું.’

‘અલ્યા, તારે કામ કરવું નથી હોતું કે પછી હું છું ત્યાં સુધી બધું નવું અને યુનિક જ આપણી સામે આવવાનું છે?’

સોમચંદના મોઢામાં બ્રશ હતું જે તેના સ્વર પરથી ગર્ગને પણ સમજાતું હતું. ત્રણ દિવસના નાનકડા વેકેશન પરથી પાછા આવેલા સોમચંદે મનોમન નક્કી કર્યું હતું કે પર્યુષણના દિવસોમાં ઍટ લીસ્ટ ખૂન, લોહી, મારામારી જેવી વાતોમાં પડવાનું ટાળવું.

‘તું એમ સમજ કે તારા માટે દરેક કેસ નવી ચૅલેન્જ સાથે આવે છે.’

‘મારા નહીં, તમારા માટે...’ મોઢું સાફ કરતાં સોમચંદે કહ્યું, ‘પહેલાં તમે લોકો કેસ ઉકેલો, એ ક્લિયર ન થાય તો મારી પાસે આવજો... બાય.’

‘એકસો એક પીસમાં લાશ મળી છે...’

ફોન કટ કરતા સોમચંદનો હાથ અટકી ગયો.

‘વૉટ?’

‘હા... ક્લિયરલી ૧૦૧ પીસ. હમણાં જ પોસ્ટમૉર્ટમ રૂમમાંથી ફોન આવ્યો.’ ઇન્સ્પેક્ટર ગર્ગે કહ્યું, ‘તારી જાણ ખાતર, લાશના જે ૧૦૧ પીસ છે એમાં મરનારનું માથું નથી...’

‘યુ મીન ટુ સે...’

‘એ જ, જે તું સમજી ગયો... એટલે જ કહું છું, આવ જલ્દી. બહુ મજા આવશે.’

- આ તો કેવો પ્રોફેશન કહેવાય જેમાં કોઈની લાશ મળે તો પણ આપણને મજા આવતી હોય, આપણે એક્સાઇટ થઈ જઈએ?

સોમચંદનું દિમાગ ચકરાવે ચડ્યું અને ચકરાવે ચડેલા એ દિમાગને બ્રેક મારવાનું કામ કર્યું એક આંકડાએ...

૧૦૧ પીસ...

 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah