08 March, 2023 10:44 AM IST | Mumbai | Rashmin Shah
રેશમ-ગાંઠ (પ્રકરણ ૨)
એક્ઝિબિશન દરમ્યાન જે બન્નેની અરેસ્ટ કરવામાં આવી હતી એ બન્નેની બેઝિક ઇન્ક્વાયરી તો પોલીસ-વૅનમાં જ શરૂ થઈ ગઈ હતી.
એ બન્ને ગુજરાતના હતા અને કામસર મુંબઈ આવ્યા હતા. બન્નેના કહેવા મુજબ, એ લોકો એક્ઝિબિશન સ્પૉટ પાસેથી પસાર થતા હતા, થોડી નવરાશ હતી એટલે સમય પસાર કરવાના હેતુથી બન્ને પોતપોતાની રીતે અંદર દાખલ થયા હતા. સાથે હતા એ અનાયાસ માત્ર હતો. બન્ને એકબીજાને ક્યારેય મળ્યા નહોતા અને બન્ને એકબીજાને ઓળખતા પણ નહોતા. એક શખ્સનું નામ જયેશ હતું અને બીજાનું નામ રૂપેશ હતું. જયેશ શાહ રાજકોટનો હતો અને રૂપેશ મહેતા સુરતનો હતો.
જયેશ અને રૂપેશ બન્ને એકબીજા પર દોષ ઢોળતા હતા કે આ મર્ડર તેણે નહીં, પણ સામેની વ્યક્તિએ કર્યું છે.
‘સરખી વાત કર...’ મા સમાણી ગાળ સાથે વાતની શરૂઆત કરતાં પાટીલે રૂપેશને પૂછ્યું, ‘તેં મર્ડર કરતાં તેને જોયો છે?’
‘ના...’
‘તો?’
‘સર, મેં જોયો નથી, પણ હું રૂમાલ અને દોરી રાખી હતી એની આગળની રૂમમાં હતો અને જેવો હું એ રૂમમાં દાખલ થવા ગયો ત્યારે મેં જોયું કે એ માણસે તેના હાથમાં જે દોરી હતી એ દોરી ફરીથી કાચના બૉક્સમાં પાછી મૂકી અને પેલાનું જ્યાં બૉડી પડ્યું હતું ત્યાં જઈને તેણે તેના શ્વાસ ચેક કર્યા. તમે કહો તેના સોગન ખાવા તૈયાર છું. મર્ડર મેં નહીં, આ માણસે...’
‘સોગન તો હું પણ ખાવા તૈયાર છું... મર્ડર મેં નહીં, આ હરામખોરે કર્યું છે.’
‘એય મોઢું સંભાળીને...’
‘મેં ક્યાં તને ગાળ દીધી?!’
‘દે તો ખરો... ચીરી નાખું અહીંયા ને અહીંયા...’
‘જુઓ સાહેબ, જુઓ...’ રૂપેશે પાટીલ સામે જોયું, ‘અત્યારે પણ તે, તમારી હાજરીમાં પણ ચીરી નાખવાની વાત કરે છે... સાહેબ, આ મને ફસાવે છે. તમારે જેને પૂછવું હોય તેને પૂછી આવો. હું મારી લાઇફમાં ક્યારેય આવું કામ ન કરું.’
‘પૂછવાથી પુરવાર થવાનું હોય તો સાહેબ, મારે ત્યાં પણ જઈને પૂછી આવો. હું તો જૈન છું અને એય મારવાડી જૈન... મારવાડી જૈન વધારે ચુસ્ત હોય. અમે મચ્છર પણ ન મારીએ... મેં જે મર્યો છે તેને હાથ પણ નથી અડાડ્યો. આ મને ફસાવે છે.’
ત્યાર પછી ચાલુ રહેલી પિસ્તાલીસ મિનિટની બન્નેની લવારી સાંભળીને ઇન્સ્પેક્ટર પાટીલ માથું પકડીને બેસી ગયા. એક તો તેમને અત્યારે કમિશનર પર ગુસ્સો આવતો હતો. સાલું સીસીટીવી કૅમેરા લગાડી દીધા હોત તો આ કોઈ લપ ભોગવવાની આવી ન હોત, એને બદલે હવે એવી હાલત થઈ ગઈ કે આ કેસ સૉલ્વ કરવાની લપ આવી ગઈ.
lll
એ જ રાતે જયેશ અને રૂપેશને અલગ કરવામાં આવ્યા અને અલગ રાખીને નવેસરથી પૃચ્છા શરૂ થઈ, પણ બન્નેની વાત એ જ હતી. જે માર્યો ગયો તેનું મર્ડર તેમણે નથી કર્યું. આટલીઅમસ્તી વાત હોય તો હજી સમજાય, પણ બન્નેનું કહેવું એ પણ હતું કે આ મર્ડર સામેવાળી વ્યક્તિએ કર્યું હતું.
‘મેં મારી સગી આંખે જોયું સાહેબ...’ જયેશે પાટીલને કહ્યું હતું, ‘એ રૂમના પાછળના ભાગમાં આવેલા વૉશરૂમમાં હું જેવો દાખલ થયો અને અંદર જઈને મેં જેવી ઝિપ ખોલી...’
‘ફટાફટ બોલ...’ પાટીલે જયેશને ફટકો મારી દીધો, ‘હું અહીં તારી મૂત્રદાનની પ્રક્રિયા સાંભળવા નથી બેઠો...’
‘એટલે એમ કે...’ ગાલ પર હાથ ફેરવતાં જયેશે કહ્યું, ‘હજી તો જરાકઅમસ્તી વાર થઈ હશે ત્યાં મને બહારથી ઝઘડાનો અવાજ સંભળાવો શરૂ થયો. મને એમ કે હશે હવે કોઈ લપ એટલે હું તો બાથરૂમ કરતો રહ્યો, પણ ત્યાં તો જોરથી કોઈનો પડવાનો અવાજ આવ્યો એટલે મેં ફટાફટ મારી પીપી પતાવી. ફટાફટ કરવામાં મારું પૅન્ટ પણ સહેજ ભીનું થયું... કદાચ એ...’
જયેશે સાથળ પર હાથ ફેરવ્યો અને હાથ ફેરવતાં જ તેનામાં ઉત્સાહ આવી ગયો.
‘અડો સાહેબ, અહીં અડો... જુઓ હજી ભીનું છે પૅન્ટ...’
ચીડ તો ચડેલી જ હતી, પણ ઇન્સ્પેક્ટર પાટીલને હવે બરાબરની ચીતરી પણ ચડવાની શરૂ થઈ ગઈ.
‘સાલા, તારું બાથરૂમ ટચ કરવા મને અહીં રાખ્યો છે?!’
જયેશ કંઈ બોલે એ પહેલાં તો તેના ગાલ પર સટાક કરતી થપ્પડ પડી અને પાટીલ કસ્ટડીની બહાર નીકળીને બાજુમાં આવેલી સાઉન્ડ-પ્રૂફ રૂમમાં દાખલ થયા. એ રૂમમાં રૂપેશને રાખવામાં આવ્યો હતો.
lll
‘જો રૂપેશ, લવારીથી હવે મારું માથું દુખે છે. જેકંઈ કહેવાનું હોય એ બધું ફટાફટ કહી દે. ખરેખર મર્ડર કર્યું હોય તો પણ સ્વીકારી લે... એમાંથી બહાર નીકળવાનો રસ્તો હું તને દેખાડીશ.’
‘પ્રૉમિસ...’
‘જેન્ટલમૅન્સ વર્ડ્સ... પ્રૉમિસ.’ ઇન્સ્પેક્ટર પાટીલની આંખો પહોળી થઈ, ‘કહી દે જે સાચું હોય એ... ફાસ્ટ.’
‘સાહેબ, સાવ સાચું કહું છું, ખૂન પેલા માણસે જ કર્યું છે... તમે કહો તેના સમ ખાવા તૈયાર છું.’
‘તારા સમને નાખ હમણાં કહું ત્યાં...’ ઇન્સ્પેક્ટર પાટીલ માથું પકડીને ત્યાં જ બેસી રહ્યા, ‘સાલું, તું તેનું નામ આપે છે ને તે તારું નામ આપે છે... કરવાનું શું આમાં મારે?’
પાટીલને એમ જ જમીન પર બેઠેલા જોઈને રૂપેશ ધીમેકથી ઊભો થઈ તેમની પાસે ગયો.
‘એક વાત કહું સાહેબ...’ પાટીલે માત્ર માથું ધુણાવીને હા પાડી એટલે રૂપેશે સૂચન કર્યું, ‘ભૂવામાં માનતા હો તો તેની પાસે દાણા નખાવીને ચેક કરાવી લો, એ પણ એ જ કહેશે કે ખૂન પેલાએ કર્યું છે...’
પાટીલ રૂપેશ સામે એકીટશે જોતા રહ્યા અને પછી ધીમેકથી ઊભા થયા,
‘હું જાઉં છું. બાકી મને લાગે છે કે તમારા બેઉથી એક થયું, પણ મારાથી બે ખૂન થઈ જશે... ખરેખર મારી નાખીશ તને ને પેલા ગધેડાને પણ...’
‘મને શું કામ સાહેબ, મેં કંઈ નથી કર્યું...’ રૂપેશે હાથ જોડ્યા, ‘ક્યો તેના સમ...’
રૂપેશનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો ઇન્સ્પેક્ટર પાટીલ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયા હતા. બહાર આવીને તેમણે બે કામ કર્યાં હતાં.
એક, મગજને શાંત કરવા માટે તેમણે સિગારેટ પીધી. ચાર સિગારેટ પીધા પછી તેમને જરા રાહત થઈ એટલે બીજું, પણ અગત્યનું કામ હાથમાં લીધું.
‘હેલો...’ મોબાઇલ પર પાટીલે માત્ર એટલું જ પૂછ્યું, ‘ઘરે જ છોને?!’
‘બસ, આવું છું...’ સામેથી હકારમાં પ્રત્યુત્તર આવ્યો એટલે પાટીલે કહ્યું, ‘પહોંચું એટલી વાર...’
lll
આ પણ વાંચો: રેશમ-ગાંઠ (પ્રકરણ ૧)
‘ધેટ મીન્સ, આવતી કાલે હેડલાઇન તમારા નામે છે...’ ચપટીવાળી ભાખરીનો ટુકડો મોંમાં ઓરતાં ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘ફોલી ખાશે બધા...’
‘હા યાર, પણ મને ટેન્શન મીડિયાનું નથી...’ પાટીલે ધીમેકથી કહ્યું, ‘મને ચિંતા પેલા બન્ને ડફોળોની છે. ખરેખર મોટી નોટ છે બેઉ... અને સાચું કહું તો, ખબર નથી પડતી કે બેમાંથી સાચું કોણ છે. કમિશનરે સીસીટીવી કૅમેરા મૂકવાની પરમિશન આપી હોત તો...’
‘પરમિશન નહોતી આપીને?’ પાટીલે જેવો હકારમાં જવાબ આપ્યો એટલે સોમચંદે કહ્યું, ‘તો પછી એની ચર્ચા કરીને શું કામ તું મારી ભાખરીની ક્રન્ચિનેસ ઓછી કરે છે...’
જમ્યા પછી ફરીથી એ જ ટૉપિક પર વાત શરૂ થઈ એટલે સોમચંદે પાટીલને રોક્યો.
‘આખેઆખી ઘટના ઘટી કઈ રીતે એ પહેલાં સમજાવ...’
lll
‘હંઅઅઅ...’
ધ્યાનથી વાત સાંભળ્યા પછી સોમચંદે સિગારેટ મોંમાં મૂકી. સિગારેટ પીવાનું છોડ્યાને ઑલમોસ્ટ બે મહિના થઈ ગયા હતા અને એ પછી મોઢામાં સિગારેટ મૂકવાની આદત સોમચંદથી છૂટી નહોતી. હા, આ આદતથી એક ફાયદો થયો હતો.
એક જ સિગારેટમાં આખો દિવસ નીકળી જતો. રાતે સોમચંદ એ સિગારેટ ફેંકી દેતા. ઍક્ચ્યુઅલ એ ફેંકે નહીં તો પણ ચાલે, પણ સોમચંદને થતું કે હોઠે લગાડેલી ચીજને ૧૨ કલાકથી વધારે ન સાચવવી જોઈએ.
‘પાટીલ, એક કામ કરીએ... આપણે એક્ઝિબિશન સ્ટૉપ પર કાલે સવારે ફરી પાછા જઈએ... ત્યાંથી જ કંઈક ખબર પડે એવું મને લાગે છે.’
‘નો ઇશ્યુ...’ પાટીલે તૈયારી પણ દેખાડી, ‘અત્યારે પણ જવું હોય તો મને વાંધો નથી...’
‘હા, પણ મને વાંધો છેને...’ સોમચંદે રિસ્ટ-વૉચમાં જોયું, ‘પોણો વાગવા આવ્યો ભાઈ... સૂઈ જઈએ, કાલે કામે લાગવાનું છે.’
‘ઓકે...’
ઘરે જવાનું મન તો નહોતું, છતાં પાટીલ ઊભા થયા. રાતે ઊંઘ નથી આવવાની એ તેઓ જાણતા હતા. આજે જે ઘટના ઘટી હતી એ માત્ર મુંબઈ જ નહીં, દેશ અને દુનિયાને ખળભળાવી મૂકવાની હતી.
એક એવા સાધનનો ઉપયોગ કરીને, જેનો સદીઓથી ઉપયોગ બંધ થઈ ગયો હતો. જે રીતે મર્ડર કરવામાં આવ્યું હતું એ જોતાં એટલું તો કહેવું પડે કે કાતિલે બહુ લાંબી બુદ્ધિ દોડાવી હતી.
‘પાટીલ, આ તાત્કાલિક અસરથી લેવામાં આવેલું સ્ટેપ નથી. મર્ડરરે લાંબો વિચાર કર્યો છે અને જો મારી ભૂલ ન થતી હોય તો, બન્યું છે એવું કે એ રૂમમાં આવી ગયેલી બીજી વ્યક્તિને કારણે મર્ડરરે ઑન-ધ-સ્પૉટ પ્લાન ચેન્જ કર્યો છે, પણ જેકોઈ સ્ટેપ લેવાયું એ સ્ટેપ તો તેણે લાંબા સમયથી વિચારીને રાખ્યું હોય એવું બની શકે...’
સોમચંદના ઘરેથી નીકળતી વખતે પાટીલને સોમચંદના શબ્દો યાદ આવી ગયા, તો સાથોસાથ તેને પુણે ટ્રાન્ઝફર થયેલા ઇન્સ્પેક્ટર મોરેની વાત પણ યાદ આવી ગઈ હતી.
lll
‘સોમચંદ જે રીતે વર્તતા હોય છે એ જોતાં ખરેખર ટેન્શન થાય કે આ માણસ લાસ્ટ મોમેન્ટ પર રખડાવી ન દે...’
ચાર્જ સોંપતી વખતે ઇન્સ્પેક્ટર મોરેએ સોમચંદની ઓળખ પાટીલને કરાવતાં આ શબ્દો કહ્યા હતા. અલબત્ત, એ સમયે સોમચંદ ફોન પર બિઝી હતા એટલે મોરેથી ખૂલીને વાત થઈ શકી.
‘સોમચંદે હજી સુધી તો કોઈને રખડાવ્યા હોય એવું બન્યું નથી એટલે તું પણ તેના પર ભરોસો રાખે તો બહુ ચિંતા કરતો નહીં, પણ હા, મને જ્યાં સુધી તેમના પર વિશ્વાસ નહોતો ત્યાં સુધી હું તેની હેલ્પ લીધા પછી પણ મારું કામ ચાલુ રાખતો.’
‘આ માણસ કેટલા સમયથી અહીં છે?’ પાટીલે મોરેને પૂછ્યું, ‘મને તો ક્યારેય તેના કોઈ ઇન્ટરવ્યુ ટીવી કે ન્યુઝ-ચૅનલ પર જોવા નથી મળ્યા.’
‘તે આપતો નથી...’ મોરે સહેજ પાટીલની નજીક ગયા, ‘ઍક્ચ્યુઅલી, આ કવર્ડ પોલીસ જેવું કામ કરે છે. હોય પોલીસ સાથે, પણ એમ છતાં એનો જશ પોતે લેવાને બદલે ખાખીને આપી દે...’
lll
સોમચંદના ઘરેથી નીકળ્યા પછી પણ પાટીલના મનમાંથી સોમચંદ હટ્યા નહોતા, તો એવું જ સોમચંદનું હતું. ઊંઘના બહાને પાટીલને રવાના કરી દીધા પછી સોમચંદે પેપર પર ચિતરામણ શરૂ કર્યાં હતાં. પેન જે રીતે આગળ વધતી હતી એમ-એમ સોમચંદનો બબડાટ પણ ચાલુ થઈ ગયો હતો.
- એક્ઝિબિશનમાં આવનાર એ વ્યક્તિને ખબર છે કે અંદર તેને કંઈક તો એવું મળવાનું છે જેનો ઉપયોગ કરીને તે મર્ડર કરી શકશે. મર્ડર કરનારને સ્પૉટ-લેવલ પરનો કોઈ કજિયો હશે નહીં. આ કોઈ લાંબા સમયનો ઇશ્યુ છે અને એ ઇશ્યુના ભાગરૂપે જ મર્ડર કરનારાએ વ્યક્તિનો જીવ લીધો છે. જીવ લીધા પછી ભાગવું કે ત્યાંથી નીકળી જવું સહેલું છે એવું તેને લાગ્યું હશે, પણ અચાનક ત્યાં આવી ગયેલી ત્રીજી વ્યક્તિને કારણે આખી વાત ખુલ્લી પડી અને મર્ડરરે ત્વરા સાથે આખો પ્લાન ચેન્જ કર્યો છે. હવે જોવાનું માત્ર એટલું છે કે એ બેમાંથી સાચું પહેલાં કોણ બોલે છે...
સોમચંદની આંખો સહેજ મોટી થઈ.
- એ બે નહીં, ત્રણમાંથી પહેલાં સાચું કોણ બોલે છે. જયેશ, રૂપેશ કે પછી સિલ્કની દોરી?
વધુ આવતી કાલે