30 January, 2023 04:22 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ઘમંડ (પ્રકરણ ૧)
ઝિંદગી કી ન ટૂટે લડી...
દૂર ક્યાંક ગૂંજતા લતાના કંઠે તેના હોઠ મુસ્કાનમાં વંકાયા.
‘યુ લાઇક ઓલ્ડ સૉન્ગ્સ?’ કાળને ચીરતો કોઈનો મધુર સ્વર પડઘાયો એવા જ પ્રશ્નોત્તરીના રૅપિડ ફાયર રાઉન્ડની ઝડપે ગતખંડનાં વાદળાં ઘેરાયાં અને સ્મરણોની હેલી વરસી રહી.
ચોપાટીનું વીરચંદ માણેકચંદ શાહ (વી. એમ. શાહ) કૉલેજ કૅમ્પસ. અનેકવિધ અભ્યાસક્રમો ધરાવતી સંસ્થાની પ્રતિષ્ઠા એવી કે દક્ષિણ મુંબઈના માલેતુજાર ગણાતા પરિવારોનાં ફરજંદો પણ સરકારી ગ્રાન્ટ પર ચાલતી કૉલેજમાં ભણવા આવે. મારે તો જોકે કૉલેજમાં પણ હું ભલો ને મારા ક્લાસિસ ભલા... ફ્રી વર્ગમાં લાઇબ્રેરીમાં બેસવાનો પણ નિયમ. આદર્શ વાગોળી રહ્યો.
બિઝનેસ મૅનેજમેન્ટનું ભણાવતી કૉલેજની લાઇબ્રેરી નાની પણ સુવિધાજનક હતી. લાઇબ્રેરિયન સાઠેસાહેબ જોકે બળાપો જ દાખવતા કે આટલું વિશાળ કલેક્શન, પણ ધરાર જો કોઈ વિદ્યાર્થીને બુક્સ ઉથલાવવામાં રસ હોય! આમાં તારા જેવો હોશિયાર વિદ્યાર્થી નિયમિત આવે એ રણમાં મીઠી વીરડી જેવું લાગે...
આદર્શ સરખો અત્યંત સોહામણો જુવાન કોઈનુંય ધ્યાન ખેંચ્યા વિના ન રહે. પાછો કૉલેજનો ટૉપર એટલે સ્વાભાવિકપણે ગર્લ્સથી માંડીને પ્રિન્સિપાલ સુધીનાની નજરમાં રહેતો. જોકે એનામાં અભિમાનમાં રાચવાનું આદર્શનું લક્ષણ નહોતું.
‘તને હું અમથો બત્રીસલક્ષણો કહું છું!’ વિદ્યામા પોરસની ઢબે કહેતાં. પિતા નવીનભાઈના અકાળ અવસાન પછી ચર્ની રોડના વન બીએચકે ફ્લૅટમાં મા-દીકરો બે જ હતાં. ધરખમ વીમાને કારણે તેમની વિદાયે આર્થિક સંઘર્ષ નહોતો. એકમેકના અવલંબને મા-દીકરો ટકી ગયાં. આના વરસેક પછી આદર્શની ૧૪ વર્ષની ઉંમરે વિદ્યાબહેનને ટાઇફૉઇડ થતાં આદર્શે માની સેવા પણ કરી અને બૅન્કથી માંડીને રસોઈ સુધીનાં કામોમાં ઘડાતો ગયો. એના થકી જ કૉમર્સમાં રુચિ જાગી, કુકિંગ તેની હૉબી બની ગઈ.
યસ, કુકિંગ આદર્શનું પૅશન હતું, પણ ઘરની બહાર ભાગ્યે જ એનો ઉલ્લેખ કરતો. એમાં કેવળ પોતાનું અંગત વિશ્વ અંગત રાખવાની મનસા રહેતી.
‘આ સારું, તારી વહુનેય રસોઈની નિરાંત!’ દીકરાની હૉબીને વધાવતાં વિદ્યામા વહુનો ઉલ્લેખ કરતાં ને આદર્શ શરમાતો. ‘કૉલેજમાં કોઈ છોકરી ગમી કે નહીં?’ મા કદી પૂછતી ને એક નામ, એક તસવીર આદર્શ સમક્ષ તરવરી ઊઠતી.
સૌમ્યા મહેતા.
રૂપરૂપના અંબાર જેવી કન્યા એટલી જ તેજીલી હતી. આર્ટ્સનું ભણતી સૌમ્યા આદર્શથી વરસેક નાની. બેઉની કૉલેજ ભલે જુદી, પણ કૅમ્પસ એક. ભારોભાર ઍટિટ્યુડ દાખવતી કન્યા પહેલી નજરમાં કોઈને અભિમાની અને ઘમંડી લાગે; પણ સામાન્ય ઘરની છોકરીઓ સાથે પણ તેને દિલ ખોલીને હસતી જોઈને આદર્શ જેવાને તેના ઍટિટ્યુડમાં આત્મવિશ્વાસ લાગતો.
બેશક, સૌંદર્ય જોઈને ચળી જાય એવું આદર્શનું ઘડતર જ નહોતું. છતાં ચડતી જવાનીમાં કોઈના ખ્યાલે મુગ્ધ થવું પણ ગમતું હોય છેને! બાકી ક્યાં હું મિડલ ક્લાસ ફૅમિલીનો દીકરો ને ક્યાં તે વાલકેશ્વરના મહેલ જેવા મૅન્શનમાં રહેનારી શ્રીમંત પિતાની એકની એક દીકરી! અમારો શું મેળ!
આમેય સામાનું મન જાણ્યા વિના તેના મોહવશ ન થવાનું શાણપણ દરેકને હોવું ઘટે... આદર્શ જાતને સમજાવી દેતો. કૉલેજ આમ જ કદાચ પૂરી થઈ જાત તો વસવસો ન હોત, પણ...
હળવો નિ:શ્વાસ નાખીને આદર્શે કડી સાંધી : બિઝનેસ મૅનેજમેન્ટના ચાર વર્ષના ડિગ્રી કોર્સના છેલ્લા વર્ષના સેકન્ડ લાસ્ટ સેમેસ્ટરની શરૂઆત જ સૌમ્યાની મુલાકાતથી થઈ...
લાઇબ્રેરિયન સાઠેઅંકલનો બર્થ-ડે હતો. તેમના માટે ખાસ બનાવેલી માવા કેક લઈને આદર્શ લાઇબ્રેરીનાં પગથિયાં ચડે છે કે કોઈ સાથે અથડાયો – ઉપ્સ, સૉરી!
બોલતાં મોં ખુલ્લું રહી ગયું. જેની સાથે અથડાયો તે નન અધર ધૅન સૌમ્યા હતી! લાલ રંગના ચૂડીદારમાં ગજબની સોહામણી લાગી.
‘તમારા બદલે બીજું કોઈ હોત આદર્શ તો માની લેત કે મને જાણીજોઈને અથડાયો.’
કેવો રણકારભર્યો સ્વર! બીજી પળે ચમકવા જેવું થયું - આણે તો મારું નામ લીધું!
‘તમે મને જાણો છો!’
અને સૌમ્યા ટટ્ટાર થઈ. કીકીમાં મગરૂરી ઝળકી.
‘લાઇબ્રેરીનો વપરાશ કરનારા કેમ્પસના એકમાત્ર મેમ્બરને કોણ નહીં જાણતું હોય!’
આમાં વ્યંગ હતો કે તારીફ? આદર્શને સમજાયું નહીં! અમારા અથડાવામાં તેણે મારી નીયતમાં શ્રદ્ધા રાખી એટલે તારીફ જ હોવી જોઈએ. આદર્શના હૈયે મીઠી ગુદગુદી થઈ. પૂછી બેઠો, ‘તમે આજે અહીં?’
આ પણ વાંચો : ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૧)
અને પગથિયું ઊતરતી તે અટકી. આંખોમાં તોફાન સળવળ્યું. ‘તમારાં દર્શને તો નહોતી જ આવી’ સંભળાવીને તેણે વાળી લીધું. ‘આજે સાઠેસરનો બર્થ-ડે છે એવી જાણ થઈ એટલે વિશ કરવા આવી હતી.’
હાઉ ટચી. આદર્શ બોલી પડ્યો, ‘સાઠેસર માટે કેક લાવ્યો છું, આવોને.’
અને માવા કેકનો ટુકડો મોંમાં મૂકતા જ સૌમ્યાનાં નેત્રો પહોળાં થયેલાં - અમેઝિંગ. આટલી સૉફ્ટ-સ્વાદિષ્ટ કેક મેં ફાઇવસ્ટાર હોટેલમાં નથી ખાધી. ક્યાંથી લાવ્યા?’
‘ઘરે બનાવી...’ આદર્શથી બોલી જવાયું.
‘ઘરે બનાવી?’ સૌમ્યાનું અચરજ છલકાયું, ‘મીન્સ યુ કુક - રિયલી!’
‘શીશ... કોઈને કહેતા નહીં. ઇટ્સ માય પર્સનલ થિંગ.’
આદર્શનો આ દૃષ્ટિકોણ પણ ગમ્યો હોય એવી છાપ સૌમ્યાની કીકીમાં ઊપસી, ‘હું પણ અંગતને અંગત રાખવામાં માનું છું આદર્શ!’
પછી તો કોઈ-કોઈ વાર સૌમ્યા કૅન્ટીન સ્કીપ કરીને નાસ્તા માટે લાઇબ્રેરી આવી જતી. ક્યારેક બુક ગોતતો આદર્શ ગીત ગણગણતો જોવા મળે ને તે પૂછી પાડે - તમને જૂનાં ગીતો ગમે છે?
અને પછી લતાનાં ગીતોથી પૉલિટિક્સ સુધીના વિષયો પર તેમની વાતો થતી.
સૌમ્યા તરફનું ખેંચાણ બળકટ બનતું જતું હતું. આર્થિક ભેદ પણ હવે આદર્શને પજવતો નહીં - આજે ભલે તેના પિતાની સરખામણીએ અમારું આર્થિક પોત પાતળું ગણાય, પણ કાલે દુનિયા આખીનો વૈભવ પત્નીનાં ચરણોમાં ધરી ન દઉં તો હું પતિ શાનો? પુરુષ શાનો? એથી વિશેષ, મને ખાતરી છે કે સૌમ્યામાં નાનકડા ફ્લૅટમાં સમાઈ જવાનો ગુણ છે. અમે એકમેકને ચાહતા હોઈએ ત્યાં બીજું બધું જ ગૌણ છે.... પણ સૌમ્યા મને ચાહતી હશે ખરી?
બસ, અહી આદર્શ ગૂંચવાતો. સૌમ્યાનો હૈયાભેદ પારખવા મથતો, પણ સૌમ્યા માટે એમ જ કશું ધારવું-પારખવું મુશ્કેલ હતું. પોતાના અંગતની ભનક આવવા દે એવી આ છોકરી જ નથી.
‘હાઉ ડેર યુ.’
દિવાળીની છુટ્ટી પહેલાં સૌમ્યાનું નવું જ પાસું ઉજાગર થયું. કૅમ્પસમાં રખડતા કૂતરા પર પથ્થરમારો કરી એને લાકડીથી ફટકારતા નારંગનો હાથ પકડીને તેણે લાકડી ખૂંચવી, ‘અબોલ પશુ પર અત્યાચાર કરતાં શરમાતો નથી?’ કહેતાં તેની જાંઘ પર ફુટપટ્ટીની જેમ ફટકારી.
તેના આવેશે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું. આદર્શ ભીડ ચીરીને આગળ વધ્યો. કૅમ્પસમાં કૂતરા દેખાતા, પણ એમનો ત્રાસ નહોતો. નિરુપદ્રવી જાનવરને વિના કારણ માર મારતા આદમી પ્રત્યે ગુસ્સો જાગવો સ્વાભાવિક છે. આદર્શને હવે જાણ હતી કે સૌમ્યા અબોલ જીવોની સંભાળ માટેના એનજીઓ સાથે સંકળાયેલી છે અને તેની પાસે ત્રણ અલગ-અલગ બ્રીડના ડૉગ્સ છે!
‘નાની હતી ત્યારે ડૉગીની બહુ બીક લાગતી. મારી બીક ભાંગવા ડૅડીએ મને પંદરમી બર્થ-ડે પર સાચકલો ડૉગ ગિફ્ટ કર્યો. બસ, ત્યારથી મૂંગાં પશુઓ સાથે નાતો સંધાયો એ સંધાયો. મુંબઈની જાણીતા એનજીઓ સાથે મળી ઘણા પ્રોજેક્ટ્સ કર્યા છે મેં.’ તેણે કહેલું, ‘ઇટ્સ માય પર્સનલ થિંગ.’
નૅચરલી, કૂતરાને મરાતો જોઈને તે વચ્ચે પડ્યા વિના રહી જ ન શકે. પછી ભલેને સામે નારંગ કેમ ન હોય!
સૌમ્યા સાથે ભણતો નારંગ અમીર બાપની ઔલાદ હતો. પ્લેબૉયની ઇમેજ ધરાવતા નારંગને જોઈતું મળી પણ રહેતું. નો કમિટમેન્ટ ઇન રિલેશનશિપની તેની નીતિ છતાં તેના જેવા અમીર જુવાનને બધી વાતે રાજી રાખીને પોતાનું પર્સ ભરવામાં માનતી છોકરીઓની કમી ક્યાં છે? એમાં બે-ચાર છોકરીઓએ અબૉર્શન કરાવ્યાની કાનાફૂસી પણ થતી. સૌમ્યા, અલબત્ત, તેના ઝાંસામાં ન જ આવે; પણ કૉલેજમાં ચમચાઓનું ટોળું જમાવીને રુઆબ છાટવામાં માહેર ગણાતા નારંગે ધાર્યું નહોતું કે ભારોભાર ઍટિટ્યુડ ધરાવતી છોકરી બધાની વચ્ચે પોતાનો આમ તમાશો બનાવી દેશે!
‘મને શરમ નથી આવતી...’ તેણે પાધરકી સૌમ્યાને જકડી, ‘અને તારા જેવી રૂપસુંદરીના હોઠ ચૂમતા તો જરાય શરમાતો નથી.’
જોનારા હેબતાયા. સૌમ્યા લાલ-પીળી થઈ. તેના અધરો પર ઝૂકવા જતા નારંગને ઝાટકો દઈને આદર્શે દૂર કર્યો : શિક્ષણધામમાં આવી બદતમીજી, આટલી બદમાશી!
સદા સૌમ્ય, હસમુખા જણાતા આદર્શના ઍન્ગ્રી યંગમૅન લુકે નારંગ જેવાનીયે જીભ ઝલાઈ ગઈ. કસરતને કારણે કસાયેલા દેહનાં ફૂલેલાં બાવડાં જોઈને પડકારવાની હામ ન થઈ. ત્યાં હાંફ ઉતારતી સૌમ્યાએ શબ્દબાણ માર્યું, ‘આદર્શે તને બચાવ્યો નારંગ. બાકી તો તારી આ ગુસ્તાખી બદલ ચોક્કસ જગ્યાએ એવું પાટું મારત કે તું મરદ કહેવડાવવાને લાયક ન રહેત!’
સાંભળીને ટોળામાંથી ઘણા હસી પડ્યા. નારંગ દાઝી ઊઠ્યો.
આ પણ વાંચો : ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૨)
‘આટલું ગુમાન! ખુદ પર આટલો ઘમંડ! સૌમ્યા, યુ વિલ પે ફૉર ધીસ!’
‘અરે જા!’ સૌમ્યાએ તુચ્છકાર ઉછાળ્યો. ‘એમ હું ડરતી હોઈશ. થાય એ કરી લેજે.’
વેરભરી આંખે સૌમ્યાને જોઈને તેણે ચાલતી પકડી. ધીરે-ધીરે ટોળું વિખરાયું.
‘થૅન્ક્સ આદર્શ. તમે દુષ્ટને પડકારવાની હિંમત દાખવી...’
‘બટ સૌમ્યા, બી કૅરફુલ. નારંગનો ભરોસો ન થાય...’
‘નારંગ બોલબચ્ચન છે. તેનાથી કશું થવાનું નહીં.’ સૌમ્યાએ કહેલું. અને સાચે જ કંઈ ન થતાં એ કિસ્સો જ વિસરાયો. પણ સૌમ્યા દિલમાં ઘર કરી ગઈ હોય એમ આદર્શ તેના વિચારોમાં ખોવાતો.
‘આજકાલ તું બહુ ખોવાયેલો રહે છે દીકરા? કોઈ છોકરી ગમી ગઈ છે?’
અને આદર્શનું હૈયું બોલી ઊઠતું કે હા મા, મને એક કન્યા ગમી ગઈ છે... સૌમ્યા!
તેને તારી વહુ બનાવવાના ઓરતા જાગ્યા છે મા! આ જ પ્રીતને?
અણુ-અણુમાં મુગ્ધતા ઘૂંટાતી. પણ ના, સૌમ્યાને મારી કરવામાં હજી વાર છે. ત્રણ-ત્રણ ફ્લૅટ ધરાવતી સૌમ્યા માટે ઍટ લીસ્ટ બે બેડરૂમનો ફ્લૅટ લઉં પછી જ લાયક બન્યો ગણાઉં! તેના હૈયે મારી પ્રીત હશે તો તે પણ રાહ જોવાની છે!
આદર્શ કંઈકેટલાં સમણાં ગૂંથતો રહેતો.
દિવાળી પછીના સત્રની શરૂઆત કૉલેજમાં ઇવેન્ટ્સની મોસમ લાવતી. આદર્શ ઑડિયન્સ તરીકે ઇવેન્ટ્સ માણતો. ક્યારેય પર્ફોર્મ કરવાનું વિચાર્યું નહીં. આ વખતે વળી પહેલી વાર મિસ્ટર કૉલેજ ઍન્ડ મિસ કૉલેજની હરીફાઈ રખાઈ હતી.
આદર્શને આવી હરીફાઈમાં રસ નહોતો અને તેણે ધાર્યું એમ સૌમ્યાએ પણ ઉમેદવારી નહોતી નોંધાવી. હીરાએ પોતાનું મોલ કહેવાની જરૂર ક્યાં પડે!
ત્યાં સુધી ઠીક, સૌમ્યા ઇવેન્ટના ફાઇનલ રાઉન્ડ બાદ વિજેતા જાહેર થતાં સ્ટેજ પર ગઈ. સૂત્રધાર પાસેથી માઇક લઈને વિનરના પડખે ઊભી રહી. એમાં જીતનારી છોકરી જ ઝાંખી લાગી.
‘હું વધુ વખત નહીં લઉં...’ અદબભેર પ્રિન્સિપાલ પાસેથી મંજૂરી મેળવીને સૌમ્યાએ ખુલ્લા પટાંગણમાં હજારેક જણની મેદની સમક્ષ રજૂઆત માંડી, ‘હું વિનર મિસ મીતાને દિલથી અભિનંદન આપું છું. સાથે એટલો સુધારો જરૂર સૂચવીશ કે એના ટાઇટલ ‘મિસ કૉલેજ’ની પાછળ ‘અમંગ ધ પાર્ટિસિપન્ટ્સ’નું ટૅગ મૂકવું જોઈએ. મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સની સ્પર્ધાઓમાં તો ખાસ. આપણા દેશમાં ચીંથરે વીંટ્યાં રત્નોની કમી નથી. ખેતરમાં લણણી કરતી કે તગારાં ઊંચકીને મજૂરી કરતી સ્ત્રીનું લાલિત્ય તમે જોયું છે! તેને સ્પર્ધાના અંગ્રેજી ફૉર્મ્સ સાથે, ચબરાકિયા સવાલ-જવાબ સાથે કે પછી ગરીબ-ગુરબાની સેવાની દંભી વાતો સાથે નિસબત નથી. તેમનું શરીરસૌષ્ઠવ કહેવાતી મિસ યુનિવર્સોને ભૂ પાય એવું હોય છે... દુનિયાની તમામ સ્ત્રીઓમાં જે અધિક સુંદર તે વિશ્વસુંદરી, કબૂલ, પણ જ્યાં વિશ્વની અમુક જ સુંદરીઓ ભાગ લેતી હોય એ સ્પર્ધાની વિનરને મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ ન કહેવાતાં વિનર અમંગ ધ પાર્ટિસિપન્ટ્સ જ કહેવડાવવી જોઈએ એવું મારું દૃઢ મંતવ્ય છે.’
કહેતી સૌમ્યાના હોઠ વંકાયા. ‘બાકી આનું ઉદાહરણ તમારી સામે જ ઊભું છે. મિસ કૉલેજ નીવડેલી મીતા કરતાં હું ક્યાંય વધુ ખૂબસૂરત હોઉં તો તેના માથે આ તાજનો શું મતલબ છે!’
પોતાના રૂપનો આટલો ઘમંડ!
પ્રેક્ષાગારમાં મોટા ભાગના પ્રેક્ષકોમાં આ પડઘો પડ્યો.
પણ મારી આંખો ત્યારેય નહોતી ખૂલી!
ચચરતા જીવે આદર્શે વાગોળ્યું : મેં તો આમાંય સૌમ્યાનું સ્પષ્ટવક્તાપણું જોયું, તેણે ઉઠાવેલા મુદ્દાને પ્રાધાન્ય આપ્યું...
પણ છેવટે તો માણસની ફિતરત જાંઘ ઉગાડ્યા વિના રહેતી નથી. પગથી માથા સુધી રૂપના, અમીરીના ઘમંડના આવરણમાં ઝબોળાયેલી માનુનીની ફિતરતે એવો જખમ દીધો જે આજે છ વરસેય રુઝાયો નથી. એનું વેર નહીં લઉં ત્યાં સુધી હું રુઝાવા પણ નહીં દઉં!
વધુ આવતી કાલે