17 January, 2023 12:30 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૨)
હીરાનાં ઘરેણાં.
મોડી રાત્રે સાંજના વિકલ્પ પર વિસ્તારથી વિચારતાં અવનિશને ઉપાય યોગ્ય લાગવા માંડ્યો : વનલતામા પાસે હીરાનો રજવાડી સેટ છે. હાર, બે બંગડી, બુટ્ટી અને વીંટી. હજી ગયા વરસે મમ્મીના પંચાવનમા જન્મદિન નિમિત્તે ગિફ્ટ કરેલો સેટ ત્રણ-સવાત્રણ કરોડનો થયેલો...
માને જ્વેલરીનો શોખ. એમાંય હીરા તેના ફેવરિટ. અને છતાં મને થાળે પાડવાના ઇરાદે પિતાજીએ મોટી ઉંમરે કેમિકલ ટ્રેડિંગનો બિઝનેસ નાના પાયે શરૂ કર્યો ત્યારે મમ્મીએ એક મંગળસૂત્ર સિવાયનાં તમામ ઘરેણાં ધરી દીધેલાં.
અવનિશે વાગોળ્યું.
આમ જુઓ તો દિવાકરભાઈ-વનલતાબહેનનો સંસાર મધુરો. અંધેરી ખાતે બે બેડરૂમનો ફ્લૅટ. આર્થિક સ્થિતિ પણ ઠીક-ઠીક ગણાય એવી. પોતાની સ્મૉલ કાર પણ ખરી. એકનો એક દીકરો તેમનો શ્વાસ-પ્રાણ. મોટો થતો અવનિશ રૂપ-ગુણમાં નિખરતો ગયો. દિવાકરભાઈની ફાર્મા કંપનીમાં જૉબ હતી. અવનિશ કૉલેજમાં આવતાં તેમણે કેમિકલ ટ્રેડિંગનું કામકાજ શરૂ કર્યું. એમબીએ થતા સુધીમાં અવનિશ ટ્રેડિંગમાં ઘડાઈ ચૂકેલો. પછી તો પરિશ્રમથી વ્યાપારનો વ્યાપ વિસ્તરતો જ ગયો. થાણે-ગોરેગામમાં ફૅક્ટરી, ફોર્ટમાં ઑફિસ. અંધેરીથી મલબાર હિલ શિફ્ટ થયા. બિઝનેસ જામ્યા પછી અવનિશે પપ્પા પાસે ફરજિયાત રિટાયરમેન્ટ લેવડાવેલું : હવે તમારે ફક્ત આરામ કરવાનો... સ્પેન્ડ ટાઇમ વિથ મૉમ.
માવતરને આનો આનંદ હતો, સંતોષ હતો.
‘હવે તને પરણાવી દેવો છે..’
આમ તો વનલતાબહેન પાછલાં ત્રણેક વરસથી દીકરા માટે કન્યારત્ન ગોતતાં’તાં. એમાં છએક મહિના અગાઉ સાંવરીના કહેણે મેળ જામી ગયો. ફાઇનૅન્સ કન્સલ્ટન્ટ પિતા નીરવભાઈ અને ગૃહિણી માતા સારિકાબહેનનાં બે સંતાનોમાં મોટા ભાઈથી નાની સાંવરી હોમ સાયન્સનું ભણીને વરલીના ઘર નજીકની શાળામાં ખાસ વર્ગો લેવા જતી. અત્યંત રૂપાળી, ભારોભાર આત્મવિશ્વાસુ. મૂલ્યોમાં માનનારી સાંવરીના સંસ્કાર-ગુણોમાં દંભ નહોતો. લતાજીનાં ગીતોથી હિન્દી પૉકેટબુક્સ વાંચવા સુધીની તેમની પસંદ મળતી હતી. કુંવારી કન્યાના અરમાન જેવો આકર્ષક અવનિશ ચોવીસની થયેલી સાંવરીના હૈયાને ઝંકૃત કરી ગયો. બન્નેના હકારે ગોળધાણા ખવાયા.
‘આમ તો હું સાંવરીથી ત્રણ વરસ મોટો છું અને તમે મારાથી ત્રણેક વરસ મોટા છો. તમને જીજુસાહેબ કહું, અવનિશકુમાર કહું...’
શુકનનો સવા રૂપિયો અને નાળિયેરની આપ-લે પછી યંગસ્ટર્સ એકલા પડતાં સાંવરીના મોટા ભાઈની પૃચ્છા સામે અવનિશ મલકેલો...
‘કેવળ અવનિશ. સાળા-બનેવી વચ્ચે તો મિત્રતા જ હોયને.’
સાંભળીને સાંવરી ખીલી ઊઠેલી. પછીથી અવનિશને કહેલું પણ - ‘હું પપ્પા-મમ્મીની લાડકી ખરી, પણ મોટા ભાઈએ તો મને હંમેશાં પ્રિન્સેસની જેમ જ ટ્રીટ કરી છે. બિઝનેસ મૅનેજમેન્ટનું ભણીને તે મલ્ટિનૅશનલમાં લાગ્યા પછી દર પગારે પહેલી ગિફ્ટ મારા માટે લે છે...’
સગાઈ પછી બન્ને ઘરો વચ્ચે આત્મીયતા સ્થપાઈ ગયેલી. સાંવરી દૂધમાં સાકરની જેમ મમ્મી-પપ્પા સાથે ભળી ગઈ. સાળા-બનેવી વચ્ચે દોસ્તી ગહેરી બનતી ગયેલી. બન્ને ક્યારેક દમણની ટ્રિપ પણ ગોઠવી દેતા. બારમાં ગોઠવાઈ નિરાંતે સાંવરીની ફીરકી લેતા : ‘સાંવરી, યાર અવનિશ તો એકદમ ચાલુ નીકળ્યો. અહીં તરણહોજમાં તરતી લલનાઓને લાળ ટપકાવતો તાકી રહ્યો છે, બોલ!’
કાનાફૂસીની ઢબે ભાઈએ આટલું કહેતાં સાંવરી ઊકળવા માંડે. અવનિશ ઠાવકાઈથી જવાબ વાળે - તેં નહોતું કહ્યું કે તારા ભાઈ માટે ભાભી ગોતવાની છે... એ માટે છોકરી જોવી તો પડેને!
‘એના માટે ભાઈને આંખો છે, તે જોશે. સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરેલી છોકરી જોવાની તમારે જરૂર નથી.’
‘અરે, તારે તો રાજી થવું જોઈએ કે હું સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરેલી છોકરીઓને જોઉં છું, છોકરાઓને નહીં!’
બનેવીની સિક્સરે સાળો ખડખડાટ હસી પડતો ને પોતાની રીલ ઊતરી રહી છે એ સમજતી સાંવરી ‘યુ બોથ આર ઇમ્પૉસિબલ’નો કકળાટ કરીને કૉલ કટ કરતી. મુંબઈ પરત થયા પછી જોકે સાંવરીની બનાવટી રીસ ઉતારતાં બન્નેને નવ નેજાં પાણી ઊતરતાં ખરાં!
‘વળી પાછું ટૂરિંગ!’
આ પણ વાંચો : ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૧)
વ્યાપારના કામે અવનિશે ફૉરેન ટૂર્સ પણ કરવી પડતી. તેના જવાથી સાંવરી ઉદાસ બનતી. અવનિશ તેને હસાવવા મથતો - ત્યાં કોઈ સ્વિમિંગ કરતી છોકરીને નહીં જોઉં, બસ!
અને સાંવરી અવનિશને વળગી પડતી, ‘જાણું છું અવનિશ કે તમે સમણામાંય કોઈને નિમંત્રો એવા નથી...’
કેટલો વિશ્વાસ, કેટલી શ્રદ્ધા!
આનાથી સાવ વિરુદ્ધ છેડાનું વ્યક્તિત્વ એટલે ઝંખના.
કાંટા જેવો ચૂભ્યો. સ્મરણયાત્રા સમેટતાં અવનિશે હોઠ ભીડ્યા : મારી પહેલી પ્રાયોરિટી ઝંખનાને અમારા જીવન પરિઘથી દૂર રાખવાની છે અને એ માટે તેણે માગેલા બે કરોડની ચુકવણી વનલતામાનાં હીરાનાં ઘરેણાં વેચીને થઈ શકે એમ છે!
અફકોર્સ, મા પાસે બીજાં ઘરેણાં છે. મારી-પપ્પાની વીંટી, ચેઇન, બ્રેસલેટ એવું બધુંય ખરું; પણ બે કરોડ માટે એ બધું જથ્થામાં કાઢવું પડે, જ્યારે અહીં તો માનો હીરાનો નેકલેસ જ વેચવો પૂરતો થઈ રહે!
હીરાનો એ દાગીનો બૅન્કના લૉકરમાં છે, જે હું ઑપરેટ કરી શકું એમ છું એટલે તાત્કાલિક તો મા-પિતાજીને કહેવું-પૂછવું પડે એમ નથી... પણ મે મહિનામાં મારાં લગ્ન ટાણે માને એ સેટ સાંભરશે ત્યારે હાર નહીં ભાળીને આઘાત પામશે. બૅન્કના રેકૉર્ડ પરથી છેલ્લે મેં લૉકર ઑપરેટ કર્યાની વિગતો મળ્યા પછી મારા પક્ષે બચાવ નહીં હોય... ના... ના, હાર વેચીને હું ઝંખનાના બ્લૅકમેઇલિંગને તાબે થયો છું એવું તો જાહેર ન જ થવું જોઈએ, નૉટ ઍટ ઍની કૉસ્ટ.
- અને એ હાલ તો એક જ રીતે શક્ય છે... હારની અદલાબદલી!
અવનિશની કીકીમાં ચમક ઊપસી.
થોડા સમય પહેલાં જ પોતે ‘મિડ-ડે’માં લૅબગ્રોન હીરા વિશે વાંચ્યું છે... લૅબોરેટરીમાં વિકસાવેલા હીરા રૂપ, રંગ, ગુણમાં ખાણમાંથી મળતા હીરા જેવા જ હોય છે. એટલા અદલોઅદ્દલ કે પારખુ ઝવેરીનેય ભેદ પારખવામાં થાપ ખાવાનો ભય રહે! ખાણિયા હીરાની સરખામણીની કિંમતમાં સાવ સસ્તા ગણાય એવા.
બેશક, ઇમિટેશન જ્વેલરી કરતાં લૅબગ્રોન ડાયમન્ડની બનાવટ મોંઘી પડે, પણ એમાં સપડાવાનું જોખમ નહીં. ધારો કે મમ્મીના નેકલેસ જેવો ડિટ્ટો હાર લૅબગ્રોન હીરામાંથી બનાવડાવ્યો હોય તો એ નકલી હોવાનું કોઈ જાણી પણ ન શકે!
એક વાર નેકલેસની ડુપ્લિકેટ તૈયાર થઈ જાય કે ઓરિજિનલ વેચી ઝંખના સાથે સોદો પાર પાડી દેવાનો, અને લૉકરમાં લૅબગ્રોન હીરાવાળી જણસ મૂક્યા પછી નિરાંત! આ અદલાબદલી કોઈને ગંધાવાની નહીં... અલબત્ત, માને મારે અસલી હાર કરાવી જ આપવાનો હોય, પૈસાની વ્યવસ્થા થાય ત્યારે એ પાકું!
સૉરી મમ્મી, પપ્પા, સાંવરી. જિંદગીમાં પહેલી વાર તમારાથી કંઈક છાનું રાખવાનું પાપ કરું છું, દરગુજર કરશો.
અને નાઇટ લૅમ્પ બંધ કરીને અવનિશે માથે ઓઢી લીધું.
lll
‘ન રો ઉર્વશી... સૌ સારાં વાનાં થઈ જશે.’
બોરીવલીની સરકારી હૉસ્પિટલના ત્રીજા માળની લૉબીમાં મૂંગાં આંસુ સારતી પત્નીને વિશાલે આશ્વસ્ત કરી, ‘કસોટી કરનારો ઈશ્વર જ આપણને પાર ઉતારશે.’
ઈશ્વર. ઉર્વશીનું નમણું મુખ રોષથી ધગધગી ઊઠ્યું. આ જીવનમાં તો જાણીને આપણે કોઈ પાપ કર્યું નથી તોય આપણા ચાર વરસના એકના એક દીકરાને હૃદયરોગની બીમારી આપનારા ઈશ્વરને હું નથી માનતી...
વિશાલે નિ:શ્વાસ નાખ્યો.
આ પણ વાંચો : જંગ (પ્રકરણ - ૨)
ગરીબીમાંય સુખભર્યો સંસાર માણતું દંપતી દીકરાની ગંભીર બીમારીએ હચમચી ઊઠ્યું છે. ઑપરેશન અનિવાર્ય છે અને સરકારી ડૉક્ટરે દસથી પંદર લાખનો ઑપરેશન ખર્ચ કહ્યો છે. ખાનગી કંપનીમાં કારકુનની મારી નોકરીથી દળદળ ફીટે એમ નથી. ચાલીની રૂમ ભાડાની, પાડોશીનુંય આર્થિકપણું પાતળું. જ્યાં-જ્યાંથી મદદની ઉમ્મીદ હોય ત્યાં ટહેલ નાખી ચૂક્યો. દોઢેક લાખની મદદ મળી પણ ખરી, તોય ઑપરેશનના ખર્ચથી હજીયે ક્યાંય છેટું.
બાકી નિનાદ તો અમારા સુખનું કેન્દ્ર. આજે તો ડૉક્ટરે મહિનાની મુદત આપી છે. ત્યાં સુધીમાં ઑપરેશન ન થયું તો... - નહીં... નહીં, કોઈ પણ હિસાબે ત્યાં સુધીમાં રૂપિયાનો બંદોબસ્ત પાર પાડવો રહ્યો.
કોઈ પણ હિસાબે એટલે કોઈ પણ હિસાબે. ચોરી કરીશ, ખૂન કરીશ; પણ મારા લાલને મરવા નહીં દઉં.
- અને કોઈની તીણી ચીખોએ વિશાલને ઝબકાવ્યો. ઉર્વશીએ પણ ઝટ આંસુ લૂછ્યાં. જનરલ વૉર્ડ સામેની લૉબીમાં મોજૂદ સૌકોઈ અનુકંપાથી સ્ટ્રેચર પર લવાતા નવા પેશન્ટને નિહાળી રહ્યા. જુવાન આદમીના બન્ને હાથમાં ફ્રૅક્ચરનો પાટો હતો અને ગોઠણેથી કપાયેલા ડાબા પગનો લોહીભીનો પાટો જોઈને ઉર્વશીએ નજર ફેરવી લીધી.
‘તેની દયા ખાવાની જરૂર નથી... ટ્રેનમાંથી પૅસેન્જર્સનો સામાન ચોરવાનો તેનો ધંધો હતો. એમાં આજે ચાલુ ટ્રેને ઊતરવા જતાં ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેના ગૅપમાં પડ્યો - એનું આ પરિણામ!’
એકાદ નર્સ બબડી ગઈ.
વિશાલે જોકે અનુકંપા જ દાખવી : તેની પણ કોઈ મજબૂરી હશે... કે પછી આ જ તેનો ધંધો હશે?
અને વિશાલ ટટ્ટાર થયો.
ટ્રેનયાત્રામાં મુસાફરોનો સામાન ચોરાવાની ઘટના બનતી રહે છે. ખાસ કરીને પ્રથમ વર્ગના કોચના પ્રવાસીઓના લગેજમાં કીમતી ચીજો હોવાની... તો-તો મારે આ ધંધો કરવા જેવો ખરો! બની શકે કે આવી એક જ ચોરીમાં મારો ટાર્ગેટ અચીવ થઈ જાય કે પછી આઠ-દસ વારે ઑપરેશનની રકમ ભેગી થાય... વિશાલ, આ જ એક હાથવગું હથિયાર છે. લગેજ ચોરને મોકલીને કુદરત જ તને પ્રેરી રહી છે એમ જ માન તું!
પોતાનો નિર્ણય કેવો રંગ દાખવશે એની વિશાલને ક્યાં ખબર હતી?
lll
અદ્ભુત!
સુરતની હોટેલમાં ઊતરેલો અવનિશ થોડી વાર પહેલાં અહીંના ઝવેરીએ ડિલિવર કરેલો લૅબગ્રોન હીરાનો હાર ઓરિજિનલ નેકલેસ સાથે સરખાવતાં રોમાંચિત બન્યો : ઝવેરીએ એટલું ઝીણવટભર્યું કામ કર્યું છે કે અસલી હાર પર કાળા દોરાની નિશાની બાંધી ન હોત તો મનેય અત્યારે અસલી-નકલી ખબર ન પડત!
દસેક દિવસ અગાઉ નેકલેસની અદલાબદલીનું નક્કી ઠેરવ્યા પછી પોતે આવા કામમાં માહેર કારીગરની ખોજ આરંભી. હારનું કોઈ પણ કામ મુંબઈમાં તો કરવું જ નહોતું. હીરાનું હબ સુરત ગણાય છે. ત્યાં મારા વેપારી કૉન્ટૅક્ટ્સ પણ છે. તેમના થ્રૂ લૅબગ્રોન ડાયમન્ડનું કામકાજ કરતા ઝવેરીઓના રેફરન્સ મેળવ્યા. એમાં લાલ ગેટ આગળ નાનકડો શોરૂમ ધરાવતા ઝવેરી નાનુભાઈ ચોકસીનું કામ ગમ્યું. પોતે આપેલા હારના ફોટોગ્રાફ્સ પરથી તેમણે હૂબહૂ નકલ કરી આપી!
ત્રણ દિવસ પછી બિઝનેસના કામે કલકત્તાની ફ્લાઇટ પકડવાની જ છે. બે દિવસના રોકાણમાં અસલી હાર વેચી દઈશ. મુંબઈ પરત થઈ ઝંખના સાથે સોદો પતાવી મુક્તિ મેળવી લેતાં વાર નહીં!
સુરેખ જણાતા પ્લાનમાં નડનારા વિઘ્નની તેને ક્યાં જાણ હતી?
lll
મળસકે સાડાચારે મુંબઈ જતી બરોડા સુપરફાસ્ટ બોરીવલી સ્ટેશને ઊભી રહી.
ફર્સ્ટ ટિયર એસીની કૅબિનમાંથી ઉતરનારા પૅસેન્જર્સની ચહલપહલે અવનિશની નિંદર તૂટી. હવે કૅબિનમાં તે એકલો જ રહ્યો. આળસ મરડતાં ગ્લાસ-વિન્ડોમાંથી ડોકિયું કર્યું. : પોષ મહિનાની ઠંડીમાં સ્ટેશન પણ ઠૂંઠવાઈને પડ્યું હોય એવું લાગ્યું.
રોડ કરતાં અવનિશ ટ્રેન-પ્લેનની જર્ની પ્રિફર કરતો. સુરતથી મુંબઈની ફર્સ્ટ ટિયર એસીની ટિકિટ કન્ફર્મ હતી. હું પણ વૉશરૂમ જઈને પાછો ઊંઘી જાઉં. હજી તો મુંબઈ સેન્ટ્રલ પહોંચતાં ટ્રેનને પોણો કલાક લાગશે!
- અને વૉશરૂમમાંથી નીકળતાં અવનિશે જોયું તો ધાબળો વીંટાળેલો શખ્સ ચાય ગરમ - ચાય ગરમ! બોલતો હળવા ધક્કા સાથે ચાલુ થયેલી ટ્રેનમાંથી ઊતરી જતો દેખાયો!
કમાલ છે! અવનિશને રમૂજ થઈ. ગરમ ચા વેચનારનો એક હાથ ખાલી હતો અને બીજા હાથે છાતી આગળ કામળો દબાવી રાખ્યો હતો - કીટલી તો હતી જ નહીં!
અરે બાપ રે.
બીજી પળે ધ્રાસકો પડ્યો. દોડીને પોતાના કમ્પાર્ટમેન્ટમાં જોયું તો અનુમાન સાચું પડ્યું : પોતાની બ્લૅક સૂટકેસ ગાયબ હતી! પેલો આદમી ચાયવાળો નહીં, લગેજ ચોરનારો હતો અને છાતી આગળ ધાબળો નહીં, ધાબળા સાથે પોતાની સૂટકેસ દબાવી હતી!
હે ભગવાન, આ શું થઈ ગયું!
lll
સ્ટેશનથી દૂર પહોંચીને વિશાલે ધાબળો ફંગોળ્યો. આસપાસનું એકાંત ચકાસીને સૂટકેસનું લૉક તોડ્યું. ત્રણ-ચાર દિવસથી પોતે સામાન ચોરવાની કોશિશ કરતો હતો, પણ છેલ્લી ઘડીએ સંસ્કારની બ્રેક લાગી જતી - કોને ખબર, સામાનમાં કોઈની મરણમૂડી હોય, કામના દસ્તાવેજ હોય; શા માટે કોઈને ઉપાધિમાં મૂકવા! પણ પોતે આમ જ બીજાનું વિચારી બેઠો રહેશે તો દીકરો નહીં બચે. એ તકાજાએ આજે વિશાલને હાથ કી સફાઈ માટે પ્રેર્યો હતો. પહેલી ચોરીમાં શું મળ્યું એ જોવા તેણે સૂટકેસ ફંફોસી અને બીજી પળે હીરાનો ઝગમગાટ તેના ચહેરા પર પથરાઈ ગયો.
વધુ આવતી કાલે