16 January, 2023 03:18 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff
ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૧)
જાને ક્યા બાત હૈ...
દૂર ક્યાંક ગૂંજતા લતાના ગીતે પોતાના જ અંતરમનની લાગણી વ્યક્ત કરી હોય એવું લાગ્યું : મારી પણ ઊંઘ વેરણ છે ને એમાં રાત્રિ વધુ પડતી લાંબી લાગે છે!
કાશ, ત્રણ મહિના અગાઉની એ રાત જીવનમાં આવી જ ન હોત...
હળવો નિસાસો સરી ગયો.
ના, વિયેટનામની હોટેલની રૂમમાં એ રાતે જે બન્યું એનાં મૂળિયાં તો એના ચાર દિવસ અગાઉ મુંબઈથી વિયેટનામની હવાઈ સફરની શરૂઆતથી જ નખાઈ ગયેલાં... મારી જાણ બહાર!
રૂમની બાલ્કનીની રેલિંગ પર કોણી ટેકવીને અર્ણવ વાગોળી રહ્યો :
‘મને પ્લેનની મુસાફરી હંમેશાં ડરાવે છે...’
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈના રનવે પર સરકવા લાગતાં જ વિન્ડો-સીટ પર બેઠેલી માનુનીએ કડકપણે મારો હાથ પકડી લીધો હતો...
નામ તેનું ઝંખના. ૨૩-૨૪ની વય, રૂપનો અંબાર, ફાટફાટ થતું જોબન તેના મૉડર્ન આઉટફિટમાં માનો સમાય નહીં. હસે તો ફૂલડાં ઝરે, બોલે તો જાણે મધ. ઑન્ટ્રપ્રનર તરીકે પોતે કૅન્ડલ મેકિંગના બિઝનેસમાં એસ્ટૅબ્લિશ છે, મલાડમાં રહેતા પેરન્ટ્સથી અલાયદો સ્વતંત્ર ફ્લૅટ તેમની જ સોસાયટીમાં છે ને સોલો ટ્રાવેલિંગ પોતાનું પૅશન હોવાનું જણાવનારી ઝંખનાએ ઉમેરેલું, ‘હું મિડલ ઈસ્ટ, હૉન્ગકૉન્ગ, જપાન ફરી છું. ઍન્ડ બિલીવ મી, મને તો સ્ત્રીદાક્ષિણ્યના સારા જ અનુભવો થયા છે. સોલો ટ્રાવેલર તરીકે મારું બજેટ લિમિટેડ હોય. મોંઘી હોટેલ પરવડે નહીં. મોટા ભાગે જે-તે સ્થળની લોકલ પબ્લિકને ત્યાં રેન્ટ પર રહું એ કિફાયતી તો પડે જ, સાથે તેમના કલ્ચરનો તાગ મળે.’
સાંભળીને પ્રભાવિત થવાયેલું. આટલી આત્મવિશ્વાસુ છોકરીને ક્યાંય વાંધો આવે જ નહીં, તે દરેક પડકારને પહોંચી વળે! મારી તારીફે તે મીઠું મલકેલી. હું કંપનીના કામે વિયેટનામ જઈ રહ્યો છું એ જાણીને તેની કીકીમાં ચમક ઊપસેલી.
‘ઇન ધૅટ કેસ, તમે મને રૂમ શૅર કરવા કહી શકો છો. ટ્વિન શૅરિંગ મારા પર્સને પરવડશે. તમારી કંપનીને એમાં વાંધો નહીં જ હોય અને એકમેકને રમણીય કંપની મળશે એ આપણા બન્નેનો ફાયદો.’
આ પણ વાંચો : દર્દ-બેદર્દ (પ્રકરણ - ૧)
સુંદર યુવતી પહેલી જ મુલાકાતમાં રૂમ શૅર કરવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે અવળા-સવળા વિચાર આવ્યા વિના ન રહે, પણ એ જ તો ઝંખનાની ખૂબી હતી.
‘અગાઉ મેં આવા લાભ ઉઠાવ્યા પણ છે...’ સફેદ દંતપંક્તિ દેખાડતું સ્મિત ફરકાવીને તે બોલી હતી, ‘સોલો ટ્રાવેલિંગની આ જ તો મઝા છે. નવાં ઍડ્વેન્ચર્સ, નવા અનુભવો માટે તમે તત્પર રહો. અલબત્ત, સામી વ્યક્તિ પુરુષ હોય ત્યારે તો ખાસ એટલી ચોખવટ કરી દેતી હોઉં છું કે હું કરાટેમાં બ્લૅક બેલ્ટ છું અને મારા ડ્રેસના પૉકેટમાં હંમેશાં ફોલ્ડિંગ નાઇફ રાખું છું એટલે તું અણછાજતી હરકત કરવાનો થયો તો તારા અંગ પર ચાકુનો છરકો કરતાં મને વાર નહીં લાગે...’
આડકતરી રીતે તેણે મને સંભળાવી દીધું... આટલી ખબરદાર છોકરી વિશે પછી એલફેલ ધરાય પણ કેમ!
‘બાપ રે, તમે આવું કહો પછી કોઈ બિચારાથી હિંમત પણ કેમ થાય!’
‘સાવ એવું નથી હં. તમારા જેવો કોઈ હિંમત કરે એ ગમે પણ ખરું.’
તેના વાક્યે મીઠી ગુદ્ગુદી થઈ હતી. કૉલેજમાં બૉય્ઝ પણ મને ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ કહેતા એ સાંભરી ગયું. સત્તાવીસની ઉંમરે કસરતને કારણે કસાયેલી કાયા સોહામણી લાગતી હોવાનું આયનો તો કહેતો જ હોય છે. ઝંખના સરખી રૂપાળી યુવતી એનો પડઘો પાડે એ તો હવામાં ઊડવા જેવું જ લાગેને! ત્યાં તેના હોઠ વંકાયા...
‘અને તમે પૂરતી હિંમત દાખવી દીધી....’ તેણે મારો હાથ તેના હાથથી અળગો કર્યો, ‘કબૂલ, ટેક-ઑફ વખતે મેં ગભરાટના માર્યા તમારો હાથ પકડી લીધેલો, પણ ઉડ્ડયન પછી તમને શું થયું કે ક્યારનો મારો હાથ પકડી રાખ્યો છે!’
‘ઓહ સૉરી.’ મને સાચે જ ધ્યાન નહોતું.
‘તમે સાચે જ ભોળા છો.’ ઝંખના સહેજ ગંભીર બનેલી, ‘એટલે જ તમારા પર વિશ્વાસ મૂકવાનું મન થાય છે... મારો ભરોસો તૂટવા ન દેતા.’
અને ખરેખર પોતે સપનામાં પણ ઝંખના સાથે છૂટછાટ લેવાનું વિચાર્યું નહોતું... મારે પાંચ દિવસનું રોકાણ હતું. દિવસના છ-સાત કલાક કંપનીના કામકાજમાં નીકળી જતા. સવારે દસ વાગ્યે હોટેલથી નીકળેલો હું સાંજે ચાર-પાંચ વાગ્યે પરત થાઉં ત્યાં સુધીમાં ફર્સ્ટ હાફનું ફરવાનું પતાવીને ઝંખના ઈવનિંગ આઉટિંગ માટે તૈયાર હોય : વી આર ગોઇંગ ફૉર ક્રૂઝ. મેં ટિકિટ કઢાવી લીધી છે, ટૅક્સી નીચે તૈયાર છે... તમે રૂમનું ભાડું લેવાની ના પાડો છો તો આટલી ટ્રીટ તો મારી હોયને!
કેટલી સ્વમાની છોકરી, કેવી સૂઝવાળી. સવારે હું તૈયાર થતો હોઉં ત્યારે તે બહાર જતી રહે. તે ખુદ મારા ગયા પછી તૈયાર થાય. રાત્રે અલગ કાઉચ પર સૂએ... તેની કંપની ગમવા લાગી હતી. મુંબઈના ઘરે મા આમ પણ પાછળ પડી છે : તારી નાની બહેનનું વેવિશાળ થઈ ગયું. વૈશાખમાં તેનાં લગ્ન લેવાનાં. ત્યાં સુધીમાં તારું પણ ક્યાંક ગોઠવાઈ જાય તો કન્યાવિદાયનો સૂનકારો વહુને પોંખીને ભરી દઉં!
મુંબઈ જઈને માને કહી શકાય ખરું કે એક છોકરી મને ગમી ગઈ છે? માને ન કહું તો પણ બનેવીને તો કહી જ શકાય. જીજુથી વધારે તે મિત્ર જેવા છે અને હૈયાની વાત ફોન પર કહેવાની મઝા ન આવે. વિયેટનામથી મુંબઈ જઈને પહેલું કામ જીજુને મળવાનું કરીશ... ઝંખનાના નામે રોમાંચ છલકતો. કદાચ એટલે પણ વિયેટનામની ઓળખ સમા બે હાથવાળા બ્રિજ પર સેલ્ફી લેતી વેળા આપોઆપ તેની કમરે હાથ મુકાઈ ગયો હતો. ઝંખનાએ પણ કેટલા ઊલટભેર એ સેલ્ફી લીધો હતો. નીકળવાની આગલી રાત્રે ઝંખનાએ ડ્રિન્ક ઍન્ડ ડિનરનો પ્રસ્તાવ મૂક્યો એ નકારવાનું પણ કારણ ક્યાં હતું? અમારી જનરેશન શરાબને વર્જ્ય માનતી નથી અને દારૂ પર કેવળ પુરુષોનો જ હક કેમ હોવો જોઈએ? ઝંખના કદાચ આ વિષયમાં મારું મંતવ્ય ચકાસવા માગતી હોય. કદાચ હૈયાની ઊર્મિ હોઠે આણવા પણ તેને મદિરાનો આધાર ખપતો હોય...
ધો બે લાર્જ પછી ઝંખનાએ મને ત્રીજો પૅગ લેવા દીધો નહોતો અને ચાર પૅગ સુધી મને કિક નથી લાગતી એનો મને ખ્યાલ હતો. સમહાઉ ડિનર પતતાં સુધીમાં માથું ભમવા લાગ્યું. ઝંખનાના ટેકે રૂમમાં જતાં મારા પગ લથડતા હતા. રૂમમાં દાખલ થઈને પલંગ પર પડતું મૂક્યાનું છેલ્લું સ્મરણ હતું...
...અને સવારે આંખો ખૂલી ત્યારે શરીર પર વસ્ત્રો નહોતાં, બિસ્તર ચોળાયેલું હતું અને બેડશીટ પર લોહીના ડાઘ હતા!
આંચકાભેર બેઠો થયો એવી જ ડૂસકાં ખાતી ઝંખના ધસી આવી, ‘યુ હેવાન. તમે મને ક્યાંયની ન રાખી!’
હેં. ધીરે-ધીરે ગડ પડી. ઝંખનાના આક્ષેપ મુજબ રાત્રે નશાની હાલતમાં છાકટા બની મેં તેની આબરૂ લૂંટી લીધી!
ન હોય. મને આલ્કોહૉલની ટેવ નથી, પણ આનાથી વધુ દારૂ પીનેય હું ભાન ભૂલ્યો નથી. તો પછી...
‘મતલબ, તું સાચો ને હું જૂઠી? બિસ્તર પરનાં, અંગ પરનાં આ નિશાન જૂઠાં?’ ઝંખના ફૂત્કારી ઊઠી, ‘મને હતું જ... હોશમાં આવતાં તું નામુકર જવાનો... એટલે તો તારા ફોટો મોબાઇલમાં પાડી રાખ્યા છે.’
આ પણ વાંચો : જંગ (પ્રકરણ - ૧)
લોહીવાળી બેડશીટ પર પોતાના સાવ ઉઘાડા ફોટો જોઈને સંકોચાઈ જવાયું.
‘આની કોઈ જરૂર જ નથી ઝંખના.’ ઉમળકાભેર કહેવા ધારેલું વાક્ય બચાવની ઢબે નીકળ્યું, ‘હું તને ચાહવા લાગ્યો છું. આપણે લગ્ન કરીશું.’
સાંભળીને પળવાર તો ઝંખના મને એકીટશે નિહાળી રહી. અને તેનાં આંસું સુકાયાં, હોઠ વંકાયા ને તે ખડખડાટ હસી.
‘લ...ગ્ન! યુ સિલી મૅન! તું શું એમ માને છે કે મારી ઇચ્છા વિરુદ્ધ મને કોઈ ભોગવી શકે! માય પુઅર અર્ણવસિંહ, આ જ તો મારી મોડસ ઑપરેન્ડી છે!’
મોડસ ઑપરેન્ડી. ગુનાની પદ્ધતિ! હું ફાટી આંખે ઝંખનાના અનાવૃત આવરણને નિહાળી રહ્યો.
‘યસ મિસ્ટર ચોકસી. વિદેશમાં ફરનારો સ્વાભાવિકપણે સ્થિતિપાત્ર હોય. હું આમ જ શિકારને નજરમાં રાખીને નિકટતા કેળવું છું. તે પુરુષ સાથે કોઈ પણ રીતે થોડાક કલાકનું સાંનિધ્ય મેળવી તેને ઘેનભર્યો દારૂ પાઈ આવા ફોટો ઝડપી લઉં એ જ મારી આજીવિકાનું સાધન!’
રૂપાળી યુવતીનો ઇરાદો, ધંધો આટલો મેલો! કૅન્ડલ બિઝનેસની, મલાડના ઘરની બધી વાતો તરકટી. કેટલું છળ!
‘ચલ, પહેલાં આ કોરા કાગળ પર તારું નામ-સરનામું લખીને સહી કરી આપ...’
બ્લૅન્ક પેપર પર સહી કરી હું તેને મારા વિરુદ્ધનું અમોઘ શસ્ત્ર આપી રહ્યો હોવાની સમજ હોવા છતાં બીજો ઉપાય ક્યાં હતો? મારા અંગત-અંગત ગણાય એવા ફોટો તેની પાસે હતા. ડેમ ઇટ!
મુંબઈ પરત થયાના આ ત્રણ મહિનામાં તે કુલ પંદર લાખ ઉસરડી ગઈ છે... પણ હવે તો તેણે માઝા મૂકી છે. કહે છે કે કાયમનો નિવેડો લાવવો હોય તો બે કરોડ ચૂકવી દે!
બે કરોડ નાનીસૂની રકમ નથી. આટલી બચત મારી પાસે હોય નહીં, પપ્પા પાસે કયા બહાને માગવી? અને કહી પણ જોઉં તો પપ્પા તેમનું બધું સેવિંગ્સ વટાવે તો કદાચ મેળ પડે... મારી નિ:સહાયતા સામે તે નિષ્ઠુરપણે હસી હતી : તારે કપડાં વિના વાઇરલ ન થવું હોય તો માથે છત વિનાનો થઈને પણ મારી માગ ચૂકતે કર. આઇ ડોન્ટ કૅર!
માંડ તેને વિનવીને હું મુદત પાડતો જાઉં છું, પણ ક્યાં સુધી?
આ પ્રશ્ને અત્યારે પણ ધગધગતો નિસાસો સરી ગયો અર્ણવથી.
હું ક્યાં ઝંખના જેવી ઔરતના ચુંગાલમાં ફસાયો? સતત આની જ તાણ રહે છે. ગમે ત્યારે તે મારા ફોટો ફરતા કરી દેશે એનો ફડકો રહે છે. ઑફિસમાં મન નથી લાગતું, ઘરમાં ખૂલીને વાતો નથી કરી શકતો... અને છતાં બધેબધું બરાબર છે એમ વર્તવું પડે છે. મારા કારણે ખાનદાનની બદનામી થાય એ ન ખપે, એમ મને બચાવવા પપ્પા તેમનું સઘળું લૂંટાવી બેસે એય ન પરવડે... બહુ વિચારતાં મને એક જ માર્ગ સૂઝે છ - આત્મહત્યા! અંતિમ ચિઠ્ઠીમાં ઝંખનાનું પાપ લખતો જઈશ, પછી કાયદો તેને નહીં છોડે. મારી તસવીરો પણ તે ફરતી નહીં મૂકી શકે. મમ્મી-પપ્પાને તો બહેન-બનેવી સંભાળી લેશે...
થોડા દિવસથી ઘૂમરાતો થયેલો આપઘાતનો વિચાર રાત્રિના એકાંતમાં વળી ઘૂમરી ખાવા લાગ્યો. મુંબઈગરાને તો દરિયામાં સમાવું વહાલું પણ લાગે.
કાલે ફોર્ટની ઑફિસે જતાં સી-લિન્ક પરથી દરિયામાં પડતું મેલી દેવું છે! પણ એ પહેલાં ઝંખનાનાં કરતૂત સુસાઇડ નોટમાં લખી દઉં...
અને અર્ણવે મોબાઇલમાં મેઇલ ખોલીને ગુજરાતીમાં ટાઇપ કરવા માંડ્યું.
બે હજાર શબ્દો જેટલું લખાણ પતાવતાં બે-અઢી કલાક થયા. આંખો ઘેરાવા લાગી. મગજ કામ નહોતું આપતું. ઑફિસના પોતાના જ ઈ-મેઇલ ઍડ્રેસ પર ‘માય કન્ફેશન’ના સબ્જેક્ટ સાથે મેઇલ રવાના કરવી હતી. મારા ગયા બાદ ઑફિસનો આઇટી સેલ મારી ઈ-મેઇલને રિકવર કરવાનો જ. ત્યારે તેમના ધ્યાનમાં આવતાં ફૅમિલીને પણ આપઘાતનું કારણ જાણવા મળશે...
બસ, અર્ણવને એટલું ધ્યાન ન રહ્યું કે ઊંઘતી આંખે બીજું જ ઍડ્રેસ સિલેક્ટ કરતાં મેઇલ ભળતા જ ઠેકાણે રવાના થઈ છે!
હું તો કાલે આ દુનિયામાં નહીં હોઉં ઝંખના... જાણે તેં કેટલા પુરુષોને તારી જાળમાં ફસાવ્યા હશે અને એમાંના કેટલા મારી જેમ ખુદ મરીને છૂટ્યા હશે! પણ તને ક્યારેક કોઈ શિકાર માથાનો મળશે... અને મારા જેવા નિર્દોષનું વેર વ્યાજ સાથે વસૂલશે!
હે ઈશ્વર, હું સાચો હોઉં તો આને મારી આખરી ઇચ્છા માનીને ચોક્કસ આવો યોગ ઘડજે!
અને અર્ણવસિંહની આંખોમાં ઊંઘ વસી ગઈ.
lll
બીજી સાંજે -
‘નો વે મિસ્ટર અવનિશ મહેતા... ઝંખના તેની ડિમાન્ડમાં બાંધછોડ નથી કરતી. તમને કહ્યુંને બે કરોડ એટલે પૂરા બે કરોડ!’
થોડી વાર પહેલાં ઝંખનાના શબ્દો પડઘાતા અવનીશે હોઠ કરડ્યો.
બે કરોડ ઇઝ બિગ થિંગ. બિઝનેસમાંથી ઉપાડ થઈ શકે, માર્કેટમાંથી વ્યાજે પણ મળી રહે; પણ પછી ગ્રોથ અટકે, શાખને ઘસારો પહોંચે... નહીં, સખત પરિશ્રમથી જમાવેલા ધંધા પર રોક લાગે એવું કરવું નથી. મલબાર હિલનું ઘર પણ કંઈ ગિરવી ન મુકાય.
જુદા-જુદા વિકલ્પો વિચારતા અવનીશની કીકી ચમકી:
તો-તો પછી એક જ ઉપાય રહે છે... મારી વનલતા મોમનાં હીરાનાં ઘરેણાં!
ડાયમન્ડ્સ આર ફૉરેવર! એ હીરા જ ઝંખનાના બ્લૅકમેઇલિંગનો જવાબ હોઈ શકે!
વધુ આવતી કાલે