કૅપેસિટી

17 March, 2023 12:56 PM IST  |  Mumbai | Rashmin Shah

‘ના, આ તો સનીને સ્ટોરી.’ પછી અચાનક ઢબ્બુને પપ્પાએ કહી હતી એ વાત યાદ આવી, ‘ચાલે હવે નામમાં. રિક્કી નામ પણ તમે જ બનાવ્યું હતુંને. મેં મારા હીરોને જુદું નામ દીધું... ને આમ પણ તમે કહો જ છોને, જસ્ટ ફૉલો ધ મૉરલ ઑફ ધ સ્ટોરી...’

કૅપેસિટી

‘કેમ મૂડ નથી?’
સનીના ઘરમાં દાખલ થતાં જ ઢબ્બુએ પૂછ્યું.
‘કેટલી રાડ પાડી તને નીચેથી, તું જવાબ પણ નથી દેતો...’
‘રહેવા દેને આજે, નથી રમવું.’

સનીએ મૂડલેસ અવસ્થામાં જ જવાબ આપ્યો. સાંજે સાડાપાંચ વાગ્યે કૅમ્પસમાં રમવાનો રોજનો નિયમ હતો. સોસાયટીએ બાળકોને આ એક કલાક પૂરતું જ રમવાની છૂટ આપી હતી. લૉકડાઉન બધાં બાળકોએ પણ પાળવાનું હતું. શરૂઆતમાં તો આ એક કલાકની પણ છૂટ નહોતી પણ કોરોનાના કેસ ઘટ્યા અને બાળકોના પેરન્ટ્સની પણ ડિમાન્ડ હતી એટલે સેક્રેટરી ભિડે અંકલે સાડાપાંચથી સાડાછની બધાને છૂટ આપી. જોકે એમાં પણ નિયમ હતો, આ એક કલાક દરમ્યાન માત્ર બાળકોએ જ રમવા આવવાનું. સાડાછ વાગ્યે બાળકો ફ્લૅટમાં પાછાં આવી જાય એટલે સોસાયટીની લેડીઝ બહાર આવી શકે અને એ પણ એક કલાક. સાડાસાત પછી વડીલોને છૂટ, બે કલાકની અને રાતે સાડાનવ પછી પુરુષોને કૅમ્પસમાં આવવાની છૂટ.
‘કેમ, કાલે જ નક્કી કર્યું હતુંને આજે સ્કેટિંગ કરીશું. મજા આવશે, ચાલને?’
સનીએ માથું ધુણાવીને ના પાડી દીધી.
‘મૂડ નથી.’

‘એ તો ફેસ જોઈને સમજી ગયો પણ મૂડ શું કામ નથી?’
‘એમ જ...’
‘મમ્મી ખિજાઈ?’ સનીએ ના પાડી એટલે ઢબ્બુએ પૂછ્યું, ‘પપ્પા?’
‘ના. કોઈ નહીં...’

તો પછી શું કામ મૂડ નહીં હોય. પોતાનો બેસ્ટ ફ્રેન્ડ આમ મૂડ વિના બેસી રહે એ ઢબ્બુને પસંદ નહોતું એટલે તેણે દિમાગ પર જોર આપ્યું. અચાનક તેને યાદ આવ્યું.
‘લાસ્ટ વીક મેં તને કબૂતર કહ્યો એટલે...’
‘ના રે, એ પછી તો આપણે સન્ડેના મૅચ તો રમ્યા સાથે.’
‘હા એ પણ છે...’ ઢબ્બુએ એમ જ આખી વાતને જોડી દીધી હતી, ‘આ તો તને હવે એ યાદ આવ્યું હોય એટલે પૂછી લીધું... કહેને, શું થ્યું?’
‘કંઈ નહીં.’
‘પ્રૉમિસ?’ ઢબ્બુએ પોતાના માથા પર હાથ મૂક્યો, ‘એન્જલ પ્રૉમિસ?’
lll

‘દર વખતે એક એન્જલ તારી સાથે હોય; જે તારું ધ્યાન રાખે, તને હેલ્પ કરે. એન્જલની કસમ ખોટી ખાઈએ તો એ એન્જલ તમારી પાસેથી દૂર થઈ જાય. પછી તમે એકલા પડી જાઓ અને બધી ફાઇટ તમારે એકલાએ લડવી પડે...’
એક વખત પપ્પાએ એન્જલ પ્રૉમિસ માગ્યું ત્યારે ઢબ્બુએ એન્જલ કોણ એવું પૂછ્યું એટલે પપ્પાએ તેને સમજાવ્યો હતો.
‘એન્જલ ગૉડની દીકરી છે. ભગવાન તો આટલા બધાનું ધ્યાન રાખવા આવી ન શકે એટલે એ નાનાં બચ્ચાંઓનું ધ્યાન રાખવા માટે એન્જલને એની પાસે મોકલી દે.’
‘તો અત્યારે આ રૂમમાં પણ એન્જલ હોય?’

ઢબ્બુનો સવાલ વાજબી હતો અને પપ્પાનો જવાબ પણ.
‘હા, એ કાયમ સાથે હોય અને ઑલવેઝ તને હેલ્પ કરતી હોય.’
પપ્પાનું આ એન્જલ પ્રૉમિસ ઢબ્બુએ ઑલમોસ્ટ પોતાના બધા ફ્રેન્ડ્સને શીખવી દીધું હતું અને સમજાવી પણ દીધું હતું.
‘પપ્પા ક્યારેય ખોટું ન કહે...’ પાર્કિંગમાં ઊભા રહીને એક વાર ઢબ્બુએ બધા ફ્રેન્ડ્સને કહ્યું હતું, ‘એ એન્જલ અહીં છે જ... એટલે આપણે કોઈથી ક્યારેય ડરવાનું નહીં.’
lll

‘એન્જલ પ્રૉમિસ?’
ઢબ્બુએ સનીને પૂછ્યું એટલે સનીએ આજુબાજુમાં જોયું, જાણે કે એન્જલને શોધતો હોય એમ.
‘એન્જલ સાંભળે જ છે. ખોટું બોલીશ તો તારી એન્જલ ચાલી જશે, પછી તું એકલો...’ 
‘ઢબ્બુ, મને માસ પ્રમોશનમાં પણ ૪૬ પર્સન્ટ જ આવ્યા.’ સનીની આંખો સહેજ ભીની થઈ ગઈ, ‘પ્લીઝ કોઈને કહેતો નહીં...’
‘ના, કોઈને નહીં.’ ઢબ્બુએ ફરી વખત હાથ પોતાના માથા પર મૂક્યો, ‘એન્જલ પ્રૉમિસ...’

ફ્રેન્ડ્સને ખબર નહીં પડે એની ખાતરી થઈ ગઈ એટલે સનીનો મનનો ભાર હળવો થઈ ગયો. જોકે ઓછા પર્સન્ટેજનું ટેન્શન તો હજી અકબંધ જ હતું.
‘ઘરના ખિજાયા... ઓછા પર્સન્ટેજને લીધે?’
‘ના, પણ બસ, મને નથી ગમતું. સવારથી મૂડ એટલે નથી.’
‘ડ્યુ ટુ પર્સન્ટેજ?’ સનીએ હા પાડી એટલે ઢબ્બુએ તેનો હાથ પકડીને બાજુમાં બેસાડ્યો, ‘ખોટી વાત. એવું નહીં કરવાનું.’
‘હા પણ મૂડ તો જાય જને...’

‘ન જવો જોઈએ, જો એક સ્ટોરી કહું.’ ઢબ્બુએ સોફા પર જ પલાંઠી મારી દીધી, ‘સાંભળ ધ્યાનથી...’
‘એક મસ્ત મજાનું સિટી હતું. આપણા મુંબઈ જેવું જ. મુંબઈમાં મસ્ત સી-ફેસ ફ્લૅટ હતો. નરીમાન પૉઇન્ટ પર હોય એવો. એમાં રિન્કુ રહે.’ કૅરૅક્ટરને નામ આપી દીધા પછી ઢબ્બુને લાગ્યું કે નામમાં કંઈક ભૂલ છે, ‘રિશી હતું હોં કદાચ... ને કાં તો, રૉકી...’

પછી ઢબ્બુએ જ નામને પડતું મૂક્યું.
‘નામ બહુ ઇમ્પોર્ટન્ટ નથી સ્ટોરીમાં, મેસેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે સાંભળ તું...’ ઢબ્બુ ફરીથી સ્ટોરીમાં એન્ટર થયો, ‘નરીમાન પૉઇન્ટ પર રિન્કુ રહે. એકદમ એકલો, એટલે કિડ્સમાં એ એકલો અને ઘરમાં દાદી. એના પેરન્ટ્સ અમેરિકા હતા. બેઉ, મમ્મી અને પપ્પા. બેઉ આઇટી સેક્ટરમાં હતાં. મમ્મી તો ફેસબુકમાં જૉબ કરતી’તી... ને પપ્પા, એ પણ ગૂગલમાં, હા, ગૂગલમાં હતા.’
‘પછી...’
lll

પેરન્ટ્સ અમેરિકામાં જૉબ કરે અને વર્કિંગ કપલ એટલે નૅચરલી ત્યાં રિન્કુનું ધ્યાન કોણ રાખે એ પ્રશ્ન હતો તો એવો જ પ્રશ્ન ઇન્ડિયામાં રિન્કુનાં દાદીનો હતો. દાદી પણ ઇન્ડિયામાં એકલાં રહે. દાદા તો વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. મમ્મી-પપ્પાની ઇચ્છા તો દાદીને અમેરિકા લઈ જવાની હતી પણ દાદીને કાયમ માટે ત્યાં જવાનું મન નહોતું એટલે વર્ષે એકાદ વાર અમેરિકા જવા માટે એ રાજી થાય, પણ પર્મનન્ટ નહીં.

lll આ પણ વાંચો: રેશમ-ગાંઠ (પ્રકરણ ૧)

‘સો સૅડ. અમેરિકામાં કેવી મજા આવે...’
સનીએ કહ્યું એટલે ઢબ્બુએ પપ્પાએ જે જવાબ આપ્યો હતો એ આપી દીધો.
‘એ તો ફરવા ગયા હોઈએ તો. બાકી ત્યાં રહેતા હોઈએ તો ટાઇમ જ ન મળે. આખો દિવસ કામ, કામ ને કામ. બધું કામ જાતે કરવાનું ને બધાએ પોતાનું કામ જાતે જ કરવાનું. ત્યાં આપણી જેમ પપ્પા બેસી ન શકે. તેણે પણ કિચનમાં જઈને કામ કરવાનું હોય.’

‘એ તો હવે આપણા પપ્પાને પણ આદત પડી જ ગઈ છેને, લૉકડાઉનના લીધે...’
‘હા, પણ તું અત્યારે સ્ટોરી સાંભળને...’
માંડ-માંડ યાદ કરેલી સ્ટોરી ફરીથી ભુલાઈ ન જાય એની બીક ઢબ્બુને હતી.
lll

ફૅમિલીમાં નક્કી થયું કે દાદી અને રિન્કુ બન્ને ઇન્ડિયા રહેશે અને મમ્મી-પપ્પા જૉબ માટે અમેરિકા જશે. વર્ષમાં એક વખત એ લોકોએ આવવાનું અને વર્ષમાં એક વખત દાદી અને રિન્કુ અમેરિકા જાય. દાદીને પણ વાંધો નહોતો અને રિન્કુને તો દાદી સાથે બહુ મજા આવતી એટલે એ પણ એકદમ હૅપી થઈ ગયો.
દાદી અને રિન્કુ સાથે રહે. સવારે સ્કૂલે જવાનું અને બપોર પછી દાદી સાથે રહેવાનું. રહેવાનું, રમવાનું, ખાવાનું અને પછી મસ્ત હોમવર્ક કરીને સૂઈ જવાનું. દાદી અને રિન્કુ બન્ને એકબીજાના ફ્રેન્ડ્સ થઈ ગયાં. એકદમ પાકા ફ્રેન્ડ્સ જેવા પણ તોયે રિન્કુને દાદી બધું કામ શીખવે અને રિન્કુ પણ ઘરનાં બધાં કામમાં હેલ્પ કરે.
એક વખત રિન્કુની ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હતું.

‘કાલે રિઝલ્ટ આવશે એટલે ગિફ્ટ જોઈશેને તને?’
દાદીએ રાતે રિન્કુને પૂછ્યું.
‘હા, એ તો આપવી જ પડે...’
‘તારા માટે મસ્ત ગિફ્ટ લીધી છે.’ દાદીએ રિન્કુના માથે વહાલથી હાથ ફેરવ્યો, ‘અને તને જોઈએ છે એવી જ ગિફ્ટ છે...’

‘મને જોઈએ છે એવી?’ 
રિન્કુને આશ્ચર્ય થયું. તેણે યાદ કરવાનું પણ શરૂ કર્યું અને પોતાને જોઈતી ગિફ્ટને યાદ કરતાં-કરતાં જ એ સૂઈ ગયો. 
સવાર પડી.
રિન્કુ દાદીમાને પગે લાગીને સ્કૂલ ગયો.
lll

‘ત્યારે સ્કૂલ ચાલુ હતી?’
સનીએ સવાલ કર્યો, જે વાજબી હતો. લૉકડાઉને એવી પરિસ્થિતિ ઊભી કરી હતી કે સ્કૂલમાં નવાં-નવાં ઍડ્મિશન લીધેલાં બાળકોને એ સમજાતું નહીં હોય કે સ્કૂલે જઈને ભણવા જવાનું હોય કે મોબાઇલ પર જ ભણવાનું હોય.
‘હા, લૉકડાઉન પહેલાંની વાત છે.’ 

‘હમં, પછી.’ 
‘રિન્કુનો મૂડ તારા જેવો થઈ ગયો... માંડ બિચારો પાસ થયો હતો.’
સનીને ફરીથી પોતાનું રિઝલ્ટ યાદ આવી ગયું અને એના ચહેરો ફરી અપસેટ થઈ ગયો.
‘આવો જ, આવો જ ફેસ થઈ ગયો હતો તેનો ત્યારે...’
lll

મૂડ વિના રિન્કુ ઘરે આવ્યો. ઘરે દાદી નહોતાં. દાદી ડૉક્ટર પાસે બ્લડ-પ્રેશર ચેક કરાવવા ગયાં હતાં. રિન્કુ તો ઘરે આવીને ચૂપચાપ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો.
કલાકેક સૂતો હશે ત્યાં અચાનક તેના રૂમનો દરવાજો ખૂલ્યો અને તેની આંખો ખૂલી ગઈ. રૂમમાં દાદી આવ્યાં હતાં.
રિન્કુ કંઈ બોલે એ પહેલાં તો દાદીએ તેની સામે એક નાનકડું બૉક્સ લંબાવ્યું.
‘આ તારા માટે...’

રિન્કુ તો રિઝલ્ટ ભૂલી ગયો હતો. બૉક્સ જોઈને તેણે તો તરત જ હાથ લંબાવીને લઈ લીધું અને ખોલ્યું એ બૉક્સ.
બૉક્સની અંદરની ચીજ જોઈને તે રાજી થઈ ગયો.
‘વાઓ દાદી. મને લેવી હતી એ પેન્સિલ.’
‘હા, તેં ઇકરા મૉલમાં જોઈ ત્યારે તારે લેવી’તીને...’ દાદીએ કહ્યું, ‘ત્યારે જ મેં લઈ લીધી હતી પણ બે દિવસ પછી રિઝલ્ટ હતું એટલે તને આપી નહોતી...’
રિન્કુનો મૂડ ફરીથી ઑફ થઈ ગયો.

તેણે બૉક્સ દાદી તરફ લંબાવ્યું.
‘રાખો આ તમે, મને નથી જોઈતી.’
‘કેમ બેટા?’
‘રિઝલ્ટ સારું નથી, નો ગિફ્ટ...’
દાદીએ રિન્કુને પાસે લીધો અને કહ્યું,
‘એટલે સૂઈ ગયો હતો?’

રિન્કુએ હા પાડી એટલે દાદીએ કહ્યું, ‘તો-તો આ ગિફ્ટ તારી જ... તારા માટે એકદમ પર્ફેક્ટ છે.’
રિન્કુને સમજાયું નહીં, તેણે દાદી સામે જોયું.
દાદીએ મસ્ત સ્માઇલ સાથે કહ્યું, ‘આ પેન્સિલ જેવા થવાનું, કાયમ... આપણે એને છોલીએ તો જ એ શાર્પ થશે અને શાર્પ થશે તો જ બેસ્ટ રીતે એનાથી લખાશે. શાર્પન કર્યા વિના પેન્સિલથી લખી શકાય?’ રિન્કુએ ના પાડી એટલે દાદીએ કહ્યું, ‘એક્ઝામ શાર્પનર છે અને તમે સ્ટુડન્ટ પેન્સિલ... એક્ઝામથી તમારામાં શાર્પનેસ આવે અને પેન્સિલમાં શાર્પનેસ આવે તો અક્ષર એકદમ મસ્ત થાય. લાઇફમાં પણ જ્યારે રિઝલ્ટ ખરાબ આવે ત્યારે માનવું કે આપણને શાર્પ કરવામાં આવે છે. ખરાબ રિઝલ્ટથી અપસેટ નહીં થવાનું પણ ક્ષમતા, કૅપેસિટી ડેવલપ કરવાની અને પછી વધારે સારી રીતે...’

‘કામ કરવાનું...’
ઢબ્બુની બાકીની વાત સનીએ પૂરી કરી અને સીધો પોતના રૂમમાં સ્કેટિંગ લેવા દોડ્યો. ઢબ્બુ હજી કંઈ સમજે એ પહેલાં તો તેના કાનમાં પપ્પાનો અવાજ આવ્યોઃ ‘એનું નામ રિન્કુ નહીં, રિક્કી હતું.’
ઢબ્બુ ચમકી ગયો. તેણે પાછળ જોયું. પાછળ પપ્પા હતા.
‘તમે?’

‘હા, તને કૅમ્પસમાં જોયો નહીં એટલે મને થયું કે પાછો વિડિયો ગેમ રમવા બેસી ગયો કે શું?’
‘ના, આ તો સનીને સ્ટોરી.’ પછી અચાનક ઢબ્બુને પપ્પાએ કહી હતી એ વાત યાદ આવી, ‘ચાલે હવે નામમાં. રિક્કી નામ પણ તમે જ બનાવ્યું હતુંને. મેં મારા હીરોને જુદું નામ દીધું... ને આમ પણ તમે કહો જ છોને, જસ્ટ ફૉલો ધ મૉરલ ઑફ ધ સ્ટોરી...’

સંપૂર્ણ

columnists Rashmin Shah