રિયલ લાઇફમાં કબીર સિંહ જેવા પુરુષો ગમતા હોય તો વહેલા ચેતી જજો

26 August, 2019 04:50 PM IST  |  મુંબઈ | મૅન્સ વર્લ્ડ - અર્પણા શિરિષ

રિયલ લાઇફમાં કબીર સિંહ જેવા પુરુષો ગમતા હોય તો વહેલા ચેતી જજો

કબીર સિંહ

પહેલાંના સમયમાં દીકરી જો મા-બાપને તેના પતિની ખરાબ વર્તણૂક માટે ફરિયાદ કરતી તો દીકરીનું ઘર ન તૂટે એ માટે એને સલાહ આપવામાં આવતી કે ‘પુરુષોને ગુસ્સો આવે તો ક્યારેક હાથ ઉપાડી દે. આવી વાતો મન પર નહીં લેવાની.’ જોકે સમય ભલે બદલાયો હોય, પણ આજકાલની ફેમિનિઝમના ઝંડા લહેરાવનારી મૉડર્ન સ્ત્રીઓ પણ પુરુષોના ટૉક્સિક બિહેવ‌િયરને સમર્થન આપવા લાગી છે. શું ખરેખર ભારતીય સ્ત્રીઓ પોતે જેને પ્રેમ કરતી હોય તે તેમની સાથે ગમે તે રીતે વર્તન કરે તો એને પણ પ્રેમનો એક ભાગ ગણાવવા લાગી છે? જોકે આવા પ્રશ્ન ઊભા થવાનું એક કારણ થોડો સમય પહેલાં બૉલીવુડ પર ૧૦૦ કરોડનો બિઝનસ કરી ચૂકેલી ફિલ્મ ‘કબીર સિંહ’ પણ છે. ફિલ્માં શાહીદની ટૉક્સ‌િક મૅસ્ક્યુલિનિટી પર ફક્ત ફિલ્મમાં તેની લેડી લવ પ્રી‌િત‌ જ નહીં પણ દરેક વયજૂથની મહિલાઓ ફિદા થઈ ગઈ હતી. ચાલો જાણીએ હકીકતમાં આવી વર્તણૂકને લોકો કેવો પ્રતિસાદ આપે છે. 

મૅચો બનવું સારી વાત છે, પણ જો કોઈ પુરુષ વાતે-વાતે પોતાના મર્દાના પાવરનું પ્રદર્શન કરતો હોય તો તે પોતાનું અને તેની લાઇફ-પાર્ટનર બન્નેનું નુકસાન કરી રહ્યો છે. મૅનલી બનવાની લાયમાં ટફ, ભાવનાવિહીન, અગ્રેસ‌િવ અને અબ્યુઝિવ વર્તન કરવાને ટૉક્સ‌િક મૅસ્ક્યુલિનિટી એવી વ્યાખ્યા આપી શકાય. જોકે આવી પર્સનાલિટી લાંબો કાળ ટકતી નથી અને જો ટકી જાય તો વ્યક્તિ પોતાની સાથે તેની આસપાસના લોકો અને પોતાની આવનારી પેઢીને પણ હાનિ પહોંચાડી રહે છે. અહીં વાંક કારણ વિના મર્દાનગી દેખાડતા પુરુષ અને તેનું એ વર્તન સહન કરીને એને વાજબી ગણાવતી સ્ત્રી બન્નેનો છે એવું કહેતાં સાઇકોલૉજિસ્ટ કશિશ છાબરિયા સમજાવે છે, ‘આવા વર્તન પાછળ એ વ્યક્તિનું ભૂતકાળનું જીવન ખાસ જવાબદાર હોય છે. જો પુરુષે બાળપણમાં પોતાના પિતાને એ રીતે સતત પુરુષત્વનો પાવર દેખાડતા જોયા હશે તો તે પણ એ જ કરે એ સ્વાભાવિક છે. એ જ રીતે જો કોઈ સ્ત્રીએ પોતાની મમ્મીને અબ્યુઝિવ રિલેશનમાં પણ પ્રેમ કરતાં જોઈ હશે તો તે પણ એ જ કરવાની.’

ટૂંકમાં આ એક પ્રકારનું એવું વર્તન છે જેને સ્ત્રી કે પુરુષ કોઈએ કોઈ પણ સંજોગોમાં સમર્થન ન આપવું જોઈએ, કારણ કે આનાથી પુરુષ પોતાની ભાવનાઓ તો સ્ત્રી પોતાની ડિગ્નિટી ખોઈ બેસે છે.

 ૨૦૧૬માં થયેલા નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેના શૉકિંગ રિઝલ્ટની જો વાત અહીં કરીએ તો ભારતમાં ૧૫થી ૪૯ના વયજૂથની ૫૧ ટકા સ્ત્રીઓએ પુરુષ પોતાની સ્ત્રી પર હાથ ઉપાડે એ વાતને વાજબી ગણાવી હતી. આ વાત વિશે પોતાનો અભિપ્રાય આપતાં શૅર માર્કેટમાં ડીલ કરતી અંધેરીની ખિલના પંચાલ કહે છે, ‘મેં મારા સર્કલમાં ઘણી સ્ત્રીઓને ટૉ‌િક્સ‌ક મૅસ્ક્યુલિનિટીવાળા પુરુષો સાથે જોઈ છે. ગુસ્સામાં ગાળો આપવી, મારવું એ સેલ્ફ-કન્ટ્રોલ ન હોવાની નિશાની છે. બીજી બાજુ સ્ત્રીઓએ પણ જો પહેલી જ વારમાં પોતાની માટે સ્ટૅન્ડ લીધું હોય તો તેને લાઇફમાં ફરી વાર કંઈ સહન કરવું પડે એના ચાન્સ ઘટી જશે.’

વાતને સમર્થન આપતાં ૨૪ વર્ષની રેડિયોમાં પ્રોડ્યુસર તરીકે કામ કરતી કૃપાલી પરમાર કહે છે, ‘જો આ પ્રકારનું બિહેવિયર ઍક્સેપ્ટ કરવું જ હોય તો ઇક્વલ પાર્ટનરશ‌િપના ફન્ડા પ્રમાણે ગુસ્સો આવે ત્યારે સ્ત્રી પણ પોતાના પાર્ટનરને એક મારી દે એ વાતનું ઍક્સેપ્ટન્સ હોવું જોઈએ. જોકે એ પણ ખોટું જ છે. પુરુષ પોતાની સ્ત્રી પ્રત્યે પોઝેસિવ હોય એને પ્રેમ ગણી શકાય, પણ પઝેસિવનેસ જો અબ્યુઝમાં ફેરવાઈ જાય તો માન્ય નથી અને કોઈએ ન કરવું જોઈએ.’

પોતાની લિમિટ જાણો

ગુસ્સામાં એક દંપતી વચ્ચે થતા બધા જ મતભેદો વિકરાળ સ્વરૂપ નથી લેતા. જોકે દરેક ચીજની જેમ ગુસ્સો કેટલો કરવો અને કેટલો સહન કરવો એની એક લિમિટ હોય છે. આ વિશે કશિા છાબરિયા કહે છે, ‘બૅટર લેટ ધૅન નેવર. અર્થાત્ કે એક સ્ત્રીએ પોતાના માટે શું નૉર્મલ છે અને શું એક્સ્ટ્રીમ એ પોતે ઓળખવાનું છે. મારા એ તો ગુસ્સામાં મૅચો લાગે છે, ગુસ્સામાં ન હોય ત્યારે તો મને પ્રેમ કરે જ છેને એવી ખોટી પ્રેમની પટ્ટી આંખો પર બાંધી રાખવાના બદલે પોતાના માટે અવાજ ઉઠાવતાં શીખી જવું જોઈએ. નહીં તો ખૂબ મોડું થઈ જશે અને તમારી આગળની પેઢી પર પણ આ ઝેરી વર્તણૂક છાપ છોડી જાય તો નવાઈ નહીં.’

ક્યારે દુર્વ્યવહારનો બચાવ કરે છે?

સર્વે પ્રમાણે મોટા ભાગની મહિલાઓ માને છે કે સાત સંજોગોમાં તેમના પતિ તેમના પર મર્દાનગી દેખાડે તો તેઓ ચલાવી લે છે. આ સંજોગો એટલે -  સાસરિયાંઓનો અનાદર, પતિ પ્રત્યે બેવફાઈ કરવાની શંકા, યોગ્ય રીતે રસોઈ ન બનાવી આપવી, સામે દલીલ કરવી, કોઈને જાણ કર્યા વગર બહાર જવું, બાળકો કે ઘરની સંભાળ ન લેવી અને શારીરિક આત્મીયતાનો ઇનકાર કરવો.

વ્યસન બનાવે છે પુરુષોને ટૉક્સિક

દારૂનો વપરાશ અને ઘરેલુ હિંસા એ એક જ સિક્કાની બે બાજુ છે એવું કહી શકાય. જોકે નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે અનુસાર બાવીસ ટકા પત્નીઓ કે જેના પતિ નશામાં ન હોય તોયે તેઓ હિંસાનો સામનો કરી ચૂકી છે. પણ દારૂના નશાની સાથે હિંસાનું પ્રમાણ પણ વધે જ છે. સ્ટડી કહે છે કે ૭૭ ટકા પત્નીઓ જેમના પતિ ભારે દારૂ પીતા હોય છે, તેઓ હિંસાની ભોગ બની છે. અને આ વાતને સ્ત્રીઓ કયા ક્લાસની કે કેટલી એજ્યુકેટેડ બૅકગ્રાઉન્ડની છે એની સાથે લેવાદેવા નથી.

કન્ટ્રોલ થવાની ઝંખના

જે રીતે પુરુષ પોતાની સ્ત્રી પર કન્ટ્રોલ મેળવીને પ્લેઝર મેળવે છે એ જ રીતે કેટલીક સ્ત્રીઓ પોતાને કોઈ કન્ટ્રોલ કરી રહ્યું છે એ વાતમાં પ્લેઝર મેળવે છે. આ માનસિકતા વિશે જણાવતાં કશિશ છાબરિયા કહે છે, ‘આ પ્રકારનો સેક્સ્યુઅલ પ્લેઝર મેળવવાની ઇચ્છા ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરનો એક ભાગ છે જેમાં વ્યક્તિ પોતે જે કરે છે એ ખોટું છે એ જાણતી હોવા છતાં તે કરે છે, કારણ કે એવું કર્યા વિના તે રહી જ નથી શકતી. આજે કિન્કી પ્લેઝર મેળવવા માટે ઘણી વ્યક્ત‌િઓ એક્સટ્રીમ એક્સપરિમેન્ટ કરવાથી પણ પાછળ નથી હટતી. અને પોતાને કોઈ કન્ટ્રોલ કરી રહ્યું છે એમાં પણ ઘણી સ્ત્રીઓ સેક્સ્યુઅલ પ્લેઝર મેળવે છે. જોકે આવા રિલેશન અને બિહેવિયરનું ભવિષ્ય લાંબું નથી હોતું.’

મૅનલી પર્સનાલિટી પોતાની સ્ત્રીને પ્રોટેક્ટ અને પ્રેમ કરવા સુધી જ હોવી જોઈએ. પઝેસિવ લવર સારો લાગે, પણ અબ્યુઝર તો નહીં જ

- કૃપાલી પરમાર

કેટલીક વાર એવું બને કે સામેવાળી વ્યક્તિનો વ્યવહાર પુરુષોને ટૉક્સિક બનાવે. જોકે ગમે તે સંજોગોમાં અબ્યુઝને જસ્ટ‌િફાય ન કરી શકાય. કોઈ હિસાબે નહીં

– મયૂર ઠક્કર

જો સહન કરો તો કાં તો ખૂબ નબળા બની જાઓ કાં તો પછી સ્ટબર્ન. બન્ને કેસમાં નુકસાન સ્ત્રીનું જ છે. એટલે સમયસર પોતાના માટે અવાજ ઉઠાવતાં શીખી જવું જોઈએ

- ખિલના પંચાલ

આ પણ વાંચો : શું તમે તમારી આસપાસની પરિસ્થિતિઓને પોતાના કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો છો?

જો એક સ્ત્રી ટૉક્સિક મૅસ્ક્યુલિનિટીનું સમર્થન કરી રહી હોય તો તે તેની દીકરીને શીખવી રહી છે કે પ્યાર મેં માર ખાના ચલતા હૈ. જ્યારે દીકરો એ શીખશે કે આપણે જેને પ્રેમ કરીએ તેની સાથે મન ફાવે એમ વર્તી શકાય. તો સલાહ એ જ કે સમય રહેતાં પોતાને સંભાળી લો

– સાઇકોલૉજિસ્ટ કશિશ છાબરિયા

columnists