દરિયો ખેડીને દરિયો સાફ રાખવાનો સંદેશ આપે છે આ મેડિકલ સ્ટુડન્ટ

27 November, 2024 03:05 PM IST  |  Mumbai | Kajal Rampariya

MBBSના બીજા વર્ષમાં ભણતી મુલુંડની હેઝલ રાયકુંડલિયા અન્ડર-17ની કૅટેગરીમાં નૅશનલ લેવલ સુધી સ્વિમિંગ કૉમ્પિટિશનમાં ભાગ લઈ આવી છે અને હવે દરિયામાં લૉન્ગ ડિસ્ટન્સ સુધી સ્વિમિંગ કરીને દરિયાને સાફ રાખવાની ઝુંબેશ તેણે શરૂ કરી છે

હેઝલ રાયકુંડલિયા

આજકાલના કરીઅર બનાવવામાં વ્યસ્ત યુવાનો પોતાના પૅશનને ફૉલો કરવાની સાથે-સાથે સામાજિક સ્તરે ચેન્જ મેકર્સ પણ બની રહ્યા છે. દરિયામાં થતા પાણીના પ્રદૂષણને રોકવા માટે નૅશનલ લેવલની સ્વિમર રહી ચૂકેલી મુલુંડની ૧૯ વર્ષની ગુજરાતી ટીનેજર હેઝલ રાયકુંડલિયાએ ૩૬ કિલોમીટર સ્વિમિંગ કરીને દરિયો સાફ રાખવાનો સંદેશ આપ્યો હતો અને ફરી એક વાર આ રીતે લૉન્ગ ડિસ્ટન્સ સ્વિમ કરીને જાગરૂકતા ફેલાવવા માટેની તૈયારીઓ કરી રહી છે. નાની ઉંમરે મોટાં કામ કરનારી હેઝલના જીવન વિશે થોડું જાણીએ.

પહેલાં સ્કેટિંગ કરતી હતી


કે. જે. સોમૈયા કૉલેજમાં MBBSના બીજા વર્ષમાં ભણતી હેઝલની સ્વિમિંગ જર્ની વિશે વાત કરતાં તેનાં મમ્મી પૂનમ રાયકુંડલિયા કહે છે, ‘હું પોતે મૅરથૉન રનર છું. પહેલેથી સ્પોર્ટ્સ ગમતો વિષય હોવાથી મારાં સંતાનો પણ એમાં આગળ વધે એવી ખેવના હતી. મારો દીકરો જશ અને હેઝલ બન્નેએ સ્વિમિંગમાં આગળ વધીને અમારું નામ રોશન કર્યું છે. મારા છ બીએચકેના ઘરમાં એક રૂમમાં મેં જિમ બનાવ્યું છે. પર્સનલ ટ્રેઇનરને બોલાવીને હું, હેઝલ અને મારો દીકરો જશ ટ્રેઇનિંગ લઈએ છીએ. સ્વિમિંગ પહેલાં હેઝલ સ્કેટિંગ શીખતી હતી અને એમાં સ્પીડ વધારવી હોય તો રોડ પ્રૅક્ટિસની જરૂર પડે અને કોચ જે સમય કહે એ સમયે ત્યાં પહોંચવું પડે. ઘણી વાર અડધી રાત્રે બે-ત્રણ વાગ્યે પ્રૅક્ટિસ થતી હતી. ઊંઘ પૂરી ન થવાને લીધે રૂટીન શૅડ્યુલમાં ઘણો પ્રૉબ્લેમ થતો હતો અને લાઇફસ્ટાઇલ પણ પ્રભાવિત થતી હતી. એક વાર હેઝલ સાથે સ્કેટિંગની પ્રૅક્ટિસ કરવા આવતા સ્ટુડન્ટના પેરન્ટની ઊંઘ ન થવાથી તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા એટલું જ નહીં, હેઝલને પણ વારંવાર પગ છોલાઈ જતા હતા અને ઇન્જરી થતી હતી. પણ આ ઘટના બાદ અમે પણ ડરી ગયાં અને એ ક્ષણે સ્પોર્ટ સ્વિચ કરવાનું મન બનાવી લીધું. આમ તો ઘણા પ્રકારની સ્પોર્ટ્‍સના ઑપ્શન છે, પણ અમને લાગ્યું કે સ્વિમિંગ લાઇફ સ્કિલ છે. આ રમત એવી છે કે આગળ ન વધો તો પણ આ સ્કિલ તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક કામમાં આવી શકે છે. આમ વિચારીને અમે સ્વિમિંગ માટે હેઝલનું થાણે ક્લબમાં રજિસ્ટ્રેશન કર્યું. હેઝલનો સ્વભાવ એવો છે કે તેને પૂરતું માર્ગદર્શન મળે તો ગમે એટલો મોટો મુકામ હોય, તે હાંસલ કરી લે છે. તેણે આશરે અઢી વર્ષના સમયગાળામાં નૅશનલ્સ સુધી પહોંચવાનો રસ્તો સર કર્યો. સ્વિમિંગ પ્રત્યે તેના પ્રેમ અને મહેનતને લીધે તે આજે મોટા મુકામ સુધી પહોંચી છે અને તેનાં સપનાંઓ પણ ઊંચાં છે. એ પૂરાં થાય એ માટે અમે પણ દિવસ-રાત મહેનત કરી રહ્યાં છીએ.’

સ્વિમિંગ સાથે સ્ટડીમાં ચૅમ્પિયન


વાતના દોરને આગળ વધારતાં હેઝલ તેની સ્વિમિંગ જર્ની વિશે જણાવે છે, ‘હું જ્યારે સાતમા ધોરણમાં હતી ત્યારે મેં સ્વિમિંગની ટ્રેઇનિંગ શરૂ કરી હતી. ૨૦૧૯માં મેં રાજ્યસ્તરે રમાતી જુનિયર અને સબ-જુનિયર સ્ટેટ ઍક્વાટિક ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો એમાં હું સિલ્વર મેડલ જીતી હતી. ૨૦૨૦માં ICSE બોર્ડ દ્વારા આયોજિત નૅશનલ ગેમ્સમાં મારું સિલેક્શન થયું હતું. આ દરમિયાન મારા માટે સ્ટડી અને સ્વિમિંગ બન્નેને મૅનેજ કરવું બહુ મુશ્કેલ થતું હતું, પણ મમ્મી-પપ્પાના સપોર્ટને લીધે આ બધું શક્ય બન્યું અને દસમામાં મને ૯૭ ટકા આવ્યા હતા. સ્વિમિંગમાં એવું છે કે અન્ડર-17માં આપણે રમીએ તો અંતર ઓછું હોય, પણ ઓછા સમયમાં કવર કરવાનું હોય અને સ્વિમિંગમાં મને ફક્ત અહીં સુધી સીમિત નહોતું રહેવું. મને લૉન્ગ ડિસ્ટન્સ કવર કરવાની ઇચ્છા હતી તેથી મેં ૨૦૨૧માં પાવરપીક્સ સ્વિમેથૉનમાં ભાગ લીધો હતો. એમાં હું પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની કૅટેગરીમાં પ્રથમ સ્થાને આવી હતી. આ ઉપરાંત ૨૦૨૨માં ખેલો ઇન્ડિયા જુનિયર વિમેન્સ સ્વિમિંગ સિરીઝમાં પણ મેં આ બન્ને કૅટેગરીમાં ભાગ લીધો હતો. હજી પણ મારાં સ્વિમિંગ સેશન્સ ચાલુ જ છે. સવારે આઠ વાગ્યે હું ત્યાં પહોંચું અને ત્યાંથી જ હું વિદ્યાવિહાર માટે કૉલેજ જવા નીકળી જાઉં. સાંજે ઘરે આવ્યા બાદ પણ સ્ટડી અને બીજા દિવસની તૈયારી કરી લઉં.’

સેવ સી બાય હેઝલ


હેઝલને સ્વિમિંગની સાથે-સાથે ફરવાનો પણ શોખ છે એ દરમિયાન દરિયાના પાણીમાં કચરો જોઈને એને સાફ કરવાનો વિચાર આવ્યો અને આ વિચાર ઝુંબેશમાં પરિવર્તિત થઈ ગયો. હેઝલે તેના કોચ સમક્ષ પોતાના વિચારો માંડ્યા અને તેમણે અમલમાં લાવવામાં મદદ કરી. હેઝલે ૨૦૨૧માં પોણાત્રણ કલાકમાં એલિફન્ટાથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી પહેલી વાર ૧૪ નવેમ્બરના ૧૪ કિલોમીટરનું અંતર કાપીને સોલો સ્વિમિંગ કર્યું હતું. આ વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં હેઝલ કહે છે, ‘મેં જોયું છે લોકો પાણીમાં કચરો ફેંકતા હોય છે, જેને કારણે દરિયાનું પાણી પ્રદૂષિત થાય છે અને એમાં રહેતા સજીવોને પણ હાનિ પહોંચે છે. આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડીએ છીએ તો એ પણ આપણને વળતરરૂપે વાવાઝોડા અને જીવલેણ વાઇરસ આપે છે. તેથી મેં વિચાર્યું કે મને લાંબા અંતરનું સ્વિમિંગ કરવું છે પણ એમાં જો હું મારો હેતુ પણ જોડી દઉં તો? મેં મારા ઘરે અને કોચ સાથે વાત કર્યા બાદ એને એક્ઝિક્યુટ કરવાનું શરૂ કર્યું. જાગૃતિ ફેલાવવા સોલો સ્વિમિંગ કરવું હોય તો પૂરો ખર્ચ અમારો હોય, પણ આ સાથે મહારાષ્ટ્ર સ્વિમિંગ અસોસિએશનની સાથે નેવીની પણ પરમિશન લેવી પડે. આ બધું થયા બાદ આપણે સ્વિમ કરી શકીએ. પહેલી વાર મેં એલિફન્ટાથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી સ્વિમ કર્યું હતું. લૉન્ગ રૂટ સ્વિમિંગ કરવાનું હોય તો શરીરને પ્રોટેક્ટ કરવા માટે પેટ્રોલિયમ જેલી લગાવવી પડે જેથી પાણીને કારણે ત્વચાને નુકસાન ન થાય અને માછલીઓ પણ શરીરથી અંતર જાળવી રાખે. મેં ૧૪ કિલોમીટરનું અંતર મેં પોણાત્રણ કલાકમાં પાર કર્યું. પહેલી વાર આટલા લાંબા સ્વિમિંગ માટે મેં દિવસ-રાત તૈયારી કરી હતી. પહેલી વાર હતું તો મારી આખી ફૅમિલી બસ લઈને મારું સ્વિમિંગ જોવા આવી હતી. પરિવારનો સપોર્ટ મળ્યો એટલે મારો જોશ વધ્યો અને મેં આ ઝુંબેશને વધુ મોટી બનાવવાનો નિર્ણય લીધો.’

સંખ્યાબંધ ચૅલેન્જિસ


વાતના દોરને આગળ વધારતાં હેઝલ વધુમાં જણાવે છે, ‘પહેલો પ્રયાસ સફળ જતાં મેં ૨૦૨૩માં મારી ઝુંબેશને નામ આપ્યું ‘સેવ ધ સી બાય હેઝલ’. મેં બાંદરા-વરલી સી-લિન્કથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી સ્વિમ કર્યું.  ૩૬ કિલોમીટરનું અંતર મેં સાત કલાક અને પાંચ મિનિટમાં કાપ્યું હતું. બીજો પ્રયાસ માટા માટે થોડો વધુ પડકારજનક હતો. સાત કલાક સુધી ખારા પાણીમાં રહેવું મુશ્કેલ છે, પણ મેં સ્વિમિંગ પૂલમાં આ માટે ભરપૂર પ્રૅક્ટિસ કરી હતી. સાત કલાક સુધી સતત સ્વિમિંગ ન કરી શકાય, પણ સ્ટૅમિનાને જાળવી રાખવા માટે થોડા-થોડા સમયે વિસામો ખાવા પગની મૂવમેન્ટ ચાલુ રાખીને વૉટરબ્રેક લઈ શકાય. જ્યારે આ પ્રકારનું સ્વિમિંગ કરીએ ત્યારે મારી આગળ મને રસ્તો બતાવવા બોટ હોય. એમાં કોચની સાથે ટાઇમિંગ નોંધવા અને રૂલ બ્રેક ન થાય એનું ધ્યાન રાખવા અસોસિએશનની વ્યક્તિ હોય છે. આ સાથે મમ્મી પણ હોય. નિયમો બહુ કડક હોય, જેમ કે બોટને ટચ કરી લઉં તો ડિસક્વૉલિફાય થઈ જાઉં એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે. તરસ લાગી હોય તો મમ્મી બોટમાંથી પાણીની બૉટલ ફેંકે અને હું પીને પાછી આપી દઉં. ભૂખ લાગે તો ખજૂર આપે. હાથ અને પગની મૂવમેન્ટ વધુ હોય તો સ્વિમ કર્યા બાદ સૌથી પહેલાં શરીર તૂટે. જ્યારે મેં ૩૬ કિલોમીટર સુધી સ્વિમ કર્યું ત્યારે ખારા અને ગંદા પાણીને લીધે મારા મોઢાનો સ્વાદ જતો રહ્યો હતો અને મોઢામાં છાલાં પડી ગયાં હતાં. હું જે પણ ખાતી એ બધું ઊલટી થઈને નીકળી જતું હતું. સ્વિમ કર્યા બાદ બૉડીને રેસ્ટ આપવાનો હોય છે. ધીરે-ધીરે એ હીલ થાય છે. આગામી દિવસોમાં ફરી એક વાર ૩૬ કિલોમીટર જેટલું સ્વિમ કરીને મારી ઝુંબેશને વધુ આગળ વધારવાની તૈયારીઓ હું કરી રહી છું.’

ઇંગ્લિશ ચૅનલ તરીને પાર કરવાનું સપનું
ફ્યુચર ગોલ્સ વિશે વાત કરતાં હેઝલ જણાવે છે, ‘મારે સૌથી પહેલાં ભારતમાં દરિયા અને નદીના પાણીમાં મનુષ્યો દ્વારા થતા પ્રદૂષણને રોકવા માટે સ્વિમ કરવું છે અને ત્યાર બાદ દુનિયાની સૌથી પ્રખ્યાત અને ડેન્જરસ ગણાતી ઍટ્લાન્ટિક મહાસાગરની બ્રાન્ચ ઇંગ્લિશ ચૅનલમાં સ્વિમ કરવાનું સપનું છે. લંડન અને ફ્રાન્સ વચ્ચે સ્થિત વર્લ્ડ ફેમસ ૫૬૦ કિલોમીટર લાંબી આ ઇંગ્લિશ ચૅનલમાં સ્વિમ કરવાનું દુનિયાભરના સ્વિમર્સનું સપનું હોય છે અને હું પણ મારી ઝુંબેશ સાથે અહીં સુધી પહોંચવા માગું છું.’

mulund somaiya college environment gateway of india columnists mumbai gujarati mid-day gujarati community news