દિવ્યાંગ યંગસ્ટરોને હવે પોતાના જેવા પોતાની ઉંમરના દોસ્તારો મળી જશે

23 December, 2024 05:24 PM IST  |  Mumbai | Heena Patel

ડાઉન્સ સિન્ડ્રૉમ અને ઑટિઝમથી પીડાતાં સંતાનોની મમ્મી હોવાના નાતે મોનિશા ગાંધીઅને ગોપિકા કપૂરને ખબર હતી કે ડિસેબલ્ડ સંતાન યુવાન થાય ત્યારે તેના માટે મિત્રો શોધવાનું કામ કેટલું અઘરું છે.

ગોપિકા કપૂર (ડાબે) અને મોનિશા ગાંધી.

ડાઉન્સ સિન્ડ્રૉમ અને ઑટિઝમથી પીડાતાં સંતાનોની મમ્મી હોવાના નાતે મોનિશા ગાંધીઅને ગોપિકા કપૂરને ખબર હતી કે ડિસેબલ્ડ સંતાન યુવાન થાય ત્યારે તેના માટે મિત્રો શોધવાનું કામ કેટલું અઘરું છે. સામાન્ય રીતે દિવ્યાંગ બાળકોની સોશ્યલ લાઇફ સીમિત હોય છે, જીવનમાં એવા મિત્રો હોતા નથી જે તેમને સમજી શકે અને એટલે મોટા ભાગે તેઓ લોન્લી ફીલ કરતાં હોય છે. આ બાબતનો ​વિચાર કરીને આ બન્ને મધર્સે ખાસ દિવ્યાંગ યુવાનો અને તેમના કૅરગિવર્સ માટે ફ્રેન્ડશિપ ઍપ ડેવલપ કરી છે

મિત્રતા ખૂબ સુંદર સંબંધ છે અને જીવનના દરેક પડાવમાં આપણે મિત્રની જરૂર પડતી જ હોય છે. દરેકને એવા મિત્રોની આવશ્યકતા હોય છે જેમની સાથે આપણે સુખ-દુઃખની વાતો કરી શકીએ, જેમની પાસેથી નવું-નવું શીખી શકીએ, જેમની સાથે હરીફરી શકીએ, જેમની સાથે રહેવાથી આપણું બધું ટેન્શન ગાયબ થઈ જાય. વિજ્ઞાન પણ માને છે કે દરેક વ્યક્તિના જીવનમાં સામાજિક સંબંધોનું ખૂબ મહત્ત્વ છે, મિત્રતા વ્યક્તિના શારીરિક અને માનસિક બન્ને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જોકે આ મિત્રતાથી એ લોકો વંચિત રહી જાય છે જેમનામાં કોઈ ડિસેબિલિટી હોય. આનું કારણ એ છે કે તેમને બીજી નૉર્મલ વ્યક્તિ સાથે જલદીથી ભળી જવામાં સમસ્યા આવે છે. એ સિવાય માતા-પિતાનું બધું ફોકસ પણ તેમનાં સંતાનને વિવિધ પ્રકારની થેરપી આપવામાં, તેમના એજ્યુકેશન વગેરેમાં જ હોય છે. એવામાં મિત્રતાનો શબ્દ તેમના જીવનમાંથી ભૂંસાઈ જતો હોય છે અને તેઓ અંદરથી લોન્લી ફીલ કરવા લાગે છે. એટલે ખાસ આવા લોકોનો વિચાર કરીને મુંબઈની બે મમ્મીઓ મોનિશા ગાંધી અને ગોપિકા કપૂરે એક ફ્રેન્ડશિપ ઍપ ડેવલપ કરી છે. બડી અપ (Buddy up) નામની આ ઍપ ખાસ ૧૮ વર્ષથી મોટા દિવ્યાંગ યુવાનો અને તેમના કૅરગિવર્સ માટે બનાવવામાં આવી છે જેથી તેઓ એકબીજા સાથે કનેક્ટ થઈને મિત્ર બની શકે. મોનિશાના દીકરા મિહાનને ડાઉન્સ સિન્ડ્રૉમ છે, જ્યારે ગોપિકાના ​દીકરા વીરને ઑટિઝમ છે. મિહાન અને વીર બન્ને ૨૦ વર્ષના છે. બન્નેની મિત્રતાને જોઈને તેમની મમ્મીઓને દિવ્યાંગો માટે ફ્રેન્ડશિપ ઍપ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ આખી જર્ની વિશે આપણે વિગતવાર વાત કરીએ.

મુંબઈ કારગિલ સોલ્જરથૉનમાં મિહાન-વીરે સાથે ભાગ લીધો હતો. 

પ્રોફાઇલ

મિહાન અને વીરની મિત્રતા કઈ રીતે થઈ અને બન્નેને જોઈને તેમની મમ્મીઓને ઍપ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો એ બધું જાણતાં પહેલાં આપણે મિહાન-વીરની કન્ડિશન વિશે જાણવું જરૂરી છે. વીર અને મિહાને દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં વીર અને મિહાન બન્ને સ્કિલ શક્તિ કમ્યુનિટીના માધ્યમથી વિવિધ સ્કિલ્સ જેમ કે ફાઇનૅન્શિયલ લિટરસી, ડિજિટલ માર્કેટિંગ, ઑનલાઇન બિઝનેસ વગેરે શીખી રહ્યા છે. કોલાબામાં રહેતા મિહાનનાં મમ્મી મોનિશા તેમના દીકરા વિશે માહિતી આપતાં કહે છે, ‘મારા દીકરાને ડાઉન્સ સિન્ડ્રૉમ છે એટલે લર્નિંગમાં ડિફિકલ્ટી આવે છે. જોકે મિહાનની રાઇટિંગ સ્ટાઇલ ખૂબ સારી છે. તે પોએટ્રી (કવિતા) પણ લખે છે. તેને બીજા સાથે હળવા-મળવાનું, વાતચીત કરવાનું બહુ ગમે.’

એવી જ રીતે હાલમાં પરેલમાં રહેતાં ગોપિકા તેમના દીકરા વીર વિશે કહે છે, ‘વીરને ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઑર્ડર છે. સોશ્યલ કમ્યુનિકેશનમાં પ્રૉબ્લેમ આવે છે. તે વાતચીત કરી શકે, બધું સમજી શકે પણ સમસ્યા ત્યારે આવે જ્યારે પાર્ટીમાં જાય અને કોઈને મળે તો હેલો, હાઉ આર યુથી આગળ શું બોલવું એમાં ખબર ન પડે. તેને ખબર નથી પડતી કે સામાજિક વાતચીત કઈ રીતે કરવી જોઈએ. ઘણી વાર તેને પોતાની જે લાગણીઓ છે એને સમજવામાં થોડી સમસ્યા થાય છે. એ સિવાય ઘણી વાર ફુગ્ગો ફૂટવાનો અવાજ કે શ્વાન ભસતા હોય એનો અવાજ તે સહન કરી શકતો નથી. બાકી વીર બધી વાતે ઇન્ડિપેન્ડન્ટ છે. વીરને બેકિંગનો શોખ છે. તેને કૉમ્પ્લીકેટેડ ટાસ્ક એટલે કે લેગોમાંથી રોબોટિક કાર જેવી વસ્તુઓ બનાવવી વગેરે ખૂબ ગમે છે. લોકોએ એ સમજવાની જરૂર છે કે ઑટિઝમથી પીડાતાં બાળકોના બ્રેઇનનું જે વાયરિંગ છે એ થોડું અલગ છે. એટલે આપણે જે રીતે વિચારીએ એનાથી અલગ રીતે તેઓ વિચારે છે. એમાં કોઈ ખરાબી નથી. બસ, ફક્ત અલગ છે. તમારા બાળકને ડિસેબિલિટી હોય અને જો તેને તમે ઍક્સેપ્ટ ન કરી શકતા હો તો ખરી અક્ષમતા તમારામાં છે,તેનામાં નહીં.’

મિત્રતાની શરૂઆત

મિહાન-વીરની મિત્રતા કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં મોનિશા ગાંધી કહે છે, ‘મિહાનનો દસમા ધોરણ સુધીનો અભ્યાસ રેગ્યુલર સ્કૂલમાં જ થયો છે. દસમા ધોરણ પછી તેના મિત્રો કૉલેજમાં ઍડ‍્મિશન લેવાના હતા, જ્યારે મિહાનનો રસ્તો જુદો હતો. તેને એમ્પ્લૉયેબિલિટી સ્કિલ્સ માટે તૈયાર કરવાનો હતો. એટલે મને એવો ભય હતો કે તે એકલો પડી જશે, એનો ખરાબ પ્રભાવ તેના પર પડશે. મેં તેના માટે ફ્રેન્ડ્સ શોધવાનું પણ શરૂ કરેલું પણ ક્યાંય મેળ ન પડ્યો. એ પછી મેં મિહાનનાં ડૉક્ટર વિભા કૃષ્ણમૂર્તિને પૂછ્યું કે તમારા ધ્યાનમાં કોઈ એવું ડિસેબલ્ડ ચાઇલ્ડ છે જે મિહાનનો મિત્ર બની શકે. એ પછી તેમણે મને ગોપિકા અને વીર વિશે વાત કરી. વિભા કૃષ્ણમૂર્તિ ઉમ્મીદ ચાઇલ્ડ ડેલવપમેન્ટ સેન્ટર ચલાવતાં હતાં એમાં ગોપિકા કામ કરતાં હતાં. એ રીતે વિભા કૃષ્ણમૂર્તિએ મારી અને ગોપિકાની ઓળખ કરાવી. તેમણે અમને કહ્યું કે તમારે તમારાં બાળકોને એકબીજાથી મળાવવાં જોઈએ. એ પછી અમે મિહાન અને વીરની મુલાકાત કરાવી અને પહેલી જ વારમાં મિહાન અને વીર વચ્ચે સારીએવી મિત્રતા થઈ ગઈ છે. ’

બેસ્ટ  બડીઝ મિહાન ગાંધી ઢાલ અને વીર કપૂર 

વીર-મિહાનની મિત્રતા વિશે વાત કરતાં ગોપિકા કહે છે, ‘મિહાન ખૂબ વાતો કરે, ખૂબ ફ્રેન્ડ્લી છે; જ્યારે વીર ઓછાબોલો અને શરમાળ છે. મિહાન સાથે રહીને વીર પણ બોલવા લાગ્યો છે, મનની વાતો શૅર કરતાં થયો છે. એવી જ રીતે વીર આમ ખૂબ ઇન્ડિપેન્ડન્ટ છે. ક્યાંય પણ જવું હોય તો જાતે જઈ શકે છે, મોબાઇલ પર જે ઍપ્લિકેશન આવે એ બધી યુઝ કરી શકે છે. તો આ બધી વસ્તુ તે મિહાનને પણ શીખવાડવાનો પ્રયત્ન કરે. કહેવાનો અર્થ એ કે બન્ને સાથે મળીને જે પણ પરિસ્થિતિ હોય એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી લે. એકબીજા પાસેથી નવું-નવું શીખે એટલું જ નહીં, બન્ને વીક-એન્ડના ડિનર કરવા, મૂવી જોવા માટે જાય. મૅરથૉન જેવી ઍક્ટિવિટીમાં પણ સાથે પાર્ટિસિપેટ કરે. મિહાનની એક બહેન છે, જ્યારે વીરને ટ‍્વિન સિસ્ટર છે. અમારી દીકરીઓ જેમ મોટી થઈ ગઈ એમ તેમની સોશ્યલ લાઇફ ઍક્ટિવ થતી ગઈ. એ લોકો ફ્રેન્ડ્સ સાથે હરવા-ફરવા જાય, એન્જૉય કરે. બીજી બાજુ વીર અને મિહાનનું જીવન એવું નહોતું. એ તો અમે વીર અને મિહાનની મિત્રતા કરાવી એ પછીથી તેઓ સોશ્યલી ઍક્ટિવ થયા. આજે સ્થિતિ એ છે બન્નેની સોશ્યલ લાઇફ અમારા બધા કરતાં વધુ છે.’

મિહાનને ભલે ડાઉન્સ સિન્ડ્રૉમ હોય તેમ છતાં તે બીજી વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી એ સરસ રીતે જાણે છે. વીર સાથે પોતાની દોસ્તી વિશે મિહાન કહે છે, ‘હું અને વીર બન્ને પહેલી વાર મળ્યા ત્યારે અમે સાથે મળીને કેક બેક કરી હતી. વીર અને તેનાં મમ્મી અમારા ઘરે આવ્યાં હતાં. વીર કેક, કુકીઝ બનાવવામાં માસ્ટર છે. મને વાતો કરવી ગમે છે. વીર હંમેશાં મને સાંભળે છે. મેં વીર પાસેથી જ રોડ ક્રૉસ કરતાં, ઍપ પરથી ટૅક્સી બુક કરતાં, ફૂડ ઑર્ડર કરતાં શીખ્યું છે. વીક-એન્ડ અમે સાથે મળીને જ પસાર કરીએ છીએ.’

ઍપની શરૂઆત

ઍપ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે વાત કરતાં મોનિશા કહે છે, ‘મિત્રતાને કારણે મિહાન-વીરના જીવનમાં જે સકારાત્મક બદલાવ આવ્યો એને અમે નજીકથી જોયો છે. એટલે અમે વિચાર્યું કે આપણે આમના જેવાં બીજાં બાળકોને એવી તક ઉપલબ્ધ કરાવીએ જેથી તેઓ પણ મિત્રો બનાવી શકે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ એકલતાને એક એપિડેમિક જાહેર કરી છે. એમાં પણ ખાસ કરીને જે દિવ્યાંગ કમ્યુનિટી છે એમાં ખૂબ એકલતા જોવા મળે છે. અમે એવા ડિસેબલ્ડ લોકો સાથે વાત કરીએ અથવા તો તેમના પેરન્ટ્સને પૂછીએ કે તમારાં બાળકોના ફ્રેન્ડ્સ છે? તો ૯૯ ટકા કેસમાં તેમનો જવાબ ના હોય છે. તેમનું કહેવું હોય છે કે તેમના એક પણ મિત્ર નથી, તે કોઈની સાથે વાત જ નથી કરતા, તે એકલા જ રહે છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ પાસે ફ્રેન્ડ્સ હોવા જરૂરી છે. આપણે જેની સામે મન ખોલી શકીએ, જેમની સાથે મળીને હસી શકીએ એવા મિત્રો હોવા જરૂરી છે. આ આપણા માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે ખૂબ જરૂરી છે. જે માતા-પિતાનું બાળક દિવ્યાંગ હોય તેમનું ફોકસ બાળકને ​ફિઝિયોથેરપી, સ્પીચથેરપી, ઑક્યુપેશનલ થેરપી, બિહેવિયરલ થેરપી આપવા પર જ હોય છે; પણ કોઈ તેમને સોશ્યલ કનેક્શન પૂરું પાડવા વિશે વિચાર કરતું નથી. મેન્ટલ વેલબીઇંગ માટે આ ખૂબ જરૂરી છે.’

વાતને આગળ વધારતાં મોનિશા કહે છે, ‘ભારતમાં કોરોનાકાળ પછીથી લોકો મેન્ટલ હેલ્થનું મહત્ત્વ શીખ્યા છે. એ અગાઉ તો મેન્ટલ હેલ્થને કોઈ ગણકારતું પણ નહોતું. વ્યક્તિ માનસિક રીતે ખુશ ન હોય તો એનો પ્રભાવ શિક્ષણ, નોકરી, સંબંધો, શારીરિક સ્વાસ્થ્ય બધી જ વસ્તુ પર પડે છે. એટલે વ્યક્તિના ઓવરઑલ વેલબીઇંગ માટે સોશ્યલ કનેક્શન્સ હોવાં ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ વ્હીલચૅર પર છે કે તેને કોઈ શારીરિક ખામી છે અને તે ઑફિસમાં કામ કરી રહી છે તો તેના ફ્રેન્ડ્સ ઑફિસમાં બન્યા હશે, પણ તેને સરખી રીતે સમજી શકે એવા ફ્રેન્ડ્સ એ જ હશે જે પોતે ડિસેબલ્ડ છે. એ વિચાર સાથે અમે ગયા વર્ષે એપ્રિલમાં ડિસેબલ્ડ માટે સ્પેશ્યલી એક ઍપ્લિકેશન બનાવવાનો વિચાર કર્યો. અમે ઍપ એટલા માટે બનાવી કારણ કે આજકાલ નાનાં ગામોથી લઈને શહેરોમાં બધા જ લોકો પાસે મોબાઇલ છે. એટલે સરળતાથી તેઓ મોબાઇલમાં ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રેન્ડ્સ શોધી શકે છે. ઍપની ડિઝાઇન કેવી હશે, એમાં કયાં-કયાં ફીચર્સ હશે, એને સિક્યૉર કઈ રીતે બનાવવી એ બધી જ વસ્તુનો આઇડિયા અમારો જ હતો. એ પછી એક ટેક-ડેવલપર રાખીને અમે તેની પાસેથી ઍપ ડેવલપ કરાવી. એ પછી એનું ટેસ્ટિંગ શરૂ કર્યું. ઍપ સંપૂર્ણ રીતે રેડી થઈ જતાં અમે એને આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ કરી છે.’

ઍપની ખાસિયત

આ ઍપ કઈ રીતે કામ કરે છે એ વિશે માહિતી આપતાંગોપિકા કહે છે, ‘બડી અપ ઍપ હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં ઉપલબ્ધ છે. આ ઍપ યુઝર્સ માટે એકદમ ફ્રી છે. આ ઍપને અમે ખૂબ જ સિમ્પલ રીતે બનાવી છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકો. અઢાર વર્ષ અને એનાથી મોટી વયના દિવ્યાંગ એનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય કોઈ માતા-પિતાને એમ લાગે કે તેમનું સંતાન ૧૮ વર્ષથી ઉપર તો છે પણ એટલી સમજ નથી કે ઍપ ઑપરેટ કરી શકે અથવા તો તેનો કોઈ ખોટો ફાયદો ઉઠાવી શકે તો આવા કેસમાં માતા-પિતા તેમના સંતાનનું પ્રોફાઇલ બનાવી શકે અને સંતાન માટે મિત્રો શોધી શકે. આ ઍપ પર અકાઉન્ટ ખોલવા માટે યુઝરનું નામ, જન્મતારીખ, ઉંમર, ઍડ્રેસ જેવી બેઝિક ઇન્ફર્મેશન, કેવા પ્રકારની ડિસેબિલિટી છે, તેની રુચિ શેમાં છે, પ્રોફાઇલ ફોટો (ઑપ્શનલ) જેવી માહિતી ભરવાની હોય છે. એ પછી યુઝરની જેન્ડર, ડિસેબિલિટી, લોકેશન અને ઇન્ટરેસ્ટના હિસાબે તેમને ફ્રેન્ડ્સ સજેસ્ટ કરવામાં આવે છે. એમાં પણ તમારે કેટલા વર્ષના લોકો સાથે ફ્રેન્ડશિપ કરવી છે તો એ હિસાબે તમે એજ-રેન્જ નક્કી કરી શકો. તમે વિલે પાર્લેમાં રહેતા હો અને એવા જ ફ્રેન્ડ ઇચ્છતા હો કે એ તમારા લોકેશનથી પાંચ-દસ કિલોમીટરની રેન્જમાં હોય જેથી ભવિષ્યમાં મળવા જેવું લાગે તો મળી શકાય તો એ પ્રમાણેનું પણ સેટિંગ કરી શકો. ઘણી વાર કોઈ યુવતી હોય તો તેને યુવતી સાથે જ ફ્રેન્ડશિપ કરવી હોય તો એે પણ ઑપ્શન છે. એ સિવાય કોઈ માતા-પિતાએ પોતાના સંતાન માટે અકાઉન્ટ બનાવ્યું હોય અને તેમને ફક્ત એવાં જ અકાઉન્ટ જોવાં છે જે બીજાં માતા-પિતાએ તેમનાં બાળકો માટે બનાવ્યાં છે તો એમાં તમે ઓન્લી કૅરગિવર્સ અકાઉન્ટનું સેટિંગ ઑન કરી શકો છો. ’

આ વિશે વધુ માહિતી આપતાં ગોપિકા કહે છે, ‘ઘણી વાર એવું હોય કે કોઈ ડિસેબલ્ડ છે તો તેને ફક્ત તેમના જેવા લોકો સાથે જ વાત કરવી હોય અને કૅર​ગિવર્સ સાથે વાત ન કરવી હોય તો સેલ્ફ યુઝર્સ અકાઉન્ટનો ઑપ્શન ઑન કરી શકો છો. બન્ને સાથે વાત કરવી હોય તો એ પણ કરી શકો છો. એ સિવાય આ ઍપ પર એક મિનિટના ફ્રી વિડિયો-કૉલની પણ સુવિધા છે જે સુરક્ષાનાં કારણોસર આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે તમે અઢાર વર્ષની યુવતી છો અને સામેવાળાએ પોતાની ઓળખ ૧૮ વર્ષની યુવતી તરીકે આપી છે પણ વાસ્તવમાં તે ૧૮ વર્ષનો યુવક હોય અથવા ૫૦ વર્ષનો પુરુષ હોય તો એવા કેસમાં વિડિયો-કૉલ કરીને તમે કન્ફર્મ કરી શકો એ માટે આ સુવિધા આપવામાં આવી છે. વિડિયો-કૉલ ફીચર ખૂબ મોંઘું આવે છે જે અમને પરવડે એમ નથી એટલે અમે વન મિનિટના વિડિયો કૉલની જ સુવિધા આપી છે. એ સિવાય કોઈ સાથે ફ્રેન્ડશિપ કર્યા બાદ તમને એવું લાગે કે તે તમને હેરાન કરી રહ્યો છે કે અશ્લીલ વાતો કે ફોટો મોકલી રહ્યો છે તો તેને બ્લૉક કરવાનો પણ ઑપ્શન છે. એવા અકાઉન્ટને તમે રિપોર્ટ પણ કરી શકો જેથી અમે તેની સામે ઍક્શન લઈ શકીએ. અમારા ઘણા વિઝ્યુઅલી ઇમ્પેર્ડ યુઝર્સની રિક્વેસ્ટ પર અમે વૉઇસ નોટ ફીચર પણ હજી હમણાં જ ઍડ કર્યું છે.’

friends social media social networking site technology news mental health Education columnists mumbai gujarati mid-day