31 October, 2020 06:40 PM IST | Mumbai | Deepak Mehta
વકીલ કનૈયાલાલ મુનશી
ઈ. સ. ૧૮૮૭ની એક સવારે ચર્ની રોડ સ્ટેશન પાસેથી ૧૮-૧૯ વરસનો એક જુવાન, નામે સરસ્વતીચંદ્ર ઘર છોડીને મુંબઈથી દૂર ચાલ્યો ગયો હતો અને પહોંચ્યો હતો ભદ્રા નદી અને સાગરના સંગમ પાસે આવેલા સુવર્ણપુરમાં. બરાબર વીસ વરસ પછી બહારગામથી આવતી ટ્રેનમાંથી એ જ ચર્ની રોડ સ્ટેશન પર વીસ વરસનો એક યુવાન ઊતરે છે. નર્મદા નદી અને સાગરના સંગમ નજીક આવેલા ભરૂચ શહેરથી તે આવ્યો છે. તેણે પહેલી વાર મુંબઈમાં પગ મૂક્યો એ અગાઉ ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે સરસ્વતીચંદ્રના સર્જક ગોવર્ધનરામનું મુંબઈમાં અવસાન થયું હતું. સરસ્વતીચંદ્ર ગયા પછી તેના ઘરની ઘોડાગાડી ચર્ની રોડ સ્ટેશન પાસેથી મળી આવી હતી. વીસ વરસ પછી આ યુવક ઊતરે છે ત્યારે ઘરની ઘોડાગાડી તો નથી, પણ ભાડાની વિક્ટોરિયા તો ઊભી છે સ્ટેશનની બહાર. પણ આ યુવાન વિક્ટોરિયામાં બેસવાને બદલે, મજૂરને માથે સામાન ચડાવી તેની સાથે ચાલવા લાગે છે. કેમ? વિક્ટોરિયાનું બાર આનાનું ભાડું પોસાય એમ નથી. મજૂર ચાર આના લે. આઠ આના બચતા હોય તો ગિરગામ વિસ્તારમાં આવેલી પીપળવાડી સુધી ચાલવામાં આ જુવાનને વાંધો નથી.
બીએ એલએલબી થઈને સરસ્વતીચંદ્રે મુંબઈ છોડ્યું હતું. વિદ્યાર્થી મટી અનુભવાર્થી થવા નીકળ્યો હતો. વીસ વરસ પછી આ યુવક બીએ થયો હતો અને એલએલબી થવા મુંબઈ આવ્યો હતો. ના, ઓગણીસમી સદીમાં ગયેલો યુવાન સરસ્વતીચંદ્ર વીસમી સદીમાં પાછો આવ્યો નહોતો. તે પાછો આવી શકે એ શક્ય જ નહોતું. આ તો વીસમી સદીનો સ્વપ્નદૃષ્ટા આવ્યો હતો. પોતાની સૃષ્ટિ પોતે રચીને એનો નાથ થવા સર્જાયેલો આ યુવક હતો. ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને દસ ડગલાં આગળ લઈ જવા સર્જાયેલો આ યુવક હતો. પણ એ વાતની એ વખતે કોઈને ખબર નહોતી – એ યુવકને પોતાને પણ નહીં. વીસેક મિનિટ ચાલીને તે પીપળવાડી આવી પહોંચ્યો, તેના ત્રણ સાવકા મામાઓને ઘેર. કોઈ બંગલોમાં નહોતા રહેતા આ ત્રણ મામા. પીપળવાડીની એક ચાલની ડબલ રૂમમાં રહેતા હતા. મોટાં મામા અને મામી રસોડામાં સૂતાં. બીજા બે મામા અને આ યુવાન આગલી રૂમમાં કે છજામાં સૂતા.
એ યુવાનનું નામ? કનૈયાલાલ માણેકલાલ મુનશી. જે વર્ષે ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ મુંબઈમાં પ્રગટ થયો એ જ વર્ષે ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે બપોરે બાર વાગ્યે ભરૂચમાં જન્મ. એ જમાનાના રિવાજ પ્રમાણે ૧૩ વરસની ઉંમરે ઈ. સ. ૧૯૦૦માં તો તેનાં લગ્ન થઈ ગયાં હતાં અતિલક્ષ્મી પાઠક સાથે. ગ્રૅજ્યુએટ થવા માટે બરોડા કૉલેજમાં ૧૯૦૨માં દાખલ થયા જ્યાં અરવિંદ ઘોષ તેમના અધ્યાપકોમાંના એક. બીએમાં એલિયટ મેમોરિયલ પ્રાઇઝ મેળવેલું.
કેવું હતું મુંબઈની ચાલીનું એ જીવન? મુનશીના જ શબ્દોમાં જોઈએ : ‘ચારે તરફ ગંદવાડ. રસોડામાં, ચાલીમાં, કઠેરા પર. બપોરે ઘણી સ્ત્રીઓ ચાલીમાંથી નીચે એંઠવાડ નાખે. ઠેર-ઠેર કચરાના ઢગલા પડ્યા હોય. ખંડોમાં પરસેવાની ગંધ મારે. આખા મકાનમાં રસોડા ને જાજરૂની ગંધનું ત્રાસદાયક મિશ્રણ પ્રાણ રોધે. ચાલીમાં આવવા માટે એક ગલી હતી. ત્યાં ગટરનાં પાણી મુક્તપણે વહે ને વચ્ચે-વચ્ચે મૂકેલી ઈંટો પર પગ મૂકીને ગલી પસાર કરવી પડે. કોલાહલ કરતા આ જનસમૂહના વાસમાં આખો દિવસ ‘નળ બંધ કરો’ની બૂમો ઉપલા માળવાળા નીચલા માળવાળાને કાને પહોંચાડતા. નીચે કેરી વેચનારાઓ ઉપરવાળાને સંભળાવવા મોટેથી બૂમ મારતા : ‘પાયરી, આફૂસ.’ જેનો જવાબ અમે ‘બૈરી ડફઉઉફસ’ કરીને વાળતા ને મોઢામાં કેરીનો સ્વાદ આણતા.’
થોડા દિવસ તો આ રીતે માંડ-માંડ કાઢ્યા. પછી એલએલબી ભણતા બે મિત્રો સાથે મળીને ‘ખોલી’ ભાડે રાખીને રહેવાનું નક્કી કર્યું. એક પછી એક મકાનનાં પગથિયાં ઘસવા માંડ્યાં. પણ જ્યાં જાય ત્યાં સૌથી પહેલો એક જ સવાલ : ‘બૈરી સાથે છોને’? પણ મુનશી પત્નીને ભરૂચ રાખીને આવેલા અને બીજા બે મિત્રો હજી કુંવારા હતા. એટલે જવાબમાં ‘ના’ પાડે કે તરત મહેતાજી જ ‘આવજો’ કહી દે. છેવટે કાંદાવાડીમાં આવેલી કાનજી ખેતસીની ચાલમાં હિંમત કરી સીધા ટ્રસ્ટી પાસે પહોંચ્યા. ટ્રસ્ટીએ નામ સાંભળી પૂછ્યું : ‘ડાકોરમાં અધુભાઈ મુનશી હતા તેના તમે કંઈ સગાં થાઓ?’ ‘હા, હું તેમનો ભત્રીજો થાઉં.’ આ સાંભળી ટ્રસ્ટીએ હુકમ કર્યો : ‘ભૈયાજી, ઉન કો અચ્છી ખોલી દે દો.’ આ વિશે મુનશી લખે છે : ‘એ જ ચાલોનો એક દિવસ હું ટ્રસ્ટી થવાનો છું એ ખ્યાલ ત્યારે તો સ્વપ્નામાં પણ નહોતો.’ પણ સપનામાં પણ ન કલ્પ્યું હોય એવું તો ઘણું-ઘણું બનવાનું હતું આગળ જતાં.
કવિ નર્મદની જન્મભૂમિ સુરત, પણ કર્મભૂમિ મુંબઈ. ગોવર્ધનરામની જન્મભૂમિ નડિયાદ, પણ કર્મભૂમિ મુંબઈ. એવી જ રીતે મુનશીની જન્મભૂમિ ભરૂચ, પણ કર્મભૂમિ મુંબઈ. આત્મકથા ‘સીધાં ચઢાણ’માં મુનશી કહે છે : ‘જૂન ૧૯૦૭ની શરૂઆતમાં હું એલએલબીનો અભ્યાસ કરવા મુંબઈ આવ્યો ત્યારથી મુંબઈગરો થયો.’ મુનશી જેવા અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસ મુંબઈ જેવા મહાનગર પ્રત્યે ન આકર્ષાય તો જ નવાઈ. મુનશીના વ્યક્તિત્વમાં, તેમનાં પોશાક, રહેણીકરણી, વિચારો, વાણી-વર્તન અને આદર્શોમાં, મહાનગરની વિશાળતા અને ઊંચાઈ છે. તેમનાં લખાણોમાં જે સફાઈ, સુઘડતા, વ્યવવસ્થા, મુક્તિ અને પરિષ્કૃત સંસ્કારિતા સતત જોવા મળે છે એ તેમના મહાનગરવાસની નિશાની છે.
ભરૂચમાં હતા ત્યારથી જ મુનશીને નાટક જોવાનો ગાંડો શોખ. મુંબઈ આવીને પણ જૂની રંગભૂમિનાં અનેક નાટક જોયાં. નાટકમાં બે અંક વચ્ચે પડદો પડે ને પછી પાછો ઊપડે. ઊપડે ત્યારે દૃશ્ય બદલાઈ ગયું હોય. મુનશીના જીવન-નાટકનો પડદો ઊપડે છે અને એક નવું દૃશ્ય. સમય છે ૧૯૧૨નો જૂન મહિનો. અમદાવાદથી પ્રગટ થતું એક માસિક, નામે ‘સુંદરી-સુબોધ’. એ મહિનાના અંકમાં એક ટૂંકી વાર્તા પ્રગટ થાય છે : ‘મ્હારી કમલા.’ (પછીથી જોડણી બદલીને ‘મારી કમલા’) લેખકનું નામ લખ્યું છે : કનૈયાલાલ માણેકલાલ મુનશી, બીએ, એલએલબી. ગુજરાતીમાં છપાયેલી મુનશીની આ પહેલવહેલી કૃતિ, લખાઈ મુંબઈમાં. પછીથી મુનશીએ પોતે નોંધ્યું છે : ‘ચંદ્રશંકર માસ્તર અને કાન્તિલાલ પંડ્યા ગુજરાતીમાં લખવા માટે મને પ્રેર્યા કરતા હતા, પણ મારી હિમ્મત ચાલતી નહોતી. હું નિશાળમાં ગુજરાતી ભણ્યો નહોતો. ગુજરાતીમાં એક સારો પત્ર પણ લખવાનું મારાથી બની શકતું નહીં. જ્યારે-જયારે મને કોઈ પણ પ્રકારનો તીવ્ર ઉદ્વેગ થતો ત્યારે એને અવલંબીને કોઈ કાલ્પનિક પ્રસંગ ઊભો કરી, એને નોંધ દ્વારા વ્યક્ત કરવાની મને નાનપણથી ટેવ હતી,
પણ એ અંગ્રેજીમાં જ. ૧૯૧૨માં મને એવો
ઉદ્વેગ થયો ત્યારે ગુજરાતીમાં એ વ્યક્ત
થઈ શકશે કે કેમ એનો પ્રયોગ કરવા મેં ‘મારી કમલા’ નામક ટૂંકી વાર્તા લખી કાઢી.’ અને એ દિવસે મુંબઈમાં ગુજરાતી ભાષાને મળ્યો એનો દિગ્ગજ ગદ્યકાર, સાહિત્યકાર, સર્જક.
કમલાથી કૃષ્ણાવતાર સુધીની મુનશીની લેખનયાત્રા ચાલી મુંબઈમાં.
પણ મુનશી માત્ર સર્જક નહોતા, મોટા ગજાના વિધાયક હતા. અને તેમની વિધાયક શક્તિ એક બાજુથી સાહિત્યમાં પ્રગટ થઈ તો બીજી બાજુથી સંસ્થાઓમાં છવાઈ ગઈ. મુનશી ‘એકલો જાને રે’ના માણસ નહોતા. સૌનો સાથ લઈને ચાલનારા માણસ હતા. ૧૯૧૨માં જ મુંબઈની ‘ગુર્જર સભા’ સાથે મુનશી સંકળાયા. થોડાં વરસ પછી તેમને લાગ્યું કે મુંબઈના ગુજરાતી સાહિત્યકારોને એકબીજા સાથે સાંકળવાની જરૂર છે. અને તેથી ૧૯૨૨માં તેમણે ‘સાહિત્ય સંસદ’ શરૂ કરી. ‘ગુજરાત’ નામનું માસિક શરૂ કર્યું જેણે એ વખતનાં આગળ પડતાં ગુજરાતી સામયિકોની હરોળમાં સ્થાન મેળવી લીધું. મુનશી ‘ઉપરથી આવતી’ પ્રેરણાના માણસ નહોતા. પરસેવાના અને પ્રયત્નના માણસ હતા. એટલે જ લખે છે : ‘મારી સર્જનશક્તિનું મને ભાન આવ્યું એટલે સાહિત્ય સંસદ અને ગુજરાત માસિક દ્વારા ગુર્જરી સાહિત્ય અને સંસ્કારના વિકાસને વિસ્તાર સાધવા માટે હું તત્પર બન્યો.’ સાહિત્ય સંસદ અને ‘ગુજરાતી’ માસિક એ મુનશીની ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મુંબઈથી અપાયેલી પહેલી ભેટ.
ફરી દૃશ્ય બદલાય છે. ૧૯૧૩ના માર્ચ મહિનાની પંદરમી તારીખે સવારે સાડાઅગિયાર વાગ્યે મુનશીના જીવનનું એક નવું દૃશ્ય શરૂ થાય છે. વકીલનો કાળો ઝભ્ભો અને સફેદ ‘ફરફરિયાં’ (કૉલર પર બાંધવાના બૅન્ડ્સ) ખરીદવાના પૈસા ખિસ્સામાં નથી એટલે કોઈકનાં માગીતાગીને લાવ્યા છે. એ પહેરીને બૉમ્બે હાઈ કોર્ટમાં મુનશી દાખલ થાય છે, ન્યાયમૂર્તિ બીમન સાથે શેક-હૅન્ડ કરે છે અને ઍડ્વોકેટ ઓ.એસ. (ઓરિજિનલ સાઇડ) બની તેમની વચ્ચે જઈ બેસે છે. પછીથી છેક ૧૯૬૨માં એ વિશે મુનશી લખે છે : ‘જાણે ડૂબતો હોઉં તેવો મને ભાસ થયો.’ પછી થાણાની કોર્ટમાં પહેલી વાર દલીલો કરવા ઊભા થાય છે. ‘હું અપીલ ચલાવવા ઊભો થયો ત્યારે મારી આંખ આગળ કોર્ટ ચક્કર-ચક્કર ફરતી હતી. મારો અવાજ ગળાની બહાર નીકળી શકતો નહોતો. કાનમાં તો જોરથી ઘંટનાદ સંભળાતા હતા. પંદર-વીસ મિનિટે મને શુદ્ધિ આવી ને હું બરાબર બોલવા લાગ્યો.’ પછી તો વખત જતાં મુનશીની ગણના બૉમ્બે હાઈ કોર્ટના અગ્રણી વકીલોમાં થવા લાગી. ઉછીનો ઝભ્ભો અને ફરફરિયાં પહેરીને પહેલી વાર કોર્ટમાં દાખલ થનાર મુનશી લખે છે : ‘૧૯૨૨ના છેલ્લા ત્રણ માસની મારી આવક વિશુદ્ધ બ્રાહ્મણને રૌરવ નરકના અધિકારી બનાવે એટલી મોટી હતી.’
૧૯૧૩ના વર્ષમાં બીજી પણ એક મહત્ત્વની ઘટના બને છે જે આગળ જતાં ગુજરાતી નવલકથાની દશા અને દિશા બદલી નાખે છે. એ જમાનામાં ‘ગુજરાતી’ નામના સાપ્તાહિકની બોલબાલા હતી. એના સ્થાપક તંત્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈની તેમાં પ્રગટ થતી ધારાવાહિક નવલકથાઓ એનું એક મુખ્ય આકર્ષણ હતી. પણ ૧૯૧૨ના ડિસેમ્બરની પાંચમી તારીખે ઇચ્છારામનું અવસાન થયું એ પહેલાં કેટલાક વખતથી તેમણે લખવાનું લગભગ બંધ કર્યું હતું. એટલે ‘ગુજરાતી’ને નવા નવલકથાકારની તાતી જરૂર હતી. એ સાપ્તાહિક સાથે સંકળાયેલા અંબાલાલ જાની મુનશીના મિત્ર. તેઓ ‘ગુજરાતી’ માટે ધારાવાહિક નવલકથા લખવા મુનશીને સૂચવે છે. અને મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત’ ગુજરાતી સાપ્તાહિકના ૧૯૧૩ના ઑગસ્ટથી ૧૯૧૫ના જુલાઈ સુધી હપ્તાવાર પ્રગટ થાય છે. હજી વકીલાતની શરૂઆતના દિવસો. પોતાને નામે એ નવલકથા પ્રગટ કરવાનું યોગ્ય ન લાગ્યું. ન કરે નારાયણ ને કોઈક તકલીફ ઊભી થાય તો! એટલે એ નવલકથા ‘ઘનશ્યામ વ્યાસ’ તખલ્લુસથી પ્રગટ થાય છે. ભેદભરમ, કાવાદાવા, વેર અને તેની વસૂલાત વગેરેથી ઊભરાતી આ નવલકથાને વાચકો વધાવી લે છે. પણ આ નવલકથા લખવા પાછળનું ખરું કારણ શુ હતું? વર્ષો પછી મુનશી લખે છે : ‘કોલમના ૧૪ આના (આજના ૮૫ પૈસા!) જતા કરવાનું રુચ્યું નહીં એટલે વારતા લખવાનો નિશ્ચય કર્યો ને વેરની વસૂલાત લખી.’
પણ મુંબઈમાં રહીને મુનશીએ વેરની વસૂલાત ન કરી, જાણે આગલા ભવનું લેણું ચૂકવતા હોય તેમ અનેક ક્ષેત્રોમાં અઢળક કામ કર્યું. એની કેટલીક વાતો હવે પછી.