સાતમા ધોરણમાં સાયન્સ ટીચરથી પ્રેરાઈને જોયેલું સપનું પોતે ટીચર બન્યા પછી પૂરું કર્યું

08 July, 2024 10:35 AM IST  |  Mumbai | Ruchita Shah

સ્પોર્ટ્‌સ અને ઍડ્વેન્ચર ઍક્ટિવિટીમાં આ યંગ ગર્લનો જુસ્સો અને સાહસ દંગ કરનારાં છે

દ્રષ્ટિ કાપડિયા

તાજેતરમાં જ દૃષ્ટિ કાપડિયાએ દેશની નંબર વન પર્વતારોહણની ઇન્સ્ટિટ્યૂટમાં એક મહિનાનો બેઝિક કોર્સ પૂરો કર્યો છે. નૅશનલ લેવલે ક્રિકેટ રમનારી દૃષ્ટિએ બાર વર્ષની ઉંમરે જોયેલું સપનું ત્રીસ વર્ષની વયે પૂરું કર્યું એની પાછળની વાતો તો જાણવા જેવી છે જ, સાથે સ્પોર્ટ્‌સ અને ઍડ્વેન્ચર ઍક્ટિવિટીમાં આ યંગ ગર્લનો જુસ્સો અને સાહસ દંગ કરનારાં છે...

સપનાંઓ જોયાં હોય તો ઈશ્વર એને સાકાર કરવાની તક આપતો જ હોય છે. સાતમા ધોરણમાં ભણતી દૃષ્ટિએ પોતાના સાયન્સ ટીચરથી ઇન્સ્પાયર થઈને વર્ષો પહેલાં ઉત્તરકાશીમાં આવેલી નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગમાં કોર્સ કરવાનું સપનું જોયું હતું, જેને અત્યારે ત્રીસ વર્ષની ઉંમરે તેણે પરિપૂર્ણ કર્યું. ક્રિકેટમાં નૅશનલ લેવલ પર અન્ડર-નાઇન્ટીનમાં ભારતને રિપ્રેઝન્ટ કરનારી અને કાંદિવલીની ચત્રભુજ નરસી સ્કૂલમાં છેલ્લાં નવ વર્ષથી સ્પોર્ટ્‌સ ટીચર તરીકે સક્રિય દૃષ્ટિએ ભારતની પહેલા નંબરની પર્વતારોહણની ઇન્સ્ટિટ્યૂટમાં કઈ રીતે ઍડ્‌મિશન મેળવ્યું અને લગભગ એક મહિનાનો એ પડકારજનક કોર્સ કઈ રીતે પૂરો કર્યો એના રોમાંચક અનુભવો જાણીએ.

મમ્મી-પપ્પાનો સપોર્ટ

દૃષ્ટિ પોતે કૉમર્સ ગ્રૅજ્યુએટ છે. જોકે સ્પોર્ટ્‌સનો શોખ તેને તેના પપ્પા પાસેથી વારસામાં મળ્યો છે. તે કહે છે, ‘મારા પપ્પા પણ અમારી ગિરનારા બ્રાહ્મણ કમ્યુનિટીની ટીમમાં ક્રિકેટ રમતા. મમ્મી જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં ભણ્યાં છે અને તેઓ ડ્રૉઇંગ ટીચર છે. મારા પેરન્ટ્સે મારા શોખને હંમેશાં પ્રોત્સાહન આપ્યું અને પેરન્ટ્સનો જ સપોર્ટ હતો કે સ્પોર્ટ્‌સ માટેનું મારું પૅશન પ્રોફેશન બની શક્યું. હું જ્યારે ક્રિકેટમાં નૅશનલ કક્ષાએ રમી રહી હતી ત્યારે પણ મમ્મી-પપ્પાએ જ્યાં-જ્યાં જેની જરૂર હતી ત્યાં એ પૂરું પાડ્યું. ગ્રૅજ્યુએશન પૂરું કર્યા પછી જ્યારે કરીઅર પસંદ કરવાની વાત આવી ત્યારે આખો દિવસ AC ઑફિસમાં બેસીને કામ કરવાની મારી તૈયારી નથી એવું કહ્યું ત્યારે પણ તેમણે તને જે ગમે એ કર એવી મોકળાશ આપી અને મેં સ્કૂલમાં સ્પોર્ટ્‌સ ટીચર તરીકેનું કામ શરૂ કર્યું.’

દર વર્ષે એક ઍડ્વેન્ચર ઍક્ટિવિટી કરવાનો જાણે નિયમ હોય એમ છેલ્લાં પાંચ-છ વર્ષથી કંઈક હટકે દૃષ્ટિ કરી રહી છે. જેમ કે કેદાર-કાંઠા ટ્રેક કરી આવેલી દૃષ્ટિએ વિન્ટરમાં સ્પી​તિ વૅલીનો ટ્રેક કર્યો છે અને બાઇક પર લદ્દાખ જઈ આવી છે. ૨૦૨૨માં તેણે સોલો પૅરાગ્લાઇડિંગ કર્યું હતું. દૃષ્ટિ કહે છે, ‘સામાન્ય રીતે પૅરાગ્લાઇડિંગમાં ગ્રાઉન્ડ-હૅન્ડલિંગ બહુ જ મહત્ત્વનું હોય છે. મારું સ્પોર્ટ્‌સનું બૅકગ્રાઉન્ડ હોવાને લીધે એ હું સફળતા સાથે કરી શકી. એ વખતે મને ગણીને કુલ છ જણ હતા, પણ એમાંથી માત્ર બે જ લોકો સફળતાપૂર્વક પૅરાગ્લાઇડિંગ કરી શક્યા હતા. લદ્દાખ બાઇક પર ગઈ ત્યારે મેં પપ્પાને નહોતું કહ્યું, કારણ કે પપ્પા તો હું ટૂ-વ્હીલર ચલાવું એના જ વિરોધમાં હતા. જોકે મમ્મીને કારણે મને ટૂ-વ્હીલર મળ્યું હતું. ઍડ્વાન્સમાં જ પપ્પાને કહીને જાઉં તો તેમને ચિંતા થાત એટલે મેં પાછા આવ્યા પછી પપ્પા સાથે બાઇકિંગ સાથે લદ્દાખ ટ્રિપના અનુભવો શૅર કર્યા હતા.’

લક અને મહેનત

સ્પોર્ટ્‌સ ક્રિકેટ પૂરતી નથી પણ ફિઝિકલ ફિટનેસમાં ઘણી બાબતો આવતી હોય છે, જેમાં પર્વતારોહણ કરવાનું દૃષ્ટિનું સપનું હતું. એ માટે તે સત્તર વર્ષની ઉંમરથી જ જાતને તૈયાર કરી રહી હતી. નાનપણમાં જોયેલા એ સપનાની ઉત્સાહથી વાત કરતાં દૃષ્ટિ કહે છે, ‘મને એ દિવસ બરાબર યાદ છે જ્યારે અમારા સાયન્સ ટીચરે એક મહિનાના નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના કોર્સ વિશેના પોતાના અનુભવો શૅર કર્યા હતા. તેમના ફોટોગ્રાફ્સ જોઈને અને વાતો સાંભળીને ત્યારે જ મેં નક્કી કરી લીધેલું કે હું પણ એક દિવસ આ કોર્સ કરીશ. સત્તર વર્ષ આ કોર્સ માટે મિનિમમ ઉંમર જોઈએ એટલે સત્તર વર્ષની ઉંમરે જ અહીં જવા માટે મેં તૈયારી કરી હતી. જોકે ત્યાં બેથી ત્રણ વર્ષનું વેઇટિંગ ચાલતું હતું. એ પછી કોઈ ને કોઈ કારણથી કંઈક વિઘ્ન આવતું અને હું આ કોર્સ માટે જઈ નહોતી શકતી. આ વર્ષે કિસ્મત કામ કરી ગયું. સામાન્ય રીતે જે કોર્સ માટે બે-ત્રણ વર્ષનું વેઇટિંગ ચાલતું હોય એમાં આ વખતે મને પાંચ સીટ અવેલેબલ દેખાઈ. હું જે ચત્રભુજ નરસી સ્કૂલમાં ભણાવું છું એના અમારા પ્રિન્સિપાલને મેં તાત્કાલિક રિક્વેસ્ટ કરી અને તેમણે મારી રજા સૅન્ક્શન કરી નાખી. પછી તો ઘરે પેરન્ટ્સે પણ પરમિશન આપી દીધી અને હું મારું ડ્રીમ પૂરું કરવા માટે પહોંચી ગઈ ઉત્તરકાશી.’

દૃષ્ટિએ આ કોર્સ જૂન મહિનામાં કર્યો. જોકે માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આ કોર્સ વર્ષમાં ત્રણ વખત યોજાય છે. એમાં તમને રૉક ક્લાઇમ્બિંગ, ગ્લૅસિયર્સ અને આઇસ વૉલ ક્લાઇમ્બિંગની ટ્રેઇનિંગ આપે અને સાથે સ્નો-ક્રાફ્ટિંગ શીખવે. એટલે કે પહાડો ચડતાં-ઊતરતાં અને જાતે પહાડો ચડવા માટે દોરડાનો ઉપયોગ કરવાનો, માઉન્ટન પર આવતી વિપદાઓ અને એને ટૅકલ કરવાની ટ્રેઇનિંગ, માઉન્ટન માટે વપરાતા શબ્દો સાથે પરિચય જેવી અઢળક બાબતો એક મહિનાના આ કોર્સમાં સમાવવામાં આવી હોય છે. આપણી ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત આ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે ભારતીય સ્ટુડન્ટ્સ માટે બાવીસથી પચીસ હજાર જ ફી છે, પણ બિનભારતીયો માટે નેવું-પંચાણું હજાર રૂ​પિયા ફી છે.

પડકારોની ભરમાર

દૃષ્ટિ સ્પોર્ટ્‌સ બૅકગ્રાઉન્ડ ધરાવે છે એટલે તેની ફિઝિકલ ફિટનેસ સારી છે. પુણેમાં યોજાતી ‘એન્ડ્યુરો થ્રી’ નામની બે દિવસની ઇવેન્ટમાં તે ભાગ લઈ ચૂકી છે, જેમાં બે દિવસમાં દોઢસો કિલોમીટર પર્વતીય વિસ્તારમાં સાઇક્લિંગ અને ચાલીસ કિલોમીટરનું ટ્રેકિંગ અને સાથે રિવર-ક્રૉસિંગ કરવાનું હોય છે. આવી બીજી પણ ઘણી ઍડ્વેન્ચર ઇવેન્ટમાં ભાગ લીધા પછી પણ લગભગ એક મહિનાનો આ માઉન્ટેનિયરિંગનો કોર્સ જુદો જ અનુભવ આપનારો હતો એનાં કારણો જણાવતાં દૃષ્ટિ કહે છે, ‘ઉત્તરકાશીમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ જ સાડાચાર હજાર ફીટની ઊંચાઈ પર છે. ત્યાંથી બેઝ કૅમ્પમાં જઈને દસ દિવસ રહેવાનું હોય. છેલ્લે જે સમિટ કરવાની હોય એ લગભગ સાડાબાર હજાર ફીટની ઊંચાઈ પર આવેલા પર્વત પર. આ દરમ્યાન માઇનસ ત્રણ-ચાર ડિગ્રીના ટેમ્પરેચરમાં રહેવાનું અને સાથે-સાથે ટ્રેઇનિંગ પણ લેવાની. શરૂઆતમાં દરરોજ અમારે સવારે સાત વાગ્યે અઢારથી વીસ કિલો વજન ઉપાડીને લગભગ નવ કિલોમીટર ચાલવાનું હોય. મિલિટરીની જેમ બધાનાં જ ટાઇમિંગ ફિક્સ. સવારે પાંચ વાગ્યે પહેલી ચા મળે. છ વાગ્યે બ્રેકફાસ્ટ, પછી દિવસનું બ્રીફિંગ અને સવારે સાત વાગ્યે ટ્રેક માટે નીકળી જવાનું. બપોરે બે-અઢી વાગ્યે પાછા આવો એ પછી લંચ, પછી લેક્ચર હોય અને બ્રીફિંગ હોય. વચ્ચે એક જ કલાકનો એવો ટાઇમ હોય જ્યારે તમારે જે કરવું હોય એ કરી શકો. ૯૪ ગર્લ્સનો બૅચ હતો જેમાં બધાં જ રાજ્યોમાંથી સિલેક્શન થયું હતું. NCC કૅડર, ઍરફોર્સ અને સ્પોર્ટ્‌સ બૅકગ્રાઉન્ડથી જ મોટા ભાગની ગર્લ્સ હતી. ૨૭ મેથી ૨૦ જૂન સુધી ચાલેલો એ કોર્સ અનેક રીતે પડકારનારો હતો અને છતાં હું હિંમત હાર્યા વિના ટ્રેઇનિંગના પડાવો પાર કરતી ગઈ.’

એનું જ પરિણામ આવ્યું કે કોર્સના અંતિમ ચરણમાં ૧૫,૬૦૦ ફીટની ઊંચાઈ પર આવેલા દોકરાની ભામક ગ્લૅસિયરની સમિટ પાર પાડનારી નેવુંમાંથી ટૉપ પંદર છોકરીઓમાં દૃષ્ટિનું નામ હતું. બીજું, ટ્રેઇનિંગ માટે આવેલા સ્ટુડન્ટ્સને બાર અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, જેને માઉન્ટેનિયરિંગની ભાષામાં રોપ્સ કહેવાય. એમાં દૃષ્ટિ ગ્રુપલીડર હતી અને તેના ગ્રુપને ‘બેસ્ટ રોપ અવૉર્ડ’ પણ મળ્યો. દૃષ્ટિ કહે છે, ‘સામાન્ય રીતે હાઇટ પર ઑક્સિજન-લેવલ નીચું જતું હોય છે. ૮૮થી ૯૦ એ નૉર્મલ ઑક્સિજન-લેવલ ગણાય, પણ ઘણા લોકોનું ઑક્સિજન-લેવલ એનાથી પણ નીચું જાય તો તેમને આ સમિટ ન કરવા મળે. અમારા બૅચમાં પણ ૯૪ લોકોમાંથી ૮૯ ગર્લ્સ જ આ સમિટ કરી શકી હતી. દરરોજ હેલ્થ ચેકઅપ થાય. લકીલી ત્યાંના વાતાવરણમાં હું જલદીથી ઍડ્જસ્ટ થઈ શકી.’

આ બેઝિક કોર્સ પૂરો કર્યા પછી હવે દૃષ્ટિનું સપનું છે કે આવનારાં બે વર્ષમાં જાતને ઍડ્વાન્સ કોર્સ માટે તૈયાર કરવી. આ ઉપરાંત સાઇક્લિંગ, રનિંગ અને સ્વિમિંગ એમ ત્રણેયના સંયોજનવાળી આયર્નમૅન નામની ગોવામાં ડિસેમ્બરમાં યોજાનારી ઇવેન્ટની દૃષ્ટિ તૈયારી કરી રહી છે. તે કહે છે, ‘મારી સાથે માઉન્ટેનિયરિંગના કોર્સમાં ઇન્ડિયન નેવીના ઑફિસર હતા જેમનું પોસ્ટિંગ ગોવામાં છે. ગોવામાં ઇન્ડિયન નેવી આયર્નમૅનની સ્પર્ધા ઑર્ગેનાઇઝ કરતી હોય છે. તેમણે જ મને એમાં ભાગ લેવા માટે ઇન્વાઇટ કરી છે. જોકે મને સ્વિમિંગ જરા પણ નથી આવડતું એટલે બહુ જલદી હું સ્વિમિંગનો કોર્સ શરૂ કરીને સ્વિમિંગમાં માસ્ટરી મેળવવાની છું.’

મમ્મી પાસે નથી પણ સાથે છે

બોરીવલીમાં પપ્પા, બા, કાકા-કાકી અને ફોઈ સાથે રહેતી દૃષ્ટિ કાપડિયા ૨૦૧૩માં ગુજરી ગયેલાં મમ્મીને મિસ કરતી હોય છે. દૃષ્ટિ કહે છે, ‘આજેય હું મમ્મીના સાથને મહેસૂસ કરું છું. મારા માટે તેઓ સાથે ને સાથે જ છે. ‘દૃષ્ટુ, તું બધું જ કરી શકે છે’ એ વાત દરેક પડકારજનક પરિસ્થિતિ આવે ત્યારે મારા કાનમાં ગુંજતી હોય છે. ઇન ફૅક્ટ, હું જ્યારે માઉન્ટેનિયરિંગનો કોર્સ કરીને આવી ત્યારે આખા પરિવારે મળીને મારું વિશેષ સ્વાગત કરેલું. મારી મમ્મી હોત તો કદાચ આવું જ કરત. ફૅમિલી મને ખૂબ જ સપોર્ટિવ મળ્યું છે.’

gujarati community news kandivli columnists ruchita shah