પીડાદાયક રોગમાંથી સાજા થવાની સફરનું જ્યારે પેઇન્ટિંગ બને

14 October, 2024 04:05 PM IST  |  Mumbai | Jigisha Jain

આર્ટના માધ્યમથી સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી જાણકારી જન-જન સુધી પહોંચાડવાનો સઘન પ્રયાસ કરી રહ્યાં છે સોશ્યલ સાયન્સમાં PhD થયેલાં ડૉ. અમી શાહ.

હીલિંગ જર્ની’ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલાં પેઇન્ટિંગ્સ સાથે ડૉ. અમી શાહ અને ડૉ. રાજીવ કોવિલ.

આર્ટના માધ્યમથી સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી જાણકારી જન-જન સુધી પહોંચાડવાનો સઘન પ્રયાસ કરી રહ્યાં છે સોશ્યલ સાયન્સમાં PhD થયેલાં ડૉ. અમી શાહ.  પોતાના બિઝનેસ પાર્ટનર ડૉ. રાજીવ કોવિલ સાથે મળીને તેઓ ‘રંગ દે નીલા’ નામની એક પહેલ ચલાવે છે જેના અંતર્ગત છેલ્લાં ૩ વર્ષથી તેઓ મુંબઈમાં જ નહીં, સમગ્ર દેશમાં નાના પણ મહત્ત્વના ફેરફારો લાવી રહ્યા છે. ઑક્ટોબર મહિનો હેલ્થ લિટરસી મન્થ છે ત્યારે મળીએ આ ક્ષેત્રમાં ઘણું કલાત્મક કાર્ય કરી રહેલાં ડૉ. અમી શાહને

‘કળામાં એટલું સામર્થ્ય છે કે એ વ્યક્તિને અંદરથી હીલ કરી શકે છે. જ્યારે કોઈ ફેફસાનો દરદી ક્લાસિકલ મ્યુઝિક શીખે, જ્યારે કોઈ પાર્કિન્સન્સનો દરદી પૉટરી શીખે ત્યારે ફક્ત કળા નથી રહેતી; તેના ઇલાજનો ભાગ બની જાય છે અને તેને ઘણો ફાયદો થાય છે. આમ અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે આર્ટને પ્રિસ્ક્રિપ્શન લેવલ સુધી પહોંચાડો. તમને કોઈ બીમારી થાય ત્યારે ડૉક્ટર કહે છે કે આ દવા લો, આ ઇન્જેક્શન લો; પરંતુ એની સાથે-સાથે અડધો કલાક ડાન્સ કરો એવું પણ પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરવું જોઈએ. કળાને જ્યારે એનું આ સ્થાન મળશે ત્યારે એ સમાજને શારીરિક અને માનસિક બન્ને રીતે હીલ કરી શકવાની તાકાત ધરાવે છે.’

આ શબ્દો છે જુહુમાં રહેતાં ૪૬ વર્ષનાં ડૉ. અમી શાહના. તેમણે છેલ્લાં ૩ વર્ષથી ‘રંગ દે નીલા’ નામની એક પહેલ શરૂ કરી છે જેના અંતર્ગત જુદી-જુદી રીતે તેઓ દેશમાં હેલ્થ વિશે જાગૃતિ વધારવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ માને છે કે સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ હોવી અત્યંત જરૂરી છે; પરંતુ એને બોરિંગ બનાવીને, ફક્ત માહિતીથી ભરપૂર કરીને મૂકી દઈએ તો એ વધુ લોકો સુધી પહોંચી શકે નહીં. ઊલટું એને કલાત્મક બનાવીએ તો વધુ લોકો સુધી પહોંચી શકાય અને સાથે-સાથે જાગૃતિનું કામ વધુ અસરકારક બનાવી શકાય એમ તેઓ માને છે. કળાના માધ્યમથી હેલ્થ-લિટરસીમાં તેમણે શું-શું કામ કર્યાં છે એના વિશે જાણતાં પહેલાં જાણીએ કે અમી શાહ છે કોણ.

ભણતર અને કામ
એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએશન પતાવ્યા પછી અમી શાહે MBA કર્યું અને એ પછી ઘણાં વર્ષો જુદી-જુદી બ્રૅન્ડ બનાવી. તેમણે સોશ્યલ સાયન્સમાં PhD કર્યું છે. ભારત જ નહીં, સાઉથ ઈસ્ટ એશિયાની જુદી-જુદી કંપનીઓ સાથે કામ કર્યું. જે સમયે કોઈને ડિજિટલ માર્કેટિંગમાં સમજ પણ નહોતી એ સમયે એમાં કાઠું કાઢનાર ડૉ. અમી શાહે  LG ઇલેક્ટ્રૉનિક્સ, તાતા કેમિકલ્સ, રેડ ચિલીઝ, રાજશ્રી પ્રોડક્શન્સ, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, બજાજ ગ્રુપ્સ જેવી મોટી કંપનીઝ માટે ડિજિટલ માર્કેટિગ કર્યું છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારનો એક પ્રોજેક્ટ છે ‘પુસ્તકાંચા ગાવ’, જેમાં મહાબળેશ્વર પાસે એક આખું ગામ પુસ્તકોનું બનાવવામાં આવ્યું છે. એનાં ડિજિટલ ટીમ હેડ તરીકે પણ તેમણે કામ કર્યું છે એટલું જ નહીં, એક સમયે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના ઍડ્વાઇઝરી બોર્ડના મેમ્બર પણ રહી ચૂક્યાં છે. ૨૦૦૬થી તેઓ જુદી-જુદી બિઝનેસ સ્કૂલ જેમ કે IIM-બૅન્ગલોર, IIM-લખનઉનાં વિઝિટિંગ ફૅકલ્ટી રહી ચૂક્યાં છે. હાલમાં તેઓ ઝૅન્ડ્રા હેલ્થકૅર પ્રાઇવેટ લિમિટેડનાં કો-ફાઉન્ડર છે. આ કંપની મેટાબૉલિક રોગોનું મૅનેજમેન્ટ અને જાગૃતિનું કામ કરે છે. ‘રંગ દે નીલા’ આ જ કંપની હેઠળ ઝીલવામાં આવેલી એક પહેલ છે જે તેઓ તેમના બિઝનેસ પાર્ટનર ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. રાજીવ કોવિલ સાથે મળીને ચલાવી રહ્યાં છે. 

હેલ્થ રિપોર્ટ બન્યો પ્રેરણાસ્રોત 
‘રંગ દે નીલા’ની શરૂઆત કેવી રીતે થઈ એ પ્રશ્નના જવાબમાં અમી શાહ કહે છે, ‘૨૦૧૮માં મેં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)નું એક રિસર્ચ જાણ્યું જેમાં તેમણે કળાનો ઉપયોગ રોગોથી લડવા માટે થવો જોઈએ એમ જણાવ્યું હતું. મને ત્યારે લાગ્યું કે મારે આ વિષય પર કામ શરૂ કરવું જોઈએ, પણ એ પછી પૅન્ડેમિક આવી ગયું. એ પછી ૨૦૨૨માં મેં ‘રંગ દે નીલા’ની શરૂઆત કરી. કળાને આપણે હેલ્થમાં કોઈ સ્થાન આપ્યું જ નથી. એટલે પહેલો પડાવ તો એ જ અઘરો હતો કે ડૉક્ટર્સને સમજાવવાના હતા કે કળાનું મહત્ત્વ ઘણું વધારે છે. એ માટે અમે જુદા-જુદા ડૉક્ટર્સ પાસે ગયા. તેમને અમારો કન્સેપ્ટ સમજાવ્યો. સાચું કહું તો એ સરળ કામ તો ન જ હતું. પરંતુ એક ડૉક્ટરના અનુભવથી તેમણે બીજા ડૉક્ટર્સને રેકમન્ડેશન આપ્યું અને લગભગ ૫૦૦ ડૉક્ટર્સ આખા દેશમાંથી અમારી સાથે જોડાયા. દરેકે પોતે આર્ટનો અનુભવ કરીને જાણ્યું કે એની શું અસર થાય છે વ્યક્તિ પર. ડૉક્ટર જ્યારે ખુદ એ વાત સ્વીકારે ત્યારે તે પોતાના દરદીઓને આ તરફ વાળી શકે.’

ગામના કલાકારો, ડૉક્ટર્સનું કૉમ્બિનેશન
પણ આ કન્સેપ્ટમાં કર્યું શું? એ વિશે જણાવતાં અમી શાહ કહે છે, ‘અમે રૂરલ આર્ટિસ્ટ શોધ્યા જે ટ્રેડિશનલ આર્ટ જાણતા હતા અને અમે કેટલાક ડૉક્ટર્સને તેમની પાસે તેમના ગામે લઈ ગયા. ત્યાં ડૉક્ટર્સ અને આર્ટિસ્ટે મળીને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે એ બનાવ્યું. આ કામ સાથે એ ગામોમાં જઈને ત્યાંના લોકોને જુદા-જુદા રોગો વિશે જાણકારી આપવાનું, કેટલીક જગ્યાએ પૅરામેડિકલ સ્ટાફ સાથે લઈ જઈ તેમની ફ્રી ટેસ્ટ કરવાનું કામ પણ થયું. ડૉક્ટર્સ બધા કલાકારોને મળ્યા અને ખુદ કળાને નજીકથી અનુભવી ત્યારે તેમને સમજાયું કે આમાં કોઈ તો જાદુ છે. આવા ૨૧ ડૉક્ટર્સ અને આર્ટિસ્ટે ભેગા મળીને બનાવેલી કૃતિઓનું ઑક્શન અમે કર્યું જેની બેઝ-પ્રાઇસ આર્ટિસ્ટને ગઈ અને એની ટૉપ પ્રાઇસ કોવિડ-અસરગ્રસ્ત લોકોને ગઈ. આ પ્રોજેક્ટમાં મુંબઈના ડૉ. શશાંક જોશી, શ્રીનગરના ડૉ. ઝરગર, આસામના ડૉ. માનસ બરુઆ અને બૅન્ગલોરના ડૉ. પ્રસન્ન કુમાર જેવા જાણીતા ડૉક્ટર્સ અમારી સાથે જોડાયા હતા.’

કઠપૂતળી 
એ પછી ૨૦૨૩માં સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ માટે કઠપૂતળીઓનો ઉપયોગ કર્યો. એ વિશે વિસ્તારમાં જણાવતાં અમી શાહ કહે છે, ‘અમે બૉલીવુડનાં ફેમસ કૅરૅક્ટર્સ જેવી દેખાતી કઠપૂતળીઓ બનાવી હતી જેમ કે મુન્નાભાઈ, રાહુલ અને અંજલિ વગેરે. જાણીતા ડૉક્ટર્સ એ કઠપૂતળીના ખેલ દ્વારા લોકોને મેટાબોલિક ડિસઑર્ડર અને એન્ડોક્રાઇન પ્રૉબ્લેમ્સ બાબતે જાણકારી આપતા. અમે એ વિડિયો રેકૉર્ડ કર્યા. એને સોશ્યલ મીડિયા પર નાખ્યા. આ સિવાય અમુક કૉર્પોરેટ કંપની પાસે એને લઈ ગયા. તેમના હેલ્થ સંબંધિત જેટલા સેમિનાર થતા હોય એમાં અમારા આ વિડિયોઝ પહેલાં દેખાડવામાં આવતા અને પછી નિષ્ણાત ડૉક્ટર્સ તેમની સ્પીચ આપતા. એટલે માહિતીને વધુ રસપ્રદ બનાવી શકાય. આ સિવાય અમે કલાકારો પાસે સાડીઓ બનાવડાવી, જેને પહેરીને ડાયાબિટીઝને કારણે જેઓ અક્ષમ બન્યા છે એવા લોકોએ રૅમ્પ-વૉક કર્યું. એનાથી ડાયાબિટીઝ અને અક્ષમતા બાબતે લોકો માહિતગાર તો થયા જ, સાથે એ દરદીઓને પોતાની અંદર પણ એક જુદો આત્મવિશ્વાસ જાગ્યો.’ 

WHO સુધી પહોંચ્યાં 

સાચું કહું તો કોઈ પણ વિચાર ફક્ત વિચાર હોય છે, એને તમે ધીમે-ધીમે ડેવલપ કરી શકો એમ જણાવતાં અમી શાહ કહે છે, ‘તમારી સાથે લોકો જોડાતા જાય. તમે એ કરો પછી તમને સમજાય કે એની કેટલી અસર સમાજ પર થઈ. દિવસે-દિવસે તમને વધુ સમજાતું જાય કે એવું શું કરીએ જેનાથી આપણે જે સમજીએ છીએ એ લોકોને પણ સમજાવી શકીએ. એના માર્ગદર્શન માટે મેં WHOની પણ મદદ લીધી હતી. હું ૨૦૨૩માં WHO પાસે જિનીવા ગઈ હતી. મેં તેમને મારા પ્રોજેક્ટ બતાવ્યા. તેઓ એનાથી ખૂબ ખુશ થયા. મેં તેમની પાસેથી સજેશન પણ માગ્યાં. આપણે આપણી રીતે કામ કર્યા કરીએ, પણ પછી WHO જેવી સંસ્થા આપણાં વખાણ કરે કે આપણે કઈ રીતે કામને વધુ સારું કરી શકીએ એ બાબતે માર્ગદર્શન કરે તો આનંદ થાય, લાગે કે આપણે સાચી દિશામાં છીએ.’

હીલિંગ જર્નીની શરૂઆત
‘રંગ દે નીલા’ માટે બે વર્ષથી સતત ડૉક્ટર્સ અને દરદીઓ સાથે કામ કરીને અમી શાહને એક વસ્તુ સમજાઈ ગઈ હતી, જેના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીમારીમાંથી પસાર થાય છે ત્યારે તેની એ જર્ની ઘણી બહુમૂલ્ય હોય છે. બીમારીમાંથી હીલિંગ સુધીની એ જર્ની ફક્ત એટલે રસપ્રદ નથી કેમ કે બીમારી સામેના જંગમાં માણસ વિજયી થયો છે, પરંતુ એટલે પણ છે કે તેનો આ વિજય બીજા કેટલાય દરદીઓની વિજયગાથા માટે પ્રેરણા બની શકે એમ છે. એમાં પણ તેની હીલિંગ જર્ની જો રંગોના માધ્યમથી કૅન્વસ‍ પર કલાત્મક રીતે ઊતરી આવે તો એનાથી રૂડું શું હોઈ શકે? આ વિચારે જન્મ આપ્યો હીલિંગ જર્નીઝને; જેમાં અમે ડૉક્ટર્સ પાસેથી તેમના અમુક કેસ સાંભળ્યા, એ દરદીની પોતાની ગાથા પણ રેકૉર્ડ કરી અને તેમની આ આખી જર્નીને અમુક કલાકારોએ કૅન્વસ પેઇન્ટિંગના માધ્યમથી ઉતારી. આ પેઇન્ટિંગ્સ જે પણ વ્યક્તિ જુએ અને સમજે તેમને એ વ્યક્તિની આખી બીમારીથી લઈને તેને ઠીક થવાની ગાથા સમજી શકાય.’ 

કૅન્વસ પેઇન્ટિંગ
આ પેઇન્ટિંગ કયા કલાકારોએ બનાવ્યાં છે એ વાતનો જવાબ આપતાં અમી શાહ કહે છે, ‘જે. જે. સ્કૂલ ઑફ આર્ટના ડીન પ્રોફેસર સાબલેએ મારી મદદ કરી. તેમણે તેમના જુદા વિદ્યાર્થીઓ જે આજે આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે તેમને વાત કરી. આ કામનું મહત્ત્વ તેઓ સમજ્યા અને તેઓ માર્કેટમાં તેમનું આર્ટ-વર્ક જે ભાવમાં વેચે છે એનાથી ઘણા ઓછા ભાવમાં તેઓ આ કામ કરવા તૈયાર થયા. આ એક પેઇન્ટિંગ તૈયાર થતાં ૩-૪ મહિના લાગે છે. અત્યારે મારી પાસે આવાં ૨૮ કૅન્વસ તૈયાર છે. કુલ ૪૦ વાર્તાઓ આવી ગઈ છે એટલે બચેલી વાર્તાઓ પર કામ ચાલુ છે જે આદર્શ રીતે જાન્યુઆરીમાં તૈયાર થઈ જવી જોઈએ. હું જહાંગીર આર્ટ ગૅલરી સાથે વાત કરી રહી છું. કોશિશ એવી છે કે જાન્યુઆરીમાં આ ૪૦ જેટલાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન થશે. લોકો આ દરદીઓની હીલિંગ જર્નીઝ જાણે અને તેમના માટે એ પ્રેરણાસ્તંભ બને એ હું ઇચ્છું છું.’

સપનું
તો શું આ એક્ઝિબિશનમાં આ પેઇન્ટિંગ્સનું ઑક્શન કરવામાં આવશે? એ બાબતે વાત કરતાં અમી શાહ કહે છે, ‘ના, આ પેઇન્ટિંગ્સને ભેગાં કરવાં છે. ૧૦૦ જુદા-જુદા કેસના ૧૦૦ જુદા-જુદા કલાકારોએ બનાવેલાં પેઇન્ટિંગ્સ મારી ઇચ્છા છે કે એક જગ્યાએ એકસાથે રાખવામાં આવે અને એવું એક મ્યુઝિયમ મને બનાવવું છે. એ મ્યુઝિયમ લાખો લોકો માટે પ્રેરણાસ્રોત બની શકે છે. જે પણ વ્યક્તિ કોઈ મોટી બીમારીનો ભોગ બને તે ત્યાં આવશે તો તેને કેટલી હિંમત મળશે. જે વ્યક્તિના ઘરમાં કોઈ વ્યક્તિ આવી કોઈ બીમારીમાંથી પસાર થઈ રહી છે તેમને સમજાશે કે આ વ્યક્તિ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. દરદીને અને તેના ભાવોને સમજવા પણ એટલા જ જરૂરી છે. જોકે આ મ્યુઝિયમના સપના માટે બજેટ એક મોટી સમસ્યા હોઈ શકે પણ હું એ માટે પૂરી કોશિશ કરી રહી છું. મને લાગે છે કે આ મ્યુઝિયમ સમાજની દરેક વ્યક્તિને ઉપયોગી સાબિત થઈ શકશે.’ 

ડિવાઇન ઇન્ટરવેન્શનઃ આર્ટિસ્ટ ડૉ. પ્રતાપ બડત્યા

ઍક્ટર શ્રેયસ તલપડેને કાર્ડિઍક અરેસ્ટ થયો હતો એમાંથી તે બચીને આજે સારું જીવન જીવી રહ્યો છે. આ પેઇન્ટિંગ શ્રેયસ અને તેની પત્ની દીપ્તિની વાસ્તવિકતા અને ડરની વાર્તા કહી રહ્યું છે, સાથે-સાથે એકબીજાના સાથ અને એકબીજા પ્રત્યેની કૃતજ્ઞતા વર્ણવી રહ્યું છે. પેઇન્ટિંગમાં નીચેની તરફ એ બન્નેનું એ સમયનું જીવન જેમાં દીપ્તિનો ડર ખૂબ પ્રબળ હતો એ દર્શાવાયું છે અને ઉપરના અડધા ભાગમાં કુદરતી કૃપાથી શ્રેયસ બચી ગયો એ વાત સમજાવવામાં આવી છે. ચિત્રમાં જમણી તરફ સત્યવાન અને સાવિત્રીનો રેફરન્સ લેવામાં આવ્યો છે. ટ્રાફિક અને બૉલીવુડનો સેટ તેમને હૉસ્પિટલ પહોંચવામાં પડેલી તકલીફનું પ્રતીક છે. જ્યારે અજાણ્યા મદદગારો, ડૉક્ટર્સ અને હૉસ્પિટલ સ્ટાફની મદદથી તેને ઉગારી લેવામાં આવ્યો એ ચહેરાઓ એમાં દર્શાવાયા છે. અંતે નર અને નારાયણની થીમ થકી એવું બતાવ્યું છે કે ઈશ્વરીય કૃપાથી તે બચી જાય છે. આ આખા ચિત્રમાં જીવનની ક્ષણભંગુરતા દર્શાવવામાં આવી છે પણ એની સાથે-સાથે આત્મીય શક્તિ અને એકબીજા માટેના પ્રેમનું પણ તાદૃશ નિરૂપણ છે.

હેલ્પિંગ હૅન્ડ: આર્ટિસ્ટ રોનક રિશી દયાલ

પ્રકાશ નામની એક વ્યક્તિના જીવનમાં દારૂ નામનો અંધકાર છવાયેલો હતો. ડૉ. અભય બંગ અને ડૉ. રાની બંગના માર્ગદર્શનથી તે એમાંથી બહાર નીકળી શક્યા. દસ વર્ષની નાની ઉંમરમાં તેમને આ આદત પડી હતી. આખું ચિત્ર એક વ્હિસ્કી ગ્લાસની અંદર બનાવવામાં આવ્યું છે. ગ્લાસની અંદરની જે જાળ છે એ કુટેવની જાળ છે, જેમાં તે ફસાતા જ ગયા. જેમ-જેમ તે મોટા થતા ગયા એમ એ જાળ વધુ ને વધુ સખત બનતી ગઈ અને એણે તેમને પોતાના ભરડામાં લઈ લીધા. એક તરફ ચિત્રમાં લાગે છે કે આ વ્યક્તિ હવે એમાંથી બહાર અવી શકે એમ નથી, પરંતુ ચિત્રની ડાબી બાજુએ ઉપરની તરફ એક હાથ આવે છે. એ છે હેલ્પિંગ હૅન્ડ. એ એક આશાનું કિરણ છે. ગડચિરોલી, મહારાષ્ટ્રમાં થયેલી આલ્કોહોલ પ્રોહિબિશન મૂવમેન્ટમાં પ્રકાશજી જેવા ઘણા લોકોને એક મદદના હાથે આ કુટેવની જાળમાંથી બહાર કાઢ્યા છે.

columnists Jigisha Jain health tips mental health life and style mumbai world health organization indian classical music