માનસિક રીતે અક્ષમ બાળકોનો અડગ આધારસ્તંભ

27 June, 2024 01:30 PM IST  |  Mumbai | Heena Patel

અંધેરીમાં રહેતાં મૃદુલા શાહની ડિક્શનરીમાં જાણે રિટાયરમેન્ટ નામનો શબ્દ જ નથી

મૃદુલા શાહ

જનરલી એવું જોવા મળે કે ૬૦-૬૫ વર્ષની ઉંમરમાં વ્યક્તિ નોકરી-ધંધામાંથી નિવૃત્તિ લેવા લાગે, પણ અંધેરીમાં રહેતાં મૃદુલા શાહની ડિક્શનરીમાં જાણે રિટાયરમેન્ટ નામનો શબ્દ જ નથી. એટલે જ કદાચ ૮૬ વર્ષની ઉંમરે પણ તેઓ મેન્ટલી ચૅલેન્જ્ડ બાળકો માટેની સ્પેશ્યલ સ્કૂલનું કામકાજ બખૂબી નિભાવી રહ્યાં છે

વ્ય​ક્તિ કોઈ પણ ઉંમરમાં કામ કરી શકે. બસ, ઇચ્છાશક્તિની જરૂર હોય છે. અંધેરીમાં રહેતાં મૃદુલા શાહને જ તમે જોઈ લો. તેમની ઉંમર ૮૬ વર્ષની છે. આ ઉંમરે તેઓ માનસિક રીતે અક્ષમ બાળકો માટેની સ્પેશ્યલ સ્કૂલ ચલાવે છે. આજથી ૪૭ વર્ષ પહેલાં તેમણે ઘરેથી બે બાળકો સાથે આ સ્કૂલની શરૂઆત કરી હતી. આજે તેમના શિશુ કલ્યાણ કેન્દ્રમાં ૬૭ વિદ્યાર્થીઓ છે. મૃદુલાબહેન આ ઉંમરે પણ સ્કૂલના કામકાજમાં સક્રિય રીતે ભાગ લે છે. વધતી ઉંમર સાથે વ્યક્તિ જીવન પણ નીરસ રીતે જીવવા લાગે છે, પણ મૃદુલાબહેનનું એવું નથી. આ ઉંમરે પણ તેમને સાડી પહેરીને તૈયાર થવાનો ખૂબ શોખ છે. સાથે જ નવી-નવી વાનગીઓ બનાવવાનો અને પરિવાર સાથે હરવાફરવાનો પણ એટલો જ શોખ રાખે છે.

સ્કૂલ શરૂ કરવાની જર્ની

અંધેરીમાં આવેલા શિશુ કલ્યાણ કેન્દ્રની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં મૃદુલાબહેન કહે છે, ‘આજથી ૪૭ વર્ષ પહેલાંની વાત છે. હું મારી બાલ્કનીમાં ઊભી હતી. એ સમયે મેં જોયું કે એક વૃદ્ધ મહિલા બાળકને ઢસડીને જબરદસ્તી ક્યાંક લઈ જતી હતી. એ બાળક મેન્ટલી ચૅલેન્જ્ડ હતું. બે-ત્રણ દિવસ એ સિલસિલો ચાલ્યો. મને એ જોઈને બહુ દુઃખ થતું એટલે એક દિવસ મેં નીચે જઈને એ વૃદ્ધ મહિલાને ઊભાં રાખ્યાં. તેમની સાથે વાતચીત કરી. એ સમયે મને જાણવા મળ્યું કે એ વૃદ્ધ મહિલા બાળકનાં દાદી હતાં. બાળકના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું, જ્યારે તેની મમ્મી કોઈ સાથે ભાગી ગઈ હતી. બાળકનું ધ્યાન રાખવા માટે ઘરે કોઈ હતું નહીં. એટલે તેનાં દાદી કામે જાય ત્યારે તેને સાથે લઈને જતાં. એ સમયે મને વિચાર આવ્યો કે મારે આવાં બાળકો માટે કંઈક કરવું જોઈએ, તેમના માટે સ્પેશ્યલ સ્કૂલ શરૂ કરું તો બાળકોને બે વસ્તુ નવી શીખવા મળે. બીજી બાજુ બાળકો પાંચ-છ કલાક જો સ્કૂલમાં સચવાઈ જાય તો પેરન્ટ્સને પણ થોડી રાહત રહે. એટલે આ વિચાર સાથે મેં ઘરેથી બે મેન્ટલી ચૅલેન્જ્ડ બાળકો સાથે સ્કૂલની શરૂઆત કરી. એ સમયે બાંદરાથી મલાડ વચ્ચે એક પણ આવી સ્કૂલ નહોતી એટલે ધીમે-ધીમે લોકોને ખબર પડતી ગઈ એમ આવાં બાળકોની સંખ્યા મારે ત્યાં વધવા લાગી. મારી પાસે સારીએવી જગ્યા હતી એટલે શનિવારે-રવિવારે મારા ઘરે ફિઝિયોથેરપિસ્ટ, સ્પીચ-થેરપિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ, ચાઇલ્ડ-સ્પેશ્યલિસ્ટ આવતા. તેમની સલાહ લેવા માટે ૫૦-૬૦ જેટલાં બાળકો તેમના પેરન્ટ્સ સાથે મારા ઘરે આવતાં. જોકે બિલ્ડિંગમાં આમ લોકોની ભીડ થાય ને અવાજ થાય એ બધા સામે પાડોશીઓએ વાંધો ઉઠાવવાનું શરૂ કરી દીધું એટલે પછી સ્કૂલ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે મેં અખિલ ભારતીય મહિલા પરિષદને અનુરોધ કર્યો. અંધેરીમાં જ તેમની ઘણી જગ્યા હતી જે ખાલી જ પડી હતી એટલે તેમણે જગ્યા ઉપલબ્ધ કરાવી આપતાં અમે શિશુ કલ્યાણ કેન્દ્રની શરૂઆત કરી. હાલમાં શિશુ કેન્દ્રમાં માનસિક રીતે અસ્થિર હોય એવાં ૬૭ વિદ્યાર્થીઓ છે.’

આ રીતે થાય છે કામકાજ

સ્કૂલનું કામકાજ કઈ રીતે ચાલે છે અને તેમને કેવી-કેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એ વિશે માહિતી આપતાં મૃદુલાબહેન કહે છે, ‘સવારે અગિયાર વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી સ્કૂલ ચાલુ હોય છે. એ દરમિયાન અમે બાળકોને તેમના IQ અને ઉંમર પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ શીખવીએ છીએ. કોઈને આલ્ફાબેટના લેટર શીખવાડીએ, નંબર્સ શીખવાડીએ, ડ્રૉઇંગ શીખવાડીએ, ડાન્સ-ફન ઍક્ટિવિટીઝ કરાવીએ. ઘણી છોકરીઓને કુકિંગમાં રસ હોય તો તેમને અમે વટાણા ફોલવાનું, ભાજી વીણવાનું, શાક કાપવાનું કામ આપીએ જે પછી આસપાસના એરિયાની વર્કિંગ વિમેન અમારી પાસેથી ખરીદીને લઈ જાય. અમારે ત્યાં હૅન્ડલૂમ છે જેના પર વિદ્યાર્થીઓ ફ્લોર ડસ્ટર, કિચન-નૅપ્કિન્સ બનાવે. વારતહેવારે રાખડી બનાવવાનું, દીવડા, કંદીલ, એન્વલપ બનાવવાનું કામ કરાવીએ. એને વેચીને જે પૈસા આવે એ અમે બાળકોને આપીને તેમનો ઉત્સાહ વધારીએ. અમારા કેન્દ્રનાં બાળકો ડિસેબલ્ડ માટે થતી સ્પોર્ટ્‍સ કૉમ્પિટિશનમાં પણ સારું પ્રદર્શન કરે છે. અમે તેમના માટે ખાસ સ્પોર્ટ્‍સ ટીચર પણ રાખ્યા છે. દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ડે ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ નિમિત્તે ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબમાં ઇવેન્ટ યોજાય છે. એમાં માર્ચ પાસ કૉમ્પિટિશનમાં વર્ષોથી અમારી સ્કૂલનાં બાળકોનો ફર્સ્ટ રૅન્ક આવે છે. અમે અહીં બાળકોને સ્પીચ-થેરપી, ઑક્યુપેશનલ થેરપી પણ આપીએ છીએ. સ્કૂલ તરફથી જ બાળકોને દરરોજ ખીચડી અને દૂધ આપવામાં આવે છે. બાળકો સવારે સ્કૂલમાં આવે એટલે દૂધ આપી દેવામાં આવે અને એ પછી બપોરે બે વાગ્યે તેમને લાઇનમાં બેસાડીને ખીચડી જમાડવામાં આવે. અમે બાળકો માટે કેન્દ્રમાં ૧૪ શિક્ષકો અને ૪ હેલ્પર રાખ્યા છે. અમારી સ્કૂલમાં ભણતાં બાળકો ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. એટલે જે નાનાં બાળકો છે તેમની પાસેથી મહિને ફક્ત ૧૦૦ રૂપિયા અને ૧૮ વર્ષથી મોટા વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી મહિને ૨૦૦ રૂપિયાની ફી લઈએ છીએ. જોકે તેમ છતાં ઘણા પેરન્ટ્સ એ ચૂકવી શકતા નથી. સ્કૂલનો જે પણ ખર્ચ આવે છે એ ભારતભરમાં  કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા અખિલ ભારતીય મહિલા પરિષદ તેમ જ વિવિધ સંસ્થાઓ અને દાતાઓ તરફથી અમને જે ડોનેશન મળે એની મદદથી કાઢીએ છીએ.’

અંગત જીવન

મૃદુલાબહેન તેમનાં બાળપણ, ભણતર અને પરિવાર​ વિશે દિલ ખોલીને વાત કરતાં જણાવે છે, ‘મારો જન્મ વાલકેશ્વરમાં એક સધ્ધર પરિવારમાં થયો હતો. મેં SNDT કૉલેજમાંથી હોમ સાયન્સનો અભ્યાસ કર્યો છે. કૉલેજ ટાઇમમાં એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટીમાં હું બહુ પાર્ટ લેતી. ડાન્સ-કૉમ્પિટિશનમાં ભાગ લઈને ઇનામ જીતીને આવતી. મને આજે પણ યાદ છે અમારી SNDT કૉલેજના ફાઉન્ડર ડૉ. ધોન્ડો કેશવ કર્વેની ૧૦૧મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. દેશના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અમારી કૉલેજમાં ચીફ ગેસ્ટ બનીને આવ્યા હતા. મેં મારા હસ્તે તેમનું સ્વાગત કર્યું હતું. હું કૉલેજના લાસ્ટ યરમાં હતી. ભણતર પૂર્ણ થયા પછી મારાં લગ્ન અનંત સાથે થયાં. મારા હસબન્ડ મેકૅનિકલ એન્જિનિયર હતા. એ પછી ત્રણ બાળકો થયાં. મારે બે દીકરા ચેતન અને હિમાંશુ અને એક દીકરી હિના છે. હું અત્યારે ચેતન સાથે રહું છું. હિમાંશુ લંડનમાં રહે છે, પણ દર છ મહિને મને મળવા માટે ઇન્ડિયા આવે છે. મારી દીકરી પણ તેના સાસરે છે. મને રસોઈ બનાવવાનો શોખ છે એટલે રસોઈ-શો જોઈને હું ઘરે સમય મળે ત્યારે નવી-નવી વાનગી ટ્રાય કરું છું. મને સાડીઓ પહેરવાનો ખૂબ શોખ છે. હું કૉલેજમાં જતી ત્યારે પણ મમ્મીની નવી-નવી સાડીઓ પહેરીને જતી. આ ઉંમરે પણ મને સરસ પાટલી વાળીને જ સાડી પહેરવી ગમે. મને હરવાફરવાનો પણ શોખ ખરો. હજી થોડા દિવસ પહેલાં જ હું મારાં સંતાનો અને પૌત્ર-પૌત્રી સાથે કેરલા ફરીને આવી. મેં ૩૦-૩૫ વર્ષ સુધી ભજનમંડળ પણ ચલાવ્યું છે. મારી સૌથી નાની દીકરી ૧૩ વર્ષની હતી ત્યારે મારા હસબન્ડ અનંત ગુજરી ગયેલા. એ સમયે એક વર્ષ સુધી મારે ઘરની બહાર નીકળવાની મનાઈ હતી. ઘરે રહીને મન પરોવાઈ રહે એ માટે મેં હાર્મોનિયમ શીખવાના ક્લાસિસ કરેલા. ઘરે ટીચર શીખવાડવા માટે આવતા. એ પછી હું ભજનમંડળી સાથે જોડાઈ તો ત્યાં હાર્મોનિયમ વગાડવા જતી. એ પછી તો આખું ભજનમંડળ હું હૅન્ડલ કરતી. મારી સાથે ૭૦ જેટલી મહિલાઓ હતી. કોઈની પુણ્યતિથિ, જન્મદિવસ, ઘરનું વાસ્તુ હોય તો ભજનમંડળને બોલાવતા. જોકે કોવિડ પછીથી મેં ભજનમંડળમાં જવાનું બંધ કરી દીધું. અત્યારે મારો મોટા ભાગનો સમય શિશુ કલ્યાણ કેન્દ્રના કામકાજને જ સમર્પિત છે. અઠવાડિયામાં બેથી ત્રણ વાર કામકાજને લઈને મારે ત્યાં જવાનું થાય છે. બાકી કેન્દ્ર માટે ભંડોળ એકઠું કરવા વિવિધ સામાજિક પ્રસંગોમાં હાજરી આપીને દાતાઓને મળું છું. ભગવાનની મારા પર એટલી કૃપા છે કે મને આજ સુધી ડોનેશનની એવી કોઈ તકલીફ પડી નથી.’

columnists andheri gujarati community news