૧૦૦થી વધારે લોકોને ૧૦૦ ટકા વેજિટેરિયન બનાવી દીધા છે આ અનોખી ઍક્ટ્રેસે

16 November, 2024 04:16 PM IST  |  Mumbai | Rashmin Shah

સબ ટીવીની સુપરહિટ સિરિયલ ‘પુષ્પા Impossible’ની મુખ્ય અભિનેત્રી કરુણા પાંડેનો પ્રાણીપ્રેમ પણ અનન્ય છે

કરુણા પાંડે

‘ડેસ્ટ‌િની... અને મારી લાઇફમાં બધું એના આધારે જ ચાલ્યું છે. મારે ડાન્સર બનવું હતું અને બની ગઈ ઍક્ટ્રેસ. મારે ફિલ્મો કરવી હતી અને આવી ગઈ ટીવીમાં... મારે માનો રોલ ક્યારેય નહોતો કરવો અને જુઓ, આજે હું ત્રણ-ત્રણ બચ્ચાંઓની મા છું. મારા ઘરે પણ ત્રણ બચ્ચાં અને સિરિયલમાં પણ ત્રણ બચ્ચાં...’

સબ ટીવીની સિરિયલ ‘પુષ્પા Impossible’માં પુષ્પા રાંદેરિયાનો લીડ રોલ કરતી કરુણા પાંડે પુષ્પા તરીકે જબરદસ્ત પૉપ્યુલર થયા પછી સ્વીકારે છે કે તેણે એ રોલની પહેલાં ના પાડી દીધી હતી. કરુણાને આજે પણ એ દિવસ યાદ છે. ઑલમોસ્ટ પોણાત્રણ વર્ષ પહેલાંની વાત છે. કરુણા કહે છે, ‘પ્રોડ્યુસર જેડી મજીઠિયાના હૅટ્સ ઑફ પ્રોડક્શનમાંથી મને ઑડિશન માટે ફોન આવ્યો. ઑડિશન પહેલાં તમને રોલ સમજાવે. મને કહેવામાં આવ્યું કે લીડની પૅરૅલલ એક રોલ છે, જે ટીનેજ બાળકની મા છે. વાત પૂરી થાય એ પહેલાં જ મેં કહી દીધું કે હટ, મારે નથી કરવો બાળકની માનો રોલ. એ વ્યક્તિએ મને આગ્રહ કર્યો અને કહ્યું કે એક વાર ઑડિશન તો આપી દો, પ્રોડક્શન-હાઉસમાં ઑડિશન હશે તો એ લોકો ફ્યુચરમાં બીજા કોઈ રોલ માટે વિચારશે. મને થયું કે જઈ આવું. આપ માનોગે નહીં, મેં સાવ હાફ-હાર્ટેડ્લી ઑડિશન આપ્યું અને હું જતી હતી ત્યાં મને રોકવામાં આવી અને એક બીજી સ્ક્ર‌િપ્ટ આપી કે આ રોલનું ઑડિશન પણ આપો. એ કૅરૅક્ટરનું મેં ડિસ્ક્રિપ્શન વાંચ્યું અને મારો મૂડ ઑફ. લીડ રોલ હતો પણ એ લેડીને ત્રણ બાળકો અને એમાં પણ એક તો યંગ છોકરો.’

જે વાતે કરુણાનો મૂડ ઑફ કરી દીધો હતો એ જ વાત પર આજે કરુણા ખડખડાટ હસે છે. કરુણા કહે છે, ‘એ ઑડિશન બધાને બહુ ગમ્યું પણ મારે તો રોલ કરવો નહોતો; પણ પછી મને પ્રોડ્યુસર જેડીસરે સમજાવ્યું કે કૅરૅક્ટર નહીં, ઍક્ટ‌િંગ ઇમ્પોર્ટન્ટ છે. હું સ્ટેજથી આવું છું, નાટકો કરું છું એટલે તેમણે મને સમજાવ્યું કે એક નાટકમાં તેમનાથી નાની ઉંમરના તેના એક ફ્રેન્ડે જેડીસરના પપ્પાનો રોલ કર્યો હતો. બસ, મને મોટિવેશન મળતું ગયું અને મારી ના પછી ‘હા’માં કન્વર્ટ થઈ અને રેસ્ટ ઇઝ હિસ્ટરી...’

ઘરે પણ ત્રણ બચ્ચાંઓ...

આગળ વાંચેલી આ વાત પર જરા ફોકસ કરીએ. ઍક્ટ્રેસ બનવા ચંડીગઢથી મુંબઈ આવેલી કરુણાએ ૨૦૧૪માં એક સમયના ટીવી-ડિરેક્ટર ઋત્વિજ વૈદ્ય સાથે મૅરેજ કર્યાં છે, પણ તેમને બાળકો નથી. આગળ જે બાળકોની વાત થઈ એ કરુણાએ અડૉપ્ટ કરેલાં કૅટ અને સ્ટ્રે ડૉગીની વાત છે. હા, કરુણાના ઘરમાં બે કૅટ અને એક ડૉગી છે. કરુણાનો ઍનિમલ-લવ અકલ્પનીય છે. કરુણા કહે છે, ‘મને લાગે છે કે હું ગયા જન્મમાં કાં તો કૅટ કે ડૉગ હોઈશ અને કાં તો એ લોકોની સાથે મારાં રિલેશન હશે. ક્યુટી અને માઉ બન્ને કૅટ અને બાર્બી ડૉગ અમારાં બચ્ચાંઓ જ છે. પહેલાં ચાર હતાં પણ થોડાં સમય પહેલાં રોમિયો ગુજરી ગયો. હું તો અત્યારે પણ તલાશમાં છું કે મને કોઈ સ્ટ્રે ઍનિમલ મળી જાય અને એને હું ઘરે લઈ આવું.’

બાય ધ વે, આ બચ્ચાંઓને ખાતર પણ ઋત્વિજ વૈદ્યે હવે ડ‌િરેક્શન છોડી દીધું છે અને હવે ફુલટાઇમ ઘરે રહે છે. કરુણા કહે છે, ‘ઋત્વિજ સ્પિરિચ્યુઅલ રસ્તે છે. ઍસ્ટ્રોલૉજીમાં તેને બહુ ઇન્ટરેસ્ટ છે. તમને નવાઈ લાગશે પણ અમારા ઘરે લોકો મને નહીં, ઋત્વિજને મળવા અને તેનું હૉરોસ્કોપ ગાઇડન્સ લેવા વધારે આવે છે.’

કાંદિવલી-ઈસ્ટમાં ઠાકુર કૉમ્પ્લેક્સમાં રહેતી કરુણામાં નામ એવા જ ગુણ છે. તેની ગાડીમાં સ્ટ્રૅ ડૉગી અને કૅટ્સ માટે ફૂડ પડ્યું જ હોય. છેલ્લા એક વર્ષમાં ચારેક ઘટના એવી ઘટી છે જેમાં કૅટ કે ડૉગને કારચાલકે ઇન્જર્ડ કર્યા હોય અને શૂટ પર જતી કરુણાએ શૂટ પડતું મૂકીને એની સારવારનું કામ પહેલાં કરાવ્યું હોય. કરુણા કહે છે, ‘બહાર જે ફરે છે એ ઍનિમલ માટે મારે ઑર્ગેનાઇઝેશન ચાલુ કરવું એ મારું એકમાત્ર ડ્રીમ છે અને એ માટે જ હું અત્યારે આ બધી દોડધામ કરું છું. મને અને ઋત્વિજને ખાસ કંઈ એવા શોખ નથી, અમારા ખર્ચાઓ પણ કંઈ એવા નથી. વર્ષના બારમાંથી દસ મહિનામાં એવું બને કે અમારા ખર્ચથી ત્રણ-ચારગણા પૈસા અમે બહાર ફરતાં ડૉગ-કૅટ કે બીજાં ઍનિમલ પાછળ વાપર્યા હોય, પણ અમને એ ગમે છે.’

સામાન્ય રીતે કૂતરાં-બિલાડાં ભેગાં ન રહે પણ એ વાત કરુણાના ઘરમાં લાગુ નથી પડતી. કરુણા કહે છે, ‘મારે ત્યાં તો કૅટ ક્યુટી બાર્બી ડૉગીને લાફો પણ મારી દે અને બાર્બી એની પાસે માફી પણ માગે...’

ચંડીગઢ, દિલ્હી અને મુંબઈ...

ચંડીગઢમાં જન્મેલી અને ત્યાં જ મોટી થયેલી કરુણાને ડાન્સના શોખના કારણે ઍક્ટ‌િંગની ઇચ્છા જાગી પણ તેને ખબર નહોતી કે એ દિશામાં આગળ કેમ વધવું અને કરુણાની સિસ્ટરે તેને હેલ્પ કરી. કરુણા કહે છે, ‘નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ઍક્ટિંગ શીખવાનો કોર્સ થાય એ તેણે શોધ્યું અને મેં દિલ્હીમાં NSDમાં ઍડ‍્મિશન લીધું. ત્યાર પછી હું ત્યાં જ ભણી અને નાટકો પણ ત્યાં જ કર્યાં, પણ દરેક ઍક્ટરને હોય એવું મને પણ હતું કે ફિલ્મો કરવી છે. હું મુંબઈ આવી અને સ્ટ્રગલ કરતાં-કરતાં મને ‘સત્તે પે સત્તા’ના ડિરેક્ટર રાજ સિપ્પીની ફિલ્મ લીડ ઍક્ટ્રેસ તરીકે મળી, જે ક્યારેય રિલીઝ થઈ નહીં. ફરી સ્ટ્રગલ અને એ દરમ્યાન રાજશ્રી પ્રોડકશન્સની સિરિયલ ‘યહાં મૈં ઘર ઘર ખેલી’ મળી અને પછી તો રાજશ્રીની જ છ સિરિયલ કરી અને એ પછી ‘પુષ્પા Impossible’ આવી.’

ગુજરાતી પુષ્પા રાંદેરિયાનું કૅરૅક્ટર કરતાં-કરતાં કરુણા ગુજરાતી અને ગુજરાતી કલ્ચરના પણ પ્રેમમાં પડી ગઈ છે. કરુણા કહે છે, ‘ફૂડની તો શું વાત કરું, ખાંડવી... અનબિલીવેબલ. તમારી ગુજરાતી દાળ, જો મારું ચાલે તો તમારી ગુજરાતી દાળને તો હું નૅશનલ ફૂડ અનાઉન્સ કરું. ખટમીઠો એવો જબરદસ્ત ટૅન્ગી ટેસ્ટ તમે ડેવલપ કર્યો છે. મને મોટો બેનિફિટ એ છે કે અમારી સિરિયલના કાસ્ટ-ક્રૂમાં પચાસ ટકાથી વધારે ગુજરાતી છે એટલે મારે ગુજરાતી ફૂડ માટે રાહ નથી જોવી પડતી. રોજેરોજ બધાનાં ટિફિન જોઈ લેવાનાં અને પછી જેનું ફૂડ ઇન્ટરેસ્ટ‌િંગ લાગે તેનું ટિફિન લઈ લેવાનું.’

આ બધું પહેલું-પહેલું...
કરુણા પાંડેનો પહેલો ક્રશ હતો રાજેશ ખન્ના, તો ચા તેનો પહેલો પ્રેમ છે. મોબાઇલની શરૂઆત સેકન્ડ-હૅન્ડ મોબાઇલથી કરી અને છેક ૨૦૧૬માં પહેલી વાર નવો આઇફોન લીધો અને એ પછી આટલાબધા રૂપિયા (!) પોતે ખર્ચી નાખ્યા એ વાતે કરુણાને ઊંઘ નહોતી આવી. કરુણાએ નૉનવેજ ક્યારેય ચાખ્યું નથી અને કરુણાની હાજરીમાં કોઈ પણ ફિલ્મ કે સિરિયલના સેટ પર નૉનવેજ આવતું નથી. અરે, કરુણાએ અત્યાર સુધીમાં સોથી વધુ લોકોને હન્ડ્રેડ પર્સન્ટ વેજિટેરિયન બનાવ્યા છે. 

sab tv television news indian television gujaratis of mumbai kandivli columnists Rashmin Shah