02 December, 2024 02:21 PM IST | Mumbai | Laxmi Vanita
ઓમ પર્વત અને આદિ કૈલાસ પર બાઇક પર જવા માટે સામાન્ય રીતે યુવાનોને જ સરળતાથી પરમિશન મળે છે, જ્યારે ૬૪ વર્ષના મંગલભાઈએ ઑથોરિટીને પોતાની ફિટનેસથી પ્રભાવિત કરીને પરવાનગી મેળવી અને બાઇક પર યાત્રા પૂરી કરી.
ઘાટકોપરમાં રહેતા ૬૪ વર્ષના મંગલ લખમશી ભાનુશાલી યુવાન વયથી ટ્રેક કરતા આવ્યા છે. તેમના ઘૂંટણમાં ઘસારો થતાં ડૉક્ટરે દોડવાની મનાઈ ફરમાવી તો તેઓ દરરોજ ત્રીસથી ૫૦ કિલોમીટર સાઇક્લિંગ કરીને પોતાને ફિટ રાખતા થયા. બે વર્ષ પહેલાં તેમની પ્રોસ્ટેટ કૅન્સરની સર્જરી થઈ એ પછી તો આ જ જીવનમાં આખી દુનિયા ખૂંદવાના જોશથી તેઓ લગભગ દર મહિને મોટા-મોટા પ્રવાસો કરે છે અને એમાંય સાઇક્લિંગ અને ટ્રેકિંગ મોખરે હોય છે. ૧૯૮૯માં પોતાના પપ્પા સાથે ઘાટકોપરમાં પહેલી અચીજા રેસ્ટોરાં શરૂ કરનાર અને ત્યાર બાદ રાજકારણ અને સમાજસેવાનાં કાર્યોમાં ઓતપ્રોત રહેનાર આજે ફુલ ટાઇમ ઍડ્વેન્ચરમાં વિતાવે છે. નવેમ્બરમાં જ સ્કૂટી પર આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય ખૂંદી આવ્યા છે. તેમના ટ્રેકિંગના કિસ્સાઓ સાંભળીને જીવ અધ્ધર થઈ જાય. આ જ સફરમાં કેવી રીતે લોકો તેમને ડગલે ને પગલે મદદ કરવા અચાનક આવી જાય છે એ વાત કાલ્પનિક વાર્તાઓથી ઓછી નથી લાગતી. તેમની આ સાહસિક જર્નીની વાત પહેલેથી શરૂ કરીએ.
પહેલો ટ્રેક સવા મહિનાનો
શિસ્તબદ્ધ જીવન જીવવામાં માનતા મંગલ ભાનુશાલી કહે છે, ‘૧૯૮૦માં હું બિઝનેસમાં આવી ગયો હતો અને પપ્પા સાથે ૧૯૮૯માં ઘાટકોપરમાં પહેલી અચીજા રેસ્ટોરાં શરૂ કરી. એ જ વર્ષે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયો અને ટ્રાવેલ-ઍડ્વેન્ચર માટે અફૉર્ડેબલ ભાવમાં દેશ-દુનિયામાં સારી હૉસ્ટેલ અરેન્જ કરતા અને ટ્રેક્સનાં આયોજન પણ કરતા યુથ હૉસ્ટેલ્સ અસોસિએશનની લાઇફટાઇમ મેમ્બરશિપ લીધી. એ સમયે મારા મિત્રએ મને ઝંસ્કાર વૅલીથી લેહ-લદ્દાખના ટ્રેક પર સાથે આવવા કહ્યું અને મને આશ્ચર્ય થયું. મારા મિત્રની પ્રેરણા હતી કે આ લાઇફટાઇમ અચીવમેન્ટ ગણાશે. ત્યારે મને ખ્યાલ નહોતો કે એ સાહસ આજ સુધી ટકી રહેશે. હું એ સમયે મુંબઈમાં મુલુંડની નાનીમોટી ટેકરીઓ પર ફરતો હતો. આ લેહ-લદ્દાખનો ટ્રેક ત્યારે સવા મહિનાનો હતો. ટ્રેકિંગ માટે પૂરતાં સાધનો અને રસ્તાઓ પણ નહોતાં. કમ્યુનિકેશન પણ કરવું મુશ્કેલ હતું, કારણ કે સમય પણ બહુ જ સેન્સિટિવ હતો. ટ્રેકના બાવીસ દિવસ બાદ જ્યારે હું શ્રીનગર પહોંચ્યો ત્યારે મારે ઘરે મારા હાલચાલ જણાવવા ફોન કરવો હતો તો એ પણ જુગાડ કરવો પડ્યો હતો. એ સમયે મેં ૩૦૦ રૂપિયા ચૂકવ્યા હતા અને ત્યારે જઈને હું મારા ઘરે ફોન કરી શક્યો હતો. ત્યારે શ્રીનગરમાં રહેવામાં પણ ડર લાગતો હતો એવા દિવસો હતા. મુંબઈથી જમ્મુ-તવી એક્સપ્રેસ દ્વારા શ્રીનગર પહોંચો, ત્યાંથી કારગિલ પહોંચીને ત્યાંથી ઝંસ્કાર વૅલી ટ્રેક. એ સમયે યુથ હૉસ્ટેલ્સ દ્વારા કરવામાં આવતા પ્રખ્યાત ટ્રેક્સમાંનો એક ટ્રેક હતો. એ સમયે મારો આ ટ્રેક માત્ર ૫૦૦૦ રૂપિયામાં થયો હતો જેમાં બધું જ સામેલ હતું. આજે કલ્પના પણ ન કરી શકાય.’
પહેલી આકસ્મિક તીર્થયાત્રા અને જીવનબોધ
આ ટ્રેકથી પાછા આવી રહ્યા હતા ત્યારે અમે ટ્રકની ઉપર બેઠા હતા તો વચ્ચે બાલતાલ આવ્યું એમ જણાવતાં મંગલભાઈ કહે છે, બેઠેલામાંથી જ કોઈએ કહ્યું કે અહીંથી અમરનાથની યાત્રા શરૂ થાય છે એટલે ૧૨ જણ ઊતરી ગયા અને અમરનાથ યાત્રા શરૂ કરી દીધી. સાંજના ૪ વાગ્યા હતા. બે કિલોમીટરના અંતરે અમને ઘણા બધા ટેન્ટ દેખાઈ રહ્યા હતા. એ સમયે રસ્તાના નામે ૬ ઇંચની કેડી હતી એટલે અમને આ સમયે યાત્રા શરૂ ન કરવાની સલાહ આપવામાં આવી. એનું કારણ કે છેલ્લા ૪ કિલોમીટર ગ્લૅસિયર છે, જે જીવનું જોખમ બની શકે. ત્યારે અમે યુવાન હતા અને અઘરો ટ્રેક કરીને હજી ઘરે પણ નહોતા પહોંચ્યા એટલે જોશ હતો. ટ્રેક શરૂ કર્યો તો આગળ જતાં અમારી બૅટરી ધીરે-ધીરે ડાઉન થતી ગઈ. ૧૨ જણનું ગ્રુપ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું જેમાંથી આગળનું ગ્રુપ દેખાતું જ નહોતું. હવે અમારી આગળ શું હતું એ દેખાતું નહોતું અને સામેના પહાડ પર કેવી રીતે જવું એ પણ રસ્તો નહોતો દેખાતો. ઇમર્જન્સીમાં મદદ માટે વપરાતા કોડનો ઉપયોગ કરવો પડ્યો. એ સમયે અમે મદદ માટે બૂમબરાડા પાડવાનું શરૂ કર્યું. અમને એક બાજુએથી ટૉર્ચના પ્રકાશનો ઇશારો આવ્યો એટલે અમે એ બાજુએ ઊતર્યા. સવારના ૪ વાગ્યા હતા. ત્યાં ટેન્ટમાં લગભગ ૧૫૦-૨૦૦ જણ સૂતા હતા અને અમે પણ સૂઈ ગયા. જ્યારે ઊઠ્યા ત્યારે ટેન્ટમાં કોઈ જ નહોતું. બહાર નીકળીને જોયું તો ગુફા એકદમ નજીક હતી. ભોલેનાથનાં ખૂબ સરસ દર્શન થયાં. જોકે અમને યાત્રા કરતાં ઍડ્વેન્ચરની ફીલિંગ વધારે હતી, પરંતુ જ્યારે રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે અમે રાત્રે જે રસ્તા પરથી ચાલ્યા એ દેખાયો તો જીવ અધ્ધર થઈ ગયો. અમે બધાએ ભગવાનનો પાડ માન્યો કે કોઈને કંઈ ન થયું, બાકી જો ખોટો રસ્તો લેવાઈ ગયો હોત તો જીવ ન બચ્યો હોત. આ એક ક્ષણ હતી જ્યારે મને થયું કે જો ભગવાનને તેની પાસે બોલાવવો હોત તો બોલાવી લીધો હોત. આ ઘટનાએ મારામાં ભગવાનમાં વિશ્વાસ અને પોતાનામાં આત્મબળ વધાર્યાં. ત્યાર બાદ મેં ઘણાં સાહસો કર્યાં.’
સ્કૂટી પર ચાર ધામ
૧૯૯૦ બાદ લગભગ બે દાયકા બિઝનેસ, રાજકારણ અને સમાજસેવામાં વિતાવ્યા બાદ મંગલભાઈએ ફરી ઍડ્વેન્ચર તરફ વળીને રનિંગ અને સાઇક્લિંગ શરૂ કર્યું. ૨૦૦૭માં ૧૮ દિવસની કૈલાસ માનસરોવર અને મુક્તિનાથની યાત્રા કરી જ્યાં માઇનસ ૩, માઇનસ ૪ ડિગ્રી તાપમાન હતું. વચ્ચે મૅરથૉન અને નાના-મોટા ટ્રેક ચાલુ જ હતા. સિનિયર સિટિઝન થતાંની સાથે જ એવરેસ્ટ બેઝ કૅમ્પ જઈ આવ્યા અને ગયા વર્ષે સ્કૂટી પર ચાર ધામની યાત્રા કરી. આ યાત્રાની વાત કરતાં તેઓ કહે છે, ‘સ્કૂટર પર લગભગ કોઈ સિનિયર સિટિઝન યાત્રા કરવાનું સાહસ ન ખેડે, પણ મેં કર્યું. ગયા વર્ષની મારી એ યાત્રા પણ ઉતાર-ચડાવથી ભરપૂર રહી. હરિદ્વારથી હું મારા ત્રણ મિત્રો સાથે ઍક્ટિવા લઈને નીકળ્યો અને રસ્તામાં જે નાના-મોટા ટ્રેક આવતા ગયા એ પણ કરતા ગયા. ગંગોત્રી, યમુનોત્રી, બદરીનાથ અને કેદારનાથનાં જે રીતે અમને દર્શન થયાં એ કોઈને નહીં થયાં હોય. અમે ઍક્ટિવા ચલાવતા હોઈએ તો સ્વાભાવિક છે કે મોબાઇલ ચેક ન કરીએ. કેદારનાથમાં એ સમયે સરકારે ઑરેન્જ અલર્ટ આપી હતી અને અમને ખ્યાલ નહીં. ત્યાં હિમશિલાનું સ્ખલન થયું હોવાના કારણે બે દિવસ મોટાં વાહનો બંધ હતાં, જેમાં દોઢ લાખ જેટલા યાત્રાળુઓ પાછળ હતા. અમે સ્કૂટી પર હતા તો રક્ષકોને લાગ્યું હશે કે અમે લોકલ છીએ એટલે અમને કોઈએ રોક્યા નહીં. હવે રસ્તામાં એવો પવન ફૂંકાયો કે અમને લાગ્યું વાતાવરણ ખરાબ છે, પરંતુ એ એક વંટોળ જેવું જ હતું. આવા રસ્તામાં જોખમ એ કે નાનો કાંકરો પણ ઊંચાઈએથી તમારા માથા પર પડે તો તમારા માટે એ અણુબૉમ્બ સાબિત થાય. દર વખતે મોતને માત આપીને બચતા હોઈએ એવી રીતે પથ્થરો કાં તો આગળ કે પાછળ પડતા હતા. એમાં થયું એવું કે મોટાં વાહનો ન હોવાને કારણે અમારા માટે રસ્તો એકદમ ખુલ્લો હતો અને અમે કેદારનાથનાં દર્શન કર્યાં. જે મંદિરમાં દરરોજ ૧૫,૦૦૦ જેટલા દર્શનાર્થી હોય ત્યાં ૧૫૦૦ જેટલા શ્રદ્ધાળુઓ હતા અને એ દર્શન પણ અમે શાંતિથી કર્યાં. એટલે રસ્તામાં ઘણી અડચણો આવતી હોય છે, પરંતુ જ્યારે ફાઇનલ ડેસ્ટિનેશન પર પહોંચો એટલે તમને ચમત્કાર લાગતો હોય છે. બાવીસ દિવસમાં અમે આ યાત્રા પૂર્ણ કરી અને એક પણ વખત ટાયરમાં હવા ભરાવવી પડે કે ગાડી રિપેર કરાવવી પડે જેવી સમસ્યા નહોતી નડી.’
ઓમ પર્વત, આદિ કૈલાસ
ઓમ પર્વત માટે ૨૦ દિવસ અને આદિ કૈલાસ માટે બાવીસ દિવસનો ટ્રેક કરવો પડતો હતો. જોકે હવે આ સ્થાનોએ પહોંચવા માટે સરકારે રસ્તો બનાવી નાખ્યો છે એવા સોશ્યલ મીડિયા પર સમાચારો ફરતા થયા હતા એમ જણાવતાં મંગલભાઈ કહે છે, ‘આ બન્ને જગ્યાએ મોટર-વે બની ગયા છે એમ જાણીને બાઇક પર સફર કરવા અમે તૈયાર થયા. અમારી જર્નીમાં મને ખબર પડી કે ફોર-વ્હીલરને વાંધો ન આવે પણ જે ૩૦ ટકા જેટલો રોડ કાચો રહી ગયો છે એમાં બાઇક લઈને જવું મુશ્કેલ બની જાય. અત્યારે ચીન સાથે જે વિવાદ ચાલી રહ્યો છે એ લિપુલેખ આ જ રસ્તામાં આવે છે જ્યાં મિલિટરી તૈનાત છે. તમારે બાઇક દ્વારા આ જર્ની કરવી હોય તો પરમિશન લઈને જવું પડે. અમે પરમિશન લેવા ગયા ત્યાં લેડી ઑફિસર હતાં અને અમને જોઈને તે પરમિશન નહોતાં આપવાનાં. તેઓ જેમને બાઇકની પરમિશન આપતાં હતાં તેમની ઉંમર લગભગ ૩૫ કે ૪૦ વર્ષથી વધુ નહોતી અને અમારી ઉંમર અમારી સફેદી પરથી વર્તાઈ રહી હતી. અમે તેમને સ્કૂટી દ્વારા કરેલી યાત્રાના ફોટો બતાવ્યા અને તેઓ કન્વિન્સ થઈ ગયાં અને અમને આગળ જવાની પરવાનગી આપી. આવું જ આશ્ચર્ય રસ્તામાં આવતા મિલિટરીના સૈનિકોને પણ થયું. જોકે બધાને અમારી ફિટનેસ જોઈને ભરોસો થયો કે અમે જઈ શકીએ છીએ. અમે જ્યારે ઓમ પર્વત પાસે પહોંચ્યા ત્યારે વાતાવરણ એકદમ ક્લિયર થઈ ગયું હતું અને અમને સરસ દર્શન થયાં. બેઝ કૅમ્પ પર પાછા આવીને બીજા દિવસે અમારે આદિ કૈલાસ જવાનું હતું. કમનસીબે મારી ગાડી સ્લિપ થઈ ગઈ અને મને પગમાં ઈજા થઈ. હું લીડર હતો એટલે હું આત્મવિશ્વાસ ન છોડી શકું. મને મિલિટરીના સૈનિકો પાસેથી સારવાર મળી. હું નિયમિત મેડિટેશન કરું છું એટલે ત્યારે મેડિટેશન કરીને મનને મક્કમ બનાવ્યું. આવી રીતે આદિ કૈલાસની યાત્રા પણ પૂરી કરી. આ જ રૂટમાં નારાયણ આશ્રમ, ડોલ આશ્રમ અને પંચચુલી પણ કર્યાં.’
યુરોપમાં સોલો સાઇક્લિંગ
ગયા સપ્ટેમ્બર મહિનાની જ વાત છે. યુરોપના મૉન્ટ બ્લૉન્ક માઉન્ટનના ટ્રેક બાદ યુરોપમાં સોલો સાઇક્લિંગ કરવું હતું એમ જણાવતાં મંગલભાઈ કહે છે, ‘લિકટનસ્ટાઇન એવો દેશ છે જે સ્વિટ્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયાની વચ્ચે આવેલો છે. મેં સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિકથી સાઇકલ લીધી અને ત્યાંથી લિકટેનસ્ટાઇનની ફરતે જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલૅન્ડ એમ ચાર દેશોમાં સોલો સાઇક્લિંગ કર્યું. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે લોકો મને પૂછવા લાગ્યા કે તને અંગ્રેજી તૂટેલું-ફૂટેલું આવડે છે તો કેવી રીતે મૅનેજ કર્યું. મને જરૂર પૂરતું બોલતાં આવડે છે અને થોડો ટેક્નૉલૉજીનો સહારો લઈ શકું છું. જ્યાં અટકી જાઉં ત્યાં વિદેશી લોકો મદદે આવી જાય છે. સોલો સાઇક્લિંગ વખતે એક જગ્યાએ મને રસ્તો નહોતી ખબર પડતી અને સાંજના ૬ વાગવાના હતા. મને ટેન્શન થઈ રહ્યું હતું ત્યાં મારા સાઇક્લિંગના રસ્તામાં બે બહેનો સામે દેખાઈ. મેં તેમની પાસે મદદ માગી. તેમણે મારો મોબાઇલ લઈને એમાં હોટેલનું નામ લખી આપ્યું. તેમને પણ વીસ મિનિટ લાગી ગઈ. મૅપ જોયો તો મને હોટેલ પહોંચવામાં બે કલાક લાગે એમ હતા અને સૂર્યાસ્ત થવાનો હતો. મારા ચહેરા પર ટેન્શન જોઈને તેમણે મને પૂછ્યું કે તમે ડ્રન્ક છો? મેં કહ્યું ના. મેં કહ્યું, અંધારું થઈ જશે અને ભટકી જવાનો ડર છે. તો તેમણે કહ્યું કે સૂર્ય ૮ વાગ્યે અસ્ત થશે. મારા જીવમાં જીવ આવી ગયો. આવી રીતે મને મારી જર્નીમાં ડગલે ને પગલે લોકોના સારા અનુભવ થયા છે અને મને લાગે છે ભગવાન મને રસ્તો દેખાડે જ છે. યુરોપની આ ટ્રિપમાં એક દેશમાંથી બીજા દેશમાં જાઓ તો કોઈ ચેકિંગ કે રોકટોક નથી. તમારો મોબાઇલ તમને જણાવે કે તમે કયા દેશની બૉર્ડર પાર કરો છો.’
ફિટ રહેવા માટેની દવા છે શુદ્ધ આહાર
પ્યૉર વેજિટેરિયન માટે હવે વિદેશોમાં પણ શુદ્ધ શાકાહારી ભોજન શોધવામાં તકલીફ નથી પડતી એમ જણાવતાં મંગલ ભાનુશાલી કહે છે, ‘મને ભોજનમાં ઈંડાં પણ ન ચાલે. નૉન-વેજિટેરિયન લોકો માટે એવા ઘણા આહાર ઉપલબ્ધ છે જેમાંથી તેમને એનર્જી મળે છે. હું પહેલેથી જ ગૌવિજ્ઞાનમાં માનું છું. મારા આહારમાં દિવસમાં ૨૦૦ ગ્રામ દેશી ગાયનું ઘી સામેલ છે. મારા દિવસની શરૂઆત તજ, હળદર, સૂંઠના ઉકાળામાં બે ચમચી ગાયના ઘીથી થાય છે. ઋતુ પ્રમાણે એ ઉકાળામાં ખજૂર, અંજીર, પિસ્તાં પણ ઉમેરું છું. ત્યાર બાદ ૪ એલચી કેળાં ખાઉં છું. પછી મારા નિયમિત સાઇક્લિંગનું રૂટીન શરૂ કરું છું. જો લાંબો રૂટ લઉં તો બટાટાવડાં કે ઇડલી-વડાંનો નાસ્તો કરું છું. છેલ્લાં ૭ વર્ષથી હું ઘઉં ખાતો નથી. લંચમાં મગની દાળ ખાઉં છું જેમાં બે ચમચી ઘી નાખું છું. ત્યાર બાદ કોઈ લીલી શાકભાજી સાથે નાચની, રાગી કે જુવારના લોટની રોટલી લઉં છું. મારું ડિનર સાંજે સાડાછ સુધીમાં હોય છે. એવો કોઈ સંકલ્પ નથી કે સાડાછ પછી નહીં જ ખાવાનું. તહેવાર કે પ્રસંગોએ ડિનરનો સમય બદલાતો પણ હોય છે. ભગવાનનો પાડ જુઓ કે વિદેશમાં અત્યારે વેજિટેરિયન ફૂડ સમજાવવાની માથાકૂટ જ નથી. અત્યારે વીગન ફૂડ ભારત કરતાં વિદેશોમાં વધારે ફેમસ છે એટલે તમને સૅલડ, ફલાફલ, હમસ મળી જ રહે છે. મારે ક્યાંય પણ ડાયટ સાથે કૉમ્પ્રોમાઇઝ નથી કરવું પડતું.’
મૉન્ટ બ્લૉન્ક ટ્રેકની સૌથી યાદગાર ક્ષણ
ગયા સપ્ટેમ્બર મહિનામાં યુરોપના સૌથી ઊંચા ગણાતા પહાડ મૉન્ટ બ્લૉન્ક પર દીકરી-જમાઈએ ટ્રેકિંગનું પ્લાનિંગ કર્યું એમ જણાવતાં મંગલભાઈ કહે છે, ‘અહીં ફ્રાન્સનું એક નાનું ગામ શમની છે જે મૉન્ટ બ્લૉન્ક બેઝ કૅમ્પ છે. આ ટ્રેકમાં દરેક સ્ટૉપ પર ગંડોલાની વ્યવસ્થા પણ છે. જો તમારે ટ્રેક કરવું હોય તો ટ્રેક કરો નહીં તો ગંડોલાથી ટૉપ પર પહોંચો. જ્યારે ટ્રેક પૂરો થયો તો ત્યાં સામે એક ગ્લૅસિયર દેખાતી હતી. અમને ખબર પડી કે એ ગ્લૅસિયર પર ન્યુક્લિયર ફિઝિસિસ્ટ-સાયન્ટિસ્ટ ડૉ. હોમી ભાભા જે પ્લેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા એ ક્રૅશ થયું હતું અને એમાં ઘણા યાત્રીઓ સાથે આપણા આ ભારતીય વૈજ્ઞાનિકે જીવ ગુમાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે ૧૯૬૬માં થયેલા પ્લેન ક્રૅશના અવશેષો ૨૦૦૧માં મળી આવ્યા હતા અને તેમની સ્મૃતિમાં પ્લેનના તૂટેલા વિવિધ ભાગોને મેમેન્ટો બનાવીને ત્યાં સાચવ્યા છે. આ જોવા માટે ટ્રેક કરીને જ જવું પડે એટલે મેં ટ્રેક કર્યો. મારી આખી ટૂરની આ યાદગાર ક્ષણ હતી.’