હીરાના વેપારીએ પરિવર્તનનો અનેરો શંખનાદ ફૂંકી દેખાડ્યો

24 February, 2024 11:22 AM IST  |  Mumbai | Laxmi Vanita

સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ૧૯૯૮થી વૉટર કન્ઝર્વેશનની પદ્ધતિઓ વિકસાવી, સતત ૧૫ વર્ષ કામ કરીને ખેતીના ઉત્પાદનને ૭૦૦૦ કરોડથી પોણાબે લાખ કરોડ સુધી પહોંચાડ્યું તો વૉટર કન્ઝર્વેશન સાથે ‘બેટી બચાઓ’ અભિયાનને જોડી જોરદાર ઇમ્પૅક્ટફુલ કામ કરનારા મથુરભાઈ સવાણી

મથુર સવાણી, સમાજસેવક- પદ્‍મશ્રી ૨૦૧૪

દિલ લગાવીને કર્મ કરવું અને જે પરિણામ આવે એ હોંશે-હોંશે સ્વીકારવું એ જ જીવનમંત્ર સાથે જીવેલા ડાયમન્ડ મર્ચન્ટ મથુરભાઈ સવાણીના હૃદયમાં કોઈકનું સારું કરવાની ભાવના બાળપણથી જ હતી. ૧૯૮૭માં ગઢડામાં સામૂહિક લગ્ન કરાવીને તેમની સમાજસેવાની યાત્રા શરૂ થઈ. ત્યાર બાદ સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ૧૯૯૮થી વૉટર કન્ઝર્વેશનની પદ્ધતિઓ વિકસાવીને અને સતત ૧૫ વર્ષ કામ કરીને ખેતીના ઉત્પાદનને ૭૦૦૦ કરોડથી પોણાબે લાખ કરોડ સુધી પહોંચાડ્યું. ‘પાણી બચાવો’ના જનઆંદોલનમાં ૨૦૦૬માં સુરતમાં મહાલાડુ કાર્યક્રમમાં બેટી બચાવોના નારાને સામેલ કરી ૧૨ લાખ લોકોને ભ્રૂણહત્યા ન કરવાના શપથ લેવડાવીને દીકરા-દીકરીઓની સંખ્યાના ઇમ્બૅલૅન્સને સુધારવાનો પ્રયત્ન કર્યો. ઈશ્વરને જ બધાં કાર્યોની સફળતાનું શ્રેય આપતા મથુરભાઈ ૨૦૧૪માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્‍મશ્રીના હકદાર બન્યા.

મજેદાર જર્ની
મથુરભાઈ માધાભાઈ સવાણીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. પોતે ઓછું ભણેલા છે એવું કહેતી વખતે તેમના મનમાં ખેદ હોય છે, પણ જો કોઈને જોમ અને જુસ્સાથી ભરી દેવો હોય તો તેમનો જોટો ન જડે. ભાવનગરના ખોપાળા, હાલ બોટાદના મૂળ વતની મથુરભાઈ ૧૯૭૫માં સુરત આવ્યા અને ડાયમન્ડનો બિઝનેસ શરૂ કર્યો. પોતાની જર્નીની વાત કરતાં મથુરભાઈ કહે છે, ‘૧૯૮૦માં નાના પાયે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. એમાં વિદેશ જવાની તક મળી અને ધીમે-ધીમે જીવન સ્ટેબિલિટી તરફ આગળ વધતું ગયું. જોકે આ દરમ્યાન લોકો માટે કંઈક કામ કરવું છે, કંઈક સુધાર લાવવો છે એવા ભાવ પ્રબળ હતા.’

ખેતીની જબરી ક્રાન્તિ 
કિસાન પુત્ર, નબળી આર્થિક પરિસ્થિતિમાં ઊછર્યા અને તેમને વિચાર આવ્યો કે બે દેશ જે એકસાથે આઝાદ થયા એમાં એક ધમધમતો અને એક પાછળ કેમ રહી ગયો? મથુરભાઈ કહે છે, ‘મેં જોયું કે ઇઝરાયલ જેવા રણપ્રદેશને વિદેશમાં કૃષિપ્રધાન તરીકે નામના મળી એની પાછળ એમનું પાણીનું યોગ્ય મૅનેજમેન્ટ હતું જે આપણા દેશમાં ન થયું. હું વિચાર કરવા લાગ્યો અને મને અંદરથી જવાબ મળ્યો કે જો સરકારને, ગામને કે પરિવારને પોતાના વિચારો કે વાત કહેવાનો અધિકાર પ્રાપ્ત કરવો હોય તો સૌને સાથે રાખીને મૉડલ બનાવ. એનું પરિણામ આવશે તો બીજાને પોતાની વાત કહેવાનો અધિકાર પ્રાપ્ત થશે. જેના મનમાં વિચાર આવે તેણે એ વિચારને ઉછેરવો જોઈએ. એટલે ૧૯૯૮માં ખોપાળામાં ૨૦૦ ડૅમ અને ૧૦ તળાવ બનાવીને મૉડલ તૈયાર કર્યું એના પરિણામે સુરતમાં રહેતા ૧૨,૦૦૦ ગામવાસીઓને ગામનું ઋણ ચૂકવવા જાગૃત કર્યા અને તેમને ખેતી તરફ વાળ્યા. બે પદયાત્રાઓ કરી. ૧૫ વર્ષ પાણીના કામ માટે સતત સમય આપ્યો અને સમય જતાં એ એક જનઆંદોલન બન્યું. ૧૯૯૮માં ગુજરાતનું ખેતી ઉત્પાદન ૭૦૦૦ કરોડ હતું જે વધીને આજે પોણાબે લાખ કરોડનું થઈ ગયું છે.’

બેટી બચાઓની હાકલ
૨૦૦૩માં મથુરભાઈ જૂનાગઢ જિલ્લામાં હતા. ત્યાંના લોકોએ કુંવારા યુવકોની સમસ્યા વ્યક્ત કરીને જણાવ્યું કે પાણીના જનઆંદોલનમાં ‘બેટી બચાવો’ આંદોલન પણ ચલાવોને. તેમને વિચાર ગમી ગયો. તેઓ કહે છે, ‘સુરતનાં ગામોના ૧૨,૦૦૦ લોકો અને સુરતમાં રહેતા ૨૪ રાજ્યના આગેવાનોને સાથે રાખીને ૨૦૦૬માં સુરતમાં ‘બેટી બચાઓ મહાલાડુ કાર્યક્રમ’માં ૨,૫૨,૦૦૦ ઘરેથી જળ અને અન્ન એકઠું કરીને ૧૫,૦૦૦ મણ બુંદીનો ૩૫ ફુટ ઊંચો ૬૫ બાય ૬૫ ફુટનો લાડુ બનાવ્યો. એમાં ૧૨ લાખ લોકોએ મહાપૂજન કરીને કન્યા ભ્રૂણહત્યા ન કરવાના શપથ લીધા. ૨૦૦૮માં સુરતથી સોમનાથ ‘બેટી બચાઓ’ની યાત્રા શરૂ કરી અને એમાં અફલાતૂન પરિણામ મળ્યું. મેં એક નિયમ રાખ્યો છે કે મનમાં જે વિચારો આવતા જાય એને દિલ લગાવીને પૂરા કરવાના પ્રયત્નો કરવા. મારી પાસે જે સમસ્યા લઈને આવે એમાં હું પોતાને જ પ્રશ્ન પૂછું કે હું શું કરી શકું?’

મારું ભારત
મથુરભાઈ ભારત શબ્દનું ઉચ્ચારણ પણ કરે ત્યારે ભારતીય હોવાનું છલકાતું ગૌરવ તેમના અવાજ અને હાવભાવમાં નીતરી આવે. તેઓ કહે છે, ‘દુનિયામાં અત્યારે સાતસો કરોડ લોકો ભારતની નોંધ લઈ રહ્યા છે. આજે દુનિયામાં બધા ભારતીયોને માનથી જુએ છે. આ પરિવર્તન સૌથી જબરું આવ્યું છે. વિદેશ ત્યારે કોઈ દેશને સન્માનથી જુએ જ્યારે એ પોતાની આવડત પ્રૂવ કરે અને બદલાવ લાવીને બતાવે. છેલ્લાં દસ વર્ષમાં ભારતમાં રોડ નેટવર્ક, ટ્રેન નેટવર્ક, સરકારી યોજનાઓના અમલીકરણ વગેરેમાં સુધાર આવ્યો છે. એ સિવાય પણ ઘણાં ક્ષેત્રોમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. ભારતમાં હજી પણ ઘણો સુધારો થવાનો બાકી છે. આવતાં દસ વર્ષમાં તો ભારત ઝગમગી ઊઠશે. એક સમયે ભારત આર્થિક રીતે અગિયારમા નંબરે હતું. એમાંથી આપણે અત્યારે પાંચમા નંબરે આવ્યા છીએ. આપણા વડા પ્રધાનની વાતોમાં દમ છે. મને ખાતરી છે કે તેમની ત્રીજી ટર્મમાં દેશ ઇકૉનૉમીની દૃષ્ટિએ ત્રીજા નંબર પર હશે. દેશ આર્થિક રીતે મજબૂત થશે ત્યારે જ તો એની અસર ભારતનાં તમામ ઘરોમાં જોવા મળશે.’

૨૦૧૪માં પદ્‍મશ્રીથી સન્માનિત થયેલા મથુરભાઈ કહે છે, ‘મારા માટે દરેક ક્ષણ ગૌરવની છે. ઈશ્વર મને કામ સોંપે છે અને હું કરું છું. એક સમયે ભારતના ઘરમાં ગૅસ, ટીવી, ફ્રિજ સ્ટેટસ ગણાતું. આજે એ દરેકના ઘરમાં હોય છે. એ સ્ટેટસનો ભેદ ઓછો થઈ રહ્યો છે. ભેદ વગર સૌનો વિકાસ થાય એને જ સુધાર કહેવાય. ગુજરાતના દરેક ગામડામાં ઘરે-ઘરે ગૅસ છે અને ભવિષ્યમાં પરિસ્થિતિ આના કરતાં પણ સારી થશે’.

દેશનો કે સ્વનો વિકાસ કરવા માટે પોતાની અંદરની શક્તિને જાગૃત કરશે ત્યારે વગર વિચાર્યે ભારતીય દેશનો વિધાતા બની જશે. પોતાની સાથે યોગ્ય સંવાદ તૈયાર થાય ત્યારે પ્રશ્નોને ઉકેલી શકો છો. કમ્પ્યુટરની ટેક્નિક માઇન્ડમાં વાપરો. સમસ્યા પૂછો કે ક્યારે હલ થશે? જવાબ મળે કે આઠ મહિના પછી તો બ્લૉક કરીને મૂકી દો અથવા જવાબ તરત જ મળે તો એને ઉકેલી નાખો. જો જવાબ મળે કે નિરાકરણ નથી તો એનો સ્વીકાર કરી ડિલીટ કરીને આગળ વધો. 

columnists gujarati mid-day saurashtra surat