03 September, 2023 02:01 PM IST | Mumbai | Raj Goswami
પ્રતીકાત્મક તસવીર
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ‘ઇલેક્શન મશીન’ અમથી નથી કહેવાતી. ભારતમાં એક પણ વર્ષ એવું નથી હોતું જ્યાં કોઈ ને કોઈ ચૂંટણી થતી ન હોય અને ભાજપ એ દરેક ચૂંટણી માટે એટલી તાકાતથી કામ કરે છે જાણે એ એના અસ્તિત્વ માટેની ચૂંટણી હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાર આનો જવાબ આપતાં કહ્યું પણ હતું કે ભાજપ ચૂંટણી જીતવાવાળું મશીન નથી, બલ્કે દિલોને જીતવા માટે નિરંતર અને અથાગ અભિયાન ચલાવી રહ્યો છે.
આ વખતે ભાજપે ગુજરાતમાં દિલોને જીતવા માટે પ્રયાસ કર્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને 2024માં લોકસભાની ચૂંટણીઓ પહેલાં ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યની પંચાયતો અને પાલિકાઓમાં અન્ય ઓબીસી (અન્ય પછાત વર્ગ) માટે ૨૭ ટકા અનામતની જાહેરાત કરી છે. અત્યાર સુધી ઓબીસી માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૧૦ ટકા બેઠકો આરક્ષિત હતી. એના માટે એસટી (અનુસૂચિત જનજાતિ) અને એસસી (અનુસૂચિત જાતિ) માટેની વર્તમાન અનામતમાં કોઈ ફેરફાર કરાયો નથી. સુપ્રીમ કોર્ટની જોગવાઈ મુજબ એસસી, એસટી અને ઓબીસી માટે કુલ અનામત ૫૦ ટકાની મર્યાદા છે.
ગુજરાતમાં ૬૦થી વધુ તાલુકાઓ અને નવ જિલ્લાઓમાં ૫૦ ટકાથી વધુ આદિવાસી વસ્તી છે. જે પંચાયતોમાં પેસા ઍક્ટ અમલી છે ત્યાં અનુસૂચિત વિસ્તારોમાં ૧૦ ટકા બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવશે. પેસા ઍક્ટ અનુસૂચિત વિસ્તારોમાં પ્રાકૃતિક સંશાધનોનો વહીવટ ગ્રામસભાઓને આપે છે.
જ્યાં આદિવાસી વસ્તી ૨૫થી ૫૦ ટકાની રેન્જમાં છે ત્યાં ઓબીસી આરક્ષણ કુલ અનામતના ૫૦ ટકાની સીમામાં રહીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ માટેના ૨૭ ટકાને બાદ કરીએ ખાલી ક્વોટાને ભરશે. મ્યુનિસિપલ કૉર્પોરેશન અને નગરપાલિકાઓમાં એસસી/એસટી માટે ૨૭ ટકા અનામત ચાલુ રહેશે. એકંદરે ૫૦ ટકા અનામત મર્યાદામાંથી ૨૭ ટકા અનામત ઓબીસી માટે હશે.
ગુજરાતમાં ૧૪૬ ઓબીસી જ્ઞાતિઓ છે. કુલ વસ્તીમાં લગભગ બાવન ટકા ઓબીસી વર્ગ છે. એ જોતાં આ નિર્ણય રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ છે. આ નિર્ણયથી ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓમાં ઓબીસી મતદારોમાં એનો આધાર મજબૂત કરવામાં મદદ મળશે.
ઓબીસીના આરક્ષણના મુદ્દે ગુજરાતની ૭,૧૦૦ પંચાયતો, ૭૫ નગરપાલિકાઓ, બે જિલ્લા પંચાયતો અને ૧૮ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ પડતર છે અને સરકારે આ સંસ્થાઓમાં વહીવટકર્તાઓની નિમણૂક કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલની સરકારે સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર એક સ્વતંત્ર પંચની રચના કરી હતી. એના અધ્યક્ષ હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે. એસ ઝવેરીને રાખવામાં આવ્યા હતા.
પટનામાં આરજેડીના રાજ્ય-પ્રવક્તા ચિત્તરંજન ગગને કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક પહેલાં (જે શનિવારે મુંબઈમાં પૂરી થઈ હતી) જ વધુ એક સફળતા મળી છે અને ગુજરાત સરકારને ઓબીસી અનામતના મામલે ઝૂકવું પડ્યું છે. ગગને કહ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૨માં જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઓબીસી વસ્તીની સમીક્ષા કરવા અને એના માટે અનામત નક્કી કરવા માટે એક કમિશન બનાવવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાત કૉન્ગ્રેસ પણ છેલ્લા એક વર્ષથી ઓબીસીને અનામતના મુદ્દે દબાવ બનાવી રહી હતી. બિહારમાં જાતિગણનાનું કામ ચાલુ જ છે ત્યાં ૨૩ ઑગસ્ટે કૉન્ગ્રેસે આ અંગે ગાંધીનગરમાં જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. કૉન્ગ્રેસના વિધાનસભ્ય અને પક્ષના નેતા અમિત ચાવડાએ આ પ્રદર્શનમાં ભાજપના તમામ મોટા ઓબીસી નેતાઓને આમંત્રણ મોકલ્યું હતું. અમિત ચાવડા ભાજપના નેતા અને ગુજરાત સરકારના પ્રધાન પરષોત્તમ સોલંકી, ગાંધીનગર દક્ષિણના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર, કૅબિનેટપ્રધાન કુંવરજી બાવળિયા, મંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, કેન્દ્રીય રાજ્યપ્રધાન ડૉ. મહેન્દ્ર મુંજપરા અને ખેડાના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણને ટ્વિટર પર ટૅગ કરીને સ્વાભિમાન સભા માટે આમંત્રિત કર્યા હતા.
અમિત ચાવડા લાંબા સમયથી કૉન્ગ્રેસના વિધાનસભા દળના નેતા તરીકે ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. ઓબીસી આરક્ષણ સમિતિનો આક્ષેપ હતો કે પંચાયત અને સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી સમુદાયનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી. ઉપરાંત રાજ્યની ૭,૧૦૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણીના અભાવે વહીવટી તંત્ર કામગીરી સંભાળી રહ્યું છે.
સમિતિની માગ હતી કે ગુજરાતમાં પણ જાતિગણના થવી જોઈએ, તમામ સ્થાનિક સંસ્થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામત હોવી જોઈએ; એટલું જ નહીં, સરકારે દર વર્ષના બજેટના ૨૭ ટકા ઓબીસી સમુદાયો વસવાટ કરતા વિસ્તારોના વિકાસ પર ખર્ચ કરવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલા ઓબીસી આરક્ષણ મુજબ તમામ સરકારી સંસ્થાઓમાં એસસી-એસટી અને ઓબીસી લોકો માટે અનામત હોવી જોઈએ. આ તમામ માગણીઓને લઈને સમિતિએ સ્વાભિમાન સભાનું આયોજન કર્યું હતું.
ગુજરાતમાં ઓબીસી અનામતનો મુદ્દો મોટા પાયે ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં મંડલ આંદોલન દરમિયાન અને પછી ૨૦૧૫માં પાટીદાર અંદોલન દરમિયાન સામે આવ્યો હતો. 2015માં અનામતને લઈને પાટીદાર અનામત આંદોલન થયું હતું, જેનું નેતૃત્વ હાર્દિક પટેલે કર્યું હતું. પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માગ સરકાર માટે પડકાર બની ગઈ હતી. જોકે બાદમાં સરકારે ઈબીસી અનામત હેઠળ થોડી રાહત આપી હતી. એ સંદર્ભમાં ઓબીસી અનામતનો મુદ્દો જોર પકડે એ સરકારના હિતમાં નહોતું.
પાટીદારોને ભાજપની મુખ્ય વોટબૅન્ક માનવામાં આવે છે, જ્યારે અન્ય ઓબીસી કૉન્ગ્રેસ તરફ થોડો ઝુકાવ ધરાવે છે એવું માનવામાં આવે છે. ભાજપે ૨૭ ટકા અનામતનો નિર્ણય લઈને એ ઝુકાવને કમજોર બનાવી દીધો છે.
ગુજરાત ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયકે જણાવ્યું હતું કે ‘આ નિર્ણયથી ઘણા ગરીબ અને પછાત સમુદાયો, વિચરતી અને વિમુક્ત
જાતિઓનું પ્રતિનિધિત્વ વધશે. પરિણામે સમુદાયો પણ મોટી સંખ્યામાં ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લેશે.’
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ સમાજના તમામ વર્ગોને સાથે રાખવાનો છે. જોકે કૉન્ગ્રેસના વિધાનસભા દળના નેતા અમિત ચાવડાએ આ નિર્ણયને ભાજપ દ્વારા ઓબીસી સમુદાયને ગુમરાહ કરવાનો અને છેતરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘સરકારનો ઇરાદો ત્યારે પણ સારો નહોતો અને આજે પણ નથી. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે દરેક રાજ્યે ગ્રામપંચાયતો, તાલુકા અને જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનોના દરેક એકમમાં એની ઓબીસી વસ્તીની ગણતરી કરવી જોઈએ અને ત્યાં ઓબીસી વસ્તી અનુસાર અનામત આપવી જોઈએ.’
આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ઓબીસી સમુદાયે અનામતના મુદ્દે સંયુક્ત મોરચો બનાવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે ભાજપને લોકસભાની આગામી ચૂંટણીમાં તેમનો ટેકો ગુમાવવાનો ડર હતો. જોકે ભાજપને ગળા સુધી વિશ્વાસ છે કે આ પગલું ભાજપને લોકસભાની ચૂંટણીમાં મદદ કરશે.
ઝવેરી પંચનો રિપોર્ટ આવી જતાં અને ૨૭ ટકા ઓબીસી અનામતની ઘોષણા થઈ જતાં સરકાર હવે ચૂંટણીને લઈને આગળ વધી શકે છે અને રાજ્ય ચૂંટણી પંચ પંચાયતની ચૂંટણીની સાથે સ્થાનિક સંસ્થાઓની બાકી રહેલી ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
ભાજપ બહુ શરૂઆતથી જ જાતિઓનું રાજકારણ ખતમ કરવા પ્રયત્નશીલ છે અને એના માટે એને ઓબીસી જાતિઓનો આધાર મળે એ જરૂરી છે. નૅશનલ ઇલેક્શન સ્ટડીનો ડેટા બતાવે છે એમ છેલ્લા બે દાયકા દરમિયાન મોટા ભાગના ઓબીસી મત પ્રાદેશિક અથવા સામાજિક ન્યાયમાં માનતા પક્ષોને ગયા છે. રાષ્ટ્રીય સ્તરે ભાજપને હજી એમાં સંપૂર્ણ સફળતા નથી મળી, પરંતુ ગુજરાતમાં તો એણે ઓબીસીને પોતાના પક્ષે કરી લીધા છે એવું લાગે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કેવાં પરિણામો આવે છે એ જોવાનું રસપ્રદ રહેશે.
લાસ્ટ લાઇન
જે દિવસે કોઈ આદિવાસી મહિલા ભારતના સર્વોચ્ચ ‘રાષ્ટ્રપતિ’ પદ સુધી પહોંચી જાય પછી દેશમાં અનામત ખતમ કરી નાખવી જોઈએ. - ડૉ. આંબેડકર