10 October, 2024 05:33 PM IST | Mumbai | Rashmin Shah
મૅરેજ ડૉટકૉમ લગ્ને-લગ્ને કુંવારાલાલ પ્રકરણ ૪
‘મિસ્ટર અજય મ્હાત્રે, ટ્રેન અને કમ્પાર્ટમેન્ટ નંબરની ચિઠ્ઠી ટેબલ પર છે...’
ઇન્સ્પેક્ટર મીરા વૈદ્યને અફસોસ થતો હતો કે તેણે એ ચિઠ્ઠીનો ફોટો નહોતો પાડ્યો.
‘રામ, કંઈ પણ કર, તું તેને ટ્રેનમાંથી પકડી લે. પ્લીઝ...’
‘મીરા એ માણસ મૅરિડ નીકળ્યો એનો અર્થ એવો નથી થતો કે તે ક્રિમિનલ છે.’ મીટિંગમાંથી બહાર નીકળતાં રામે ધીમેકથી કહ્યું, ‘ખોટું બોલવું એ ક્રાઇમ નથી... તું મારી
વાત સમજ...’
‘પણ રામ તું મારી વાત સમજ, તેની પાસે આવું ખોટું બોલવાનું કોઈ કારણ જ નહોતું કે તે છોકરી જોવા માટે મુંબઈ આવ્યો છે.’ મીરાએ કહ્યું, ‘હન્ડ્રેડ પર્સન્ટ એ માણસ કોઈ મોટો ફ્રૉડ છે. ગૅરન્ટી સાથે કહું છું.’
‘ઓકે... કૂલ. હું કંઈક કરું છું, પણ જો ટ્રેન મહારાષ્ટ્રની બહાર નીકળી ગઈ હશે તો બીજા સ્ટેટની પોલીસનો સપોર્ટ કેટલો અને કેવો મળશે એની મને
નથી ખબર.’
‘મધ્ય પ્રદેશની ચિંતા તું છોડી દે, ત્યાં હું વાત કરું છું...’ મીરાએ ત્વરા સાથે કહ્યું, ‘તું જલદી કામે લાગીશ તો આપણે એમપી રેલવે-પોલીસની હેલ્પ નહીં લેવી પડે. બી ફાસ્ટ...’
મીરાએ ફોન કટ કર્યો અને પછી તરત જ રતલામ રેલવે-સ્ટેશને ફોન લગાડ્યો.
‘મિશ્રાજી, હેલ્પ જોઈએ છે...’ હકારમાં જવાબ મળશે એવી અપેક્ષા રાખ્યા વિના જ મીરાએ ક્લાસમેટ રહી ચૂકેલા અતુલ મિશ્રાને કહી દીધું, ‘ગૌહાટી એક્સપ્રેસમાંથી એક વ્યક્તિને ઉપાડી લેવાનો છે... ટિકિટની ડિટેઇલ્સ હું મોકલું છું, ભૂલથી પણ તે છટકી ન જવો ન જોઈએ.’
‘શ્યૉર...’ મિશ્રાએ સ્ટેશન પર નજર કરી, ‘વીસેક મિનિટમાં ટ્રેન આવશે... મને ફટાફટ ડિટેઇલ્સ મોકલ.’
‘ડન...’
મીરાએ ફરી રામને ફોન કર્યો
અને પહેલાં તો એ જાણ કરી કે ટ્રેન મહારાષ્ટ્ર ક્રૉસ કરી ગઈ છે અને પછી તરત તેની પાસે અજય મ્હાત્રેની ટિકિટની વિગતો મગાવી. રામ પાસે વિગત આવી ગઈ હતી.
‘રામ, હવે હું પહેલાં સીધી રતલામ જાઉં છું.’
‘રતલામ ફ્લાઇટ નથી...’ રામે જનરલ નૉલેજ આપવાની સાથોસાથ કહી પણ દીધું, ‘ઇન્દોર બેસ્ટ રહેશે. ઇન્દોરથી એક કલાક થશે. હું ટિકિટ મોકલું છું.’
‘લવ યુ રામ...’
‘લવ યુ ટુ... પણ તારી રેલવે-પોલીસ પાસેથી આ ટિકિટના પૈસા અપાવવા પડશે...’
‘ઍઝ યુ નો, રેલવે-પોલીસ પાસે જેમ સત્તા ઓછી છે એવી રીતે અમારી પાસે ફન્ડ પણ ઓછું છે...’ મીરા પહેલી વાર સહેજ રિલૅક્સ હતી, ‘માની લે તેં મને આ ઍનિવર્સરીએ ટ્રીટ આપી... હૅપી?’
રામ આગળ કંઈ બોલે એ પહેલાં જ મીરાએ કહી દીધું,
‘અહીંથી એક નહીં, બે ટિકિટ કરવાની છે...’ મીરાએ નામ આપ્યું, ‘રોહિણી અજય મ્હાત્રે... અને તેનું બચ્ચું... લીવ ઇટ, તે તો હજી નાનું છે.
તેની ટિકિટની જરૂર નહીં પડે.’
રામ સમજી ગયો હતો કે મીરા હવે લેડી સિંઘમ બનવાના મૂડમાં આવી ગઈ છે. તેને ચિંતા એક જ વાતની હતી કે ભૂતકાળમાં જે પ્રકારની પછડાટ મીરાએ ખાવી પડી હતી એવી પછડાટ તેણે આ વખતે ખાવી ન પડે. ભૂતકાળમાંથી બહાર કાઢવા માટે રામે મીરા માટે ખાસ્સો ભોગ આપવો પડ્યો હતો. અલબત્ત, અત્યારે તેને પોતાના કરતાં મીરાની ચિંતા વધારે હતી.
‘ઓકે, નો ઇશ્યુ મૅડમ...’ રામે શિફતપૂર્વક પૂછ્યું, ‘ત્યાં શું થયું એની વાત તું અત્યારે કરશે કે...’
‘પછી... એ જ બેસ્ટ છે.’ મીરાના અવાજમાં અચાનક જ નરમાશ આવી ગઈ, ‘એક વાત કહું રામ?’
‘આઇ લવ યુ સિવાય કંઈ પણ કહે...’ રામના ચહેરા પર સ્માઇલ
હતું, ‘તારું આઇ લવ યુ થોડું કૉસ્ટ્લી હોય છે.’
‘જાને ચાંપલુ...’
મીરાએ ફોન કટ કર્યો, પણ આંખ સામે આવી ગયેલો એ ભૂતકાળ મીરા દૂર કરી શકી નહીં. ભૂતકાળની એ વાતોએ મીરાની આંખોમાં આંસુ લાવવાનું કામ સહજતા સાથે કર્યું અને મીરાએ એને રોક્યાં પણ નહીં.
‘તમે અજયને કેવી રીતે મળ્યાં?’
રડતા બાળકને ખોળામાં લઈને ફીડિંગ કરાવતી રોહિણીને મીરાએ પૂછ્યું તો ખરું પણ પછી તરત ચોખવટ પણ કરી લીધી.
‘અજય સાથે પણ મારે આ બધી વાતો કરવાની છે, મને થયું કે તે
આવ્યો નથી તો આપણે એ ટૉપિક પર વાત કરીએ.’
‘વાંધો નહીં, અજય તો કાલે સાંજે પહોંચશે.’
‘હા, મને તેણે કહ્યું હતું, પણ અમારા મૅનેજમેન્ટની ઇચ્છા હતી કે હું વહેલી આવીને અહીં બીજી સ્ટોરીઝ પણ કરું.’ મીરાએ આંખ મીંચકારી, ‘યુ ડોન્ટ નો મૅનેજમેન્ટ, એકેક પૈસાનું વળતર વિચારીને સ્ટેપ લે.’
‘ના, મને ખબર છે. કૉર્પોરેટમાં મેં પણ જૉબ કરી છે.’
સહજતા સાથે રોહિણીએ કહેલા શબ્દોએ મીરાના મનમાં અચરજ ઊભું કર્યું, પણ એક્સપ્રેશન તેણે કાબૂમાં રાખ્યાં અને રોહિણીની વાત પર
કાન ધર્યા.
‘હું પુણેની છું... બજાજ કૅરટેકમાં મેં ચાર વર્ષ જૉબ કરી.’
‘ઓહ...’ મીરા હવે આશ્ચર્ય કન્ટ્રોલ કરી શકી નહોતી, ‘તો પછી એ જૉબ છોડીને અહીં, આસામમાં...’
‘અજયની ડ્યુટી જ એવી છે એટલે...’ રોહિણીએ કહ્યું, ‘આજે અહીં તો કાલે કચ્છ કે રાજસ્થાન કે પછી ત્રીજી જ કોઈ બૉર્ડર...’
‘અજયને તમે કેવી રીતે મળ્યાં?’
ફરીથી એ જ સવાલ મીરાએ પૂછ્યો અને રોહિણીના ચહેરા પર સ્માઇલ આવ્યું.
‘તમને હસવું આવશે...’
‘આવશે તો પણ નહીં હસું... પ્રૉમિસ.’ મીરાએ રોહિણીના ગોઠણ પર હાથ મૂક્યો, ‘હવે કહે, કેવી રીતે મળ્યાં?’
‘મૅટ્રિમોની વેબસાઇટ પર...’
રોહિણી તેના ફ્લોમાં હતી. તેને ખબર નહોતી કે મીરા એ વાતોનો પણ તાળો માંડી રહી છે.
‘ઍક્ચ્યુઅલી બન્યું એવું કે તેના ફૅમિલી-મેમ્બર્સે મૅટ્રિમોની વેબસાઇટ પર તેના નામે અકાઉન્ટ ઓપન કર્યું. અજયની મૅરેજની કોઈ ઇચ્છા નહોતી, પણ ફૅમિલીના પ્રેશર વચ્ચે તેણે ક્યારેક-ક્યારેક એ વેબસાઇટ પર આવવું પડતું.’ રોહિણીના ચહેરા પર આવી ગયેલી ચમક મીરા સ્પષ્ટ જોઈ શકતી હતી, ‘એક વાર એવું થયું કે અજય વેબસાઇટ પર આવ્યા અને મેં તેમને હાય મોકલ્યું...’
‘અજયે તરત રિપ્લાય કર્યો...’
‘ના, તેણે કોઈ રિપ્લાય કર્યો નહીં અને ખડૂસની જેમ એ તો લૉગ-ઑફ કરીને નીકળી ગયા. એકાદ દિવસ પછી તેણે મને રિપ્લાય કર્યો. આમ તો મને એ રુડ લાગ્યું હોત પણ સાચું કહું, તેણે જે જવાબ આપ્યો એ શબ્દોમાં જે સૉફ્ટનેસ હતી એ મને ટચ કરી ગઈ. તેણે કંઈક એવું લખ્યું હતું કે પ્લીઝ, મને રુડ ન સમજતાં, પણ મને છોકરીઓ સાથે વાત કરવાની આદત નથી એટલે રિપ્લાય કરવામાં મને સંકોચ થયો.’
ક્ષણવાર માટે મીરાએ મનોમન અજયને ક્લીન ચિટ આપી દીધી અને પછી તરત જ ભૂતકાળમાં થયેલા અનુભવના આધારે તેણે એ ક્લીન ચિટ પાછી ખેંચી લીધી.
‘પછી શું થયું?’
‘નથિંગ... પછી અમે ચૅટ શરૂ કરી. એકાદ મહિનો ચૅટ ચાલી હશે અને એ પછી અજયને આર્મીના કોઈક કામસર પુણે આવવાનું થયું એટલે અમે રૂબરૂ મળ્યાં ઍન્ડ ધૅન...’ ખોળામાં સૂઈ ગયેલા બાબુના કપાળે પપ્પી કરતાં રોહિણીએ કહ્યું, ‘રેસ્ટ ઇઝ હિસ્ટરી. અમે સાથે છીએ... પહેલાં અરેન્જ્ડ મૅરેજ થવાનાં હતાં, પણ પછી અમારાં લવ-મૅરેજ થયાં ઍન્ડ આઇ ઍમ સો હૅપી.’
બહુ સિમ્પલ એવી લવ-સ્ટોરી સાંભળીને મીરામાં રહેલું સ્ત્રીત્વ જાગી ગયું હતું. મન થવા માંડ્યું હતું કે મનમાં ઘર કરી ગયેલી કુશંકાઓ છોડીને તે અત્યારે જ અહીંથી નીકળી જાય. અજયનો જે ભૂતકાળ હોય, જેવો પણ વર્તમાન હોય, પોતે એમાં પડે નહીં પણ ખબર નહીં કઈ અદૃશ્ય શક્તિ તેને રોકતી હતી.
એક માણસ કેમ એવું બોલે કે પોતે અહીં છોકરી જોવા આવ્યો છે અને એ પણ ત્યારે જ્યારે આસામમાં એક બાળકની મા એવું કહી રહી છે કે પોતે અજય મ્હાત્રેની વાઇફ છે. એવું પણ નથી કે અજય કોઈ છેલબટાઉ છોકરો હોય. આર્મીમાં છે, મેજર જેવી સિનિયર પોઝિશન પર છે એવા સમયે ખોટું બોલવા માટે પણ તે આવું કોઈ બહાનું આપે એ પણ ગળે નહોતું ઊતરતું. અજયે ધાર્યું હોત તો પહેલા ઝાટકે જ તે પોતાની ઓળખ આપીને કહી શકતો હતો.
‘એક વિચિત્ર સવાલ પૂછું?’
મીરાના સવાલનો રોહિણીએ ખતરનાક જવાબ આપ્યો,
‘જો સવાલ જ વિચિત્ર હોય તો પૂછવો શું કામ?’
અનાયાસ જ મીરાની આંખો રોહિણીના ખોળામાં રહેલા બાળક તરફ ગઈ અને તેણે જવાબ આપી દીધો.
‘કોઈના ભવિષ્ય માટે...’ પરમિશનની રાહ જોયા વિના મીરાએ સવાલ પણ કરી લીધો, ‘અજય મુંબઈ શું કામ ગયા છે એની તમને ખબર છે?’
‘ના...’ રોહિણીના અવાજમાં કૉન્ફિડન્સ હતો, ‘તે જે કામ કરે છે એમાં મારે તેને કોઈ સવાલ ન પૂછવો જોઈએ એવું તેમણે મૅરેજ પહેલાં મને કહ્યું હતું અને એ પછી તેમને મળેલા મેડલ, અવૉર્ડ્સ દેખાડે છે કે મારે તેને કશું પૂછવું ન જોઈએ. મારે એટલા સ્વાર્થી ન બનવું જોઈએ જેમાં હું મારી જાતને ભારતમાની પણ આગળ મૂકી દઉં.’
‘મારે અવૉર્ડ્સ કે તેના ફોટોગ્રાફ્સ જોવા હોય તો...’
પૂછી લીધા પછી મીરાની નજર દીવાલ પર ફરતી હતી પણ ગૌહાટીના એ ઘરની દીવાલો ખાલી હતી.
‘અજયની મનાઈ છે...’
રોહિણીના શબ્દોએ મીરાને ઝાટકો આપ્યો. અલબત્ત, બીજી જ ક્ષણે રોહિણીએ જે કહ્યું એમાં તેને રામની ઝલક દેખાઈ.
‘બહાર રાખવાની... મારી પાસે એ અવૉર્ડ્સ છે, ફોટોગ્રાફ્સ પણ અને સર્ટિફિકેટ્સ પણ... મારી પાસે જ છે, પણ અજયની પરમિશન વિના હું ન દેખાડું.’
‘આવી મનાઈનું કારણ શું?’
‘એ ક્લિયરલી કહે છે કે હું છત્રપતિ શિવાજીના રસ્તે ચાલુ છું ત્યારે મારે શું કામ એ દેખાડો કરવાનો કે હું આટલો મહાન છું...’ રોહિણીની આંખોમાં ચમક હતી, ‘વાત ખોટી પણ નથીને? તમે જે કરો છો એ તમારી ઇચ્છાથી કરો છો, એમાં દેખાવ શું કામ કરવાનો, ક્રેડિટ શું કામ લેવાની?’
સાલું, ક્યાંક ને ક્યાંક જાતને જ થપ્પડ મારવાનું મન થાય એવું લાગે છે તો ક્યારેક એવું લાગે છે કે જે માણસ છે એ એટલો ચાપ્ટર છે કે કાબેલ રાઇટર પણ તેની સામે પાછો પડે. આ શું ચાલે છે? કોણ છે આ અજય મ્હાત્રે, શું છે આ અજય મ્હાત્રે?
ઇન્સ્પેક્ટર મીરા વૈદ્ય સંપૂર્ણપણે કન્ફ્યુઝ હતી.
કાં આ અજય મ્હાત્રે ઇન્ડિયન આર્મીનો એ સ્તરનો ઑફિસર છે જે ધારે તો પાંચ મિનિટમાં તેની વર્દી ઉતારી લે અને કાં, કાં તો આ અજય મ્હાત્રે એ સ્તરનો ચીટર છે જેની સામે ખુદ ભાગ્યદેવીનું લેખન પણ પાણી ભરે.
સાચું શું અને કોણ સાચું?
મીરા વૈદ્યના મનમાં ચાલતા દ્વંદ્વને દિશા આપવાનું કામ રતલામ રેલવે-પોલીસના અધિકારી મિશ્રાએ કર્યું હતું.
‘હા બોલો મિશ્રાજી...’
‘મીરા, ઇન્ફર્મેશનના આધારે આપણે આ માણસને રોકીએ છીએ કે પછી તારી ગટ-ફીલને મારે ફૉલો કરવાની છે?’
‘કેમ શું થયું?’
‘આ માણસ ઇન્ડિયન આર્મીના મેજર છે...’ મિશ્રાના અવાજમાં આવી ગયેલી ધ્રુજારી મીરા ગૌહાતીમાં અનુભવી શકતી હતી, ‘પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં આ સર લીડર હતા... મીરા, આપણે મરી જઈશું. કમ્પાર્ટમેન્ટમાંથી ઊતરવામાં તેણે એક સેકન્ડ નથી લગાડી. તેણે ક્લિયરલી કહી દીધું કે તમે બેસાડો એટલા કલાક હું બેસવા તૈયાર છું. મીરા પ્લીઝ... પૂરી ઇન્ફર્મેશન તારી પાસે છેને?’
‘તમને ડર કઈ વાતનો છે?’
‘એ જ કે...’ મિશ્રાનો અવાજ ધીમો થયો, ‘આ માણસ ઇન્ડિયન આર્મી સાથે જોડાયેલો છે. આપણે હેરાન ન થઈ જઈએ.’
મિશ્રાના શબ્દો કાને પડતા હતા ત્યારે મીરાનો કૉન્ફિડન્સ પણ ડગમગી ગયો હતો. જોકે આવનારા કલાકોના ગર્ભમાં કંઈક જુદું જ લખાયેલું હતું.
(વધુ આવતી કાલે)