09 October, 2024 02:56 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘મને એક વાત નથી સમજાતી રામ કે આ માણસ મૅરેજની આટલી વેબસાઇટ પર કેમ ઍક્ટિવ છે?’ પોતાના લૅપટૉપ પર અજય મ્હાત્રેના લૅપટૉપનો બૅકઅપ ચેક કરતાં ઇન્સ્પેક્ટર મીરા વૈદ્ય બોલી, ‘મૅટ્રિમોનીની એક પણ વેબસાઇટ એવી નથી જેના પર તેનું રજિસ્ટ્રેશન ન થયું હોય. બધા પર તેનું રજિસ્ટ્રેશન છે અને બધા પર છોકરીઓ સાથે તે પોતે જ ચૅટ કરે છે.’
‘ભાઈ દુખી થવા માટે તલપાપડ થયા હશે, બીજું શું?’ રામે લાઇટર-નોડમાં કહ્યું, ‘વર્ષ પછી મારી જેમ બધાને સલાહ આપતો હશે કે મૅરેજ ક્યારેય ન કરાય.’
મીરાએ કોઈ જવાબ આપ્યો નહીં એટલે રામે તેની સામે જોયું. મીરાની આંખો સ્ક્રીન પર ચોંટેલી હતી.
‘તે તેના લૅપટૉપની હાર્ડ-ડિસ્ક ક્લોન કેવી રીતે કરી એ તો કહ્યું નહીં...’ રામે શંકા પણ તરત વ્યક્ત કરી દીધી, ‘તારી પાસે એટલો સમય હતો?’
‘ના, યાર... બહુ ટેન્શન થઈ ગયું હતું.’ ઘરમાં બનાવેલા રાઇટિંગ એરિયા પર કામ કરતી મીરાએ પોતાની ચૅર રામ તરફ ફેરવી, ‘હાર્ડલી એકાદ મિનિટ માંડ હતી અને મને ખબર પણ નહોતી કે તેની હાર્ડ ડ્રાઇવ કેટલી ભરેલી છે.’
‘હંઅઅઅ... તો, શું કર્યું તેં?’
lll
‘એક્ઝક્યુઝ મી...’
વૉશરૂમનો દરવાજો અંદરથી ઠોકવાનો અવાજ આવ્યો અને સાથે અજયનો પણ અવાજ આવ્યો,
ઠક... ઠક... ઠક...
મીરા કંઈ જવાબ આપે એ પહેલાં તો ફરી દરવાજો અંદરથી ઠોકાયો.
મીરાએ દરવાજા તરફ જોયું, પણ તેણે હાથ ચાલુ રાખ્યો. અજય જેવો વૉશરૂમમાં જઈને ચાના ડાઘ સાફ કરવા માંડ્યો કે બીજી જ સેકન્ડે મીરાએ વૉશરૂમનો દરવાજો બહારથી બંધ
કરી દીધો અને પછી તરત તે કામે લાગી હતી.
અજય પોતાની સાથે જે બૅગ લાવ્યો હતો એ બૅગ તેણે ખોલી અને તેની આંખો પહોળી થઈ. બૅગમાં બે
લૅપટૉપ હતાં.
એક વ્યક્તિ ઑલરેડી બે લૅપટૉપ શું કામ રાખે, ખાસ તો એવી વ્યક્તિ જેણે મોટા ભાગનો સમય બૉર્ડર પર રહેવાનું હોય?
ચાલો માન્યું કે એક લૅપટૉપ તેનું પર્સનલ હોય અને બીજું લૅપટૉપ તેને આર્મી દ્વારા આપવામાં આવ્યું હોય એટલે તેની પાસે બે લૅપટૉપ હોય તો પછી ટ્રેનમાં તે પોતે ત્રીજું લૅપટૉપ લે છે ત્યારે તેને કેમ ખબર ન પડી કે તેની પાસે બૅગમાં ઑલરેડી બે લૅપટૉપ છે?
અજયનાં બન્ને લૅપટૉપ બૅગમાંથી મીરાએ બહાર કાઢ્યાં અને એક લૅપટૉપ સાથે તેણે હાર્ડ ડિસ્ક અટૅચ કરી લૅપટૉપ ચાલુ કર્યું. લૅપટૉપમાં પાસવર્ડ હશે એવી ખાતરી અનુભવના આધારે મીરાને પહેલેથી હતી, પણ અત્યારે તેને એ પાસવર્ડ કરતાં બૅકઅપમાં વધારે ઇન્ટ્રેસ્ટ હતો. પાસવર્ડ ક્રેક કરવાનું કામ એ પછી કરી શકવાની હતી એટલે મીરાએ લૅપટૉપની હાર્ડ ડ્રાઇવ ક્લોન કરવાનું શરૂ કર્યું અને સાથોસાથ બીજું લૅપટૉપ પણ એ જ હાર્ડ ડિસ્ક સાથે કનેક્ટ કર્યું. આ અલ્ટ્રા મૉડર્ન એવી હાર્ડ ડિસ્ક રામ તેને માટે લાવ્યો હતો. હાર્ડ ડિસ્ક પર ડિજિટલ સ્ક્રીન હતી, જેના પર હવે કેટલા પર્સન્ટ બૅકઅપ બાકી છે એ પણ લખાઈને આવતું.
એક લૅપટૉપમાંથી ૪૦ ટકા ડેટા લેવાનો બાકી હતો તો બીજા લૅપટૉપમાંથી ૧૫ ટકા ડેટા કૉપી થવાની બાકી હતી અને અજય મ્હાત્રે વૉશરૂમમાંથી દરવાજો ઠોકતો હતો. જોકે અત્યારે ચૂપ રહેવું જરૂરી હતું. એક વાર કામ પૂરું થાય એ પછી દરવાજો ખોલવો અને શું કહીને દરવાજો ખોલવો એ પણ મીરાના મનમાં ક્લિયર હતું. બસ, એટલી ક્લૅરિટી નહોતી કે પોતે જો આ કામ કરવામાં પકડાઈ ગઈ તો તેની સામે શું ઍક્શન લેવામાં આવી શકે અને એ ઍક્શન ભારત સરકારના કયા-કયા ડિપાર્ટમેન્ટ લે!
lll
‘વૉટ હૅપન્ડ મિસ્ટર અજય...’
બન્ને લૅપટૉપમાંથી બૅકઅપ લેવાયા પછી લૅપટૉપ ફરીથી બૅગમાં મૂકી
મીરા એવી રીતે વૉશરૂમ ખોલવા પહોંચી જાણે તે બહારથી હમણાં જ આવી હોય.
‘દરવાજો બહારથી બંધ હતો...’
‘ના, દરવાજો બહારથી લૉક નહોતો. મૉન્સૂનમાં દરવાજો ચડી જાય છે એટલે હાર્ડ થઈ ગયો હતો...’ મીરાએ અજયને ચૅર દેખાડતાં પોતાની જગ્યા પર બેઠક લીધી, ‘વિચારો, અમે પણ તમારા જેટલી જ હાડમારી સાથે કામ કરીએ છીએ. ફરક એટલો છે કે લોકો આર્મીને રિસ્પેક્ટથી જુએ અને અમને કરપ્ટ માને.’
‘કામની વાત કરીએ?’
‘શ્યૉર...’ મીરાએ પૅડ અને પેન દેખાડતાં કહ્યું, ‘તમારે જ કામ પૂરું કરવાનું છે. લખો એટલે હું અમદાવાદ ઇન્ફર્મ કરી દઉં.’
અજય પૅડ-પેન હાથમાં લીધાં અને ફટાફટ લખવાનું શરૂ કરી દીધું.
બે મિનિટમાં એક પણ પ્રકારની છેકછાક વિના અજયે પોતાનું સ્ટેટમેન્ટ લખી આપ્યું અને બીજી જ સેકન્ડે મીરાએ અમદાવાદ રેલવેને ફોન પણ લગાડી દીધો.
lll
‘સર, સ્ટેટમેન્ટ રેડી છે. તમને ફૅક્સ કરું કે ઈ-મેઇલ જોઈએ છે?’
સામેથી શું કહેવામાં આવ્યું એ તો અજયને સંભળાયું નહીં પણ મીરાએ જે જવાબ આપ્યો એ અજયે ધ્યાનથી સાંભળ્યો હતો.
‘સર, મેં તો તમને પહેલાં પણ કહ્યું કે આર્મીમાં મેજર છે. તેનાથી આવી ભૂલ ન થાય...’ પુછાયેલા સવાલનો જવાબ આપતાં મીરાએ આગળ કહ્યું હતું, ‘નામ છે અજય મ્હાત્રે. જમ્મુ-કશ્મીર પોસ્ટિંગ પર હતા, હમણાં ટ્રાન્સફર થઈ. હવે આસામ જાય છે.’
અજયની આંખો મીરા પર હતી અને મીરા બેફિકર બનીને વાત
કરતી હતી.
‘આસામ પોસ્ટિંગનો તો આઇડિયા નથી, પણ સર... તમે આ કેસ પૂરો કરો એટલે હું તેમને ફ્રી કરું?’ ફરી સામેથી સવાલ આવ્યો અને મીરાએ ફોન પર કહ્યું, ‘એક મિનિટ...’
મીરાએ હવે ફોનના માઇક પર હાથ મૂક્યો અને અજયને સવાલ કર્યો.
‘તમે અહીંથી ક્યાં જવાના છો અને તમારું ઍડ્રેસ-કૉન્ટૅક્ટ ડિટેઇલ્સ આપવાની છે.’ કાગળ-પેન આગળ કરતાં મીરાએ અજયને કહ્યું, ‘આના પર લખી આપોને, જસ્ટ ફૉર્માલિટી છે.’
દલીલ વિના અજયે કાગળ-પેન હાથમાં તો લઈ લીધાં પણ તેની આંખોમાં અણગમો સ્પષ્ટપણે ઝળકતો હતો. ન ગમતું કામ હંમેશાં ચહેરાને તંગદિલી આપવાનું કામ કરે અને મીરાએ એમાં વધારો કર્યો.
‘તમારી ટ્રાવેલિંગ ડિટેઇલ પણ લખી નાખજોને... તમે કઈ ટ્રેનમાં, કયા કમ્પાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરવાના છો...’
અજયની કોઈ વાત સાંભળવી ન પડે એવા હેતુથી મીરા ચાલુ ફોને ઊભી થઈ ગઈ અને બહાર નીકળી ગઈ. હકીકત તો એ હતી કે ફોનના સામેના છેડે કોઈ હતું જ નહીં. વાઇબ્રેટ કરેલા મીરાના મોબાઇલમાં રામના ફોન આવતા હતા, જેને લીધે મોબાઇલની સ્ક્રીન પર લાઇટ થતી હતી. અજય એ જોઈ ન જાય એની સાવચેતીરૂપે જ મીરા બહાર નીકળી ગઈ હતી તો મીરા ઇચ્છતી પણ હતી કે અજયને એકલો મૂકીને તે એક વખત અજયના હાવભાવ પણ જોઈ લે.
આ બધું મીરા શું કામ કરતી હતી એનો જવાબ જો કોઈએ તેને પૂછ્યો હોત તો મીરા પાસે એક જ જવાબ હતો: ગટ ફીલ...
***
‘રામ, એક સેકન્ડ...’
મીરાના અવાજમાં આવી ગયેલી ત્વરાને જોઈને રામ ઊભો થઈને સીધો તેની પાસે પહોંચ્યો અને મીરાએ તરત પૂછી લીધું,
‘મેજરને ફોટોશૉપ અને ઍડોબ ઇલસ્ટ્રેટરની જરૂર પડે?’
‘પ્રૅક્ટિકલી ના પણ...’ રામે વ્યવહારુ જવાબ આપ્યો, ‘બને કે એ મહાશયને ફોટોગ્રાફીનો શોખ હોય અને ફોટો કરેક્શન માટે તેણે આ સૉફ્ટવેર રાખ્યાં હોય.’
‘ફોટોગ્રાફીનો શોખ હોય તો લૅપટૉપમાંથી ફોટો મળવા જોઈએને?’ મીરાએ હાર્ડ ડિસ્કમાં ખાંખાખોળા કરતાં કહ્યું, ‘આમાં તો એવું કોઈ
ફોલ્ડર નથી.’
‘અગેઇન, આ શંકા કરવા જેવો પૉઇન્ટ નથી. ચાન્સિસ એવા પણ હોય કે તેણે ફોટોગ્રાફ્સ બીજી હાર્ડ ડિસ્કમાં રાખ્યા હોય.’
‘ઍગ્રી પણ આ જો...’ મીરાએ એક ફોલ્ડર દેખાડતાં કહ્યું, ‘જો એવું જ હોય તો આ માણસ આટલી છોકરીઓના ફોટોનું આ ફોલ્ડર શું કામ રાખીને બેઠો છે?’
રામે સ્ક્રીન પર નજર કરી અને રામની આંખોમાં પહેલી વાર શંકા જન્મી.
ફોલ્ડરમાં પાંચસોથી વધારે ફોટોગ્રાફ્સ હતા, દરેક ફોટોગ્રાફને છોકરીનું નામ આપવામાં આવ્યું હતું, જે કદાચ જે-તે છોકરીનું રિયલ નામ હતું. અનેક છોકરીઓના એક કરતાં વધારે ફોટોગ્રાફ હતા.
‘ડાઉટ ડિસ્કાઉન્ટેડ...’ રામે વધુ એક પંક્ચર પાડતાં મીરાને કહ્યું, ‘એ માણસ બૅચલર છે એવું તું જ કહે છે. તેં જ કહ્યું કે તેની મૅરેજની વાતો ચાલે છે તો પૉસિબલ છે કે આ બધી છોકરીઓને કાં તો તેણે જોઈ હોય કે કાં તો તેને માટે માગું આવ્યું હોય અને તેણે એક અલગ ફોલ્ડર બનાવ્યું હોય. અગેઇન, તારી આ વાત પર પણ તું કોર્ટમાં ઊભી રહી શકે એવું મને લાગતું નથી.’
‘તું કંઈ પણ કહે પણ રામ, મને અંદરથી સતત એવું થાય છે કે આ માણસ ખરેખર ભેદી છે.’ મીરાને અચાનક વિચાર આવ્યો, ‘ગૌહાટીમાં તેણે જે ઍડ્રેસ આપ્યું છે ત્યાં આપણે તપાસ કરાવીએ તો? બને કે કદાચ કંઈ જાણવા મળે.’
‘હંઅઅઅ... પૉસિબલ છે કે તેણે જે ઍડ્રેસ આપ્યું હોય ત્યાં કોઈ રહેતું ન હોય અને કાં તો એવું પણ બને કે એ કોઈ રેન્ટલ પ્રૉપર્ટી હોય કે હોટેલ હોય...’
‘હોટેલ તો નથી લાગતી...’ મીરાએ ઍડ્રેસવાળું પેપર હાથમાં લેતાં કહ્યું, ‘કામધેનુ સોસાયટી, એક્સલ રોડ... બને કે તેણે આ ઘર ભાડે રાખ્યું હોય...’
‘જો મીરા, તારા મનમાં આ અજય મ્હાત્રેએ જગ્યા કરી લીધી છે. મારું મન કહે છે કે હવે તું માત્ર ડાઉટના આધારે આગળ વધે છે.’ રામે મીરાના ખભા પર હાથ મૂક્યો, ‘ઘણી વાર એવું બને કે આપણી ગટ-ફીલ પણ ખોટી હોય. મારે પણ એવું થયું છે. સો, બહુ ટેન્શન નહીં લેવાનું...’
‘તું મને આ તપાસ કરાવી આપીશ?’ મીરાએ પૂછ્યું, ‘અત્યારે જ.’
‘લેટ મી ટ્રાય... પણ અત્યારે તપાસ થાય કે નહીં એની મને ખબર નથી. સવાર સુધીમાં કદાચ બધી ઇન્ફર્મેશન આવી જશે.’
રામે મોબાઇલ હાથમાં લેતાં કહ્યું અને પછી તેણે ફોન લગાડ્યો. સામેથી જે જવાબ આવ્યો એ જવાબ મીરાને વધારે અપસેટ કરનારો હતો.
‘તે વેકેશન પર છે. નેક્સ્ટ વીક આવશે...’ મોબાઇલનો સોફા પર ઘા કરતાં રામે કહ્યું, ‘બીજો કોઈ સોર્સ મને તો યાદ નથી આવતો. હવે તું કહે, શું કરવાનું છે મારે?’
‘કાલે તારે લંચ અને ડિનર બન્ને બહાર કરવાનાં છે...’ મીરાએ ઊંડો શ્વાસ લીધો અને કહી દીધું, ‘હું ગૌહાટી જાઉં છું. મને આની તપાસ કરવી છે.’
‘કન્ફર્મ?’
‘હન્ડ્રેડ પર્સન્ટ...’
લૅપટૉપ બંધ કરીને મીરા ઊભી થઈ ત્યારે અજય ગૌહાટી એક્સપ્રેસમાં ચડતો હતો. રામને ખબર નહોતી કે તેણે ઍડ્રેસ આપીને કેવી મોટી ભૂલ કરી છે અને મીરાને ખબર નહોતી કે
મનની વાત સાંભળીને આગળ વધવામાં તે કેટલી મોટી વાતનો પર્દાફાશ કરવાની છે.
lll
‘એક્ઝક્યુઝ મી...’
‘જી, બોલો...’
‘તમે...’ સામે ઊભેલી લેડીને મીરાએ પૂછ્યું, ‘તમે અહીં શું છો?’
‘તમારે કોનું કામ છે એ કહેશો...’
લેડીએ સારા શબ્દોમાં સવાલ કર્યો. જો સામે છોકરો હોત તો તેણે
તતડાવી પણ લીધો હોત, પણ મીરાને જેન્ડર-બેનિફિટ થયો.
‘અજય મ્હાત્રે...’ મીરાએ પોતાની ઓળખાણ આપી, ‘હું દિવ્યા પંડિત, ટીવી જર્નલિસ્ટ...’
‘ઓહ... આવોને...’ લેડીએ દરવાજેથી હટીને અંદર આવવાની જગ્યા કરતાં કહ્યું, ‘અજય તો કાલે આવવાના છે, પણ તમે આવો...’
‘તમે... તેમનાં શું થાઓ?’
‘તેની વાઇફ છું...’
છોકરી જોવા મુંબઈ આવેલા અજય મ્હાત્રેની વાઇફને મળતાં મીરાને ઝાટકો લાગ્યો પણ એ ઝાટકો શૉક્ડ ત્યારે બન્યો જ્યારે તેને ઘરમાં નાના બચ્ચાનો રડવાનો અવાજ સંભળાયો.
‘આવો... અમારો સન છે, જાગી ગયો એટલે રડતો હશે...’
(વધુ આવતી કાલે)