08 October, 2024 12:07 PM IST | Mumbai | Rashmin Shah
મૅરેજ ડૉટકૉમ લગ્ને-લગ્ને કુંવારાલાલ પ્રકરણ ૨
‘કાં ઓળખી લઈએ ને કાં આપણે કોણ છીએ એની ઓળખાણ આપી દઈએ.’
આવું કહેતી વખતે તો ઇન્સ્પેક્ટર મીરા વૈદ્યને વિચાર સુધ્ધાં નહોતો આવ્યો કે તે કોને પોલીસની વર્દીની ધમકી આપવાની ગુસ્તાખી કરે છે. અજય મ્હાત્રેને તેણે જોઈ લીધો હતો. જોયા પછી અડધી સેકન્ડ માટે તેને છોકરો સારા ઘરનો હોય એ અણસાર પણ આવી ગયો હતો, પણ અજયે જે પ્રકારની તુમાખી દેખાડી એનાથી મીરાની કમાન છટકી હતી. ‘ભૂલથી સાથે લઈ લીધેલા લૅપટૉપ માટે તમે એવું કેવી રીતે કહી શકો કે અત્યારે ટાઇમ નથી, પછી આપી જઈશ.’
‘શું કામ છે તારું?’
પૂછ્યા પછી તરત જ જવાબ મળ્યો નહીં એટલે મીરા વૈદ્યએ ટેબલ પર જોરથી હાથ પછાડીને પોતાના ગુસ્સાનો પરિચય આપી દીધો હતો,
‘દરેક વાત હું એક વાર પૂછીશ... મને સીધો જવાબ જોઈએ, અહીં કોઈ તારા બાપનું નોકર નથી.’
‘મૅડમ, રિસ્પેક્ટથી...’ અજયનો ચહેરો તગતગવા માંડ્યો હતો એ મીરા નરી આંખે જોઈ શકતી હતી, ‘તમારું કામ થઈ ગયું છે, તમે પેલા ભાઈને રવાના કરી દીધા, ધેટ મીન્સ, તમે કમ્પ્લેઇન લખી નથી. હવે મને આ રીતે અહીં રોકી રાખવો ઇલીગલ છે, બટ આઇ રિસ્પેક્ટ લૉ... સો પ્લીઝ, તમે પણ રિસ્પેક્ટ ચૂકો નહીં.’
‘શું કરે છે તું?’
‘જૉબ...’
‘ક્યાં?’
‘જમ્મુ-કશ્મીરમાં ડ્યુટી હતી.’
મીરાની અનુભવી આંખોએ તારણ માંડી લીધું, પણ એમ છતાં તેને ચોખવટ કરવાનું વાજબી લાગ્યું.
‘શાની ડ્યુટી હતી?’ મીરાએ ચોખવટ પણ કરી, ‘શું જૉબ કરે છે?’
‘આઇ ઍમ ઇન ઇન્ડિયન આર્મી...’
અજય મ્હાત્રેના શબ્દો સાંભળીને મીરા અંદરથી ધ્રૂજી ગઈ અને ઇન્ડિયન આર્મીમાં અજયની પોઝિશન સાંભળીને તો રીતસરનો તેને પરસેવો વળવા માંડ્યો.
‘બટૅલ્યન ૨૩૧-એનો મેજર છું.’
જો બીજી કોઈ સિચુએશન હોત અને મીરા સામે મેજર આવ્યો હોત તો ચોક્કસપણે રેલવે-ઇન્સ્પેક્ટર મીરા વૈદ્યએ તેને કડક સૅલ્યુટ આપી હોત, પણ અત્યારની વાત અને વાતાવરણ બન્ને જુદાં હતાં.
‘મૅડમ, હું ઉતાવળમાં છું... એટલે મેં પછી આવવાનું કહ્યું.’
‘સમજાયું, પણ મિસ્ટર અજય...’ મીરાથી અનાયાસ જ મેજરનું સંબોધન અવૉઇડ થયું, ‘ઉતાવળનું કારણ જાણી શકું, એની મેડિકલ ઇમર્જન્સી?’
‘ના...’ મેજર અજય મ્હાત્રેના ચહેરા પર સહેજ સ્માઇલ આવ્યું,
‘ઇટ્સ પર્સનલ.’
જવાબ આપી દીધા પછી અજયે તરત ચોખવટ પણ કરી લીધી,
‘કારણ પણ કહી દઉં, નહીં તો તમે એમાં પણ શંકા કરશો... હું છોકરી જોવા આવ્યો છું. મારી પાસે ત્રણ દિવસ છે. હવે મારું પોસ્ટિંગ આસામમાં થયું છે. શનિવારે મારે ડ્યુટી જૉઇન કરવાની છે... પેરન્ટ્સની ઇચ્છા હતી કે હું છોકરી જોઈ લઉં એટલે મને પ્રેશર કરીને રવાના કર્યો અને બાય-મિસ્ટેક મારાથી લૅપટૉપ સાથે આવી ગયું.’ અજયના અવાજમાં હવે સાલસતા હતી, ‘આઇ ઍમ રિયલી સૉરી. એ રીતે કોઈની ચીજને હાથમાં ન લેવાની હોય, પણ સેમ લૅપટૉપને કારણે મારાથી ભૂલ થઈ ગઈ.’
‘ઇટ્સ ઓકે...’ મીરાએ પણ સહજતા સાથે જ કહ્યું, ‘ઍક્ચ્યુઅલી, તમે જે જવાબ આપ્યો એવો જવાબ આપનારું કોઈ હોતું નથી એટલે મને નવાઈ લાગી...’
‘આઇ કૅન અન્ડરસ્ટૅન્ડ...’ મોબાઇલ પર આવતી રિંગને સાયલન્ટ કરતાં અજયે કહ્યું, ‘તમારી પાસે હવે મારા નંબર છે, તો હું હવે નીકળું... ઍક્ચ્યુઅલી મારી રાહ જોવાય છે... સો પ્લીઝ.’
‘ઓહ, યા... શ્યૉર...’ અજય ઊભો થયો કે તરત મીરાએ હાથ પણ લંબાવ્યો, ‘વિશ યુ ઑલ ધ ગુડ લક...’
‘શાને માટે?’
‘અત્યારે જે કામ માટે જાઓ છો એને માટે પણ અને શનિવારે, જે ડ્યુટી જૉઇન કરવાના છો એને માટે પણ...’
‘ઓહ...’ અજયે પણ હાથ લંબાવ્યો, ‘રાઇટ...’
‘મને એક સવાલ છે રામ, પૂછું?’
‘તારી ડ્યુટીને રિલેટેડ હોય તો જવાબ છે ના...’ હસબન્ડ રામ વૈદ્યએ મીરાને જવાબ આપ્યો, ‘કેટલી વાર તને કહ્યું છે કે તું તારી જૉબ તારી ચેમ્બરમાં મૂકીને ઘરે આવ.’
‘મેં કેટલી વાર કહ્યું છે કે એવું મારાથી નથી થતું...’ મીરાએ આગ્રહ કરાવ્યા વિના પૂછી લીધું, ‘આજે મને એક છોકરો મળ્યો, ઇન્ડિયન આર્મીમાં છે. મેજરની પોઝિશન પર. બૉડીથી પર્ફેક્ટ છે. એકદમ મૅચોમૅન...’
મોબાઇલમાંથી નજર ઊંચી કરીને રામે તરત મીરા સામે જોયું અને મીરાએ બીજી જ સેકન્ડે ચોખવટ કરી લીધી.
‘સ્ટુપિડ, એમ નહીં... તું વાત સરખી રીતે સાંભળ...’ રામના ચહેરાના હાવભાવ નૉર્મલ થયા એટલે મીરાએ વાત આગળ વધારી, ‘આર્મી ફિઝિક્સ કહેવાય એવું બૉડી છે, પણ મને એક વાત વિચિત્ર લાગી. એ છોકરાનો હાથ સાવ કૂણો હતો, લાઇક બટર.’
રામ કંઈ કહે એ પહેલાં મીરાએ પોતાનો હાથ લંબાવ્યો.
‘તારો હાથ આપ...’ મીરાનો હાથ રામે હાથમાં લીધો કે તરત મીરાએ કહ્યું, ‘તારા હાથમાં જે સ્ટ્રૉન્ગનેસ છે એવી તો દૂર-દૂર સુધી એ હાથમાં સ્ટ્રૉન્ગનેસ નહોતી અને રામ યુ નો, ટ્રેઇનિંગને કારણે આપણા હાથ આવા કડક થઈ જાય છે. આર્મીમાં તો આપણાથી પણ વધારે હાર્ડ ટ્રેઇનિંગ છે અને પેલો તો મેજર...’
‘મે બી, લાંબા સમયથી ઍડમિન એરિયા જોતો હશે.’
‘ના, બૉર્ડર પર છે.’ મીરાને અચાનક યાદ આવ્યું, ‘બીજી પણ એક વાત છે, જે મને થોડી વિચિત્ર લાગે છે.’
સામેથી કશું પૂછવામાં આવ્યું નહીં એટલે મીરાએ વાત આગળ વધારી.
‘રામ, આપણે હોઈએ કે પછી આર્મી હોય... આપણે ફિટ હોઈએ છીએ, પણ આપણે સિક્સ-પૅક ઍબ્સ સાથે હોઈએ એવા ચાન્સિસ કેટલા પર્સન્ટ...’
‘રૅર...’ રામે તરત જવાબ આપ્યો, ‘એકાદ પર્સન્ટ એવા ઑફિસર હશે જેને પોતાની જાતને શો-ઑફ કરવા માટે ઍબ્સ જોઈતી હોય છે.’
‘હંઅઅઅ... આ જે અજય છે એ સિક્સ-પૅક ઍબ્સ સાથે છે. એવું જ લાગે તમને કે તેણે રીતસર ડિઝાઇન કરીને બૉડી ડેવલપ કર્યું છે.’
‘ડ્યુટી ક્યાં છે?’
‘હતી...’ મીરાએ કહ્યું,
‘જમ્મુ-કશ્મીર હતો અને હવે તે આસામ જવાનો છે.’
‘ગૌહાટી?’
‘નો આઇડિયા...’ મીરાને સહેજ સંકોચ પણ થયો, ‘ઍક્ચ્યુઅલી, મારે આવી શંકા પણ ન કરવી જોઈએ.’
‘ડોન્ટ ફર્ગેટ, સૉલ્યુશન તો જ આવે જો મનમાં શંકા હોય...’ ડેપ્યુટી પોલીસ કમિશનર રામે કહી દીધું, ‘ગૌહાટીમાં તપાસ કરવી હોય તો થઈ શકે... ત્યાં ડ્યુટી પર મારો એક ફ્રેન્ડ છે.’
‘વૉટ યુ સજેસ્ટ?’ મીરાએ સામે સવાલ કર્યો, ‘ઇન્ક્વાયરી કરવી જોઈએ કે નહીં?’
‘સવાર સુધી રાહ જો અને પછી અંતરઆત્મા જે કહે એનું માન...’
‘હંઅઅઅ...’
‘વેરી ગુડ મૉર્નિંગ મિસ્ટર અજય...’
અંતરાત્માની વાત માનીને ઇન્સ્પેક્ટર મીરા વૈદ્યએ નક્કી કરી લીધું કે મનમાં આવેલી શંકાનું એક વાર નિરાકરણ કરી લેવું, જેના ભાગરૂપે તેણે સવાર પડતાંની સાથે જ અજય મ્હાત્રેને ફોન કર્યો, પણ શરૂઆતના ત્રણ ફોન રિસીવ થયા નહીં એટલે મીરાએ ૧૧ વાગ્યા સુધી રાહ જોવી પડી અને ૧૧ વાગ્યે અજયે ફોન ઉપાડ્યો. જોકે એ સમયે પણ અજય ઊંઘમાં હોય એવું અવાજ પરથી લાગતું હતું.
‘મૉર્નિંગ...’ અજય સહેજ અવઢવમાં પણ હતો, ‘કોણ બોલે છે?’
સવાલ પૂછ્યાની અડધી જ સેકન્ડમાં અજયે જવાબ આપી દીધો,
‘ઓહ, મીરા વૈદ્ય...’
‘હા... તમારા દિવસની શરૂઆત પોલીસ-ડિપાર્ટમેન્ટથી થાય છે. સૉરી ફૉર ધૅટ.’
‘નો વરીઝ... શું કામ પડ્યું?’
‘તમારે ઑફિસ આવવું પડશે...’
‘કેમ, ફરી કોઈનું લૅપટૉપ ગયું?’
‘ના, જેનું લૅપટૉપ ગયું હતું એ ભાઈએ હલકટાઈ કરી છે. તેણે અમદાવાદ પાછા જઈને પોલીસ-કમ્પ્લેઇન કરી છે...’
‘નૉનસેન્સ... હવે તો તેને લૅપટૉપ પાછું મળી ગયું છે...’
‘હા, મેં અમદાવાદ સ્ટાફ સાથે વાત પણ કરી લીધી અને તમારી ઓળખાણ પણ આપી કે તમે આર્મીમાં મેજર... બટ યુ નો...’ મીરાના અવાજમાં સહજતા હતી, ‘ડ્યુટી. મને ઇન્સ્ટ્રક્શન આવ્યું કે આ કેસને બંધ કરવા માટે પણ એક વાર તમારું સ્ટેટમેન્ટ લઈને અમદાવાદ મોકલાવી દઉં.’
અજય મ્હાત્રેની સાઇડથી કોઈ જવાબ ન આવ્યો એટલે મીરાએ તરત ચોખવટ કરી,
‘અરે, તમને એ કહેવાનું રહી ગયું કે અમદાવાદવાળા એ ગુજરાતી ભાઈએ તો મારી વિરુદ્ધ પણ કમ્પ્લેઇન કરી છે કે મેં તેની સાથે બદતમીઝી કરી એટલે એ ભાઈએ મુંબઈમાં કેસ કરવાનું અવૉઇડ કર્યું.’
‘સચ અ બુલશીટ...’
‘જે છે એ આ છે મિસ્ટર અજય...’ મીરાએ પોતાની રિસ્ટ વૉચમાં જોઈ લીધું, ‘બપોરે ત્રણ વાગ્યે તમને અનુકૂળ આવશે? સ્ટેટમેન્ટ તો આજે જ ફાઇલ કરવાનું છે.’
‘પણ... ઇટ્સ બીટ ડિફિકલ્ટ...’ અજયે મનોમન પોતાનું ટાઇમટેબલ ચેક કરી લીધું, ‘પાંચ વાગ્યે...’
‘ચાલે... પણ એનાથી મોડું નહીં.’ મીરા પાસે કારણ તૈયાર હતું, ‘મારે ૬ વાગ્યા પહેલાં સ્ટેટમેન્ટ ફાઇલ કરવું પડશે નહીં તો બનશે એવું કે એ લોકોએ પોતાની રીતે ઍક્શન લેવી પડશે અને એમાં...’
અજય કંઈ પૂછે કે બોલે એ પહેલાં જ મીરાએ વાતને વાળી લીધી.
‘એ બધું છોડો, તમે પાંચ કે એ પહેલાં બોરીવલી રેલવે-સ્ટેશને... જ્યાં ગઈ કાલે આપણે મળ્યાં હતાં ત્યાં આવી જાઓ. રૂબરૂ વાત કરીએ.’
‘મિસ્ટર અજય, તમારા વિશે થોડી વાત કરશો?’
‘એ જરૂરી છે?’ સહેજ કડકાઈ સાથે અજય મ્હાત્રેએ જવાબ આપ્યો, ‘આપણે સ્ટેટમેન્ટ માટે મળ્યાં છીએ તો પછી એ પૂરું કરીએ, મારે મોડું થાય છે.’
‘શ્યૉર...’ મીરા વૈદ્યએ સ્ટેટમેન્ટની તૈયારી શરૂ કરી અને પૂછી લીધું, ‘ચા લેશો, આ મારો ચા પીવાનો ટાઇમ છે, ધૅટ્સ વાય આસ્કિંગ.’
‘ના... મને નહીં ફાવે.’
‘ઓકે, નો ઇશ્યુ...’ ટેબલ પર પડેલું પૅડ આગળ લંબાવતાં મીરાએ કહ્યું, ‘વધારે કશું નથી લખવાનું. કઈ રીતે ભૂલથી લૅપટૉપ તમે સાથે લઈ લીધું એટલી જ વાત લખવાની છે.’
અજયે પૅડ હાથમાં લીધું અને સહેજ વિચારમાં પડ્યો કે તરત મીરાએ પોતાના ટેબલ પર રહેલું થર્મોસ ખોલ્યું અને કપ ભરવાનું શરૂ કર્યું.
‘બિલકુલ ચા નહીં ફાવે?’
જવાબ આપવાને બદલે અજયે નકારમાં ઇશારો કરી દીધો અને પછી પેન લેવા માટે ટેબલ તરફ હાથ લંબાવ્યો અને એ જ સેકન્ડે મીરાએ ચાનો કપ અજય તરફ લંબાવ્યો.
‘ટેસ્ટ તો કરો, સારી બની છે.’
‘ના...’
અજયનું હાથ લંબાવવું અને મીરાનો તેની તરફ કપ લંબાવવો.
બન્ને ઘટના એકસાથે બની અને અજયનો હાથ કપને લાગ્યો.
મોટા ભાગની ચા ટેબલ પર ઢોળાઈ, પણ ચાનાં થોડાં ટીપાં અજયના જીન્સ પર ઊડ્યાં અને અજય ઝાટકા સાથે ઊભો થઈ ગયો. ચાની બળતરા પણ તેને નડતી હતી તો મીરાનું આ રીતે આગ્રહ કરતાં ગળે પડવું પણ તેને ચચરતું હતું.
‘આઇ ઍમ સૉરી...’ મીરા તરત ઊભી થઈને તેની પાસે આવી અને અજયને વૉશરૂમનો દરવાજો દેખાડતાં કહ્યું, ‘આ તરફ... જલદી સાફ કરી નાખો.’
અજય ઉતાવળે વૉશરૂમ તરફ ગયો અને અંદર જઈને જેવો તેણે દરવાજો બંધ કર્યો કે બીજી જ સેકન્ડે મીરા ચિત્તાની ઝડપે અજયની બૅકપૅક તરફ ભાગી.
વૉશરૂમમાં ચાના ડાઘ સાફ કરતા અજયને ખબર નહોતી કે તેના જીવનના બધા ડાઘ હવે કાયમ માટે ખૂલવાના છે.
(વધુ આવતી કાલે)