મુંબઈમાં ઘણાં બિલ્ડિંગો વર્ષોથી તૂટેલાં પડ્યાં છે, ભાડૂતોની હાલત કફોડી છે

06 June, 2024 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાડૂતનો હક બિલ્ડિંગ તૂટ્યા બાદ પણ અકબંધ રહે છે

પ્રતીકાત્મક તસવીર

આપણે જ્યાં રહેતા હોઈએ એ જગ્યા જો રિપેર થઈ શકે એવી ન હોય તો મ્યુનિસિપાલિટીના કાયદા મુજબ સેક્શન ૩૫૩(એ) હેઠળ ૩૦ વર્ષ જૂના મકાનનું સ્ટ્રક્ચરલ ઑડિટ થવું અનિવાર્ય છે અને જો સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટમાં C1 કૅટેગરી આવે તો મકાન ખાલી કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) લાઇટ તેમ જ પાણી કાપી નાખે છે. ત્યાર બાદ ફ્લૅટ, દુકાન કે ગોડાઉનધારકે જગ્યા ફરજિયાત ખાલી કરવી પડે છે. આવા સંજોગોમાં હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ અને લોઅર કોર્ટ ભાડૂત કે ફ્લૅટના માલિકને કોઈ કાયદાકીય

સ્ટે-ઑર્ડર કે પ્રોટેક્શન આપતી નથી, કારણ કે એકંદરે જાનહાનિ રોકવાની જવાબદારી કોર્ટની થઈ પડે છે.

મકાનમાલિક જો બિલ્ડિંગને રિપેર ન કરાવે અને એકંદરે ૩૦-૪૦ વર્ષના અંતે બિલ્ડિંગ રહેવા યોગ્ય ન હોય તો મકાનમાલિક પોતે BMCમાં ફરિયાદ કરીને યેનકેન પ્રકારે સ્ટ્રક્ચરને C1 કૅટેગરીમાં ડિક્લેર કરાવી લે છે જેના કારણે ભાડૂતે મજબૂરીમાં ભાડા કે ટેમ્પરરી અકોમોડેશન ચાર્જિસ વગર ઘર કે દુકાન ખાલી કરવું પડે છે.

મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ ઍક્ટ ૧૯૯૯ અને એમાં થયેલા અમેન્ડમેન્ટ મુજબ મકાનમલિક ભાડૂતને જગ્યાની સામે ફક્ત જગ્યા જ આપવા બંધાયેલા છે, એ પણ ભાડૂત તરીકે જ અને બિલ્ડિંગ તૂટવા પછી ૫ાંચ કે ૬ વર્ષ પછી જ્યારે બિલ્ડિંગ બને ત્યારે જગ્યા/દુકાન નીચે, ઉપર, આગળ, પાછળ ક્યાંય પણ આપી શકે છે. આ ૫-૬ વર્ષ દરમ્યાન જ્યારે બાંધકામ ચાલુ કે બંધ હોય તો ભાડૂતને કાયદાકીય રીતે ટેમ્પરરી અકોમોડેશન ચાર્જિસ આપવાની જવાબદારી મકાનમાલિકની નથી અને ભાડૂતે અહીં-તહીં ભટકતા રહેવું પડે છે. આજે પણ મુંબઈમાં ઘણાં બિલ્ડિંગો ૧૦-૧૫ વર્ષથી તૂટેલાં પડ્યાં છે. ભાડૂતોની હાલત કફોડી છે. ભાડૂતો કોર્ટમાં અરજી તો કરે છે, પણ સમગ્ર ન્યાયિક પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે જે તેઓ સહન કરી શકતા નથી કે પછી તૂટેલાં બિલ્ડિંગોમાં રહી પણ નથી શકતા.

મુંબઈ હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે ઘણા ચુકાદામાં ભાડૂતોને પ્રોટેક્શન આપ્યું છે કે બિલ્ડિંગ તૂટ્યા બાદ દોઢ વર્ષમાં જો મકાનમલિક બાંધકામ ન કરે તો હાઈ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને ન્યાય મેળવવાની પ્રક્રિયા કરી શકાય છે, પણ એમાં યોગ્ય પરિણામ મેળવતાં ઘણો સમય લાગે છે અને ખર્ચ પણ ઘણો થઈ જાય છે.

ભાડૂતનો હક બિલ્ડિંગ તૂટ્યા બાદ પણ અકબંધ રહે છે, કારણ કે બિલ્ડિંગ તૂટવા પહેલાં BMC દ્વારા તમારી જગ્યાની માપણી થઈને સર્ટિફાઇડ એરિયા-લિસ્ટ BMCમાં રજિસ્ટર થાય છે જેથી ભવિષ્યમાં તમે એટલો એરિયા મેળવવાના કાયદાકીય હકદાર બનો છો.

 

- પીયૂષ શાહ (સૉલિસિટર પીયૂષ શાહ કચ્છી ઍડ્વોકેટ વેલ્ફેર અસોસિઅેશનમાં સેક્રેટરી છે અને બૃહન્મુંબઈ ગુજરાતી સમાજમાં સહ-સેક્રેટરી છે. )

columnists