સ્વીકાર કરો ‘આદિપુરુષ’નો : ટેક્નૉલૉજી સાથે એ વાત નવેસરથી કહેવાય તો એનો હર્ષ હોવો જોઈએ

13 June, 2023 04:19 PM IST  |  Mumbai | Manoj Joshi

ટેક્નૉલૉજીથી માંડીને આધુનિકતા સુધ્ધાંમાં બદલાવ થયો છે, તો વિચારધારા પણ બદલાઈ છે અને વિચારધારાની સાથોસાથ બૌદ્ધિકતામાં પણ જબરદસ્ત ફરક આવ્યો છે

ફાઇલ તસવીર

તમે જરા વિચાર કરો કે ૮૦ના દસકામાં કહેવાયેલી ‘રામાયણ’ પાસે કેવાં ટાંચાં સાધનો હતાં અને એ ટાંચાં સાધનોને લીધે કેટકેટલી મર્યાદાઓ હતી? જરા યાદ કરો એ સમયે ટીવી પર દેખાડવામાં આવતી ‘મહાભારત’ પાસે પણ કેટલી મર્યાદિત ક્ષમતા હતી. ટેક્નૉલૉજીથી માંડીને આધુનિકતા સુધ્ધાંમાં બદલાવ થયો છે, તો વિચારધારા પણ બદલાઈ છે અને વિચારધારાની સાથોસાથ બૌદ્ધિકતામાં પણ જબરદસ્ત ફરક આવ્યો છે. એ જે નવી વાત છે, નવી બૌદ્ધિકતા છે, નવી ટેક્નૉલૉજી છે એ બધાની સાથે જો એ જ વાત નવેસરથી કહેવાય તો એને ઉતારી પાડવાને બદલે બહેતર છે કે એનો સહર્ષ સ્વીકાર થવો જોઈએ.

‘આદિપુરુષ’માં એ જ થયું છે. એ જ ભગવાન શ્રીરામની વાત કહેવામાં આવી છે અને એ જ મહાવીર, બાહુબલી હનુમાનજીની વાત કહેવામાં આવી છે, પણ એ કહેવામાં નવી ટેક્નૉલૉજીનો સહારો લેવામાં આવ્યો છે તો એ નવી ટેક્નૉલૉજીમાં નવી બૌદ્ધિકતાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. તમે જુઓ, ‘આદિપુરુષ’ના ટ્રેલરમાં જે દર્શાવવામાં આવ્યું છે એ એકેએક વાત જુઓ. લક્ષ્મણરેખાવાળો રામાયણનો જે પ્રસંગ છે એ પ્રસંગ સમયે જાનકીજી રેખાની બહાર પગ મૂકે છે અને તેમનો પગ ફરી પાછો ખેંચાવાની સાથે જ આછીસરખી દીવાલ ત્યાં રચાતી જોવા મળે છે, જેના પર સ્વસ્તિક અને ઓમકાર ઉપરાંત ભારતીય પુરાણોનાં એવાં સિમ્બૉલ પણ દેખાય છે જેનું આપણે ત્યાં મહત્ત્વ અદકેરું છે. જુઓ તમે, રાવણ જ્યારે જાનકીજીનું અપહરણ કરે છે ત્યારની ઘટના. પહેલાં ટીવી કે ફિલ્મોમાં જોવા મળેલી ‘રામાયણ’માં રાવણ પોતે એ કાર્ય પોતાના હાથે કરતો, પણ અહીં તેની પિશાચી શક્તિનો ઉપયોગ થતો દેખાડવામાં આવ્યો છે અને એ અસરકારક રીતે થયો છે. કહેવાનો અર્થ એ જ છે કે કોઈ નવું એ જ હિંમત કરે જે તમારાં પુરાણો સાથે જોડાયેલું હોય તો એનો સહર્ષ સ્વીકાર કરો. કારણ કે નવામાં કોઈ નવી વાત તો હશે જ, પણ સાથોસાથ એ તમારી નવી પેઢીને જોડવાનું કામ પણ સરળતા સાથે કરશે.

વિચારો કે આજે જે દસ-બાર વર્ષની ઉંમર ધરાવે છે તેમને ટીવી પર આવેલી પેલી ‘રામાયણ’ કે ‘મહાભારત’ દેખાડવામાં આવે તો શું તેઓ રસપૂર્વક જોઈ શકે ખરા? તેમને શું એ ટેક્નૉલૉજીમાં આનંદ આવી શકે ખરો? જરા વિચાર તો કરો કે જો તમે ૫૦ અને ૬૦ના દસકાની ફિલ્મ આજે માણી નથી શકતા તો તમારાં સંતાનો કેવી રીતે એ મેકિંગ માણી શકે જે ૭૦ અને ૮૦માં તૈયાર થયું છે. શુભ થાઓ મેકર્સનું કે તેમના મનમાં ‘આદિપુરુષ’નો વિચાર આવ્યો અને તેમણે એનું સર્જન કરવાની દિશામાં કામ શરૂ કર્યું. નવી પેઢી આ જ ‘આદિપુરુષ’થી ‘રામાયણ’ સાથે નવેસરથી કનેક્ટ થશે અને નવી જનરેશન આ જ ‘આદિપુરુષ’થી શ્રીરામના નારાઓ સાથે પણ જોડાશે. બહુ જરૂરી છે કે આ પ્રકારનાં સાહસ થતાં રહે. જો આ સાહસ થશે તો જ નવી જનરેશનમાં સુગ્રીવ માટેની લોકચાહના વધશે અને જો આ પ્રકારનાં સાહસ થશે તો જ રાવણની પાશવી માનસિકતા પણ નવી જનરેશન સુધી અસરકારક રીતે પહોંચશે. સ્વીકાર કરો એ ‘આદિપુરુષ’નો, જે ‘રામાયણ’ને ફરી એક વાર આપણા સૌના પરિવારમાં લોકપ્રિયતા અપાવવાનું કામ કરવાની છે.

manoj joshi columnists