20 December, 2022 01:19 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
કિસ્સો હમણાંનો જ છે અને બહુ અગત્યનો છે. આપણે કિસ્સાની બહુ ચર્ચા કરવાના નથી, પણ એ કિસ્સાને કારણે જે અવસ્થા ઊભી થઈ છે એ જાણવું અત્યંત આવશ્યક છે. એક વેપારી હતા. તેમણે મિત્રતાના દાવે અને પોતાના કૉમન-ફ્રેન્ડના કહેવાથી બીજા વેપારી બંધુને સાવ મામૂલી, કહો કે બૅન્કના વ્યાજ મુજબ જ પૈસા આપ્યા. મનમાં ઊંડે-ઊંડે એવું કે પૈસા બૅન્કમાં પડ્યા રહે એના કરતાં કોઈને કામ લાગે અને એ પોતાનો બિઝનેસ વધારે, લંબાવે, પણ સમયની કઠણાઈ જુઓ. એ મહાશયને આર્થિક મુશ્કેલી આવી અને તેમણે વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું. સમય પસાર થયો અને પસાર થતો જ ગયો. દોઢ-બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો એટલે સ્વાભાવિક રીતે પેલા વેપારીએ પૈસા માટે દબાણ કર્યું, પણ પૈસા પાછા આવતા નહોતા. પસાર થયેલા આ સમયગાળામાં વેપારીનો કૉલેજિયન દીકરો પણ બિઝનેસમાં સાથે જોડાઈ ગયો હતો એટલે હવે તેને પણ વાતની ખબર હતી. યુવા માનસિકતા, ગરમ લોહી અને આધુનિક વિચારધારા. એ પૈસા પપ્પાએ ભૂલી જવાની તૈયારી દાખવી, પણ પપ્પાના એ પૈસા દીકરો ભૂલવા રાજી નહોતો અને આ જ સહજ પ્રતિક્રિયા હોય. અલબત્ત, પપ્પાની વાત પણ વાજબી હતી કે હું આપ-કમાઈના પૈસા ભૂલવા તૈયાર છું તો તું બાપ-કમાઈના પૈસા માટે કેવી રીતે આટલો વ્યાકુળ થઈ શકે?
દીકરાને વાત સમજાતી હતી, પણ તે એનો અમલ કરવા રાજી નહોતો અને એટલે જ તેણે પેલી ઉઘરાણી માટે પોતાની રીતે મહેનત ચાલુ રાખી, પણ એનું કોઈ રિઝલ્ટ આવતું નહોતું. ફાઇનલી દીકરાના મનમાં વિચાર આવ્યો કે તે એવું કાંઈ કરે જેથી જેની પાસેથી ઉઘરાણી લેવાની છે એ વ્યક્તિને શરમ આવે અને તે સામે ચાલીને પૈસા આપી જાય. બહુ વિચાર અને મંથન કરતાં તેને એવો રસ્તો સૂઝ્યો જે આજની યુવા પેઢીને જ સૂઝી શકે.
જેની પાસે પૈસા લેવાના હતા એ ભાઈના નામનું દીકરાએ ફેક અકાઉન્ટ ખોલાવ્યું અને એકદમ પવિત્રતા સાથે સવાર-બપોર-સાંજ તે એ અકાઉન્ટ પર નજર રાખવા માંડ્યો. જેકોઈ આવે તેની સાથે વાત કરે અને હાય-હેલો પછી તરત જ કહે કે મારે ફલાણા ભાઈને પેમેન્ટ ચૂકવવાનું છે, હું એ પેમેન્ટ ચૂકવી દઈશ. આમ જોઈએ તો આ બહુ સામાન્ય કહેવાય એવી હરકત હતી, પણ આ હરકત એક ક્રાઇમ છે! ભૂલવું ન જોઈએ કે ફેક અકાઉન્ટ ઓપન કરવું અને એનો વપરાશ કરવો એ આપણે ત્યાં ગુનો છે. વાત પેલા ભાઈ પાસે પહોંચી એટલે તેણે તો જઈને સાઇબર-સેલમાં કમ્પ્લેઇન કરી દીધી. તપાસ થઈ અને એ તપાસના આધારે પેલા છોકરાની અટકાયત કરવામાં આવી. હવે પોલીસની લાચારી કહો કે ઉસ્તાદી, પોલીસે એક જ સ્ટૅન્ડ લઈ રાખ્યું કે જો ફરિયાદી ફરિયાદ પાછી ખેંચે તો જ આ કેસ પાછો લઈ શકાય અને પેલા હરામી ફરિયાદીની એક જ વાત, જો ઉઘરાણીની માંડવાળી થાય અને માફીપત્ર લખી આપે તો જ પેલી ફરિયાદ પાછી ખેંચું. એક બાપ માટે આનાથી મોટી વિંટબણા બીજી કઈ હોય કે એક તરફ પરસેવાની સંપત્તિ છે અને બીજી તરફ પોતાનું ફરજંદ.
આ પણ વાંચો : દરેક વાતમાં વિરોધ નોંધાવવાની ભાવના ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે જોખમી બનશે
આ કેસમાં તો બાપે ફરિયાદ પાછી ખેંચવા માટે પોતાની રકમ પાછી ખેંચી લીધી, પણ સમજવાની જરૂર એ છે કે નાનકડી હરકતનું પરિણામ કેવું વિકરાળ આવી શકે છે.