જૈન અને ભાવનાઓ : યાદ રહે કે જો આસ્થાનો સ્વીકાર કરશો તો જ શ્રદ્ધા અકબંધ અને અડીખમ રહેશે

09 January, 2023 03:32 PM IST  |  Mumbai | Manoj Joshi

જૈનોના લોહીમાં સહિષ્ણુતા છે, જૈનાના લોહીમાં અહિંસા છે અને એ સતત દર્શાતી રહે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સમેતશિખર તીર્થસ્થાન માટે તો હવે પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે, પણ શત્રુંજય તીર્થનો પ્રશ્ન હજી પણ અકબંધ છે અને અકબંધ રહેલા એ પ્રશ્નને હવે પૂર્ણતાની આરે લઈ જવાનો છે. આ જવાબદારી થોડી વિકટ છે, પણ અશક્ય કે અસંભવ કહીએ એવી તો બિલકુલ નથી. ગુજરાત સરકાર જો ધારે તો આ દિશામાં નક્કર કામ કરી જ શકે છે અને એ દિશામાં તેમણે કામ પણ શરૂ કર્યું છે.

શત્રુંજયની તળેટીમાં ગુજરાત સરકારે પોલીસચોકી શરૂ કરી દીધી, જે સીધી ડિસ્ટ્રિક્ટ જનરલ પોલીસની નિગરાનીમાં રહેશે, તો સાથોસાથ એણે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે જે ટાસ્ક ફોર્સે અત્યાર સુધીની ઘટનાનું રિપોર્ટિંગ મોકલવાનું છે અને એના આધારે ગુજરાત સરકાર કામ કરવાની છે. 

કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એવી અપેક્ષા સાથે કહેવાનું કે જૈનો અને પારસી એકસમાન છે. બન્ને સંપૂર્ણપણે નિર્દોષ પ્રજા છે. બન્ને જેટલી સહિષ્ણુ આ દેશની અન્ય કોઈ પ્રજા નથી, તો સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે આ બન્ને પ્રજા બહુ ભોળી છે. જૈનોની તમે ડિમાન્ડ સાંભળશો તો તમે પણ આ જ વાત સ્વીકારશો અને ધારો કે તમે એ સાંભળો નહીં તો તમે ગઈ કાલના ‘મિડ-ડે’માં આવેલો રુચિતા શાહનો આર્ટિકલ વાંચી લેશો તો પણ સમજાશે કે ખરેખર આ પ્રજા જેટલી સીધી, સરળ અને આસ્થાળુ પ્રજા બીજી કોઈ નથી. 

હવે આવીએ ફરી જૈનોની વાત પર.

જૈનો માત્ર એટલી માગ કરે છે કે અમને ન્યાય આપો અને ન્યાય માગવા નીકળેલી આ પ્રજા રસ્તા પર રૅલી કાઢવા સિવાય કશું કરતી નથી. નથી નારા લગાવતી કે નથી એ કોઈ જાતનો બહિષ્કાર કરાવતી. જૈનોના લોહીમાં સહિષ્ણુતા છે, જૈનાના લોહીમાં અહિંસા છે અને એ સતત દર્શાતી રહે છે. હું કહીશ કે જૈનોના પ્રશ્નને એક વખત તમે સમજો, સમજશો તો તમને પણ સમજાશે કે શત્રુંજય તીર્થ પર કેટલી વાહિયાત રીતે ગેરવાજબી પ્રજા આવી ગઈ છે અને એ પ્રજા જૈનોની મૂળ વિચારધારાનો અનાદર કરે છે. મારા દેશની સૌથી મહત્ત્વની કહેવાય એવી (પારસી અને) જૈન પ્રજા એટલું જ માગે છે કે પ્લીઝ, તમે એ બધું અટકાવો. એવું બિલકુલ નથી કે જૈનોને હિંસક બનતાં આવડતું નથી. પોતાને માટે તો એ રસ્તા પર નહીં જ જાય અને એ પણ કહેવાનું કે પોતાના ધર્મ માટે પણ તે હિંસાના રસ્તે નહીં જાય. હા, તે ભોગ આપશે પોતાનો, પણ ભૂલથી પણ એવો માર્ગ નહીં અપનાવે જે માર્ગ તેમના ધર્મના રસ્તે ચીંધવામાં નથી આવ્યો. 

માણસ પોતાનો ભોગ આપવા તૈયાર થઈ જાય એ સ્તર સુધી જવું જ શું કામ છે સાહેબ. તાત્કાલિક રસ્તો કાઢો અને એ રસ્તો ખરેખર ગુજરાત સરકાર કાઢી શકે એમ છે. હું તો ગુજરાત રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારને પણ કહીશ કે એ ભૂલે નહીં, જો આસ્થાનો સ્વીકાર કરશો તો અને તો જ શ્રદ્ધા અકબંધ રહેશે. અકબંધ પણ અને અડીખમ પણ... મિચ્છા મિ દુક્કડં.

columnists manoj joshi