14 December, 2022 02:39 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આજે બાળકો વાત કરવાનું શરૂ કરે છે ત્યારે તેમની જે ભાષા હોય છે, તેમની જે બોલી હોય છે, તેમનો જે ટોન હોય છે એ જોઈને ખરેખર પેરન્ટ્સે વિચારવાની જરૂર છે. વાતવાતમાં પપ્પાને ‘યાર’ કહેતાં સંતાનો કે પછી મમ્મીને તું’કારે બોલાવતી આ નવી જનરેશન જ્યારે ઊગી રહી છે ત્યારે તેની આવી વાતો મીઠાશવાળી લાગે, પણ જે સમયે એ ટીનએજ પસાર કરીને આગળ વધશે એ સમયે તેના મોઢે થતી આવી વાતોમાં રુક્ષતા અને તોછડાઈ લાગશે, પણ એ સમયે બાળકોને વાળવાનું કામ સરળ નહીં હોય. દરેક વાતમાં જરૂરી નથી કે તમે મૉડર્ન દેખાવા માટે આ પ્રકારના રસ્તા જ અપનાવો કે પછી મૉડર્નાઇઝેશનના નામે તમે મર્યાદાઓનું ઉલ્લંઘન કરો. આપણે આપણાં માબાપને માન આપતાં ‘તમે’ કહીને બોલાવતાં અને એ પાછળનું કારણ પણ હતું. આપણને આપણાં માબાપે સંસ્કાર આપ્યા હતા. સંસ્કાર આપવાનું હવે આપણા હાથમાં આવ્યું છે ત્યારે નવા અને વધારાના સંસ્કાર ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ ઍટ લીસ્ટ એ સંસ્કાર તો આપીએ જે સંસ્કાર આપણને મળ્યા છે.
બાપ-દીકરો સાથે બેસીને દારૂ પીવાની વાત કરે એ હજી પણ આપણું ગુજરાતી કલ્ચર સ્વીકારવા રાજી નથી તો એમાં કંઈ ખોટું પણ નથી. જો આજે પણ શરાબને આપણો સમાજ સ્વીકારવા રાજી ન હોય તો એમાં કંઈ સમાજ અને પ્રજા ગમાર નથી થઈ જતી. જો દારૂ પીવાથી મૉડર્ન થવાતું હોય તો હું માનું છું કે મને મારી જાતને ગમાર તરીકે ઓળખાવવી વધારે ગમશે અને હું એવું જ કરીશ. પંજાબ, હરિયાણા અને દિલ્હીના બાપ-દીકરાના દાખલા મારે નથી સાંભળવા, નથી મારે તેમના જેવા થવું કે નથી હું ઇચ્છતો કે મારાં બાળકો પંજાબ, હરિયાણા અને દિલ્હીવાળા જેવાં બને તો પછી હું શું કામ એ લોકોની વાત પણ સાંભળું. યાદ રાખજો કે ભલે દુનિયા એવી ફિશિયારી મારે કે યુવાન સંતાનોના મિત્રો બનીને રહેવું જોઈએ, પણ હું કહું છું કે એવી જરાય જરૂર નથી, જરાય નહીં. તમારાં યુવાન સંતાનોને મિત્રો અઢળક મળશે, પણ તેના નસીબમાં બાપ કે મા એક જ છે એટલે તેને પણ ભાઈબંધ કે બહેનપણી બનાવીને છીનવી ન લેતાં. નથી જરૂર એવી ભાઈબંધી કેળવવાની જેને લીધે તમારા વહાલસોયા સંબંધોનો ક્ષય થઈ જવાનો હોય. નથી જરૂર એવાં બહેનપણાં બનાવવાની, પણ જેને લીધે લાગણીઓની લિજ્જત ફિક્કી બની જાય અને તોછડાઇ રમઝટ લેવા માંડે.
આ પણ વાંચો: દરેક જિંદગી સાથે એક વૃક્ષ જોડવાની જવાબદારી જ સૃષ્ટિ માટે રક્ષકનું કામ કરશે
સંતાનોથી અંતર હોય તો એ ખોટું નથી. સંતાન જેવડા બનીને ઉછાંછળાપણું કરવા કરતાં તો ઉત્તમ છે કે તમે વાજબી રીતે અને યોગ્ય રીતે તમારા સંતાનના વડીલ બનીને રહો. ડાન્સ-પાર્ટીમાં કે પિકનિકમાં જઈને તમે જો તેની ઉંમરના બનશો તો ચોક્કસપણે એવું બનશે કે તમારા પ્રત્યેનો આદર છે એ આદર નીકળી જશે અને એના સ્થાને વાંધાવચકા અને તકલીફો ઉમેરાઈ જશે. જો ઇચ્છતા હો કે તમે તમારા સંતાનના વડીલ બનીને રહો તો એ માટેનું યોગ્ય વર્તન તમારું હોવું જોઈશે.