ધ ગ્રેટ ઇન્ડિયા : હવે પાકિસ્તાનને પણ મોદી જોઈએ છે એ વાત સહેજેય નાનીસૂની નથી

25 February, 2023 12:03 PM IST  |  Mumbai | Manoj Joshi

પાકિસ્તાનની નવી જનરેશન શાર્પ છે, શાર્પ પણ અને ઇન્ટેલિજન્ટ પણ. તેને ખબર છે કે પોતાને કેવી રીતે જીવવું છે અને પોતે કેવી રીતે મરવા માગે છે. તેમને સુખ જોઈએ છે અને આ જન્મમાં સુખ જોઈએ છે

નરેન્દ્ર મોદી. તસવીર મિડ-ડે

છેલ્લા થોડા સમયથી યુટ્યુબની પાકિસ્તાનની કેટલીક ચૅનલ પર એક સર્વે ચાલી રહ્યો છે અને એમાં હવે પાકિસ્તાનને કોણ ઊંચાઈએ લઈ જાય એ વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, તો સાથોસાથ એ પણ પૂછવામાં આવે છે કે પાકિસ્તાનમાં ફેલાયેલા ભૂખમરામાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ?

પાકિસ્તાનની હાલત ખરા અર્થમાં કફોડી છે. દેશનો મહત્તમ વર્ગ આજે બે ટંકની રોટી માટે તરફડી રહ્યો છે તો વિકાસની વાત જ વિચારી નથી શકાતી. જ્યારે માણસ જમવાનું મેળવી ન શકતો હોય એવા સમયે કેવી રીતે તમે હાઇરાઇઝ બિલ્ડિંગ કે પછી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનો વિચાર કરી શકો! એક પણ પ્રકારના ટૅક્સની આવક અત્યારે પાકિસ્તાનને રહી નથી અને રહે પણ કેવી રીતે, જ્યારે માણસ પાસે ખાવાના સાંસા હોય ત્યારે તે કેવી રીતે ટૅક્સ ભરવાની લાયમાં પડે. તમામ મોરચે નિષ્ફળ નીવડી ચૂકેલા પાકિસ્તાનને હવે એક જ વ્યક્તિમાં આશ દેખાય છે અને એ છે નરેન્દ્ર મોદી!

નૅચરલી એવું થવાનું નથી કે મોદી એ દેશનું પણ શાસન સંભાળે. અસંભવ, પણ હા, પાકિસ્તાનીઓ, ખાસ કરીને પાકિસ્તાનની યંગ જનરેશન, વેપારીઓ અને એજ્યુકેટેડ લોકો હવે સ્પષ્ટપણે કહેતા થઈ ગયા છે કે આપણે ઇન્ડિયા બનવું પડશે, નરેન્દ્ર મોદીની સ્ટાઇલથી અને તેમના જેવા દૃષ્ટિકોણ સાથે કામ કરવું પડશે અને જો એ કરીશું તો જ પાકિસ્તાનમાં નવી આશા જન્મશે. 

આ પણ વાંચો: ૨૮ વર્ષની યાત્રા : આ જર્નીને કોઈ નાનીસૂની કહીન શકે, માની ન શકે અને ધારી પણ ન શકે

યુદ્ધ, દ્વેષ કે પછી ઈર્ષ્યા ક્યારેય કોઈ વિકાસ ન આપી શકે અને એવું ધારી પણ ન શકાય. જો એવું હોત તો આજે પણ મોગલો હયાત હોત, જો એવું હોત તો આજે પણ ચંગેઝ ખાન અને ગઝનીઓનું જ શાસન ચાલતું હોત, પણ ના, એવું નથી અને એવું ન બન્યું હોવાનું કારણ પણ બહુ મહત્ત્વનું છે. રાગદ્વેષ કે પછી ધાર્મિક ઈર્ષ્યા દ્વારા ક્યારેય કોઈનું પેટ નથી ભરાયું અને ભરાશે પણ નહીં. ધર્મ અને અધર્મની વાતો ત્યારે જ યાદ આવે જ્યારે પેટ ભરાયેલું હોય, સંતાનો સુખેથી જીવતાં હોય અને પરિવારને તમામ પ્રકારની સુરક્ષા મળતી હોય. ખાલી પેટે અને ઊકળતા હૈયે ક્યારેય ધર્મ કે અધર્મ યાદ નથી આવતા અને અત્યારે આ જ વાત પાકિસ્તાનની નવી પેઢીને સમજાઈ રહી છે.

હવે એ સમય પૂરો થયો જે સમયે માત્ર અને માત્ર ધર્મ અને જેહાદના નામે લોકોને અંધ કરવામાં આવતા હતા. પાકિસ્તાનની નવી જનરેશન શાર્પ છે, શાર્પ પણ અને ઇન્ટેલિજન્ટ પણ. તેને ખબર છે કે પોતાને કેવી રીતે જીવવું છે અને પોતે કેવી રીતે મરવા માગે છે. તેમને સુખ જોઈએ છે અને આ જન્મમાં સુખ જોઈએ છે. મર્યા પછી હૂર મેળવવાની લાયમાં તેઓ પડતા નથી અને એટલે જ વિનાસંકોચ, કૅમેરા સામે તે એવું બિન્દાસ કહી દે છે કે પાકિસ્તાનને અત્યારે જો કોઈની જરૂર હોય તો એ છે નરેન્દ્ર મોદી, જેઓ દેશને વિકાસની સાથોસાથ એને નવી ઊંચાઈ દેખાડે જેની દસકાઓથી પાકિસ્તાન રાહ જુએ છે. સાહેબ, આ શબ્દો કહેવા એ બહુ મોટી વાત કહેવાય. આ વાત કહેવી એ ખરેખર છપ્પનની છાતી હોવાની નિશાની કહેવાય.

columnists narendra modi pakistan manoj joshi